એ યુવતીઓની કહાણી જેમને મૃત્યુ પછી અંતિમવિધિમાં નાચવા માટે બોલાવાય છે

બિહાર, મૃત્યુ, શોક, નાચનારી યુવતીઓની કહાણી, જીવન, ટ્રૅન્ડ, સમાજ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રિયા મૂળ દિલ્હીનાં રહેવાસી છે
    • લેેખક, સીટુ તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા, પટણાથી

હું જ્યારે રિયાને સવારે દસ વાગ્યે મળી હતી ત્યારે તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેઓ ગત રાત્રિથી સવાર સુધીમાં અનેક વાર નારિયળનું પાણી પી ચૂક્યાં હતાં.

વાત એમ હતી કે 24 વર્ષીય રિયા એક શ્રાદ્ધ કાર્યક્રમમાં નાચીને સવારે જ તેમના પટણાસ્થિત સિપારા મોહલ્લામાં આવેલા ભાડાના મકાનમાં પાછાં ફર્યાં હતાં. રાતભર નાચવાને કારણે તેઓ અતિશય થાકી ગયાં હતાં.

તેઓ મૂળ દિલ્હીનાં રહેવાસી છે. તેઓ કહે છે, “અહીં મૃત્યુ પર પણ લોકો ડાન્સ કરાવે છે. એક બાજુ અર્થી ઊઠતી હોય છે અને બીજી તરફ તેની સાથે ડાન્સ પણ થતો રહેતો હોય છે. એટલું જ નહીં નાચવા દરમિયાન લોકો તેમની સાથે ગેરવર્તણૂક પણ કરે છે. પાસે બોલાવીને અમને અડકે છે. અમને બહુ અજીબ લાગે છે પરંતુ આ જ અમારું કામ છે. લોકોને શોખ છે મૃત્યુ પાછળ પણ નચાવવાનો. ”

રિયાની બાજુમાં બેસેલાં કાજલસિંહ કહે છે, “મને પહેલી વાર દનિયાવા (પટણા પાસેનું એક ગામ)માં મૃત્યુ પર નાચવા બોલાવવામાં આવી હતી. હું શૉકમાં હતી કે વળી મૃત્યુ પાછળ કોણ નાચવા બોલાવે. પરંતુ લોકોએ કહ્યું કે અહીં બધું થાય છે. અમને જણાવવામાં આવ્યું હતું કે મરનારાની તમન્ના હતી કે તેમના મૃત્યુ પર નાચનારી યુવતીઓને બોલાવવામાં આવે.”

કાજલ અને રિયા બંને વ્યવસાયે પ્રોફેશનલ ડાન્સર છે. તેઓ લગ્ન, તિલક, મુંડન, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ નાચવા જાય છે, પરંતુ હવે તેઓ મૃત્યુ થવા પર પણ નાચે છે. બિહારમાં તેને ‘બાઈજીનો નાચ’ પણ કહેવામાં આવે છે.

મોતની ઉજવણી

બિહાર, મૃત્યુ, શોક, નાચનારી યુવતીઓની કહાણી, જીવન, ટ્રૅન્ડ, સમાજ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કાજલસિંહ પ્રોફેશનલ ડાન્સર છે

મૃત્યુ જેવા શોકમાં બાઈજીનો ડાન્સ, આ વાત અનેક લોકોને ચોંકાવનારું લાગી શકે છે. પરંતુ બિહારના અંતરિયાળ વિસ્તારોમાં આ નવો ટ્રૅન્ડ બનીને ઊભરી રહ્યું છે.

કોઈ મોટી ઉંમરની વ્યક્તિઓના મૃત્યુના પ્રસંગે શબયાત્રાને બૅન્ડવાજા સાથે વગાડવાની પરંપરા પહેલેથી પણ રહી છે. પરંતુ ડાન્સ કરાવવાનું ચલણ તેની સરખામણીમાં નવું છે.

પટણાનાં કોમલ મિશ્રાએ 15 વર્ષની ઉંમરથી લગ્નમાં ડાન્સર તરીકે પર્ફૉર્મ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે તેઓ 32 વર્ષનાં છે. તેઓ કહે છે કે છેલ્લાં સાત-આઠ વર્ષમાં તેમને મૃત્યુમાં પણ નાચવા માટે લોકો બોલાવવા માંડ્યા છે.

કોમલ કહે છે, “મૃત્યુ થયું હોય કે લગ્ન તેમાં નાચવાની રીત તો સમાન જ છે. જો વચ્ચે કમિશન લેવાવાળો ન હોય તો એક રાત નાચવાના છ હજાર રૂપિયા સુધી મળી જાય છે. રાત્રે આઠથી નવની વચ્ચે નાચવાનું શરૂ થાય છે અને સવારે ચાર-પાંચ વાગ્યા સુધી ચાલે છે. પહેલાં હિન્દીનાં ગીતો શરૂ થાય છે અને બાર વાગ્યા સુધીમાં ભોજપુરી ગીતો પણ શરૂ થઈ જાય છે.”

કોમલ કહે છે, “લોકોની એ ડિમાન્ડ રહે છે ટૂંકી ચોરણી પહેરીને અમે આવીએ. લોકો પૈસા બતાવીને અમને નીચે બોલાવે છે અને તેમના ખોળામાં બેસીને અમારે પૈસા લેવા પડે છે. આ બધું લગ્ન અને મૃત્યુ બંનેમાં સમાન હોય છે. બંનેમાં કોઈ ફર્ક હોતો નથી.”

માત્ર ડાન્સ નહીં, ફાયરિંગ પણ થાય છે

બિહાર, મૃત્યુ, શોક, નાચનારી યુવતીઓની કહાણી, જીવન, ટ્રૅન્ડ, સમાજ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કોમલ મિશ્રાએ 15 વર્ષની ઉંમરથી જ લગ્નમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બિહારના ભોજપુર, ઔરંગાબાદ, બાંકા, રોહતાસ સહિત અનેક જગ્યાએ મૃત્યુ પર ડાન્સ કરાવવાનું ચલણ વધી રહ્યું છે, જેમાં અંતિમયાત્રા દરમિયાન અથવા તો શ્રાદ્ધકર્મમાં લોકો ડાન્સનો કાર્યક્રમ કરાવે છે.

હવે તો આ શ્રાદ્ધ કાર્યક્રમોમાં થનારા આ સમારોહમાં કે લગ્નના કાર્યક્રમોમાં ફાયરિંગની ઘટનાઓ પણ બનવા લાગી છે.

હાલમાં જ નાલંદા જિલ્લાના આશીર્વાદકુમારનું મૃત્યુ આવા જ એક શ્રાદ્ધકર્મમાં આયોજિત ‘બાઈજીના નાચ’ દરમિયાન થયું હતું. ફાયરિંગ દરમિયાન તેમને ‘ભૂલથી’ ગોળી પણ વાગી ગઈ હતી.

તેમના પિતા પ્રમોદ પ્રસાદે કહ્યું હતું કે, “અમે લોકો જાનકીદેવીના શ્રાદ્ધ કાર્યત્રમનું નૃત્ય જોવા માટે બે નવેમ્બરે ગયા હતા. રાત્રે બાર વાગ્યે ત્રણ ડાન્સરો પિસ્તોલ લઈને નાચી રહી હતી. છોકરો પણ સ્ટેજ પર ચડીને નાચી રહ્યો હતો. સવારે ચાર વાગ્યા આસપાસ તેને માથા પર ગોળી વાગી અને અમે તેને હૉસ્પિટલમાં લઈ ગયા. પણ તે ન બચ્યો.”

શ્રાદ્ધ કાર્યક્રમોમાં આયોજિત આ ડાન્સ પ્રોગ્રામના અનેક વાઇરલ વીડિયોમાં લોકો અથવા નાચનારી યુવતીઓ હાથમાં બંદૂક લઈને ડાન્સ કરતી જોવા મળે છે.

ડાન્સર કોમલ કહે છે, “પહેલાં અમને ડર લાગતો હતો, પણ હવે બિલકુલ લાગતો નથી. પરંતુ જો મારા પ્રોગ્રામમાં હવે ગોળીબાર ન થાય તો એવું લાગે છે કે મારા ડાન્સનો કોઈ મતલબ નથી.”

ગોળીબારને સામાજિક તાકાતના પ્રદર્શન સાથે પણ જોડીને જોવામાં આવે છે.

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના પૂર્વ પ્રોફેસર પુષ્પેન્દ્ર કહે છે, “મારા મત પ્રમાણે રાજ્ય કોઈ પણ સન્માનિત હસ્તીના મૃત્યુ પાછળ ફાયરિંગ કરીને તેના પ્રત્યે સન્માન જાહેર કરે છે. એ જ રીતે લોકો પણ પોતાના પરિવારજનો માટે તાકાતનું પ્રદર્શન કરવા માટે ફાયરિંગ કરી રહ્યા છે. આ એક રીતે રાજ્યની નકલ છે.”

શું આ પરંપરાનો ભાગ છે?

બિહાર, મૃત્યુ, શોક, નાચનારી યુવતીઓની કહાણી, જીવન, ટ્રૅન્ડ, સમાજ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આશીર્વાદકુમારનું મૃત્યુ શ્રાદ્ધકર્મમાં આયોજિત કરવામાં આવેલા નાચગાનના પ્રોગ્રામમાં થયેલા ફાયરિંગમાં થયું હતું

જો આપણે લોકપરંપરાઓ પર નજર કરીએ તો, મૃત્યુ સમયે અને તે પછીની ધાર્મિક વિધિઓ દરમિયાન ગાવાની પરંપરા રહી છે. પરંતુ શું મૃત્યુ પછી કે તેને લગતી ધાર્મિકવિધિઓ દરમિયાન નૃત્યની કોઈ પરંપરા છે?

રામનારાયણ તિવારી ઉત્તર પ્રદેશની પીજી ગાઝીપુર કૉલેજમાં અંગ્રેજી શીખવે છે.

“ભોજપુરી શ્રમ લોકગીતોમાં જંતસાર' સહિત અનેક પુસ્તકોના લેખક એવા રામનારાયણ કહે છે, “પરંપરા જોઈએ તો મૃત્યુ સાથે સંકળાયેલાં ત્રણ પ્રકારનાં ગીતો છે. પ્રથમ મૃત્યુગીત, બીજું નિર્ગુણ અને ત્રીજું શ્રી નારાયણી. મૃત્યુ સમયે સ્ત્રીઓ અમુક વાતો કહેતી વખતે જે ગીતો રડે છે તેને રુદન ગીત (મરશિયા) પણ કહેવાય છે. પરંતુ નૃત્ય પર પ્રતિબંધ હોય છે.”

તિવારી કહે છે, “મૃત્યુ સાથે સંબંધિત પરંપરાગત ગાયન એ અપરાધ, કરુણા અને શાંતિથી ભરેલું છે. પરંતુ હવે જે ગીતો વગાડવામાં આવે છે અને મહિલાઓને નૃત્ય કરવા માટે બોલાવવામાં આવે છે, તે લોકોમાં છુપાયેલી વિલાસિતા અને પોતાની જાતીય તાકાતનું પ્રદર્શન છે. જે ભારતીય સમાજનો મહત્ત્વનો પાયો એવા ‘સહકારની પરંપરા’ તૂટવાની અને તેના ‘એકાકી’ બની જવાની નિશાની છે.”

પલ્લવી બિસ્વાસ પાટલીપુત્ર યુનિવર્સિટીમાં સંગીતનાં શિક્ષિકા છે.

તેઓ કહે છે, “મૃત્યુ પછી જે લોકો ચાલ્યા ગયા અને જે લોકો ધરતી પર રહી ગયા, બંનેની યાત્રાને આસાન કરવા માટે ઋચાગાન થતું હતું. પછી નિર્ગુણ આવ્યું અને તે સામાન્ય લોકોની બોલીમાં હતું. નિર્ગુણ પછી મૃત્યુ પર દુગોલા ગવાતાં હતાં. પરંતુ પછી દુગોલામાં મહિલાઓને નચાવવાનું શરૂ થયું. અને હવે ભોજપુરી ગીતોમાં પણ એક્સક્લુસિવ ડાન્સર્સને બોલાવીને ભડકાઉ નાચ થાય છે.”

“અમારી પરંપરામાં જન્મ અને મૃત્યુ બંને સાથે જોડાયેલાં ગીતો છે પરંતુ બંને પ્રકારનાં ગીતોમાં ફર્ક છે. એ ફર્કને રહેવા દેવો જોઈએ. ”

જાતિની તાકાતનું પ્રદર્શન

બિહાર, મૃત્યુ, શોક, નાચનારી યુવતીઓની કહાણી, જીવન, ટ્રૅન્ડ, સમાજ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડાન્સર કોમલનું કહેવું છે કે જાતિના આધારે ગીતો નક્કી થાય છે

દુગોલા એક પ્રકારનું ગાયન હોય છે જેમાં આશુ કવિના બે અથવા તેનાથી વધુ સમૂહ હોય છે. આશુ કવિનો અર્થ છે એવા કવિ કે જે ઑન ધ સ્પોટ (શીઘ્રકવિ) જ કોઈ કવિતા કે ગીતની રચના કરી દે.

પહેલાં દુગોલામાં સવાલ-જવાબની ઢબે ધાર્મિક પ્રસંગોનું આયોજન થતું હતુ, પરંતુ તેમાં હવે જાતિવાદી ટોણાં વધારે હોય છે.

વરિષ્ઠ પત્રકાર અને બિહારની સંસ્કૃતિને સમજનારા નિરાલા બિદેસિયા કહે છે, “વીતેલાં 30 વર્ષોમાં દુગોલા મૃત્યુના અવસર પર ગવાય છે. અને જો આપણે યૂટ્યૂબ રેકૉર્ડિંગ્સ જોઈએ તો તેની પાછળ શ્રાદ્ધકર્મનું પોસ્ટર જોવા મળે છે અને પછી દુગોલામાં આગળ અશ્લીલ ગીતો ગવાય છે અને યુવતીઓ નાચે છે. ”

ડાન્સર કોમલ કહે છે, “શ્રાદ્ધ હોય કે લગ્નગીતો, એ બધું જાતિના હિસાબે જ નક્કી થાય છે. જાતિવાળા પોતાના પ્રમાણે પોતાની જાતિના કલાકારોનાં ગીતો વગાડે છે.”

‘લોકોના દબાણમાં બોલાવી લીધા ડાન્સર’

બિહાર, મૃત્યુ, શોક, નાચનારી યુવતીઓની કહાણી, જીવન, ટ્રૅન્ડ, સમાજ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અનેક વાર લોકો પોતાના સંબંધીઓ અને પરિવારજનોના દબાણ હેઠળ પણ આ ડાન્સરોને બોલાવી લે છે. નાલંદના ગોવિંદપુરના રહેવાસી અજય યાદવે પણ પોતાના પિતા બોધિ યાદવના મૃત્યુ પછી ડાન્સરોને બોલાવ્યા હતા.

અજય કહે છે, “મારે ત્યાં ટૅન્ટ પંડાલ લાગેલો હતો પરંતુ સમાજના લોકોએ જીદ કરી કે નાચવાનો પ્રોગ્રામ કરો. અમે પાવાપુરીથી છ નાચનારી યુવતીને બોલાવી હતી.”

“પહેલાં નિર્ગુણ થયું, પછી રાત્રે ભોજપુરી ગીતો ગવાયાં અને પછી નાચવાનો પ્રોગ્રામ થયો. મારાં માતાને આ વાતનું ખૂબ દુ:ખ લાગ્યું હતું અને તેઓ ઘણા દિવસો સુધી નારાજ રહ્યાં હતાં.”

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના પૂર્વ પ્રોફેસર પુષ્પેન્દ્ર કહે છે કે, “પહેલાં લોકો ઓછું જીવતા હતા. એવામાં જો કોઈ લાંબું જીવી જાય તો તેમના પરિવાર માટે તે ઉજવણીનો માહોલ બની જતો હતો. એટલા માટે અંતિમયાત્રા સાથે બૅન્ડવાજા, હાથી, ઘોડા, ઊંટ, પૈસા ઉડાવવા, ફૂલો વરસાવવા માટે લોકો જતા હતા. જે હજુ પણ જોવા મળે છે.”

જોકે, બૅન્ડવાજાની સાથેસાથે હવે ડાન્સર્સને પણ બોલાવવામાં આવે છે અને લોકો પાસે તેમનો તર્ક પણ ખૂબ છે. પટણાના ફતુહાનાં રહેવાસી જનતાદેવીના દિયર જગદીશરામના મૃત્યુ પછી પણ આવો નાચવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જનતાદેવી કહે છે, “દિયર મૃત્યુ પામ્યા તો મારા વેવાઈએ આવીને ઘરના લોકોને કહ્યું કે નાચનારીઓને બોલાવો. તેમનું કહેવું છે કે મૃત્યુ પામનારી વ્યક્તિને નાચગાનનો પ્રોગ્રામ કરીને અંતિમ વિદાય આપવામાં આવે. તેમની પાસે પૈસા હતા, આથી તેમણે નાચગાનનું આયોજન કર્યું. અમે કેવી રીતે કરીએ?”

‘સમાજ માટે સારું નથી’

સમાજશાસ્ત્રી આ ચલણને સમાજ માટે સારું નથી માનતા. પ્રોફેસર પુષ્પેન્દ્ર કહે છે, “આ સંપૂર્ણપણે નવું માસ કલ્ચર છે. તેમાં લોકસંગીત, પોપ્યુલર સાથે અન્ય કલ્ચર પણ સામેલ છે.”

તો પછી આનાં પરિણામો શું હશે? આ સવાલ પર પુષ્પેન્દ્ર કહે છે, “મૃત્યુ અને જીવનનો ફર્ક હવે આપણે આમ જ મિટાવી દઈશું તો પશ્ચાતાપ, હિંસા પ્રત્યે ઘૃણા, મૃત્યુ પછી સૌમ્ય અને સંયમિત વ્યવહારનાં મૂલ્યો આપણે ખોઈ નાખીશું. તેનાથી સમાજ વધુ હિંસક બનશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.