ચોખાની એક વાનગી, જે 'સેક્સ પાવર'થી ભરપૂર મનાય છે

ઇમેજ સ્રોત, Simon Urwin
- લેેખક, સિમોન ઉર્વિન
- પદ, બીબીસી ટ્રાવેલ
ઉઝબેકિસ્તાનની પ્રિય રાષ્ટ્રીય વાનગી પ્લોવ વ્યાપકપણે કામોત્તેજક ગુણો ધરાવતી હોવાનું માનવામાં આવે છે. તેથી તે પરંપરાગત રીતે ગુરુવારે ખાવામાં આવે છે. ગુરુવાર ગર્ભધારણ કરવાનો પૉપ્યુલર દિવસ ગણાય છે.
ચોખા, શાકભાજી, માંસ અને મસાલાના મિશ્રણ સાથેની પ્લોવ નામની આ ડિશ સિલ્ક રોડ પરના તમામ દેશોમાં લોકપ્રિય છે, પરંતુ ઉઝબેકિસ્તાન સાથે તેને વધારે ગાઢ સંબંધ છે. ઉઝબેકિસ્તાનના લોકો અઠવાડિયે ઓછામાં ઓછા એક વખત પ્લોવ ખાય છે. તે દેશની રાષ્ટ્રીય વાનગી છે અને પારિવારિક ઉજવણીનો અનિવાર્ય હિસ્સો ગણાય છે.
જન્મ, લગ્ન અને અંતિમ સંસ્કાર વખતે તેમજ હજયાત્રા કરીને પાછા ફરતા મુસ્લિમોના સન્માન માટે પણ પ્લોવનો આહાર કરવામાં આવે છે.
દંતકથા અનુસાર, પ્લોવની શોધ એલેકઝાન્ડર ધ ગ્રેટે કરી હતી. તેમણે મધ્ય એશિયામાંનાં યુદ્ધો દરમિયાન તેમના સૈન્યને ટકાવી રાખવા માટે સંતોષકારક ભોજન બનાવવાનો આદેશ આપ્યો હતો.
આહારના ઇતિહાસના શોખીન ઉઝબેક ટૂર ગાઇડ નીલુફર નુરિદ્દિનોવાએ કહ્યું હતું, “એ સાબિત કરવા માટે અમારી પાસે ઐતિહાસિક રેકૉર્ડ નથી, પરંતુ નવમી અને દસમી સદી સુધીમાં પ્લોવ અહીં ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી, તે અમે જાણીએ છીએ. આ પ્રદેશમાં 1,000થી વધુ વર્ષથી ચોખા મુખ્ય પાક છે. તેને ઉગાડવા માટે સખત શારીરિક મહેનત કરવી પડે છે. તેને લણવા અને પશુપાલન માટે પણ મહેનત કરવી પડે છે. તેથી પ્લોવ મુખ્યત્વે ખેતી આધારિત સમાજ માટે એક આદર્શ ઉચ્ચ કૅલરીયુક્ત, પોષકતત્ત્વોથી ભરપૂર વાનગી બની હશે.”
પ્લોવને દેશની રાંધણ પરંપરાનો એટલો મહત્ત્વપૂર્ણ હિસ્સો ગણવામાં આવે છે કે તેને યુનેસ્કોની માનવતાના અમૂર્ત વારસાની સૂચિમાં તાજેતરમાં સ્થાન આપવામાં આવ્યું છે. નુરિદ્દિનોવાએ કહ્યું હતું, “પ્લોવ ભોજન કરતાં વિશેષ છે. તેનાથી સામાજિક સંબંધ બંધાય છે, તે દોસ્તીને પ્રોત્સાહિત કરે છે અને અમારા દેશને એક કરે છે.”
ઉઝબેકિસ્તાનમાં પ્લોવ વિનાનું જીવન અશક્ય

ઇમેજ સ્રોત, Simon Urwin
આ શબ્દ ઉઝબેક ભાષાનો એક મહત્ત્વનો હિસ્સો, તેમ જણાવતાં તેમણે કહ્યું હતું, “તે ઘણી રોજિંદી અભિવ્યક્તિઓમાં પણ સંભળાય છે. જેમ કે, તમારી પાસે પૃથ્વી પર જીવવા માટે છેલ્લો દિવસ હોય તો તેને પ્લોવ ખાવામાં વિતાવો. તેનો અર્થ એ છે કે તમે ખુશીથી મૃત્યુ પામી શકશો. ઉઝબેકિસ્તાનમાં પ્લોવ વિનાનું જીવન અશક્ય છે.”
ઉઝબેકિસ્તાનમાં 100થી વધુ પ્રકારના પ્લોવ મળે છે. પ્રદેશ અને ઋતુ અનુસાર તેની રેસિપીમાં ફેરફાર થતો હોય છે, પરંતુ દરેક ભિન્નતામાં મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે, જેના નામના આદ્યાક્ષરોએ આ વાનગીને પૂરું નામ ઓશ પાલોવ (osh palov) આપ્યું છે. તેમાં ઓબ (પર્શિયન ભાષામાં પાણી) માટે ઓ, શોલી (ચોખા) માટે શ, પિયોઝ (ડુંગળી) માટે પી, આયોઝ (ગાજર) માટે એ, લમ્હ (માંસ) માટે એલ, ઓલિયો (ચરબી અથવા તેલ) માટે ઓ અને વેટ (નમક) માટે વી-નો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશનું સૌથી પ્રખ્યાત પ્લોવ રેસ્ટોરાં બેશ ક્યુઝોન (જે સૅન્ટ્રલ એશિયન પ્લોવ સેન્ટર તરીકે પણ ઓળખાય છે) રાજધાની તાશ્કંદના યુનુસાબાદમાં આવેલું છે. મધ્ય એશિયામાંના સૌથી મોટા પ્લોવ રેસ્ટોરા પૈકીના એક ગણાતા બેશ ક્યુઝોનમાં દરરોજ 5,000થી 8,000 ગ્રાહકોને પ્લોવ પીરસવામાં આવે છે. તેમાં કાઝાન તરીકે ઓળખાતી નવ વિશાળ લાકડામાંથી બનેલી કડાઈમાં પ્લોવ બનાવવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Simon Urwin
ઉઝબેક પરંપરા મુજબ, પ્લોવની દરેક પ્લેટમાં નોન (બ્રેડ) હોવી જરૂરી છે. બેશ ક્યુઝોનના મુખ્ય રસોઈયા શોકિરજોન નુરમાટોવ છે. રસોડાના તમામ કર્મચારીઓની માફક તેઓ પણ કામ શરૂ કરતા પહેલાં એક ખાસ ધાર્મિક વિધિ કરે છે, પોતાની જાતને શુદ્ધ કરે છે. બાઉલના આકારમાં હાથ જોડીને પોતાનું કામ સફળતાપૂર્વક કરવા માટે અલ્લાહ પાસેથી દુઆ માગે છે. એ પછી જ તેઓ રોજ 3,000થી વધુ રોટલીઓ બનાવવાનું શરૂ કરી શકે છે.
ઉઝબેકિસ્તાનના પરિવારોમાં પ્લોવ પરંપરાગત રીતે સ્ત્રીઓ બનાવે છે. રેસ્ટોરાંમાં અને ખાસ પ્રસંગોએ તે કામ ઓશપાઝ તરીકે ઓળખાતા પુરુષ રસોઈયાઓ કરે છે. બેશ ક્યુઝોનના ઓશપાઝ ફૈઝુલ્લાહ સાગદીયેવેએ કહ્યું હતું, “તે એટલા માટે કે વિશાળ જથ્થામાં ઉત્પાદન કરવુ મુશ્કેલ શારીરિક કાર્ય છે. મારા સૌથી મોટા કાઝાનમાં ત્રણ ટન ખોરાક રાંધી શકાય છે.”
તેના પર બીજું દબાણ પણ હોય છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું, “કોઈ મહેમાન સ્વાદ ન પસંદ પડવાને લીધે પ્લેટમાં પ્લોવ છોડી દે તો તેને એટલું શરમજનક માનવામાં આવે છે કે ઓશપાઝને આપઘાત કરી લેવાની લાગણી થાય. સદનસીબે મારી સાથે આવું ક્યારેય બન્યું નથી.”
કામોત્તેજક ખોરાક તરીકેની માન્યતા

ઇમેજ સ્રોત, Simon Urwin
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્લોવને રાંધવાની પ્રક્રિયા ચુસ્ત ક્રમાનુસાર થાય છે. તેની શરૂઆત સફેદ તથા પીળા ગાજર, ડુંગળી, ચોખા, પાણી અને મસાલા ઉમેરતા પહેલાં માંસ (મટન તથા બીફનું મિશ્રણ)ના બ્રાઉનિંગથી થાય છે. સાગદીયેવ નમક, મરી, હળદર અને જીરુંના મિશ્રણનો ઉપયોગ મુખ્યત્વે કરે છે. આ બધું સિલ્ક રોડ પર ભારતથી પહેલાં ઉઝબેકિસ્તાન આવ્યું હતું. બેશ ક્યુઝોનના ચાયખાના પ્લોવમાં તેને ચાર કલાક રાંધવામાં આવે એ પહેલાં તેમાં ચણા અને કિશમિશ ઉમેરીને તેને લોકલ ટચ આપવામાં આવે છે.
ઉઝબેકિસ્તાનમાં પ્લોવ બનાવવા અને ખાવા માટે ગુરુવાર તથા રવિવારને સૌથી લોકપ્રિય દિવસ માનવામાં આવે છે. નુરિદ્દિનોવાએ કહ્યું હતું, “પ્રાચીન સમયમાં ગ્રામ્ય વિસ્તારના લોકો તેમનો માલ વેચવા માટે સપ્તાહમાં બે જ વખત શહેરોની બજારમાં જઈ શકતા હતા. તેથી તેમના ગજવામાં ગુરુવારે અને રવિવારે વધુ પૈસા રહેતા હતા. આ કારણે તેઓ પ્લોવ માટે જરૂરી તમામ સામગ્રી ખરીદી શકતા હતા.”
સાગદીયેવે મને જણાવ્યુ હતું કે ગુરુવારે પ્લોવ વધારે પ્રમાણમાં ખાવામાં આવતું હોવાનું એક કારણ એ પણ છે કે તેમાં મજબૂત કામોત્તેજક ગુણો હોવાનું માનવામાં આવે છે. ગર્ભધારણ માટેના સૌથી લોકપ્રિય દિવસે ખાવા માટે તેને એકદમ યોગ્ય ગણવામાં આવે છે.
તેમના જણાવ્યા મુજબ, કેટલાક પુરુષો મજાક કરે છે કે પ્લોવ શબ્દનો વાસ્તવિક અર્થ સંભોગ પહેલાંની પ્રણયક્રિડા થાય છે. કાઝાનના તળિયામાં રહેલા તેલને કુદરતી વાયગ્રા સ્વરૂપે પીવામાં આવે છે. પુરુષ ગ્રાહકોને વધારાનો સેક્સ્યુઅલ પાવર આપવા ઘણા ઓશપાઝ ગુરુવાર માટે શ્રેષ્ઠ માંસ અનામત રાખે છે.
ગુરુવારે ગર્ભ ધારણ કરવાની પરંપરા દેશની મજબૂત ઇસ્લામિક માન્યતાઓ સાથે જોડાયેલી છે. સાગદીયેવે કહ્યુ હતું, “મહમદ પયગંબરનું ગર્ભાધાન ગુરુવારે થયું હોવાનું માનવામાં આવે છે. તેથી તમારું બાળક બુદ્ધિશાળી બને, આજ્ઞાકારી હોય, તેને ભગવાનના આશીર્વાદ મળે અને ઈશ્વરની કૃપા પામવા માટે ઉદાર હૃદય ધરાવતું હોય એવું તમે ઇચ્છતા હો તો ગુરુવાર તેના માટે સારો દિવસ છે, પરંતુ એ પહેલાં પેટ ભરીને પ્લોવ ખાવું જરૂરી છે.”












