સોનિયા ગાંધીને અયોધ્યા આવવાનું નિમંત્રણ આપીને ભાજપે શું મોટો રાજકીય દાવ રમ્યો છે?

સોનિયા ગાંધી રામમંદિર હિન્દુત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી જશે કે નહીં તેના પર હજુ પણ સંશય યથાવત્ છે.

પહેલાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સોનિયા ગાંધી આ સમારોહમાં ભાગ લેશે. પરંતુ ગત શુક્રવારે કૉંગ્રેસ પક્ષે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સમારોહમાં સામેલ થશે કે કેમ તેની યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે રામમંદિરના ઉદ્ઘાટનમાં તમામ મુખ્ય રાજકીય પક્ષોના મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને સમારોહમાં સામેલ થવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ કહ્યું, “તમામ રાજકીય પક્ષોના અધ્યક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આખા દેશનો છે અને સૌનું સ્વાગત છે.”

કૉંગ્રેસમાં મથામણ

સોનિયા ગાંધી રામમંદિર હિન્દુત્ત્વ

ઇમેજ સ્રોત, ANI

રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા કે ન થવાને લઈને કૉંગ્રેસ ખુલીને નિવેદન આપી રહી નથી.

કૉંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશ એવું નિવેદન આપી ચૂક્યા છે કે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. જ્યારે કેટલાક દિવસો પહેલા પક્ષના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ સવાલ ઊઠાવ્યો હતો કે રામમંદિર અગત્યનો મુદ્દો છે કે બેરાજગારી.

તેના પર પણ જયરામ રમેશે ચોખવટ કરી હતી કે સામ પિત્રોડાનું આ નિવેદન એ કૉંગ્રેસનું અધિકૃત નિવેદન નથી અને સામ પિત્રોડા કૉંગ્રેસ તરફથી બોલતા નથી.

આ મુદ્દે ‘ધ હિંદુ’ અખબાર તેના એક અહેવાલમાં લખે છે કે સોનિયા ગાંધી અને ખડગેને આ સમારોહનું નિમંત્રણ મળ્યા પછી પક્ષના વરિષ્ઠ નેતાઓની આ અંગે બેઠક પણ થઈ હતી.

સોનિયા ગાંધી અને ખડગે સિવાય આ મુદ્દે પી. ચિદંબરમ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, દિગ્વિજય સિંહ અને રણદીપસિંહ સુરજેવાલા સાથે ચર્ચા કરવામાં આવી હતી.

દિગ્વિજય સિંહે હાલમાં જ એક સમાચાર ઍજન્સીને જણાવ્યું હતું કે “શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કોઈ પાર્ટીનું નથી. આ સમારોહમાં જવા પર કોઈ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ. સોનિયાજીનું વલણ પણ આ મુદ્દે સકારાત્મક રહ્યું છે. તેઓ જશે અથવા તો કૉંગ્રેસનું પ્રતિનિધિમંડળ સમારોહમાં જશે.”

જોકે, કૉંગ્રેસે આ સમારોહમાં કોણ જશે તેના નામ નક્કી કર્યાં નથી. કારણ કે આ સમારોહનું આમંત્રણ અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય નહીં.

વિપક્ષ માટે વિકટ પ્રશ્ન શું છે

સોનિયા ગાંધી રામમંદિર હિન્દુત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સમારોહમાં જવું કે ન જવું એ વિપક્ષ માટે એક વિકટ પ્રશ્ન બનતો દેખાય છે.

કૉંગ્રેસના કેરળમાં સહયોગી પક્ષ એવા ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયૂએમએલ) એ કૉંગ્રેસના આ સમારોહમાં જવા અંગે વિરોધ કર્યો છે.

વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’માં પણ આ મુદ્દે એક સૂર સંભળાઈ રહ્યો નથી. સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ આ સમારોહનું નિયંત્રણ ઠુકરાવી દીધું છે.

વર્ષ 2019માં નવમી નવેમ્બરે જ્યારે રામમંદિર મામલે સુપ્રીમ કૉર્ટનો ચુકાદો આવ્યો ત્યારે કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યૂસી)એ નિવેદનો જાહેર કરીને કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે છે અને અયોધ્યામાં રામમંદિરના નિર્માણના પક્ષમાં છે.

સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર શુક્રવારે સીડબલ્યૂસીના એક સદસ્ય અને સાંસદ શશી થરૂરે લખ્યું હતું કે, “એ સ્પષ્ટ છે કે 2024માં ભાજપ તેના મૂળ મુદ્દા પર પાછો ફરશે અને નરેન્દ્ર મોદીને દેશના હિન્દુ હૃદય સમ્રાટ તરીકે રજૂ કરશે.”

થરૂર એ સવાલ પણ કરે છે કે અચ્છે દિનના વાયદાનું શું થયું, દર વર્ષે બે કરોડ નોકરીઓનું શું થયું, આર્થિક પ્રગતિનું શું થયું?

શશી થરૂરે 28 ડિસેમ્બરે આ મામલે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, “મારું માનવું છે કે ધાર્મિક આસ્થા એક અંગત મામલો છે અને તેને રાજકીય ચશ્મા વડે ન જોવી જોઈએ કે તેનો રાજકીય દુરુપયોગ પણ ન થવો જોઈએ."

"હું આશા રાખું છું કે જેટલા લોકોને રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં બોલાવવામાં આવ્યા છે તેઓ ત્યાં જવું કે ન જવું તેનો નિર્ણય કરવા સ્વતંત્ર હશે. હું આશા રાખું છું કે જે લોકો ત્યાં નહીં જાય તેને હિન્દુ વિરોધી નહીં કહેવામાં આવે અને જે ત્યાં જશે તેને ભાજપના ઇશારે રમી રહેલા લોકો નહીં ગણવામાં આવે.”

થરૂરે કહ્યું, “એક હિન્દુ હોવાને નાતે મારું માનવું છે કે મંદિર એવી જગ્યા હોય છે જ્યાં આપણે ઇશ્વરનું ધ્યાન ધરીએ છીએ. તેને આપણે રાજકીય મંચ બનાવતા નથી. હું એક દિવસ રામમંદિરે જવું અવશ્ય પસંદ કરીશ પરંતુ એ દિવસે નહીં જાઉં જે દિવસે ઉદ્ધાટનના નામે રાજકીય તાકાતનું પ્રદર્શન કરવામાં આવશે. હું ચૂંટણી પહેલા પણ નહીં જાઉં. એટલે મારું ત્યાં જવું કે ન જવું તેને કોઈ રાજકીય સંકેત રૂપે ન જોવામાં આવે.”

કૉંગ્રેસ, સોનિયા ગાંધી અને હિન્દુત્ત્વ

સોનિયા ગાંધી રામમંદિર હિન્દુત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images

દેશના સૌથી જૂના પક્ષ કૉંગ્રેસ પર સોફ્ટ હિન્દુત્વનો આરોપ લાગતો રહે છે.

કૉંગ્રેસને નજીકથી જાણતા વરિષ્ઠ પત્રકાર રશિદ કિદવઈ ઇંડિયા ટુડેના એક લેખમાં લખે છે કે સોનિયા ગાંધી હિન્દુ આસ્થાથી અજાણ હોય તેવું નથી. કારણ કે તેમના પતિ રાજીવ ગાંધી અને સાસુ ઇંદિરા ગાંધી પણ હિન્દુ ધર્મનું પાલન કરતા હતા.

વર્ષ 1998માં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના અધ્યક્ષ સુબ્બિરમી રેડ્ડીએ સોનિયા ગાંધીને તિરૂપતિ મંદિરનાં દર્શન કરાવ્યાં હતાં જેનો અતિશય વિરોધ થયો હતો.

કિદવઈ લખે છે કે 1998માં સામાન્ય ચૂંટણી વખતે પણ સોનિયા ગાંધી તિરૂપતિ મંદિર ગયા હતા અને તે સમયે તેઓ કૉંગ્રેસનાં અધ્યક્ષા હતાં. તેમણે મંદિરની ડાયરીમાં લખ્યું હતું કે તેઓ પણ તેમના પતિ અને સાસુની જેમ હિન્દુ ધર્મનું પાલન કરે છે.

તિરૂપતિ પ્રવાસ બાદ સીડબ્લ્યૂસીએ એક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો જેમાં એ માનવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મ ભારતમાં ધર્મનિરપેક્ષતાનો સૌથી મોટો ગેરેન્ટર છે.

સોનિયા ગાંધીના વિદેશી મૂળ અને તેઓ ખ્રિસ્તી ધર્મનું પાલન કરતાં હોવાનો મુદ્દો ભાજપ હંમેશાં ઊઠાવતું રહ્યું છે. કિદવઈ જણાવે છે કે વર્ષ 1999ની લોકસભા ચૂંટણી દરમિયાન સંઘપરિવારે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું હતું, જેનું નામ હતું ‘રામ રાજ્ય વિરુદ્ધ રૉમ રાજ્ય.’

ત્યારબાદ ભારતના રૉમન કૅથોલિક અસોસિયેશને આ મુદ્દે અભૂતપૂર્વ વલણ અપનાવતાં એવું કહ્યું હતું કે સોનિયા ગાંધી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતાં નથી.

રાજીવ ગાંધી અને રામ મંદિર

સોનિયા ગાંધી રામમંદિર હિન્દુત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1986માં જિલ્લા અદાલતના નિર્ણય બાદ બાબરી મસ્જિદનું તાળું ખોલવામાં આવ્યું હતું, જ્યાં રામ લલ્લાની મૂર્તિ રાખવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે રાજીવ ગાંધીની સરકારે (તે સમયે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પણ હતી) બાબરી મસ્જિદનાં તાળાં એટલા માટે ખોલી દીધાં હતાં કારણ કે તેમણે છૂટાછેડા લેનાર મુસ્લિમ મહિલા શાહબાનોના કેસ અંગે સુપ્રીમ કોર્ટ આપેલા નિર્ણયને બદલી નાખ્યો હતો. આ સમગ્ર મામલે કૉંગ્રેસે રાજકીય સોદો કર્યો હોવાનું કહેવાય છે.

શાહબાનો ઇન્દોરનાં મુસ્લિમ મહિલા હતાં. સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના કેસમાં તેમના પતિને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રાજીવ ગાંધીએ સંસદ દ્વારા કોર્ટના આ નિર્ણયને પલટી નાખ્યો હતો. રાજીવ ગાંધી પર શાહબાનો કેસમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આરોપ હતો.

બાબરી મસ્જિદનાં તાળાં ખોલવા માટેની અરજી 31 જાન્યુઆરી, 1986ના રોજ દાખલ કરવામાં આવી હતી અને તેના બીજા જ દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી, 1986ના રોજ જિલ્લા ન્યાયાધીશ કે.એમ. પાંડેએ લગભગ 37 વર્ષથી બંધ બાબરી મસ્જિદના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો હતો.

વિશ્લેષકોનું માનવું છે કે દાયકાઓથી કોર્ટમાં પેન્ડિંગ આવા હાઈ-પ્રોફાઈલ કેસમાં ફૈઝાબાદનું વ્યવસ્થાતંત્ર ત્યાં સુધી પોતાની રીતે આટલો મોટો નિર્ણય લેવા સક્ષમ ન હતું જ્યાં સુધી ઉપરથી આદેશ ન મળે.

23 ડિસેમ્બર, 1949 ના રોજ ગેરકાયદેસર રીતે મૂર્તિને ત્યાં મૂકવામાં આવ્યા પછી મસ્જિદને તાળું મારવામાં આવ્યું હતું, અને કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો.

સોનિયા ગાંધી રામમંદિર હિન્દુત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images

લગ્ન પછી રાજીવ ગાંધી જ્યારે પણ કોઈ મંદિર કે ધાર્મિક સ્થળોએ જતા હતા ત્યારે સોનિયા ગાંધી અવશ્ય હાજર રહેતાં હતાં. તેમના માથા પર સાડીનો પાલવ જોવા મળતો હતો અને તેઓ પૂજા પણ કરતાં હતાં.

રશિદ કિદવઈએ લખ્યું છે કે, “1989માં જ્યારે રાજીવ ગાંધી નેપાળ યાત્રાએ ગયા ત્યારે ઐતિહાસિક પશુપતિનાથ મંદિર જવાનો તેમણે નિર્ણય કર્યો હતો. પરંતુ તિરૂપતિ અને પુરીની જેમ જ પશુપતિનાથમાં પણ બિન-હિન્દુઓના જવા પર પ્રતિબંધ છે.”

રાજીવ ઇચ્છતા હતા કે સોનિયા તેમની સાથે આવે પરંતુ પૂજારીઓએ તેની અનુમતિ ન આપી અને કિંગ વિરેન્દ્ર પણ તે અંગે કશું જ કરી ન શક્યા. રાજીવ ગાંધી ત્યારબાદ પશુપતિનાથમાં પૂજા કર્યા વગર જ ભારત પાછા આવી ગયા.

ત્યારપછી ભારત અને નેપાળના સંબંધો પણ ખરાબ થયા અને ભારતે આર્થિક નાકાબંધી પણ કરી. ત્યારબાદ તત્કાલીન વિદેશ સચિવ નટવરસિંહે બંને દેશો વચ્ચે સામાન્ય સંબંધો હોવાની જાહેરાત કરી હતી.

વર્ષ 2001માં કુંભ મેળા દરમિયાન અલ્હાબાદમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ સંગમસ્થળે ડૂબકી લગાવી હતી. જોકે, એ મામલો પણ ચર્ચામાં રહ્યો હતો કારણ કે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ત્યાં પહોંચે તે પહેલાં જ સોનિયા ગાંધી પહોંચી ગયાં હતાં.