જ્ઞાનવાપી મસ્જિદ પહેલાં ત્યાં મંદિર હોવાના એએસઆઈના તારણ બાદ હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનંત ઝણાણે અને ઉત્પલ પાઠક
- પદ, બીબીસી સંવાદદાતા, વારાણસીથી
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વે કરનાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ જણાવ્યું છે કે વર્તમાન ઢાંચાના નિર્માણ પહેલાં ત્યાં એક મંદિર હતું.
વારાણસી જિલ્લા અદાલતે ગયા વર્ષે જુલાઈમાં એએસઆઈને મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.
હવે જાહેર કરવામાં આવેલા એએસઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચાર મહિના પહેલાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં વૈજ્ઞાનિક અધ્યયન-સર્વે, વાસ્તુશિલ્પ અવશેષો, વિશેષતાઓ, કળાકૃતિઓ, શિલાલેખો, કળા અને મૂર્તિઓના અધ્યયનના આધારે એવું આસાનીથી કહી શકાય કે વર્તમાન સંરચનાના નિર્માણ પહેલાં ત્યાં એક મંદિર હતું.
મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તેમને પણ એએસઆઈના રિપોર્ટની કોપી મળી ગઈ હતી અને હવે એ તેમના વકીલો પાસે છે.
જ્ઞાનવાપી મસ્જિદનું વહીવટી કાર્ય સંભાળતી અંજુમન ઇંતેજામિયા મસ્જિદના જોઇન્ટ સેક્રેટરી એસ. એમ. યાસીને કહ્યું હતું, “આ એક રિપોર્ટ છે. ચુકાદો નથી. રિપોર્ટ લગભગ 839 પાનાંનો છે. તેના અભ્યાસ, વિશ્લેષણમાં સમય લાગશે. નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ અદાલતમાં રજૂઆત કરવામાં આવશે.”
મસ્જિદ પક્ષનું માનવું છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં બાદશાહ અકબરના લગભગ 150 વર્ષ પહેલાંથી મુસ્લિમો નમાજ પઢતા રહ્યા છે. એસ. એમ. યાસીને કહ્યું હતું, “આગળ અલ્લાહની મરજી. અમારી જવાબદારી મસ્જિદને આબાદ રાખવાની છે. નિરાશા હરામ છે. ધીરજ રાખવી પડશે. ચર્ચા ટાળવાની વિનંતી છે.”
બીબીસીને 800થી વધુ પાનાંના રિપોર્ટમાં નોંધાયેલા નિષ્કર્ષની કોપી આ કેસના મુખ્ય વાદી રાખી સિંહના વકીલ અનુપમ દ્વિવેદી પાસેથી પ્રાપ્ત થઈ છે.
એએસઆઈના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, “એક ઓરડાની અંદરથી મળેલા અરબી-ફારસીમાં લખવામાં આવેલા શિલાલેખમાં એ વાતનો ઉલ્લેખ છે કે મસ્જિદનું નિર્માણ ઔરંગઝેબના શાસનકાળના વીસમા વર્ષ (1676-77)માં કરવામાં આવ્યું હતું. તેથી એવું જણાય છે કે 17મી સદીમાં ઔરંગઝેબના શાસન દરમિયાન અગાઉના માળખાનો નાશ કરવામાં આવ્યો હતો અને તેના કેટલાક હિસ્સામાં ફેરફાર કરીને હાલની સંરચનામાં ઉપયોગમાં લેવાયા હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્ઞાનવારી મસ્જિદમાં સીલ કરવામાં આવેલા વજૂખાનાનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ એએસઆઈના આ સર્વેમાં કરવામાં આવ્યું નથી.
હિંદુ પક્ષનો દાવો છે કે વજૂખાનામાં શિવલિંગ છે, જેને મસ્જિદ પક્ષ ફુવારો ગણાવે છે.
‘ઢાંચાનું સ્વરૂપ હિંદુ મંદિર જેવું’ કઈ-કઈ ચીજનું સર્વેક્ષણ થયું

ઇમેજ સ્રોત, Getty Images
શેનું સર્વેક્ષણ થયું?
- વર્તમાન સંરચનામાં કેન્દ્રીય કક્ષ અને પહેલાથી મોજૂદ સંરચનાનું મુખ્ય પ્રવેશદ્વાર
- પશ્ચિમી કક્ષ અને પશ્ચિમની દિવાલ
- વર્તમાન સંરચનામાં પહેલાંથી મોજૂદ સંરચનાના સ્તંભો અને આંતરિક સ્તંભોનો ફરી ઉપયોગ
- મળી આવેલા પથ્થર પરના અરબી અને ફારસી શિલાલેખ
- ભોંયરામાંના મૂર્તિકળાના અવશેષો
જ્ઞાનવાપીના વર્તમાન ઢાંચાના સ્વરૂપ અને તેના સમય વિશે એએસઆઈના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે “વર્તમાન વાસ્તુશિલ્પ અવશેષો, દિવાલો પરના સુશોભિત મોલ્ડિંગ્ઝ, કેન્દ્રીય ખંડમાંનો કર્ણ રથ, પશ્ચિમી ખંડની પશ્ચિમ દિવાલ પર તોરણથી સુશોભિત મોટું પ્રવેશદ્વાર, લલાટ બિમ્બ પર છબીવાળું એક નાનું પ્રવેશદ્વાર, પશ્ચિમી જાનવરો તથા પક્ષીઓની કોતરણીની આંતરિક અને બહારની સજાવટ દર્શાવે છે કે પશ્ચિમી દિવાલ હિંદુ મંદિરનો બચેલો હિસ્સો છે.”
“કળા અને વાસ્તુકળાના આધારે અગાઉની-વર્તમાન સંરચનાને એક હિંદુ મંદિર સ્વરૂપે ઓળખાવી શકાય છે.”
વૈજ્ઞાનિક અધ્યયન અને અવલોકન પછી એવું જણાવવામાં આવ્યું છે કે વર્તમાન સંરચનાના નિર્માણ પહેલાં અહીં એક મોટું હિંદુ મંદિર હતું.
“પથ્થર પર નોંધાયેલી છે મસ્જિદ નિર્માણની તારીખ”

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એએસઆઈનું કહેવું છે કે તેના રેકર્ડમાં એવું નોંધાયેલું છે કે એક પથ્થર પર એક શિલાલેખ હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે મસ્જિદનું નિર્માણ મોગલ બાદશાહ ઔરંગઝેબના શાસનકાળ(1676-77)માં કરવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પથ્થર પર એવું પણ લખવામાં આવ્યું હતું કે મસ્જિદનાં આંગણાનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ પથ્થરનો ફોટોગ્રાફ એએસઆઈના 1965-66ના રેકર્ડમાં મોજૂદ છે.
જોકે, એએસઆઈનું એવું પણ કહેવું છે કે આ પથ્થર સર્વેમાં મસ્જિદના એક ઓરડામાંથી મળ્યો હતો, પરંતુ મસ્જિદના નિર્માણ તથા તેના વિસ્તરણ સંબંધી જાણકારી ઘસીને ભૂંસી નાખવામાં આવી હતી.
એએસઆઈના જણાવ્યા મુજબ, ઔરંગઝેબની જીવનકથા માસીર-એ-આલમગીરીમાં લખવામાં આવ્યું છે કે ઔરંગઝેબે તેના તમામ પ્રાંતોના વહીવટકર્તાઓને કાફરોની શાળાઓ તથા મંદિરો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
એએસઆઈના જણાવ્યા અનુસાર, તેનો ઉલ્લેખ જદુનાથ સરકારના 1947ના માસીર-એ-આલમગીરીના અંગ્રેજી અનુવાદમાં પણ છે.
જદુનાથ સરકારના માસીર-એ-આલમગીરીના અંગ્રેજી અનુવાદનો હવાલો આપીને એએસઆઈએ તેના રિપોર્ટમાં લખ્યું છે, “શહેનશાહ ઔરંગઝેબના આદેશ પછી તેના અધિકારીઓએ કાશીમાં વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યું હોવાની વાત 1669ની બીજી સપ્ટેમ્બરે નોંધવામાં આવી છે.”
ઢાંચામાં મોજૂદ શિલાલેખ

ઇમેજ સ્રોત, Getty Images
આ સંદર્ભે એએસઆઈનો રિપોર્ટ જણાવે છે કે મસ્જિદના ઢાંચામાં કુલ 34 શિલાલેખ અને 32 સ્ટમ્પિંગ મળી આવ્યાં છે અને નોંધાયા છે.
એએસઆઈના જણાવ્યા મુજબ, આ શિલાલેખ હિંદુ મંદિરના પથ્થરો પર પહેલાંથી મોજૂદ હતા, જેનો ઉપયોગ મસ્જિદના નિર્માણ અને સમારકામ માટે કરવામાં આવ્યો હતો.
આ શિલાલેખ દેવનાગરી, તેલુગુ અને કન્નડ ભાષામાં છે.
તેના આધારે એએસઆઈએ એવું તારણ કાઢ્યું છે કે પહેલાંથી મોજૂદ સંરચનાઓને તોડીને તેના હિસ્સાઓનો ઉપયોગ વર્તમાન સંરચનાના નિર્માણ તથા સમારકામમાં કરવામાં આવ્યો હતો.
એએસઆઈએ કહ્યું છે કે આ શિલાલેખોમાં તેમને ત્રણ દેવતાઓ - જનાર્દન, રૂદ્ર અને ઉમેશ્વરાનાં નામ પણ મળ્યાં છે.
એએસઆઈએ “મહામુક્તિમંડપ”ના ત્રણ શિલાલેખ મળી આવવાની વાતને બહુ મહત્ત્વપૂર્ણ ગણાવી છે.

ભોંયરામાંથી શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
એએસઆઈના જણાવ્યા મુજબ, મસ્જિદમાં ઇબાદત માટે તેના પૂર્વ હિસ્સામાં ભંડકિયાં બનાવવામાં આવ્યાં હતાં અને મસ્જિદમાં ચબૂતરા તથા વધુ જગ્યા બનાવવામાં આવી હતી, જેથી વધુમાં વધુ લોકો નમાજ પઢી શકે.
એએસઆઈ જણાવે છે કે પૂર્વ હિસ્સામાં ભંડકિયું બનાવવા માટે મંદિરના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એન 2 નામના એક ભંડકિયામાં એક સ્તંભનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર ઘંટડી, દીપક રાખવાની જગ્યા અને સંવતના શિલાલેખ મોજૂદ છે.
એસ 2 નામના ભંડકિયામાં માટી નીચે દટાયેલી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ મળી આવી છે.
સ્તંભ અને ભીંત સ્તંભ

ઇમેજ સ્રોત, UTPAL PATHAK
એએસઆઈના રિપોર્ટ મુજબ, મસ્જિદને મોટી કરવા માટે અને તેનું આંગણું બનાવવા માટે પહેલાંથી મોજૂદ મંદિરના સ્તંભો થોડા ફેરફાર કરીને બનાવવામાં આવ્યા હતા.
એએસઆઈ દ્વારા મસ્જિદના કોરિડોરમાં રહેલા સ્તંભોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું છે કે તે પહેલાંથી અસ્તિત્વમાં રહેલા હિંદુ મંદિરનો ભાગ હતા.
આ સ્તંભોનો મસ્જિદ માટે ઉપયોગ કરવા તેમાંના કમળના પદકની બાજુમાંના વ્યાલા ફિગર્સને હટાવીને ફૂલોની ડિઝાઈન બનાવવામાં આવી હતી.
પશ્ચિમી ખંડ અને પશ્ચિમી દિવાલ

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERG/GETTY IMAGES
એએસઆઈનું કહેવું છે કે વર્તમાન સંરચના (મસ્જિદ)ની પશ્ચિમી દિવાલ પરનો બાકીનો હિસ્સો અગાઉનું હિંદુ મંદિર છે.
એએસઆઈના જણાવ્યા અનુસાર, આ પશ્ચિમી દિવાલ “પથ્થરોની બનેલી છે અને તેને આડા મોલ્ડિંગ્ઝ વડે સજાવવામાં આવી છે. તેમાં પશ્ચિમ ખંડોના બાકીના હિસ્સા, કેન્દ્રીય ખંડના પશ્ચિમી પ્રોજેક્શન્શ અને ઉત્તર તથા દક્ષિણમાં બે ખંડની પશ્ચિમ દિવાલથી બનેલા છે. દિવાલ સાથે જોડાયેલો કેન્દ્રીય ખંડ અત્યારે પણ અગાઉ જેવો જ છે અને બાજુના બન્ને ખંડમાં ફેરફાર કરવામાં આવ્યા છે.”
મંદિરનાં ઉત્તર અને દક્ષિણનાં પ્રવેશદ્વારોને પગથિયાંમાં પરિવર્તિત કરવામાં આવ્યાં હતાં અને ઉત્તર ખંડના પ્રવેશદ્વારમાં બનેલાં પગથિયાંનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે.
કેન્દ્રીય ખંડ અને મુખ્ય પ્રવેશદ્વાર

એએસઆઈનો અહેવાલ જણાવે છે કે મંદિરમાં એક મોટો કેન્દ્રીય ખંડ (સેન્ટ્રલ ચેમ્બર) હતો અને ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં પણ એક-એક ખંડ હતો.
એએસઆઈના જણાવ્યા મુજબ, પૂર્વની સંરચના (મંદિર)નો જે કેન્દ્રીય ખંડ હતો, તે હવે વર્તમાન સંરચના(મસ્જિદ)નો કેન્દ્રીય ખંડ છે.
એએસઆઈનું માનવું છે કે મંદિરના કેન્દ્રીય ખંડનું મુખ્ય પ્રવેશદ્વાર પશ્ચિમમાં હતું. તેને પથ્થરથી ચણીને બ્લોક કરી દેવામાં આવ્યું હતું. પથ્થરથી બ્લોક કરવામાં આવેલા મુખ્ય પ્રવેશદ્વારની બીજુ તરફ કિબલા બનાવવામાં આવ્યો હતો.
જ્ઞાનવાપીનો સર્વે પડકારજનકઃ એએસઆઈ

ઇમેજ સ્રોત, Getty Images
એએસઆઈએ ગયા વર્ષે ચોથી ઑગસ્ટે ચુસ્ત સુરક્ષા વચ્ચે પોતાનું સર્વેક્ષણ શરૂ કર્યું હતું.
એએસઆઈની ટીમમાં એએસઆઈના પ્રોફેસર આલોક ત્રિપાઠી, ડૉ. ગૌતમી ભટ્ટાચાર્ય, ડૉ. શુભા મઝૂમદાર, ડૉ. રાજકુમાર પટેલ, ડૉ. અવિનાશ મોહંતી, ડૉ. ઇઝહર આલમ હાશમી, ડૉ. આફતાબ હુસૈન, ડૉ. નીરજકુમાર મિશ્રા અને ડૉ. વિનય કુમાર રોય જેવાં નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સર્વેની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અદાલતે સર્વેક્ષણ દરમિયાન મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
અદાલતે ઢાંચાને નુકસાન પહોંચાડ્યા વિના સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ માટી અને કાટમાળને ધ્યાનમાં લઈને તમામ પક્ષોની સહમતિથી, તમામ સાવચેતી સાથે તે કાટમાળ હઠાવવામાં આવ્યો હતો.
જ્ઞાનવાપી મસ્જિદની ચારે તરફ કેન્દ્રીય સલામતી દળો તહેનાત છે. તેથી મસ્જિદમાં વારંવાર અંદર-બહાર જવાનું મુશ્કેલ હોય છે.
ચાર મહિના સુધી ચાલેલા સર્વેક્ષણ દરમિયાન એએસઆઈની ટીમ અને મજૂરોએ ગરમી તથા ચોમાસાના ભેજવાળા દિવસોમાં સતત કામ કર્યું હતું.
કેટલાક ભંડકિયામાં વીજળી નહોતી અને શરૂઆતના દિવસોમાં ટૉર્ચ તથા રિફ્લેક્ટરના પ્રકાશ વડે સર્વે કરવામાં આવ્યો હતો.
ભંડકિયામાં કામ કરતી એએસઆઈની ટીમે હવાની ઓછપનો અનુભવ કર્યો હતો અને બાદમાં લાઇટ તથા પંખા લગાવીને કામ કરવામાં આવ્યું હતું.
ચોમાસામાં, ખોદવામાં આવેલા હિસ્સાને તાડપત્રી વડે ઢાંકી દેવામાં આવ્યો હતો અને સર્વેની એક કૅમ્પ ઓફિસ બનાવવામાં આવી હતી.
એએસઆઈની ટીમને વાંદરાઓએ પણ હેરાન કરી હતી. વાંદરાઓ તાડપત્રીને ફાડી નાખતા હતા અને સર્વે એરિયામાં વિક્ષેપ સર્જતા હતા.
સર્વેક્ષણનો અદાલતી આદેશ

ઇમેજ સ્રોત, Getty Images
વારાણસીના ડિસ્ટ્રીક્ટ જજે એએસઆઈના સર્વેક્ષણના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે “પ્લૉટ અને ઢાંચાનું સર્વેક્ષણ તથા વૈજ્ઞાનિક તપાસ થશે તો અદાલત સામે યોગ્ય તથ્યો આવશે. તેથી આ કેસનું અદાલતમાં ન્યાયસંગત અને યોગ્ય રીતે નિરાકરણ થશે.”
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એએસઆઈના સારનાથ સર્કલના સુપ્રિટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટને સેટલમૅન્ટ પ્લૉટ નંબર 9130 (વર્તમાન જ્ઞાનવાપી પરિસર)ના ભૂ-ભાગ અને ભવન (મસ્જિદની ઇમારત)ના સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો.
અદાલતના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ ભાંગતૂટ ન થાય એવી રીતે એએસઆઈ સર્વેક્ષણ કરશે. કેન્દ્ર સરકારે ખાતરી આપી હતી કે સર્વેક્ષણમાં કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં અને ઢાંચાને તોડવામાં આવશે નહીં.
સર્વે ટીમમાં આર્કિયોલૉજિસ્ટ, આર્કિયોલૉજિકલ કેમિસ્ટ, ઍપીગ્રાફિસ્ટ, સર્વેયર, ફોટોગ્રાફર અને અન્ય ટેક્નિકલ નિષ્ણાતોને તપાસ તથા દસ્તાવેજીકરણનાં કામમાં સામેલ કરવામાં આવ્યા હતા. નિષ્ણાતોની ટુકડીએ ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (જીપીઆર) સર્વેક્ષણ કર્યું હતું.
એએસઆઈની વૈજ્ઞાનિક તપાસનો વ્યાપ

ઇમેજ સ્રોત, Getty Images
એએસઆઈએ સર્વેક્ષણ કરીને એ જણાવવાનું હતું કે વર્તમાન ઢાંચો, પહેલાંથી મોજૂદ મંદિરની ઉપર બનાવવામાં આવ્યો છે કે કેમ.
જ્ઞાનવાપીની પશ્ચિમ દિવાલની વય તથા નિર્માણનું સ્વરૂપ જાણવા માટે વૈજ્ઞાનિક તપાસ કરવાની હતી.
એએસઆઈએ જરૂર પડે તો પશ્ચિમ દિવાલની નીચે તપાસ કરવા માટે જીપીઆરનો ઉપયોગ કરવાનો હતો.
જ્ઞાનવાપીના ત્રણ ગુંબજની નીચે અને જ્ઞાનવાપીનાં તમામ ભંડકિયાની તપાસ કરવાની હતી.
એએસઆઈએ તેની તપાસમાં મળી આવેલી તમામ કળાકૃતિઓની યાદી બનાવવાની હતી અને કઈ કળાકૃતિ ક્યાંથી મળી હતી તેની નોંધ કરવાની હતી. ડેટિંગ મારફત એ કળાકૃતિઓની વય તથા સ્વરૂપ જાણવાનો પ્રયાસ કરવાનો હતો.
એ ઉપરાંત જ્ઞાનવાપી પરિસરમાંથી મળનારા તમામ સ્તંભો અને ચબૂતરાની વૈજ્ઞાનિક તપાસ કરીને તેની વય, સ્વરૂપ તથા નિર્માણની શૈલીની ઓળખ કરવાની હતી.
ડેટિંગ, જીપીઆર અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓથી જ્ઞાનવાપી ઢાંચાની વય અને નિર્માણના સ્વરૂપની ઓળખ કરવાની હતી.
એએસઆઈએ તપાસમાં મળી આવેલી કળાકૃતિઓ અને ઢાંચામાંથી અને તેની ઉપરથી મળી આવેલી ઐતિહાસિક તથા ધાર્મિક ચીજોની તપાસ પણ કરવાની હતી.
ઢાંચાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને તે સલામત રહે તે સુનિશ્ચિત કરવાનું હતું.
મુસ્લિમ પક્ષનો સર્વે સામે વિરોધ

ઇમેજ સ્રોત, ANI
મસ્જિદ પક્ષના મતાનુસાર, અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા લેખિત અને મૌખિક પુરાવાના આધારે અદાલત કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન શકતી હોય તો જ સર્વેક્ષણ કરાવી શકાય.
હિંદુ પક્ષે અદાલતમાં જણાવ્યું હતું કે નિર્માણની શૈલીને જોતાં તેમની પાસે ઢાંચાની કૃત્રિમ દિવાલોની પાછળ કોઈ વસ્તુઓ છુપાયેલી હોવાનો કોઈ પુરાવો નથી, પરંતુ મુસ્લિમ પક્ષનું માનવું હતું કે કાયદો એએસઆઈની હિંદુ પક્ષના દાવા સંબંધી પુરાવા એકઠા કરવાની છૂટ આપતો નથી.
મસ્જિદ પક્ષનું કહેવું હતું કે એએસઆઈનો સર્વે 1991ના પ્લેસ ઑફ વર્શિપ એક્ટનું ઉલ્લંઘન છે, આ કાયદો આઝાદી પહેલાં અસ્તિત્વમાં હોય તેવાં ધાર્મિકસ્થળોનું ચરિત્ર બદલવાની મંજૂરી આપતો નથી.
મુસ્લિમ પક્ષનું એમ પણ કહેવું હતું કે જ્ઞાનવાપીની જમીનની માલિકી સંબંધી કેસમાં એએસઆઈના સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે પહેલાંથી જ સ્ટે ઑર્ડર આપ્યો છે ત્યારે કોઈ અન્ય કેસમાં સર્વેની પરવાનગી કેવી રીતે આપી શકાય.
બીજી તરફ, હિંદુ પક્ષનું માનવું છે કે એએસઆઈનો સર્વે અદાલતને આ વિવાદના નિરાકરણમાં મદદ કરશે.
તેઓ કહે છે કે બન્ને પક્ષ એટલે કે હિંદુ અને મુસ્લિમ પક્ષને એએસઆઈના સર્વેક્ષણનાં તારણોનો અદાલતમાં વિરોધ કરવાની અને ચર્ચા કરીને પડકારવાની તક મળશે.
મંદિર પક્ષનું માનવું છે કે એએસઆઈનું કામ ઐતિહાસિક ઢાંચાનાં સંરક્ષણ તથા જાળવણીનું છે. તેથી સર્વેક્ષણમાં જ્ઞાનવાપીને નુકસાન થવાની મુસ્લિમ પક્ષની આશંકા નિરાધાર છે.
અયોધ્યાની માફક જ્ઞાનવાપીનો એએસઆઈ સર્વે વાજબી છે?

ઇમેજ સ્રોત, @BJP4INDIA
આ સંદર્ભમાં મસ્જિદ પક્ષના વકીલ એસ. એફ. એ. નકવીનું કહેવું છે કે “પ્લેસ ઑફ વર્શિપ એક્ટ (1991)માં જણાવ્યા મુજબ, બાબરી મસ્જિદની માલિકીનો કેસ 1947ની 15 ઑગસ્ટે વિચારાધીન હતો. પ્લેસ ઑફ વર્શિપ એક્ટમાં જ્ઞાનવાપી કે અન્ય કોઈ મામલાનો ઉલ્લેખ નથી અને અયોધ્યા જમીન માલિકીની કેસમાં અદાલતે પ્લેસ ઑફ વર્શિપ એક્ટની કાયદેસરતા સ્થાપિત કરી છે.”
નકવી કહે છે, “અયોધ્યામાં એએસઆઈનો સર્વે અલગ પરિસ્થિતિમાં થયો હતો. અયોધ્યામાં વિધ્વંસ બાદ એએસઆઈનો સર્વે થયો હતો, એ પહેલાં નહીં. સર્વે 1992માં થયો હતો, તેની પહેલાં નહીં.”
આ અહેવાલના પ્રકાશન સુધીમાં મસ્જિદ પક્ષ તરફથી એએસઆઈનાં સર્વેક્ષણનાં તારણો બાબતે કોઈ પ્રતિભાવ આવ્યો નથી.














