અજમેર શરીફ દરગાહ વિવાદ : ખ્વાજા મોઇનુદ્દિન ચિશ્તી કોણ હતા એમની દરગાહ કોણે બંધાવી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ત્રિભુવન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
“જે સમયે ભારતમાં સામાજિક ન્યાયની જગ્યાએ ભીષણ અંધકાર હતો એવા સમયે વિધાતાના લેખમાં મેખ મારવા માટે કોઈ દેખાતું નહોતું. એ સમયે નિર્ધન અને પીડિત લોકોનાં દુઃખદર્દ સાંભળવા માટે કેટલાક સંત થયા. તેઓ તેમની જેમ જ કંગાળ અવસ્થામાં રહેતા અને ઘણા દિવસો સુધી ભૂખ્યા રહીને આર્થિક વિટંબણાઓને દૂર કરવાની કોશિશ કરતા હતા.”
આ કથન પ્રસિદ્ધ લેખક અને ઇતિહાસકાર રાહુલ સાંકૃત્યાયનનું છે.
રાહુલ સાંકૃત્યાયને અકબર અને તેમના સમકાલીન સમય પર લખેલા પોતાના પ્રસિદ્ધ પુસ્તક ‘અકબર’માં કેટલાક સંતોને મુસ્લિમ સામ્યવાદી કયા છે અને તેમાં સૂફી સંત અને રહસ્યવાદી દાર્શનિક ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સૌથી પહેલા છે.
તેઓ ઈરાનના સંજાર સિઝિસ્તાનમાં જન્મ્યા હતા. તેઓ એક જ એવા મુસ્લિમ સંત છે, જેમની કીર્તિ અને યશ ભારતીય ઉપમહાદ્વીપની બહાર સુધી પહોંચ્યો અને ધર્મ–પંથ કે સંપ્રદાયોની સંકીર્ણતાઓને પણ લાંઘી ગયો.
અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ ભારતીય ઉપમહાદ્વીપમાં સૌથી વધુ પૂજનીય છે
પરંતુ આજકાલ તે કેટલાંક જુદાં કારણસર ચર્ચામાં છે. આ એક એવી પવિત્ર દરગાહ છે, જ્યાં મહિલાઓ રોકટોક વગર પ્રવેશી શકે છે. અહીં બિન-મુસ્લિમ મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવે છે અને માનતા માને છે.
આ દરગાહે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશથી લઈને સુદૂર અમેરિકા, ફ્રાંસ અને જર્મની સુધીના રાજનેતાઓને ચાદર ચઢાવવા માટે આધ્યાત્મિક રીતે વિવશ કર્યા.
તે ભારતીય ઉપમહાદ્વીપમાં સૂફીવાદ, રાજકારણ અને સંતપરંપરાના રહસ્યવાદનો અનોખો બાગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવો બાગ, જેણે ધર્મ, સંપ્રદાય, ભૌગોલિક બધા પ્રકારની સરહદો તોડીને પોતાની સુગંધ અને દયાની ઊર્જા ફેલાવી છે.
‘ગરીબનવાઝ’નું યજમાનપણું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દરગાહના ઇતિહાસમાં ગમે તેટલી શોધ કરો, આ જે સંતના નામે બની છે, તેમને ઓળખવા વધારે મહત્ત્વના અને રસપ્રદ છે. ‘ગરીબનવાઝ’ના નામ ઓળખાતા ખ્વાજાનો જન્મ ઈ.સ. 1142માં થયો હતો.
પ્રસિદ્ધ રહસ્યદર્શી સંત ખ્વાજા ઉસ્માન હારૂનીના શિષ્ય ખ્વાજા ઈ.સ. 1992માં પહેલાં લાહોર, પછી દિલ્હી અને ત્યાર બાદ અજમેર પહોંચ્યા.
એની પહેલાં તેઓ બગદાદ અને હેરાત થઈને કેટલાંક મુખ્ય શહેરોમાં રહસ્યવાદી દાર્શનિકોને મળ્યા હતા.
અજમેરમાં ખ્વાજાનું આગમન તરાઈનના યુદ્ધ પછી એવા સમયે થયું, જ્યારે ભારતમાં મુસ્લિમ શાસનની શરૂઆત થઈ રહી હતી. તે કુતબુદ્દીન ઐબક, ઇલ્તુતમિશ, આરામશાહ, રક્નુદ્દીન ફિરોઝ અને રઝિયા સુલતાનનો સમય હતો.
ખ્વાજા ખૂબ ચમત્કારી સંન્યાસી અને રહસ્યદર્શી હતા. કહેવાય છે કે તેમની કીર્તિ સાંભળીને એક વાર ઇલ્તુતમિશ જાતે તેમને મળવા આવ્યા હતા.
કહેવાય છે કે રઝિયા સુલતાન અહીં ઘણી વાર આવ્યાં હતાં.
ખ્વાજાનો સદાચાર એવો હતો કે જો કોઈ કૃપા ન કરી શકે તો તેઓ દુઃખને ઓછું કરી નાખે.
તેઓ કહેતા હતા કે શાંત રહીને માણસ કોઈ પણ જુલમનો ખૂબ જ સૌહાર્દપૂર્ણ પ્રતિકાર કરી શકે છે. આ એ સંદેશ હતો, જેની તે સમયના હિન્દુસ્તાનવાસીઓ આતુરતાથી રાહ જોતા હતા.
પ્રસિદ્ધ સમાજસુધારક અને આર્યસમાજના અનુયાયી રહેલા હરવિલાસ સારદાએ પોતાના પુસ્તક ‘અજમેરઃ હિસ્ટોરિકલ ઍન્ડ ડિસ્ક્રિપ્ટિવ’માં તેમના ફકીરી અંદાજ વિશે લખ્યું છે કે, તેઓ થીગડાં વાળાં કપડાં પહેરતા હતા. ઉપર અંગરખું અને નીચે બે બે ટુકડા જોડીને બનાવેલી દુતાઈ (લુંગી/ધોતી) પહેરતા હતા.
તેઓ આ પુસ્તકમાં આ દરગાહને અજમેરની એક ઐતિહાસિક ઉપલબ્ધિ તરીકે દર્શાવે છે.
એવું પણ કહેવાય છે કે ખ્વાજા ઘણા બધા દિવસ સુધી એક જ રોટલી ખાતા હતા. પરંતુ ભૂખ્યાઓ માટે દરરોજ લંગર તૈયાર કરાવતા હતા. અજાણ્યા અને ભૂખ્યા ગરીબ લોકો માટે તેમના યજમાનપણાના કિસ્સા ખૂબ પ્રખ્યાત છે.
ખ્વાજાનું અવસાન ઈ.સ. 1236માં થયું. ત્યાં સુધીમાં તેમનું નામ દેશમાં ખૂબ પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું.
કહેવાય છે કે ખ્વાજા ઘણા બધા દિવસ સુધી સાધનામાં લીન થઈ જતા હતા. એવા જ એક પ્રસંગે કોણ જાણે ક્યારે તેમનો આત્મા અખિલમાં સમાઈ ગયો હતો.
ઇતિહાસકાર રાના સફવી લખે છે, “ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીએ રાજાઓ અને ખેડૂતોને પોતાનાં પ્રવચનોથી આકર્ષિત કર્યા હતા અજમેરનું નામ સાંભળતા જ ખ્વાજા ગરીબનવાઝ અને તેમની દરગાહની છબી મનમાં આકારિત થઈ જાય છે. આ સંત સમુદ્ર જેવા ઉદાર અને ધરતી જેવા આશ્રયદાતા હતા.
દરગાહ કેવી રીતે બની?

ઇમેજ સ્રોત, Getty Images
ખ્વાજાના નિધન બાદ તે જ જગ્યાએ એક દરગાહ બનાવવામાં આવી, જેને 13મી સદીમાં દિલ્હી સલ્તનતનું સંરક્ષણ મળ્યું.
ત્યાર બાદ ઊથલપાથલભર્યા સમયમાં લગભગ બે વર્ષ સુધી તેની તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. પરંતુ, માંડૂના સુલતાન મહમૂદ ખિલજી અને તેના બાદ ગિયાસુદ્દીને અહીં પહેલી વાર પાકી કબર અને એક ખૂબસૂરત ગુંબજ બનાવડાવ્યાં.
સંભવતઃ મોહમ્મદ બિન તુગલક પહેલા એવા બાદશાહ હતા, જેમણે ઈ.સ. 1325માં દરગાહની જિયારત કરી. તુગલક શાસક ઝફર ખાને 1395માં દરગાહની યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન ઝફર ખાને દરગાહ સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ ભેટસોગાદો આપી હતી.
માંડૂના ખિલજીએ 1455માં અજમેરનું નિયંત્રણ પોતાના હસ્તક કર્યું અને દરગાહને વ્યાપક સંરક્ષણ આપ્યું અને એક ભવ્ય દ્વાર, બુલંદ દરવાજા અને પરિસરમાં એક મસ્જિદ બનાવડાવાં.
તે સમય સુધી અહીં કોઈ નક્કર સંરરચના નહોતી.
ઇતિહાસકારો અનુસાર, મૂળ દરગાહ લાકડાંથી બનેલી હતી. બાદમાં તેના ઉપર એક પથ્થરની છત્રી બનાવવામાં આવી.
ઇતિહાસકાર રાના સફવી અનુસાર, “દરગાહ પરિસરમાં નિર્માણનો પહેલો નક્કર પુરાવો દરગાહનો ગુંજબ મળે છે, જેને 1532માં અલંકૃત કરાયો હતો, જેની માહિતી મકબરાની ઉત્તરી દીવાલ પર સોનેરી અક્ષરોમાં લખેલા એક શિલાલેખ પરથી મળે છે.”
“આ એક ખૂબ જ સુંદર ગુંબજ છે, જેને આજે આપણે જોઈએ છીએ. ઇંડો-ઇસ્લામિક વાસ્તુકલાને ધ્યાનમાં રાખીને ગુંબજને કમળથી સજાવાયો છે અને રામપુરના નવાબ હૈદરઅલી ખાન તરફથી આપવામાં આવેલો એક સોનેરી મુગટ તેની પર રાખવામાં આવ્યો છે.”
ફઝુલ્લાહ જમાલી (મૃત્યુ 1536) અનુસાર, તે સમયે દરગાહ સબ્ઝાવર, મિહના, ઝીલ, બગદાદ અને હમાદાનના લોકોમાં ખૂબ જાણીતી થઈ હતી.
જમાલીએ શેખ મોઈનુદ્દીન ચિશ્તી વિશે ઘણી કહાણીઓ એકઠી કરી હતી. તેમણે એવું પણ કહેલું કે દરગાહમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા અને હિંદુઓ દ્વારા મુઝાવિરોને ભેટ પણ અપાતી હતી.
મુગલ બાદશાહ અકબરને દરગાહમાં ઊંડી શ્રદ્ધા હતી

ઇમેજ સ્રોત, Getty Images
અકબરે પહેલી વાર દરગાહનો પ્રવાસ કર્યો ત્યાં સુધી તે ચિશ્તી રહસ્યવાદી પરંપરાઓની સાથોસાથ એક લોકપ્રિય તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ થઈ ચૂકી હતી.
રાહુલ સાંકૃત્યાયને ‘અકબર’માં લખ્યું છે, “એક રાત્રે અકબર શિકાર માટે આગરા નજીક કોઈ ગામ પાસેથી પસાર થતા હતા. કેટલાક ગવૈયાને અજમેરી ખ્વાજાનાં ગુણગાના ગાતાં સાંભળ્યા તો તેમના મનમાં ખ્વાજા માટે ભક્તિ જાગી અને 1562ના જાન્યુઆરીના મધ્યમાં થોડા લોકોને લઈને તેઓ અજમેર જવા રવાના થયા.”
આ પ્રસંગને અબુલ ફઝલે કંઈક આ રીતે લખ્યો છે, “એક રાત્રે મહામહિમ શિકાર કરવા માટે ફતહપુર ગયા, ત્યારે આગરાના રસ્તે એક ગામમાં કેટલાક લોકો ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના મહિમા અને ગુણો વિશે મનમોહક ગીત ગાઈ રહ્યા હતા. ખ્વાજાની કબર પવિત્ર હો! જે હઝરત અજમેરમાં રહે છે, જેમની સિદ્ધિઓ અને ચમત્કાર પ્રસિદ્ધ છે.”
મુઘલ સમ્રાટ અકબર દરગાહ માટે ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા.
રાહુલ સાંકૃત્યાયનના પુસ્તક ‘અકબર’ના પૃષ્ઠ 207 પર નોંધાયેલું છે, “એપ્રિલ 1572માં સંતાન સંબંધી માનતા પ્રમાણે અકબર પગપાળા જ ઝિયારત માટે રવાના થયા અને દરરોજના 14 માઇલ ચાલીને 16 મંજિલોને પાર કરીને અજમેર પહોંચ્યા.”
જોકે, કેટલાક સંદર્ભો અનુસાર, પોતાની સંતાનપ્રાપ્તિની માનતા માટે ઉઘાડા પગે ફતેહપુર સિકરી શેખ સલીમ ચિશ્તીની દરગાહે ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
અકબર દર વર્ષે આગરાથી અજમેર સુધી પગપાળા યાત્રા કરીને દરગાહે આવતા હતા. અકબરે દરગાહમાં એક મસ્જિદ બનાવડાવી હતી, જેને અકબરી મસ્જિદ કહે છે.
ઇતિહાસકાર અબુલ ફઝલે લખ્યું છે, “અકબર 1562માં પહેલી વાર દરગાહની મુલાકાત લેનારા પહેલા મુગલ શાસક હતા અને તેમણે દરગાહ સાથે સંકળાયેલા લોકોને ભેટસોગાદો દાનમાં આપી હતી.”
1568માં અકબર પગપાળા દરગાહ આવ્યા, જેથી તેઓ પોતાની અગાઉની માનતા પૂરી કરી શકે.
અકબરે જોયું કે અહીં હજારો નિર્ધન અને તીર્થયાત્રીઓ માટે લંગરનું આયોજન કરવામાં આવે છે, એટલે તેમણે અજમેર, ચિતૌડ અને રણથંભોરનાં 18 ગામ દાનમાં આપ્યાં, જેનાથી તેનો ખર્ચ નીકળતો હતો.
અકબરે જોયું કે આટલા બધા લોકોનું લંગર પકાવવા માટે મુશ્કેલી પડે છે, એટલે તેમણે દરગાહને પિત્તળની એક મોટી દેગ દાનમાં આપી. અત્યારે દરગાહમાં જે દેગ છે તે અકબરની જ હોવાનું કહેવાય છે.
પરંતુ અજમેરનિવાસી હરવિલાસ સારદા પોતાના પુસ્તકમાં લખે છે, “અકબર અને જહાંગીરે આપેલી કડાઈઓ લંગર પકાવવાને લાયક નહોતી રહી એટલે સિંધિયાના એક મંત્રી મુલ્લા મદારીએ સેઠ અખેચંદ મહેતાની દેખરેખમાં બે ખૂબ ઉત્તમ પ્રકારની દેગ બનાવડાવી. જ્યારે તે પણ ખરાબ થઈ ગઈ ત્યારે નિઝામ હૈદરાબાદે બે અસાધારણ દેગ પ્રદાન કરી. પરંતુ દરગાહ શરીફના ખાદિમ આજની દેગોને અકબરે આપેલી દેગ હોવાનું કહે છે.”
ઈ.સ. 1614માં જહાંગીરે બીજી એક કડાઈ આપી હતી. આજે જે કડાઈ છે તેમાં એકસાથે 72 હજાર લોકોનું ભોજન બનાવી શકાય છે.
અકબરે ઈ.સ. 1569માં અજમેરમાં મસ્જિદ અને ખાનકાહ બનાવવાના આદેશ આપ્યા હતા. લાલ બલુઆ પથ્થરની અકબરી મસ્જિદ તેમના આદેશોનું પરિણામ છે. શાહજહાંએ ઈ.સ. 1637માં એક સુંદર મસ્જિદ પણ બનાવડાવી હતી અને તે શાહજહાની દરવાજા સાથે દરગાહની પશ્ચિમમાં છે.
સાંભર ઝીલમાંથી દરગાહને 25 ટકા મીઠું મળતું હતું, જેનાથી સાત રૂપિયા મળતા હતા. દરગાહના લંગર માટે બધા થઈને પાંચ હજાર સાત રૂપિયા આપવામાં આવતા હતા.
બૈરમ ખાનનું શાસન સમાપ્ત થયા પછી એટલે કે 1560ની એક સનદ છે, જેમાં દરગાહના એક ખાદિમને 20 વીઘા જમીનના પુરસ્કારનો ઉલ્લેખ છે.
દરગાહ સાથે મુઘલ શાસકોનો ગાઢ સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
અકબરની અજમેરની પ્રથમ તીર્થયાત્રા પહેલાં જ ઈ.સ. 1562માં દરગાહને સંરક્ષણ મળી ગયું હતું અને તે મુઘલો સત્તામાં રહ્યા ત્યાં સુધી અને ત્યાર બાદ પણ મળતું રહ્યું.
હકીકતમાં, અકબરની ભારતીય તત્ત્વોને પોતાના શાસક વર્ગમાં સામેલ કરવાની નીતિની સાથે જ, દરગાહની બાબતોમાં પણ રુચિની શરૂઆત થાય છે.
કેટલાક ઇતિહાસકારો માને છે કે મુઘલ પારંપરિક રીતે સૂફીવાદના નક્શબંદી સંપ્રદાયના અનુયાયી હતા.
આ સંપ્રદાયના સૂફીઓ સાથે તેમના વૈવાહિક સંબંધ હતા. આ પરંપરા તૈમૂરના સમયથી ચાલતી રહી છે, જેમણે ખ્વાજા અતાનો મકબરો બનાવડાવ્યો અને તેમની દરગાહનું સન્માન કર્યું.
અકબર માત્ર ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહે જ નહીં, બલકે, દિલ્હીમાં અન્ય ચિશ્તી સૂફીઓની કબરો પર પણ જતા હતા.
ઇતિહાસવિદો એવું પણ માને છે કે દરગાહનું મહત્ત્વ માત્ર અકબરના આધ્યાત્મિક લાભ માટે નહોતું, બલકે, તેણે ભારતમાં મુઘલ શાસનની સ્વીકૃતિને આસાન બનાવવામાં પણ મદદ કરી.
અકબરે પોતાના પુત્રોનાં નામ ચિશ્તી સૂફીઓનાં નામ પર રાખ્યાં હતાં. શેખ સલીમના નામ પરથી સલીમ અને અજમેર દરગાહના ખાદિમોમાંના એક શેખ દાનિયાલના નામ પરથી દાનિયાલ.
શાહજહાં અને અન્ય મુઘલ સમ્રાટોએ પણ દરગાહના નિર્માણમાં યોગદાન આપ્યું. શાહજહાંએ અહીં સંગેમરમર (આરસ)ની ખૂબસૂરત મસ્જિદ બનાવડાવી, જે શાહજહાં મસ્જિદ કહેવાય છે.
મુઘલ શાસકોનો દરગાહ સાથે એટલો બધો સંબંધ હતો કે દરગાહમાં એ ભિસ્તીની કબર પણ છે જેણે બાદશાહ હુમાયુંને ગંગામાં ડૂબતા બચાવ્યા હતા.
તેના બદલામાં હુમાયુંએ તેને અડધા દિવસનું શાસન આપ્યું, જેમાં ભિસ્તીએ ચામડાના સિક્કા ચલણમાં મૂક્યા હતા.
સૂફી રાજકુમારી અને શાહજહાંની પુત્રી જહાંઆરા બેગમે દરગાહમાં કેટલીક ખૂબ જ સુંદર મેહરાબ બનાવડાવી હતી.
જહાંઆરા બેગમે નાનકડો ચબૂતરો પણ બનાવડાવ્યો હતો, જેને બેગમી ચબૂતરા કહે છે.
બ્રિટિશ શાસન દરમિયાન પણ આ દરગાહ આધ્યાત્મિક મહત્ત્વના કેન્દ્ર તરીકે જળવાઈ રહી. જોકે, વહીવટી વ્યવસ્થામાં થોડાંક પરિવર્તન થયાં.
દરગાહ બધા ધર્મોના અનુયાયીઓની આસ્થાનું કેન્દ્ર બની

ઇમેજ સ્રોત, Getty Images
દરગાહ બધા ધર્મોના અનુયાયીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગઈ. વાર્ષિક ઉર્સ મહોત્સવે લાખો ભક્તોને આકર્ષવાનું શરૂ કર્યું, જે આજે પણ દરગાહની સૌથી મોટી વિશેષતા છે.
આધુનિક સમયમાં દરગાહને આધુનિક સુવિધાઓથી સુસજ્જિત કરવામાં આવી છે, જેનાથી શ્રદ્ધાળુઓને સુગમ અનુભવ થાય. તે આજે પણ ધાર્મિક અને પર્યટક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે.
દરગાહ માત્ર ગરીબ, નિર્ધન કે ધાર્મિક વિચારધારાવાળા લોકો માટે રાહતનું સ્રોત નથી રહી, બલકે, તેણે રાજકીય અભિજાત વર્ગ અને સામાન્ય જનતા વચ્ચે એક સેતુ રૂપ કામ પણ કર્યું છે.
આ સ્થળ એટલું પૂજનીય હતું કે દુશ્મની છતાં સ્થાનિક શક્તિઓ અહીં આવનારા લોકોને રોકતી નહોતી.
આર્કિટેક્ચરલ વિશેષતાઓ:
બુલંદ દરવાજા : મુખ્ય પ્રવેશદ્વાર.
મહફિલખાના : અહીં કવ્વાલીનું આયોજન થાય છે
શાહજહાં મસ્જિદ : મુગલ વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો.
જન્નતી દરવાજા : એવું મનાય છે કે એને પાર કરવાથી મનોકામનાઓ પૂરી થાય છે.
આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ:
દરગાહ સૂફી પ્રેમ, સેવા અને એકતાનાં મૂલ્યો દર્શાવે છે.
આ કવ્વાલી સંગીત અને સૂફી સાહિત્યનું કેન્દ્ર છે.
દરગાહ બધા ધર્મોના લોકોને આકર્ષે છે અને સાંપ્રદાયિક સદ્ભાવનું પ્રતીક છે
મુખ્ય આયોજનો:
ઉર્સ મહોત્સવ : આ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની પુણ્યતિથિનો ઉત્સવ છે, જે ઇસ્લામી મહિના રજબની પ્રથમ છ તારીખોમાં ઊજવવામાં આવે છે.
મિલાદ-ઉન-નબી : પયગંબર મોહમ્મદના જન્મદિને વિશેષ પ્રાર્થનાઓ અને આયોજન થાય છે.
સૂફીવાદના ચિશ્તિયા સંપ્રદાયની પ્રથાઓ અને વિચારધારાઓને ધ્યાનમાં રાખતાં એમ કહી શકાય કે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીએ એક એવું સ્થાન પસંદ કરીને અધ્યાત્મના ક્ષેત્રમાં એક નવું સ્થાન ઊભું કર્યું, જે પહેલાંથી જ હિંદુઓ માટે એક મોટું તીર્થસ્થળ હતું.
આખા વિશ્વમાં બ્રહ્માના એકમાત્ર મંદિર અને એક અનોખી દરગાહ આત્માના એ દરવાજાઓને પોતાની કૃપાથી એકસાથે ખોલે છે, જ્યાં આત્મિક સુખ અને શાંતિ શોધતા લોકો કોણ જાણે ક્યાં ક્યાંથી અને કેવી કેવી વિનંતીઓ લઈને આવી પહોંચે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












