રોહિંગ્યા-સંકટનાં પાંચ વર્ષઃ બાંગ્લાદેશમાં આશ્રય લેનારા રોહિંગ્યાઓએ સ્થાનિકોમાં કેવી લાગણી જન્માવી?

- લેેખક, અકબર હુસૈન
- પદ, બીબીસી બાંગ્લા સેવા, કૉક્સ બાઝાર
વર્ષ 2017માં મ્યાંમારથી મોટી સંખ્યામાં રોહિંગ્યા લોકો બાંગ્લાદેશ પહોંચ્યા હતા. 25 ઑગસ્ટે આ ઘટનાને પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.
મ્યાંમારના રખાઇન પ્રાંતમાં સેનાના અત્યાચાર અને ઉત્પીડનના શિકાર બનેલા રોહિંગ્યા લોકો બાંગ્લાદેશ પહોંચવાના કારણે દેશમાં પહેલાં તો થોડીક આશંકાઓ હતી, પરંતુ પછી બાંગ્લાદેશની સરકારે ઝડપથી એવો નિર્ણય કરી લીધો હતો કે તેઓ રોહિંગ્યા લોકોને શરણ આપશે.
એ સમયે કૉક્સ બાઝારના સ્થાનિક લોકોએ રોહિંગ્યા લોકોની દરેક પ્રકારે મદદ કરી હતી.
કૉક્સ બાઝારના બાલૂખાલી વિસ્તારમાં અબ્દુર રહેમાનનું ઘર રોહિંગ્યા કૅમ્પની નજીક છે. જ્યારે 2017માં રોહિંગ્યા ત્યાં આવેલા ત્યારે એમને લાગ્યું હતું કે આ થોડાક સમય પૂરતી વાત હશે અને પછી એમને ક્યાંક બીજે શિફ્ટ કરી દેવાશે.
પરંતુ પાંચ વર્ષ પછી પણ એવું નથી લાગતું કે રોહિંગ્યા લોકો મ્યાંમાર પાછા ફરશે. એ જોતાં, અબ્દુર રહેમાન ભવિષ્ય અંગે વિચારીને નિરાશ દેખાય છે.
તેમણે કહ્યું, "અમે ક્યારેય નહોતું વિચાર્યું કે રોહિંગ્યા અચાનક આવી જશે અને અહીં જ રહી જશે. અમે આવું બિલકુલ નહોતું વિચાર્યું."
"પાંચ વર્ષથી કહેવાઈ રહ્યું છે કે રોહિંગ્યા લોકોને મ્યાંમાર પાછા મોકલી દેવાશે, પરંતુ હજુ સુધી એવું નથી થયું. જો આ લોકો બીજાં પાંચ વર્ષ સુધી આ જ રીતે અહીં રહી જશે તો અમારા જીવન પર એની ઘણી અસર પડશે."

પાંચ વર્ષ થઈ ગયાં હોવા છતાં રોહિંગ્યા મુસ્લિમો મ્યાંમાર પાછા જઈ શક્યા નથી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

- મ્યાંમારમાં સેનાના અત્યાચાર અને ઉત્પીડનના શિકાર રોહિંગ્યા આશા સાથે વર્ષ 2017માં બાંગ્લાદેશ પહોંચ્યા હતા
- બાંગ્લાદેશની સરકારે જલદી જ એ નિર્ણય લઈ લીધો હતો કે તે રોહિંગ્યાને શરણ આપશે
- સ્થાનિક બાંગ્લાદેશી પણ આ કાર્યમાં આગળ આવીને મદદ કરી રહ્યા હતા
- ઘણા બાંગ્લાદેશી રોહિંગ્યા મુસ્લિમોને તકલીફનું કારણ માની રહ્યા છે
- પરંતુ બાંગ્લાદેશના નાગરિકો હવે રોહિંગ્યા હંમેશાં માટે અહીં જ રહી જશે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, સંપૂર્ણ પરિસ્થિતિ જાણવા માટે વાંચો અહેવાલ

ઉખિયા અને તેકનાફમાં આવ્યું પરિવર્તન

કૉક્સ બાઝારના ઉખિયામાં ગયાં પાંચ વરસોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ક્યારેક આ વિસ્તાર પર્વત અને જંગલોથી ઘેરાયેલો હતો. પરંતુ હવે અહીં મ્યાંમારથી ભાગીને આવેલા લાખો રોહિંગ્યા લોકોને બાંગ્લાદેશે શરણ આપ્યું છે.
જ્યારે રોહિંગ્યા આવેલા ત્યારે અનવારાબેગમે એમને પોતાના આંગણામાં શરણ આપ્યું હતું. હવે એમનું ઘર ચારેબાજુથી રોહિંગ્યા વસ્તીઓથી ઘેરાઈ ગયું છે.
અનવારાબેગમે કહ્યું કે, "રોહિંગ્યા આવ્યા તે પહેલાં મારે છ એકર જમીન હતી. ત્યાં મેં ઝાડ ઉગાડ્યાં હતાં. હવે રોહિંગ્યાએ એ જમીન પર ઘર બનાવી દીધાં છે. મેં એમને એમ વિચારીને ઘર બનાવવા દીધાં કે થોડા સમય પછી તેઓ જતાં રહેશે, પરંતુ હવે એવું લાગે છે કે તેઓ અહીંથી નથી જવાના."
રોહિંગ્યાના આવ્યા પછીથી ઉખિયા અને તેકનાફનું લેબર માર્કેટ પણ બદલાઈ ગયું છે. હવે રોહિંગ્યા લોકો કૅમ્પમાંથી નીકળીને જાત-જાતનાં કામ કરી રહ્યા છે.
પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશી લોકો માટે કામ મળવું મુશ્કેલ થઈ ગયું છે.
આનું મુખ્ય કારણ એ છે કે રોહિંગ્યા લોકો બાંગ્લાદેશી લોકોની સરખામણીએ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઈ જાય છે.
સ્થાનિક લોકોની એવી પણ ફરિયાદ છે કે રોહિંગ્યા લોકોને તમામ આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ તરફથી ભોજન અને અન્ય પ્રકારની સહાય મળી રહી છે. એ જોતાં જો તેઓ ઓછા પૈસામાં પણ મજૂરી કરવા તૈયાર થઈ જાય તો એમને કોઈ મુશ્કેલી નથી પડતી.
પરંતુ સ્થાનિક લોકોને ક્યાંયથી કોઈ મદદ નથી મળતી અને મજૂરીથી મળનારી કમાણી જ એમનું એકમાત્ર સાધન છે.
બકુલ રાનીનું કહેવું છે કે કામ મળવું પણ હવે ખૂબ મુશ્કેલ થઈ ગયું છે.

બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા વચ્ચે સંબંધ કેવા છે?

ગત પાંચ વરસોમાં રોહિંગ્યા સમુદાયમાં ઘણા પ્રકારની અપરાધિક પ્રવૃત્તિઓ વધી છે.
પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, વીતેલાં પાંચ વર્ષોમાં રોહિંગ્યા સાથે સંકળાયેલા લગભગ 2 હજાર કેસ નોંધાયા છે.
અપરાધના આ તમામ કેસ હત્યા, હથિયાર અને ડ્રગની દાણચોરી અંગેના છે. જે રીતે અપરાધ વધી રહ્યા છે, તેના લીધે સામાન્ય બાંગ્લાદેશી નાગરિક ચિંતિત અને ડરેલા પણ છે.
પરંતુ આવું બધું થતું હોવા છતાં, બાંગ્લાદેશી લોકો રોહિંગ્યા લોકોની મદદ કરી રહ્યા છે.
રોહિંગ્યા મહિલા ખાતૂને કહ્યું કે, "બંગાળીઓએ અમને ક્યારેક પરેશાન નથી કર્યા. જો આ લોકો સારા ના હોત તો અમે બર્માથી અહીં કઈ રીતે આવતાં? હું અહીં રહું છું, કેમ કે અહીં સુરક્ષા છે. આ લોકો ક્યારેય અમને ખરાબ નજરે નથી જોતા."
જોકે, પાંચ વર્ષ પસાર થઈ ગયાં છે, પરંતુ રોહિંગ્યા લોકોના મ્યાંમાર પાછા જવાના કોઈ સંકેત નથી દેખાતા. આ બાબતે સ્થાનિક લોકો ખિજાયા છે, ગુસ્સે છે, પરંતુ એ એમના વ્યવહારમાં વધારે દેખાતું નથી.
બલકે, રોહિંગ્યા લોકોની સાથે એમના સંબંધ સામાન્ય જ નજરે પડે છે.
અબ્દુર રહેમાન રોહિંગ્યા કૅમ્પની બહાર દવાની એક દુકાન ચલાવે છે. રોહિંગ્યા લોકોની સાથેના તેમના સંબંધો સારા હોવાનું તેમનું માનવું છે. એ જણાવે છે, "મારા સોએ સો ટકા ગ્રાહકો રોહિંગ્યા છે. રોહિંગ્યા લોકો સાથેના અમારા સંબંધ એવા ખરાબ નથી."

રોહિંગ્યા વસ્તીથી વધી ચિંતા
ઉખિયા અને તેકનાફમાં તો રોહિંગ્યા લોકોની સંખ્યા બાંગ્લાદેશીઓ કરતાં પણ વધારે થઈ ગઈ છે.
વસ્તીના ધોરણે ઘણા બાંગ્લાદેશી તો પોતાને એ વિસ્તારમાં 'અલ્પસંખ્યક' માને છે.
તેથી ઘણા લોકોનું કહેવું છે કે જો રોહિંગ્યાની સાથે એમને નિકટના સંબંધ નથી તો એમનાથી અંતર રાખવાનો પણ કોઈ માર્ગ નથી. આ કારણે એમને લાગે છે કે રોહિંગ્યાની સાથેનો સંબંધ સામાન્ય જ રાખવામાં આવે.
એક સ્થાનિક નાગરિક સરવર આલમે કહ્યું કે, "તે લોકો બહુસંખ્યક છે અને અમે અલ્પસંખ્યક થઈ ગયા છીએ. જો તેઓ અમારા સમાજમાં આવે તો અમે એમની અવહેલના ના કરી શકીએ. જો તમારે નિકટના સંબંધના હોય તો પણ તમારે એમની સાથે કામકાજને લગતો સંબંધ તો રાખવો જ પડશે."
સરકાર વારંવાર કહેતી રહી છે કે રોહિંગ્યા લોકો મ્યાંમાર પાછા જતા રહેશે, પરંતુ સ્થાનિક નાગરિકોને હવે આ આશ્વાસન પર ભરોસો નથી રહ્યો.
હવે તેઓ માગણી કરી રહ્યા છે કે જ્યાં સુધી રોહિંગ્યા-સંકટનો કોઈ ઉકેલ ના મળે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ રોહિંગ્યાની જેમ જ એમને પણ ભોજન અને અન્ય સહાય આપવી જોઈએ.
આ સિવાય સ્થાનિક નાગરિકો એવો દાવો પણ કરે છે કે વિસ્તારમાં કામ કરી રહેલાં બિન-સરકારી સંગઠન પણ રોજગાર આપવામાં રોહિંગ્યા લોકોને જ પ્રાધાન્ય આપે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












