અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પરનો પોતાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે ફેરવ્યો, લઘુમતી દરજ્જાનું શું થશે?

ઉત્તર પ્રદેશ, અલીગઢ,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, શિક્ષણ, લઘુમતી, મુસ્લિમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું પરિસર

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી હાલ ચર્ચામાં છે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે શુક્રવારે તેના 1967ના એ નિર્ણયને ફેરવી નાખ્યો હતો, જે મુજબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી કેન્દ્રીય યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાનો દરજ્જો ન મળી શકે.

એ. અઝીઝ બાશા વિરુદ્ધ કેન્દ્ર સરકારના મામલે સાત ન્યાયાધીશોની બેન્ચે બહુમતીના આધારે એ ચુકાદાને ફેરવ્યો છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળ સાત જજોની બંધારણીય બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. તેમના સિવાય આ બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, સૂર્યકાન્ત, જેબી પારડીવાલા, દીપાંકર દત્તા, મનોજ મિશ્રા અને એસસી શર્માનો સમાવેશ થાય છે.

શુક્રવારે ભારતના હાલના મુખ્ય ન્યાયાધીશનો છેલ્લો દિવસ હતો. આ બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના પણ હતા. તેઓ આગામી મુખ્ય ન્યાયાધીશ છે.

આ કેસમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો કોઈ સંસ્થા કાયદા દ્વારા બનાવવામાં આવે તો તેને લઘુમતી સંસ્થાનો દરજ્જો મળી શકે નહીં.

જોકે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાનો દરજ્જો મળશે કે નહીં તેનો નિર્ણય કોર્ટની રાબેતા – રેગ્યુલર બેન્ચ કરશે.

સુપ્રીમ કોર્ટે અને એએમયુના પ્રશાસકોએ શું કહ્યું?

ઉત્તર પ્રદેશ, અલીગઢ,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, શિક્ષણ, લઘુમતી, મુસ્લિમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં આવેલી દેશની સુપ્રીમ કોર્ટ

વર્ષ 1967ના ચુકાદા મુજબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ને લઘુમતી સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત નથી, કેમ કે તેની સ્થાપના કાયદાકીય રીતે થઈ હતી.

શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને ફેરવતી વખતે કેટલાંક નિરીક્ષણ પણ નિર્ધારિત કર્યાં હતાં.

કોર્ટે કહ્યું હતું કે, “વ્યાપક રીતે જોઈએ તો એક પરીક્ષણ એ છે કે સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? શું સંસ્થાની છબી – ચારિત્ર્ય લઘુમતી છે અને શું તે લઘુમતીઓના હિતમાં કામ કરે છે?”

બહુમતી આધારિત ચુકાદો આપતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, "એએમયુનો લઘુમતી દરજ્જો હાલના કેસમાં નક્કી કરાયેલાં પરીક્ષણોના આધારે નક્કી થવો જોઈએ. આ બાબતનો નિર્ણય લેવા માટે એક બેન્ચની રચના કરવી જોઈએ અને આ માટે મુખ્ય ન્યાયાધીશ સમક્ષ દસ્તાવેજ રજૂ કરવા જોઈએ."

ચીફ જસ્ટિસે આ નિર્ણય પોતાના ઉપરાંત જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા માટે લખ્યો હતો.

ઉત્તર પ્રદેશ, અલીગઢ,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, શિક્ષણ, લઘુમતી, મુસ્લિમ

ઇમેજ સ્રોત, WWW.AMU.AC.IN

ઇમેજ કૅપ્શન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નઈમા ખાતૂન

સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નઈમા ખાતૂને કહ્યું હતું કે, “અમે નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમે રાહ જોઈશું અને આગળ શું કરવું તે વિશે અમારા નિષ્ણાતો સાથે વાત કરીશું."

"અમારી પાસે કાનૂની સલાહકારોની એક ટીમ છે અને અમે તેમની સાથે પણ ચર્ચા કરીશું. તમે જે નિર્ણય સાંભળ્યો છે તે જ નિર્ણય અમે પણ સાંભળ્યો છે. તેથી મારે તેના વિશે મારે કશું કહેવાનું નથી."

યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી ઉમર સલીમ પીરઝાદાએ કહ્યું હતું કે, “અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરે છે. અમારી વહીવટી ટીમ આ નિર્ણયના તમામ મુદ્દાઓની સમીક્ષા પૂર્ણ કર્યા પછી જ, અમે મીડિયાના તમામ પ્રશ્નોના વિગતવાર જવાબ આપી શકીશું.

"હાલ, અમે એએમયુના શૈક્ષણિક, રાષ્ટ્રનિર્માણ અને સર્વસમાવેશકતાના વારસાને જાળવી રાખવાની અમારી પ્રતિબદ્ધતાને વરેલા છીએ."

સુપ્રીમ કોર્ડના ચુકાદા પર શિયા પર્સનલ લૉ બોર્ડે શું કહ્યું?

ઉત્તર પ્રદેશ, અલીગઢ,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, શિક્ષણ, લઘુમતી, મુસ્લિમ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા અને જનરલ સેક્રેટરી યાસુબ અબ્બાસ.

ઑલ ઇન્ડિયા શિયા પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા અને જનરલ સેક્રેટરી યાસૂબ અબ્બાસે શુક્રવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર અભિપ્રાય પ્રગટ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "આ ખૂબ સારો નિર્ણય છે. હું આવકારું છું. ત્રણ જજોની બેન્ચ યોગ્ય નિર્ણય આપશે તેવી અપેક્ષા છે."

"લઘુમતી દરજ્જાનું પોતાનું મહત્ત્વ અને તાકાત છે, કારણ કે તેમાં કોઈની દખલખલેલ નથી હોતી. જ્યાં સુધી ત્રણ ન્યાયાધીશોની બેન્ચનો સંબંધ છે, મારા મતે તે ખૂબ જ સારો નિર્ણય લેશે અને તે લઘુમતીનો દરજ્જો જાળવી રાખવાનો નિર્ણય જ લેશે."

એએમયુ સંબંધિત વિવાદો અંગે યાસૂબ અબ્બાસે કહ્યું હતું કે, “એએમયુને લઈને વિવાદ છે, કારણ કે તે સારું શિક્ષણ આપે છે. સમગ્ર દેશને એએમયુમાંથી ઉત્તમ લોકો મળ્યા છે. આ કારણસર કેટલાક લોકો એએમયુને શંકાની નજરે જુએ છે. જો લઘુમતી સંસ્થાનો દરજ્જો જળવાઈ રહે તો તે ખૂબ જ સારી વાત છે.”

અલીગઢ મુસ્લિમ યુનિ.ના વિદ્યાર્થીઓએ શું કહ્યું?

ઉત્તર પ્રદેશ, અલીગઢ,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, શિક્ષણ, લઘુમતી, મુસ્લિમ

ઇમેજ સ્રોત, AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દેશના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ઝાકીર હુસૈને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ત્યાંના વિદ્યાર્થીઓનાં અભિપ્રાય પણ આવી રહ્યા છે.

આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતાં યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું હતું કે, “આ એક લઘુમતી સંસ્થા છે અને અમે નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. પરંતુ તેમણે કહ્યું કે યુનિવર્સિટીએ તે સાબિત કરવું જોઈએ. રહી વાત સાબિત કરવાની તો, તમારે તેના ઇતિહાસમાં જવું જોઈએ. તેની ઇમારત જુઓ. તે કહે છે કે એએમયુ લઘુમતી સંસ્થા છે. અમે સમય સાથે તે સાબિત પણ કરી દઈશું. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અમને ન્યાયની અપેક્ષા હતી. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, “આ અમારા માટે ઐતિહાસિક ક્ષણ હતી. અમે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. યુનિવર્સિટીની દરેક ઈંટ દર્શાવે છે કે તે લઘુમતી સંસ્થા છે.”

સમગ્ર મામલો શું છે?

ઉત્તર પ્રદેશ, અલીગઢ,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, શિક્ષણ, લઘુમતી, મુસ્લિમ

ઇમેજ સ્રોત, AMU

ઇમેજ કૅપ્શન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું પરિસર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2006માં અલાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે એએમયુ લઘુમતી સંસ્થા નથી. આ સંદર્ભમાં બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી હતી.

એટલું જ નહીં, આ મામલો અગાઉ એસ. અઝીઝ બાશા વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના રૂપમાં સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. ત્યારપછી 1967માં પાંચ જજોની બંધારણીય બેન્ચે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

આ નિર્ણયમાં તેમણે કહ્યું હતું કે એએમયુ લઘુમતી સંસ્થા નથી. તેના સંદર્ભમાં અલીગઢ મુસ્લિમ કાયદો-1920નો હવાલો આપવામાં આવ્યો હતો.

તેમનું કહેવું હતું કે આ યુનિવર્સિટી આ કાયદા દ્વારા સંચાલિત છે. તેની સ્થાપના ન તો મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવી હતી અને ન તો તે તેમના દ્વારા ચલાવવામાં આવે છે. બંધારણની કલમ 30(1) હેઠળ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ શરત છે.

એએમયુની સ્થાપના એએમયુ કાયદો-1920 હેઠળ કરવામાં આવી હતી. તે આ કાયદાનું પાલન કરે છે. તો એક મુદ્દો એ ઊભો થતો હતો કે આ કાયદા હેઠળ બનેલી યુનિવર્સિટી લઘુમતીનો દરજ્જો મેળવી શકે કે નહીં?

હાલની બંધારણીય બેન્ચે આ કેસની આઠ દિવસ સુધી સુનાવણી કરી હતી. તે પછી, આ વર્ષે 1 ફેબ્રુઆરીએ તેનો ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ અગાઉ 2019માં ત્રણ જજોની બેન્ચે આ કેસ સાત જજોની બેન્ચને મોકલ્યો હતો.

એએમયુ, એએમયુ ઑલ્ડ બૉયઝ ઍસોસિયેશન અને ઇન્ટરવેનર્સ વતી વરિષ્ઠ વકીલો જેવા કે રાજીવ ધવન, કપિલ સિબ્બલ, સલમાન ખુર્શીદ, શાદાન ફરાસત હાજર થયા હતા. સરકાર વતી ઍટર્ની જનરલ આર. વેંકટરામણી અને સૉલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. આ ઉપરાંત અન્ય ઘણા વકીલોએ પણ આ કેસમાં ઊલટતપાસ કરી હતી.

સુપ્રીમ કોર્ટ કયા મુદ્દે વિચાર કરી રહી હતી?

ઉત્તર પ્રદેશ, અલીગઢ,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, શિક્ષણ, લઘુમતી, મુસ્લિમ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું પરિસર

કાયદાકીય સમાચાર આપતી વેબસાઇટ લાઈવ લો અનુસાર, બેન્ચ પાસે ચાર મુખ્ય મુદ્દાઓ વિચારણા માટે હતા: પ્રથમ, શું યુનિવર્સિટી કાયદા દ્વારા બનાવવામાં આવી છે અને સંચાલિત છે, એટલે કે એએમયુ ઍક્ટ, 1920, લઘુમતી દરજ્જાનો દાવો કરી શકે છે?

બીજું, એસ. અઝીઝ બાશા વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટનો 1967નો નિર્ણય કેટલો યોગ્ય છે?

આ નિર્ણયમાં કોર્ટે એએમયુના લઘુમતી દરજ્જાને ફગાવી દીધો હતો.

ત્રીજું, બાશા કેસમાં નિર્ણય પછી, એએમયુ કાયદામાં 1981માં સુધારો કરવામાં આવ્યો હતો. આનાથી યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો મળ્યો હતો. આ સુધારો કેટલો સાચો છે તે તપાસવો.

ચોથું, શું અલાહાબાદ હાઈકોર્ટને એએમયુ વિરુદ્ધ મલય શુક્લાના કેસમાં 2006માં બાશાના ચુકાદા પર આધાર રાખવાનો અધિકાર હતો? આ અંતર્ગત હાઈકોર્ટ એ નિર્ણય પર પહોંચી હતી કે એએમયુ બિન-લઘુમતી સંસ્થા છે.

અરજદારોની મુખ્ય દલીલો શી હતી?

ઉત્તર પ્રદેશ, અલીગઢ,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, શિક્ષણ, લઘુમતી, મુસ્લિમ

ઇમેજ સ્રોત, Getty Images

અરજદારોએ દલીલ કરી હતી કે વહીવટ કોના હાથમાં છે તેનાથી બહુ ફરક પડતો નથી.

બંધારણની કલમ 30(1) લઘુમતીને વહીવટ કોના હાથમાં રહેશે તે નક્કી કરવાનો અધિકાર આપે છે. તેનાથી લઘુમતી દરજ્જાને કોઈ પણ રીતે અસર થતી નથી.

પોતાનું વલણ રજૂ કરતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે એએમયુને લઘુમતીનો દરજ્જો આપવાના પક્ષમાં નથી.

સરકારનું કહેવું હતું કે એએમયુ ક્યારેય લઘુમતી દરજ્જાવાળી યુનિવર્સિટી નથી રહી. તેણે કહ્યું હતું કે જ્યારે 1920માં બ્રિટિશ કાયદા હેઠળ એએમયુની સ્થાપના થઈ ત્યારે જ તેનો લઘુમતીવાળો દરજ્જો ખતમ થઈ ગયો હતો.

એટલું જ નહીં, ત્યારથી તેનું સંચાલન પણ મુસ્લિમ સમુદાય કરતો નથી.

બંધારણનો અનુચ્છેદ 30 શું કહે છે?

અનુચ્છેદ 30 ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો હેઠળ આવે છે. તે ભારતના ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો આપે છે. એ મુજબ, 'ધર્મ અથવા ભાષાના આધારે તમામ લઘુમતી વર્ગોને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર હશે.'

એટલું જ નહીં, તે કહે છે કે, 'શૈક્ષણિક સંસ્થાઓને સહાયતા આપવામાં, રાજ્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થા સાથે એ આધાર પર ભેદભાવ કરશે નહીં કે તે ધર્મ અથવા ભાષાના આધારે કોઈ પણ લઘુમતી વર્ગના સંચાલન હેઠળ છે.'

આ અનુચ્છેદ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા અને ચલાવવાનો અધિકાર આપે છે.

તેનો ઉદ્દેશ્ય એ છે કે લઘુમતીઓ પ્રગતિ કરી શકે તેમજ તેમની વિશેષ ઓળખ જાળવી શકે.

આવી લઘુમતી સંસ્થાઓ તેમના સમુદાયના ભલા માટે પ્રવેશમાં અનામતની જોગવાઈ કરી શકે છે. સામાન્ય રીતે એવું પણ માનવામાં આવે છે કે આવી સંસ્થાઓમાં રાજ્યની દખલગીરી નહીં હોય.

અગાઉ શું થયું હતું?

એએમયુ કાયદામાં વર્ષ 1981માં સુધારો કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સિટીની સ્થાપના 'ભારતના મુસ્લિમો દ્વારા કરવામાં આવી હતી.'

વર્ષ 2005ની વાત છે. લઘુમતીનો દરજ્જો આપીને, એએમયુએ પોસ્ટ ગ્રૅજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે 50 ટકા બેઠકો અનામત રાખી હતી, જે નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

અલાહાબાદ હાઈકોર્ટે આ અનામત નીતિને ફગાવી દીધી હતી. એટલું જ નહીં, તેણે 1981ના સુધારાને પણ રદ્દ કર્યો હતો.

આ જ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.