બાંગ્લાદેશના રાજકારણમાં વંશવાદ કેમ વધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રકીબ હસનાત
- પદ, બીબીસી ન્યૂઝ, બાંગ્લા
ભારતમાં રાજકારણમાં વંશવાદના આરોપ સામાન્ય વાત છે એવી જ રીતે બાંગ્લાદેશમાં પણ રાજકારણમાં વંશવાદની વાત થતી હોય છે.
બાંગ્લાદેશમાં વિરોધ અને હિંસા વચ્ચે યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં પણ રાજકારણમાં વંશવાદના મુદ્દાની ચર્ચા છે.
બાંગ્લાદેશની રાજનીતિમાં સક્રિય મુખ્ય રાજકીય પક્ષોમાં રાજવંશ લાંબા સમયથી ચાલતી સમસ્યા છે.
પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે, આ સંસદીય ચૂંટણીમાં સમસ્યાનો વ્યાપ વધતો જણાઈ રહ્યો છે.
બાંગ્લાદેશમાં છેલ્લાં 15 વર્ષથી સત્તામાં રહેલી અવામી લીગે આ વખતે ઘણા એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેઓ પાર્ટીના જૂના અને વરિષ્ઠ નેતાઓના પુત્ર-પુત્રીઓ છે.
તે જ સમયે ઘણા લોકો તેમનાં પિતાના અવસાન, ખરાબ તબિયત અથવા વૃદ્ધાવસ્થાના કારણે મેદાનમાં છે.
વર્ષ 2018ની શરૂઆતમાં બીએનપીએ દ્વારા પણ મૃતક અથવા વૃદ્ધ નેતાઓનાં સંતાનોને ઘણી બેઠકો પર ઉમેદવાર બનાવ્યાં હતાં.
રાજકીય વિશ્લેષક અને ઢાકા યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અબુલ કાશેમ ફઝલુલ હક કહે છે કે, આ રાજકીય પક્ષોમાં લોકશાહીના અભાવ તેમજ દેશમાં સામાન્ય રાજકીય પ્રક્રિયાની ગેરહાજરીને કારણે રાજવંશ ઉપરથી નીચે સુધી ફૂલીફાલી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકીય વિજ્ઞાનના શિક્ષક અને રાજકીય વિશ્લેષક ડૉ. મામુન અલ મુસ્તફા માને છે કે, પક્ષની વફાદારીના પ્રશ્ન પર મોટા રાજકીય પક્ષો તેમનાં ભૂતપૂર્વ નેતાઓનાં સંતાનો પર વધુ આધાર રાખે છે. જેના કારણે દરેક સ્તરે વંશવાદનું રાજકારણ વધી રહ્યું છે.
પરંતુ અવામી લીગ અને બીએનપીના નેતાઓની દલીલ છે કે, નેતાઓના સંતાન તરીકે કોઈને હોદ્દો આપી શકાય પણ નેતા બનાવી શકાય નહીં. નેતા બનવા માટે તેણે પોતાની રાજકીય ક્ષમતા સાબિત કરવી પડશે.

અવામી લીગમાં વંશવાદ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલમાં પક્ષનાં વડાં શેખ હસીના બાંગ્લાદેશમાં સત્તારૂઢ અવામી લીગમાં સર્વેસર્વા છે અને તેમના ઘણા નજીકના પરિવારજનો જનપ્રતિનિધિ તરીકે પક્ષમાં વિવિધ હોદ્દા પર પહોંચ્યા છે.
આ ચૂંટણીમાં તેમના પરિવારના ઘણા સભ્યોને પણ ઉમેદવારી મળી છે. આ સિવાય પાર્ટીના પૂર્વ મહાસચિવ (હવે મૃત) ઝિલ્લુર રહેમાનનાં બાળકો અને અબ્દુલ જલીલ, અબ્દુર રઝાક અને મોહમ્મદ નસીમ સહિતના ઘણા નેતાઓ સાંસદ બની ચૂક્યા છે.
આ વખતે જે નવા લોકોને ટિકિટ મળી છે તેમાં કેટલાક લોકોના પિતા એવા હતા જેઓ વર્ષ 1970 અને 1973માં અવામી લીગની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. તે જ સમયે કેટલાક લોકોના પિતા તેમની વૃદ્ધાવસ્થાના કારણે રાજકારણમાં સક્રિય નથી.
વડા પ્રધાનના ભૂતપૂર્વ સૈન્ય સચિવ મેજર જનરલ (નિવૃત્ત) સલાઉદ્દીન મિયાજીને ઝેનાઈદહ-3 બેઠક પરથી પાર્ટીની ટિકિટ મળી છે.
તેમના પિતાએ વર્ષ 1970 અને 1973માં અવામી લીગની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ વખતે પાર્ટીએ આ સીટના આઉટગોઇંગ સાંસદની જગ્યાએ મિયાજીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
તેવી જ રીતે વડા પ્રધાન કાર્યાલયના પૂર્વ સચિવ સજ્જાદ ઉલ હસનને આ વખતે નેત્રકોણાની બેઠક પરથી ટિકિટ મળી છે. તેમના પિતા મુક્તિ સંગ્રામ દરમિયાન ગણ પરિષદના સભ્ય હતા.
અવામી લીગે ચટગાંવ-1 સીટ પરથી પાર્ટીના પ્રેસિડેન્ટ બોર્ડ મેમ્બર એન્જિનિયર મુશર્રફ હુસૈનના પુત્ર મહેબૂબ રહેમાન રુહેલ અને પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ (હવે મૃત) રફીકુલ અનવરની પુત્રી ખાદીજાતુલ અનવરને ચટગાંવ-2 સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે.
એ જ રીતે તેમના પુત્ર રસેક રહેમાનને પાર્ટીના ખજાનચી આશિકુર રહેમાનની સીટ પર ટિકિટ મળી છે. પૂર્વ ધાર્મિક બાબતોના મંત્રી મતિઉર રહેમાનના પુત્ર મોહમ્મદ મોહતીઉર રહેમાન મૈમનસિંહ-4 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હાજી સલીમના પુત્ર મોહમ્મદ સુલેમાન સેલ્મીને ઢાકા-5 બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
ગાઝીપુર-3 સીટ પરથી ચૂંટણી લડી રહેલી રૂમાના અલી પાર્ટીના દિવંગત નેતા રહેમત અલીની પુત્રી છે.
બીજી તરફ સુનમગંજ-2 બેઠક પરથી ચૂંટણી લડનાર ચૌધરી અબ્દુલ્લા અલ મહમૂદ હાલના પોલીસ આઈજી ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનના ભાઈ છે. તેમના પિતા સુનમગંજમાં અવામી લીગના સ્થાપક મહાસચિવ હતા.
આ સિવાય એવા ઘણા લોકોને ટિકિટ મળી છે જેઓ અગાઉ પાર્ટીના સાંસદ હતા અને છે અને જેમના પિતા અવામી લીગના સાંસદ અથવા મોટા નેતા રહી ચૂક્યા છે.
પાર્ટીના પ્રેસિડેન્ટ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય નુહ ઉલ આલમ લેનિન કહે છે કે, અવામી લીગ લગભગ એક સદી જૂની પાર્ટી છે અને તેથી આ ચિત્ર સ્વાભાવિક છે.
તેમણે બીબીસી બાંગ્લાને કહ્યું, "બાંગ્લાદેશમાં જો કોઈ વ્યક્તિ કોઈ પાર્ટીમાં જોડાય છે, તો તેનો આખો પરિવાર તે પાર્ટીમાં જોડાય છે. પાર્ટીમાં અવામી લીગના જૂના અથવા ભૂતપૂર્વ નેતાઓનું ઘણું યોગદાન છે. તેના કારણે સામાન્ય લોકોમાં આવી ધારણા છે. તેમનાં બાળકો પ્રત્યે પણ રચના કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ કોઈ અકુદરતી મુદ્દો નથી."
જોકે, અબુલ કાશેમ ફઝલુલ હકનું કહેવું છે કે, જો તમામ પક્ષોની ભાગીદારીથી ચૂંટણી સારા વાતાવરણમાં યોજાઈ હોત તો, અવામી લીગની આવી સ્થિતિ ન હોત.
તેમનું કહેવું છે કે, હવે પાર્ટીના નેતાઓને ખબર છે કે જેને ટિકિટ મળશે તે જ સાંસદ બનશે. તેથી જ કોઈ પોતાનો હિસ્સો છોડવા માગતું નથી.
પરંતુ પિતા કે પરિવારની મદદથી નોમિનેશન મેળવનારાઓ આ બાબતને આ રીતે જોતા નથી.
મેજર જનરલ (નિવૃત્ત) સલાઉદ્દીન મિયાજીએ કહ્યું કે, તેમને તેમના પિતાની ઓળખથી ચોક્કસપણે ફાયદો થયો. પરંતુ નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે વિસ્તારમાં કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે.
તેઓ કહે છે, "મારા પિતા એક મુક્તિ લડવૈયા હતા અને વર્ષ 1970 અને 73માં સાંસદ રહી ચૂક્યા હતા. મારા પિતાની ઓળખ અને તેમના જાહેર સમર્થનથી મને પાર્ટીનો ટેકો અને વડા પ્રધાનનો વિશ્વાસ મેળવવામાં મદદ મળી. પરંતુ મારે કામ કરવું પડ્યું. મારી કારકિર્દીમાં પ્રામાણિકપણે મને મારા કામ માટે પ્રશંસા પણ મળી છે. હું નિવૃત્તિ બાદ વિસ્તારના લોકો સાથે રહ્યો છું. મારો પહેલેથી જ જનસંપર્ક હતો. કદાચ આ ક્ષમતાઓને કારણે જ વડા પ્રધાને મારા પર વિશ્વાસ કર્યો છે."

રાજવંશ અને બીએનપી

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERO
બાંગ્લાદેશની મુખ્ય રાજકીય પાર્ટી BNPના સ્થાપક ઝિયા ઉર રહેમાન પછી તેમનાં પત્ની ખાલિદા ઝિયાએ પાર્ટીની બાગડોર સંભાળી. તે પછી ખાલિદાનાં ભાઈઓ અને બહેનો સહિત તેમના પરિવારના ઘણા સભ્યો મંત્રી અને સાંસદ બન્યા. હાલમાં પાર્ટીની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં છે.
આ સિવાય પાર્ટીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર સહિત ઘણા નેતાઓના પિતા પ્રારંભિક તબક્કામાં પાર્ટીમાં જોડાયા હતા અને મંત્રી અને સાંસદ બન્યા હતા.
પરંતુ 2008 અને 2018ની ચૂંટણી દરમિયાન વંશવાદ અથવા પાર્ટીના નામાંકન મેળવતા નેતાઓના વારસદારોનો મુદ્દો મોટા પાયે સામે આવ્યો હતો.
ખાસ કરીને 2008ની ચૂંટણી પહેલા સૈન્ય સમર્થિત રખેવાળ સરકારના કાર્યકાળ દરમિયાન પક્ષના ઘણા નેતાઓ વિવિધ કેસોમાં જેલમાં હોવાના કારણે ચૂંટણી માટે અયોગ્ય બન્યા હતા.
પાર્ટીના કાયદાકીય બાબતોના સચિવ કૈસર કમલ બીબીસી બાંગ્લાને કહે છે, "તે ચૂંટણીમાં સંબંધિત બેઠકો પર વિજય સુનિશ્ચિત કરવા માટે પાર્ટીના ઘણા નેતાઓના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવી હતી. આવા નેતાઓ પોતપોતાના વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય હતા."
તેવી જ રીતે 2018ની ચૂંટણીમાં કેટલાક વડીલ આગેવાનો વય સંબંધિત કારણોસર નિષ્ક્રિય બની જવાના કારણે અથવા ચૂંટણી લડી ન શકવાના કારણે તેમનાં બાળકોને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. પરંતુ દરેક કિસ્સામાં આવું બન્યું ન હતું.
કૈસર કમલ કહે છે, "મારા વિસ્તારમાં પાર્ટીના પૂર્વ સાંસદને બદલે મને ઉમેદવાર બનાવવામાં આવ્યો હતો. એ જ રીતે પાર્ટીએ ઘણી બેઠકો પર નવા ઉમેદવારો ઊભા રાખ્યા હતા."
બીજી તરફ એ પણ સાચું છે કે, જેમ જેમ પક્ષની ઉંમર વધી રહી છે તેમ તેમ પૂર્વ નેતાઓનાં પુત્ર-પુત્રીઓનો પ્રભાવ પણ વધી રહ્યો છે. પાર્ટીના હોદ્દા કે નૉમિનેશનના મામલે પણ તેમની સંખ્યા વધી રહી છે.
2018ની ચૂંટણીમાં BNP સરકારના કાર્યકાળ દરમિયાન સંસદના સ્પીકર અને પ્રભાવશાળી પાર્ટીના નેતા જમીરુદ્દીન સરકારના પુત્ર નૌશાદ ઝમીનને પંચગઢની બેઠક માટે નોમિનેશન મળ્યું હતું.
નૌશાદ જમીરે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે પિતાની ઓળખને કારણે કેટલીક સુવિધાઓ મળી હોવા છતાં તેમણે ત્રણ દાયકા દરમિયાન પોતાના કામ દ્વારા પાર્ટીમાં પણ પોતાની ઓળખ બનાવી છે.
તેઓ કહે છે, "અમારા જેવા રાજકીય પરિવારોના પુત્ર-પુત્રીઓ આકસ્મિક રીતે રાજકારણમાં જોડાય છે અને જનસંપર્ક બની જાય છે. પરંતુ જો કોઈ રાજકારણમાં ન હોય અને ચૂંટણી આવે ત્યારે તે પોતાના પિતાના નામે પક્ષના ઉમેદવાર બને એ સ્વીકારી શકાય નહીં."

રાજવંશનું જાળું કેમ ફેલાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાજકારણીઓ ભલે ગમે તે કહે, વાસ્તવિકતા એ છે કે અગાઉ રાષ્ટ્રીય સ્તરે, શેખ હસીના અને ખાલિદા ઝિયા સહિતના કેટલાક પરિવારોને જ વંશવાદના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવ્યા હતા. પરંતુ હવે સાંસદો સિવાય એવા ઘણા લોકો છે જેમના પિતા પણ સબ-ડિસ્ટ્રિક્ટ ચૅરમૅન અથવા મ્યુનિસિપલ મેયર તરીકે સમાન હોદ્દા પર હતા.
અબુલ કાશેમ ફઝલુલ હકના મતે તેનું સૌથી મોટું કારણ નૈસર્ગિક રાજકીય પ્રક્રિયાની ગેરહાજરી છે.
તેઓ બીબીસી બાંગ્લાને કહે છે, "જો લોકતાંત્રિક પ્રક્રિયા હોત તો, અન્ય લોકોને પણ પાર્ટીમાં તક મળી હોત. આવું ન થવાને કારણે કાર્યકરોને બદલે નેતાઓના પરિવારના સભ્યોને મહત્ત્વ મળી રહ્યું છે. આથી દરેક સ્તરે વંશવાદ જોવા મળે છે."
ડૉ. મામુન અલ મુસ્તફા કહે છે, "વંશીય રાજનીતિના વિસ્તરણનું બીજું કારણ એ છે કે, રાજકીય પરિવારોના સભ્યો નાની ઉંમરથી જ એક પ્રકારની રાજકીય તાલીમ મેળવે છે. આ કારણે તેઓ તેમના વિસ્તારોમાં રાજકારણમાં પહેલેથી જ આગળ છે. આ ઉપરાંત , તાજેતરના સમયમાં બંને મુખ્ય પક્ષોમાં યોગ્યતા અને આદર્શો કરતાં વફાદારીના પ્રશ્નને વધુ મહત્વ મળી રહ્યું છે. પક્ષ પ્રત્યેની વફાદારીના માપદંડ પર જૂના લોકોને વધુ મહત્વ મળી રહ્યું છે. પક્ષની વિચારસરણી એવી છે કે, તેમની પૂર્વજો પક્ષને વફાદાર હતા, તેથી તેમના બાળકો પણ એવા જ રહેશે."
આ કારણોને લીધે માત્ર સાંસદો કે જનપ્રતિનિધિઓની બાબતમાં જ નહીં પરંતુ મોટા પક્ષોના સહયોગીઓના નેતૃત્વને નક્કી કરવાની બાબતમાં પણ વંશવાદનું રાજકારણ મહત્ત્વ મેળવવા લાગ્યું છે.
અબુલ કાશેમ ફઝલુલ હક કહે છે, "વંશ શાસનના પ્રસારને રોકવા માટે વ્યક્તિના બેથી વધુ વખત વડા પ્રધાન બનવાની શક્યતાને દૂર કરવી પડશે."
બીએનપી નેતા નૌશાદ ઝમીરનું માનવું છે કે, માત્ર વડા પ્રધાન જ નહીં પરંતુ સાંસદને પણ બેથી વધુ તક આપવી યોગ્ય નથી.














