બ્રિટનની સુપરમાર્કેટમાં મળતી 'ઈટાલિયન' પ્યુરીમાં ચીનના મજૂરોનો પરસેવો, જેમની પાસે બળજબરીથી ટામેટાં ઉગાડાય છે

ટામેટાં, ઇટાલિયન પ્યૂરી, ખેડૂતો, મજૂરી, બળજબરી, શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, માર્ક રુડિન અને સારા બકલે
    • પદ, બીબીસી આઈ ઈન્વેસ્ટિગેશન

બીબીસીને જાણવા મળ્યું છે કે બ્રિટનની કેટલીક સુપરમાર્કેટ્સમાં વેચવામાં આવતી 'ઈટાલિયન' પ્યુરી (એક પ્રકારની ગ્રેવી)માં ચીનમાં લોકો પાસે બળજબરીથી મજૂરી કરાવીને ઉગાડવામાં આવેલાં અને ચૂંટેલાં ટામેટાં હોય છે.

કેટલીકના નામમાં 'ઈટાલિયન' છે, જેમ કે ટેસ્કોની ઈટાલિયન ટોમાટો પ્યુરી. કેટલીક અન્યના વર્ણનમાં ઈટાલિયન શબ્દ હોય છે, જેમ કે અસ્ડાનું ડબલ કોન્સન્ટ્રેટ કહે છે તેમ તેમાં "ઈટાલીમાં ઉગાડવામાં આવેલાં ટામેટાં" છે. વેઈટ્રોસની એસેન્શિયલ ટોમાટો પ્યુરી પણ પોતાને 'ઈટાલિયન ટોમાટો પ્યુરી' ગણાવે છે.

કુલ 17 પ્રોડક્ટ્સ છે, જેમાંની મોટા ભાગની બ્રિટન અને જર્મન રિટેલર્સ દ્વારા વેચવામાં આવતી બ્રાન્ડ્સ છે. તેમાં ચીની ટામેટાં હોવાની શક્યતા છે. તેનું પરીક્ષણ બીબીસી વર્લ્ડ સર્વિસના કાર્યક્રમો દ્વારા કરાવવામાં આવ્યું હતું.

મોટા ભાગનાં ચીની ટામેટાં શિનજિયાંગ પ્રદેશમાંથી આવે છે, જ્યાં તેનું ઉત્પાદન ઉઇગુર અને અન્ય મોટા ભાગના મુસ્લિમ વિસ્તારોમાં લોકો પાસે ફરજિયાત કરાવવામાં આવતી મજૂરી સાથે સંકળાયેલું છે.

ચીન આ લઘુમતીઓને સુરક્ષા સંબંધી જોખમ ગણે છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘે ચીન પર જુલમ અને દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. પોતાના ટામેટાં ઉદ્યોગમાં લોકો પાસેથી બળજબરીથી કામ કરાવવામાં આવતું હોવાનો ચીન ઇનકાર કરે છે અને કહે છે કે કામદારોના અધિકાર કાયદા દ્વારા સુરક્ષિત છે. ચીનના કહેવા મુજબ, સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ "ખોટી માહિતી અને જુઠ્ઠાણાં" પર આધારિત છે.

જે સુપરમાર્કેટ્સનાં ઉત્પાદનોનું પરીક્ષણ અમે કર્યું હતું તે તમામે ઇનકાર કર્યો છે.

ચીનમાં ટામેટાંનું મબલખ ઉત્પાદન

ટામેટાં, ઇટાલિયન પ્યૂરી, ખેડૂતો, મજૂરી, બળજબરી, શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, શિનજિયાંગમાં મોટાં ભાગનાં ટામેટાંનું ઉત્પાદન થાય છે

વિશ્વના કુલ પૈકીનાં લગભગ 33 ટકા ટામેટાંનું ઉત્પાદન ચીનમાં થાય છે. તેને ઉગાડવા માટે શિનજિયાંગના ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં યોગ્ય આબોહવા છે.

આ એ વિસ્તાર છે, જ્યાં ચીને 2017માં સામૂહિક અટકાયતનો એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. માનવાધિકાર જૂથો આક્ષેપ કરે છે કે ચીન જેને "પુનઃશિક્ષણ શિબિરો" તરીકે ઓળખાવે છે તેવી સેંકડો ફેસિલિટીઝમાં 10 લાખથી વધારે ઉઈગર લોકોને અટકાયતમાં રાખવામાં આવ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ 14 લોકો સાથે વાત કરી હતી. એ લોકોએ જણાવ્યું હતું કે તેમણે છેલ્લાં 16 વર્ષમાં શિનજિયાંગના ટામેટાંનાં એ ખેતરોમાં બળજબરીથી મજૂરી કરી છે અથવા તેના સાક્ષી છે. અહમદે (સાચું નામ નથી) કહ્યું હતું, "જેલના સત્તાવાળાઓએ અમને કહ્યું હતું કે ટામેટાંની વિદેશમાં નિકાસ કરવામાં આવશે."

તેમણે ઉમેર્યું હતું કે કામદારો એક દિવસના 650 કિલો ટામેટાંનું ઉત્પાદન નહીં કરે તો તેમને ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવશે.

મમુતજાન નામના એક ઉઇગુર શિક્ષકને ટ્રાવેલ ડૉક્યુમેન્ટેશનમાં અનિયમિતતા માટે 2015માં જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમને મોટાં પ્રમાણમાં ટામેટાં ઉગાડવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમાં નિષ્ફળ રહેવા બદલ તેમને માર મારવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું, "તેમણે મને અંધારી કોટડીમાં સાંકળો વડે છત પર લટકાવી દીધો હતો અને સવાલ કર્યો હતો કે તમે તમારું કામ કેમ પૂરું કરતા નથી? તેમણે મારા પાછળના ભાગે જોરથી માર માર્યો હતો, મારી પાંસળીમાં માર માર્યો હતો. તેનાં નિશાન હજુ પણ દેખાય છે."

આ લોકોએ કરેલી વાતની સચ્ચાઈ ચકાસવાનું મુશ્કેલ છે, પરંતુ તે સુસંગત છે અને તેમાં 2022ના સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલનો પડઘો સંભળાય છે.

શિનજિયાંગનાં અટકાયત કેન્દ્રોમાં લોકોને ત્રાસ અપાતો હોવાનું અને તેમની પાસે બળજબરીથી મજૂરી કરાવવામાં આવતી હોવાનું એ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

બીબીસીએ વિશ્વભરના શિપિંગ ડેટાને એકત્ર કરીને શોધી કાઢ્યું હતું કે શિનજિયાંગના મોટાં ભાગનાં ટામેટાં કઝાખિસ્તાન, અઝરબૈજાન અને જ્યૉર્જિયા થઈને ટ્રેન દ્વારા કેવી રીતે યુરોપ મોકલવામાં આવે છે તથા ત્યાંથી તે કેવી રીતે ઈટાલી મોકલવામાં આવે છે.

ટામેટાંની કુલ 64 પ્યુરીનું પરીક્ષણ કરવામાં આવ્યું

ટામેટાં, ઇટાલિયન પ્યૂરી, ખેડૂતો, મજૂરી, બળજબરી, શોષણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મામુતજાને ડીટેન્શનમાં પણ ટામેટાં તોડવાનું કામ કર્યું હતું, તેમણે ઓછાં ટામેટાં તોડ્યાં હોવાથી તેમને છત પરથી લટકાવવામાં આવ્યા હતા

આ ડેટામાં પ્રાપ્તકર્તા તરીકે એક કંપનીનું નામ વારંવાર જોવા મળે છે. તે એન્ટોનિયો પેટ્ટી છે, જે ઈટાલીની મુખ્ય ટામેટાં પ્રોસેસિંગ કંપનીઓના જૂથનો એક હિસ્સો છે.

ડેટા દર્શાવે છે કે તેને જિનજિયાંગ ગુઆનોંગ અને તેની પેટાકંપનીઓ પાસેથી 2020 અને 2023 દરમિયાન 36 મિલિયન કિલોગ્રામથી વધુ ટામેટાંની પેસ્ટ મોકલવામાં આવી હતી.

પેટ્ટી ગ્રૂપ પોતાના નામ હેઠળ ટામેટાં પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે અને સમગ્ર યુરોપના સુપરમાર્કેટ્સમાં અન્યોને પણ સપ્લાય કરે છે, જેઓ તેને પોતાની બ્રાન્ડેડ પ્રોડક્ટ તરીકે વેચે છે.

અમારી તપાસમાં બ્રિટન, જર્મની અને અમેરિકામાં વેચાતી અલગ-અલગ 64 ટામેટાં પ્યુરીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લૅબોરેટરીમાં તેની સરખામણી ચીન અને ઈટાલીનાં સેમ્પલ્સ સાથે કરવામાં આવી હતી. તેમાં ટોચની ઈટાલિયન બ્રાન્ડ્સ અને સુપરમાર્કેટ્સની પોતાની બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. એ પૈકીની ઘણીનું ઉત્પાદન પેટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્યુરીનાં લેબલ્સ પરના દાવાઓ સચોટ છે કે કેમ તેની તપાસ કરવા અમે ઑસ્ટ્રેલિયાસ્થિત વિશ્વવિખ્યાત ઓરિજિન વેરિફિકેશન ફર્મ સોર્સ સર્ટનને કહ્યુ હતું. કંપનીના સીઈઓ જેને "ફિંગરપ્રિન્ટ" કહે છે અને જે મૂળ દેશ માટે અનન્ય હોય છે તેની ચકાસણી કરી હતી. કંપનીએ ટામેટાં દ્વારા શોષવામાં આવતા સ્થાનિક પાણી અને ખડકોના ઘટકોનું વિશ્લેષણ કર્યું હતું.

તેમણે કહ્યું હતું, "અમારો પ્રથમ ઉદ્દેશ એ સ્થાપિત કરવાનો હતો કે ટામેટાંમાંના ટ્રેસ એલિમેન્ટ્સ ચીન માટે કેવાં હશે અને તેની સંભવિત પ્રોફાઇલ ઈટાલી જેવી છે કે કેમ. એ બહુ અલગ હોવાનું અમને જાણવા મળ્યું હતું."

એ પછી સોર્સ સર્ટને તે દેશોની પ્રોફાઇલની તુલના, અમે જેનું પરીક્ષણ કરવા ઇચ્છતા હતા તે 64 ટોમાટો પ્યુરી સાથે કરી હતી. એ પૈકીની મોટા ભાગની પ્યુરીમાં ટામેટાં ઈટાલીના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અથવા એવો આભાસ સર્જવામાં આવ્યો હતો. કેટલીક પ્યુરીમાં ટામેટાંનાં મૂળ વિશે કોઈ દાવો કરવામાં આવ્યો ન હતો.

પ્રયોગશાળાનાં પરિણામમાં જાણવા મળ્યું હતું કે એ પૈકીની અનેક પ્રોડક્ટ્સમાં ઈટાલિયન ટામેટાં હતાં. તેમાં અમેરિકામાં વેચાતી તમામ, મુટ્ટી તથા નેપોલિના સહિતની ટોચની ઈટાલિયન બ્રાન્ડ્સ અને કેટલીક જર્મન તથા બ્રિટન સુપરમાર્કેટ્સની પોતાની બ્રાન્ડનો સમાવેશ થતો હતો. તેમાં સેન્સબરી તથા માર્ક્સ ઍન્ડ સ્પેન્સર દ્વારા વેચવામાં આવતાં ટામેટાં પણ સમાવિષ્ટ હતાં.

મોટા ભાગની જગ્યાએ ચીની ટામેટાં

ટામેટાં, ઇટાલિયન પ્યૂરી, ખેડૂતો, મજૂરી, બળજબરી, શોષણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પેટ્ટીએ અમને જે મોકલ્યું તેમાં શિનજિયાંગ ગુનોંગથી આવેલા છેલ્લા ઇનવોઇસની તારીખ ઑક્ટોબર, 2020ની હતી, પરંતુ અમારા અંડરકવર રિપોર્ટરે શોધી કાઢ્યું કે પેટ્ટીને મોકલવામાં આવેલા બૅરલ પર ઑગસ્ટ, 2023ની તારીખ હતી.

એ પૈકીની 17 ટોમાટો પ્યુરીમાં ચીની ટામેટાં હતાં. એ 17 પૈકીની 10 ઈટાલિયન કંપની પેટ્ટી દ્વારા બનાવવામાં આવી હતી, જેનું નામ ઇન્ટરનેશનલ શિપિંગ રેકૉર્ડમાં વારંવાર જોવા મળ્યું હતું.

પેટ્ટી દ્વારા બનાવવામાં આવેલી એ 10 ટોમાટો પ્યુરી, એપ્રિલથી ઑગસ્ટ 2024 દરમિયાન આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું ત્યારે બ્રિટનની સુપરમાર્કેટ્સમાં વેચવા માટેની હતી.

તમામ સુપરમાર્કેટોએ જવાબમાં જણાવ્યું હતું કે તેઓ પ્રસ્તુત આરોપોને બહુ ગંભીર ગણે છે અને આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચીની ટામેટાંના કોઈ પુરાવા મળ્યા નથી.

અમારા નિષ્ણાતો દ્વારા ઉપયોગમાં લેવાયેલી પરીક્ષણ પદ્ધતિ વિશે પણ ઘણા લોકોએ વાંધો લીધો છે. ટેસ્કોએ સપ્લાય સ્થગિત કરી હતી અને રીવેએ તરત જ પ્રોડક્ટ્સ પાછી ખેંચી લીધી હતી. વેઈટરોઝ, મોરિસન્સ, એડેકા અને રીવેએ જણાવ્યું હતું કે તેમણે પોતપોતાનાં પરીક્ષણ કર્યાં હતાં અને તેમનાં પરિણામ અમારાથી વિરોધાભાસી હતાં અને તેમનાં ઉત્પાદનોમાં ચીની ટામેટાંના અંશ મળ્યા નથી.

જોકે, એક મોટા રિટેલરે ચીની ટામેટાંનો ઉપયોગ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. લિડલે અમને જણાવ્યું હતું કે તેના બારેસા ટોમેટેનમાર્કના બીજા સંસ્કરણમાં તે હતાં, જે ઈટાલિયન સપ્લાયર ગિયાગુઆરો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને પુરવઠાની સમસ્યાને કારણે ગયા વર્ષે જર્મનીમાં થોડા સમય માટે વેચવામાં આવ્યું હતું. તેઓ આ બાબતે તપાસ કરી રહ્યા છીએ.

ગિયાગુઆરોએ જણાવ્યું હતું કે તેના તમામ સપ્લાયર્સ કામદારોના અધિકારોનો આદર કરે છે અને તે હાલમાં લિડલ પ્રોડક્ટ્સમાં ચીની ટામેટાંનો ઉપયોગ કરતું નથી.

બીબીસી માને છે કે ટામેટાં શિનજિયાંગની કોફકો તુન્હે કંપની દ્વારા સપ્લાય કરવામાં આવ્યાં હતાં. બળજબરીથી મજૂરી કરાવવા બદલ અમેરિકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કંપની પર પ્રતિબંધ લાદ્યો હતો.

2021માં પેટ્ટી જૂથની એક ફૅક્ટરી પર છેતરપિંડીની શંકાના આધારે ઈટાલિયન લશ્કરી પોલીસે દરોડો પાડ્યો હતો. ઈટાલિયન અખબારોએ અહેવાલ આપ્યો હતો કે ચીની અને અન્ય વિદેશી ટામેટાંને ઈટાલિયન ગણાવવામાં આવ્યાં હતાં.

જોકે, દરોડાના એક વર્ષ બાદ આ મામલે આઉટ ઑફ ધ કોર્ટ સેટલમેન્ટ થયું હતું. પેટ્ટીએ ચીની ટામેટાં વિશેના આરોપોને નકારી કાઢ્યા હતા અને આ મુદ્દો પડતો મૂકવામાં આવ્યો હતો.

અમેરિકાએ 2020માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો

ટામેટાં, ઇટાલિયન પ્યૂરી, ખેડૂતો, મજૂરી, બળજબરી, શોષણ, બીબીસી ગુજરાતી

પેટ્ટી સંબંધી અમારી તપાસના ભાગ રૂપે બીબીસીના એક અન્ડરકવર રિપોર્ટરે પોતાની કંપની માટે મોટો ઑર્ડર આપવા ઇચ્છતા એક વેપારીનો સ્વાંગ સજ્યો હતો. પેટ્ટી ગ્રૂપની એક કંપની ઈટાલિયન ફૂડના જનરલ મૅનેજર પાસક્વેલેએ ટસ્કનીમાંની કંપનીની ફૅક્ટરીની મુલાકાત લેવા તેમને આમંત્રણ આપ્યું હતું. અમારા પત્રકારે તેમને પૂછ્યું હતું કે પેટ્ટી ચીની ટામેટાંનો ઉપયોગ કરે છે?

તેમણે કહ્યું હતું, "હા. યુરોપમાં કોઈને ચીની ટામેટાં જોઈતાં નથી, પરંતુ તમને સ્વીકાર્ય હોય તો અમે ચીની ટામેટાંના ઉપયોગ વડે પણ શ્રેષ્ઠ કિંમતે ઉત્પાદનનો માર્ગ શોધીશું."

રિપોર્ટરના છુપા કૅમેરામાં નિર્ણાયક વિગત કૅપ્ચર થઈ હતી. ફૅક્ટરીની અંદર ટામેટાં પેસ્ટના વાદળી રંગનાં ડઝનબંધ બૅરલ હતાં. તે પૈકીના એક બૅરલ પરના લેબલ પર લખ્યું હતું, જિનજિયાંગ ગુઆનોંગ ટોમાટો પ્રોડક્ટ્સ કંપની લિમિટેડ, પ્રોડ. ડેટ, 2023-08-20.

અમારી તપાસના પ્રતિભાવમાં પેટ્ટી ગ્રૂપે અમને જણાવ્યું હતું કે તેમણે શિનજિયાંગ ગુઆનોંગ પાસેથી માલ ખરીદ્યો નથી, કારણ કે લોકો પાસે બળજબરીથી મજૂરી કરાવવા બદલ અમેરિકાએ 2020માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પેટ્ટીએ સ્વીકાર્યું હતું કે તે બાઝોઉ રેડ ફ્રૂટ નામની ચીની કંપની પાસેથી નિયમિત રીતે ટામેટાંની પેસ્ટ ખરીદતી હતી.

પેટ્ટીએ અમને જણાવ્યું હતું, આ કંપની "બળજબરીથી મજૂરી કરાવવામાં સંડોવાયેલી ન હતી." જોકે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે બાઝોઉ રેટ ફ્રૂટ કંપની અને શિનજિયાંગ ગુઆનોંગ કંપનીનો એક ફોન નંબર સમાન છે અને શિપિંગ ડેટાના વિશ્લેષણ સહિતના અન્ય પુરાવા સૂચવે છે કે બાઝોઉ તેની શેલ કંપની છે.

ટામેટાંની ખરી કિંમત કોણ ચૂકવી રહ્યું છે?

પેટ્ટીએ ઉમેર્યું હતું, "અમે ભવિષ્યમાં ચીનમાંથી ટામેટાંની આયાત કરીશું નહીં અને માનવ તથા કામદાર અધિકારોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સપ્લાયર્સ પર નજર રાખીશું."

શિનજિયાંગની તમામ નિકાસ પર પ્રતિબંધ માટે અમેરિકાએ આકરો કાયદો બનાવ્યો છે, પરંતુ યુરોપ અને બ્રિટને નરમ અભિગમ અપનાવ્યો છે. યુરોપ અને બ્રિટનના કાયદા, સપ્લાય ચેઇનમાં બળજબરીથી મજૂરીનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માત્ર સ્વ-નિયમનની છૂટ કંપનીઓને આપે છે.

ઍન્ટિ-સ્લેવરી ઇન્ટરનેશનલ નામના સ્વયંસેવી સંગઠનના ક્લો ક્રાન્સ્ટને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનમાં હવે પરિસ્થિતિ બદલાવાની તૈયારીમાં છે. યુરોપિયન યુનિયન મજબૂત કાયદાઓ માટે પ્રતિબદ્ધ છે. આ કારણે બ્રિટન બળજબરીથી મજૂરી દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનો માટેનું "ડમ્પિંગ ગ્રાઉન્ડ" બને તેવી સંભાવના વધારે હોવાની ચેતવણી ક્લો ક્રાન્સ્ટને આપી હતી.

તેમણે કહ્યું હતું, "બ્રિટનનો મૉડર્ન સ્લેવરી ઍક્ટ, કમનસીબે, આ હેતુ માટે સંપૂર્ણપણે ઉપયોગી નથી."

બ્રિટનમાં બિઝનેસ અને ટ્રેડ વિભાગના પ્રવક્તાએ અમને કહ્યું હતું, "બ્રિટનમાંની કોઈ કંપનીની સપ્લાય ચેઇનમાં બળજબરીથી મજૂરી કરાવવાને સ્થાન ન હોવું જોઈએ, એ બાબતે અમે સ્પષ્ટ છીએ. સપ્લાય ચેઇનમાં બળજબરીથી મજૂરી અને પર્યાવરણીય નુકસાનની સમસ્યાનો શ્રેષ્ઠ સામનો બ્રિટન કેવી રીતે કરી શકે તે બાબતે અમે સતત સમીક્ષા કરીએ છીએ અને વૈશ્વિક શ્રમ ધોરણોને બળવતર બનાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરીએ છીએ."

પત્રકાર અને ખાદ્ય વકીલ ડારિયો ડોંગોએ કહ્યું હતું, આ તારણો "ખોરાકની ખરી કિંમત"ની એક વ્યાપક સમસ્યાને ઉજાગર કરે છે.

"તેથી નીચી કિંમત જોઈએ ત્યારે આપણે આપણી જાતને સવાલ કરવો પડશે કે તેનું કારણ શું છે? આ પ્રોડક્ટની સાચી કિંમત શું છે? તેના માટે ખરી કિંમત કોણ ચૂકવી રહ્યું છે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.