સંભલ : હિંસામાં માર્યા ગયેલા લોકો કોણ હતા, હવે કેવો છે માહોલ?- ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, સંભલથી
પશ્ચિમ ઉત્તર પ્રદેશના સંભલ શહેરની વચોવચ આવેલી શાહી જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત છે. ઠેર ઠેર પથ્થરો પડ્યા છે. સળગેલી ગાડીઓને હઠાવી દેવાઈ છે, પણ રાખનાં નિશાન પડેલાં છે.
રવિવારે સવારે કોર્ટના આદેશ પર થઈ રહેલા જામા મસ્જિદના સર્વે દરમિયાન ઉશ્કેરાયેલી ભીડ અને પોલીસ વચ્ચે થયેલી હિંસામાં અત્યાર સુધીમાં કમસે કમ ચાર લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે વીસથી વધુ પોલીસકર્મી ઘાયલ છે.
પોલીસ પ્રશાસનનું કહેવું છે કે હિંસાની ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે. માર્યા ગયેલા લોકોનાં નામ બિલાલ, નઈમ, કૈફ અને આયાન (16 વર્ષ) છે.
મુરાદાબાજ રેન્જના પોલીસ ઉપમહાનિદેશક (ડીઆઈજી) મુનિરાજ જીએ દાવો કર્યો છે કે પોલીસે ગોળી ચલાવી નથી.
સુરક્ષા આસપાસના જિલ્લામાંથી પોલીસદળ બોલાવાયાં છે. ગલીઓ સુમસામ છે અને પોલીસકર્મીઓ સિવાય એકલદોકલ લોકોની અવરજવર જોવા મળે છે.
સ્થાનિક પ્રશાસને સંભલમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે અને એક ડિસેમ્બર સુધી બહારના લોકો, સામાજિક કાર્યકરો અને રાજનેતાઓના સંભલ પર આવવા પર રોક લગાવી દીધી છે.
બારમા ધોરણ સુધીની સ્કૂલો પણ બંધ કરી દેવાઈ છે.
પોલીસનો દાવો છે કે સ્થિતિ સામાન્ય છે અને સ્થિતિને કાબૂમાં કરી લેવાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસનો શું દાવો છે?

મુરાદાબાદ રેન્જના પોલીસ ઉપમહાનિદેશક (ડીઆઈજી) મુનિરાજ જીએ સોમવારે સવારે મીડિયાને જણાવ્યું કે "પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લેવાઈ છે. પોલીસદળ તહેનાત છે."
ડીઆઈજીએ અત્યાર સુધીમાં હિંસા ચાર લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. બીબીસી સાથેની વાતચીતમાં મુનિરાજે એ પણ દાવો કર્યો કે પોલીસે ગોળી ચલાવી નથી.
તો સંભલ પોલીસે સાંસદ ઝિયાઉર્રહમાન બર્ક સમેત 2700થી વધુ લોકો સામે કેસ દાખલ કર્યો છે. રવિવારે મોડી સાંજ સુધી 25 લોકોની પણ ધરપકડ કરાઈ છે.
સાંસદ બર્કનો દાવો છે તેઓ હિંસાના દિવસે એટલે કે રવિવારે યુપીમાં નહોતા, પણ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉની બેઠકમાં સામેલ થવા બેંગલુરુમાં હતા.
સંભલના પોલીસ અધીક્ષક કૃષ્ણકુમારે એક નિવેદનમાં કહ્યું કે ઉપદ્રવમાં સામેલ આરોપીઓની ઓળખ ડ્રોન ફૂટેજ અને ઘટનાના વીડિયોના આધારે કરાશે અને હિંસામાં સામેલ દરેક વ્યક્તિની ધરપકડ કરાશે.
માર્યા ગયેલા લોકોના સ્વજનો શું કહે છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ દરમિયાન માર્યા ગયેલા લોકોના મૃતદેહોને દફનાવી દીધા છે. સંભલની ગલી તબેલા કોટમાં એક દુકાનના શટરની આરપાર નીકળેલી ગોળીનાં નિશાન અહીં થયેલી હિંસાની સાક્ષી પૂરે છે.
આ ગલીમાં રહેતા 34 વર્ષીય નઈમ ગાઝીનું રવિવારે થયેલી હિંસામાં મોત થયું છે. તેમને ગોળીઓ વાગી હતી.
નઈમનાં વિધવા માતા ઘરની બહાર એક યુવકને વળગીને રોતાં રોતાં કહે છે, "મારા સિંહ જેવા પુત્રને જામા મસ્જિદની પાસે ઘેરીને મારી નાખ્યો."
જ્યારે અમે તેમને મળ્યાં તો નઈમનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ હાઉસમાં હતો. તેમનાં માતા ઇદરો ગાઝી કહે છે, "મારો પુત્ર એકલો ઘરનો કમાનારો હતો, હવે હું મારાં ચાર બાળકોનું પેટ કેવી રીતે ભરીશ. મેં વિધવા થઈને મારાં બાળકોને મોટાં કર્યાં છે. મારા ઘડપણનો સહારો છીનવાઈ ગયો."
ઇદરો કહે છે, "મારો પુત્ર મીઠાઈની દુકાન ચલાવતો હતો. તે પોતાની મોટરસાઇકલથી તેલનું પીપડું ખરીદવા ગયો હતો. અમને સવારે અગિયાર વાગ્યે ફોન આવ્યો કે તેને ગોળી વાગી છે. હું બસ એ જ ઇચ્છું કે મારા પુત્રનો મૃતદેહ મને મળે."
નઈમને ચાર બાળકો છે. તેમનાં પત્ની સાવ મૌન છે. તેઓ માત્ર એટલું કહે છે કે "જે થઈ રહ્યું છે એ ન્યાય નથી, મુસલમાનોને એકતરફી નિશાન બનાવાઈ રહ્યા છે, જે જુલમ છે."
પોતાની વહુને દિલાસો આપતાં ઇદરો કહે છે, "અમે કોઈ કોર્ટ કેસ નહીં કરીએ, અમે ધીરજ રાખીશું, ઘરે બેઠાં રહીશું. પોલીસ અને સરકાર સામે લડવાની અમારી હિંમત નથી."
'પોલીસે મારા પુત્રને છાતીમાં ગોળી મારી'

અહીંથી લગભગ બે કિલોમીટર દૂર બગીચા સરયાતરીન મોહલ્લામાં એક મસ્જિદની બહાર લોકોની ભીડ શાંત છે. અહીં મસ્જિદનાં પગથિયાં પર નફીસ માથું નમાવીને બેઠા છે. તેમના બાવીસ વર્ષના પુત્ર બિલાલનું પણ આ હિંસામાં મોત થયું છે.
પુત્રનું નામ લેતા જ નફીસ ગુમસુમ થઈ જાય છે. તેમનો પુત્ર બિલાલ કપડાનું કામ કરતો હતો.
નફીસ કહે છે, "પોલીસે મારા પુત્રને છાતીમાં ગોળી મારી છે. મારો પુત્ર નિર્દોષ હતો, તે દુકાન માટે કપડાં ખરીદવાં ગયો હતો. મારા પુત્રના મોત માટે પોલીસ જવાબદાર છે."
તેઓ આ માટે કોને જવાબદાર ગણે છે, એ સવાલ પર લાંબા મૌન પછી તેઓ કહે છે, "અમે કોને જવાબદાર ઠેરવીએ, બધાને દેખાઈ રહ્યું છે કે જવાબદાર કોણ છે. અમારું કોઈ નથી, અમારા માત્ર અલ્લાહ છે, મારો એક યુવાન પુત્ર હતો, મારે તેનાં લગ્નની તૈયારી કરવાની હતી, તે ચાલ્યો ગયો. હું લારી ખેંચી ખેંચીને તેને ઉછેર્યો હતો. પોલીસની ગોળીએ તેને અમારી પાસેથી છીનવી લીધો."

17 વર્ષીય મોહમ્મદ કૈફનું પણ આ હિંસામાં મોત થયું છે. તુર્તીપુરા મોહલ્લામાં રહેતા મોહમ્મદ કૈફના ઘરમાં માતમ છવાયેલો છે. મહિલાઓની ચીસો અહીં પ્રસરેલા સન્નાટાને તોડી રહી છે.
કૈફના પિતા લોકોને સમજાવે છે, "મારો પુત્ર ચાલ્યો ગયો, હવે તે પાછો નહીં આવે. આપણે ધીરજ રાખવાની છે. શાંતિથી તેને દફનાવવાનો છે."
જ્યારે અમે કૈફના ઘરે પહોંચ્યા ત્યારે તેનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ હાઉસમાં હતો. કૈફનાં માતા અનીસા રોતાં રોતાં બેભાન થઈ ગયાં હતાં.
અનીસા કહે છે, "મારો પુત્ર ફેરી મારતો હતો, બિસાતખાના (કૉસ્મેટિક સામાન) વેચતો હતો. અમને તો સાંજ સુધી ખબર નહોતી કે તેનું મોત થઈ ગયું છે. અમે તેને દિવસભર શોધતા હતા."
અનીસા આરોપ લગાવે છે કે બપોરના સમયે પોલીસ આવી હતી અને ઘરનો દરવાજો તોડીને તેમના પુત્રને ઘરમાંથી કાઢીને લઈ ગઈ હતી.
તો કૈફના માતા મોહમ્મદ વસીમ કહે છે, "મારા એક ભત્રીજાને પોલીસે ગોળી મારી, બીજાને ઘરમાંથી ખેંચીને લઈ ગઈ. અમારો માત્ર એટલો ગુનો છે કે અમે મુસલમાન છીએ. અમને તો માણસ પણ ગણતા નથી."
કોની ગોળીથી મોત થયું?

માર્યા ગયેલા લોકોના સંબંધીઓનો આરોપ છે કે પોલીસ ગોળીબારના કારણે તેમનું મોત થયું હતું. જોકે, પોલીસનું કહેવું છે કે આ ફાયરિંગ ભીડમાંથી થયું હતું. પોલીસે રવિવારની ઘટનામાં ચાર લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. તેમનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
લગભગ ચાલીસ વર્ષના રોમાન ખાનને સંભલના હયાતનગર વિસ્તારના પઠાણવાળા મોહલ્લાના એક કબ્રસ્તાનમાં ચૂપચાપ દફનાવવામાં આવ્યા હતા. અહીં આવેલા લોકોએ તેમની કબર પાસે રડતી દીકરીને ચૂપ કરાવી હતી.
રવિવારે મીડિયા સાથે વાત કરતી વખતે, મુરાદાબાદના કમિશનર અંજનેયકુમારે સંભલમાં માર્યા ગયેલા લોકોમાં રોમાન ખાનના નામનો ઉલ્લેખ કર્યો હતો.
તેમના અંતિમ સંસ્કારમાં આવેલા લોકો શાંત સ્વરમાં કહી રહ્યા હતા કે પોલીસ ગોળીબારને કારણે તેનું મોત થયું હતું.
પરંતુ રોમાન ખાનનો પરિવાર તેના મૃત્યુ અંગે વાત કરવા તૈયાર ન હતો. રોમાન ખાનને પોસ્ટમૉર્ટમ વિના જ દફનાવવામાં આવ્યા હતા.
તેમના એક સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “પરિવાર ન તો તેમનું પોસ્ટમૉર્ટમ કરાવવા ઇચ્છતો હતો અને ન તો તેઓ ઇચ્છતા હતા કે કોઈ કેસ દાખલ કરે. અમે બધાએ ધીરજ ધરી છે અને તેના મૃતદેહને ચૂપચાપ દફનાવી દીધો છે.”
દફનવિધિમાં સામેલ લોકોને એ પણ ડર હતો કે જો તેઓ કૅમેરામાં જોવા મળે તો પોલીસ તપાસના નામે તેમને કસ્ટડીમાં લઈ શકે છે.
અહીં હાજર કૉંગ્રેસના સ્થાનિક નેતા તૌકીર અહમદે કહ્યું, "લોકોમાં એટલો ડર છે કે તે વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું તેના વિશે પણ કહેવા પણ તૈયાર નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













