'અમારી સાત પેઢીની અહીં શ્રદ્ધા છે' - અજમેર શરીફ દરગાહે આવેલા શ્રદ્ધાળુઓ શું બોલ્યા?

અજમેર શરીફ દરગાહ, અજમેર, રાજસ્થાન, ભારતમાં મુસ્લિમો, ધર્મ, રાજકારણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં સુશીલા પરમાર અજમેર શરીફ આવ્યાં છે
    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા, અજમેરથી

ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની શાનમાં ગવાતાં ગીતો અને કવ્વાલીઓના માહોલ વચ્ચે હજારોની સંખ્યામાં લોકો રાજસ્થાનમાં તેમની દરગાહ પર પહોંચી રહ્યા છે.

દરેક તરફ દુકાનો સજાવેલી છે અને જ્યાં પણ નજર પહોંચે ત્યાં સુધી એક જ નામ લખેલું દેખાય છે, ‘ખ્વાજા ગરીબનવાઝ’.

કોઈ ઝાઇરિન (દર્શન માટે આવનારા)ના હાથમાં ગુલાબનાં ફૂલો અને ચાદર છે તો કોઈ દરવાજા પર મન્નતના દોરા બાંધી રહ્યા છે. સેંથામાં સિંદૂર અને માથામાં તિલક લગાવેલા અનેક શ્રદ્ધાળુઓ પણ દરગાહ પર લાંબી લાઇનમાં ઊભા હતા.

રાજસ્થાનના અજમેર શહેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ અને તેની આસપાસ કંઈક આવી જ તસવીરો જોવા મળે છે.

ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ (પુણ્યતિથિ)નું આયોજન 8 જાન્યુઆરી, 2024થી શરૂ થવા જઈ રહ્યું છે. દર 15 દિવસે આ તહેવારમાં લાખોની સંખ્યામાં લોકો અજમેર શરીફ દરગાહ પહોંચે છે.

હાલમાં આખું શહેર આ ઉર્સની તૈયારીમાં લાગેલું છે.

પરંતુ આ તહેવારના થોડા સમય પહેલાં દરગાહની નીચે મંદિર હોવાના એક દાવાને કારણે વિવાદ થઈ ગયો છે.

અજમેરની એક સ્થાનિક કોર્ટે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની એક અરજીનો સ્વીકાર કરી લીધો છે જેમાં તેમણે દરગાહની નીચે મંદિર હોવાનો દાવો કર્યો છે. આ મામલાની હવે પછીની સુનાવણી 20 ડિસેમ્બરે છે.

કેટલાક દિવસ પહેલાં જ 24 નવેમ્બરે ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને થયેલા તણાવ અને હિંસાના માહોલની અસર અહીં પણ સ્પષ્ટ જોવા મળે છે.

શહેરમાં કેવો માહોલ છે?

ઈરાનના સંઝર (સિજિસ્તાન)માં જન્મેલા ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી 1192માં લાહોર અને દિલ્હી થઈને અજમેર પહોંચ્યા હતા.

અજમેર શરીફ દરગાહના સેવકોની પ્રતિનિધિ સંસ્થા અંજુમન કમિટીના સચિવ સૈયદ સરવર ચિશ્તીના જણાવ્યા અનુસાર, તેમનું અવસાન વર્ષ 1236માં થયું હતું. તેમને અહીં દફનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ આ દરગાહ બનાવવામાં આવી હતી.

શહેરની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ સાથે જોડાયેલી છે. દર વર્ષે લાખો લોકો આ દરગાહમાં આવે છે.

ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા અને અજમેરની કોર્ટમાં દાખલ કરાયેલી અરજી બાદ શહેરનું વાતાવરણ સામાન્ય છે, ક્યાંય વધારાનાં સુરક્ષાદળો દેખાતાં નથી.

અજમેર શરીફ દરગાહ, અજમેર, રાજસ્થાન, ભારતમાં મુસ્લિમો, ધર્મ, રાજકારણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, દરગાહની આસપાસના વિસ્તારોમાં છેલ્લાં 25 વર્ષથી રિક્ષા ચલાવનાર નેમીચંદ નાયક
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દરગાહની આસપાસના વિસ્તારોમાં છેલ્લાં 25 વર્ષથી રિક્ષા ચલાવનાર નેમીચંદ નાયક આ વિવાદથી અતિશય ગુસ્સામાં છે.

તેઓ કહે છે, "શિયાળાની ઋતુમાં લોકો રાજસ્થાન ફરવા આવે છે અને હવે અત્યારે આ વિવાદ ઊભો થયો છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં ડર ઊભો થશે અને તેઓ અહીં નહીં આવે. લોકો રાજકારણ કરી રહ્યા છે, તેની સીધી અસર તેના પર પડે છે. અમારા વ્યવસાય પર તેની સીધી અસર પડે છે."

નેમીચંદ કહે છે, "ઉર્સનો તહેવાર આવી રહ્યો છે. અમને આશા છે કે અમે સારી કમાણી કરી શકીશું, પરંતુ જો સ્થિતિ આવી જ રહી તો કારના ઇએમઆઈ ચૂકવવા મુશ્કેલ થઈ જશે."

દરગાહ પાસે મીઠાઈની દુકાન ચલાવતા કૈલાશ પણ આવી જ વાતો કહે છે.

તેઓ કહે છે, "અમારો પરિવાર લગભગ 90 વર્ષથી આ દુકાન ચલાવી રહ્યો છે. મારી ઉંમર 62 વર્ષ છે. મેં ક્યારેય એવું સાંભળ્યું નથી કે દરગાહની નીચે મંદિર હોય."

તેઓ કહે છે, "છેલ્લાં બે-ત્રણ વર્ષથી અમે એવી વાતો સાંભળી રહ્યા છીએ કે આ દરગાહની નીચે એક મંદિર છે, તે મસ્જિદની નીચે એક મંદિર છે. અત્યારે શહેરનું વાતાવરણ ખૂબ જ સારું છે, પરંતુ જો આવી વસ્તુઓ થશે તો અમારો ધંધો બગડી જશે. "

દરગાહના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શીરમાલની દુકાન ચલાવતા મોહમ્મદ દાનિશનું કહેવું છે કે નફરત અને ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આવા વિવાદો કરવામાં આવી રહ્યા છે.

તેઓ કહે છે, "દરગાહની નીચે આવેલા મંદિર વિશે વાત કરવી એ વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન હઠાવવાનો એક પ્રયાસ છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ ભારતને સાથે મળીને આગળ વધવાનો સંદેશ આપે છે અને આ લોકો તે ભાઈચારાને બગાડવા માગે છે."

આ નવા વિવાદથી નિરાશ થઈને દાનિશ કહે છે કે, “જો દરગાહની નીચે મંદિરની વાત હોય તો આપણે જંગલ, નદી, મંદિર, મસ્જિદ, દરગાહ અને મઠ ખોદીને જોઈએ અને જોઈએ કે ક્યાં શું બહાર આવે છે. જો તેનાથી પણ મન ન ભરાય તો આ દેશમાં એક જમીન ખોદવાનું અભિયાન ચલાવવું જોઈએ.”

ગુજરાતનાં સુશીલાબહેને કહ્યું, "જે લોકો આવો દાવો કરે છે એ ખોટા છે"

અજમેર શરીફ દરગાહ, અજમેર, રાજસ્થાન, ભારતમાં મુસ્લિમો, ધર્મ, રાજકારણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, હરિયાણાના રોહતાસકુમાર

અજમેર શરીફ દરગાહ દરેક ધર્મના લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર મનાય છે અને ત્યાં આવનારા હિંદુ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા હોય છે.

સુશીલા પરમાર ગુજરાતના અમદાવાદથી 12 કલાકની મુસાફરી કરીને દરગાહ પહોંચ્યાં છે.

દરગાહના સંકુલમાં હાથમાં ફૂલો લઈને તેઓ કહે છે, "હું બીજી વખત અહીં આવી છું અને મને અહીં દરગાહની મુલાકાત લેવી ગમે છે. હું અહીં ફરી આવીશ. જે લોકો દરગાહની નીચે મંદિર હોવાની વાત કરી રહ્યા છે તે તદ્દન ખોટી છે. તેઓ ખોટા છે અને તેમને સાંભળીને સારું નથી લાગતું."

હિમાચલના કુલ્લુથી આવેલાં શકુંતલા દેવી પણ કંઈક આવું જ કહે છે, "હું 1996માં પહેલી વાર અહીં આવી હતી. ત્યારપછી જ્યારે પણ હું અજમેર આવું ત્યારે હું દરગાહનાં દર્શન કરવા ચોક્કસ આવું છું. આ જગ્યા દરેક ધર્મના લોકો માટે છે. તેને વિવાદથી દૂર રાખવી જોઈએ."

શકુંતલા દેવીની જેમ હરિયાણાના રહેવાસી રોહતાસકુમાર પણ દરગાહનાં દર્શન કરવા પત્ની સાથે લાઇનમાં ઊભા છે. તેઓ અને તેમનાં પત્ની ફૂલોની ટોપલી અને ચાદર લાવ્યાં છે.

તેઓ કહે છે, "જે લોકો આને હિન્દુ-મુસ્લિમનો મુદ્દો બનાવી રહ્યા છે તેમણે તેમની વિચારસરણી બદલવી જોઈએ. આવી વાતો સાંભળીને મને દુઃખ થાય છે. કારણ કે, લોકો અહીં પ્રાર્થના કરવા આવે છે. આ એક પવિત્ર સ્થળ છે."

"હું હિસારનો રહેવાસી છું અને ભંગારના વેપારી તરીકે કામ કરું છું. અમે ધર્મથી હિંદુ છીએ પરંતુ અહીં દરગાહમાં ધર્મનો કોઈ મુદ્દો નથી. હું અહીં બે વર્ષથી આવું છું અને હું આખી જિંદગી અહીં આવતો રહું તેવું ઇચ્છું છું. "

તેમની સાથે હાજર રોહતાસનાં માતા રોશની કહે છે, "અમે અહીં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની પૂજા કરવા સ્વેચ્છાએ આવ્યા છીએ. અમારી સાત પેઢીઓ તેમને માનતી આવી છે."

તેણી કહે છે, "જો તમે એક આંગળી કાપો તો બધાનું લોહી એકસરખું નીકળે છે. તો પછી અહીં હિન્દુ અને મુસ્લિમ કેમ કરવામાં આવી રહ્યું રહ્યા છે?"

અજમેર શરીફ દરગાહને લઈને ઊભા થયેલા નવા વિવાદથી માત્ર હિંદુઓ જ નહીં અન્ય શ્રદ્ધાળુઓ પણ દુઃખી છે. દેહરાદૂનનાં શબનમ છેલ્લાં 13 વર્ષથી પરિવાર સાથે અહીં આવી રહ્યાં છે.

તેઓ કહે છે, "અહીં વર્ષોથી લોકો આવે છે. આ આખા શહેરની આજીવિકા છે. જો હિંદુ-મુસ્લિમનો ડર ફેલાઈ જશે તો કામ બંધ થઈ જશે. બધાને ડર છે કે કાલે આ દરગાહ નહીં રહે તો શું થશે."

મધ્ય પ્રદેશના રીવાથી આવેલા મુનીશ ખાન કહે છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીએ માનવતા માટે ઘણું કર્યું છે અને આપણે તેમની પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે સાથે રહેવું.

તેઓ કહે છે, "અમે કોઈ વાતથી ડરતા નથી પરંતુ જ્યારે કેટલાંક અસામાજિક તત્ત્વો આવી બાબતોમાં સામેલ થઈ જાય છે ત્યારે મામલો બગડી જાય છે. જો કોઈ અન્ય વ્યક્તિના ધર્મ વિશે ખોટું બોલે તો તેમને ખરાબ લાગશે."

અરજીકર્તાનો દાવો

અજમેર શરીફ દરગાહ, અજમેર, રાજસ્થાન, ભારતમાં મુસ્લિમો, ધર્મ, રાજકારણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, હિંદુસેનાના વિષ્ણુ ગુપ્તાએ દરગાહની જગ્યાએ મંદિર હોવાનો દાવો કર્યો છે

તેના લગભગ 800 વર્ષના ઇતિહાસમાં, ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહે સુલતાન, મુઘલ સમ્રાટો, રાજપૂતો, મરાઠાઓ, બ્રિટિશ સામ્રાજ્ય અને સ્વતંત્ર ભારતનો ઘણા સમયગાળો જોયો છે, પરંતુ તેના અસ્તિત્વને ક્યારેય કોર્ટમાં પડકારવામાં આવ્યું નથી.

પરંતુ આ વખતે હિન્દુસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનો દાવો છે કે દરગાહની નીચે એક હિન્દુ મંદિર છે.

બીબીસી સાથે વાત કરતાં વિષ્ણુ ગુપ્તા કહે છે, "અમે 25મી સપ્ટેમ્બરે કોર્ટમાં અરજી કરી હતી. ત્યારપછી ઘણી તારીખો પડી હતી. જે પછી કોર્ટે અરજી સ્વીકારી લીધી હતી. ત્યારપછી બે વાર લાંબી ચર્ચા થઈ હતી. અમે આટલા મોડા કેમ આવ્યા તે અંગે પણ કોર્ટે પૂછ્યું હતું. અમે કહ્યું હતું કે અમારા પૂર્વજો આવી શક્યા નથી, પરંતુ આ અમારો અધિકાર છે.”

તેમણે કહ્યું કે, "આ કેસમાં પહેલો પક્ષ ભગવાન છે અને બીજો પક્ષ હું ભગવાનના ભક્ત તરીકે છું, કારણ કે ભગવાન પોતે આવી શકતા નથી. આ કેસમાં કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને સુનાવણીની આગામી તારીખ છે. 20 ડિસેમ્બર, 2024ની છે."

તેઓ કહે છે, "અમે દાવો કરીએ છીએ કે આ અજમેરની દરગાહ નથી, પરંતુ સંકટમોચન મહાદેવ મંદિર છે. દરગાહ ઉપર છે, નીચે ભગવાન શિવનું મંદિર હતું. અજમેરના ઘણા લોકો કહે છે કે પહેલા પૂજારીઓ પણ ત્યાં પૂજા કરતા હતા. ત્યાં હું વૃદ્ધ લોકોને મળ્યો જેમણે કહ્યું કે અમે ત્યાં જતા હતા, ત્યાં એક ભોંયરું હતું જેની અંદર એક શિવલિંગ હતું.

વિષ્ણુ ગુપ્તાએ પોતાના દાવા માટે હરબિલાસ સારદાના પુસ્તકને મુખ્ય આધાર બનાવ્યો છે.

વર્ષ 1911માં હરબિલાસ સારદાએ 'અજમેરઃ હિસ્ટોરિકલ ઍન્ડ ડિસ્ક્રિપ્ટિવ' નામનું પુસ્તક લખ્યું હતું. 206 પાનાંના આ પુસ્તકમાં ઘણા વિષયો છે.

પુસ્તકમાં દરગાહ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી પર એક પ્રકરણ પણ છે. તેના પાના નંબર 97ના પહેલા ફકરામાં દરગાહમાં મહાદેવ મંદિર બન્યું હોવાનો ઉલ્લેખ છે.

અંગ્રેજીમાં લખેલા આ પુસ્તકમાં હરબિલાસ સારડાએ તેના વિશે જે લખ્યું છે તેનો અનુવાદ કંઈક આવો છે, "પરંપરા કહે છે કે ભોંયરાની અંદરના એક મંદિરમાં મહાદેવની છબી છે, જેના પર બ્રાહ્મણ પરિવાર દ્વારા દરરોજ ચંદન મૂકવામાં આવતું હતું.”

વિષ્ણુ ગુપ્તાની અરજીમાં આને જ આધાર બનાવવામાં આવ્યો છે.

તેઓ કહે છે, "કોર્ટમાં જવું એ અમારો અધિકાર છે અને અમે અન્ય લોકોને પણ કાયદામાં વિશ્વાસ રાખવાનું કહીશું. અમારી માગણી એ છે કે જે મંદિરો તોડી પાડવામાં આવ્યા છે તે પરત કરવામાં આવે."

અંજુમન કમિટીએ શું કહ્યું?

અજમેર શરીફ દરગાહ, અજમેર, રાજસ્થાન, ભારતમાં મુસ્લિમો, ધર્મ, રાજકારણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અંજુમન કમિટીના સૈયદ સરવર ચિશ્તી

અજમેર પશ્ચિમ સિવિલ જજ સિનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટે અરજી પર સુનાવણી કરતા લઘુમતી બાબતોના મંત્રાલય, દરગાહ સમિતિ અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ને 27 નવેમ્બરે નોટિસ પાઠવી છે.

અજમેર શરીફના ખાદિમોની પ્રતિનિધિ સંસ્થા અંજુમન કમિટીએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. આ કમિટીને કોર્ટ દ્વારા આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવી છે.

બીબીસી સાથે વાત કરતા અંજુમન કમિટીના સેક્રેટરી સૈયદ સરવર ચિશ્તી કહે છે, "અમે વારસાગત ખાદિમ છીએ જેઓ છેલ્લાં 800 વર્ષથી દરગાહ સંબંધિત ધાર્મિક વિધિઓ કરી રહ્યા છીએ. પરંતુ આ મામલે અમને પક્ષકાર બનાવાયા નથી."

તેઓ કહે છે, "અંજુમન કમિટી ખાદિમોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે દરગાહ કમિટી માત્ર દેખરેખનું કામ કરે છે. આ એક પ્રકારનું ષડયંત્ર છે, જે અમે થવા દઈશું નહીં. અમે અમારા વકીલોની સલાહ લઈ રહ્યા છીએ. અમે કોર્ટમાં જઈશું અને પાર્ટી બનીશું."

તેઓ હરબિલાસ સારદા અને તેમના પુસ્તક પર પણ સવાલો ઉઠાવે છે.

તેઓ કહે છે, "સારદાજી આર્યસમાજના પ્રમુખ હતા. તેઓ હિન્દુ મહાસભાના સભ્ય હતા. બ્રિટિશ સરકારના સમયમાં તેમને રૉયસાહેબનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમણે હિંદુ સુપિરિઓરિટી જેવું પુસ્તક લખ્યું હતું જેનાથી તેમની વિચારધારાનો ખ્યાલ આવે છે. "

સવરદ ચિશ્તી કહે છે કે, “હરબિલાસ સારદાએ તે પુસ્તક વર્ષ 1910માં લખ્યું હતું જેનો બધે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે પરંતુ વર્ષ 1915માં તેમના દ્વારા આપવામાં આવેલા એક નિર્ણયનો ક્યાંય ઉલ્લેખ નથી.”

તેઓ કહે છે, "તેમણે 1915માં આપેલા પોતાના નિર્ણયમાં લખ્યું હતું કે દરગાહના ખાદિમ વારસાગત છે. તેમની પાસે એક વારસો છે અને તેઓ માત્ર કાદિમી (ખૂબ જ જૂની) નથી, પરંતુ દરગાહ સાથે ગાઢ સંબંધ પણ ધરાવે છે.

સરવદ કહે છે, "પુસ્તક લખવું અને નિર્ણય આપવો એ બે અલગ-અલગ બાબતો છે. તેમણે પોતાના નિર્ણયમાં ક્યાંય એવું નથી લખ્યું કે દરગાહમાં મંદિર હતું અને ત્યાં કોઈ બ્રાહ્મણ પૂજા કરતો હતો."

તેઓ કહે છે, "1947 પહેલાં દરગાહના આઠ સંચાલકો હિંદુ હતા. તેઓએ ક્યારેય કહ્યું ન હતું કે અહીં હિંદુ મંદિર છે. હિંદુ રાજાઓએ દરગાહને આર્થિક મદદ કરી. નહેરુથી લઈને વડા પ્રધાન મોદી સુધીની અહીં ચાદર આવતી રહી છે. અડવાણી ત્રણ વખત અહીં આવી ચૂક્યા છે. ઉમા ભારતી પણ અહીં આવી ચૂક્યા છે. તેમણે ક્યારેય કોઈ મંદિર વિશે વાત કરી નથી.”

સરવદ કહે છે, "જે દરગાહ પર બાદશાહોએ પોતાનો તાજ ઉતારીને મૂક્યો હતો તેને હવે મંદિર કહેવામાં આવી રહ્યું છે. વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે ડરતાં નથી, અમે ગુસ્સે છીએ, અમે ચિંતિત છીએ. ક્યાં સુધી આવું ચાલશે? "

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.