કાશી-મથુરા સિવાય આ દસથી વધુ સ્થળે ચાલી રહ્યા છે 'મંદિર-મસ્જિદ' વિવાદ

ઇમેજ સ્રોત, Zaki Rahman
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
અયોધ્યામાં રામજન્મભૂમિ આંદોલન તેની ચરમસીમા પર હતું ત્યારે એક નારો જોરશોરથી લગાવવામાં આવતો હતોઃ “અયોધ્યા તો ઝાંકી હૈ, અભી કાશી-મથુરા બાકી હૈ.”
આ નારાનો અર્થ એ હતો કે રામજન્મભૂમિ વિવાદ ખતમ થયા બાદ કાશીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ પણ વાસ્તવમાં મંદિર હોવાના દાવાને આગળ વધારવામાં આવશે.
અયોધ્યાના રામમંદિર અને બાબરી મસ્જિદ કેસનો ચુકાદો સુપ્રીમ કોર્ટે 2019માં આપ્યો હતો. હાલ ઓછામાં ઓછાં 12 ધાર્મિક સ્થળો અને સ્મારકો વિરુદ્ધ આવા કેસ ચાલી રહ્યા છે.
આ મામલામાં વર્તમાન મસ્જિદો, દરગાહ અને સ્મારકો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિર તોડીને આ બનાવવામાં આવ્યાં હતાં. તેનો કબજો હિંદુઓને સોંપી દેવો જોઈએ તેવી માંગ કરાઈ રહી છે.
પુરાવા એકઠા કરી શકાય એ હેતુથી અહીં સર્વેની માંગ પણ કરાઈ રહી છે.
બીજી તરફ આવા મામલામાં મુસ્લિમ પક્ષ સામાન્ય રીતે એવું કહેતો હોય છે કે આવા કેસ ઉપાસનાસ્થળ કાયદા-1991ની વિરુદ્ધના છે.
કાશી અને મથુરાના મામલા બહુ ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદ પણ સમાચારમાં છે. ત્યાં સર્વે દરમિયાન થયેલી હિંસાં પાંચ લોકોનાં મોત થયાં છે.
સંભલ કેસ બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે મુસ્લિમ પક્ષના વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ પણ અદાલતને જણાવ્યું હતું કે દેશમાં આવા ઓછામાં ઓછા દસ વિવાદના કેસ ચાલી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મસ્જિદ-મંદિર મામલા સાથે જોડાયેલા સુપ્રિમ કોર્ટના વકીલ ફુઝૈલ અહમદ અય્યૂબીએ બીબીસી હિંદી સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.

જામા મસ્જિદ અને શેખ સલીમ ચિશ્તીની દરગાહ - ફતેહપુર સીકરી

ઇમેજ સ્રોત, Getty Images
ફતેહપુર સીકરી આગ્રાથી 40 કિલોમીટર દૂર આવેલું છે. અહીં સોળમી સદીમાં બનેલી જામા મસ્જિદ છે, જેમાં સૂફી સંત સલીમ ચિશ્તીની દરગાહ પણ છે.
વકીલ અજયપ્રતાપસિંહે 2024માં આગ્રાની અદાલતમાં એક કેસ દાખલ કર્યો હતો. તેમનો દાવો હતો કે સલીમ ચિશ્તીની દરગાહ કામાખ્યા દેવીના મંદિર પર બનાવવામાં આવી હતી.
તેમનું કહેવું હતું કે સોળમી સદીમાં એ દરગાહનું નિર્માણ થયું હતું, પરંતુ એ પહેલાં ત્યાં એક મંદિર હતું.
આગ્રાની જામા મસ્જિદની નીચે કટરા કેશવદેવની મૂર્તિઓ હોવાનું જણાવતો એક કેસ અજયપ્રતાપસિંહે આગ્રાની અદાલતમાં આ અગાઉ પણ દાખલ કર્યો હતો.
તેમની માંગ છે કે મસ્જિદ અને દરગાહની જગ્યા હિંદુઓને આપી દેવાય. આ કેસ કોર્ટમાં વિચારાધીન છે. પ્રતિવાદીઓમાં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ, દરગાહ અને મસ્જિદ પ્રબંધન સમિતિનો સમાવેશ થાય છે.
અટાલા મસ્જિદ - જૌનપુર, ઉત્તર પ્રદેશ

ઇમેજ સ્રોત, Shalini Saran/IndiaPictures/Universal Images Group via Getty Images
આ પણ ઉત્તર પ્રદેશના જૌનપુરનો મામલો છે. અહીં અરજદારોનો દાવો છે કે અટાલા માતાનું મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
અટાલા મસ્જિદનું નિર્માણ ઈસવીસન 1408માં કરાયું હતું. હિંદુ સંગઠન સ્વરાજવાહિનીએ જૌનપુરમાં એક અરજીમાં જણાવ્યું છે કે ફિરોજ શાહ તુગલકે એક હિંદુ મંદિર તોડીને આ મસ્જિદ બનાવડાવી હતી.
ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે આ અરજીનો વિરોધ કર્યો છે.
જૌનપુરની એક સિવિલ કોર્ટે ઑક્ટોબર 2024માં આદેશ આપ્યો હતો કે મથુરા તથા જ્ઞાનવાપીમાં મંદિર-મસ્જિદ કેસ જેવા આ અટાલા મસ્જિદ મામલાની સુનાવણી પણ થઈ શકે છે.
શમ્સી જામા મસ્જિદ, બદાયૂં, ઉત્તર પ્રદેશ
આ મસ્જિદ તેરમી સદીમાં દિલ્હી સલ્તનતના શમ્સુદ્દીન ઈલ્તુતમિશે બનાવડાવી હતી.
અખિલ ભારતીય હિંદુ મહાસભાના સંયોજક મુકેશ પટેલે બદાયૂં જિલ્લા કોર્ટમાં એક અરજીમાં જણાવ્યું હતું કે આ મસ્જિદની જગ્યાએ અગાઉ નીલકંઠ મહાદેવનું મંદિર હતું. તેને હઠાવીને મસ્જિદ બનાવવામાં આવી છે.
અરજદારે માંગ કરી છે કે તેમને આ સ્થળે પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે.
આ અરજીમાં મસ્જિદની ઈંતજામિયા કમિટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ પણ પક્ષકાર છે, જેમનું કહેવું છે કે આ મામલે અદાલતમાં સુનાવણી થઈ શકે નહીં. મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ કેસ ઉપાસનાસ્થળ કાયદા 1991ની વિરુદ્ધનો છે.
આ કેસની સુનાવણી ડિસેમ્બરમાં શરૂ થવાની છે.
ટીલે વાલી મસ્જિદ, લખનૌ, ઉત્તર પ્રદેશ

ઇમેજ સ્રોત, Getty Images
આ એક જૂનો કેસ છે, જે 2013થી ચાલી રહ્યો છે. ભગવાન શેષનાગેશ ટીલેશ્વર મહાદેવ વિરાજમાનના નામે ત્યારે એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે મોગલ શાસક ઔરંગઝેબે એક હિંદુ ધર્મસ્થળ તોડીને આ મસ્જિદ બનાવી હતી.
લખનૌના સિવિલ જજે પોતાના ચુકાદામાં 2017માં જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી થઈ શકે છે અને આ કેસ ઉપાસનાસ્થળ કાયદા 1991ની વિરુદ્ધનો નથી જતો. આ સંબંધી અપીલ અલાહાબાદ હાઇકોર્ટમાં વિચારાધીન છે.
કમલા મૌલા મસ્જિદ - ધાર, મધ્ય પ્રદેશ
હિંદુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ નામની એક સંસ્થાએ મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે આ મસ્જિદનું નિર્માણ 13થી 14મી સદીમાં અલ્લાઉદ્દીન ખિલજીના શાસનકાળમાં શરૂ થયુ હતું.
અરજદારોનું કહેવું છે કે એ સમયે ત્યાં ભોજશાલા વાગદેવીનું મંદિર હતું, જેને તોડીને આ મસ્જિદ બનાવવામાં આવી હતી.
2022માં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ મારફતે સર્વેની માંગ કરવામાં આવી છે.
હાઇકોર્ટે માર્ચ 2024માં આ સર્વેની મંજૂરી આપી હતી. પછી આદેશ આપ્યો હતો કે સર્વે પછી મસ્જિદમાં સુપ્રીમ કોર્ટના આદેશ વિના કોઈ પણ છેડછાડ ન થવી જોઈએ.
આ મામલો હજુ પણ વિચારાધીન છે અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા ત્યાં સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે.
અજમેર શરીફ દરગાહ, રાજસ્થાન

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ રાજસ્થાનના અજમેર શહેરમાંની સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ બાબતે અજમેરની સ્થાનિક અદાલતમાં એક અરજી દાખલ કરી છે.
તેમનો દાવો છે કે દરગાહની નીચે એક શિવમંદિર છે. વિષ્ણુ ગુપ્તાએ તેમની અરજીમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા ત્યાં સર્વેની માંગ કરી છે અને જણાવ્યું છે કે દરગાહની જગ્યાએ ફરીથી મંદિર બનવું જોઈએ.
આ અરજીની સુનાવણી હાથ ધરતાં અજમેર વેસ્ટના સિવિલ જજ મનમોહન ચંદેલની ખંડપીઠે 27 નવેમ્બરે લઘુમતી મામલાઓના મંત્રાલય, દરગાહ કમિટી અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગને નોટિસ પાઠવી છે. આગામી સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
બાબા બુદનગિરી દરગાહ - ચિકમંગલૂર, કર્ણાટક
ચિકમંગલૂરના બાબા બુદનગિરિમાં સૂફી સંત દાદા હયાત (બાબા બુદન)ની એક દરગાહ આવેલી છે.
ત્યાં હિંદુઓનું દત્તાત્રેય મંદિર પણ છે. આ સ્થળને સામાન્ય રીતે દક્ષિણનું અયોધ્યા પણ કહેવામાં આવે છે.
આ જગ્યા કર્ણાટક સરકારે 1970ના દાયકામાં વકફ બોર્ડને આપી દીધી હતી. એ બાબતે બહુ વિવાદ થયો પછી મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો.
કોર્ટે 1980માં જણાવ્યું હતું કે આ વકફની સંપત્તિ નથી અને હિંદુ તથા મુસલમાન બંને અહીં પ્રાર્થના કરે છે.
આ કેસ હજુ પણ કર્ણાટક હાઇકોર્ટમાં વિચારાધીન છે. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય સીટી રવિએ 2021માં કહેલું કે આ ઉપાસનાસ્થળ પર માત્ર હિંદુઓનો હક છે.
કુતુબમિનાર, દિલ્હી

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના વિખ્યાત કુતુબમિનારમાની કુવ્વત-ઉલ ઇસ્લામ મસ્જિદ બાબતે પણ વિવાદ છે.
વકીલ વિષ્ણુશંકર જૈને દાખલ કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે અનેક હિંદુ મંદિરો તોડીને અંદર મસ્જિદ બનાવવામાં આવી હતી. ત્યાં હિંદુઓને ફરીથી પૂજા કરવા દેવાની પરવાનગી તેમણે માંગી હતી.
એક સિવિલ કોર્ટે 2021માં એવું કહીને આ અરજીને ફગાવી દીધી હતી કે ભૂતકાળમાં કરવામાં આવેલી ભૂલોને કારણે વર્તમાન તથા ભવિષ્યની શાંતિનો ભંગ કરી શકાય નહીં. જોકે, આ નિર્ણયને પડકારતી અપીલ કરવામાં આવી હતી, જે અદાલતમાં વિચારાધીન છે.
જુમ્મા મસ્જિદ, મેંગલુરૂ, કર્ણાટક
વિશ્વ હિંદુ પરિષદના એક સભ્ય દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી બાબતે 2022માં કર્ણાટકની એક કોર્ટે જણાવ્યું હતું કે તે ઉપાસનાસ્થળ કાયદાની વિરુદ્ધ કરી શકાય નહીં.
વિશ્વ હિંદુ પરિષદે એમ પણ જણાવ્યું હતું કે મસ્જિદની નીચે એક મંદિર છે. તેમણે સર્વેની માંગ કરી હતી. આ કેસ મેંગલુરૂની જિલ્લા અદાલતમાં વિચારાધીન છે.
આ સિવાય પણ અનેક મામલા અદાલતોમાં વિચારાધીન છે.
જ્ઞાનવાપી મસ્જિદ - વારાણસી, ઉત્તર પ્રદેશ

ઇમેજ સ્રોત, SAMEERATMAJ MISHRA/BBC
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાબતે 1991થી કેસ ચાલી રહ્યા છે, પરંતુ 2021માં એક નવા કેસ બાદ મામલો ઝડપથી આગળ વધી રહ્યો છે.
મંદિર-મસ્જિદ સંબંધી અનેક કેસોમાં આ મામલો અનેક રીતે સૌથી વધુ આગળ વધેલો છે.
તેમાં ભગવાન વિશ્વેશ્વરના ભક્તોએ 1991માં એક કેસ દાખલ કર્યો હતો. પછી 2021માં પાંચ મહિલાઓએ વધુ એક અરજી દાખલ કરી હતી. તેમણે મસ્જિદમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી અને એવું પણ જણાવ્યું હતું કે મસ્જિદમાં માતા શ્રૃંગાર ગૌરી, ભગવાન ગણેશ અને ભગવાન હનુમાન જેવાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, જેને સલામતી પ્રદાન કરવી જોઈએ.
અરજદારોનું કહેવું છે કે મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડીને આ મસ્જિદ બનાવડાવી હતી.
આ કેસમાં બે સર્વે થઈ ગયા છે. એક કોર્ટ તરફથી અને બીજો સર્વે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે કર્યો છે.
વારાણસીની જિલ્લા અદાલતના ચુકાદા બાદ ફેબ્રુઆરી 2024થી મસ્જિદના એક ભોંયરામાં આ વર્ષથી પૂજા શરૂ થઈ ગઈ છે. આ અરજીઓ ઉપાસનાસ્થળ કાયદાની વિરુદ્ધમાં ન હોવાનો ચુકાદો અલાહાબાદ હાઇકોર્ટે 2023માં આપ્યો હતો.
અત્યારે આ બધા કેસ અદાલતોમાં વિચારાધીન છે.
શાહી ઈદગાહ મસ્જિદ - મથુરા, ઉત્તર પ્રદેશ

ઇમેજ સ્રોત, ROB ELLIOTT/AFP VIA GETTY IMAGES
કેટલાક લોકોનો દાવો છે કે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બનાવવામાં આવી છે. 2020માં છ ભક્તોએ વકીલ રંજના અગ્નિહોત્રી મારફત એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે મસ્જિદ હઠાવવાની માંગ કરી હતી. હવે આ મામલે કુલ 18 અરજીઓ દાખલ થઈ છે.
અલાહાબાદ હાઇકોર્ટે ઑગસ્ટ 2024માં જણાવ્યું હતું કે આ બધી અરજીઓ ઉપાસનાસ્થળ કાયદાની વિરુદ્ધમાં નથી.
હાઇકોર્ટે 2023માં મસ્જિદના સર્વેક્ષણ માટે એક કોર્ટ કમિશનરની નિમણૂક કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2024માં તેના પર વચગાળાનો સ્ટે આપ્યો હતો. એ સ્ટે હજુ સુધી અમલમાં છે.
આ કેસની આગામી સુનાવણી ડિસેમ્બર 2024માં સુપ્રીમ કોર્ટમાં થવાની છે.
જામા મસ્જિદ - સંભલ, ઉત્તર પ્રદેશ

તાજેતરમાં આ કેસ બહુ ચર્ચામાં રહ્યો છે. વકીલ વિષ્ણુશંકર જૈને નવેમ્બર 2024માં એક અરજીમાં જણાવ્યું હતું કે ભગવાન કલ્કિના અવતાર શ્રીહરિહરનું મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
એ પછી કોર્ટે એક કમિશનરની નિમણૂક કરીને સર્વે કરાવ્યો હતો. સર્વેનો રિપોર્ટ નીચલી અદાલતમાં સુપરત કરી દેવાયો છે.
આ સંબંધી અપીલ સુપ્રીમ કોર્ટમાં હજુ પણ વિચારાધીન છે. 29 નવેમ્બરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સર્વેના રિપોર્ટને સીલબંધ રાખવામાં આવે અને હાઇકોર્ટની પરવાનગી વિના આ કેસમાં આગળ કશું કરવામાં ન આવે.
આગળ શું થશે?
આ મામલા સિવાય બીજાં અનેક ઉપાસનાસ્થળ છે, જેમના વિશે વિવાદ છે. અનેક મંદિર-મસ્જિદ મામલામાં સામેલ વિષ્ણુશંકર જૈન તેમના અનેક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે ભૂતકાળમાં જેટલાં મંદિર તોડવામાં આવ્યાં હતાં તેના પુનર્નિર્માણ માટે કેસ દાખલ કરવાનો તેમનો ઉદ્દેશ છે.
પશ્ચિમ બંગાળના માલદાસ્થિત અદીના મસ્જિદ સંબંધે પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મંદિર તોડીને બનાવવામાં આવી હતી.
મધ્ય પ્રદેશની બીજામંડલ મસ્જિદ બાબતે પણ કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
આ એક મસ્જિદ છે, એવું ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે જણાવ્યું ત્યારે ઓગસ્ટ 2024માં ત્યાંના એક વકીલે તેમને લીગલ નોટિસ મોકલી હતી. તેમનો દાવો હતો કે તે એક મંદિર છે.
અજમેર દરગાહ બાબતે કેસ કરનાર વિષ્ણુ ગુપ્તાએ બીબીસીને અગાઉ જણાવ્યું હતું કે તેમની આગામી અરજી દિલ્હીની જામા મસ્જિદ વિરુદ્ધની હશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












