બાંગ્લાદેશના મંદિરમાં મૂર્તિઓ સળગાવી દેવામાં આવી, પછી શું થયું?

ઇમેજ સ્રોત, SHRAVAN HASAN
- લેેખક, અકબર હુસૈન
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા
બાંગ્લાદેશના ફરીદપુર જિલ્લામાં તણાવની સ્થિતિ છે. અહીં એક મંદિરમાં આગ લગાડવામાં આવી અને બે ભાઈઓને મારી મારીને તેમની હત્યા કરી દેવાની ઘટનાના એક અઠવાડીયા પછી પણ તણાવની પરિસ્થિતિ યથાવત્ છે.
સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે આ ઘટનાને કારણે ફરીદપુરના હિન્દુ અને મુસ્લિમ સમુદાયોમાં ચિંતા અને ભયનું વાતાવરણ છે.
ફરીદપુરમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બુધવારે બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશની ચાર ટુકડીઓને મોકલવામાં આવી છે.
સૈનિકોની ટુકડીઓ ફરીદપુર સદર સહિત મધુખાલી તાલુકાના પંતાપલ્લી અને બાઘાટે બજાર વિસ્તારમાં અને તેની આસપાસ ફરીદપુર જિલ્લા વહીવટીતંત્રના મૅજિસ્ટ્રેટની સાથે સંયુક્ત દળો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે.
ફરીદપુરમાં શું ઘટના બની હતી?

ઇમેજ સ્રોત, SHRAVAN HASAN
સ્થાનિક પત્રકાર શ્રવણ હસને બીબીસી બાંગ્લાને જણાવ્યું, “સાર્વજનિક રૂપે તણાવ નજરે નહીં ચડે તેમ છતાં સ્થાનિક મુસ્લિમો આ બાબતે નારાજ છે. બીજી તરફ હિન્દુ સમાજમાં અલગ પ્રકારનો ગભરાટ છે. તેમને હત્યાકાંડની ઘટના વિરુદ્ધ દાખલ થયેલા મામલાઓ અને મુસ્લિમો તરફથી વળતી પ્રતિક્રિયાની શંકા પણ છે.”
આ વર્ષે 18 ફેબ્રુઆરીએ ફરીદપુર જિલ્લામાં આવેલા મધુખાલી તાલુકાના ડુમાઇન યૂનિયનના એક મંદિરની મૂર્તીને સળગાવી દેવામાં આવી હતી. ત્યાર પછી બે મજૂરો પર શંકાને આધારે તેમની મારપીટ કરીને હત્યા કરી દેવામાં આવી હતી.
સ્થાનિક સંસદસભ્ય અને મત્સ્ય અને પશુ સંસાધન મંત્રી અબ્દુર રહમાને બુધવારે આ હત્યાકાંડના પીડિતો અશરફુલ ખાન અને અસાદુલ ખાનના પરિવારો સાથે મુલાકાત કરી હતી.
મંત્રી અબ્દુર રહેમાને બુધવારે બીબીસી બાંગ્લાને કહ્યું, “એ વાતમાં કોઈ શંકા નથી કે આ ઘટના સુનિયોજિત હતી. મારા મત પ્રમાણે સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે આ ઘટનાને સુનિયોજિત રીતે અંજામ આપવામાં આવ્યો હતો. જોકે તેમણે એ વિશે ન જણાવ્યું કે કોણે આ પ્રકારની યોજના બનાવી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું, “આ દર્દનાક ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું આને ઘાતકી હત્યા જ કહીશ.”
વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે

ઇમેજ સ્રોત, SHRAVAN HASAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે ચિંતા એ વાતની છે કે આવનાર દિવસોમાં સ્થિતિ કેવી થશે. વહીવટતંત્ર તરફથી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે.
સ્થાનિક પત્રકાર શ્રવણ હસને જણાવ્યું, “આ હત્યાકાંડની વિરોધમાં અલગ-અલગ મસ્જિદો દ્વારા પ્રદર્શન થઈ શકે છે. ઇસ્લામી કલ્યાણ ફાઉન્ડેશન નામના એક સંગઠને વિરોધ પ્રદર્શન માટે અપીલ કરી હતી.”
મંદિરમાં ગયા બુધવારે આગની ઘટના બાદ થયેલી બન્ને ભાઈઓની હત્યાને કારણે બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશની ત્રણ ટુકડીઓ મોકલવામાં આવી હતી. ત્યારપછી પરિસ્થિતિ સામાન્ય થયા પછી ટુકડીઓને પાછી બોલાવી લેવામા આવી હતી.
જોકે, સ્થાનિક મુસ્લિમોએ મંગળવારે હત્યાકાંડની તપાસની માંગ સાથે ઢાકા-ખુલના હાઈવે રોકી લીધો હતો.
પ્રદર્શનકારીઓએ આ રસ્તા પર પાંચ કલાક માટે વાહનની અવરજવર બંધ કરી દીધી હતી. પોલીસે ત્યાર પછી આ અવરોધ હટાવ્યો હતો. પોલીસે આ દરમિયાન સ્થાનિક લોકોની સાથે બોલાચાલી અને ધક્કામુક્કી કરી હતી. મીડિયામાં છપાયેલા અહેવાલોમાં કહેવામા આવ્યું છે કે પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ કરવા માટે રબરની ગોળીઓ પણ ચલાવી હતી.
પોલીસે આ ઘટના અંગે અજ્ઞાત લોકો વિરુદ્ધ મામલો દાખલ કર્યો છે. ત્યાર પછી સ્થાનિક મુસ્લિમોની ચિંતા વધી છે.
મંત્રી અબ્દુર રહેમાને બીબીસી બાંગ્લાને કહ્યું, “મુસ્લિમો ચિંતા કે આતંકના વાતાવરણમાં શું કામ રહે? એ લોકોએ ડરવું જોઈએ જેમણે કાયદાને પોતાના હાથમાં લીધો છે. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે બન્ને ધર્મના લોકોએ પોલીસ અને સુરક્ષા દળની મદદ કરવી જોઈએ. આ કોઈ ચિંતાનો વિષય નથી.”
તેમણે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે આવી ઘટના ફરીથી થઈ શકે છે, તેવી શંકાને કારણે બુધવારે ત્યાં શાંતિ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રીના મત પ્રમાણે સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.
મંત્રી અબ્દુર રહમાનને લાગે છે કે આ ઘટનાનો રાજકીય લાભ લેવાનો પ્રયત્ન થઈ શકે છે. આ કારણે સરકાર અને વહીવટીતંત્રે સતર્ક રહેવું જોઈએ.
સંસદસભ્ય અબ્દુર રહમાને મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરી અને ઘટના સ્થળની પણ મુલાકાત કરી હતી. તેમને આ ઘટનાને અવિશ્વસનીય ગણાવી હતી
માન્યામાં ન આવે તેવી ઘટના
મંત્રી અબ્દુર રહમાને બુધવારે રાત્રે પત્રકારોને કહ્યું, “કોઈને પણ આ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો કે કોઈ માણસ આ પ્રકારની ઘટનાને અંજામ આપી શકે. આ એક માન્યામાં ન આવે તેવી ઘટના છે. આ ઘટનાએ અનેક પ્રકારની ચિંતાઓ અને શંકાઓને જન્મ આપ્યો છે.”
અબ્દુર રહમાને બીબીસી બાંગ્લાને કહ્યું, “પહેલી નજરે જોતા તો મંદિરમાં આગ લગાડવાની વાત કરવામાં આવી રહી છે. જોકે, સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ ઘટના પાછળ અસલી હેતુ કંઈક બીજો છે. હજારો લોકો ખૂબ જ ઓછા સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈ પણ તથ્ય કે પુરાવા વિના ઘરો પર હુમલાઓ અને મારપીટ કરીને બે લોકોની હત્યા કરી નાખી.”
તેમણે કહ્યું કે આ ઘટનાની કાયદાકીય તપાસ થશે. તપાસ પછી જ ખબર પડશે કે કોઈ તરફથી ઉશ્કેરણી કરવામાં આવી હતી કે નહીં.
રહમાને ઉમેર્યું, “જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો તેમનો કોઈ ધર્મ કે જાતિ નથી. દોષીઓને કડક સજા આપવામાં આવશે.”
હત્યાકાંડની તપાસ અને ન્યાયની માંગણી સાથે સ્થાનિક લોકોએ જે રીતે રસ્તાઓ પર વિરોધ કર્યો અને પોલીસ સાથે સંઘર્ષ પણ થયો હતો. સ્થાનિક વહીવટીતંત્ર આ ઘટનાને સારો સંકેત માનતું નથી. આ ઘટનાને રાજકારણની દૃષ્ટીએ એક સંવેદનશીલ મુદ્દો પણ માનવામાં આવી રહ્યો છે.
“કોઈ સુનિયોજિત કાવતરું હોઈ શકે છે...”
મંત્રી અબ્દુર રહમાને કહ્યું, “જે લોકો આ ઘટનાને અલગ રંગ આપવા માંગે છે તેમનો ઇરાદો સારો નથી. તેઓ આ મુદ્દે કારણ વગરની ઉશ્કેરણીઓ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સામાન્ય લોકોમાં આ વિશે ચિંતા અને શંકાઓ છે. કોઈ ગ્રૂપે પોતાના સ્વાર્થ માટે પણ આ સુનિયોજિત કાવતરું ઘડ્યું હોય તેવું પણ બની શકે.”
મંગળવારે થયેલા રસ્તા રોકો અને વિરોધ પ્રદર્શનને કારણે સુરક્ષા દળો સતર્ક છે.
પોલીસના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસી બાંગ્લાને ક્હયું, “સ્થિતિ સંપૂર્ણરૂપે શાંત થઈ ગઈ છે તેવું કહીં શકાય નહીં. આ ઘટનાક્રમ હાલની પરિસ્થિતિમાં અલગ ટર્ન લઈ શકે છે. કાયદાકીય વ્યવસ્થા પર ચોક્કસ નજર રાખવા માટે પોલીસ ઉપરાંત બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશની ટુકડીઓ પણ ત્યાં હાજર છે.”
ફરીદપુરના પોલીસ અધિકારીએ મંગળવારે થયેલા રસ્તા રોકો પ્રદર્શન પછી પત્રકારોને કહ્યું, “આ વિસ્તારમાં જ્યાં સુંધી સંપૂર્ણપણે નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી વધારે સુરક્ષા રાખવામાં આવશે. આ સુરક્ષા જરૂરી છે જેથી કરીને કોઈ ખાસ સમાજ આ ઘટનાને મુદ્દો બનાવીને અરાજકતાનું વાતાવરણ ઊભું ન કરે.”
મંદિરમાં ગયા બુધવારે સાંજની આરતી થઈ હતી. આરતી પછી થોડાક સમયમાં જ મૂર્તિને આગ ચાંપી દેવામાં આવી હતી. આ કારણે કેટલાક લોકો પર હુમલો થયો અને બે લોકોનું મૃત્યુ થયું હતું.
મૃતકોના પરિજનો, સ્થાનિક પ્રતિનિધિઓ અને પત્રકારો સાથે વાતચીત કરતા જાણકારી મળી કે ડુમાઇન યૂનિયનના પંચપલ્લી વિસ્તારમાં કાલી મંદિર નજીક જ પંચપલ્લી સરકારી પ્રાથમિક શાળા છે.
સ્થાનિક પત્રકાર પાન્ના બાલાએ મંદિર વિસ્તારની જાણકારી આપતા બીબીસીને જણાવ્યું કે મંદિર નાનું હતું અને તેની ચારેતરફની દિવાલો પર ટીનની છત હતી. મંદિરની સામે વાંસની વાડ છે.
તેમણે ઘટનાસ્થળની મુલાકાત કરી ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું કે માલતી મંડલ રોજ સાંજે આ મંદિરમાં સાંજની આરતી અને દિવો કરતાં હતાં.
તેઓ બુધવારે પણ સાંજે સાડા છ વાગ્યે દિવો લઈને મંદિરે ગયાં હતાં.
મજૂરો તે સમયે મંદિરની નજીક આવેલી શાળામાં એક શૌચાલય બનાવી રહ્યાં હતા. તે લોકો બીજા વિસ્તારનાં રહેવાસી હતા.
તે વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો જ રહે છે અને આસપાસ કોઈ મુસ્લિમ વસ્તી પણ નથી. મંદિરની મૂર્તિ સળગાવવાની ખબર મળવાથી હિન્દુ સમાજના લોકો ખૂબ જ નારાજ હતા.
સાત મજૂરો તે સમયે બાજુની શાળામાં કામ કરી રહ્યાં હતા. મંદિરમાં આગની ખબરથી મોટી સંખ્યામાં ભીડ ત્યાં એકઠી થઈ હતી. લોકો ત્યાં રહેતા મજૂરોને પકડી-પકડીને મારવા લાગ્યાં. લોકોએ એક નસીમનને (સ્થાનીક સ્તરે વપરાતું વાહન) પણ સળગાવી જ દીધું.
પોલીસ અધિકારી મોહમ્મદ મુર્શીદ આલમે શુક્રવારે સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે બે મજૂરોની સાથે મારપીટ કરીને હત્યા કરવાના મામલામાં ભીડની આગેવાની કરનાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. જોકે, તેમણે તેનું નામ કે ઓળખાણ વિશે ન જણાવ્યું.
આ ઘટનામાં મૃત્યુ પામેલા બન્ને ભાઈઓનો શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામા આવ્યો હતો.












