મહારાણા પ્રતાપના વંશજો 40 વર્ષથી શેના માટે ઝઘડી રહ્યા છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/Lakshyaraj Singh Mewar
રાજસ્થાનના મેવાડના મહારાણા પ્રતાપના વંશજો વચ્ચે ચાલી રહેલો વિવાદ ફરી એક વાર સામે આવ્યો છે – જ્યારે લક્ષ્યરાજસિંહ મેવાડ પ્રેસ કૉન્ફરન્સ કરવા આવ્યા ત્યારે.
લક્ષ્યરાજસિંહે વિશ્વરાજસિંહ મેવાડ પર ગુંડાગર્દી કર્યાનો આરોપ લગાવ્યો અને વહીવટી તંત્ર સામે પણ સવાલો ઊભા કર્યા.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને મહારાણા પ્રતાપના વંશજ વિશ્વરાજસિંહ મેવાડના ‘રાજતિલક’ પછી આ બનાવની શરૂઆત થઈ હતી. અને તેની પાછળનું કારણ ‘સંપત્તિનો વિવાદ’ હોવાનું કહેવાય છે.
વિશ્વરાજસિંહ મેવાડના પરિવાર અને તેમના કાકા અરવિંદસિંહ મેવાડ વચ્ચે સંપત્તિ બાબતે કોર્ટમાં લડત ચાલી રહી છે.
આ સમયગાળા દરમિયાન નાથદ્વારાના ધારાસભ્ય વિશ્વરાજસિંહ મેવાડે સિટી પૅલેસમાં અંદર જવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ અને તેમના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ અને પછી હોબાળો વધી ગયો એટલે કલેક્ટર અને એસપી સમાધાન કરવા પહોંચ્યા હતા.
હવે મામલો એટલો વધી ગયો છે કે જિલ્લા વહીવટી તંત્રએ ઉદયપુર સિટી પૅલેસની આસપાસ ભારતીય નાગરિક સંહિતાની કલમ 163 લાગુ કરી દીધી હતી.

End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સમગ્ર બનાવ શો છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/Vishvaraj Singh Mewar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેવાડના પૂર્વ રજવાડાના મહારાણા મહેન્દ્રસિંહ મેવાડનું નિધન 10 નવેમ્બરે થયું હતું.
ત્યાર બાદ તેમના એકમાત્ર પુત્ર વિશ્વરાજસિંહ મેવાડનો 25 નવેમ્બરે ચિતોડગઢના ઐતિહાસિક ફતહ પ્રકાશ મહેલમાં ‘પગડી રિવાજ’ અર્થાત્ રાજતિલક કાર્યક્રમ થયો હતો.
બપોરના ત્રણ વાગ્ય સુધી વિશ્વરાજસિંહ ચિતોડગઢમાં જ રહ્યા હતા. આ પરંપરામાં ઉદયપુર સિટી પૅલેસમાં રહેલાં ધૂણી અને એકલિંગજી મંદિરનાં દર્શન પણ સામેલ હતા.
આ પરંપરા નિભાવવા માટે વિશ્વરાજસિંહ બપોરના ત્રણ વાગ્યે પોતાના સમર્થકો સાથે ચિતોડગઢથી ઉદયપુર જવા માટે રવાના થયા હતા.
મંદિર અને સિટી પૅલેસ બંને મહેન્દ્ર સિંહના નાના ભાઈ અરવિંદસિંહના નિયંત્રણ હેઠળ છે, જેઓ ઉદયપુરમાં શ્રી એકલિંગજી ટ્રસ્ટના અધ્યક્ષ અને વહીવટી ટ્રસ્ટી છે.
25 નવેમ્બરે ટ્રસ્ટ તરફથી સ્થાનિક અખબારોમાં મહારાણા મેવાડ ચૅરિટેબલ ટ્રસ્ટે અને એકલિંગજી ટ્રસ્ટે બે સાર્વજનિક નોટિસ પ્રકાશિત કરાવી.
જેમાં કોઈ પણ અનધિકૃત વ્યક્તિને પ્રવેશ નહીં અપાય તેવી વાત કહેવામાં આવી. બંને ટ્રસ્ટ સિટી પૅલેસ અને એકલિંગજી મંદિરના કાયદેસર અધિકારનો દાવો કરે છે.
સમાચાર એજન્સી પીટીઆઇ આનુસાર, રાજતિલક થયાના થોડાક કલાકો બાદ તેમને ઉદયપુરના સિટી પૅલેસમાં પ્રવેશતાં અટકાવવામાં આવ્યા.
સોમવારે સાંજે પાંચ વાગ્યે તેમનો કાફલો ઉદયપુરમાં દાખલ થાય છે, પરંતુ, અહીં તેમને પોલીસ બૅરિકેડિંગનો સામનો કરવો પડે છે.
અહીં તેમના સમર્થકો અને પોલીસ આમનેસામને આવી ગયા અને થોડીક જ વારમાં બૅરિકેડિંગ તોડીને ઉદયપુર સિટી પૅલેસ તરફ આગળ વધી ગયા.

ઇમેજ સ્રોત, www.eternalmewarblog.com
ત્યાર બાદ વહીવટી તંત્ર અને રાજપરિવાર વચ્ચે લાંબી વાટાઘાટ થઈ, પરંતુ વાતચીતથી કશું નક્કર પરિણામ ન મળ્યું.
રાત્રે આઠ વાગ્યા સુધી વિશ્વરાજસિંહ સિટી પૅલેસથી 100 મીટર દૂર જગદીશ ચોક પહોંચ્યા અને અહીં પોતાની કારમાંથી ઊતરીને પૅલેસ તરફ ચાલતા ગયા.
પરંતુ, જ્યારે તેમને પૅલેસમાં પ્રવેશની મંજૂરી ન મળી ત્યારે તેઓ સિટી પૅલેસની બહાર ખુરશી મૂકીને પોતાના સમર્થકો સાથે બેસી ગયા.
મીડિયા સાથેની વાતચીતમાં વિશ્વરાજસિંહે કહ્યું કે, તેમને મંદિરમાં જતા રોકવા તે ‘ગેરકાયદે’ છે.
વિશ્વરાજસિંહે કહ્યું, “પ્રૉપર્ટીનો વિવાદ અલગ છે, પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે તે ખોટું છે – કાયદાની અને પારંપરિક રીતે પણ. મને મંદિરે જતો રોકવો તે યોગ્ય નથી.”
ત્યાર બાદ મોડી રાત્રે તેમણે ધૂણીનાં દર્શન કર્યા વગર જ પોતાના સમર્થકો સાથે પાછા ફરવું પડ્યું.
આ મામલે અરવિંદસિંહ મેવાડના પુત્ર લક્ષ્યરાજસિંહે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
લક્ષ્યરાજસિંહ કહ્યું, “અમે લોકો કાયદેસર પોતાના ઘરની અંદર બેઠા છીએ. જો કોઈને કશી સમસ્યા હોય તો તે અદાલતના દરવાજા ખખડાવી શકે છે.”
“જે પ્રકારે ગઈ કાલે પોલીસે કેટલીક બાબતોની ખુલ્લી છૂટ આપી તે નિંદનીય પરિસ્થિતિ હતી, જે મને 1984ની યાદ અપાવે છે.”
“કેટલાક લોકો, જેઓ સરકારીપદો પર બેઠા છે અને પોતાના અંગત ફાયદા માટે કાયદો મનાવવાનો પ્રયાસ કરે, એ ત્યાંનો નિયમ છે?”
તેમણે આગળ કહ્યું કે, “એકલિંગજી મંદિર સૌ કોઈ માટે ખુલ્લું છે. મંદિર બંધ નથી થયું, પરંતુ મંદિર શક્તિપ્રદર્શનની જગ્યા નથી. મંદિર પ્રાર્થનાની જગ્યા હોય છે.”
વહીવટી તંત્રએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, FACEBOOK/Vishvaraj Singh Mewar
ઉદયપુર સિટી પૅલેસની આસપાસના વિસ્તારમાં હજુ ભારે પોલીસ બંદોબસ્ત છે અને વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહૌલનો દાવો કરાઈ રહ્યો છે.
સોમવારે મોડી રાત્રે અહીં વાતાવરણ તણાવ ભરેલું હતું. સિટી પૅલેસની અંદરથી અને વિશ્વરાજસિંહના સમર્થકો વચ્ચે પથ્થરમારાની તસવીર સામે આવી અને ઘટનાસ્થળે પોલીસતંત્રએ પથ્થરમારો અટકાવ્યો.
ત્યાર બાદ વહીવટી તંત્રએ સિટી પૅલેસની બહાર જપ્તીની નોટિસ ચોંટાડી દીધી.
મોડી રાત્રે ઘટનાસ્થળે હાજર જિલ્લા કલેક્ટર અરવિંદ પોસવાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “સવારથી જ પૅલેસના પ્રતિનિધિઓ અને સમાજના પ્રતિનિધિઓ સાથે અમારી વાતચીત ચાલતી હતી.”
“કેટલાક મુદ્દે સહમતી સધાઈ છે અને કેટલીક વાતો બાબતે વિવાદ છે. હાલ વાતચીત ચાલુ છે.”
પથ્થરમારાની ઘટના બાદ વહીવટી તંત્રએ સિટી પૅલેસના ‘વિવાદાસ્પદ’ ભાગની દેખરેખ માટે રિસીવર નિયુક્ત કર્યા છે.
ઘટનાની વિસ્તૃત માહિતી માટે બીબીસીએ ઉદયપુરના એસપી યોગેશ ગોયલ સાથે વાતચીત કરી.
યોગેશ ગોયલે જણાવ્યું, “હાલ તો અમે કોઈ પણ અનધિકૃત વ્યક્તિને ત્યાં પ્રવેશવા નહીં દઈએ.”
“ગઈ કાલે બૅરિકેડિંગ તોડવા અને પથ્થરમારાની ઘટના અંગે ઘંટાઘર પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત લોકો સામે બે કેસ દાખલ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે વહીવટી તંત્રએ સિટી પૅલેસના વિવાદવાળા ભાગ પર જપ્તીની નોટિસ લગાડી છે.”
યોગેશ ગોયલે જણાવ્યું, “બંને પક્ષો વચ્ચે પ્રૉપર્ટીનો જૂનો વિવાદ છે.”
“એક પક્ષનું કહેવું છે કે આ ચૅરિટેબલ ટ્રસ્ટની પ્રૉપર્ટી છે અને અરવિંદસિંહ મેવાડ તેના ચૅરમૅન છે, જ્યારે બીજો પક્ષ કહે છે કે આ અર્જિત કરાયેલી પ્રૉપર્ટી છે અને તેમનો અધિકાર છે કે સિટી પૅલેસમાં ધૂણી દર્શન કરે.”
વિવાદ શો છે?

ઇમેજ સ્રોત, www.eternalmewarblog.com
મેવાડ રજવાડામાં 1930થી 1955 સુધી મહારાણા રહેલા ભૂપાલસિંહને સંતાન નહોતાં અને તેથી તેમણે ભગવતસિંહ મેવાડને દત્તક લીધા હતા.
ભૂપાલસિંહે એપ્રિલ 1955માં પોતાના જીવનના અંતિમ દિવસોમાં એકલિંગજી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ભગવતસિંહના પરિવારમાં બે પુત્ર મહેન્દ્રસિંહ અને અરવિંદસિંહ સાથે એક પુત્રી યોગેશ્વરીનો પણ જન્મ થયો.
સંપત્તિ વિવાદની શરૂઆત, જ્યારે મહેન્દ્રસિંહ પોતાના પિતા ભગવતસિંહ મેવાડ સામે કોર્ટમાં ગયા ત્યારે, ઈ.સ. 1983માં થઈ હતી.
કહેવાય છે કે ભગવતસિંહ મેવાડે પોતાની સંપત્તિ વેચવાનું અને લીઝ પર આપવાનું શરૂ કરી દીધું હતું. આ વાત તેમના પુત્ર મહેન્દ્રસિંહને ગમી નહીં અને તેઓ કોર્ટમાં પહોંચ્યા.
આનાથી નારાજ થઈને ભગવતસિંહે પોતાનો વારસો સંભાળવાની જવાબદારી પોતાના નાના પુત્ર અરવિંદસિંહ મેવાડને આપી દીધી.
આ રીતે મહેન્દ્રસિંહ મેવાડ પ્રૉપર્ટી અને ટ્રસ્ટમાંથી બહાર થઈ ગયા. 3 નવેમ્બર 1984એ ભગવતસિંહનું દેહાવસાન થયું અને ત્યાં સુધીમાં સંપત્તિનો નિર્ણય કરવાનું કામ કોર્ટમાં પહોંચી ગયું હતું.
પરિષ્ઠ પત્રકાર નારાયણ બારેઠે જણાવ્યું, “જ્યારે ઉત્તરાધિકારી બનવાનો પ્રસંગ આવ્યો ત્યારે નાના ભાઈએ કબ્જો કરી લીધો અને મહેન્દ્રસિંહ બહાર થઈ ગયા.”
“રાજપૂત સમાજમાં એક જૂથે મોટા ભાઈ હોવાના કારણે મહેન્દ્રસિંહને ઉત્તરાધિકારી માન્યા, પરંતુ, આર્થિક સામ્રાજ્ય અરવિંદસિંહ પાસે હતું.”
“સમયની સાથે બંને વચ્ચેનું અંતર વધતું ગયું અને મહેન્દ્રસિંહ એકલા પડી ગયા. હવે તેમના મૃત્યુ બાદ ફરીથી ઉત્તરાધિકારીનો સવાલ ઊભો થયો છે.”
કેસની સુનાવણી 37 વર્ષ સુધી ચાલી અને 2020માં ઉદયપુરની જિલ્લા અદાલતમાં કેસનો ચુકાદો અપાયો. કોર્ટે ત્યારે કહેલું કે વિવાદિત સંપત્તિને ચાર ભાગમાં વહેંચવામાં આવશે.
તેમાંનો એક ભાગ મહારાણા ભગવતસિંહને અને બાકી વધેલા ત્રણ તેમનાં પુત્ર-પુત્રીમાં વહેંચવામાં આવશે.
કોર્ટના નિર્ણય સુધી લગભગ બધી સંપત્તિ અરવિંદસિંહ મેવાડ પાસે હતી, કેમ કે, મહેન્દ્રસિંહ અને તેમનાં બહેન યોગેશ્વરીકુમારીને ઘણો ઓછો ભાગ મળ્યો હતો.
અદાલતે શંભુ નિવાસ પૅલેસ, બડી પાલ અને ઘાસ ઘર જેવી સંપત્તિઓની આર્થિક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો.
કોર્ટનું કહેવું હતું કે જ્યાં સુધી સત્તાવાર ભાગ ન પડી જાય ત્યાં સુધી ભગવતસિંહનાં ત્રણ સંતાનો ચાર-ચાર વર્ષ માટે વારાફરતી શાહી સંપત્તિનો ઉપયોગ કરશે.
કોર્ટના નિર્ણય અમલી થાય તે પહેલાં જ કેસ રાજસ્થાન હાઇકોર્ટમાં પહોંચી ગયો.
2022માં હાઇકોર્ટે જિલ્લા અદાલતના ચુકાદા પર સ્ટે મૂકી દીધો અને કહ્યું કે અંતિમ નિર્ણય થાય ત્યાં સુધી ત્રણેય સંપત્તિ પર અરવિંદસિંહ મેવાડનો અધિકાર રહેશે.
આ ચુકાદાને અરવિંદસિંહ મેવાડ માટે એક મોટી રાહતરૂપે જોવામાં આવ્યો.
ભારતમાં જ્યારે રાજાશાહીનો અંત આવ્યો હતો…

ઇમેજ સ્રોત, FACEBOOK/Lakshyaraj Singh Mewar
15 ઑગસ્ટ 1947 પહેલાં બે પ્રકારનું ભારત અસ્તિત્વમાં હતું. પહેલું, બ્રિટિશ, ફ્રેન્ચ અને પોર્ટુગલ સામ્રાજ્યોને અધીન ભારત. જેના પર આ વિદેશી શક્તિઓનું શાસન ચાલતું હતું.
બીજી તરફ, જે બીજું ભારત હતું તે રાજા-રજવાડાં અને સ્થાનિક શાસકોને અધીન આવતું ભારત હતું. તે સમયે ભારતમાં 522 રજવાડાં હતાં. હૈદરાબાદ દેશનાં કેટલાંક મોટાં રજવાડાંમાંનું એક હતું.
આઝાદી દરમિયાન અને તે પછી ધીમે ધીમે આ રજવાડાંનો ભારતમાં વિલય થયો. તેનાથી ભારતમાં રાજાશાહીના અંતની શરૂઆત થઈ.
1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યા બાદ ભારતે બ્રિટિશ રાજાશાહીને અધીન રહેલી પોતાની રાજાશાહી સમાપ્ત કરી દીધી.
જોકે, ત્યાર પછી પણ રાજા-મહારાજાઓને નાણાકીય લાભ અપાતા હતા, જેને પ્રિવી પર્સ (વર્ષાસન) કહેવામાં આવતું હતું.
1971માં ઇંદિરા ગાંધીના કાર્યકાળમાં 26મા બંધારણ સુધારા દ્વારા ભારતમાં જોડાયેલાં રજવાડાંના પૂર્વ શાસકોને અપાતા પ્રિવી પર્સને સમાપ્ત કરી દેવાયાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












