ગુજરાત : બાળકોને બાળમજૂર બનતાં અટકાવવા હૉસ્ટેલ ચલાવતા 'ગરીબ મજૂર'ની કહાણી

- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતનાં વિવિધ શહેરોમાં મજૂરી કરવા માટે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર વગેરે જિલ્લાનાં ગામોમાંથી આદિવાસી મજૂરો આવે છે.
શહેરોમાં બનતી ઇમારતો અને ગ્રામીણ વિસ્તારોનાં ખેતરોમાં મજૂરીએ આવતા મજૂર-દંપતીઓને પોતાની સાથે પોતાનાં બાળકોને પણ લઈ આવવાની ફરજ પડે છે. કારણ કે, તેમનાં ગામોમાં શાળાઓ તો હોય છે, પણ રહેવા માટે છાત્રાલયની સુવિધા હોતી નથી.
વળી ઘણા મજૂરોના પરિવારમાં બાળકોને સાચવવા માટે વડીલો હોતા નથી. તેથી પોતાનાં બાળકો સાથે સ્થળાંતર કરવા માટે મજબૂર, આદિવાસી મજૂરોનાં બાળકો શિક્ષણ મેળવવાથી વંચિત રહી જાય છે.
ત્યારે દાહોદ જિલ્લાના 3600 લોકોની વસતિ ધરાવતા જૂનાંપાણી ગામના મોજાળ ફળિયાના રહીશોએ કોઈ પણ જાતની સરકારી સહાય વગર સામૂહિક પ્રયાસથી આ સમસ્યાનો ઉકેલ આણવાનો પ્રયાસ કર્યો છે.
મોજાળ ફળિયું મધ્ય પ્રદેશની હદ પાસે આવેલું છેક છેવાડાનું ફળિયું છે અનેે 122 કુટુંબો રહે છે. તેમાંથી 70 ટકાથી વધુ લોકો જુદાંજુદાં શહેરોમાં, બાંધકામ ક્ષેત્રમાં મજૂરીકામ કરી પેટિયું રળે છે.
અહીંના મજૂર દંપતીઓને વર્ષનો મોટાભાગનો સમય ગામની બહાર દૂરનાં શહેરોમાં મજૂરીકામમાં વીતાવવો પડે છે. લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવું પડતું હોવાથી તેમને તેમનાં બાળકોને પણ મજબૂરીવશ કામનાં સ્થળે સાથે લઈ જવાની ફરજ પડે છે.
પરિણામે, તેમનાં બાળકો શિક્ષણ મેળવવાથી વંચિત રહી જાય છે. જૂનાંપાણી ગામમાં એક મુખ્ય પ્રાથમિક શાળા છે અને બીજી મોજાળ ફળિયામાં એકથી પાંચ ધોરણની શાળા છે. મોજાળ ફળિયાની શાળામાં કુલ 117 વિદ્યાર્થીઓ ભણે છે.

વિચાર કઈ રીતે આવ્યો?

ઇમેજ સ્રોત, SANJAY DAVE
બાંધકામ મજૂરોના આગેવાન આલમભાઈ ગલાભાઈ ડામોર તેમના ગામના દરેક મજૂર-કુટુંબને સારી રીતે જાણે છે. તેમણે જોયું કે, આદિવાસીઓ રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરી જતા તેમના ગામના બાંધકામ મજૂરો, પોતાની સાથે પોતાનાં બાળકોને પણ લઈ જાય છે. તેથી એ બાળકો શિક્ષણ મેળવવાથી વંચિત રહી જાય છે. આ સ્થિતિથી તેઓ ખૂબ વ્યથિત હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આલમભાઈ ગલાભાઈ ડામોર, બાંધકામ મજૂરોના સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા છે. પોતે સ્થળાંતરિત બાંધકામ મજૂર હતા.
ઉંમર અને શારીરિક અવસ્થાને કારણે તેમણે સ્થળાંતર કરીને મજૂરીએ જવાનું બંધ કર્યું.
આલમભાઈ કહે છે, "હું અમારા ગામના મજૂરોને કહેતો કે, તમે તમારાં બાળકોને શહેરમાં સાથે ન લઈ જશો. ત્યારે બાળકોનાં મા-બાપ કહેતા કે અમે તો વર્ષમાં એક કે બે વખત ગામમાં પાછા આવીએ, ત્યાં સુધી અમારી ગેરહાજરીમાં અમારાં બાળકોને સાચવે કોણ?"
આલમભાઈ કહે છે, "મારી પાસે તે વખતે તેમના આ સવાલનો કોઈ જવાબ નહોતો. તેમ છતાં, હું બાળકોનું શિક્ષણ બચાવવા મક્કમ હતો."
"જોકે, બહુ વિચાર કર્યા પછી મેં નક્કી કર્યું કે, ગામમાં જ એક છાત્રાલય શરૂ કરીએ તો તેમાં મા-બાપ તેમનાં બાળકોને મૂકવા માટે તૈયાર થશે."
આલમભાઈએ તેમના છાત્રલયનો આ વિચાર રજૂ કરવા માટે બધાં મા-બાપની મીટિંગ યોજી.
સ્થળાંતરિત મજૂરોને આલમભાઈનો આ વિચાર તો ગમી ગયો, પણ પછી તરત સવાલ ઊભો થયો કે, નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં પરિવારોના આ બધાં બાળકોને છાત્રાલયમાં રાખવાનો ખર્ચ કેવી રીતે કાઢીશું? વળી, છાત્રાલય માટે મકાન પણ જોઈએ ને!

છાત્રાલય માટે પોતાનું મકાન વાપરવા આપ્યું..

ઇમેજ સ્રોત, Sanjay Dave
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગામના એક રહેવાસી સુરમલભાઈ માવી એ દિવસોમાં ગામની પ્રાથમિક શાળાની સામે જ પોતાનું એક નવું મકાન બનાવી રહ્યા હતા. આલમભાઈએ તેમને એ મકાન છાત્રાલય માટે વાપરવા આપવાની અપીલ કરી અને જ્યારે પૈસાની સગવડ થશે ત્યારે તેનું ભાડું ચૂકવવાની પણ ખાતરી આપી.
બાળકોનું શિક્ષણ ટકી રહે એ ઉમદા વિચારને સુરમલભાઈએ વધાવી લીધો અને તરત જ પોતાનું મકાન છાત્રાલય માટે ફાળવ્યું.
હવે વાત આવી, બાળકોને સાચવવાની અને તેમને ભોજન પૂરું પાડવાની. બાળકોનું શિક્ષણ ટકી રહે એ વિચારથી બાળકોનાં મા-બાપ ખૂબ રાજી હતાં. એટલે એમણે જ પોતાની યથાશક્તિ ફાળો આપવાનું નક્કી કર્યું.
પોતાની આર્થિક સ્થિતિ મુજબ, જે મજૂરો જેટલો ફાળો આપી શકે એમ હતા એટલો ફાળો તે સૌએ આપ્યો.
ગામના બીજા લોકોએ પણ અનાજ-કરિયાણું દાન રૂપે આપ્યું. આમ, બાળકોના વાલીઓ અને ગ્રામજનોના લોકફાળાથી બાળકો માટે ગામમાં શાળા પાસે જ છાત્રાલય શરૂ થઈ ગયું.
આજે ગામનાં અને આજુબાજુનાં ગામોનાં 1થી 5 ધોરણનાં 55થી વધુ બાળકો છાત્રાલયમાં શાળાકીય શિક્ષણ મેળવી રહ્યાં છે.
છાત્રાલય બનવાથી તેમનું શિક્ષણ ટક્યું અને તેઓ બાળમજૂર બનતાં અટક્યાં એમ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી.
ગરીબ, પણ શિક્ષણ માટે જાગૃત મા-બાપ, ગામના આગેવાન, ગ્રામજનોની સામૂહિક પહેલ અને સંગઠનના બળથી આ શક્ય બન્યું.

ગામ લોકો વિનામૂલ્યે સેવા આપે છે

ઇમેજ સ્રોત, SANJAY DAVE
જૂન 2022થી શરૂ થયેલા આ છાત્રાલયમાં ગામના આગેવાન આલમભાઈ કોઈ પણ પ્રકારનું મહેનતાણું લીધા વગર સંચાલનનું કામ કરે છે.
તેઓ કહે છે, "મારા ગામનાં બાળકો મજૂરીએ નહીં, પણ શાળામાં હોય અને ઉચ્ચ અભ્યાસ કરીને પોતાનું જીવનધોરણ સુધારી શકે એ સેવાભાવથી મેં સ્વૈચ્છિક રીતે છાત્રાલયની જવાબદારી સંભાળી છે અને મને તેનો બહુ આનંદ છે."
આ છાત્રાલયમાં ગામની જ બે મહિલાઓ કમોદીબહેન માવી અને બદલીબહેન માવી બાળકો માટે બે ટાઇમ ભોજન અને એક ટાઇમ ચા-નાસ્તો બનાવી આપવાની સેવા આપે છે.
તેઓ કહે છે, "અમે વહેલી સવારે અમારા ઘરનું કામ પરવારીને, છાત્રાલયમાં રસોઈ બનાવવાં પહોંચી જઈએ છીએ, કારણ કે સવારે અમારે બધાં બાળકોને જમાડીને નિશાળે મોકલવાનાં હોય છે."
"બાળકો તેમનાં મા-બાપ સાથે મજૂરીએ જવાને બદલે અહીં રહીને ભણે છે એનો અમને આનંદ છે, એટલે જ અમે તો મહેનતાણાંની અપેક્ષા વગર જ રસોઈ બનાવવા રાજી થયાં છીએ.”
આ વર્ષથી છાત્રાલયમાં ગૃહમાતા તરીકે જોડાયેલાં ભાવનાબહેન ડામોર કહે છે, "મને અહીંનાં બાળકોની સંભાળ રાખવામાં જે આનંદ મળે છે એ કદાચ મને બીજે ક્યાંય નોકરી કરું તે મળે નહીં. આ બાળકોને છાત્રાલય મળ્યું છે એટલે જ એમનું ભણતર ટક્યું છે.”
છાત્રાલય ચલાવવામાં પડતી મુશકેલીઓ વિશે વાત કરતા આલમભાઈ કહે છે, "અમે છાત્રાલય શરૂ તો કરી દીધું, પણ તેને ચલાવવામાં પણ અમે અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છીએ."
"અમારે આટલી મોટી સંખ્યામાં બાળકોને રાત-દિવસ સાચવવા માટે બહુ કાળજી લેવી પડે છે."
ક્યારેક કોઈક બાળક બીમાર પડી જાય તો અડધી રાતે પણ તેને દવાખાને લઈ જવું પડે. આ બાળકોને શાળા સિવાયના સમયે કોઈકને કોઈક પ્રવૃત્તિમાં પરોવવા પડે. વળી, નાનાં બાળકોને તૈયાર કરીને સમયસર શાળાએ મોકલવા પડે."
આવા છાત્રાલય માટે સરકારની કોઈ મંજૂરીની જરૂર પડે કે કેમ તેના પ્રત્યુત્તર રૂપે બાળઅધિકાર અને શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત જાણીતા કર્મશીલ સુખદેવ પટેલ કહે છે, "વાલીઓ અને ગ્રામજનોના સહયોગથી ચાલતા આવા છાત્રાલય માટે સરકારની કોઈ મંજૂરીની જરૂર હોતી નથી, પરંતુ જો શેરી બાળકો અને અનાથ બાળકોની હોસ્ટેલ હોય તો જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ સરકારની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે."

ઇમેજ સ્રોત, SANJAY DAVE
છાત્રાલય ચલાવવાનો ખર્ચ કેવી રીતે નીકળે છે એ સવાલનો જવાબ આપતા આલમભાઈ કહે છે, "અમારી પાસે નાણાકીય મદદ આવશે ત્યારે અમે છાત્રાલયના મકાનનું ભાડું આપી શકીશું અને રસોઈ બનાવનાર બહેનોને પણ અમે તે પછી જ મહેનતાણું આપી શકીશું."
"જોકે, ગ્રામજનોએ દાન રૂપે થોડુંક અનાજ આપ્યું છે તેમાંથી એક-બે મહિના સુધી 55 બાળકોને ખવડાવી શકીશું. ગુજરાતના કેટલાક નિષ્ઠાવાન નાગરિકોએ છાત્રાલય માટે ગાદલાં, પાણીની ટાંકી, ગેસ સ્ટવ, ટીવી વગેરે ભેટ રૂપે આપ્યાં છે. "
સૌથી મહત્ત્વની વાત એ છે કે ગામનાં 13 સિંગલ પેરેન્ટનાં બાળકો માટે તો આ છાત્રાલય કાયમી આશરો બન્યું છે
માલ્યાભાઈ નીનામા, મુકેશભાઈ ડામોર, બદિયાભાઈ ડામોર, રૂપસિંગભાઈ ડામોર, શાંતાબહેન ડામોર જેવાં 50થી વધુ સ્થળાંતરિત મા-બાપ શહેરોમાં આખું વર્ષ મજૂરી કરવા જાય છે ત્યારે તેમનાં બાળકો આ છાત્રાલયમાં રહીને ભણે છે તેથી તેમના વાલીઓ નિશ્ચિંત બન્યા છે. આ 55 બાળકોમાંથી, 13 બાળકો સિંગલ પેરેન્ટનાં છે અને તેમના માટે તો આ છાત્રાલય જ જાણે કે કાયમી આશરો બની ગયું છે.

અમારાથી થાય એટલી મદદ કરીશુંઃ ગ્રામજનો
અમદાવાદના લાંભા વિસ્તારમાં મજૂરીએ આવેલા જૂના પાણી-મોજાળ ફળિયા ગામના અલકેશભાઈ ડામોરનાં બે સંતાનો ગામના છાત્રાલયમાં રહીને ભણે છે.
છાત્રાલય શરૂ થયું એટલે તેઓ મજૂરીનો દા’ડો પાડીને પણ અમદાવાદથી જૂનાંપાણી જઈને પોતાનાં બન્ને બાળકોને છાત્રાલયમાં મૂકી આવ્યાં.
અલકેશભાઈ કહે છે, "પહેલાં તો અમે અમારી સાથે જ અમારાં બાળકોને મજૂરીના સ્થળે લઈ જતા તેથી તેઓ શિક્ષણ મેળવી શકતાં નહીં. જોકે, એ વાતથી અમે દુખી હતાં, પણ શું કરવું સૂઝતું નહોતું. છાત્રાલય શરૂ થયું એટલે અમે અમારાં બાળકોને ગામમાં ભણવા મૂકી આવ્યાં છીએ."
"હવે છાત્રાલય ચાલુ રહે તે બહુ જરૂરી છે. એટલે અમે પણ અમારી મજૂરીનાં મહેનતાણાંમાંથી અમારાથી થાય એટલી મદદ કરીશું, જેથી અમારાં અને ગામનાં બધાં બાળકોનું ભણવાનું ચાલુ રહે."
‘બાંધકામ મજદૂર સંગઠન’ના મોભી વિપુલ પંડ્યા કહે છે કે જે બાળક શાળામાં ભણતું નથી, તે વહેલા-મોડા બાળમજૂર બની જાય છે.
"જો આ છાત્રાલય ન હોય તો બાળકો શાળામાં ન હોત અને જે બાળક શાળામાં ભણતું નથી તે વહેલા-મોડા બાળમજૂર બની જાય એવી સંભાવના રહે છે."
"એટલે ગામના લોકોએ જાતે શરૂ કરેલું આ છાત્રાલય ચાલુ રહે તે માટે અમે અમારા મિત્રોની મદદથી, છાત્રાલયમાં રહેતાં બાળકોનાં મા-બાપ અને ગામલોકોને બનતી મદદ કરી રહ્યા છીએ."

સરકારની મદદની જોવાતી રાહ

ઇમેજ સ્રોત, SANJAY DAVE
આવતા સત્રથી સરકારી ગ્રાન્ટ મળે તો આ છાત્રાલય અને બાળકોનું શિક્ષણ ટકી રહે એવું ગ્રામજનો ઇચ્છે છે.
ગામના લોકોના જણાવ્યા મુજબ, મોજાળ ફળિયાની આ એક માત્ર સરકારી પ્રાથમિક શાળામાં, પાંચ ધોરણ વચ્ચે માત્ર એક જ ઓરડો છે, જેથી બધાં બાળકોને મજબૂરીવશ એકસાથે બેસીને ભણવું પડે છે.
આવી સ્થિતિમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળે અને શિક્ષકો એક જ ઓરડામાં ચાલતા આટલા બધા વર્ગોનું સંચાલન કેવી રીતે કરે.
રાજ્ય સરકારના દાહોદના ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ (ડીસીપીયુ)ના ઑફિસર શાંતિલાલ તાવિયાડ કહે છે, "જૂનાંપાણી ગામના લોકોનો આ એક અનોખો પ્રયાસ છે."
"ગામનાં બાળકોને મા-બાપ સાથે સ્થળાંતર કરવાની ફરજ ન પડે તે માટે ગામલોકોએ લોકભાગીદારીથી આ છાત્રાલય શરૂ કર્યું તે બહુ નોંધપાત્ર છે."














