"દિવ્યાંગ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે" - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

શંકરાચાર્ય
ઇમેજ કૅપ્શન, શંકરાચાર્ય
    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મોદીજીએ કહ્યું છે કે વિકલાંગ ન કહો, દિવ્યાંગ કહો, તેથી આજની તારીખમાં આ દિવ્યાંગ મંદિર છે. સકલાંગ ભગવાન, જેની પાસે શરીરનાં તમામ અંગો છે, તે દિવ્યાંગ મંદિરમાં કેવી રીતે સ્થાપિત થઈ શકે?"

"વડા પ્રધાન મોદી ત્રણ વાર ધર્મનિરપેક્ષતાના શપથ લઈ ચૂક્યા છે...એટલે કોઈ ધાર્મિક કાર્યમાં તેમનો સીધો અધિકાર નથી બનતો."

"જો તેઓ પરિણીત છે, તો તેમણે પત્ની સાથે બેસવું પડશે. પત્નીને દૂર રાખીને કોઈપણ પરિણીત વ્યક્તિ ધાર્મિક કાર્યનો અધિકાર મેળવી શકે નહીં."

"શિખર અને ધ્વજ વિના મંદિરમાં પ્રતિષ્ઠા કરાઈ તો તે પ્રતિમા તો રામની દેખાશે પણ તેમાં અસુર હશે. તેમાં આસુરી શક્તિ આવીને વાસ કરશે."

આ કેટલીક વાતો એ ઇન્ટરવ્યૂનો ભાગ છે જે 16 જાન્યુઆરીએ જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે બીબીસીને આપ્યો હતો.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ન માત્ર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પર સવાલો ઊભા કર્યા પણ આ ઇન્ટરવ્યૂમાં પહેલીવાર તેમણે એ સવાલોના જવાબો પણ આપ્યા છે, જે સતત સોશિયલ મીડિયા પર પૂછવામાં આવી રહ્યા છે.

પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમથી તમે નારાજ કેમ છો?

ઇન્ટરવ્યૂ
ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા સાથે વાત કરતા શંકરાચાર્ય

મંદિર પરમાત્માનું શરીર હોય છે. તેનું શિખર તેમની આંખો હોય છે. તેનું કળશ તેમનું શીશ હોય છે અને ધ્વજ પતાકા તેમના કેશ હોય છે. આ જ રીતે બધું ચાલે છે. હાલ તો માત્ર ધડનું જ નિર્માણ થયું છે અને ધડમાં તમે પ્રાણપ્રતિષ્ઠા કરી દેશો તો એ હીન અંગ થઈ જશે.

મોદીજીએ કહી દીધું છે કે વિકલાંગ ના કહો, દિવ્યાંગ કહો તો આજની તારીખમાં આ મંદિર દિવ્યાંગ છે.

દિવ્યાંગ મંદિરમાં સકલાંગ ભગવાનને, જેના બધાં જ અંગો છે, તેમને કેવી રીતે પ્રતિષ્ઠિત કરી શકાય?

તેઓ તો પૂર્ણ પુરુષ છે. પૂર્ણ પુરુષોત્તમ છે. જેમાં કોઈ પ્રકારની કોઈ કમી નથી.

મંદિર પૂર્ણ થયા પછી જ પ્રાણપ્રતિષ્ઠા શબ્દ જોડાઈ શકે છે. હાલ ત્યાં કોઈ પ્રાણપ્રતિષ્ઠા ના થઈ શકે. જો આમ કરાઈ રહ્યું છે તો કરનારા તો કંઈ પણ બળપૂર્વક કરી જ લે છે.

આવામાં આને શું કહેવું યોગ્ય રહેશે?

માહિતી
ઇમેજ કૅપ્શન, ચાર મઠ અને તેના શંકરાચાર્યોના નામ

હાલ શીશ બન્યું નથી. તેમાં પ્રાણ પૂરવાનો કોઈ અર્થ નથી. આખા શરીરનું નિર્માણ થયા પછી જ પ્રાણ આવશે અને જેમાં હાલ સમય બાકી છે. આથી હાલ જે કાર્યક્રમ થઈ રહ્યો છે, ધર્મની દૃષ્ટિએ તેને પ્રાણપ્રતિષ્ઠા ન કહી શકાય.

તમે આયોજન કરી શકો છો...રામધૂન કરો, કીર્તન કરો, વ્યાખ્યાન કરો. આ બધું કરી શકો છો પણ પ્રાણપ્રતિષ્ઠા શબ્દનો ઉપયોગ મંદિર બની ગયા પછી જ લાગુ થશે.

આદિ શંકરાચાર્યએ હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે ચાર મઠોની સ્થાપના કરી હતી.

શું વડા પ્રધાન પ્રાણપ્રતિષ્ઠા કરી શકે છે?

"વડા પ્રધાન મોદી ત્રણ વાર ધર્મનિરપેક્ષતાના શપથ લીધા છે. એકવાર ભાજપના સભ્ય બનતી વખતે, કારણ કે પાર્ટીએ ચૂંટણીપંચમાં ધર્મનિરપેક્ષ પાર્ટી હોવાનું સોગંદનામું આપેલું છે.

બીજીવાર બંધારણના શપથથી તેઓ સાંસદ બન્યા અને ત્રીજી વાર વડા પ્રધાન હોવાના સંબંધે તેમણે ધર્મનિરપેક્ષતાના શપથ લીધા. એટલે કોઈ ધાર્મિક કાર્યમાં તેમનો સીધો અધિકાર નથી.

બધાના પ્રતિનિધિ હોવાના કારણે તેઓ આ કાર્યક્રમમાં સામેલ થવાની જો વાત કરે છે તો તેવું ત્યારે થઈ શકે છે જ્યારે તેઓ દેશના બધા જ ધર્મોના કાર્યક્રમોમાં સામેલ થાય અને ત્યાં પ્રતિનિધિત્વ કરે.

કોઈ એક ધર્મ સાથે તેમણે આવું ના કરવું જોઈએ. કાં તો બધા ધર્મોમાં કરે કાં તો એકેય ધર્મમાં ના કરે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યજમાન બની શકે છે

મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન સમયે પીએમ મોદી (5 ઑગસ્ટ, 2020)

"અમારી કેટલીક ધાર્મિક માન્યતો છે. પત્નીને દૂર રાખીને કોઈ પણ પરિણીત વ્યક્તિ ધાર્મિક કાર્યનો અધિકાર મેળવી શકે નહીં. તમે પરિણીત છો. તમારાં પત્ની છે. પત્ની ના હોત તો અલગ વાત હતી.

તમારો તેમની સાથે સંબંધ શું છે, શું નથી? વાતચીત થાય છે કે નથી થતી. સાથે રહો છો કે નથી રહેતા. એ અલગ વાત છે. પણ ધાર્મિક કાર્યમાં તેમનો અધિકાર છે. તે અડધું અંગ છે.

જે સમયે સપ્તપદી થાય છે તે સમયે વચન હોય છે કે ધાર્મિક કાર્યમાં હું તને મારી બાજુમાં સ્થાન આપીશ. આ વચન પહેલાંથી જ અપાઈ ગયેલું છે. માટે ધાર્મિક કાર્યમાં તેમને સ્થાન તો આપવું પડશે. તમે તેમને વંચિત ના કરી શકો."

તમને કહેવાઈ રહ્યું છે કે તમે પોતે બ્રાહ્મણ નથી?

શંકરાચાર્ય
ઇમેજ કૅપ્શન, શંકરાચાર્ય

"બ્રાહ્મણ જ સંન્યાસી થઈ શકે છે, દંડી સંન્યાસી. આપણા ધર્મ શાસ્ત્રમાં સ્થાપિત વિધિ છે અને તેને જ કાયદામાં પણ માન્યતા મળી છે કે બ્રાહ્મણ જ સંન્યાસી હશે અને તે જ દંડી સંન્યાસી બનશે અને દંડી સંન્યાસી જ શંકરાચાર્ય હશે.

જે લોકો એમ કહે છે કે હું બ્રાહ્મણ નથી તો કોઈ કોર્ટમાં કેસ કરવો જોઈએ. તેમણે કોર્ટમાં એ સાબિત કરવું જોઈએ. જો કોર્ટમાં આ સાબિત થઈ જાય છે તો અમારે જાતે જ આ ગાદી પરથી ઊતરી જવું પડશે."

તમારા પર કૉંગ્રેસી હોવાના પણ આરોપ લાગી રહ્યા છે?

"ઠીક છે તેઓ કહી પણ શું શકે છે. બધાં શાસ્ત્રો કહી રહ્યાં છે કે મંદિર દેવતાનું શરીર છે. અધૂરા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ના થઈ શકે.

તેમની પાસે જવાબ નથી. અને તેના બદલે તેઓ મને કૉંગ્રેસી, બ્રાહ્મણ નથી, ગુસ્સાવાળા, ઍન્ટી મોદી છે, એવું કહી રહ્યા છે. આ અમારા સવાલોનો જવાબ નથી."

તમને પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનો વિરોધ કરવાનો ડર નથી લાગી રહ્યો?

"આપણે શું છીએ? અમારી પાસે આટલી મોટી પરંપરાનું આટલાં મોટાં શાસ્ત્રોનું બળ છે. અમે શાસ્ત્રોનાં બળના આધારે બોલી રહ્યા છીએ. જે રાજકીય હિન્દુ છે તેમની સંખ્યા નગણ્ય છે.

અમિત શાહે પ્રેસ કૉન્ફરન્સ કરી મિસ્ડ કૉલનું એક પ્રકરણ ચલાવ્યું અને કહ્યું કે અમે 10 કરોડ લોકોને સામેલ કરી લીધા. તો આવા 10 કરોડ ભાજપ સાથે જોડાઈ ગયા. તેમને આશરે 21 કરોડ મતો મળે છે.

એટલા લોકો તેમના થઈ ગયા પણ દેશમાં 100 કરોડ હિન્દુઓ છે, 50 કરોડ હિન્દુ છે જે સનાતની છે.

તેઓ ગુરૂઓના આદેશને માને છે. જેટલા હિન્દુઓ ભારતમાં રહે છે તેમાંથી મોટાભાગના હિન્દુ તેમની સાથે નથી. તેઓ અમારી પાછળ હજુ પણ છે."

તમને પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ મળ્યું છે?

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રામમંદિરની પ્રતિકૃતિરૂપ મંદિરનું વેચાણ કરતી એક વ્યક્તિ

ના, મને કોઈ આમંત્રણ મળ્યું નથી. જે પ્રોટોકૉલ પરંપરાથી ચાલ્યો આવે છે તમે એને છીનવી લીધો છે. તમે દલાઈલામાને પ્રોટોકૉલ આપો છો જે હિન્દુ ધર્મના ગુરુ નથી. તમે રામજીના મંદિરમાં શંકરાચાર્યોને નથી બોલાવતા. તમે દલાઈલામાને બોલાવો છો એ શું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી વ્યક્તિગત રીતે તમે નારાજ છો?

માહિતી
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન સામે નારાજગી બાબતે સ્પષ્ટતા કરતા શંકરાયાર્ય

"તમે અમારી સ્થિતિ સમજો. 2019માં અમે તેમની સામે એક વ્યક્તિ ઊભી કરી હતી. કારણ કે વિશ્વનાથ કૉરિડોરના નામે આશરે 150 મંદિરો તોડી પડાયાં. તેમની પ્રતિમાઓને ફેંકવાનું શરૂ કરાયું, જેમાં અમારાં પૌરાણિક મંદિરો હતાં.

કોઈ 2,000 વર્ષ જૂનું હતું તો કોઈ 1,000 વર્ષ... ઑરંગઝેબને આ જ કારણે અમે નફરત કરતા હતા અને હવે જો આ જ કામ કોઈ અમારો જ ભાઈ કે બહેન કરશે તો અમે તેને કેવી રીતે છોડી દઈશું... આ વાતને કોઈ સમાચારપત્ર કે ટીવી ચૅનલ નથી બતાવી રહ્યું.

અમને એક જ રસ્તો દેખાયો કે અમે તેમની સામે એક સંતને ઊભા કરીએ, તો સ્વાભાવિક છે કે એમનું ઇન્ટરવ્યૂ તો બધા લેશે જ, મોદી ધર્મની વ્યક્તિ મનાય છે અને પૂછવામાં આવશે કે તેમની સામે સંતોએ ઊભા રહેવાની જરૂર કેમ પડી.

જ્યારે તેઓ ઊભા રહેશે તો તેઓ તેમની વાત કરી શકશે કે મંદિરો તોડી પડાયાં. અમારા ધર્મની હાનિ થઈ. એટલે અમે તેમને ઊભા કરી રહ્યા હતા. પણ તેમના નામાંકનને કોઈ ભૂલ વગર જ નકારી દેવાયું."

હિન્દુ ધર્મની પરિભાષાને બદલવામાં આવી રહી છે?

અયોધ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિન્દુ શ્રદ્ધાળુ

"હવે એવું થઈ રહ્યું છે કે વેદ શાસ્ત્રો, ગુરુઓ, ધર્માચાર્યોને નહીં માનીએ અને અમારા નેતા જ સર્વેસર્વા છે. જેમ તે કહેશ તેમ જ કરીશું. આ ભાવના ભરીને હિન્દુઓને પાટા પરથી ઉતારાઈ રહ્યા છે.

આનું નુકસાન એ થશે કે જો આપણે રાજાને આપણું પ્રતીક માની લઈશું તો રાજા સાથે તો દરેક સમયે યુદ્ધ થતું રહે છે. રાજાનો કોઈને કોઈ શત્રુ હોય જ છે. એક સમયે અસાવધાનીને કારણે રાજા પરાજિત થઈ ગયો તો હિન્દુઓ ક્યાં જશે, આવામાં તો હિન્દુ જ પરાજિત થઈ જશે.

અમારા પૂર્વજોએ આ જ રીત અપનાવી હતી કે અમારા રાજામાં પૂરી રીતે અમારી જાતને અમે સમાહિત નહીં કરીએ. રાજા પણ અમારો જ એક અંગ છે.

આ રીત બની ગઈ છે કે નેતાઓના સર્ક્યુલરને માનો તો તમે હિન્દુ છો. આ યોગ્ય નથી, જે ધર્મશાસ્ત્રને માને અને તે પ્રમાણે ચાલે તેઓ હિન્દુ છે."

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે તમારી કોઈ લડાઈ છે?

અયોધ્યા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અયોધ્યા

"અમારી કોઈ લડાઈ નથી. હક અમારો છે કારણ કે પહેલેથી શંકરાચાર્યોનું ટ્રસ્ટ બનેલું હતું પણ એ ટ્રસ્ટને કારણ જણાવ્યા વિના જ હટાવી દીધું.

તેમાં દેશના મોટા ધર્માચાર્ય હતા, ચાર શંકરાચાર્ય હતા, પાંચ વૈષ્ણવ આચાર્ય, 13 અખાડાઓના પ્રમુખો હતા. આવા ટ્રસ્ટને હટાવીને પોતાના કાર્યકર્તાઓનું ટ્રસ્ટ વડા પ્રધાને બનાવડાવી દીધું.

આ આયોજન ત્યાં ઉપસ્થિત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરી રહ્યું છે, તેમની જરૂર કોઈ મજબૂરી હશે અને જો આને મોટા સ્તરે જોવું પડે તો તેમાં એ લોકો જ આવશે જે દેશમાં ઘરે ઘરે જઈ ચોખા વહેંચવામાં તેમની મદદ કરી રહ્યા છે."

ચંપતરાયે કહ્યું કે 'આ મંદિર રામાનંદ સંપ્રદાયનું છે'

"જો મંદિર રામાનંદ સંપ્રદાયનું છે તો તમે કેમ બેઠા છો. કૃપા કરી હટી જાવ અને રામાનંદ સંપ્રદાયને આપો...જગતગુરુ રામાનંદ રામનરેશાચાર્ય રામાનંદ સંપ્રદાયના સૌથી મોટા ગુરુ છે. તેમના લોકોએ કહ્યું કે અમને તો આમંત્રણ પણ નથી અપાયું."

બીબીસી
બીબીસી