સપનામાં આવીને 'લાશ' બોલાવતી હતી, સ્થળ પર જઈને જોયું ત્યારે શું થયું?

ઇમેજ સ્રોત, nikitarya_01/instagram
- લેેખક, પ્રિયંકા જગતાપ
- પદ, બીબીસી મરાઠી
"મારું નામ છે નિકિત ઉર્ફે યોગેશ પિંપલ આર્ય. હું પાછલા પાંચ દિવસથી ખેડ ખાતે આવેલા ભોસ્તે ઘાટ વિસ્તારમાં ફરી રહ્યો છું. ગત 16 ઑગસ્ટ 2024ની રાતથી એક મૃત વ્યક્તિ મારા સપનામાં આવી રહી છે."
"એણે રેઇન-કોટ પહેર્યો છે અને તેની પાસે કાળા બૂટ અને બૅગ છે. એ મને મદદ માટે પોકારી રહી છે. મને પહેલાં લાગ્યું કે આ માત્ર એક સપનું છે. "
"પરંતુ એ મૃત વ્યક્તિ મારા સપનામાં આવતી રહી, આથી હવે હું સૂઈ પણ નથી શકતો. એ મને સપનામાં દિશા બતાવે એમ હું એને હવે શોધી રહ્યો છું. મને ખબર નથી કે એ કોણ છે, છતાં હું એની મદદ કરી રહ્યો છું."
યોગશ આર્ય નામના એક યુવાને ઉપરોક્ત વાત કરતો વીડિયો સપ્ટેમ્બર 17ના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યો હતો.
આ વીડિયો તેમણે મૂક્યો એ દરમિયાન તેઓ થોડા દિવસ માટે રત્નાગિરિ જિલ્લાના ખેડ ખાતેના ભોસ્તે વિસ્તારની આસપાસ ભટકી રહ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે એક મૃત વ્યક્તિ તેમના સ્વપ્નમાં આવીને તેમની પાસેથી મદદ માગી રહી છે. આશ્ચર્યજનક રીતે તેમના સ્વપ્નની માફક જ તેમને જંગલમાં એક મૃતદેહ પણ મળી આવ્યો.
તે મૃત વ્યક્તિ કોણ હતી? તેનાં સપનાં અને યોગેશનાં સપનાં વચ્ચે શું સંબંધ હતો? આ અહેવાલમાં જાણીએ કે આખો મામલો શું છે.
ખરેખર શું છે મામલો?
પોલીસે જણાવ્યું હતું કે સાવંતવાડીના અજગાંવના રહેવાસી યોગેશ આર્યે 17 સપ્ટેમ્બરના રોજ પોલીસને પોતાનાં સ્વપ્ન અને તેમાં દેખાતી મૃત વ્યક્તિ વિશે વાત કરી હતી. રત્નાગિરિમાં ખેડ રેલવે સ્ટેશન સામે એક મૃતદેહ દેખાતો હતો, જે સ્વપ્નમાં તેમની પાસે મદદ માગી રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યોગેશે જણાવેલી વાત વિચિત્ર હોવા છતાં પોલીસે તેમણે આપેલી માહિતી આધારે એફઆઇઆર નોંધીને, તેમણે જે વિસ્તારની વાત કરી ત્યાં તપાસ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
જ્યારે પોલીસે તપાસ કરી તો તેમને યોગેશ આર્યના જણાવ્યા મુજબ મૃતદેહ પણ મળી આવ્યો. જંગલમાં આંબાની આસપાસના વિસ્તારમાં અત્યંત ગંધ આવી રહી હતી.

ઇમેજ સ્રોત, FACEBOOK
જ્યારે તેઓ વૃક્ષની નજીક પહોંચ્યા તો તેમને જમીન પર એક મૃતદેહ પડેલો મળી આવ્યો. આ વ્યક્તિએ આંબા પર ટુવાલ, કાળો વાયર અને પ્લાસ્ટિકના પટ્ટાનો ઉપયોગ કરીને ગળાફાંસો ખાધો હતો.
આ વ્યક્તિએ ભૂરું જાકિટ અને પૅન્ટ પહેરેલાં હતાં. જેની અંદર હાડપિંજર હતું. તેના મૃતદેહની બાજુમાં કાળી બૅગ અને બૂટ મળી આવ્યાં હતાં.
આ મૃતદેહથી પાંચ ફૂટના અંતરે એક માનવખોપરી પણ મળી આવી હતી.
પોલીસ પણ યોગેશે સ્વપ્નમાં જોયેલી વાત સાચી ઠરતાં આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એક મૃત વ્યક્તિ કોઈકનાં સ્વપ્નમાં આવીને મદદ માગે, તેમને પોતાનું ઠેકાણું બતાવે અને બરાબર એ જ ઠેકાણે મૃતદેહ મળી પણ આવે, આ સમગ્ર વાત પોલીસ માટે એક મોટો કોયડો બની ગઈ હતી.
યોગેશે ઇન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોમાં શું કહ્યું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
17 સપ્ટેમ્બરે શૅર કરેલા એક વીડિયોમાં તેમણે કહ્યું, "હાય, મેં નિકિત ઉર્ફે યોગેશ પિંપલ આર્ય છું. હું છેલ્લા પાંચ દિવસથી ગામના ભોસ્તે ઘાટ વિસ્તારમાં ઘૂમી રહ્યો છે.
16 ઑગસ્ટ, 2024થી મારા સપનામાં એક મૃત વ્યક્તિ આવી રહી છે. તેણે રેઇન-કોટ પહેરેલો છે. તેના પગે કાળા બૂટ અને બૅગ છે.
એ વ્યક્તિ મારી પાસેથી મદદ માગી રહી છે. મને લાગ્યું કે આ માત્ર સપનું છે. પરંતુ આ વ્યક્તિ મારા સપનામાં સતત આવતી રહી, આ કારણે હું સૂઈ પણ નહોતો શકતો. એ મને સ્વપ્નમાં દિશા બતાવે એમ હું એને શોધી રહ્યો છું."
યોગેશે 15 સપ્ટેમ્બરે રેકૉર્ડ કરેલા વીડિયોમાં કહ્યું, "હું એ કોણ છે એ નથી જાણતો, છતાં હું તેની મદદ કરી રહ્યો છું."
જ્યારે તેઓ ભોસ્તે ઘાટ વિસ્તારમાં આ મૃત વ્યક્તિની શોધમાં ભટકી રહ્યા હતા ત્યારે વધુ એક વીડિયોમાં તેમણે એક પર્વત બતાવ્યો અને કહ્યું, "આ પર્વત પર જ એ વ્યક્તિ મને મારા સ્વપ્નમાં દેખાતી. એ મને 'સિગ્નલ' આપી રહી છે. હું તેની મદદ કરવા માટે બધું કરીશ."
આ વીડિયોમાં તેઓ એવું પણ કહે છે કે આ વિસ્તારમાં દુકાન ધરાવનાર એક વ્યક્તિએ પર્વતમાળા સુધી પહોંચવાનો રસ્તો તેમને બતાવ્યો હતો.
તેમણે કહ્યું કે આ સફર શરૂ કર્યાના પાંચ દિવસ સુધી તેઓ કોઈ વીડિયો રેકૉર્ડ નહોતા કરી શક્યા. તેમણે કહ્યું, "મારે આજે ઘણાં કામ છે. મારે આજે ઝડપથી સિમ કાર્ડ ઍક્ટિવેટ કરવાનું છે."

ઇમેજ સ્રોત, nikitarya_01/instagram
"પરંતુ મારી પાસે કોઈ ઓળખપત્ર નથી."
યોગેશ ગોવા ખાતેની એક કંપનીમાં કામ કરતા હતા. 6 સપ્ટેમ્બરના રોજ, પોતાનું બધું કામ પતાવીને એ એક દિવસ પોતાના રૂમે પહોંચ્યા અને એ રાત્રે તેઓ અચાનક પોતાની બાઇક લઈને તેઓ પોતાનાં સ્વપ્નમાં દેખાતી એ મૃત વ્યક્તિની શોધમાં નીકળી પડ્યા.
પરંતુ જ્યારે તેઓ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સાડા દસ વાગ્યે જાગ્યા, તેઓ ગુજરાતના સુરત રેલવે સ્ટેશન પર હતા.
તેઓ કહે છે કે તેઓ ગોવાથી સુરત કેવી રીતે પહોંચ્યા એની તેમને ખબર નહોતી, તેમની સાથે શું બન્યું એ અંગે પણ તેમને ખ્યાલ નહોતો.
તેમના જણાવ્યાનુસાર આ પ્રવાસ દરમિયાન તેમના તમામ દસ્તાવેજોવાળી બૅગ અને બાઇક ખોવાઈ ગઈ. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેમણે જાકીટ અને શૉર્ટ્સ પહેર્યાં હતાં.
તેમની પાસે માત્ર 2,600 રૂપિયા હતા. એ રાત્રે તેઓ સુરત રેલવે સ્ટેશને જ સૂઈ ગયા. એ રાત્રે ફરી તેમનાં સ્વપ્નમાં મૃત વ્યક્તિ આવી અને તેમને ત્યાંની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જવાનું કહ્યું.

ઇમેજ સ્રોત, ratnagiripolice.co.in
તે બાદ તેમણે ગોવા પરત ફરવાને સ્થાને ત્યાંની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જોવાનું ઠરાવ્યું. તેઓ કહે છે કે, "મને ખબર નથી હું ત્યાં કેમ ગયો હતો."
"હું એ વ્યક્તિ મને જે કહે એ પ્રમાણે કરી રહ્યો છું. મને ખબર નથી કે કેમ એ મારી મદદ માગી રહી છે. પરંતુ મારે તેની મદદ કરવા માટે જે કરી શકું એ કરવું જ રહ્યું."
આ વીડિયોમાં તેમણે કહ્યું કે, "મને ગોવા, મારી ઑફિસ અને મિત્રો ખૂબ યાદ આવે છે. મારી બૅગ, મોબાઇલ, ગાડી બધું ખોવાઈ ગયું છે."
મને એ વાતનો કોઈ ખ્યાલ નથી કે હું મારી બાઇક પર બેઠા બાદ કઈ રીતે સુરત પહોંચી ગયો. જો હું આ વાત મારા પરિવારને કહું તો તેમને વિશ્વાસ નહીં આવે.
મારી ઑફિસના મયૂરસર હંમેશાં મારા પર હસે છે. તેઓ મને કહે છે કે હું કહાણી ઘડું છું, પરંતુ હું એવું નથી કરતો. હું સત્ય જ બોલું છું.
તે બાદ તેઓ રત્નાગિરિ ખાતે ખેડ રેલવે સ્ટેશનની સામે આવેલા પર્વતોમાં આ મૃત વ્યક્તિની શોધમાં નીકળી જાય છે. તેમણે નવો મોબાઇલ અને સિમ કાર્ડ ખરીદી લીધાં. રસ્તામાં તેમણે પોતાના અનુભવો અંગેનો વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધો.
પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?
તેમણે કહ્યું હતું કે, "મૃતકની હજુ સુધી ઓળખ નથી થઈ શકી, પરંતુ આ અંગે તપાસ ચાલી રહી છે. અમારી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યોગેશ આર્ય માનસિક તકલીફથી પીડાય છે."
"પોલીસ તપાસ દરમિયાન યોગેશ જાતે જ ઘર છોડીને જતો રહ્યો છે, જે અંગે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ છે."
હાલ આ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે એ જોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જશે કે આગળ આ કેસમાં શું સામે આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












