સંભલમાં હિંસા બાદ હવે સ્થાનિક હિન્દુઓ અને મુસ્લિમો શું કહી રહ્યા છે?

સંભલ હિંસા, ઉત્તર પ્રદેશ, રાજકારણ, ભારતમાં મુસ્લિમો, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, શાનૂ(ડાબે) અને ઓમકાર(જમણે) બંને એકબીજાને 16 વર્ષથી ઓળખે છે.
    • લેેખક, અંશુલસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તરપ્રદેશના સંભલથી

29 નવેમ્બરે ઉત્તર પ્રદેશમાં સંભલની શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પઢવામાં આવતી હતી ત્યારે આસપાસના વિસ્તારમાં શાંતિ છવાઈ ગઈ હતી. બજારમાં અમુક જ દુકાનો ખુલ્લી હતી.

24 નવેમ્બરે મસ્જિદમાં બીજા સર્વે દરમિયાન આ વિસ્તારમાં હિંસા થઈ ત્યાર પછી આ પહેલી જુમાની નમાજ હતી.

આ દરમિયાન અમારી મુલાકાત ઓમકાર અને શાનુ સાથે થઈ.

ઓમકાર અહીં એક દુકાનમાં 24 વર્ષથી કામ કરે છે અને શાનુ એક ડ્રાઇવર છે.

બંને 16 વર્ષથી એક બીજાને ઓળખે છે અને સમય જતા તેમની દોસ્તી ગાઢ બનતી ગઈ.

જે રવિવારે હિંસા થઈ, તેને શાનુ સંભલ માટે 'કાળો દિવસ' ગણે છે.

શાનુ કહે છે કે, "સંભલ માટે આ કાળો દિવસ હતો. સંભલમાં રવિવારે બ્લેક ડે મનાવવામાં આવશે. આટલી ઉંમરમાં અમે સંભલને આવી સ્થિતિમાં ક્યારેય નથી જોયું. ઓમકાર, મહિપાલ અને એક પંડિતજી હતા. અમે તો આવી જ રીતે નોર્મલ હતા. ભાઈ-ભાઈની જેમ રહેતા હતા."

બીજા સર્વે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં પાંચ લોકો માર્યા ગયા હતા. જોકે, પોલીસે માત્ર ચારના મોતની પુષ્ટિ કરી છે.

રવિવારની હિંસાને યાદ કરતાં ઓમકાર કહે છે, “અમારી બજારમાં દરેક જણ પોતપોતાના ઘરમાં કેદ હતા. થોડી થોડી વારે હું ઉપરથી ડોકિયું કરતો અને બહાર જોતો કારણ કે હું હિંદુ છું. કૅમેરામાં કેદ ન થાય તે માટે મુસ્લિમો જરાય બહાર નીકળતા નહોતા. મુસ્લિમો ભયભીત હતા. તેમને ડર હતો કે તેઓ વીડિયોમાં દેખાશે તો પોલીસ તેની ધરપકડ કરી લેશે."

મુસ્લિમ બહુમતીવાળા મહોલ્લામાં તણાવ

સંભલ હિંસા, ઉત્તર પ્રદેશ, રાજકારણ, ભારતમાં મુસ્લિમો, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, હિંસા પ્રભાવિત ગલીનાં અનેક ઘરોમાં તાળાં લાગેલાં છે અને સ્થાનિકો કૅમેરા ઉપર વાત કરતાં ડરે છે

સંભલની શાહી જામા મસ્જિદની પાછળ જ મુસ્લિમોની વસ્તી ધરાવતો કોટ પશ્ચિમી મહોલ્લો છે. 24 નવેમ્બરે અહીં પાણીની ટાંકી શેરીના નાકે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

આ વાતને લગભગ એક અઠવાડિયું થઈ ગયું છે. હજુ પણ આ શેરીમાં ઘણાં ઘરોનાં તાળાં તૂટેલાં છે. લોકો કૅમેરા પર વાત કરવા તૈયાર નથી. તેમને ડર છે કે તેઓ મીડિયા સાથે વાત કરશે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે.

જોકે, પોલીસ વહીવટીતંત્ર આ આરોપોનો ઈનકાર કરે છે.

બીબીસીએ આ વિશે સંભલના એસપી કૃષ્ણકુમાર બિશ્નોઈ સાથે વાત કરી હતી.

કૃષ્ણ કુમાર બિશ્નોઈ કહે છે, “પોલીસને કોઈ વ્યક્તિને પરેશાન કરવામાં કે કોઈના પરિવારને બરબાદ કરવાનો શોખ નથી. અમે પુરાવાના આધારે જ કાર્યવાહી કરીએ છીએ."

સંભલના કેટલાક લોકોએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે અમારી સાથે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું, “જે લોકોનાં ઘરો પર તાળાં છે તેઓ પોલીસ કાર્યવાહીના ડરથી ઘર છોડીને જતા રહ્યા છે. જ્યાં સુધી માહોલ સુધરે નહીં, ત્યાં સુધી તેમના પાછા ફરવાની કોઈ શક્યતા નથી."

પરંતુ આ લોકો પોતાનું બધું છોડીને ક્યાં જતા રહ્યા?

સંભલ હિંસા, ઉત્તર પ્રદેશ, રાજકારણ, ભારતમાં મુસ્લિમો, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે પહેલાં જેવો માહોલ થતાં એક મહિના જેટલો સમય લાગી શકે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્થાનિક લોકોનું કહેવું છે કે, "કોઈ દિલ્હી, કોઈ ઉત્તરાખંડ, કોઈ પોતાનાં સગાંના ઘરે ગયું છે. જેને જ્યાં સુરક્ષિત જગ્યા મળી ત્યાં જતા રહ્યા."

મુસ્લિમ વિસ્તારોની તુલનામાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ચિત્ર એકદમ અલગ છે.

મસ્જિદની બરાબર સામે કોટ પૂર્વી મહોલ્લો છે જ્યાં હિન્દુઓ રહે છે.

મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારની સરખામણીમાં અહીંના લોકોનું જીવન સામાન્ય લાગે છે. લોકોની દુકાનો ખુલ્લી છે અને અહીં ઘરો પર તાળાં લટકેલાં જોવા મળતાં નથી.

અહીંના લોકો કૅમેરા જોઈને ડરતા નથી અને તેઓ વાત કરવા માટે પણ તૈયાર થઈ રહ્યા છે. આ વિસ્તારના મોટાભાગના હિન્દુઓ શાહી મસ્જિદને હરિહર મંદિર કહીને બોલાવે છે અને તેમાં 73 વર્ષીય પ્રેમશંકર પણ સામેલ છે.

બીબીસીને પ્રેમશંકરે જણાવ્યું છે, “અમે સમજતા થયા ત્યારથી અમે મસ્જિદ જ જોઈ છે, પરંતુ પુરાતત્વ વિભાગ અને મસ્જિદની જે વાર્તા હશે તે ઇતિહાસના પુસ્તકોમાં જોવા મળશે. અહીં બધા તેને મંદિર જ કહે છે. હરિહર મંદિર. કોઈપણ હિન્દુને પૂછી લો."

સુપ્રીમ કોર્ટના સ્ટે વિશે તેઓ કહે છે કે કોર્ટ ન્યાય કરશે તેવો તેમને પૂરો વિશ્વાસ છે.

કેટલાક લોકો એવો પણ દાવો કરતા હતા કે જે દિવસે મુસ્લિમ વિસ્તારોમાં હિંસા થઈ રહી હતી, તે દિવસે હિન્દુ વિસ્તારોમાં બધું સામાન્ય હતું. તેના માટે તેઓ વારંવાર પ્રશાસનનો આભાર માની રહ્યા હતા.

અનિલ કોટ પૂર્વી મોહલ્લામાં મીઠાઈની દુકાનમાં કંદોઈનું કામ કરે છે.

આ હિંસાની હિન્દુ-મુસ્લિમ સંબંધો પર કેટલી અસર પડી?

આ પ્રશ્નના જવાબમાં અનિલ કહે છે, “તે (મુસ્લિમ) વિસ્તારમાંથી કોઈ આ (હિન્દુ) વિસ્તારમાં નથી આવતું. ભૂલથી ખોવાઈ જાય તો વાત અલગ છે. પહેલાં અમે ત્યાં જતા હતા, પરંતુ હવે ત્યાંનું વાતાવરણ જોઈને તણાવ પેદા થઈ ગયો છે. વાત કરવાની રીત પણ બદલાઈ ગઈ છે.”

બીજી તરફ સંભલના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈ કહે છે કે કોઈ પણ તણાવ વગર બંને સમુદાય શાંતિપૂર્વક રીતે રહે છે.

ગરબડ ક્યાં થઈ?

સંભલ હિંસા, ઉત્તર પ્રદેશ, રાજકારણ, ભારતમાં મુસ્લિમો, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મસ્જિદની સામે મોટેભાગે હિન્દુઓ રહે છે જ્યારે તેની પાછળની દીવાલની ચારેકોર મુસ્લિમો રહે છે

મસ્જિદની નજીકના બજારમાં અરશદ અલીમ ખાન પ્લાયવુડ અને હાર્ડવેરની દુકાન ચલાવે છે. હિંસા બાદ દુકાન ખુલી છે, પરંતુ કારીગર કે ગ્રાહકો નથી આવતા.

અરશદનું કહેવું છે કે વહીવટીતંત્ર લોકોની દુકાનો ખોલાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ગ્રાહકો નથી આવી રહ્યા.

તેઓ કહે છે, "લોકોના મનમાં ડર છે કારણ કે સંભલમાં આવો માહોલ ક્યારેય નથી થયો. ગ્રાહકોના મનમાં પણ ડર છે. બહારના ગ્રાહકો તો બિલકુલ નથી આવતા કારણ કે ભયભીત છે."

હાજી ખુર્શીદ અહીં રંગરોગાનનો માલસામાન વેચે છે.

હાજી ખુર્શીદ કહે છે, “ધંધાની હાલત બહુ ખરાબ છે. બે દિવસથી કોઈ ગ્રાહક નથી આવતું. બધું ઠરીઠામ થતા ઓછામાં ઓછા એકાદ મહિનો લાગી જશે.”

આખરે આટલી ખરાબ સ્થિતિ કેમ થઈ?

રશીદ મિર્ઝા છેલ્લાં 25 વર્ષથી સંભલમાં રહે છે અને પત્રકાર તરીકે કામ કરે છે. તેમનું માનવું છે કે સર્વેની બાબતમાં થયેલી ઉતાવળ આ હિંસાનું મુખ્ય કારણ છે.

રશીદ મિર્ઝા કહે છે, “કોર્ટે ચોખ્ખો એક અઠવાડિયાનો સમય આપ્યો હતો, છતાં ઉતાવળમાં સર્વે કરવામાં આવ્યો. ઉતાવળ કર્યા વગર, એક-બે દિવસ માટે ઉલેમાઓ પાસેથી ભાષણ કરાવી શકાયું હોત. લોકોને સંદેશ મોકલવામાં આવ્યા હોત, હિન્દુ-મુસ્લિમ બધા પક્ષોને બોલાવીને શાંતિ સમિતિની બેઠક યોજી શકાઈ હોત તો આ સ્થિતિ બગડતી અટકાવી શકાઈ હોત."

હિંસાના એક અઠવાડિયા પછી વહીવટીતંત્ર તરફથી આ વિસ્તારમાં શાંતિની વાત કરવામાં આવી છે.

એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈ કહે છે, “તે દિવસની ઘટનાને કારણે શાળાઓ અને બજારો બંધ હતાં. હવે તેને પાછા ખોલવામાં આવી રહ્યાં છે. ઇન્ટરનેટ ખુલી ગયું છે. અમે પુરાવાના આધારે 300થી વધુ લોકોની ઓળખ કરી છે અને તેમની ધરપકડ કરવામાં આવશે."

બહારના લોકો માટે પ્રવેશ બંધ

સંભલ હિંસા, ઉત્તર પ્રદેશ, રાજકારણ, ભારતમાં મુસ્લિમો, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પત્રકાર રાશિદ મિર્ઝા

સંભલ જિલ્લાના વહીવટીતંત્રે 10 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટીતંત્રે આ માટે એક આદેશ જારી કર્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, "કોઈ પણ બહારની વ્યક્તિ, અન્ય સામાજિક સંસ્થા અથવા જનપ્રતિનિધિ 10 ડિસેમ્બર, 2024 સુધી સંબંધિત અધિકારીની પરવાનગી વગર સંભલ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે નહીં."

વિરોધપક્ષ સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ સંભલ આવવાના હતા ત્યારે આ નિર્ણય લેવાયો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર સંભલ જઈ રહેલા પક્ષના નેતાઓના જૂથનું નેતૃત્વ કરતા વિપક્ષી નેતા માતા પ્રસાદ પાંડેએ લખનૌમાં પોતાના ઘરની બહાર પત્રકારોને જણાવ્યું કે ગૃહ સચિવ સંજય પ્રસાદે તેમને ફોન કરીને સંભલ ન જવા કહ્યું હતું.

સંભલ હિંસા, ઉત્તર પ્રદેશ, રાજકારણ, ભારતમાં મુસ્લિમો, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સંભલની શાહી જામા મસ્જિદ

સંભલના સંસદસભ્ય જિયા ઉર્ર રહેમાન બર્કે પણ દાવો કર્યો કે તેમને સંભલ જતા અટકાવવામાં આવ્યા હતા.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આને ભાજપની નિષ્ફળતા ગણાવી છે.

અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, “આવો પ્રતિબંધ સકારે પહેલા જ દિવસે લગાવી દીધો હોત, જેમણે રમખાણો કરાવવાનું સપનું જોયું અને ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હતા, તો સંભલમાં શાંતિનું વાતાવરણ કથળ્યું ન હોત."

અખિલેશ યાદવના નિવેદન પર ભાજપના નેતા અને યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીના લોકો સંભલને 'રાજકીય પ્રવાસ' માની રહ્યા છે.

બ્રજેશ પાઠકે કહ્યું, "સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પોતાનો ભૂતકાળ જોવો જોઈએ. સંભલની ઘટના સમાજવાદી પાર્ટીના સંરક્ષિત ગુનેગારોનું પરિણામ છે."

આખો મામલો શું છે?

સંભલ હિંસા, ઉત્તર પ્રદેશ, રાજકારણ, ભારતમાં મુસ્લિમો, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, શાહી જામા મસ્જિદના રસ્તે જતા લાગેલી બૅરિકેડિંગ

સંભલની ઐતિહાસિક જામા મસ્જિદ ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઈ)ના હેઠળ એક સંરક્ષિત સ્મારક છે.

સંભલની શાહી જામા મસ્જિદને લઈને 19 નવેમ્બરે આ વિવાદ શરૂ થયો હતો.

સંભલથી લગભગ 25 કિલોમીટર આવેલા કૈલા દેવી મંદિરના મહંત ઋષિરાજ મહારાજ અને તેમની સાથેના કેટલાક લોકોએ સંભલની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી. તેમનો દાવો છે કે જામા મસ્જિદ વાસ્તવમાં હરિહર મંદિર છે.

બીબીસી સાથે વાત કરતા મહંત ઋષિરાજ ગિરીએ આ મસ્જિદ વાસ્તવમાં એક પ્રાચીન મંદિર હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, "તે હરિહર મંદિર છે, અમારી પાસે જે પણ પુરાવા છે તેને અમે કોર્ટમાં રજૂ કર્યા છે."

અદાલતે 19મી નવેમ્બરે જ મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. તે જ દિવસે કોર્ટના આદેશ પર મસ્જિદ પરિસરનો પ્રથમ સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન કોઈ હિંસા થઈ નથી.

24 નવેમ્બરે બીજો સર્વે થયો જે દરમિયાન એક ટોળું અને પોલીસ સામસામે આવી ગયા. થોડી જ વારમાં હિંસક અથડામણો શરૂ થઈ જે કેટલાય કલાક સુધી ચાલી હતી.

ગયા શુક્રવારે એટલે કે 29 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમે કહ્યું કે જ્યાં સુધી મસ્જિદ સમિતિની અરજી (જો તે કોઈ અરજી દાખલ કરે તો) હાઈકોર્ટમાં લિસ્ટ ન થાય, ત્યાં સુધી નીચલી અદાલત (સિવિલ કોર્ટ) આ કેસમાં કોઈ પણ સુનાવણી નહીં કરે.

આ દરમિયાન સંભલના હિંસાગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. પરંતુ બધું પહેલા જેવું થવામાં હજુ થોડો સમય લાગી જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.