ગુજરાત : ગામડાંમાં મજૂરી કરતા શ્રમિકોને અન્ય રાજ્યો કરતાં ખૂબ ઓછી મજૂરી કેમ મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં જ સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ગયો. આ દરમિયાન ફટાકડાના ધડાકા, પ્રકાશ રેલાવતી રોશની અને મીઠાઈની દુકાનોએ જામેલી ભીડ જેટલાં જ સામાન્ય દૃશ્યો જે વાહન મળે તેમાં લટકીને, ચઢીને વતન જતા મજૂરીકામ કરતા કામદારોની ભીડનાં પણ છે.
સીમિત સંસાધનો છતાં હસતા મોઢે પોતાનાં વતન તરફ જતા આ મજૂરોનું સ્મિત જોઈને ભાગ્યે જ કોઈ તેમની ‘ખરી દયનીય પરિસ્થિતિ’નો અંદાજ મેળવી શકે.
તાજેતરમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ (આરબીઆઈ)ના જાહેર કરેલા ડેટાએ રાજ્યમાં પુરુષ ખેતમજૂરો, અન્ય મજૂરો અને બાંધકામ મજૂરોની સ્થિતિ અંગેની ચિંતા વધુ ઘેરી બનાવી દીધી છે.
આ ડેટા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં રાજ્યમાં પુરુષ ખેતમજૂરો, અન્ય મજૂરો અને બાંધકામ મજૂરોને મળતી સરેરાશ દૈનિક મજૂરીનો દર અનુક્રમે 241.9, 278.1 અને 323.2 રૂ. હતો.
જો સમગ્ર દેશના સંદર્ભમાં આ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરાય તો ખેતમજૂરી, અન્ય મજૂરી અને બાંધકામ મજૂરી (પુરુષ)ના દર બાબતે ગુજરાત દેશમાં અંતિમ ત્રણ રાજ્યોમાં આવે છે.
આ ત્રણેય કૅટગરીમાં ગુજરાતનું સરેરાશ મજૂરી દર એ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ખૂબ ઓછો છે.
નોંધનીય છે કે આ ત્રણેય વિભાગોમાં કેરળ મજૂરી દર બાબતે ટોચના સ્થાને છે.
કેરળમાં ખેતમજૂરી, અન્ય મજૂરી અને બાંધકામ મજૂરી (પુરુષ)ના દર અનુક્રમે 764.3, 696.6 અને 852.5 રૂપિયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્થિતિની સપાટી પરની અસરો અને રાજ્યમાં રોજગારીની સ્થિતિ-ગુણવત્તા અંગે કેવું ચિત્ર રજૂ કરે છે એ સમજવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી.
‘ગુજરાતમાં હંમેશાંથી મજૂરી દર ખૂબ ઓછા રહ્યા છે’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પુરુષ ખેતમજૂરો, અન્ય મજૂરો અને બાંધકામ મજૂરોના સરેરાશ મજૂરી દર અંગે આવેલા આંકડાને અર્થશાસ્ત્રી ઇંદિરા હિરવે ‘ચોંકાવનારા’ નથી ગણાવતાં.
તેઓ કહે છે કે, “ગુજરાત રાજ્ય ઐતિહાસિક રીતે જ ઓછા મજૂરી દર માટે જાણીતું છે.”
ઇંદિરા હિરવે આ સ્થિતિને ‘ગુજરાતમાં મજૂરોની ઉપેક્ષા’ ગણાવે છે.
તેમના કહ્યા પ્રમાણે રાજ્યમાં રોજગારી તો વધે છે, પરંતુ રોજગારીની ‘ગુણવત્તા બીજાં રાજ્યો કરતાં ખરાબ’ છે.
“આપણા રાજ્યમાં બીજાં રાજ્યોની સરખામણીએ અસંગઠિત ક્ષેત્રમાં તકોનું પ્રમાણ વધુ છે, તેથી મજૂરી દર ઓછા છે.”
આ સ્થિતિનાં કારણો અંગે પોતાનું વિશ્લેષણ જણાવતાં હિરવે કહે છે, “આના માટે સરકારની પ્રતિબદ્ધતા અને મજૂરોમાં મજબૂત સંગઠનનો અભાવ મુખ્ય કારણ છે.”
રાજ્યમાં ‘મજૂરોના અધિકારો અને તેમની સ્થિતિની સદંતર ઉપેક્ષા જોવા મળે છે.’
હિરવે કહે છે કે, “ઑલ ઇન્ડિયા લેવલની માફક મજૂરોના અધિકારો અને તેમના માટેના કાયદા અંગે અહીં વાત જ નથી થતી. કોઈને તેની પરવા પણ નથી.”
આ ઉપેક્ષા સિવાય મજૂરોના અધિકારોના રક્ષણ માટેની ‘નબળી વ્યવસ્થા’ને પણ તેઓ જવાબદાર માને છે.
તેઓ કહે છે કે, “સરકારની વાત કરીએ તો મજૂરોને ન્યાયિક મજૂરી અને તેમના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે ઊભા કરાયેલા વિભાગોમાં સ્ટાફ અને સંસાધનોની અછત પણ આ સ્થિતિ માટે જવાબદાર છે.”
હિરવે ઓછા મજૂરી દરની સ્થિતિ પાછળ ભાગ ભજવતાં પરિબળો અંગે ચર્ચા કરતાં કહે છે, “જ્યારે પણ મજૂરી દરમાં વધારા માટેની વાત કરાય તો એવા કિસ્સામાં ઇન્ડસ્ટ્રી તરફથી પોતાને આમાં નુકસાન થતું હોવાનો બચાવ કરાય છે. ગુજરાતમાં આર્થિક વૃદ્ધિ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરાય છે, પછી ભલે એ ગમે તે રીતે થતી હોય. રાજ્યમાં વૃદ્ધિ પર ભાર અપાય છે, ના કે મજૂરોના કલ્યાણને.”
“આ ઉપરાંત રાજ્યમાં લેબર યુનિયન એ ખૂબ મજબૂત છે એવું નથી. આ સ્થિતિ રાજ્યમાં મજૂરોની સ્થિતિ વધુ કપરી બનાવે છે.”
ગુજરાતના મૉડલ અંગેનું તેમનું વિશ્લેષણ રજૂ કરતાં તેઓ કહે છે, “રાજ્યમાં ઇન્ડસ્ટ્રી, નોકરીદાતાને ખૂબ જ મહત્ત્વ અપાય છે. કારણ કે આ પરિબળો વૃદ્ધિ માટે આવશ્યક છે. પરંતુ જે પરિબળો જેમકે મજૂરો આ ઇન્ડસ્ટ્રીનો ખર્ચ વધારે કે નફો ઘટાડે તેનું કલ્યાણ એ પ્રાથમિકતામાં નથી.”
તેઓ કહે છે કે કેરળમાં મજબૂત મજૂર સંગઠનોની હાજરીને કારણે ગુજરાત કરતાં સદંતર ‘વિપરીત સ્થિતિ’ છે.
નોંધનીય છે કે આરબીઆઈના ડેટા અનુસાર પુરુષ ખેતમજૂરો, અન્ય મજૂરો અને બાંધકામ મજૂરોને મળતી સરેરાશ દૈનિક મજૂરી બાબતે કેરળ આખા ભારતમાં સૌથી આગળ છે.
‘મજૂરો માત્ર જીવી રહ્યા છે’

ઇમેજ સ્રોત, Getty Images
મજૂરી દરની આ મર્યાદાને કારણે રાજ્યમાં આવતા પ્રવાસી મજૂરો, આદિવાસી વિસ્તારોમાંથી આવતા મજૂરો અને સ્થાનિક મજૂરોની સ્થિતિ અને પરિવારો પર કેવી અસર થતી હોય છે?
આ પ્રશ્નના જવાબમાં હિરવે જણાવે છે કે, “ગુજરાતમાં મજૂરોના અધિકારો અને ન્યાયસંગત દરોની ચુકવણી અંગે વાત થતી હોય છે. પરંતુ એ માત્ર ઉપરછલ્લી વાતચીત જ રહી જાય છે. મજૂરોના કલ્યાણ, તેમનાં બાળકોનાં શિક્ષણ અને આરોગ્યની કોઈ નક્કર વ્યવસ્થા નથી થતી. ઘણાં કામો ઉપરછલ્લી રીતે કરાય છે, પરંતુ આ બધા પ્રયત્નો જરૂર હોય એટલાં પ્રમાણમાં કરાતા નથી.”
બાંધકામ મજદૂર સંગઠનના જનરલ સેક્રેટરી વિપુલ પંડ્યા રાજ્યમાં મજૂરોની સ્થિતિ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “ગુજરાતમાં મજૂરોને મજૂરીકામ મળી રહે છે. પરંતુ તેમના જીવનધોરણમાં કોઈ સુધારો આવતો નથી. તેમના જીવનની ગુણવત્તા સુધરતી નથી. તેઓ માત્ર જીવન જીવી રહ્યા છે. તેમની, તેમનાં બાળકોની સામાજિક સુરક્ષા કોઈની પ્રાથમિકતા નથી. મજૂરોની આવક વધે, તેમનાં બાળકોને સારું શિક્ષણ-સ્વાસ્થ્યસંબંધી સુવિધાઓ મળે એ માટેની જોગવાઈઓનો મર્યાદિત અમલ થાય છે.”
તેઓ પણ ઇંદિરા હિરવેની વાત સાથે સહમત થતા કહે છે, “રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રોમાં મજૂરીના ઓછા દર પાછળ સરકારની ઇચ્છાશક્તિનો અભાવ જવાબદાર છે.”
પંડ્યા કહે છે કે, “જોગવાઈ અનુસાર સરકારે દર પાંચ વર્ષે મજૂરોના બૅઝિક મજૂરી દર રિવાઇઝ કરવાના હોય છે. પરંતુ આવું થતું નથી. આ પ્રાથમિકતા જ નથી.”
ગુજરાતની સરખામણીએ અન્ય રાજ્યોમાં મજૂરી દર વધારે હોવા છતાં ગુજરાતમાં વધુ પ્રમાણમાં મજૂરો આવવા પાછળનાં કારણો અંગે હિરવે જણાવે છે, "આવી સ્થિતિ એટલા માટે છે કારણ કે આપણા રાજ્યમાં રોજગારીની તકો વધુ સંખ્યામાં છે. પરંતુ અન્ય રાજ્યોમાં એવું નથી. તેથી રોજગારવાંછુ લોકો મજૂરીની શોધમાં જ્યાં તકો વધારે હોય ત્યાં જાય છે. તેઓ મજૂરીના દરને પ્રાથમિકતા આપતા નથી."
સરકાર શું કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇંદિરા હિરવે રાજ્યમાં મજૂરીના દર, કલ્યાણલક્ષી સુધારા માટે પોતાની નીતિમાં કયા ફેરફારો લાવી શકે? આ પ્રશ્નના જવાબમાં અર્થશાસ્ત્રી ઇંદિરા હિરવે કહે છે કે, “આના માટે સૌથી જરૂરી વાત તો સરકારની પ્રતિબદ્ધતા છે. આ પ્રતિબદ્ધતા મજૂરોના કલ્યાણ, તેમના જીવનધોરણમાં સુધારા અને મજૂરી દરો સંદર્ભે હોઈ શકે. આ સુનિશ્ચિત કરવા માટે આ ધ્યેય પાછળ સંસાધનોનું રોકાણ કરવું જોઈએ. આ સંદર્ભની સરકારી નીતિઓના અમલ માટે પૂરતો સ્ટાફ હોવો જોઈએ.”
તેઓ ઇચ્છનીય પરિસ્થિતિની સામે વાસ્તવિકતાનું દયનીય ચિત્ર આલેખતાં કહે છે, “આ માટેના સરકારી વિભાગોમાં પૂરતો સ્ટાફ નથી. તેમની પાસે પોતાની ફરજો ભજવવા માટે પૂરતું ભંડોળ નથી. આ સિવાય આ બાબત અંગે સરકારી ઇચ્છાશક્તિ પણ નથી.”
સરકારી વિભાગો અને નીતિઓની અસરકારકતા સામે પ્રશ્ન ઉઠાવતાં તેઓ કહે છે, “સરકારી વિભાગોમાં કર્મચારીઓ અને અધિકારીઓની ઓછી સંખ્યા પણ મજૂરોના કલ્યાણ સંદર્ભે રાજ્યમાં પ્રવર્તતી સ્થિતિ માટે જવાબદાર છે. સાથે જ સરકારમાં પણ મજૂરીના દર, મજૂરોના કલ્યાણ સંદર્ભની જોગવાઈઓના અમલ માટે ખાસ ઉત્સાહ જોવા મળતો નથી.”
“આ સિવાય પોતાના હકો માટે મજૂરોમાં પણ જાગૃતિનો અભાવ જોવા મળે છે. જાગૃતિ વધારવા માટે સરકારના પક્ષેથી પણ ભાગ્યે જ કંઈ કરાય છે.”
બીબીસીએ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગમાં સમયાંતરે ફોન અને ઈમેલ દ્વારા આ વિષય સંદર્ભે સરકારનો પક્ષ જાણવા માટે સંપર્ક સાધ્યો હતો, પરંતુ કોઈ પણ ઉત્તર મળ્યો નથી.














