બીબીસી 100 વુમન 2024: આ વર્ષે આ યાદીમાં કોણ-કોણ સામેલ છે?
બીબીસીએ વર્ષ 2024 માટે દુનિયાભરમાંથી 100 પ્રેરણાદાયક અને પ્રભાવી મહિલાઓની યાદી જાહેર કરી છે
તેમાં નોબલ પુરસ્કાર વિજેતા નાદિયા મુરાબ, રેપ સર્વાઇવર અને પ્રચારક જિઝેલ પેલિકોટ, અભિનેત્રી શૅરોન સ્ટોન, ઓલિમ્પિક ઍથ્લીટ રેબેકા આંદ્રેદ અને ઍલિસન ફેલિક્સ, ગાયિકા રાયે, વિઝુઅલ આર્ટિસ્ટ ટ્રેસી એમિન, જળવાયુ મામલે પ્રચારક ઍદેનિક ઓલાડુસુ અને લેખિકા ક્રિસ્ટિના રિવેરા ગાર્ઝા સામેલ છે.
ગાઝા, લેબનોન, યુક્રેન અને સુદાનમાં ધાતક સંઘર્ષો અને માનવતાવાદી કટોકટીઓનો સામનો કરવાથી માંડીને વિશ્વભરમાં રેકૉર્ડ સંખ્યામાં ચૂંટણીઓ બાદ સમાજમાં ધ્રુવીકરણના સાક્ષી બનવા સુધી મહિલાઓએ આકરો સંઘર્ષ કરવો પડ્યો છે અને લવચીકતાનું નવું સ્તર શોધવું પડ્યું છે.
બીબીસી 100 વીમેન આ વર્ષે મહિલાઓ પરની મુશ્કેલીઓનો સ્વીકાર કરીને એવા લોકોનું સન્માન કરે છે, જેઓ પોતાની દૃઢતા વડે પરિવર્તનના પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે કે તેમની આસપાસની દુનિયા બદલાઈ રહી છે. આ યાદી આબોહવા પરિવર્તનની કટોકટીની અસરના મૂળ શોધવા માટે પણ કટિબદ્ધ છે. તેમાં આબોહવા પરિવર્તનના સામના તથા તેને અનુકૂળ થવામાં પોતાના સમુદાયોને મદદ કરતા આબોહવા અગ્રદૂતોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે.
નામો કોઈ ચોક્કસ ક્રમમાં સૂચિબદ્ધ નથી.
સંસ્કૃતિ અને શિક્ષણ

હેલેન મોલીનોક્સ , યુકે
સહ-સ્થાપક, મૉન્યુમેન્ટલ વેલ્સ વીમેન
2021 પહેલાં, વેલ્સમાં નામાંકિત વેલ્શ મહિલાઓને સમર્પિત કોઈ પ્રતિમાઓ ન હતી.
તેના જવાબમાં, વકીલ હેલેન મોલિનેક્સે મૉન્યુમેન્ટલ વેલ્સ વુમનની સહ-સ્થાપના કરી હતી, જે એક સ્વયંસેવી સંગઠન છે અને તેનો હેતુ વેલ્શ મહિલાઓનું જાહેર પ્રતિનિધિત્વ વધારવાનો અને તેમના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે.
જાહેર જનતાનાં સૂચનોના આધારે મોલીનોક્સ અને તેમની ટીમે મહિલાઓની કુલ પાંચ પ્રતિમાઓ ઊભી કરવાની યોજના બનાવી, જેથી તેમની સિદ્ધિઓ ભૂલાઈ ન જાય.
જૂથે અત્યાર સુધીમાં ચાર પ્રતિમાઓ મૂકી છે. તેમાં પ્રથમ કાર્ડિફમાં વેલ્સનાં પ્રથમ અશ્વેત હેડટીચર બેટી કૅમ્પબેલની હતી. ત્યારબાદ માઉન્ટેન એશમાં ઇલેન મૉર્ગન, લૅન્ગ્રાનોગમાં ક્રેનોગ્વેન અને ન્યૂપોર્ટમાં લેડી રોન્ડાની પ્રતિમા મૂકવામાં આવી હતી.

સ્વેતલાના અનોખિના, રશિયા
માનવાધિકાર કર્મશીલ
સ્વેત્લાના અનોખિનાએ ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકોને રશિયાના ઉત્તર કૉકેશસ, પૂર્વ યુરોપ અને એશિયામાંના મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશમાંમાંથી ભાગવામાં મદદ કરવામાં વર્ષો વિતાવ્યાં છે.
અન્ય સ્વયંસેવકો સાથે તેમણે 2020માં મારામ પ્રોજેક્ટની સ્થાપના કરી હતી. આ પહેલ દાગેસ્તાન, ચેચન્યા અને અન્ય ઉત્તર કૉકેશસ પ્રજાસત્તાકમાંથી જોખમમાં હોય તેવી મહિલાઓના સ્થળાંતરનું આયોજન કરવામાં અને કામચલાઉ આવાસ શોધવામાં તેમજ તેમને કાનૂની અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવામાં મદદ કરે છે.
દાગેસ્તાની અને રશિયન સશસ્ત્ર દળોએ તેમના મહિલા આશ્રયસ્થાન પર દરોડા પાડ્યા પછી 2021માં અનોખિનાએ પોતે રશિયા છોડવાનો નિર્ણય કર્યો હતો.
રશિયાના સશસ્ત્ર દળોને બદનામ કરવાના આરોપસર સત્તાવાળાઓએ ગયા વર્ષે તેમની સામે ફોજદારી તપાસ શરૂ કરી હતી.

હમિદા અમન, અફઘાનિસ્તાન
મીડિયા અને શિક્ષણ ઉદ્યોગસાહસિક
તાલિબાને અફઘાન છોકરીઓને માધ્યમિક શિક્ષણ આપવાનો ઇનકાર કર્યો ત્યારે મીડિયા ઉદ્યાગસાહસિક હમિદા અમને બેગમ એકેડમી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. બેગમ એકૅડેમી એક ઑનલાઇન સ્પેસ છે, જે શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓને મફત મલ્ટીમીડિયા કોર્સીસ ઓફર કરે છે.
સાતમાથી બારમા ધોરણ સુધીના અભ્યાસક્રમને આવરી લેતા આ શૈક્ષણિક પ્લૅટફૉર્મે ગયા વર્ષે ડારી અને પશ્તો ભાષામાં 8,500થી વધુ વીડિયો પૂરા પાડ્યા હતા.
માર્ચમાં અમને બેગમ ટીવી શરૂ કર્યું હતું, જે ઉપગ્રહ મારફત બેગમ એકેડમીના અભ્યાસક્રમો પ્રસારિત કરતી એક શૈક્ષણિક ચેનલ છે.
એ પછી તેમનો રેડિયો બેગમ પ્રોજેક્ટ શરૂ થયો હતો. તાલિબાને 2021માં સત્તા સંભાળી પછી આ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું. તે મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે.

પ્લેસ્ટિયા અલકાદ, પેલેસ્ટાઇનિયન વિસ્તાર
પત્રકાર અને કવયિત્રી
ગાઝામાં યુદ્ધ શરૂ થયું એ પહેલાં 22 વર્ષનાં પ્લેસ્ટિયા અલકાદે હાલમાં જ યુનિવર્સિટીમાં સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. યુદ્ધની શરૂઆતના દિવસોમાં તેમણે પોતાના અપાર્ટમેન્ટમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા દરમિયાન પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
આ વીડિયો વાઇરલ થઈ ગયો અને ત્યાર બાદ ગાઝા અપડેટ, કવિતાઓ અને ડાયરી ઍન્ટ્રીઝ સાથે ઇન્સ્ટાગ્રામ પર તેમના 40 લાખ ફૉલોઅર્સ થઈ ગયા છે. આ રિપોર્ટ્સ પર આધારિત તેમના સંસ્મરણ, 'આઈઝ ઑફ ગાઝા' જલ્દી જ પ્રકાશિત થશે.
અલકાદને વન યંગ વર્લ્ડે વર્ષ 2024નાં પત્રકાર તરીકે પસંદ કર્યાં છે. તેમણે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ જેવાં ઉચ્ચ સ્તરીય મંચ પર પેલેસ્ટિનિયન લોકોની વકીલાત કરી છે.
અલકાદે નવેમ્બર 2023માં ગાઝા છોડી દીધું હતું. તેમને બૈરુતમાં મીડિયા સ્ટડીઝ માટે શિષ્યવૃત્તિ મળી હતી.

ક્રિસ્ટિના અસ્સી, લેબનોન
ફોટોજર્નલિસ્ટ
1990ના દાયકામાં લેબનોનમાં આંતરવિગ્રહ પછી સતત અસ્થિરતાનો સમય હતો ત્યારે ફોટો જર્નલિસ્ટ ક્રિસ્ટીના અસ્સીનો ઉછેર લેબનોનમાં થયો હતો અને એ કારણે સંઘર્ષના દસ્તાવેજીકરણ અને યુદ્ધની અકથિત કથાઓને આવરી લેવાની તેમની ઝુંબેશને વેગ મળ્યો હતો.
ઓક્ટોબર 2023માં દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં ત્યારે તેમના જીવનમાં એક દુ: ખદ વળાંક આવ્યો.
તે વિસ્ફોટમાં સાથી પત્રકાર ઈસ્સામ અબ્દાલ્લાહ માર્યા ગયા હતા, બીજા પાંચ સાથીઓ ઘવાયા હતા અને બાદમાં અસ્સીનો પગ કાપી નાખવો પડ્યો હતો.
આ અનુભવ તેમને પત્રકારોની સુરક્ષાની હિમાયત કરવા તરફ દોરી ગયો હતો અને તેમણે પેરિસમાં 2024 ઓલિમ્પિક મશાલ રિલેમાં તેમની સહભાગિતા એવા તમામ પત્રકારોને સમર્પિત કરી હતી, જેઓ ફરજ બજાવતી વખતે મૃત્યુ પામ્યા હતા.

ટ્રેસી એમિન, યુકે
કળાકાર
માય બૅડ અને ધ ટેન્ટ જેવી વિચારપ્રેરક કૃતિઓ દ્વારા ટ્રેસી એમિન 1990ના દાયકામાં પ્રસિદ્ધિ પામ્યાં હતાં. આ કૃતિઓ લોકોને તેમના જાતીય અનુભવો વિશે વિચારણા કરવા પ્રેરે છે.
એ પછી તેઓ કળાજગતમાં જાણીતું નામ બની ગયાં હતા, જેમની સ્વીકારોક્તિપૂર્ણ અને આત્મકથાત્મક શૈલી ખ્યાતિ પામી છે.
તેમની માય બૅડ કૃતિ લંડનમાં પ્રદર્શિત થયાને હવે 25 વર્ષ થઈ ગયાં છે. એ કૃતિએ મીડિયામાં ચર્ચા જગાવી હતી. એક સમયે બ્રિટિશ કલામાં બહુ લોકપ્રિય ન હોય તેવાં ગણાવવામાં આવતાં એમિનને આ વર્ષે કિંગ ચાર્લ્સ દ્વારા વિઝ્યુઅલ આર્ટ્સમાં તેમના યોગદાન માટે ડેમ બનાવવામાં આવ્યાં છે.
પ્રતિભાશાળી કળાકારોને કેળવવા માટે તેમણે યુકેના માર્ગેટમાં ટ્રેસી એમિન ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.
અત્યારે એક મહિલા હોવાના નાતે, મને લાગે છે કે આપણે શક્ય તેટલી વધારે લવચીકતા કેળવવાની જરૂર છે... મને લાગે છે કે મહિલાઓ માટે વધુ એકતા સાથે વધુ લડાઈ લડવાની જરૂર હોવાનો સમય હવે આવી ગયો છે.
ટ્રેસી એમિન

શેેરોન ક્લેઈનબામ, અમેરિકા
રબ્બી
ન્યૂ યૉર્કમાં યહૂદી સમુદાયમાં અગ્રણી રબ્બી શેરોન ક્લેઈનબોમ ત્રણ દાયકાથી LGBTQ+ અધિકારો અને ધર્મના આંતરછેદ પર પરિવર્તનની પ્રેરણા આપતા રહ્યાં છે.
1992માં શહેરના બીટ સિમચટ તોરાહ મંડળના પ્રથમ રબ્બી તરીકે નિયુક્ત થયા બાદ તેમણે 1990ના દાયકામાં એઇડ્સ કટોકટી સહિતના ઉતાર-ચઢાવમાં સમુદાયનું નેતૃત્વ કર્યું છે.
તેમણે ટ્રાંસ અને નૉન-બાઇનરી લોકોના સમાવેશ માટે મંડળના સભ્યપદના વિસ્તરણ કાર્ય પર દેખરેખ રાખી હતી અને હવે તે યુએસમાં સૌથી મોટું LGBTQ+ મૈત્રીપૂર્ણ સિનાગોગ હોવાનું માનવામાં આવે છે.
આ વર્ષે નિવૃત્ત થયેલા ક્લેઈનબોમ સામાજિક ન્યાય પ્રકલ્પ પાછળનું અગ્રણી બળ છે અને રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિશેના અમેરિકન પંચમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી.
આનંદ એ આધ્યાત્મિક અને રાજકીય લવચીકતાનું કાર્ય છે.
શેેરોન ક્લેઈનબામ

લિન્ડા ડ્રોફન ગનાર્સદોતિર, આઇસલેન્ડ
વીમેન્સ શેલ્ટર મેનેજર
આઇસલેેન્ડિક વીમેન્સ શેલ્ટરમાં લિન્ડા ડ્રોફન ગનાર્સદોતિર ઘરેલુ હિંસાને કારણે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોય તેવી મહિલાઓને મદદ કરે છે.
મહિલાઓ માટેના શ્રેષ્ઠ સ્થળ'ની યાદીમાં આઇસલૅન્ડ કાયમ ટોચ પર રહે છે, પરંતુ ત્યાં લિંગ આધારિત હિંસાનું પ્રમાણ ઘણું વધારે રહ્યું છે.
સેન્ટરનાં જનરલ મૅનેજર તરીકે તેઓ એક પ્રકલ્પનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે આઇસલૅન્ડનું મહિલાઓ માટેનું સૌપ્રથમ સહેતુક આશ્રયસ્થાન હશે.
ગનાર્સદોતિર કહે છે કે 20 વર્ષ પહેલાં આશ્રયસ્થાનોમાંની 64 ટકા સ્ત્રીઓ તેમની સતામણી કરનારાઓ પાસે પાછી ગઈ હતી, પરંતુ સુધારેલી સહાય અને સેવાઓના પરિણામે તે આંકડો હવે ઘટીને 11 ટકા થઈ ગયો છે.

ક્રિસ્ટિના રિવેરા ગાર્ઝા, મેક્સિકો-અમેરિકા
લેખિકા
સમૃ્દ્ધ લેખિકા ક્રિસ્ટિના રિવેરા ગાર્ઝાને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમાં સ્મૃતિકથા વિભાગમાં 2024માં પુલિત્ઝર પુરસ્કાર પામેલા તેમના પુસ્તક લિલિયાનાઝ ઇન્વિન્સિબલ સમરનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તક ફેમિસાઇડ (છોકરી અથવા સ્ત્રીની તેના લિંગને કારણે કરવામાં આવતી હત્યા) પર પ્રકાશ ફેંકે છે.
આ પુસ્તકમાં તેમણે તેમની બહેન લિલિયાનાની કથા કહી છે. લિલિયાનાના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે મેક્સિકોમાં 1990ના દાયકામાં તેની હત્યા કરી હતી અને નાસી છૂટ્યો હતો. તેને ક્યારેય પકડી શકાયો નથી. આ પુસ્તકમાં લેખિકા પ્રિયજનને ગુમાવવાના આઘાતનો સામનો કરે છે અને એક એવા દેશમાં ન્યાયની શોધ શરૂ કરે છે, જ્યાં નારી હત્યાનો દર સૌથી વધુ છે.
રિવેરા ગાર્ઝા યુનિવર્સિટી ઑફ હ્યુસ્ટન ખાતે સ્પેનિશ ભાષામાં સર્જનાત્મક લખાણ માટેના પીએચડી પ્રોગ્રામનાં સ્થાપક અને ચેર પણ છે.
ભાષા સાથે સતત અને સંપૂર્ણ સંઘર્ષ કરવો, જેથી ભાષા આખરે મહિલાઓની બાજુને અભિવ્યક્ત કરી શકે અને તે કોઈપણ પ્રકારની લવચીકતાનો પાયો સારી રીતે નાખશે.
ક્રિસ્ટિના રિવેરા ગાર્ઝા

જોહાના બહામૉન, કોલંબિયા
સામાજિક કાર્યકર
કોલંંબિયન અભિનેત્રી જોહાના બહામોનનું જીવન કોલંબિયાની જેલની એક મુલાકાત બાદ બદલાઈ ગયું હતું. જેમને બીજી તકની જરૂર હોય તેવા લોકો માટે કામ કરવાની પ્રેરણા તેમને મળી હતી.
2012માં તેમણે અભિનયની કારકિર્દી છોડીને જેલ સુધારણાની હિમાયત શરૂ કરી હતી અને ફાઉન્ડેશન એક્કોન ઈન્ટેર્નાની સ્થાપના કરી હતી, જે એક સ્વૈચ્છિક સંગઠન છે અને કોલંબિયાની જેલમાંના લોકોને અને મુક્ત કરવામાં આવેલા લોકોને ટેકો આપે છે.
આ ફાઉન્ડેશન દેશભરમાંના દોઢ લાખથી વધુ લોકો અને 132 અટકાયત કેન્દ્રો સુધી પહોંચ્યું છે.
આ સામાજિક કાર્યકર જોહાના બહામોન ખરડા તરીકે ઓળખાતા 2022ના સેકન્ડ ઓપોર્ચ્યુનિટીઝ કાયદાના પુરસ્કર્તા પણ છે, જેમાં જેલ પછી લોકોને રોજગાર તથા તાલીમની સુવિધા મજબૂત કરવા આર્થિક પ્રોત્સાહનની જોગવાઈ કરવામાં આવી છે.
લવચીક હોવું એટલે મુશ્કેલી પછી ઊભા થવું અને આગળ વધતા રહેવું. તેનો અર્થ છે મુશ્કેલીને વ્યક્તિગત વિકાસની તકમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવો.
જોહાના બહામૉન

શિન ડાઈવે, મ્યાનમાર
ફિલ્મસર્જક
પુરસ્કાર વિજેતા ડૉક્યુમેન્ટરી ફિલ્મ સર્જક શિન ડાઈવેની તેમના સામાનમાં ડ્રોન મળી આવ્યું પછી ધરપકડ કરવામા આવી હતી.
લશ્કરી શાસન હેઠળના મ્યાનમારમાં તેમની સામે આ વર્ષે કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમના પર આતંકવાદ વિરોધી કાયદાઓના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બંધ અદાલતમાં તેમને કાયદાકીય પ્રતિનિધિ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેમને આજીવન કેદની સજા કરવામાં આવી હતી.
આ ફિલ્મસર્જક 1988થી લશ્કરી શાસનનો વિરોધ કરતા રહ્યાં છે અને અટકાયત તેમના માટે કોઈ નવી વાત નથી.
તેમણે સંખ્યાબંધ ડૉક્યુમેન્ટરીનું દિગ્દર્શન કર્યું છે. એ પૈકીની કેટલીક તો આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષ્યું છે. તેમાં 2007ના લોકશાહી તરફી વિરોધ પ્રદર્શન વિશેની તેમની ફિલ્મનો સમાવેશ થાય છે. એ પ્રદર્શનમાં હજારો બૌદ્ધ સાધુઓ જુન્ટા સામેના પ્રદર્શનમાં જોડાયા હતા.

ઝાનિલ્સિનઝાત તુર્ગનબાયેવા, કિર્ગિઝસ્તાન
મ્યુઝિયમ મેનેજર
કિર્ગિસ્તાનના સાંસ્કૃતિક વારસાને જાળવવો અને તેને પુનર્જીવિત કરવો એ ઝાનિલ્સિનઝાત તુર્ગનબાયેવાની અગ્રતા છે.
તે બિશ્કેકમાં વંશીય સંગ્રહાલય ચલાવે છે, જેમાં અનન્ય રાષ્ટ્રીય કલાકૃતિઓ છે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષે છે.
તેમના સખાવતી કાર્યોમાં કિર્ગીઝ સાહિત્યની જાળવણીનો, માનસના મહાકાવ્યનો સમાવેશ થાય છે. તે એક યોદ્ધાની વાર્તા કહે છે જેણે કિર્ગીઝ પ્રદેશની 40 જાતિઓને એક કરી હોવાનું કહેવાય છે.
યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ આ કવિતાના એક સંસ્કરણમાં લગભગ 5,00,000 પંક્તિઓનો સમાવેશ થાય છે અને તે વિશ્વનું સૌથી લાંબુ મહાકાવ્ય માનવામાં આવે છે (હોમરની ધ ઓડિસી કરતાં વીસ ગણું લાંબુ). તુર્ગનબાયેવાનું કાર્ય 'માનાસ્કિસ' માટે તકો અને સંસાધનો બનાવે છે. માનાસ્કિસ આ કિર્ગીઝ ક્લાસિકનું પઠન કરે છે.

શહર્નુશ પાર્સિપુર, ઈરાન-અમેરિકા
લેખિકા અને અનુવાદક
ઈરાનના સૌથી પ્રસિદ્ધ નવલકથાકારોમાંના એક શહર્નુશ પાર્સિપુરે તેમના કાર્યમાં પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓના જાતીય દમન અને બળવા જેવા નિષિદ્ધ મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે.
તેમણે ઈરાની નેશનલ ટેલિવિઝન અને રેડિયો પર વાર્તાલેખિકા અને નિર્માતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ 1979ની ક્રાંતિ પહેલા બે કવિ કર્મશીલોની ફાંસીની સજાના વિરોધમાં રાજીનામું આપ્યું હતું. તેના પરિણામે તેમને પ્રથમવાર જેલની સજા થઈ હતી.
ક્રાંતિ બાદ તેમના કામ પર ઈરાનમાં વ્યાપકપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમની નવલકથા વિમેન વિથાઉટ મેનમાં કૌમાર્યની આસપાસના મુદ્દાઓના ખુલ્લેઆમ ઉલ્લેખ બદલ તેમને ફરીથી જેલની સજા કરવામાં આવી હતી. એ નવલકથાને બાદમાં ઈરાન બહાર ફીચર ફિલ્મમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
પાર્સીપુરે તેમના લેખનમાં જેલવાસનો અનુભવ વર્ણવ્યો છે અને તેઓ 1994થી અમેરિકામાં રહે છે.

શુઆન ફુઓંગ, વિયેતનામ
ફિલ્મ દિગ્દર્શક, લેખિકા, ગેલેરી માલિક
પોતાના 95મા જન્મદિવસની નજીક પહોંચી રહેલાં લેખિકા અને દિગ્દર્શક શુઆન ફુઓંગ બહુ જ પૂર્ણ જીવન જીવ્યાં છે.
તેમણે વિયેતનામમાં બે યુદ્ધોનો અનુભવ કર્યો છે અને 16 વર્ષની વયે ફ્રાન્સથી દેશની સ્વતંત્રતા માટે લડ્યાં હતાં.
ડૉક્ટર તરીકે સ્નાતક થયાં પછી તેમણે ક્લિનિકનાં વડા, યુદ્ધ સંવાદદાતા અને વિયેતનામ ટેલિવિઝન માટે ફિલ્મ દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. તેઓ સાયગોનના પતન જેવી ઐતિહાસિક ક્ષણોની સાક્ષી છે.
62 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાને બદલે તેમણે લોટસ ગેલેરી શરૂ કરી હતી, જે હો ચી મિન્હ સિટીની પ્રથમ ખાનગી ગેલેરીઓમાંની એક છે. આ ગેલેરી દ્વારા તેઓ વિયેતનામી કલાને વિશ્વમાં લાવવા માંગે છે. તેમણે વ્યાપક ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખ્યું છે.

યુજિનિયા બોનેટી, ઇટાલી
ખ્રિસ્તી સાધ્વી
સિસ્ટર યુજેનિયા બોનેટીએ 100થી વધુ આશ્રયસ્થાનોનું સંચાલન કરવામાં અને માનવ તસ્કરી તથા શોષણનો ભોગ બનેલી સ્થળાંતરિત મહિલાઓને ટેકો આપવા આફ્રિકામાં ખ્રિસ્તી સાધ્વીઓ સાથે નેટવર્ક સ્થાપિત કરવામાં મદદ કરી છે.
તેમણે રોમમાં દેહવ્યાપારમાં ધકેલવામાં આવેલી મહિલાઓને મદદ કરવામાં ઘણી રાતો વિતાવી હતી અને સ્લેવ્સ નો મોર નામની સંસ્થાની પ્રમુખ બન્યાં હતાં. આ સંસ્થાએ માનવ તસ્કરી અંગે જાગૃતિ ફેલાવી હતી.
બોનેટી કેન્યામાં 24 વર્ષથી વધુ સમય સુધી મિશનરી હતા અને વિવિધ દેશોમાં અધિકારીઓને તેમણે માનવ તસ્કરી વિરોધી પહેલ વિકસાવવામાં મદદ કરી હતી.
નિવૃત્ત થતાં પહેલાં તેમને પોપ ફ્રાન્સિસે 2019માં વે ઑફ ધ ક્રૉસ લખવા કહ્યું હતું, જે કેથોલિકો માટે કોલોસિયમ ખાતે ગુડ ફ્રાઇડેનું મુખ્ય વાર્ષિક ભક્તિગીત છે.

યાસ્મીન મજાલી, પેલેસ્ટિનિયન પ્રદેશ
ડિઝાઈનર
ફેશન ડિઝાઇનર યાસ્મીન મજલીની રચનાઓ પેલેસ્ટિનિયન જીવન અને પરંપરાઓથી પ્રેરિત છે.
અમેરિકન દક્ષિણમાં ઊછર્યા પછી તેમણે વેસ્ટ બૅન્કના રામલ્લાહમાં સ્થળાંતર કર્યું હતું, જ્યાં 2020માં તેમણે પોતાની બ્રાન્ડ Nöl Collective લોન્ચ કરી હતી.
તેમનું ફેશન લેબલ સામૂહિક રીતે વસ્ત્રોનું ઉત્પાદન કરવા માટે કુટુંબ સંચાલિત સીવણ વર્કશોપ, નેચરલ ડાય એજન્ટ્સ પૂરા પાડતી સ્થાનિક મસાલાની દુકાનો અને મહિલા સહકારી સંસ્થાઓ સાથે કામ કરે છે. દરજીઓ, વણકરો, ભરતકામ કરનારાઓ અને નકશીકામ કરનારાઓ પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરે છે. કાપડ બનાવવાની પેલેસ્ટિનિયન હસ્તકલાને સન્માન આપે છે.
મજલી પેલેસ્ટિનિયનોની કથા કહેવા માટે તેમના વસ્ત્રોનો ઉપયોગ કરે છે. તેમણે ડેનિમ જેકેટ્સ અને ટી-શર્ટ્સ પર ‘નૉટ યોર હબીબતી’ (તમારું બાળક નથી) વાક્ય પેઇન્ટ કરીને વૈશ્વિક સ્તરે મહિલાઓની શેરીઓમાં થતી સતામણીને પણ વાચા આપી છે.

રોક્સી મરે, યુકે
વિકલાંગ અધિકાર વકીલ
મલ્ટીપલ સ્ક્લેરોસિસ (એમએસ)થી પીડિત એક પેનસેક્સુઅલ વ્યક્તિ તરીકેના પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરતા રોક્સી મરે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ ગંભીર રીતે બીમાર લોકોને સશક્ત બનાવવા અને ચિકિત્સા ધર્માર્થ તથા કોર્પોરેટ ક્ષેત્રોમાં બહિષ્કારને પડકારવા માટે કરે છે.
મરેની સક્રિયતા ફેશનમાં તેમના બૅકગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે, લોકોને સ્ટાઇલ સાથે ગતિશીલતા સહાયતાઓ તરફ સંક્રમણ કરવામાં મદદ કરે છે અને લઘુમતીઓ અને વંશીય રીતે વૈવિધ્યસભર જૂથોમાંથી વિકલાંગ લોકો માટેની દૃશ્યતાને પ્રોત્સાહન આપે છે.
તેઓ ધ સિક ઍન્ડ સિકનિંગ પૉડકાસ્ટનાં સ્થાપક છે, જે વિકલાંગતા અને માંદગી સાથે જીવવા વિશે, પીડા વ્યવસ્થાપનથી લઈને જાતીય સ્વાસ્થ્ય અને શરીર અને લૈંગિક સકારાત્મકતા વિશેની અનફિલ્ટર્ડ કથાઓ શેર કરે છે.
વિલક્ષણ, બ્રાઉન અને વિકલાંગ સ્ત્રી તરીકે, લવચીકતા બહુ જ વ્યક્તિગત અને ગહન રીતે સામૂહિક છે. તે, જેણે મારા જેવા હાંસિયામાં ધકેલી દીધા એ સિસ્ટમને પડકારવાની તાકાત વિશેની છે
રોક્સી મરે

સુ મિન, ચીન
રોડ ટ્રિપર અને ઇન્ફ્લુઅન્સર
50 વર્ષની વયે અને ત્રાસદાયક લગ્નમાંથી બહાર આવ્યા પછી સુ મિન એક કાર, એક ટેન્ટ અને પોતાના પેન્શન સાથે ચીનમાં એકલા રોડ ટ્રિપ પર નીકળી પડ્યાં હતાં.
2020માં પ્રવાસ શરૂ કર્યો ત્યારથી તેમણે 20થી વધુ પ્રાંતોમાંનાં 100થી વધુ શહેરોની મુલાકાત લીધી છે.
તેમણે તેમની સંપૂર્ણ યાત્રાનું દસ્તાવેજીકરણ કર્યું છે અને તેમની કહાણીએ સોશિયલ મીડિયા પર ગરમાગરમ ચર્ચાઓને જન્મ આપ્યો છે, કારણ કે તેમણે સમાજમાં મોટાભાગે આન્ટી કહેવામાં આવે છે તેવી મધ્યમ આયુ વર્ગની સ્ત્રીઓને યથાસ્થિતિ સામે ડગલા ભરવાનું સાહસ કરવાની પ્રેરણા આપી છે.
તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર હાલ તેમના 60 લાખ ફૉલોઅર્સ છે અને તેમના જીવન વિશે, રોલિંગ સ્ટોનની માફક એક ફિલ્મ બનાવવામાં આવી છે, જે આ વર્ષે પ્રદર્શિત થશે.

ઓલિવિયા મેકવે, યુકે
મેક-અપ આર્ટિસ્ટ
એલોપેસીયાનું નિદાન થયા પછી, ઓલિવિયા મેકવીગે વિગની દુનિયામાં શોધખોળ કરી. નવી શૈલીઓ અજમાવીને અને વૈકલ્પિક વાળ સાથે પ્રયોગ કરીને, તેમણે વાળ ખરતા હોય તેવી સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવા અને તેમના સશક્તિકરણ માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવ્યું.
લગભગ પાંચ લાખ ફોલોઅર્સ ધરાવતા ઓલિવિયા એલોપેસીયા અને મહિલા સ્વાસ્થ્ય બાબતે જાગૃતિના પ્રસાર ઉપરાંત વિગ પહેરવાનું પણ નોર્મલ બાબત બનાવી રહ્યાં છે.
મેેક-અપ આર્ટિસ્ટ અને ઉત્તર આયર્લેન્ડના ઈન્ફ્લુઅન્સર ઓલિવિયા તરૂણાવસ્થામાં હતાં ત્યારથી જ તેમના વાળ ખરવા લાગ્યા હતા.
હવે તેઓ વિગ વર્કશોપ્સ યોજે છે અને આત્મવિશ્વાસ પાછો મેળવવાની પોતાની યાત્રાની, એલોપેસીયાથી પીડાતી મહિલાઓ એકઠી થઈ શકે એ માટે સલામત સ્થળ બનાવવાના અને આ રોગ સંબંધી વાતચીતને સામાન્ય બનાવવાની વાતો શેર કરે છે.
લવચીકતા એ તાજ છે જે અમે સ્ત્રીઓ પહેરીએ છીએ. આપણી આસપાસના વાતાવરણમાં અનુકૂલન, પરિવર્તન અને વિકાસ પામવા માટે આપણે હંમેશા સક્ષમ છીએ, પછી ભલે તે સંજોગો ગમે તેવા હોય.
ઓલિવિયા મેકવે

હિન્ડા અબ્દી મોહમુદ, સોમાલિયા
પત્રકાર
યુવા વયથી જ ઉત્સાહી લેખિકા હિન્ડા અબ્દી મોહમુદ એક ડાયરી લખતાં હતાં તેમાં તેમણે સોમાલિયામાંના તેમના વતન જિગજિગામાં થતી હિંસાથી નાસીને હર્ગેઈસા જતા લોકોની કથાઓ નોંધી હતી.
હવે તેઓ દેશની સૌપ્રથમ અને મહિલાઓની જ મીડિયા ટીમ બિલાનના વડાં તંત્રી છે.
સોમાલિયામાં કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણીના ઊંચા દરના સામના માટે આ ટીમની રચના કરવામાં આવી છે. આ પડકારને સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં પણ સ્વીકૃતિ આપવામાં આવી છે.
પત્રકારો માટે વિશ્વના સૌથી ખતરનાક દેશો પૈકીના એક સોમાલિયામાં સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ ફેંકવાનો બિલાનનો ઇરાદો છે. તેઓ એચઆઈવીને કારણે છૂપાઈને જીવતા સોમાલી લોકો, અનાથોની સતામણી અને તેમના સમુદાય દ્વારા તરછોડવામાં આવતા એલ્બિનોઝ જેવી સ્ટોરીઝ કવર કરે છે.
યમન,
હેરિટેજ કન્ઝર્વેશન એન્જિનિયર
યમનમાં વર્ષોના યુદ્ધ પછી ઐતિહાસિક મહત્ત્વની ઘણી ઇમારતોને નુકસાન થતાં એન્જિનિયર હરબી અલ હિમ્યારીએ તેમને જીવનની નવો અર્થ આપવા માટે એક મિશન શરૂ કર્યું હતું.
યુએનની સાંસ્કૃતિક એજન્સી યુનેસ્કો જેવી અન્ય સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને તેમણે ઓલ્ડ સાના અને સમગ્ર દેશમાં ડઝનેક રહેણાંક અને હેરિટેજ ઇમારતોને પુનઃસ્થાપિત કરી છે. યુનેસ્કોએ 16,000થી વધુ સ્થળોએ નુકસાનનો સરવે કર્યો છે.
હેરિટેજ સંરક્ષણના ક્ષેત્રમાં તેમના કાર્યથી માત્ર ઐતિહાસિક સ્થળોની જાળવણી નથી થઈ પરંતુ ઘણા લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થયો છે.
અલ હિમ્યારીએ સ્થાનિક રહેવાસીઓને પરંપરાગત મકાન નિર્માણ કલામાં તાલીમ પણ આપી છે અને યુવતીઓને આ ઉદ્યોગમાં આવવા માટે પ્રેરિત પણ કરી છે.

દિલોરોમ યુલ્ડોશેવા, ઉઝબેકિસ્તાન
સીમસ્ટ્રેસ અને મહિલા વ્યવસાયી
દિલોરોમ યુલ્ડોશેવાએ બે વર્ષ પહેલાં એક અકસ્માતમાં તેમના બન્ને પગ ગૂમાવ્યા હતા, પરંતુ એ ઘટના તેમને મોટા સપના જોતાં અટકાવી શકી ન હતી.
તેઓ નવું કૌશલ્ય પ્રાપ્ત કરવાની સાથે આજીવિકા રળવામાં ઉઝબેકિસ્તાનની યુવતીઓને મદદરૂપ થવા ઇચ્છતાં હતાં. તેથી તેમણે પોતાનો સિવણનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
તેઓ ઉદ્યોગસાહસિકતા અને રિસોર્સ મેનેજમેન્ટના મૂળભૂત પાઠ ભણ્યા હતા અને બાદમાં 40થી વધારે તાલીમાર્થીઓને તાલીમ આપી હતી. થોડાક મહિનાઓમાં જ તેમની કંપનીનો નોંધપાત્ર વિકાસ થયો હતો.તેમણે ફ્રી વર્કશૉપ્સનું આયોજન કર્યું હતું અને કામદારો તથા શાળાના વિદ્યાર્થીઓના ગણવેશ બનાવવા માટેના કૉન્ટ્રેક્ટ્સ હાંસલ કર્યા હતા.
તેમનો બિઝનેસ તેમના તથા અન્ય ડઝનબંધ મહિલાઓ માટે આવકનો સ્રોત બન્યો છે.

ઈદાનિયા ડેલ રિયો, ક્યુબા
ફૅશન ઉદ્યોગસાહસિક
ક્લેન્ડેસ્ટિના ક્યુબાની પ્રથમ સ્વતંત્ર ફેશન બ્રાન્ડ છે, જેણે વૈશ્વિક બજારમાં પોતાનાં વસ્ત્રો ઓનલાઈન વેચ્યા છે. તેની સહ-સ્થાપના ગ્રાફિક ડિઝાઇનર ઈડાનિયા ડેલ રિઓ દ્વારા કરવામાં આવી છે.
પ્રમુખ રૌલ કાસ્ટ્રોએ સ્વતંત્ર બિઝનેસ અને વ્યાપાર માટેના નિયંત્રણો હળવા કર્યાં ત્યાર પછી આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
હવાના સ્થિત મોટાભાગની મહિલા ડિઝાઇનરોની ટીમ દ્વારા બનાવવામાં આવેલાં ઉત્પાદનો ક્યુબન સંસ્કૃતિની ઉજવણી કરે છે અને ટાપુની સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો હેતુ ધરાવે છે. ડેલ રિઓ કંપનીની પ્રૉડક્શન ચેઇનમાં અપસાઇકલિંગનો સમાવેશ કરે છે અને ટકાઉ કાર્યપદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
હવાના ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઇનના સ્નાતક ઇદાનિયાએ પોતાનો ફૅશન બિઝનેસ શરૂ કરતા પહેલાં ગેલેરીઝ, થિયેટર્સ અને ફેસ્ટિવલ્સ માટેના પોસ્ટર્સ પણ ડિઝાઇન કર્યાં હતાં.

લેેસ્લી લોક્કો, ઘાના-યુકે
આર્કિટેક્ટ
"આર્કિટેક્ચરનું લોકશાહીકરણ"એ લેસ્લી લોક્કોને રૉયલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સનો 2024 સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે, જે તેમના ક્ષેત્રમાં વિશ્વના સર્વોચ્ચ સન્માન પૈકીનું એક છે. 1848માં સંસ્થાની સ્થાપના પછી એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ અશ્વેત મહિલા બન્યાં છે.
ઓછું પ્રતિનિધિત્વ પામ્યા હોય તેવા લોકોને ઉદ્યોગમાં લાવવા માટે તેમણે પુષ્કળ કામ કર્યું છે.
આ ઘાના-સ્કૉટિશ શિક્ષણવિદ્ વેનિસ બિએનલ ઓફ આર્કિટેક્ચરને ક્યુરેટ કરનારા આફ્રિકન વંશના પહેલા મહિલા પણ છે. એ કામમાં તેમણે ડીકાર્બનાઇઝેશન અને ડીકૉલનાઇઝેશનની થીમ પર ફોક્સ કર્યું હતું.
તેઓ અક્રાની આફ્રિકન ફ્યુચર્સ ઇન્સ્ટિટ્યુટના સ્થાપક પણ છે, જે સ્થાપત્ય, ઓળખ અને વંશ વચ્ચેના સંબંધ વિશે અભ્યાસ કરે છે.
લવચીકતા, ઉદાસીનતા હોય તો પણ લાંબા સમય સુધી પોતાના માર્ગ પર ટકી રહેવાની ક્ષમતા છે. ઉદાસીનતાને સહન કરવાનું વિરોધ કરતાં પણ વધારે મુશ્કેલ હોય છે.
લેેસ્લી લોક્કો

પૂજા શર્મા, ભારત
અંતિમવિધિકર્તા
પૂજા શર્મા છેલ્લાં ત્રણ વર્ષથી દિલ્હીમાં બિનવારસી મૃતદેહોની અંતિમવિધિનું કામ કરે છે.
તેમનો અંગત અનુભવ તેમની પ્રેરણા બન્યો છે. તેમના ભાઈનું મૃ્ત્યુ થયું અને તેમની સહાય માટે કોઈએ મદદ ન કરી ત્યારે તેમણે તેમના ભાઈની અંતિમવિધિ કરી હતી.
પૂજા શર્માએ પૂજારીઓ અને તેમના સમુદાયના વિરોધનો સામનો કરવો પડ્યો છે, કારણ કે હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે આ કામ પુરુષો કરતા હોય છે.
વિરોધ છતાં પૂજાએ વિવિધ ધર્મ અને સમુદાયના 4,000થી વધુ લોકોની અંતિમવિધિ કરી છે. પોતાના કામને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે અને દરેક મૃતકના ગૌરવને જાળવ્યું છે.

માહેદેર હેઈલેસીલાસી, ઈથીયોપિયા
ફોટોગ્રાફર
સૂકી નદીઓ અને નષ્ટ થઈ ગયેલા પાકવાળા પ્રદેશમાં કામ કરતા ઈથિયોપિયાના ફોટોગ્રાફર મેહેદર હેઈલેસિલાસીએ એ ઘટનાનું દસ્તાવેજીકરણ કર્યું છે કે ગંભીર દુષ્કાળે તેમના દેશમાં પરિવારોને પોતાની દીકરીના બાળવિવાહ માટે કેવી રીતે મજબૂર કર્યા છે. આ એક એવો વિષય છે, જેણે તેમને 2023નો સમકાલીન આફ્રિકન ફોટોગ્રાફી પુરસ્કાર અપાવ્યો હતો.
માનવાધિકાર સંગઠનોનું અનુમાન છે કે જળવાયુ સંકટને કારણે બાળવિવાહનું જોખમ હોય તેવી છોકરીઓની સંખ્યામાં 2050 સુધીમાં વૈશ્વિક સ્તરે 33 ટકા વધારો થશે.
હેઈલેસેલાસીની ફોટોગ્રાફી એવા લોકોના ઈતિહાસ અને અનુભવોથી તેમજ તેમના પોતાના અનુભવોથી પણ પ્રેરિત છે, જેમની સાથે તેઓ રોજ જોડાયેલા હોય છે.
તેમનું કામ આ વર્ષના આફ્રિકન બિએનેલ ઓફ ફોટોગ્રાફી સહિતના ઘણા પ્રતિષ્ઠિત સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

મારિયા ટેરેસા હોર્તા, પોર્ટુગલ
કવિયત્રી
લેખિકા અને પત્રકાર મારિયા ટેરેસા હોર્તા પોર્ટુગલના અગ્રણી નારીવાદીઓ પૈકીનાં એક છે. તેમણે અનેક પુરસ્કાર વિજેતા પુસ્તકો લખ્યાં છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પુસ્તક નોવાસ કાર્ટાસ પોર્ટુગીસાસ (ન્યૂ પોર્ટુગીઝ લેટર્સ)નાં સહ-લેખિકા તરીકે વધારે જાણીતાં છે.
વાર્તા, કવિતા અને શૃંગારિક સાહિત્ય પર પોર્ટુગલની સરમુખત્યાર સરકારે 1972માં પ્રતિબંધ મૂક્યો હતો અને હોર્તા તથા તેમંના સહલેખકો સામે અશ્લિલતા તેમજ "અખબારી સ્વાતંત્ર્યના દુરુપયોગ" બદલ કેસ ચલાવવામાં આવ્યો હતો.
તે કેસ ઓફ ધ થ્રી મારિયાઝ નામે જાણીતો થયો હતો, અખબારોમાં ચમક્યો હતો અને તેની સામે વિશ્વભરમાં વિરોધ થયો હતો.
કાર્નેશન ક્રાંતિકારીઓએ તે સરકારને 1974માં ઊથલાવી દીધી પછી તેમની સામેનો ખટલો પૂર્ણ થયો હતો અને આ વર્ષે તે ઐતિહાસિક ક્ષણની 50મી જયંતિ છે.

માર્ગારિટા બેરિએન્ટોસ, આર્જેન્ટિના
સૂપ કિચનનાં સ્થાપક
માત્ર 15 લોકો માટે સૂપ કિચન શરૂ કરવાથી માંડીને હાલ રોજ 5,000થી વધુ લોકોને ભોજન કરાવતા માર્ગારિટા બેરિઆન્ટોસ આર્જેન્ટિનામાં ભૂખ વિરુદ્ધની લડાઈ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. આર્જેન્ટિની 4.6 કરોડ લોકોની વસ્તીના 53 ટકા લોકો ગરીબીમાં જીવી રહ્યા છે.
દેશના સૌથી ગરીબ પ્રદેશો પૈકીના એકમાં જન્મેલા બેરિઆન્ટોસે બહુ નાની વયે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે 1996માં લૉસ પાઈલેટોન્સમાં સૂપ કિચનની શરૂઆત કરી હતી, જે બાદમાં ફાઉન્ડેશન બન્યું અને આજે ડે કેર સેન્ટર્સ, હેલ્થ સેન્ટર્સ, સિવણ કાર્યશાળા અને ગ્રંથાલય ચલાવે છે.
તેમની સામુદાયિક સેવાને અનેક બિઝનેસીસ તથા સેલેબ્રિટીઝનો ટેકો મળ્યો છે. ફૂટબૉલ ખેલાડી લાયોનલ મેસીએ પોતાનું સહીવાળું ટીશર્ટ તેમને લિલામ માટે આપ્યું હતું.

એનેટ હૉફમૅન, ઇઝરાયલ
ધાર્મિક કર્મશીલ
અનત હૉફમૅને યહુદી ધર્મમાં લિંગ સમાનતા અને ધાર્મિક બહુલવાદની ઝુંબેશમાં દાયકાઓ વિતાવ્યા છે.
તેઓ વીમેન ઑફ ધ વૉલ ગ્રૂપનાં સ્થાપક સભ્ય છે, જે જેરુસલેમના ઓલ્ડ સિટીમાં વેસ્ટર્ન વૉલ ખાતે યહૂદી મહિલાઓ માટે સમાન પ્રાર્થના અધિકારો માંગે છે. મહિલાઓને પ્રાર્થના શાલ પહેરવા અને સામૂહિક રીતે તોરાહ વાંચવા પર પ્રતિબંધ મૂકતા નિયમો સામે તેઓ વર્ષોથી લડત આપતા રહ્યાં છે.
"હૉફમૅને ઇઝરાયલ રિલિજિયસ ઍક્શન સેન્ટરનાં ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ 20 વર્ષ સુધી સેવા આપી હતી. તે સુધારા ચળવળની કાનૂની અને હિમાયત શાખા છે, જે સમાનતા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે."
તે પહેલાં તેમણે જેરૂસલેમ સિટી કાઉન્સિલમાં બેઠક યોજી હતી અને અલ્ટ્રા-ઑર્થોડૉક્સ નીતિઓને પડકારી હતી.
મનોરંજન અને રમતગમત

રેબેકા એન્ડ્રેડ, બ્રાઝિલ
જિમ્નાસ્ટ
કુલ છ મેડલ વિજેતા જિમ્નાસ્ટ રેબેકા એન્ડ્રેડ બ્રાઝિલની સૌથી વધુ પદકો પામેલા ઓલિમ્પિયન છે (તેમની પાસે નવ વર્લ્ડ ટાઇટલ પણ છે).
તેમણે પેરિસ 2024માં ફ્લોર એક્સરસાઇઝમાં વિશ્વના સૌથી વધુ પદક વિજેતા જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. મેડલ સમારોહ દરમિયાન બાઈલ્સ અને સાથી યુએસ જિમ્નાસ્ટ જોર્ડન ચિલ્સે બ્રાઝિલિયનને નમન કર્યું હતું. આ અભિવ્યક્તિ વાયરલ થઈ હતી અને આ વર્ષની ઓલિમ્પિક્સનું પ્રતીક બની હતી.
આઠ બાળકો પૈકીનાં એક એન્ડ્રેડ 10 વર્ષની ઉંમર સુધી સાઓ પાઉલોની બહારના તેના ફેવેલાથી પ્રેક્ટિસ કરવા માટે ચાલીને જતા હતાં, જ્યારે તેમનાં માતા તેમની તાલીમની ફી ચૂકવવા લોકોના ઘરોમાં સફાઈકામ કરતાં હતાં.
એક જિમ્નાસ્ટ તરીકેના ઉદય દરમિયાન તેઓ ઘણી ગંભીર ઇજાઓમાંથી બહાર આવ્યાં છે અને માનસિક સ્વાસ્થ્યને અગ્રતા આપવાની વાત કાયમ ખુલ્લેઆમ કરતાં રહ્યાં છે.
અમારી સાથે જે પણ થાય છે, તેને આપણે કેવી રીતે સંભાળીએ છીએ, આનાથી આપણી લવચીકતાની હદ જોડાયેલી હોય છે. હું મારા સાથીઓને પણ ખરાબ સમયમાં પણ કંઈક સારું શોધી કાઢવામાં મદદ કરું છું.
રેબેકા એન્ડ્રેડ

ટ્રેસી ઓટ્ટો, અમેરિકા
તીરંદાજ
ટ્રેસી ઓટ્ટો પર તેમના જ ઘરમાં તેમના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે 2019માં હુમલો કર્યો હતો. એ કારણે તેમની છાતીનો નીચલો હિસ્સો પેરલાઇઝ થઈ ગયો હતો અને તેમણે ડાબી આંખ ગુમાવી હતી. ફિટનેસ મૉડલ બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ટ્રેસીએ ફરી સક્રીય થવા કટિબદ્ધ હતાં.
માર્ચ 2021માં ઓટ્ટોએ, અગાઉ ક્યારેય વિચાર્યું ન હતું તે રમત તીરંદાજી શીખવાનું નક્કી કર્યું હતું. તેમણે પહેલી જ વખત છોડેલું તીર ટાર્ગેટ પર લાગ્યું હતું અને તેઓ એ તીરંદાજીને વળગી રહ્યાં હતાં.
આ વર્ષે ઓટ્ટોએ તેમની સૌપ્રથમ પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેમની અક્ષમતાને કારણે તેઓ તીર છોડવા માટે તેમના મોંનો ઉપયોગ કરે છે.
લગભગ પાંચ વર્ષ પછી ઓટ્ટો તેમના અનુભવનો ઉપયોગ ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પીડિતોની હિમાયત માટે પણ કરે છે.

હાદિકા કિઆની, પાકિસ્તાન
ગાયિકા અને ગીતકાર
પાકિસ્તાનના સંગીત સિતારાઓ પૈકીનાં એક હાદિકા કિયાની તેમના બહુમુખી અવાજ અને માનવતાવાદી કાર્યોમાં તેમના યોગદાન માટે જાણીતાં છે.
1990ના દાયકામાં ખ્યાતિ પામ્યા બાદ તેઓ દક્ષિણ એશિયાનાં સ્ત્રી પૉપ સંગીત ક્ષેત્રે એક પ્રખ્યાત થયાં હતાં તેમજ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના ગુડવિલ ઍમ્બેસેડર પણ બન્યાં હતાં.
પાકિસ્તાનમાં 2022ના વિનાશક પૂરના પ્રતિસાદમાં કિઆનીએ તેમનો વસીલા-એ-રાહ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે બલૂચિસ્તાન અને દક્ષિણ પંજાબના પ્રદેશોમાં પીડિતોની મદદને સમર્પિત છે.
વિસ્થાપિત પરિવારોને મદદ કરવાની વિનંતી તેમણે લોકોને કરી હતી અને ગયા વર્ષે તેમના પ્રોજેક્ટે જાહેરાત કરી કે તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં 370 ઘરો અને અન્ય સુવિધાઓનું નિર્માણ કર્યું છે.

ફિર્દા મર્સ્યા કુર્નિયા, ઇન્ડોનેશિયા
હેવી મેટલ બૅન્ડ મ્યુઝિશિયન
લિંગ અને ધાર્મિક ધોરણોને પડકારવાનું ફિરદા મર્સ્યા કુર્નિયાને પસંદ છે. તેઓ હિજાબ પહેરતી મહિલાઓના બનેલા હેવી મેટલ બૅન્ડ વૉઇસ ઑફ બેસેપ્રોટનાં લીડ સિંગર છે.
ઇન્ડોનેશિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક અંગ્રેજી અને સંડેનીઝમાં ગાતી આ ત્રિપુટીનાં ગીતો પિતૃસત્તા પ્રત્યેની તેમની હતાશા વ્યક્ત કરે છે.
વધુ રૂઢિચુસ્ત મુસ્લિમો તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો, જેમણે હેવી મેટલમાં સાહસને સારો પ્રતિસાદ આપ્યો ન હતો.
પરંતુ 10 વર્ષ પહેલાં પશ્ચિમ જાવાના ગરુતમાં તેમના ગામની શાળામાં શરૂઆત કરી ત્યારથી બૅન્ડે ઘણો લાંબો પંથ કાપ્યો છે. આ વર્ષે તેઓએ ગ્લાસ્ટનબરી ખાતે પરફૉર્મ કર્યું હતું અને આ સંગીત ઉત્સવનાં 54-વર્ષના ઇતિહાસમાં પરફૉર્મ કરનાર પ્રથમ ઇન્ડોનેશિયન બૅન્ડ બન્યું હતું.

ઝાકિયા ખુદાદાદી, અફઘાનિસ્તાન
ટાઇકવાન્ડો પેરાલિમ્પિયન
ચંદ્રક વિજેતા પેરાલિમ્પિક રેફ્યુજી ટીમના પ્રથમ સભ્ય ઝાકિયા ખુદાદાદીએ 2024ની પેરિસ ગેમ્સમાં ઇતિહાસ સર્જ્યો હતો.
એક હાથ વિના જન્મેલાં આ ઍથ્લીટે 11 વર્ષની વયે પશ્ચિમ અફઘાનિસ્તાનમાંના પોતાના વતન હેરાતના એક છૂપા જીમમાં ગુપ્ત રીતે ટાઇકવાન્ડો શિખવાનું શરૂ કર્યું હતું.
2021માં તાલિબાન સત્તા પર પાછા ફર્યા પછી ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેવાની તક તેમને આપવામાં આવી ન હતી.
પરંતુ ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટીની દરમિયાનગીરી અને ફ્રાન્સના ટેકાને કારણે તેમને અફઘાનિસ્તાનમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં અને તેઓ તાલિબાને સત્તા સંભાળી પછી કોઈ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેનારા પ્રથમ મહિલા અફઘાન ખેલાડી બન્યાં હતાં.
ઓલિમ્પિક ચંદ્રક માટેની મારી યાત્રા અફઘાન મહિલાઓની, નિરાશ્રિત મહિલાઓની, દરેક મહિલાની લચતીકતાની વાત કરે છે. હાર ન માનીને અમે દેખાડ્યું છે કે એવું કશું નથી, જે મહિલા ન કરી શકે.
ઝાકિયા ખુદાદાદી

ક્લો ઝાઓ, યુકે
ફિલ્મ દિગ્દર્શક
ઑસ્કર વિજેતા ફિલ્મ દિગ્દર્શક અને લેખિકા ક્લો ઝાઓ એકૅડેમીનો શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર જીત્યો હોય તેવા પ્રથમ અશ્વેત મહિલા અને ઇતિહાસમાંની આવી ત્રણ મહિલાઓ પૈકીનાં એક છે.
બેઇજિંગમાં જન્મેલાં ઝાઓ યુકે અને અમેરિકા આવ્યાં હતાં. તેઓ પોતાના યાયાવર ગણાવે છે, જે તેમની પુરસ્કાર વિજેતા ફિલ્મ નોમાડલેન્ડ (2020)નો કેન્દ્રીય વિચાર છે.
તેમની શરૂઆતની ફિલ્મોમાં સ્વદેશી સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાથી માંડીને માર્વેલ યુનિવર્સમાં અત્યાર સુધીના સૌથી વધુ વૈવિધ્યસભર કલાકારોનું દિગ્દર્શન કરવા સુધી, ઝાઓ આપણને માણસ તરીકે શું જોડે છે તે વિશે ભાવુક છે.
આ વર્ષે તેઓ શેક્સપિયરના સમયગાળાની મેગી ઓ'ફેરેલની પ્રતિષ્ઠિત નવલકથા હેમનેટ પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન કરવાનાં છે. ફિલ્મ 2025માં પ્રદર્શિત થશે.
આપણે જે ઉદ્યોગમાં કામ કરી રહ્યા છીએ તેમાં પરિવર્તન ન કરીએ તો આપણે એટલું જ કહી રહ્યા છીએ કે મૂલ્યવાન બનવા માટે આપણે પુરુષો જેવું જ બનવું છે. ખરેખર શક્તિ તેમાં હોય એવું હું માનતી નથી.
ક્લો ઝાઓ

ઝિયિંંગ (તાનિયા) ઝેંગ, ચિલી
ટેબલ ટેનિસ ખેલાડી
ચાઇનીઝ-ચિલીયન ટેબલ ટેનિસ ખેલાડી ઝિયિંગ ઝેન અથવા તાનિયાએ 58 વર્ષની વયે 2024માં પેરિસ ગેમ્સમાં ઓલિમ્પિક્સમાં પદાર્પણ કર્યું હતું.
તેમને ત્યાં પહોંચવામાં ઘણો લાંબો સમય થયો હતો. કોચ તરીકે પોતાનાં માતા સાથે, તેઓ 12 વર્ષની નાની ઉંમરે પ્રોફેશનલ ખેલાડી બન્યાં હતાં. તેમણે ચીનની રાષ્ટ્રીય ટીમ માટે ક્વૉલિફાય કર્યું હતું, પરંતુ બાદમાં તે ચિલી ચાલ્યાં ગયાં હતાં, જ્યાં તેમણે પોતાના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 30 વર્ષ સુધી ટેબલ ટેનિસ રમવાનું છોડી દીધું હતું.
કોવિડ-19 રોગચાળા વખતે તાનિયા ઝિંગ ટેબલ ટેનિસમાં પાછા ફર્યાં હતાં.
2023 સુધીમાં તેમણે ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ થવાનું "આજીવન સ્વપ્ન" પૂર્ણ કરતા પહેલાં દક્ષિણ અમેરિકન ચૅમ્પિયનશિપ અને પાન અમેરિકન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચિલીમાં આ રમતમાં સર્વોચ્ચ ક્રમાંકિત મહિલા બન્યાં હતાં.

મૅડિસન તેવલિન, કૅનેડા
ટૉક-શોના સંચાલિકા અને મૉડલ
એઝ્યુમ ધૅટ આઈ કૅન શીર્ષક હેઠળની ઝુંબેશમાં ચમકતાં મૅડિસન તેવલિનના વાયરલ વીડિયોએ આ વર્ષે વિશ્વમાં તોફાન સર્જ્યું હતું. ડાઉન્સ સિન્ડ્રોમથી પીડાતા લોકો પ્રત્યેના પૂર્વગ્રહને આ વીડિયોએ તોડી પાડ્યો હતો.
આ જાગૃતિ ઝુંબેશને 150 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા હતા અને હકારાત્મક અસર માટે કાન લાયન્સ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ લાયન ઍવૉર્ડ સહિતના અનેક પુરસ્કાર મળ્યા હતા.
ન્યૂ યૉર્ક ફેશન વીકમાં ઉપસ્થિત રહેલાં અભિનેત્રી અને મૉડલ તેવલિને ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવ ખાતે સર્વસમાવેશકતાની વાત કરી હતી અને ક્વીન્સી જૉન્સ ઍક્સેપ્શનલ ઍડવોકસી ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો હતો.
તેમણે ઍવૉર્ડ માટે નૉમિનેટેડ ટૉક-શો વ્હૂ ડુ યુ થિંક આઈ એમ? અને ધ 21 ક્વેશ્ચન પૉડકાસ્ટનું સંચાલન પણ કર્યું છે.
લવચીકતા એટલે મારા વિશે ધારણા બાંધવામાં આવે અથવા મારી અવગણના કરવામાં આવે કે મારું મૂલ્ય ઓછું આંકવામાં આવે ત્યારે પણ હાર ન માનવી તે. આ એ બાબત છે, જેમાં મને વિશ્વાસ છે અને મારા કે મારા સમુદાય માટે હાર સ્વીકારતો નથી.
મૅડિસન તેવલિન

નોએલા વિયાલા ન્વેદેઈ, ઘાના
આફ્રો-પોપ સંગીતકાર
ગાયિકા અને ગીતકાર નોએલા વ્યાલા ન્વાદેઈ તેમના સ્ટેજ નેમ વ્યાલા વડે લોકપ્રિય છે, જેનો અર્થ તેમની સિસલા ભાષામાં 'કર્મશીલ' થાય છે.
તેમની ફેશનની સમજ અને અનન્ય શૈલી માટે જાણીતા આ કલાકાર ઉત્તર ઘાનામાં તેમના વતનના પ્રદેશની પરંપરાઓ દર્શાવવા માટે તેમના સ્ટેજ ડ્રેસ અને એસેસરીઝ ડિઝાઇન કરે છે.
તેમના ઘણા ગીતો આફ્રિકન મહિલાઓના શોષણ પર પ્રકાશ પાડે છે. વિયાલાએ બાળ લગ્ન સામે લડવા માટે યુએન એજન્સીઓ અને ઘાનાના સત્તાવાળાઓ સાથે ગાઢ રીતે કામ કર્યું છે.
પોતાના વતન ફુન્સીમાં રોજગાર અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે તેઓએ આર્ટ સેન્ટર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન અને રેસ્ટોરાંનું નિર્માણ પણ કર્યું છે.

ઍલીસન ફૅલિક્સ, અમેરિકા
ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ઍથ્લીટ
20 વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ્સ અને 11 ઓલિમ્પિક મેડલ્સ જીતી ચૂકેલાં ઍલીસન ફૅલિક્સ ઇતિહાસમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત ટ્રૅક એન્ડ ફિલ્ડ ઍથ્લીટ છે.
પ્રી-એક્લેમ્પસિયા થયા પછી અને તેની પુત્રીને અકાળે જન્મ આપ્યા બાદ તેઓ માતૃત્વના સ્વાસ્થ્ય અધિકારો માટે ઉગ્ર હિમાયતી બન્યાં હતાં. હવે તેમને અમેરિકામાં અશ્વેત મહિલાઓમાં માતૃત્વ આરોગ્ય સંભાળના પ્રસાર માટે મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ તરફથી 20 મિલિયન ડૉલરની ગ્રાન્ટ આપવામાં આવી છે.
આ નિવૃત્ત ઍથ્લીટે 2024ની પેરિસ ઓલિમ્પિક્સમાં સૌપ્રથમ ઓલિમ્પિક વિલેજ નર્સરીના પ્રારંભમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ જ વર્ષે તેમના ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ઍથ્લીટ્સ કમિશનમાં જોડાવા માટે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. તેમણે મહિલા રમતગમત પર જ કેન્દ્રિત પોતાની સ્પોર્ટ્સ મૅનેજમેન્ટ કંપની પણ શરૂ કરી છે.
લવચીકતાનો અર્થ છે મુશ્કેલ પરિસ્થિતિના સામના માટે શક્તિ તથા સૌંદર્યની શોધ અને દરેક અડચણને પાર કરીને આગળ વધવા ઈંધણ તરીકે તેનો ઉપયોગ.
ઍલીસન ફૅલિક્સ

વીનેશ ફોગાટ, ભારત
કુસ્તીબાજ
ત્રણ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલાં વીનેશ ફોગાટ ભારતનાં સૌથી વધુ મેડલ વિજેતા કુસ્તીબાજો પૈકીનાં એક છે. રમતગમત ક્ષેત્રે મહિલાઓ પ્રત્યેના જાતિગત વલણની તેઓ ઉગ્ર ટીકા કરતાં રહ્યાં છે. તેમણે વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સ, કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ચંદ્રકો જીત્યા છે.
વીનેશ ફોગાટ આ વર્ષે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચેલાં ભારતનાં પહેલાં મહિલા કુસ્તીબાજ બન્યાં હતાં, પરંતુ વજન સંબંધી પરીક્ષણમાં નિષ્ફળ રહ્યાં પછી તેમને ગેરલાયક જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદમાં તેમણે રમતગમત ક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધી હતી અને રાજકારણમાં જોડાયાં હતાં.
જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ વિશે નિર્ભિક રીતે વાત કરતાં વીનેશ ફોગાટ ભારતીય કુસ્તીબાજોના, તેમના ફૅડરેશનના વડા બ્રિજભૂષણ શરણ સિંઘ સામે મહિનાઓ સુધી ચાલેલા આંદોલનનો ચહેરો હતા. બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા ઍથ્લીટની જાતીય સતામણીનો આરોપ હતો, જે તેમણે નકારી કાઢ્યો હતો.
પોલીસે ફોગાટ અને અન્ય લોકોની ધરપકડ કરી ત્યારે આ આંદોલન સમાચારોમાં ચમક્યું હતું.
મારા માટે લવચીકતાનો અર્થ કામના ખરાબ દિવસે જાતને સંભાળવી અને ખુદને ધૈર્ય આપવાની ક્ષમતા એવો છે.
વીનેશ ફોગાટ

જોઆન ચેલિમો મેલ્લી, કેન્યા-રોમાનિયા
લાંબા અંતરનાં દોડવીર
લૉંગ-ડિસ્ટન્સ રનિંગમાં મેળવેલી સિદ્ધિઓ માટે વિખ્યાત કેન્યામાં જન્મેલાં રોમાનિયાનાં ઓલિમ્પિયન જોઆન ચેલિમા મેલ્લીએ આ વર્ષે યુરોપિયન ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.
રમતગમત ઉપરાંત તેઓ લિંગ આધારિત હિંસામાંથી ઊગરેલી વ્યક્તિ છે અને ઍથ્લીટ્સ જે જોખમોનો સામનો કરે છે તેને ઉજાગર કરવા માટે તેઓ પોતાના વ્યક્તિગત અનુભવનો ઉપયોગ કરવા ઇચ્છે છે.
તેઓ ટિરોપ્સ એન્જલ્સ નામના એક સંગઠનના સહ-સ્થાપક છે. કેન્યાના ઍથ્લીટ્સના આ સંગઠનની સ્થાપના દોડવીર અને વિશ્વવિક્રમ સર્જક એગ્નેસ તિરોપની 2021માં હત્યા બાદ કરવામાં આવી હતી. આ સંગઠન લિંગ આધારિત હિંસાનો વિરોધ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કરે છે.
ઓલિમ્પિક દોડવીર રેબેકા ચેપ્ટેગેઈની તેમના ભૂતપૂર્વ પાર્ટનર દ્વારા આ વર્ષે કરવામાં આવેલી હત્યાને પગલે કેન્યામાં મહિલાઓની હત્યા સામે પગલાં લેવાની હાકલ ફરીથી તેજ થઈ છે.
આપણી પીડાનો અંત આપણી કથા સાથે થતો નથી, પરંતુ તેનાથી કંઈક વધારે થવાનો આરંભ થાય છે, એવું આપણે નક્કી કરીએ ત્યારે ખરું પરિવર્તન શરૂ થાય છે, એવું હું માનું છું.
જોઆન ચેલિમો મેલ્લી

ઈન્ના મોડજા, માલી
કળાકાર અને ક્લાયમેટ હિમાયતી
ક્લાઈમેટ જસ્ટિસ હિમાયતી, સંગીતકાર અને ફિલ્મ નિર્માત્રી ઈન્ના મોડજા એક એવાં મહિલા છે, જેઓ સ્ત્રી જનન અંગ વિચ્છેદન સામે ઝુંબેશથી લઈને ટકાઉપણાને કાયમી બનાવવા સુધીના ઘણા પડકારોનો સામનો કરી રહ્યાં છે.
તેમણે 12 દેશોમાં પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલા સહારા રણની દક્ષિણે આવેલા સહેલમાં રણના વિસ્તરણને નિયંત્રિત કરવા અને અધોગતિ પામેલી જમીનોને પુનઃસ્થાપિત કરવાના આફ્રિકાના મહત્વાકાંક્ષી પ્રયાસોને પ્રકાશિત કરતી દસ્તાવેજી ફિલ્મ ધ ગ્રેટ ગ્રીન વોલનું નિર્માણ અને અભિનય કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશનના ગુડવિલ એમ્બેસેડર તરીકે મોડજા આબોહવામાં પરિવર્તનથી પ્રભાવિત સમુદાયોની ચિંતાને વાચા આપે છે.
તેઓ કોડ ગ્રીનની સહ-સ્થાપક પણ છે, જે એક બિન-લાભકારી સંસ્થા છે અને સકારાત્મક પગલાંની પ્રેરણા આપવા માટે નવીન તકનીક અને ગેમિંગનું મિશ્રણ કરે છે.
લવચીકતાનો અર્થ છે મહિલાઓ અને છોકરીઓમાં પરિવર્તનકારી નિરાકરણનું નેતૃત્વ કરવાની ક્ષમતાને પ્રોત્સાહિત કરવી.
ઈન્ના મોડજા

ગેેબી મોરેનો, ગ્વાટેમાલા
સંગીતકાર
લેટિન સંગીતની દુનિયામાં વખણાયેલા ગાયક-ગીતકાર, ગ્વાટેમાલાના ગેબી મોરેનોએ 2024માં સર્વશ્રેષ્ઠ લેટિન પોપ આલ્બમ માટે ગ્રેમી ઍવૉર્ડ જીતીને મુખ્યધારામાં પ્રવેશ કર્યો હતો.
બે ભાષામાં રચાયેલા અને અમેરિકન, સોલ તથા લેટિન લોકસંગીતથી પ્રભાવિત તેમનું મ્યુઝિક અને તેમનો ભાવપૂર્ણ અવાજ તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે.
મોરેનો યુનિસેફના ગુડવીલ ઍમ્બૅસેડર બનેલા ગ્વાટેમાલાના પ્રથમ નાગરિક પણ છે. તેઓ બાળકોના અધિકારના હિમાયતી છે.
જે દેશમાં લગભગ 27 લાખ છોકરાઓ અને છોકરીઓ સ્કૂલ સીસ્ટમની બહાર છે તે દેશમાં ગુણવત્તાયુક્ત એજ્યુકેશનલ કિટ્સ માટેની પહોંચ વધારવા તેમણે તાજેતરમાં જ એક અભિયાન શરૂ કર્યું છે.

કિમ યેજી, દક્ષિણ કોરિયા
ઓલિમ્પિક શૂટર
કરિશ્મા અને રમતગમતની સિદ્ધિઓને લીધે આ વર્ષે વિશ્વનું ધ્યાન કિમ યેજી તરફ ખેંચાયું હતું.
આ પિસ્તોલ શૂટરે જુલાઈમાં તેમની પ્રથમ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર જીત્યો તેના થોડા મહિના પહેલાં જ મહિલાઓની 25 મીટર પિસ્તોલનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
તેમના વિડિયોઝ ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં માત્ર તેમની કુશળતા જ નહીં, પરંતુ તેના અત્યંત શાંત વર્તન, અતૂટ એકાગ્રતા અને ચોકસાઇમાં મદદ માટે બેસ્પોક ચશ્મા સાથેના સાય-ફાઇ-પ્રેરિત દેખાવની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
માતૃત્વ સાથે આવતી જવાબદારીઓને પોતે કેવી રીતે જુએ છે એ વિશે કિમ યેજી મોકળાશથી વાત કરતાં રહ્યાં છે. તેમની છ વર્ષની પુત્રી સાથે સમય પસાર કરવા માટે તેઓ રમતગમતમાંથી બ્રેક લેવાના છે.
રમતગમત દ્વારા, અમે લવચીકતા, ટીમ વર્ક અને નિશ્ચય દર્શાવીએ છીએ, આ એવાં મૂલ્યો છે કે જે મારા મતે વ્યાપક સામાજિક પરિવર્તનને પ્રેરણા આપવા માટે રમતના ક્ષેત્રની બહાર વિસ્તરે છે.
કિમ યેજી

રાય, યુકે
ગાયિકા
ગાયક-ગીતકાર રાયએ આ વર્ષના બ્રિટ પુરસ્કારોમાં ઈતિહાસ રચ્યો હતો. તેમને જે સાત ઈનામો માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા, તેમાંથી છ તેઓ જીત્યાં હતાં અને વર્ષનો ગીતકાર જીતનારી પ્રથમ મહિલા બન્યાં હતાં.
રાયે 2021માં સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમણે તેમના આલ્બમને રિલીઝ કરવા માટે તેના રેકોર્ડ લેબલ પોલીડોર સાથે સાત વર્ષની લડાઈ લડી હતી.
તેમણે તેમનું પ્રથમ પ્રથમ સ્ટુડિયો આલ્બમ માય 21મી સેન્ચ્યુરી બ્લૂઝ 2023માં સ્વતંત્ર કલાકાર તરીકે રજૂ કર્યું હતું, જેને વિવેચકોએ વખાણ્યું હતું અને વ્યાવસાયિક સફળતા મળી હતી.
તેમણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં અને બહાર બંનેમાં જે સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે તેના વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેમાં જાતીય હુમલો, ડ્રગના દુરુપયોગ અને શરીરની તકલીફનો સમાવેશ થાય છે. તેમણે ગીતકારો માટે યોગ્ય વળતરની હાકલ પણ કરી છે.

નાઓમી વાટાનાબે, જાપાન
કોમેડિયન
જાપાનના સૌથી વિખ્યાત ઇન્ફ્લુઅર્સ પૈકીનાં એક તરીકે નાઓમી વાટાનાબેએ તેમના દેશમાં નવી પેઢીની મહિલા કોમેડિયન માટેનો માર્ગ મોકળો કર્યો છે.
મુખ્ય સ્ત્રીપાત્ર તરીકે કામ કરીને અને અત્યંત સફળ કાર્યક્રમો આપીને તેમણે પુરુષોના પ્રભુત્વવાળી જાપાની કોમેડીમાંની મર્યાદાને હટાવી દીધી છે
વટાનાબે જાપાનમાં બૉડી સ્ટીરિયોટાઇપ્સને બદલવામાં પણ મદદ કરી રહી છે, પોચાકવાઈ તરીકે ઓળખાતી એક સકારાત્મક ચળવળનું નેતૃત્વ કરી રહ્યાં છે, જેનો અનુવાદ "ગોળમટોળ અને સુંદર" થાય છે. તેમણે પ્લસ-સાઇઝનાં કપડાં માટે જાપાનની પ્રથમ બ્રાન્ડ્સમાંથી એક લૉન્ચ કરી છે.
જાપાની ટીવી અને ફિલ્મોમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ હવે વૈશ્વિક સ્તરે કોમેડી ક્ષેત્રે ચમકવા માટે તેઓ અમેરિકા આવી ગયાં છે.
કાયમ લવચીક કેવી રીતે રહી શકાય? હું હંમેશાં વિચારું છું, 'તમે મને પસંદ નથી કરતા, તે ઠીક છે. કૃપા કરીને મને એક વર્ષ આપો અને કદાચ હું તમારો વિચાર બદલીશ. આ મારી કાયમી માનસિકતા છે.
નાઓમી વાટાનાબે

હેેન્ડ સાબ્રી, ટ્યુનિશિયા
અભિનેત્રી
અભિનેત્રી હેન્ડ સબરી આરબ સિનેમામાં સૌથી પ્રખ્યાત મહિલાઓ પૈકીનાં એક છે. નારીવાદી ફિલ્મ ધ સાયલન્સ ઓફ ધ પેલેસ (1994)માં તેમની બ્રેક-આઉટ ભૂમિકાએ ટ્યુનિશિયામાં મહિલાઓએ જે જાતીય અને સામાજિક શોષણનો સામનો કરવો પડે છે તેની વાત કરી હતી.
2019માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં જજની ભૂમિકા ભજવનારા તેઓ પહેલાં આરબ મહિલા બન્યાં હતાં.
તાજેતરમાં તેઓ ઓલ્ફાઝ ડોટર્સ ફિલ્મમાં ચમક્યાં હતાં. આ ફિલ્મ 2024ના ઓસ્કાર્સ માટે ટ્યુનિશિયાની એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે અને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર માટે નોમિનેટ કરવામાં આવી છે.
તેઓ જેને ગાઝામાં ભૂખમરાનો યુદ્ધના શસ્ત્ર તરીકે ઉપયોગ કહે છે તેના વિરોધમાં તેમણે નવેમ્બરમાં યુએનના ગૂડવિલ એમ્બેસેડરપદેથી રાજીનામું આપ્યું હતું.
તે માત્ર ટકી રહેવાની વાત નથી; તે સંઘર્ષ દ્વારા પુનઃનિર્માણ અને હેતુ શોધવાની વાત છે... પીડાને ક્રિયામાં પરિવર્તિત કરવાની વાત છે.
હેેન્ડ સાબ્રી

એલાહા સોરૂર, અફઘાનિસ્તાન
ગાયિકા અને સંગીતકાર
અફઘાનિસ્તાનમાં મહિલાઓનો અવાજ જાહેર જીવનમાંથી ભૂંસાઈ રહ્યો છે એવા સમયે આ દમનનો સામનો કરવા અને પ્રોત્સાહક સંદેશ મોકલવા માટે ગાયિકા એલાહા સોરૂરે નાન, કર, આઝાદી (ભોજન, કામ, સ્વાતંત્ર્ય) ગીત લખ્યું છે.
આ ગીતનું પ્રીમિયર ઑક્ટોબરમાં અલ્બેનિયામાં યોજાયેલી અભૂતપૂર્વ ઑલ-અફઘાન મહિલા શીખર પરિષદમાં થયું હતું.
ફિલ્મો, થિયેટર અને સંગીત ક્ષેત્રે ફેલાયેલી કારકિર્દીમાં આ પુરસ્કાર વિજેતા કળાકારે તેમના પ્લૅટફૉર્મનો ઉપયોગ મહિલાઓના અધિકારની હિમાયત માટે વારંવાર કર્યો છે.
હાઝરા વંશીય લઘુમતીમાંના સોરૂરની પ્રતિભા 2009માં લોકપ્રિય ટૅલેન્ટ શો અફઘાન સ્ટારમાં બહાર આવી હતી, પરંતુ સંગીતમાં કારકિર્દી બનાવવા બદલ તેમણે હિંસક પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો અને 2010માં દેશ છોડી દીધો હતો.

શેરોન સ્ટોન, અમેરિકા
અભિનેત્રી
હોલિવૂડ સ્ટાર શેરોન સ્ટોન છેલ્લા ત્રણ દાયકામાં સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર એમ બંને જગ્યાએ પોતાની ઓળખ બનાવી છે.
આ અભિનેત્રીએ 1990ના દાયકાની શરૂઆતમાં હિટ ફિલ્મ બેઝિક ઇન્સ્ટિંક્ટ સાથે પ્રસિદ્ધિ મેળવી હતી અને ટોટલ રિકોલ અને કેસિનો જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેના માટે તેમણે ગોલ્ડન ગ્લોબ જીત્યો હતો અને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યાં હતાં.
પોતાની શાનદાર અભિનય કારકિર્દીની સાથે શેરોન સ્ટોન અનેક હેતુ માટે સખાવતી કાર્યો પણ કર્યાં છે અને એચઆઈવીથી પીડિત લોકોના સમર્થનમાં તેમના કાર્યો માટે તેમને નોબલ પુરસ્કાર વિજેતાઓ દ્વારા શાંતિ શિખર સંમેલન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ વર્ષના આરંભે તેમની સિદ્ધિઓની ઉજવણી ગોલ્ડન ગ્લોબ ઈન્ટરનેશનલ આઈકોન એવોર્ડ સાથે કરવામાં આવી હતી.
તમે દુ:ખી થઈ શકો છો અથવા ખુશ રહેવાનું પસંદ કરી શકો છો. રસ્તો તમારે પસંદ કરવાનો હોય છે. મારું માનવું છે કે તમારે હંમેશાં ખુશી પસંદ કરવી જોઈએ. નવી નજરથી આકાશ તરફ જોવું જોઈએ.
શેરોન સ્ટોન
રાજકારણ અને હિમાયત

એન ચુમાપોર્ન (વાડ્ડાઓ), થાઇલૅન્ડ
એલજીબીટીક્યુ પ્લસ અધિકાર ઝુંબેશકર્તા
થાઇલેૅન્ડ લગ્ન સમાનતા વિશેનો કાયદો આ વર્ષે બનાવ્યો અને સમલૈંગિક લગ્નોને માન્યતા આપનાર દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બન્યો ત્યારે એન વાડ્ડાઓ ચૂમાપોર્ન પાસે ઉજવણીનાં બે કારણ હતાં.
પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં લીગલ રિવ્યૂ કમિશનર તરીકે સેવા આપીને તેમણે સંસદમાં આ ખરડો પસાર કરાવવાના પ્રયાસોનું નેતૃત્વ કર્યું હતું.
બૅંગકૉક પ્રાઇડના સહ-સ્થાપક અને ગ્રામીણ દક્ષિણ થાઇલૅન્ડના એક વિલક્ષણ લેસ્બિયન કાર્યકર્તા, ચુમાપોર્ન એક દાયકાથી વધુ સમયથી માનવ અધિકાર અને LGBTQ+ કૌટુંબિક અધિકારોની હિમાયત કરી રહ્યા છે.
થાઇલૅન્ડના 2020ના યુવા વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓ લોકશાહી તરફી ફેમિનિસ્ટ લિબરેશન ફ્રન્ટનાં નેતા તરીકે ઉભર્યાં હતાં. તેમના કામ માટે તેમના પર આઠ રાજકીય આરોપ મૂકવામાં આવ્યા હતા.

ફૌઝિયા અલ-ઓતૈબી, સાઉદી અરેબિયા-યુકે
મહિલા અધિકાર કર્મશીલ
પોતાનો અવાજ સંભળાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા ફૌઝિયા અલ-ઓતૈબીએ સાઉદી અરેબિયામાં પુરૂષ-વાલી પ્રણાલીના અંત માટે લાંબા સમય સુધી ઝુંબેશ ચલાવી હતી
પરંતુ અધિકારીઓ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા પછી, તેમણે દેશ છોડીને ભાગી જવાનું નક્કી કર્યું હતું.
માનવ અધિકાર જૂથોના જણાવ્યા અનુસાર, તેમનાં બહેન અને મહિલા અધિકાર કર્મશીલ મનહેલ અલ-ઓતૈબીની પણ, તેમના વસ્ત્રોની પસંદગી અને તેમણે ઓનલાઈન અભિવ્યક્ત કરેલા મંતવ્યો સંબંધિત આરોપો બદલ દોષી ઠેરવવામાં આવ્યા પછી, આ વર્ષની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
અલ-ઓતૈબીએ તેમની બહેનની મુક્તિ માટે અવિરત અભિયાન ચલાવ્યું છે. ભિન્નમત ધરાવતા લોકો સામે આકરાં પગલાં લેવાના સરકારના તાજેતરના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે સાઉદી અરેબિયામાં ઘણાને જેલમાં કેદ કરવામાં આવ્યા છે.

હાલા અલકરીબ, સુદાન
યુદ્ધમાં જાતીય હિંસા વિરુદ્ધના કાર્યકર
સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ ફોર વુમન ઇન ધ હોર્ન ઑફ આફ્રિકા(SIHA)ના પ્રાદેશિક નિર્દેશક તરીકે, અગ્રણી કાર્યકર અને લેખિકા હાલા અલકરીબ વ્યાપક પ્રદેશમાં લિંગ-આધારિત હિંસા પર પ્રકાશ પાડતી પહેલનું નેતૃત્વ કરે છે.
એપ્રિલ 2023માં સુદાનમાં યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી, મહિલાઓ અને છોકરીઓને સમર્થન પૂરું પાડતું SIHA સંઘર્ષ-સંબંધિત જાતીય હિંસા પર નજર રાખી રહ્યું છે.
ઑક્ટોબર 2024ના યુએનના અહેવાલમાં સમસ્યાના "આશ્ચર્યજનક" કદ વિશે ચેતવણી આપવામાં આવી હતી અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) પર "અત્યાચારી ગુનાઓ"નો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે આરોપોને RSFએ ફગાવી દીધા હતા.
અહેવાલમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે સંઘર્ષ સંબંધી જાતીય હિંસાના ઓછામાં ઓછા 400 પીડિતોને જુલાઈ 2024 સુધી સહાયતા માટે મોકલવામાં આવ્યા હતા અને તેને "હિમશીલાની ટોચ" તરીકે વર્ણવવામાં આવી હતી.

નેજ્લા ઇક, ટર્કી
સરપંચ અને વન ઝૂંબેશકર્તા
તાજેતરમાં પશ્ચિમ તુર્કીમાં ઇકિઝકોય વિસ્તારના વડા તરીકે ચૂંટાયેલા ખેડૂત નેજલા ઇક છેલ્લા પાંચ વર્ષથી વનનાબૂદી સામે સંઘર્ષ કરી રહ્યાં છે.
કોલસાની ખાણની દરખાસ્તોને કારણે નજીકના અકબેલેન જંગલ પર જોખમ સર્જાયું ત્યારે ઈક અને અન્ય સ્થાનિક મહિલાઓએ ખાણકામ પ્રોજેક્ટ્સ માટે જમીન સાફ કરવા માટે લોગિંગને રોકવાનો મુકદ્દમો માંડ્યો હતો અને વિરોધ સાથે લડત આપી હતી.
તેમના પર્યાવરણીય અભિયાનને પરિણામે જંગલની રક્ષા માટે ઊભા રહેલા પોલીસ અને વિરોધીઓ વચ્ચે કેટલીકવાર ઉગ્ર અથડામણ થઈ હતી, પરંતુ ઈક અને અન્ય ગ્રામવાસીઓએ પરવાનગી વિના જંગલમાં પ્રવેશવા બદલ દંડ સહિત પડકારો અને ધમકીઓનો સામનો કરીને અડગ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી (દંડ બાદમાં રદ કરવામાં આવ્યો હતો).
ઘરમાંની, ખેતરોમાંની, શેરીઓમાંની, સંઘર્ષરત મહિલાઓ જ વિશ્વને સુંદર બનાવે છે અને બેશક, તેઓ તેને બચાવશે.
નેજ્લા ઇક

ડેનિયલ કેન્ટોર, ઈઝરાયલ-પેલેસ્ટાઈન પ્રદેશ
સાંસ્કૃતિક કર્મશીલ
રોગચાળા દરમિયાન શરૂ થયેલ ગ્રાસરૂટ પ્રોજેક્ટ કલ્ચર ઑફ સૉલિડેરિટીના સહ-સ્થાપક તરીકે ડેનિયલ કેન્ટોરે તેલ અવીવમાં સ્થાનિક પરિવારોને ખોરાક અને સહાય પૂરી પાડી છે.
સહ-સ્થાપક અલ્મા બેક સાથે મળીને તેઓ હાઉસ ઑફ સૉલિડેરિટી ચલાવે છે. એક એવી જગ્યા જે લોકોને મળવા, ચર્ચા કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વર્કશૉપમાં હાજરી આપવાનું વૈકલ્પિક કેન્દ્ર બની ગઈ છે.
તેમણે તાજેતરમાં એક આર્ટ બુક લખી છે, જે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન પ્રદેશોમાં સામુદાયિક ઓળખની રાજનીતિની ઘોંઘાટની તપાસ માટે ખાદ્ય સંસ્કૃતિનો ઉપયોગ કરે છે.
કલેક્ટિવ વીમેન્સ પીસના અન્ય સભ્યો સાથે કેન્ટોર મધ્ય પૂર્વમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને સ્થાયી શાંતિ કરારની હાકલ માટે પ્રદર્શનોમાં ભાગ લે છે.
સ્ત્રીઓ તેમની સહજ સહાનુભૂતિનો ઉપયોગ કરે છે, ત્યારે આપણે અન્યાયની પ્રણાલીઓને સાચી રીતે ઓળખી શકીએ છીએ અને આપણા આગળના માર્ગની નવરચના કરી શકીએ છીએ.
ડેનિયલ કેન્ટોર

સુસાન કોલિન્સ, અમેરિકા
સેનેટર
હાલમાં મેન રાજ્યનાં પ્રતિનિધિ સુઝેન કોલિન્સ અમેરિકન સિનેટમાં પોતાના પાંચમા કાર્યકાળ સાથે સૌથી લાંબા સમય સુધી રહેનારાં રિપબ્લિકન મહિલા છે.
તેમણે અનેક વખત પાર્ટી લાઇનથી હટીને ઐતિહાસિક કાયદો બનાવવા માટે કામ કર્યું છે. તેઓ એડવાન્સિંગ મેનાપૉઝ ઍન્ડ મિડૃલાઇફ વિમેન્સ હેલ્થ ઍક્ટ રજૂ કરનારા છ સિનેટર્સમાં સામેલ હતાં, જેમાં મેનાપોઝ રિસર્ચ,ટ્રીટમેન્ટ અને જાગરૂકતા માટે આવતા પાંચ દાયકામાં 275 મિલિયન ડૉલરનું રોકાણ કરવાની જોગવાઈ છે.
કૉલિન્સે નૅશનલ અલ્ઝાઇમર્સ પ્રોજેક્ટ ઍક્ટ પણ લખ્યો છે જે અલ્ઝાઇમર્સ રોગની સારવાર અને રોકથામ માટે એક રાષ્ટ્રીય યોજનાનું સમન્વય કરે છે. તેમણે આ પ્રોજેક્ટ માટે 2035 સુધીના ભંડોળની વ્યવસ્થા કરી છે અને સુનિશ્ચિત કર્યું છે કે તેમાં ડાઉન સિંડ્રોમવાળી વ્યક્તિઓ સહિત વ્યાપક વંચિતોની વસતીનું પણ ધ્યાન રાખવામાં આવે.

ઝીના મોડરેસ ગોરજી,
મહિલા અધિકાર કર્મશીલ
કુર્દિશ પત્રકાર અને કાર્યકર્તા ઝીના મોડરેસ ગોરજીએ 2019માં ઝિવાનો મહિલા સંગઠનની સહ-સ્થાપના કરી હતી. આ સંગઠન શિક્ષણ, વિરોધ અને મહિલાઓ સામેની હિંસા વિરુદ્ધ લડવાના પ્રયાસોને સમર્થન આપે છે.
ઈરાનની વુમન, લાઈફ, ફ્રીડમ ચળવળની શરૂઆતથી બે વાર ધરપકડ કરવામાં આવ્યા બાદ મોડેરેસ ગોરજીને શરૂઆતમાં "શાસન વિરુદ્ધ પ્રચાર" સહિતના આરોપસર 21 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હાલમાં તેઓ ઘટાડીને બે વર્ષ અને ચાર મહિનાની કરવામાં આવેલી સજા ભોગવી રહ્યાં છે.
તેઓ ઈરાનમાં મહિલાઓ પ્રત્યે ભેદભાવ કરતા કાયદામાં સુધારણા માટે જાહેર સમર્થન મેળવવા દસ લાખ સહીઓ એકત્ર કરવાની ઝુંબેશના સભ્ય હતા.
તેમણે કુર્દિશ મહિલા ફોટોગ્રાફી જૂથ, મહિલાઓના પોડકાસ્ટ અને કુર્દિશ મહિલાઓને પ્રેરણા આપતી ચિલ્ડ્રન બુકના સંદર્ભમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

લિલિયા ચાન્યશેવા, રશિયા
રાજકીય કર્મશીલ અને ભૂતપૂર્વ કેદી
મોટા આંતરરાષ્ટ્રીય કેદી વિનિમયના ભાગ રૂપે આ વર્ષે ઓગસ્ટમાં મુક્ત કરાયેલા 26 કેદીઓમાંથી એક રાજકીય કાર્યકર લિલિયા ચાન્યશેવાએ સ્વતંત્રતા પુનઃપ્રાપ્ત કર્યા પછી રશિયા છોડી દીધું હતું.
ચાન્યશેવા બશ્કોર્ટોસ્તાનના રશિયન પ્રદેશમાં સ્વર્ગસ્થ વિપક્ષી રાજકારણી એલેક્સી નવલ્નીના કાર્યાલયના વડા હતા. તેમના કાર્યોમાં ભ્રષ્ટાચારની તપાસ, નિષ્પક્ષ ચૂંટણી અને વાણી સ્વાતંત્ર્યની હિમાયત સામેલ છે.
એક સફળ ફાઇનાન્સર ચાન્યશેવાએ એલેક્સી નવલ્ની માટે કામ કરતા પહેલાં મોસ્કોમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ટેક્સ કન્સલ્ટન્સીનું કામ કર્યું હતું.
2021માં, તેમની ઉગ્રવાદના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને સાડા નવ વર્ષની જેલસજા કરવામાં આવી હતી. મુક્તિ પહેલાં તેમણે જેલમાં બે વર્ષ અને નવ મહિના ગાળ્યા હતા.

ઈનાવ જાંગાઉકર, ઈઝરાયલ
હોસ્ટેજ રિલીઝ ઝુંબેશકર્તા
7 ઓક્ટોબરના હમાસની આગેવાની હેઠળના હુમલામાં ઝુંબેશકર્તા અને સિંગલ મધર ઈનાવ ઝંગાઉકરના 24 વર્ષના પુત્ર મતનને બંધક બનાવવામાં આવ્યો હતો. તેમના પુત્રની પાર્ટનર ઇલાનાનું અલગથી અપહરણ કરવામાં આવ્યું હતું અને આખરે તેમને કેદીની અદલાબદલીમાં મુક્ત કરવામાં આવ્યાં હતાં.
ત્યારથી સતત તેઓ બંધક કટોકટી તરફ ધ્યાન દોરતા રહ્યાં છે, નેતાઓને પગલાં લેવાનું આહ્વાન કર્યું છે અને લોકોને વિરોધ પ્રદર્શન માટે સતત પ્રેરિત કર્યા છે.
તેમણે અગાઉ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના શાસક પક્ષને મત આપ્યો હોવા છતાં બંધકોને ઘરે પાછા લાવવાનો માર્ગ શોધવામાં નિષ્ફળ રહેવા બદલ ઝંગાઉકર ઈઝરાયલ સરકારની આકરી ટીકા કરતા રહ્યાં છે.
બાકીના બંધકોને મુક્ત કરવા માટે તેઓ યુદ્ધવિરામ કરારની માંગ કરી રહ્યાં છે.

હુઆંગ જી, તાઇવાન
રાજકારણી
લિંગ સમાનતાના પુરસ્કર્તા હુઆંગ જી આ વર્ષે જાન્યુઆરીમાં સંસદમાં બેઠક જીતી અને તાઇવાનના પ્રથમ ઓપન એલજીબીટીક્યુ પ્લસ સંસદસભ્ય બનીને ઇતિહાસ સર્જ્યો હતો.
તેમણે તેમની રાજકીય કારકિર્દી દરમિયાન મોટા સુધારાઓ રજૂ કર્યા છે, જેમાં પ્રજનનક્ષમતા સારવાર મેળવવા માટે એકલ મહિલાઓ અને લેસ્બિયન યુગલોના અધિકારોને સુરક્ષિત કરવાનો અને ઓછી આવક ધરાવતી અને વિકલાંગ મહિલાઓ માટે મૅન્સ્ટ્રુઅલ પ્રોડક્ટને સબસિડી આપવાની સરકારી વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
2023માં પોતાની અસલી ઓળખ જાહેર કર્યા પછી, તેમણે જે દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે ખુલ્લેઆમ વાત કરી છે. ડીપફેક પોર્નોગ્રાફીના શિકાર તરીકે તેઓ ડિજિટલ જાતીય હિંસા સામે લડવા માટે હાલના કાયદાઓને મજબૂત બનાવવાની હિમાયત કરે છે.
સાચી લવચીકતા વિવિધતાને સ્વીકારવામાં છે. આપણે જેટલા વધુ અવાજોનો સમાવેશ કરીશું, તેટલા વધુ મજબૂત બનીશું - ખાસ કરીને એક વખત નબળી ગણાતી મહિલાઓ અને LGBTQ+ના.
હુઆંગ જી

ગ્વા્રલીન એમ. જોઝેફ, હૈતી
ઇમિગ્રેશન અધિકાર ચળવળકર્તા
અમેરિકામાં રાજકારણ અને જાતિ પર કામ કરતા ગ્વારલીન એમ. જોઝેફ ઇમિગ્રન્ટ અધિકારો માટે ઝુંબેશ ચલાવે છે.
તેઓ મહિલાઓ સંચાલિત હૈતિયન બ્રીજ અલાયન્સના સ્થાપક છે, જે આફ્રિકન મૂળના લોકો પર કેન્દ્રીત છે.
તેમના માર્ગદર્શનમાં અલાયન્સે આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો, કારણ કે ટ્રમ્પે તેમની પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઓહિયોના સ્પ્રિંગફિલ્ડમાં એક ભાષણમાં હૈતીના ઈમિગ્રન્ટ્સના "પાળેલા પ્રાણીઓ ખાવા" બાબતે નિરાધાર દાવા કર્યા હતા.
જોઝેફ લાંબા સમયથી હૈતીના લોકોના દેશનિકાલની ખુલ્લેઆમ ટીકા કરતા રહ્યાં છે. તેમના સંગઠને તાજેતરમાં બાઈડન વહીવટીતંત્રને આગ્રહ કર્યો હતો કે તેઓ હૈતીમાં ગુંડા ટોળકીઓની હિંસાથી બચીને અમેરિકા આવતા શરણાર્થીઓને પાછા મોકલવાનું બંધ કરે.

અમાન્ડા ઝુરાવસ્કી, અમેરિકા
પ્રજનન અધિકારોના વકીલ
ઑગસ્ટ 2022માં અમાન્ડા ઝુરાવસ્કીને ખબર પડી હતી કે તેમના ગર્ભાશયમાંથી પાણી અકાળે નીકળી ગયું છે. ડોકટરોએ તેમને કહ્યું કે ગર્ભ બચશે નહીં.
ઝુરાવસ્કી ટેક્સાસમાં રહે છે અને તેમને ગર્ભપાતની પરવાનગી આપવામાં આવી ન હતી. બે મહિના અગાઉ રો વિરુદ્ધ વેડ કેસના ચુકાદાને સર્વોચ્ચ અદાલતે પલટાવી દીધા બાદ, રાજ્યએ દર્દીના જીવને જોખમ હોય તેવા કિસ્સાઓ સિવાય ગર્ભપાત પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્રણ દિવસ પછી ઝુરાવસ્કીને સેપ્ટિક થયું હતું અને તેમનો જીવ જોખમમાં હોવાથી આખરે તેમને ગર્ભપાતની પરવાનગી આપવામાં આવી હતી.
માર્ચ 2023માં ઝુરાવસ્કી અને તેમના જેવી કથા ધરાવતી અન્ય 19 મહિલાઓએ રાજ્ય સામે દાવો દાખલ કર્યો હતો, જે રો વિરુદ્ધ વેડ કેસના ચુકાદાને પલટાવવામાં આવ્યા પછીનો ગર્ભપાતની પરવાનગી નકારવામાં આવી હોય તેવી મહિલાઓ દ્વારા કરવામાં આવેલો પ્રથમ કેસ હતો. ટેક્સાસ સુપ્રીમ કોર્ટે ગર્ભપાત પરના પ્રતિબંધને પડકારતો દાવો ફગાવી દીધો હતો.
તેમણે હવે "દેશમાં પ્રજનન અધિકારોને પુનઃસ્થાપિત કરવા અને તેનું રક્ષણ કરવા" માટે લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે.

કાશા જૅકલીન નાબાગેસેરા, યુગાન્ડા
વૈવિધ્ય અને સર્વસમાવેશકતાના પ્રચારક
યુગાન્ડામાં સમલૈંગિક કૃત્યો ગેરકાયદે છે. જેલની સજાને પાત્ર છે. એલજીબીટીક્યુ પ્લસના હિમાયતી કાશા જૅકલીન નાબાગેસેરા આ દમનકારી કાયદાઓને બદલવા લડી રહ્યાં છે.
ખુદને ગે મહિલા જાહેર કરી ચૂકેલા કાશાએ સમગ્ર આફ્રિકામાં એલજીબીટીક્યુ પ્લસ કલંક સામે ઝુંબેશ ચલાવીના પ્રભાવ સર્જ્યો છે.
એલજીબીટીક્યુ પ્લસ વિરોધી લવારાબાજી બદલ કાશા જૅકલીન નાબાગેસેરાએ અખબારો અને યુગાન્ડાની સામે સફળ દાવો માંડ્યો હતો. તેમણે દેશના હોમોસેક્સ્યુએલિટી વિરોધી કાયદાઓને યુગાન્ડાની કોર્ટમાં બે વખત પડકાર્યા છે અને હાલ તેઓ 2023ના કાયદા સામે લડી રહ્યાં છે.
તેમની શૈક્ષણિક લાયકાતમાં યુગાન્ડાની એનકુમ્બા યુનિવર્સિટીની બિઝનેસ ડિગ્રી, સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીની ફેલૉશિપ અને સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુરોપિયન સંસદ અને આફ્રિકન કમિશન જેવી ઉચ્ચ સ્તરીય ફોરમ્સમાં ડાઇવર્સિટી સંબંધી પહેલોમાં યોગદાનનો સમાવેશ થાય છે.

જીસેલ પેલિકોટ, ફ્રાન્સ
બળાત્કાર પીડિત અને ઝૂંબેશકર્તા
અનામ રહેવાના પોતાના અધિકારને છોડીને અને પોતાની આપવીતીને વિશ્વ સુધી પહોંચવાની મંજૂરી આપીને જીસેલ પેલિકોટ હિંમત અને લવચીકતાનું પ્રતીક બની ગયાં છે.
તેના ભૂતપૂર્વ પતિએ કબૂલ્યું છે કે તેમણે લગ્ન કર્યાં ત્યારે તેમણે જીસેલને માદક પદાર્થો પીવડાવ્યા હતા અને તેના પર બળાત્કાર કર્યો હતો તેમજ જીસેલ પર બળાત્કાર કરવા માટે અન્ય ડઝનેક પુરુષોની ભરતી કરી હતી. મોટા ભાગના કથિત બળાત્કારનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
કાયદા હેઠળ જીસેલને અનામ રહેવાનો અધિકાર હતો, પરંતુ તેના બદલે તેમણે આરોપીને "શરમ"નો અહેસાસ કરાવવા, ખટલો જાહેરમાં હાથ ધરવા અને વીડિયોઝ દર્શાવવા જણાવ્યું હતું. આ કેસમાં સામેલ 50 પુરુષો પૈકીના કેટલાકે બળાત્કારની કબૂલાત કરી હતી, પરંતુ મોટાભાગના લોકોનું કહેવું છે કે તેમણે માત્ર જાતીય કૃત્યોમાં જ ભાગ લીધો હતો.
ખટલો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે ફ્રેન્ચ દાદીથી પ્રેરિત વિશ્વભરની મહિલાઓને આશા છે કે આ કેસ ફ્રેન્ચ કાયદા અને બળાત્કાર તથા સંમતિ વિશેના વલણને બદલશે.

લોર્ડેસ બરેટો, બ્રાઝિલ
સેક્સ વર્કર્સના અધિકારો માટેનાં ચળવળકર્તા
ઘણી ઝુંબેશ પાછળનું અગ્રણી બળ બની રહેલાં લોર્ડેસ બેરેટોએ તેમનું જીવન બ્રાઝિલમાં સેક્સ વર્કર્સના વધુ સારા અધિકારોની હિમાયત કરવામાં વિતાવ્યું છે.
એમેઝોન પ્રદેશમાં બેલેમ દો પારામાં ચળવળની શરૂઆત કર્યા પછી 1980ના દાયકામાં તેમણે લેટિન અમેરિકામાં સેક્સ વર્કરોની પ્રથમ સંગઠિત ચળવળોમાંની એક બ્રાઝિલિયન નેટવર્ક ઓફ પ્રોસ્ટિટ્યુટ્સની સહ-સ્થાપના કરી હતી.
હવે આયુષ્યના 80ના દાયકામાં પહોંચેલાં બેરેટો દાયકાઓ જૂના પૂર્વગ્રહોને પડકારે છે.
તેમણે દેશમાં એચઆયવી નિવારણ નીતિઓ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને સોનાની ખાણમાં કામ કરતા સમુદાયોમાં એચઆયવીના ફેલાવાને રોકવા માટે ઝુંબેશ ચલાવી હતી. 2023માં તેમણે તેમની આત્મકથા પ્રકાશિત કરી.
આપણી કથાઓને મૂલ્યવાન ગણવામાં આવશે અને મૌન નહીં કરી દેવાય. આપણામાં, વિશ્વની સ્ત્રીઓમાં સપનાં જોવાની, તેને સિદ્ધ કરવાની, વિચારવાની, સમાજને બદલવાની અપાર ક્ષમતા છે.
લોર્ડેસ બરેટો

માહરંગ બલોચ, પાકિસ્તાન
મેડિકલ ડોક્ટર અને રાજકીય કાર્યકર
મહારંગ બલોચ સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી હજારો મહિલાઓ પૈકીનાં એક છે. બલુચિસ્તાન પ્રાંતમાં મહિલાઓને કથિત રીતે બળજબરીથી ગૂમ કરી દેવાનો તેઓ વિરોધ કરે છે.
માહરંંગના પિતાને સલામતી સેવાના અધિકારીઓ 2009માં ઉઠાવી ગયા અને બે વર્ષ પછી અત્યાચારના નિશાન સાથે તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા બાદ તેઓ ન્યાયનો પોકાર કરી રહ્યા છે.
પોતાના પરિવારના સભ્યોની ઠેકાણાની માહિતી આપવાની માગણી સાથે રાજધાની ઈસ્લામાબાદ સુધીની 1,600 કિલોમીટરની હજારો મહિલાઓની કૂચનું નેતૃત્વ બલોચે 2023ના અંતમાં કર્યું હતું. એ પ્રવાસ દરમિયાન તેમની બે વખત ધરપકડ કરવામાં આવી હતી.
લાંબા સમયથી ચાલી રહેલા રાષ્ટ્રવાદી વિદ્રોહના કેન્દ્ર બલૂચિસ્તાન પ્રાંતના વિરોધ પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે તેમના પ્રિયજનોને પાકિસ્તાનના સલામતી દળોએ આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન પકડ્યા હતા અને તેમની હત્યા કરી હતી. ઈસ્લામાબાદના અધિકારીઓ આ આરોપોનો ઈનકાર કરે છે.
આ મેડિકલ ડૉક્ટર ત્યારથી પોતાના માનવાધિકાર જૂથ બલૂચ યકજેહતી (એકતા) સમિતિ બીવાયસીના બેનર હેઠળ એક મુખ્ય કાર્યકર્તા બની ગયાં છે. માનવાધિકારના ક્ષેત્રમાં તેમણે કરેલા કામને ઉભરતા નેતાઓની ટાઈમ 100 નેક્સ્ટ 2024 યાદીમાં સ્વીકૃતિ આપવામાં આવી છે.

કેમી બૅડનૉક, યુકે
કન્ઝર્વેટિવ પક્ષનાં નેતા
નવેમ્બરમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયેલાં કેમી બૅડનૉક યુકેના મોટા રાજકીય પક્ષનું નેતૃત્વ કરનાર પ્રથમ અશ્વેત મહિલા છે.
તેઓ હાલમાં નૉર્થ વેસ્ટ એસેક્સનાં સંસદસભ્ય છે. તેઓ અગાઉ બિઝનેસ સેક્રેટરી અને મહિલા અને સમાનતા મંત્રી હતાં.
બૅડનૉકનો જન્મ લંડનમાં નાઇજિરિયન માતાપિતાને ત્યાં થયો હતો, પરંતુ તેઓ લાગોસ, નાઇજિરિયા અને અમેરિકામાં ઉછર્યાં હતાં. નાઇજિરિયામાં બગડતી રાજકીય અને આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ 16 વર્ષની ઉંમરે યુકે પરત ફર્યાં હતાં અને કૉમ્પ્યુટર ઍન્જિનિયરિંગ તથા કાયદાની ડિગ્રી લીધી હતી.
રાજકીય કારકિર્દી પહેલાં તેઓ ખાનગી બૅન્ક કાઉટ્સના સહયોગી નિર્દેશક અને ધ સ્પૅક્ટેટર મૅગેઝિનનાં ડિજિટલ ડિરેક્ટર હતાં.

હાના-રેવહિતી માઈપી-ક્લર્ક, ન્યૂઝીલૅન્ડ
રાજકારણી
22 વર્ષની વયનાં હાના-રેવહિતી માઈપી-ક્લર્ક ન્યૂઝીલૅન્ડની સંસદમાં ચૂંટાયેલાં સૌથી નાની વયનાં માઓરી મહિલા છે.
સંસદમાંના પોતાના પ્રથમ ભાષણ દરમિયાન, તેમણે હાકા નામનું એક માઓરી ઔપચારિક નૃત્ય કર્યું હતું અને સ્વદેશી અવાજોની વધુ રજૂઆત માટે હાકલ કરી હતી. તેમણે તાજેતરમાં સંસદમાં એક વિવાદાસ્પદ ખરડાની રજૂઆત અટકાવવા બીજા હકા નૃત્યનું નેતૃત્વ કર્યું હતું.
આઈપી-ક્લર્ક માઓરી અધિકારો, સાંસ્કૃતિક સંરક્ષણ અને પર્યાવરણીય મુદ્દાઓ માટે ઉત્સાહપૂર્વક હિમાયત કરે છે. 17 વર્ષની ઉંમરે તેમણે માઓરી ચંદ્ર કૅલેન્ડર વિશેનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું હતું.
રાજનીતિમાં યુવા સ્વદેશી અવાજોને આગળ વધારવાના પ્રયાસો બદલ આ વર્ષે તેમને પ્રતિષ્ઠિત વન યંગ વર્લ્ડ પૉલિટિશિયન ઑફ ધ યર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
મહિલાઓને એવી જગ્યાઓ પર જવાની જરૂર છે, જ્યાં તેઓ જાણે છે કે તેમને આમંત્રિત કરવામાં આવ્યાં નથી, પછી ભલે તે રાજકારણમાં સ્થાનિક, રાષ્ટ્રીય અથવા વૈશ્વિક સ્તરે હોય.
હાના-રેવહિતી માઈપી-ક્લર્ક

કૅથરીન માર્ટિનેઝ, વેનેઝુએલા
માનવાધિકાર વકીલ
વેનેેઝુએલાના કારાકસ ખાતેની જોસ મેન્યુઅલ દે લૉસ રિયોસ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલના ઘણાં બાળ દર્દીઓ ઓછી આવકવાળા અને સિંગલ પેરન્ટના પરિવારનાં સંતાનો છે.
કૅથરીન માર્ટિનેેઝ સ્થાપિત બિન-સરકારી સંગઠન પ્રેપેરા ફેમિલિયા તેમને જીવનજરૂરી સામગ્રી, કપડાં, દવાઓ અને ભોજન સામગ્રી ઉપરાંત મનોવૈજ્ઞાનિક ટેકો આપે છે.
એક માનવાધિકાર વકીલ તરીકે માર્ટિનેઝ અને તેમની ટીમ હૉસ્પિટલમાં બાળકો અને આયાઓના માનવાધિકારના ઉલ્લંઘનના મામલાઓનો રેકૉર્ડ રાખે છે. જેથી પીડિતોને વળતર અપાવવામાં સહાયતા મળી શકે.
વેનેઝુએલામાં કૂપોષણના ઉચ્ચ દરને ધ્યાનમાં લઈને પ્રેપરા ફેમિલિયાએ બાળકો તથા ગર્ભવતી મહિલાઓને પોષક સામગ્રી અને વિટામીન મફત ઉપલબ્ધ કરાવવા એક કેન્દ્ર ખોલ્યું છે.

નાદિયા મુરાદ, ઇરાક
નોબલ પુરસ્કાર વિજેતા
જાતીય હિંસાથી બચી ગયેલા લોકો માટેના અગ્રણી વકીલ, માનવાધિકાર કાર્યકર્તા અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા નાદિયા મુરાદે ઇરાકમાં યઝીદી નરસંહારનો સામનો કર્યો હતો, જે 2014માં પોતાને ઇસ્લામિક સ્ટેટ (IS) તરીકે ઓળખાવતા જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો.
તેમને IS આતંકવાદીઓએ પકડ્યાં હતાં, ગુલામીની ફરજ પાડવામાં આવી હતી, તેમના પર બળાત્કાર અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મુરાદ ત્રણ મહિના પછી નાસી છૂટ્યાં હતાં અને સંઘર્ષ-સંબંધિત જાતીય હિંસા વિશે જાગૃતિ લાવવા માટે તેમણે વિશ્વ સમક્ષ પોતાની અગ્નિપરીક્ષાનું બહાદુરીપૂર્વક વર્ણન કર્યું.
તેમણે ISને જવાબદાર ઠેરવવા માટે માનવાધિકાર વકીલ અમલ ક્લુની સાથે ભાગીદારી કરી હતી અને સમુદાયોના પુનઃનિર્માણમાં મદદ કરવા અને બચી ગયેલા લોકો માટે વળતરની હિમાયત કરવા નાદિયાઝ ઇનિશિયેટિવ શરૂ કર્યું હતું.
યઝદી નરસંહારનાં દસ વર્ષ પછી પણ મુરાદ લવચીકતાનું વૈશ્વિક પ્રતિક બની રહ્યાં છે.
સમાનતા અને ન્યાય માટે લડવા માટે આપણે સત્ય, આશા અને કરુણા, જેને હું 'નૈતિક શસ્ત્રો' કહું છું તેનો, ઉપયોગ કરવો જોઈએ.
નાદિયા મુરાદ

લતિશા મેકક્રુડન, આયર્લેન્ડ
આયરિશ ટ્રાવેલર મૂવમેન્ટ ઍક્ટિવિસ્ટ
માત્ર 20 વર્ષની વયનાં લતિશા મેકક્રુડન આયરિશ પ્રવાસી સમુદાયના મજબૂત હિમાયતી તરીકે ખુદને સ્થાપિત કરી ચૂક્યાં છે.
એક સભ્ય તરીકે તેઓ આયર્લેન્ડની વંશીય લઘુમતીઓ સંબંધી માન્યતાઓ સામે લડવા માંગે છે અને મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા સામે લડવા માટે ઘરેલુ દુર્વ્યવહાર પીડિત તરીકે પોતાના અવાજનો ઉપયોગ કરવા માંગે છે.
યુનિવર્સિટી ઑફ ગાલવે ખાતે કાયદાનો અભ્યાસ કરતા મૅકક્રુડન આયરિશ ટ્રાવેલર મૂવમેન્ટ નૅશનલ યૂથ ફોરમનાં, નેશનલ વીમેન્સ કાઉન્સિલ ઑફ આયર્લેન્ડના અને ટ્રાવેલર સપોર્ટ ગ્રૂપ મિનસેર્સ વ્હીડેનનાં સભ્ય છે.
તેઓ 2029માં આગામી ચૂંટણી લડવા અને આયર્લેન્ડના ભવિષ્ય માટે કામ કરવા ઇચ્છે છે.

એની સિનાન્ડુકુ મ્વાંગે, ડીઆર કૉંગો
ખાણ સાથે જોડાયેલાં
કૉંગોના ખાણ બિઝનેસમાં એક મહિલા તરીકે એની સિનાન્ડુકુ મ્વાંગે ઉદ્યોગમાં અસમાનતા તથા જાતીય સતામણી સામેની ચળવળનું નેતૃત્વ કરે છે. આ ઉદ્યોગના કામદારોમાં અડધોઅડધ મહિલાઓ છે.
નેશનલ વીમેન્સ માઇનિંગ નેટવર્ક રેનાફેમમાં તેઓ ખુદને મેરે બોસ અથવા મધર બૉસ ગણાવે છે. પુરુષ સાથી કર્મચારીઓ દ્વારા જાતીય સતામણી અટકાવવા માટે તેઓ માઇનિંગ સ્પૉટ્સમાં મહિલાઓને જવાબદારી સોંપે છે.
ઇલેક્ટ્રિક કાર્સ જેવી ક્લીન ઍનર્જી પ્રૉડક્ટ્સ માટે કોબાલ્ટ અને અન્ય ખનીજોની વૈશ્વિક માંગ વધી રહી છે ત્યારે મહિલાઓની આજીવિકામાં રોકાણ કરીને તેઓ આ ક્ષેત્રમાં બાળમજૂરી પણ ઘટાડવા ઈચ્છે છે.

ફેંગ યુઆન, ચીન
મહિલા અધિકારનાં હિમાયતી
ચીનમાં લાંબા સમયથી મહિલાઓના અધિકારોનાં હિમાયતી ફેંગ યુઆન ઇક્વૉલિટી બેઇજિંગનાં સ્થાપક નિર્દેશક છે. 2014માં સ્થાપવામાં આવેલી આ સંસ્થા હેલ્પલાઇન દ્વારા કાયદાકીય સુધારા, ક્ષમતા નિર્માણ અને લિંગ-આધારિત હિંસા સામે લડવા માટે સમર્પિત છે.
તાજેતરનાં વર્ષોમાં તેઓ ચીનના MeTooના પીડિતોને સમર્થન આપતાં રહ્યાં છે અને કાર્યસ્થળ પર જાતીય સતામણી અટકાવવા માટે નોકરીદાતાઓને તાલીમ આપતાં રહ્યાં છે.
ફેંગે 1986 થી 2006 સુધી મહિલાઓના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા પત્રકાર તરીકે કામ કર્યું હતું.
1990ના દાયકાના મધ્યભાગથી તેમણે મહિલાઓ અને મીડિયા, HIV/એડ્સ, નેતૃત્વ અને યુવા સશક્તિકરણ સંબંધી વિવિધ બિન-સરકારી પહેલો સ્થાપિત કરવામાં મદદ કરી છે. તેમણે ચીન અને અન્ય દેશોના પ્રકાશનોમાં લેખન અને સંપાદન કર્યું છે.

ઍન્જેલા રેયનર, યુકે
નાયબ વડાં પ્રધાન
યુકેેના રાજકારણમાં સૌથી ઊંચાં પદો પૈકીનું એક સંભાળતાં ઍન્જેલા રેયનર જુલાઈમાં સામાન્ય ચૂંટણી પછી નાયબ વડાં પ્રધાન બન્યાં હતાં.
સ્ટૉકપોર્ટમાં જન્મેલાં તથા ઊછરેલાં રેયનરે બહુ નાની વયથી જ તેમનાં માતાની સંભાળ રાખી હતી અને 16 વર્ષની વયે સ્કૂલનો અભ્યાસ છોડી દીધો હતો. તેમણે સ્થાનિક કાઉન્સિલમાં સામાજિક સંભાળનું કામ કર્યું હતું અને મજૂર સંગઠનનાં પ્રતિનિધિ બન્યાં હતાં.
રેયનર ઍશ્ટન અન્ડર લાઇન માટે 2015માં સૌપ્રથમ લેબર સાંસદ તરીકે ચૂંટાયાં હતાં. તેઓ આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા હતાં અને અન્ય ભૂમિકાઓ ભજવવાની સાથે તેમણે મહિલા તથા સમાનતા માટેના શૅડો મિનિસ્ટર તરીકે પણ બાદમાં કામ કર્યું હતું.
તેઓ હાલ હાઉસિંગ, કૉમ્યુનિટીઝ અને સ્થાનિક સરકારના સેક્રેટરી ઑફ સ્ટેટ તરીકે કામ કરે છે.

અરુણા રોય, ભારત
સામાજિક કાર્યકર
ભારતમાં ગરીબોના અધિકારો માટે ઝુંબેશ ચલાવતા અરુણા રોયે ગ્રામીણ સમુદાયો સાથે વધુ સીધા જોડાવા માટે સિવિલ સર્વિસની કારકિર્દી છોડી દીધી હતી.
તેઓ મઝદૂર કિસાન શક્તિ સંગઠન(MKSS) ના સહ-સ્થાપક છે. આ સંગઠન પારદર્શિતા અને વાજબી વેતન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નાગરિકોને સરકારની જવાબદારીની માંગ કરવા સક્ષમ બનાવતા 2005ના સીમાચિહ્નરૂપ કાયદાના અમલમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચાર દાયકાથી વધુ સમયથી તેઓ લોકોની આગેવાની હેઠળની પહેલોમાં મોખરે રહ્યાં છે. તેમને રેમન મેગ્સેસે, જેને ઘણીવાર 'એશિયાનું નોબેલ પારિતોષિક' કહેવામાં આવે છે, તેના સહિતના અનેક પુરસ્કારો મળ્યા છે.
તેઓ નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વીમેનના પ્રમુખ છે અને આ વર્ષે તેમણે તેમની સ્મૃતિકથા ધ પર્સનલ ઈઝ પોલિટિકલનું પ્રકાશન કર્યું છે.
આપણને ભવ્યતાનું એટલું વળગણ છે કે ઘણીવાર બાજુમાંના સપનાને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ.
અરુણા રોય

રૂથ લોપેઝ, અલ સાલ્વાડોર
વકીલ
કાયદા અને ન્યાય બાબતે ચાહના ધરાવતા રૂથ લોપેઝ સમગ્ર મધ્ય અમેરિકામાં લોકશાહીને આગળ ધપાવવા માટે કામ કરતા ક્રિસ્ટોસલ નામના એક સંગઠનના વડા લીગલ ઑફિસર છે.
તેઓ અલ સાલ્વાડોરમાં ભ્રષ્ટાચાર વિરોધી, ચૂંટણી સંબંધી કાયદાઓ અને માનવાધિકારના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તેઓ તેમના દેશની સરકાર અને સંસ્થાઓના પ્રખર ટીકાકાર છે.રાજકીય પારદર્શકતા અને નાગરિકોની દેખરેખ હેઠળ જ જાહેર જવાબદારીને વેગ આપવા માટે તેમણે સોશિયલ મીડિયા પર વ્યાપક ઝુંબેશ ચલાવી છે.
આ વર્ષની શરૂઆતમાં અલ સાલ્વાડોરે તેના રાષ્ટ્રપતિ નાયિબ બુકેલેને બીજા કાર્યકાળ માટે ચૂંટી કાઢ્યા હોવાથી તેમનું કામ વધુ ચર્ચિત બન્યું છે. ગુનાખોરી પર તૂટી પડવાને પગલે બુકાલેને લોકપ્રિયતામાં જબરો વધારો થયો હતો અને તેઓ પોતાને "વિશ્વના સૌથી શાંત તાનાશાહ" ગણાવવા લાગ્યા છે.

રોઝમેરી વાયડલર-વાલ્ટી, સ્વિત્ઝર્લેન્ડ
શિક્ષિકા અને આબોહવા ઝુંબેશકર્તા
ક્લિમાસેનીઓરીનેન અથવા આબોહવા સંરક્ષણ માટેની વરિષ્ઠ મહિલા સંગઠનનાં સહ-પ્રમુખ તરીકે રોઝમેરી સ્વીસ સરકાર સામે નવ વર્ષ સુધી કેસ લડ્યાં હતાં અને યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સમાં સૌપ્રથમ ક્લાયમેટ કેસ જીત્યાં હતાં.
2,000 અન્ય મહિલાઓ, કિન્ટરગાર્ડન શિક્ષિકાઓ અને પરામર્શદાતાઓ સાથે વાયડલર-વાલ્ટીએ એવી દલીલ કરી હતી કે ગ્લોબલ વૉર્મિંગ સાથે સંકળાયેલા હીટવેવ્ઝ પ્રત્યેની સ્વિસ સરકારની પ્રતિક્રિયા તેમના સ્વાસ્થ્ય પ્રત્યે પૂર્વગ્રહયુક્ત છે અને ખાસ કરીને તેમના આયુષ્ય તથા જાતિને અસલામત બનાવે છે.
અદાલતે એપ્રિલમાં ચુકાદો આપ્યો હતો કે ઉત્સર્જન ઘટાડવાના દેશના પ્રયાસો અપૂરતા હતા.
અલબત, આ ચુકાદાનો સ્વિસ સંસદે અસ્વીકાર કર્યો હતો, પરંતુ આ કેસ ક્લાયમેટ લિટિગેશનમાં નવા દાખલારૂપ બન્યો છે.

યુમી સુઝુકી, જાપાન
બળજબરીથી નસબંધીના કેસમાં અરજદાર
જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારીથી પીડાતાં યુમી સુઝુકી સાથે બાળપણથી જ ભેદભાવ કરવામાં આવતો હતો. તેઓ માત્ર 12 વર્ષનાં હતાં ત્યારે તેમની નસબંધી કરી નાખવામાં આવી હતી. તેમનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું હતું.
સુઝુકી જેવી અક્ષમતા ધરાવતા કેટલાક લોકોની જાપાનમાં 1950થી 1990ના દાયકા દરમિયાન એક યુજેનીક્સ કાયદાને કારણે બળજબરીથી નસબંધી કરવામાં આવી હતી.એ કાયદો 1996માં રદ કરવામાં આવ્યો હતો.
સુઝુુકી અને 38 અન્ય અરજદારોએ સરકાર સામે કેસ માંડ્યો હતો અને આ કેસમાં તેમની જીત થઈ હતી. જાપાનની સર્વોચ્ચ અદાલતે જુલાઈમાં એવો ચુકાદો આપ્યો હતો કે આ પદ્ધતિ ગેરકાયદે છે. આ પ્રૅક્ટિસનો ભોગ બનેલા લોકોને વળતર આપવાનો આદેશ પણ કોર્ટે સરકારને આપ્યો હતો.
સત્તાવાળાઓએ સ્વીકાર્યું હતું કે સંમતિ વિના 16,500 નસબંધી કરવામાં આવી હતી.
વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનૉલૉજી

સુનિતા વિલિયમ્સ , અમેરિકા
અવકાશયાત્રી
નાસાનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 5 જૂનના રોજ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં સવાર થયાં ત્યારે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)ના આઠ દિવસના મિશન પર જઈ રહ્યાં હોવાની આશા હતી.
પરંતુ બોર્ડમાં શ્રેણીબદ્ધ તકનીકી ખામીઓને પગલે, વિલિયમ્સ અને તેના સાથીદાર બેરી વિલ્મોરને જાણ કરવામાં આવી હતી કે તેઓ ફેબ્રુઆરી 2025 સુધી પૃથ્વી પર પાછા ફરશે નહીં.
એક નિવૃત્ત નેવી હેલિકોપ્ટર પાઇલટ અને મહિલા દ્વારા સૌથી વધુ સ્પેસવૉક માટેના ભૂતપૂર્વ રેકૉર્ડ ધારક વિલિયમ્સ 2007માં અવકાશમાં મેરેથોન દોડનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
હવે પૃથ્વીથી 400 કિમી ઉપર મિત્રો અને કુટુંબીજનોથી દૂર હોવા છતાં, તેમણે અવકાશયાનને પોતાના "હેપ્પી પ્લેસ" તરીકે વર્ણવીને લવચીકતા અને ઉત્સાહી વલણ સાથે આઈએસએસમાં વિસ્તૃત રોકાણને સ્વીકાર્યું છે.

એનાસ અલ-ધૌલ, પેલેસ્ટિનિયન પ્રદેશ
કૃષિ ઈજનેર
યુદ્ધને કારણે ગાઝામાં પાણીની અછત સર્જાઈ ત્યારે એનાસ અલ-ઘૌલને લાગ્યું કે તેમણે કોઈ ઉકેલ શોધવો પડશે.
આ કૃષિ ઈજનેરે દરિયાઈ પાણીને પીવાલાયક પાણીમાં રૂપાંતરિત શકાય તેવું સૌર-સંચાલિત ડિસેલિનેશન ઉપકરણ બનાવવા માટે લાકડા, કાચ અને તાડપત્રી જેવી રિસાયકલ્ડ સામગ્રીનો ઉપયોગ કર્યો છે.
ત્યારથી આ ઉપકરણ ગાઝા પટ્ટીની દક્ષિણમાં ખાન યુનિસ વિસ્તારમાં તંબુઓમાં રહેતા ઘણા લોકો માટે જીવનરેખા બની ગયું છે, કારણ કે ઑક્ટોબર 2023થી પાણી અને સ્વચ્છતા સુવિધાઓને નુકસાન અથવા નાશ કરવામાં આવ્યો છે.
વિસ્થાપિત પેલેસ્ટિનિયનોને મદદ કરવા માટે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવા માટે કૃતનિશ્ચય અલ-ઘોલે સૌર-સંચાલિત કૂકર પણ બનાવ્યું છે અને ગાદલા તથા બેગ જેવી વસ્તુઓ બનાવવા માટે સામગ્રીને રિસાયકલ કરવાનું શીખ્યા છે.

સફા અલી , સુદાન
પ્રસૂતિશાસ્ત્રી
ગયા વર્ષે સુદાનમાંની પોતાની હૉસ્પિટલ નજીક જોરદાર લડાઈ ફાટી નીકળી ત્યારે ડૉ. સફા અલી મોહમ્મદ યુસુફે, સતત બૉમ્બમારો થતો હોવા છતાં પોતાના સાથીઓ જોડે હૉસ્પિટલ છોડવાનો ઇનકાર કર્યો હતો.
લશ્કર અને અર્ધ-લશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચેની હિંસક લડાઈ દરમિયાન ડૉ. સફાએ સ્વયંસેવકો અને ગર્ભવતી મહિલાઓને ઉગારીને સલામત સ્થળે પહોંચાડવામાં મદદ કરી હતી.
હાલ અલ-સાઉદી મેટરનિટી ખાતે કાર્યરત ડૉ. સફા હાલ ચાલી રહેલા સંઘર્ષને કારણે સર્જાયેલા પડકારો હેઠળ સિઝેરિયન ઑપરેશન્શ કરે છે અને રોગગ્રસ્ત મહિલાઓની સારવાર કરે છે.
તબીબી કર્મચારીઓની અછતના નિવારણ માટે તેઓ નવી સ્નાતક થયેલી 20 મહિલા ડૉક્ટર્સને પ્રસૂતિશાસ્ત્રની તાલીમ પણ આપે છે.
હું માનું છું કે મહિલાઓની લવચીકતામાં ઉપચાર, ન્યાય અને ભવિષ્યની ખાતરી છે, જ્યાં આપણે ભયમાં જીવવું નહીં પડે. એ તેમની શક્તિ છે, જે મને યાદ અપાવે છે કે અંધકારમય ક્ષણોમાં પણ આશા હજુ જીવંત છે.
સફા અલી

શિલશિલા આચાર્ય, નેપાલ
સસ્ટેનેબલિટી ઉદ્યોગસાહસિક
શિલશિલા આચાર્ય નેપાલમાં સૌથી મોટા પ્લાસ્ટિક રિસાયકલિંગ નેટવર્ક્સ પૈકીના એકનું સંચાલન કરે છે. તેમના વેસ્ટ મેનેજમેન્ટ બિઝનેસ અવની વેન્ચર્સમાં હાંસિયામાં ધકેલાયેલા સમુદાયના લોકોને નોકરી આપવામાં આવે છે અને ગ્રીન સેક્ટરમાં વધારે મહિલાઓને લાવવા પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે.
આચાર્યએ 2014ની નો થેંક્સ, આઈ કેરી માય ઓન બેગ ઝુંબેશમાં મોખરાની ભૂમિકા ભજવી હતી, જેને કારણે પ્લાસ્ટિક શોપિંગ બેગ્ઝ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
પર્વતારોહકો દ્વારા છોડી જવાયેલો કચરો હિમાલયમાંથી સાફ કરવાના જંગી વાર્ષિક અભિયાનમાં પણ આ ક્લાયમેટ અને વેસ્ટ એજ્યુકેટરની મહત્વની ભૂમિકા છે. તેમણે 2019થી અત્યાર સુધીમાં 119 ટન કચરો એકઠો કર્યો છે.
તેમના કામના માધ્યમથી આ કચરાના કેટલાક હિસ્સાનો ઉપયોગ સ્વદેશી કારીગરો બાસ્કેટ્સ, ચટાઈ અને આભૂષણો બનાવવા માટે રી-યુઝ કરે છે, જેનાથી તેમની આજીવિકા ચાલતી રહે છે.

શિરીન આબેદ, પેલેસ્ટીનિયન પ્રદેશ
બાળરોગ નિષ્ણાત
બૉમ્બમારો અને સંસાધનોનો તીવ્ર અભાવ શિરીન આબેદને ગાઝામાં નવજાત બાળકોની સંભાળ લેવાથી રોકી શક્યા ન હતા.
2023માં ઇઝરાયેલ-ગાઝા યુદ્ધની શરૂઆત પછી તેઓ બેઘર થઈ ગયાં હતાં, કારણ કે તેમનો ફ્લેટ નાશ પામ્યો હતો, પરંતુ આ બાળરોગ નિષ્ણાતે નજીકની વિસ્થાપન શિબિરોમાં બાળકોની સંભાળ રાખવાનું ચાલુ રાખ્યું હતું.
ગાઝાની મુખ્ય હૉસ્પિટલોના નીઓનેટલ યુનિટ્સમાં કામ કરવાના વર્ષોના અનુભવ અને તાજેતરમાં અલ-શિફા મેડિકલ કૉમ્પ્લેક્સમાં મેટરનિટી સેન્ટરના ડિરેક્ટર તરીકે તેમણે અત્યંત મર્યાદિત સંસાધનો સાથે જીવનરક્ષક સારવાર પૂરી પાડવા માટે તબીબોને સક્ષમ બનાવવા ઇમરજન્સી પ્રોટોકોલની સ્થાપના કરી છે અને અન્ય ડૉકટરોને તાલીમ આપી છે.
શરતોએ તેણીને આ વર્ષની શરૂઆતમાં તેની બે પુત્રીઓ સાથે ગાઝા છોડવાની ફરજ પડી હતી, પરંતુ આબેદ દૂરથી જમીન પર ડોકટરોની મદદ કરવાનું ચાલુ રાખે છે.

નૂર ઈમામ, ઇજીપ્ત
ફેમ-ટેક ઉદ્યોગસાહસિક
જાતીય આરોગ્ય બાબતે શિક્ષિત કતા નૂર ઈમામ માસિક સ્રાવની સ્વચ્છતા, પ્રજનન સ્વાસ્થ્ય અને જાતીય જાગૃતિ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વિષયો મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ક્ષેત્રની સ્ત્રીઓ માટે વર્જિત માનવામાં આવે છે.
ઈમામ મધરબીઈંગ કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ છે. તે એક ફેમ-ટેક (સ્ત્રી ટેકનૉલૉજી) કંપની છે, જે કેરોમાં ક્લિનિક અને ડિજિટલ પ્લૅટફૉર્મ દ્વારા હાઇબ્રિડ સેવાઓ પ્રદાન કરે છે. તેની મહેચ્છા ટેકનૉલૉજી દ્વારા મહિલાઓની આરોગ્યસંભાળમાં સુધારો કરવાની છે.
તેમનો ઉદ્દેશ્ય મહિલાઓને તેમના શરીર વિશે પુરાવા આધારિત જ્ઞાન સાથે સશક્ત બનાવવાની સાથે ગર્ભનિરોધક વિશેની વિશ્વસનીય માહિતી મેળવવાની સુવિધા આપવાનો અને શરમના ડર વિના સંવેદનશીલ મુદ્દાઓના નિરાકરણમાં કરવામાં મદદ કરવાનો છે.

રોઝા વાસ્ક્વેઝ એસ્પીનોઝા, પેરુ
કેમિકલ બાયોલૉજિસ્ટ
પોતાનાં દાદીની એક ઉપચારક તરીકેની બુદ્ધિમત્તામાંથી પ્રેરણા પામેલાં વૈજ્ઞાનિક રોઝા વાસ્ક્વેઝ એસ્પિનોઝાએ પેરુવિયન એમેઝોનમાં જૈવવિવિધતાના સંરક્ષણ માટે અદ્યતન વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાનના સંયોજનમાં તેમની કારકિર્દી વિતાવી છે.
એમેઝોન રિસર્ચ ઇન્ટરનેશનલનાં સ્થાપક તરીકે તેઓ જંગલના વણઓળખાયેલા જીવવૈવિધ્યનો તાગ મેળવવા સ્થાનિક સમુદાયો સાથે કામ કરે છે.
ઘણીવાર પૃથ્વી પરની દૂરસ્થ ઇકોસિસ્ટમ્સમાં મુસાફરી કરતા, એસ્પિનોઝાના કાર્યમાં એમેઝોનની સુપ્રસિદ્ધ બોઇલિંગ રિવરમાં નવા બૅક્ટેરિયા શોધવાનો અને પેરુમાં ડંખ વગરની મધમાખીઓ તથા ઔષધીય મધના પ્રથમ રાસાયણિક વિશ્લેષણનો સમાવેશ થાય છે.
તેઓ દક્ષિણ અમેરિકાના સૌથી મોટા સ્વદેશી જૂથોમાંના એક અશાનિન્કા લોકોનાં આંતરરાષ્ટ્રીય રાજદૂત પણ છે.

ઓલ્ગા ઓલેફિરેન્કો, યુક્રેન
ખેડૂત
2015માં પિતાનું અવસાન થયું પછી ઓલ્ગા ઓલેફિરેન્કો ફાર્મ સ્થાપવાનું પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા ઈચ્છતાં હતાં. પશુધન ખરીદ્યા પછી તેમણે કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ ટૂંક સમયમાં આર્થિક સંઘર્ષ કરવો પડ્યો હતો અને તમામ પ્રાણીઓ વેચવા પડ્યા હતાં.
તેમ છતાં તેઓ તેમના પિતાનું સપનું પડતું મૂકવા તૈયાર ન હતાં. તેમના પિતા નૌકાદળના વિશેષ લક્ષ્ય દળોના કમાન્ડર તરીકે ફરજ પર હતા ત્યારે ડોનબાસમાં યુદ્ધમોરચે માર્યા ગયા હતા.
યુક્રેનિયન વેટરન્સ ફંડમાંથી ભંડોળ મેળવવાના પ્રયાસમાં ગયા વર્ષે તેમણે એક બિઝનેસ પ્લાન બનાવ્યો હતો અને તેઓ સફળ થયાં હતાં.
ઓલેફિરેન્કોએ આધુનિકીકરણ, ખેતીમાં નવી તકનીકોનો ઉપયોગ અને સ્થાનિક સમુદાય માટે નોકરીઓનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરીથી તેનું ફાર્મ ચલાવવાનું શરૂ કર્યું છે. સ્થાનિક સમુદાયમાં તેમને આ પહેલ અને નેતૃત્વ માટે પ્રેરણા સ્વરૂપ ગણવામાં આવે છે.

કતાલિન કરિકો, હંગેરી
બાયોકેમિસ્ટ અને નોબલ પુરસ્કાર વિજેતા
હંંગેરીના બાયોકેમિસ્ટ કેટલિન કરિકોના મૉડિફાઇડ મૅસેન્જર આરએનએ વિશેના વખણાયેલા સંશોધનનો ઉપયોગ બાયોએનટેક, ફાઇઝર અને મૉડેર્નાએ કોવિડ-19ની વૅક્સિન્સ બનાવવા માટે કર્યો હતો.
આ સંશોધને તેમને "આધુનિક સમયમાં માનવ સ્વાસ્થ્ય માટેના સૌથી ગંભીર જોખમ પૈકીના એક જોખમ દરમિયાન ઝડપભેર વેક્સિન વિકસાવવા માટે" નોબલ પુરસ્કાર અપાવ્યો હતો ( જે તેમણે તેમના સાથી ડ્ર્રુ વેઈઝમેન સાથે શેર કર્યો હતો)
આપણા ડીએનએને પ્રોટિનમાં પરિવર્તિત કરવા માટે જવાબદાર સામગ્રી એમઆરએનએ અત્યંત નાજુક હોય છે અને તેની સાથે કામ કરવું મુશ્કેલ હોય છે, પરંતુ તે મેડિસિનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તેની ખાતરી કરિકોએ કરાવી હતી.
રોગચાળો ફાટ્યો ત્યાર પહેલાં આ ટેકનૉલૉજી પ્રયોગાત્મક જ હતી પણ કોવિડ-19ની ગંભીર અસર સામે લાખો લોકોને હવે આ આપવામાં આવી છે.
હંમેશાં તમે શું કરી શકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને તમારાં લક્ષ્યો તરફ કામ કરો અને અન્ય લોકોએ શું કરવું જોઈએ તેના પર નહીં. જો તમે નિષ્ફળ થાવ, તો તેમાંથી શીખો. ઊભા થાઓ અને એ જ ઉત્સાહ સાથે આગળ વધો.
કતાલિન કરિકો

ગેેબ્રિયેલા સાલસ કેબ્રેરા, મેક્સિકો
પ્રોગ્રામર અને ડેટા સાયન્ટિસ્ટ
તેની માતૃભાષા, નહુઆટલ, Google ના વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ટ્રાન્સલેશન પ્લૅટફૉર્મ પર, ગેબ્રિએલા સાલસ કેબ્રેરા સામેલ ન થયાં ત્યાં સુધી ઉપલબ્ધ ન હતી.
આ ઍન્જિનિયરે મેક્સિકોની આ અને અન્ય સ્વદેશી ભાષાઓને Google અનુવાદમાં એકીકૃત કરવા ભાષાશાસ્ત્રના પ્રોજેક્ટ્સમાં ટેકનૉલૉજી ક્ષેત્રની આ વિરાટ કંપની સાથે સહયોગ કર્યો છે. નહુઆટલ ટ્રાન્સલેટર આ વર્ષની શરૂઆતમાં પહેલાથી જ લોકો માટે રજૂ કરવામાં આવ્યું છે.
સાલસનું કાર્ય કૃત્રિમ બુદ્ધિમત્તા(AI)ની શક્તિનો ઉપયોગ અન્ડરપ્રેઝેન્ટેડ ભાષાઓને વિસ્તૃત કરવા તેમજ ટેક ઉદ્યોગમાં સ્વદેશી મહિલાઓની હાજરીને વધારવા માટે કરે છે.
તેઓ ઑબ્જેક્ટ-ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને એઆઈના નિષ્ણાત છે અને સ્પેનના માડ્રિડ ખાતેની યુનિવર્સિદાદ પોલિટેનિસામાં ડેટા સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.
સ્ત્રીની લવચીકતા એક એવી જ્યોત છે જે ક્યારેય બૂઝાતી નથી, પીડાને હેતુમાં ફેરવે છે અને જેઓ અનુસરે છે તેમના માટે માર્ગ પ્રકાશિત કરે છે.
ગેેબ્રિયેલા સાલસ કેબ્રેરા

નાઓમી ચંદા, ઝામ્બિયા
ખેડૂત અને ટ્રેનર
એક ખેતરમાં કૃષિ માર્ગદર્શક તરીકે કાર્યરત નાઓમી ચંદા તેમના સમુદાયને જમીનનો આદર અને જાળવણી કરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને કામ કરાવવાના મિશન પર છે.
તેઓ ઓછા પાણીનો ઉપયોગ કરતી ટપક સિંચાઈ પદ્ધતિ અથવા ટૂંકા ચક્રના પાકો જેવા 'ક્લાઈમેટ-સ્માર્ટ' કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આબોહવા પરિવર્તનના નિરાકરણના કેન્દ્રમાં મહિલાઓને મૂકે છે.
કન્યા શિક્ષણ એનજીઓ કેમફેડ સાથે મળીને ચંદા લગભગ 150 યુવતીઓને ખેતીની તકનીકોને કેવી રીતે શીખવી તેમાં અને ઝામ્બિયાના ઉત્તર-પૂર્વમાં આબોહવાની કટોકટીનો સામનો કરવા માટે તેમને લવચીક બનવાનું શીખવવામાં મદદ કરે છે. ઝામ્બિયાના ઉત્તર-પૂર્વમાં લાંબા સમયના દુષ્કાળ અને નાટ્યાત્મક મોસમી ફેરફારોની નાના ખેડૂતો પર વિનાશક અસર થઈ છે.

એડેનિકે ટિટિપોલે ઓલાડોસુ, નાઈજીરિયા
ક્લાયમટ જસ્ટિસ ઍડવોકેટ
નાઈજીરિયાના ઇકોફેમિનિસ્ટ ઓલાડોસુ આઈ લીડ ક્લાયમેટ ઍક્શન નામની હવામાનનાં ફેરફાર સામેની મહિલાઓ અને યુવાનોની પહેલનાં સ્થાપક છે.
તેમણે નાઈજીરિયા, નિજેર, ચાડ અને કેમરુનના સંગમ પર સ્થિત ચાડ સરોવરને અસર કરતા પર્યાવરણીય સંકટ બાબતે જાગૃતિ વધારવા માટે કામ કર્યું છે, જ્યાં ઘટતાં જળ સંસાધનોને કારણે સંઘર્ષમાં વધારો થયો છે.
ઓલાડોસુનું કામ પર્યાવરણ અને સામાજિક બન્ને મુદ્દાઓને સંબોધિત કરે છે. ખાસ કરીને એ મુદ્દાઓ જે આફ્રિકન મહિલાઓને અસર કરે છે, રણના વિસ્તારની અસર ખાદ્ય સુરક્ષા પર થાય છે તેવા વિસ્તારોમાં ટકાઉ ખેતીના કૌશલ્યથી મહિલાઓને સજ્જ કરે છે.
યુનાઇટેડ નેશન્સની બહુવિધ ક્લાયમેટ ચેન્જ કૉન્ફરન્સમાં 2019થી ભાગ લેતા ઓલાડોસુએ નીતિ નિર્માતાઓને આફ્રિકામાં આબોહવા સ્થિતિસ્થાપકતાને અગ્રતા આપવા વિનંતી કરી છે.
આબોહવા કટોકટી એ સ્થિતિસ્થાપકતાનો મુદ્દો છે, જેના પર વિજય મેળવવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ કટોકટીમાંથી બચવા માટે આપણે ટેકનૉલૉજી અને નવીનતામાં મહત્ત્વપૂર્ણ રોકાણ કરવાની જરૂર છે.
એડેનિકે ટિટિપોલે ઓલાડોસુ

સુબિન પાર્ક, દક્ષિણ કોરિયા
સ્થાપક, સ્ટેયર ક્રશર ક્લબ
વ્હીલચેરનો ઉપયોગ કરતા સુબીન પાર્કને એવું જણાયું કે તેઓ સિઓલમાં ઘણી જગ્યાએ જવા ઇચ્છે છે, પરંતુ ત્યાં પહોંચવું તેમના માટે શક્ય નથી ત્યારે તેમણે આ મુદ્દાને પ્રકાશમાં લાવવા ભૂતપૂર્વ IT પ્રોજેક્ટ મૅનેજર તરીકેની પોતાની કુશળતાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.
પાર્ક સ્ટેયર ક્રશર ક્લબનાં સહ-સ્થાપક છે, જે એક નૉન-પ્રૉફિટ પ્રોજેક્ટ છે અને દક્ષિણ કોરિયામાં વ્હીલચેર વિનાના માર્ગો અને સ્ટેપ-ફ્રી ઍક્સેસ વિનાના સ્થળો વિશેની માહિતી એકત્રિત કરે છે.
આ પ્રોજેક્ટનો હેતુ તેના યુઝર્સ માટે ઍક્સેસિબિલિટી મૅપ બનાવવાનો છે.
અત્યાર સુધીમાં સ્ટેયર ક્રશર ક્લબના કાર્યક્રમો મારફતે 2,000થી વધુ નાગરિકોએ તેમના ડેટાબેઝમાં યોગદાન આપ્યું છે અને સમગ્ર દેશમાં 14,000થી વધુ સ્થળોનું ઍક્સેસિબિલિટી માટે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

રિક્તા અકતેર બાનુ, બાંગ્લાદેશ
નર્સ અને સ્કૂલનાં સ્થાપક
ઉત્તર બાંગ્લાદેશના જે અંતરિયાળ વિસ્તારમાં નર્સ રિક્તા અક્તેર બાનુ રહે છે ત્યાં ઑટિસ્ટિક અને દિવ્યાંગ બાળકને શાપ ગણવામાં આવે છે.
તેમની ઑટિસ્ટિક અને સેરેબ્રલ પાલ્સીથી પીડાતી દીકરીને સ્થાનિક પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની જમીન વેચી નાખી હતી અને પોતાની સ્કૂલ બાંધી હતી.
રિક્તા અકતેર બાનુ લર્નિંગ ડિસેબિલિટી સ્કૂલમાં હવે 300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ડિસેબિલિટી વિશેના સમાજના દૃષ્ટિકોણ પર તેણે હકારાત્મક અસર કરી છે.
આ સ્કૂલનુ નિર્માણ પ્રારંભે ઑટિસ્ટિક અથવા લર્નિંગ ડિસેબિલિટી ધરાવતાં બાળકો માટે કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમાં વિવિધ બૌદ્ધિક અને શારીરિક અક્ષમતા ધરાવતા બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે.

બ્રિજિટ બૅપ્ટિસ્ટ, કોલંબિયા
ઇકોલૉજિસ્ટ
ટ્રાંસવુમન બાયોલૉજીસ્ટ બ્રિજિટ બાપ્ટિસ્ટ જૈવવિવિધતા અને લિંગ ઓળખ વચ્ચેની સમાનતા સંબંધે કામ કરે છે.
ઇકોસિસ્ટમને વધુ સારી રીતે સુરક્ષિત કરવાના હેતુસર 'પ્રકૃતિ' ની કલ્પનાને વિસ્તૃત કરવા માટે લેન્ડસ્કેપ્સ અને પ્રજાતિઓનું વિશ્લેષણ તેઓ એક કિન્નરની નજરે કરે છે. 2018 TEDx ટૉકમાં તેમણે જીવનકાળ દરમિયાન પોતાના લિંગને પુરુષમાંથી સ્ત્રીમાં બદલવા માટે જાણીતા કોલંબિયાના રાષ્ટ્રીય વૃક્ષ, ક્વિન્ડિઓ વેક્સ પામનો ઉપયોગ જીવતંત્રના ઉદાહરણ તરીકે કર્યો હતો.
પ્રખ્યાત શિક્ષણવિદ્ બાપ્ટિસ્ટ ઍલેક્ઝાન્ડર વૉન હમ્બોલ્ટ સંસ્થાનાં ડિરેક્ટર તરીકે 10 વર્ષ વિતાવ્યાં અને હાલમાં બોગોટામાં યુનિવર્સિડેડ EAN ના પ્રમુખ તરીકે સેવા આપે છે, જે ટકાઉ ઉદ્યોગસાહસિકતા પર ધ્યાન કેન્દ્રિત કરતી ઉચ્ચ-શિક્ષણ સંસ્થા છે.
વધુ એલજીટીબીક્યુ પ્લસ લોકોને ઉચ્ચ શિક્ષણ મળી શકે એટલા માટે વધારે ભંડોળની ઝુંબેશ પણ તેમણે ચલાવી છે.

સારા બેરકાઈ, યુકે-એરિટ્રિયા
ડીઆઈવાય સાયન્સ કિટ્સનાં ડિઝાઇનર
સુદાનમાં જન્મેલાં અને લંડનમાં ઉછરેલાં એરીટ્રીયન સારા બર્કાઈ તેમના પરિવારમાંથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર પ્રથમ વ્યક્તિ છે. તેમણે બાળ વિકાસનો અભ્યાસ કર્યો હતો.
તેઓ બાળકો માટે ડીઆઈવાય એજ્યુકેશન કિટ્સ ડિઝાઇન કરતા અને બાળકોને રમકડાંની ડિઝાઇનમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતાં સામાજિક સાહસ એમ્બેસ્સા પ્લેનાં સ્થાપક છે.
બર્કાઈનું કાર્ય વિવિધ દેશોમાં શાળાની બહાર બાળકોને રમત દ્વારા શિક્ષણ મેળવવાની તક આપે છે. 2019માં ઇથોપિયા અને એરિટ્રિયામાં વિસ્થાપિત બાળકોને STEM વર્કશૉપ વખતે તેમને આ વિચાર આવ્યો હતો.
અન્યત્ર મળેલી શાબાશી ઉપરાંત તેમને તેમના કલ્પનાશીલ વિચારોને સામાજિક પ્રભાવ માટે ફોર્બ્સની અન્ડર-30 લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
લવચીકતા એ વ્યવહારુ આશાવાદ છે, સારા ભવિષ્ય માટેની અડગ પ્રતિબદ્ધતા છે, જેનું મૂળ પ્રેમમાં છે.
સારા બેરકાઈ

કૌના માલગ્વી, નાઈજીરિયા
કન્ટેન્ટ મોડરેડર્સના સંગઠનના નેતા
કૌના માલગ્વી ટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઉદ્યોગમાં કામદારોના અધિકારો માટે અવાજ ઉઠાવતા કાર્યકર છે. આ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ નાઇજીરીયામાં કન્ટેન્ટ મોડરેટર્સના યુનિયનનું નેતૃત્વ કરે છે અને એઆઈ સિસ્ટમની તાલીમ માટેના તમામ અદ્રશ્ય શ્રમ વિશે જાગૃતિનો પ્રસાર કરે છે.
ફેસબુક માટે આઉટસોર્સ્ડ કન્ટેન્ટ મોડરેટર તરીકેની તેમની ભૂતપૂર્વ ભૂમિકા વિશે માલગ્વી કહે છે કે બળાત્કાર, આત્મહત્યા અને બાળ શોષણના વિડીયો તેમની નજર સામે આવ્યા હતા, જે અનિંદ્રા અને પેરાનોઇયા તરફ દોરી ગયા હતા.
તેઓ 184 ભૂતપૂર્વ મોડરેટર્સ પૈકીનાં એક છે, જેમણે એક વ્હિસલબ્લોઅર દ્વારા કાર્યસ્થળની કંગાળ પરિસ્થિતિ બાબતે અવાજ ઉઠાવ્યો પછી બધાની ગેરકાયદે છટણી કરવા બદલ ફેસબુકની પેરન્ટ કંપની મેટા તેમજ કેન્યામાંના કંપનીના પેટા કોન્ટ્રાક્ટરો સામે દાવો માંડ્યો છે.
કન્ટેન્ટ મોડરેટર્સના અધિકારોની હિમાયત કરવા માટે તેમણે યુરોપિયન સંસદમાં જુબાની આપી હતી.
મહિલાઓ એક સર્વગ્રાહી પરિપ્રેક્ષ્ય દ્વારા આપણા ખંડિત વિશ્વની વાસ્તવિકતાને પડકારી શકે છે અને બદલી શકે છે, જે તકનીકી પ્રગતિ અને માનસિક સુખાકારી બંનેને મહત્ત્વ આપે છે.
કૌના માલગ્વી

ઓલ્ગા રુડનિએવા, યુક્રેન
સ્થાપક, સુપરહ્યુમન્સ સેન્ટર
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો પછી ઓલ્ગાને લાગ્યું હતું કે સંઘર્ષમાં ઘવાયેલા લોકો માટે તેમણે કશુંક કરવું જોઈએ.
યુદ્ધ મેદાનમાં પોતાના અંગો ગુમાવનાર લોકોને ઘણા લોકો પીડિત ગણતા હતા, પરંતુ ઓલ્ગા માટે તેઓ સુપરહ્યુમન્સ હતા, જેઓ ઓલ્ગા તરફથી શક્ય તેટલી વધારે મદદના હક્કદાર હતા.
તેમણે લિવમાં સુપરહ્યુમન ટ્રૉમા સેન્ટરની સ્થાપના કરી હતી, જેનું સંચાલન તેઓ નિષ્ણાતોની ટીમ સાથે ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે કરે છે. આ કેન્દ્રમાં દર્દીઓને કૃત્રિમ પગ પૂરા પાડવામાં આવે છે અને તાજેતરમાં તેમણે પુનર્વસન કેન્દ્ર પણ શરૂ કર્યું છે.
કામગીરીના પહેલાં બે વર્ષમાં 1,000થી વધુ લોકોએ તેમની સેવાનો લાભ લીધો છે.
લવચીકતાનો અર્થ છે રોજ સવારે સાયરનના અવાજ વચ્ચે જાગવું અને તમારા દેશ માટે લડતા રહેવું. તેનો અર્થ છે હું શા માટે એવા સવાલ પર અટકી રહેવાને બદલે આ બધું શા માટે એ સવાલનો જવાબ ફરીથી શોધવાનો છે. તેનો અર્થ રોજ ઓછું મેળવીને વધુ રસ્તાઓ શોધવાનો છે.
ઓલ્ગા રુડનિએવા

સ્નેહા રેવાનુર, અમેરિકા
એઆઈ નિષ્ણાત
માત્ર 20 વર્ષની ઉંમરે, સ્નેહા રેવાનુર પહેલેથી જ રમતમાં આગળ છે. તેઓ એનકોડ જસ્ટિસનાં સ્થાપક છે. એનકોડ જસ્ટિસ 30 દેશોમાં 1,300 થી વધુ સભ્યો ધરાવતી સલામત, સમાન કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) માટેની વૈશ્વિક યુવા ચળવળ છે.
રેવાનુર ઊભરતી ટેકનૉલૉજી દ્વારા સર્જાતા જોખમોને ઘટાડવા અને નિર્ણાયક વાર્તાલાપમાં યુવાનોને સામેલ કરવાનો પ્રયાસ તેમના કાર્ય મારફત કરે છે.
તેઓ સ્ટૅન્ફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને સેન્ટર ફૉર એઆઈ ઍન્ડ ડિજિટલ પૉલિસી ખાતે સમર ફેલો છે.
તેઓ તાજેતરમાં ટાઇમ મૅગેઝિનની AI ક્ષેત્રની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરનાર સૌથી યુવા વ્યક્તિ બન્યાં છે.
AI ના જોખમો તેની ક્રાંતિકારી સંભાવનાને ગ્રહણ લગાવે તે પહેલાં જ તેની સામે આગળ વધવાની તક આપણી પાસે છે. ભવિષ્યની પુનઃકલ્પના માટે ભૂતકાળથી ઉપર ઊઠવું એ મારા માટે લવચીકતા છે.
સ્નેહા રેવાનુર

સાશા લુક્કીઓની, કૅનેડા
કમ્પ્યુટર સાયન્ટિસ્ટ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઝડપભેર થઈ રહેલા વિકાસને અપનાવતી દુનિયામાં આ ઉદ્યોગની કાર્બન ફૂટપ્રિન્ટની મોટાભાગે અવગણના કરવામાં આવે છે.
અગ્રણી એઆઈ વિજ્ઞાની સાશા લુક્કીઓનીએ એક ટૂલ વિકસાવવામાં મદદ કરી છે, જેથી ડેવલપર્સ તેમનો કોડ રન કરે ત્યારે થતા કાર્બન ઉત્સર્જનનું માપ કાઢી શકે. એ ટૂલના 13 લાખ ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
ઓપન સોર્સ એઆઈ સાથે કામ કરતા સ્ટાર્ટઅપ હગીંગ ફેસમાં લુક્કીઓની ક્લાયમેટ લીડ તરીકે કામ કરે છે. તેઓ "સારા મશીન લર્નિંગનું લોકશાહીકરણ" કરવા ઈચ્છે છે.
તેમનું ફોક્સ એઆઈનું ટકાઉપણું વધારવા પર છે અને તેઓ "એનર્જી સ્ટાર રેટિંગ સિસ્ટમ" વિકસાવવા પર છે, જેનો ઉપયોગ એઆઈ સ્ટાર્ટઅપ્સ તેમની ક્લાયમેટ ઇમ્પેક્ટની તુલના માટે કરી શકશે.

જ્યૉર્જિના લૉંગ, ઑસ્ટ્રેલિયા
મેડિકલ ઑન્કોલૉજિસ્ટ
ટાર્ગેટેડ થેરપીઝ અને ઇમ્યુનો-ઑન્કોલૉજી મારફત જ્યૉર્જિના લૉંગ કૅન્સરથી થતાં મૃત્યુ વિનાની દુનિયા જોવા ઇચ્છે છે.
મેેલાનોમા ઇન્સ્ટિટ્યુટ ઓસ્ટ્રેલિયાના કો-ડિરેક્ટર તરીકે કાર્યરત જ્યોર્જિના લોંગ વિશ્વની સૌપ્રથમ કેન્સર સારવાર કો-ડિઝાઈન કર્યા પછી 2024માં ખ્યાતિ પામ્યાં છે. એ સારવારને લીધે તેમના સાથી કર્મચારી અને દોસ્ત રિચર્ડ સ્કોલયેર કેન્સર મુક્ત થયા હતા. રિચર્ડને મગજનું કેન્સર થયું હતું.
લોંગ અને દર્દીઓ સહિતની તેમની ટીમે શોધી કાઢ્યું હતું કે ટ્યુમરને કાઢવા માટે ઓપરેશન કરતાં પહેલાં દવાઓના સંયોજનને ઉપયોગમાં લેવાતું હોય ત્યારે ઇમ્યુનોથેરપી સારી રીતે કામ કરે છે.
તેમનું અત્યાધુનિક કાર્ય મેલોનેમા વિશેના અનેક વર્ષોના સંશોધન પર આધારિત હતું, જેને ચામડીના કૅન્સરના હજારો દર્દીઓનું જીવન બચાવવાનું શ્રેય આપવામાં આવે છે.
ભવિષ્યના નેતાઓએ સહાનુભૂતિ અને સહિયારી માનવતાનું સમર્થન કરવું જોઈએ તથા જૂની પ્રણાલીઓને પડકારવા તેમજ સમસ્યાઓના અભિનવ નિરાકરણ માટે લોકોને સશક્ત બનાવવા જોઈએ.
જ્યૉર્જિના લૉંગ

સિલ્વાના સાન્ટોસ, બ્રાઝિલ
બાયોલૉજિસ્ટ
અગ્રણી જીવવિજ્ઞાની સિલ્વાના સાન્ટોસ જેનેટિક્સના ક્ષેત્રમાંની તેમની અભૂતપૂર્વ શોધનું સંપૂર્ણ શ્રેય સંયોગને આપે છે. જે માર્ગ પર તેઓ રહેતા હતા ત્યાં એક પરિવાર સાથે તેમની મુલાકાત થઈ હતી, જે અજાણી બીમારીથી પીડાતો હતો.
તેમણે સ્પોઅન સિન્ડ્રોમ (સ્પાસ્ટિક, પેરાપ્લેજિયા, ઓપ્ટિક એટ્રોફી અને ન્યૂરોપથી)ને ઓળખી કાઢ્યો હતો. તે એક આનુવંશિત ન્યૂરોડીજનરેટિવ રોગ છે, જે ઈશાન બ્રાઝિલમાં પ્રોગ્રેસિવ પક્ષઘાતનું કારણ બને છે.
સેરિન્હા ડોસ પિન્ટોસ ગામમાં પોતાનું સંશોધન શરૂ કર્યાનાં 20 વર્ષમાં સાન્ટોસે આ રોગથી ગ્રસ્ત લોકોના મહત્ત્વના નિદાનમાં મદદ કરી છે.
તેઓ દુર્લભ આનુવંશિક બીમારીઓની ઘટનાઓ અને ગ્રામ્ય બ્રાઝિલના ગરીબ પ્રદેશોમાં નજીકના સંબંધીઓ વચ્ચે વિવાહ સાથેના તેના સંબંધ વિશે અભ્યાસ કરે છે.
આપણે લવચીકતાની શક્તિનું પ્રદર્શન કેવી રીતે કરીએ છીએ? એમ સમજીને કે જીવન એક ચક્ર છે. ભીષણ દુકાળમાં આપણે બસ જીવતા રહીએ છીએ. ચોમાસામાં આપણે ખીલીએ છીએ અને ફળો ઉગાડીએ છીએ.
સિલ્વાના સાન્ટોસ

સામિઆ, સીરિયા
સાયકોલોજી કાઉન્સેલર
મનોવિજ્ઞાન નિષ્ણાત સામિયાની ઓળખ તેમની અંગત સુરક્ષાને ઘ્યાનમાં રાખીને બીબીસીએ ગુપ્ત રાખી છે. તેઓ વર્ષોના સંઘર્ષને કારણે થયેલા આઘાતનો સામનો કરી રહેલા સીરિયનોને ટેકો આપી રહ્યાં છે.
લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે અને જેઓ બચી ગયા છે તેમાંથી ઘણાને ઘણીવાર ભયંકર પરિસ્થિતિમાં જીવતા છોડી દેવામાં આવ્યા છે. ઘણા હતાશા કે ચિંતા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી દ્વારા સંચાલિત માનસિક સ્વાસ્થ્ય ક્લિનિકમાં કામ કરતાં સામિયા ઉત્તર-પૂર્વ સીરિયામાં શરણાર્થી શિબિરમાં વિસ્થાપિત લોકો અને તેમના પરિવારો માટે કાઉન્સેલિંગ સત્રો યોજે છે.
બહુ ઓછા સંસાધનો હોવા છતાં તેઓ તેમના દર્દીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમર્પિત રહે છે અને કટોકટીના વાતાવરણમાં જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
100 વીમેન શું છે?
બીબીસી 100 વિમેન દર વર્ષે વિશ્વભરની 100 પ્રભાવશાળી અને પ્રેરણાદાયી મહિલાઓના નામ જાહેર કરે છે. અમે મહિલાઓને કેન્દ્રમાં રાખતી ડૉક્યુમેન્ટરી, ફીચર્સ, ન્યૂઝ આર્ટિકલ્સ અને ઇન્ટરવ્યૂ કરીએ છીએ અને એ તમામ BBC પ્લૅટફૉર્મ પર પ્રકાશિત અને પ્રસારિત થાય છે.
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર બીબીસી 100 વીમેનને ફૉલો કરો. #BBC100Women નો ઉપયોગ કરીને વાતચીતમાં જોડાઓ.
100 વીમેનની પસંદગી કેવી રીતે થાય છે
BBC 100 વીમેન ટીમે સંશોધન દ્વારા એકત્ર કરેલા અને BBCની 41 વર્લ્ડ સર્વિસ લૅંગ્વેજ ટીમના નેટવર્ક તેમજ BBC મીડિયા ઍક્શન દ્વારા સૂચવવામાં આવેલાં નામોના આધારે ટૂંકી યાદી તૈયાર કરવામાં આવે છે.
અમે એવા ઉમેદવારોને શોધીએ છીએ કે જેઓ છેલ્લા 12 મહિનામાં હેડલાઇન્સમાં ચમક્યાં હોય અથવા મહત્ત્વની કથાઓને પ્રભાવિત કરી હોય તેમજ જેમની કહેવા માટે પ્રેરણાદાયી કથાઓ હોય અથવા કંઈક નોંધપાત્ર હાંસલ કર્યું હોય અને તેમના સમાજને એવી રીતે પ્રભાવિત કરતા હોય કે જે સમાચાર બને તે જરૂરી ન હોય.
આ વર્ષની લવચીકતાની થીમ સંબંધે પણ એકઠાં થયેલાં નામોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અમે આ વર્ષે દુનિયાભરમાં મહિલાઓ પર પડેલા પ્રભાવને સ્વીકારવા ઇચ્છતા હતા. તેથી અમે એવી મહિલાઓની પસંદગી કરી છે, જેઓ તેમની લવચીકતાના માધ્યમથી સમુદાય કે વૈશ્વિક સ્તરે પરિવર્તન લાવવા તેમજ જીવનને બહેતર બનાવવા માટે કામ કરી રહી છે. અમે આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનાં નામોનું પણ મૂલ્યાંકન કર્યું, જેમાંથી આબોહવા અગ્રણીઓ અને અન્ય પર્યાવરણીય નેતાઓના જૂથની પસંદગી કરવામાં આવી છે.
અમે સમગ્ર રાજકીય સ્પેક્ટ્રમ અને સમાજના તમામ ક્ષેત્રોના અવાજોને પ્રતિનિધિત્વ આપ્યું છે અને અભિપ્રાયને વિભાજિત કરતા વિષયોની આસપાસનાં નામો પણ શોધ્યાં છે.
અંતિમ નામોની પસંદગી કરતા પહેલાં પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને યોગ્ય નિષ્પક્ષતા માટે પણ સૂચિને નાણવામાં આવી હતી. યાદીમાં સામેલ થવા માટે તમામ મહિલાઓએ સંમતિ આપી છે.

