BZ ગ્રૂપ : ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મગફળીની ખેતીથી પોલીસ પકડ સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Bhupendra Zala-FB/Ankit Chauhan
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાના કથિત BZ ફાઇનાન્સ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોલીસે ધરપકડ કરી છે.
સીઆઇડી ઇકૉનૉમી ઑફેન્સ વિંગના એસપી હિમાંશુ વર્માએ બીબીસી સંવાદદાતા લક્ષ્મી પટેલ સાથે વાત કરતાં જણાવ્યું કે "સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા મહેસાણા પાસેના એક ફાર્મહાઉસમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણાથી ગાંધીનગર લવાઈ રહ્યો છે."
હજુ થોડા સમય અગાઉ સુધી મગફળીની ખેતી કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કંઈક એ પ્રકારે લોકોનો ભરોસો જીત્યો કે તેમણે પોતાની મૂડીનો વહીવટ ભૂપેન્દ્રસિંહને સોંપી દીધો.
અરવલ્લીના સજાપુર ગામના ભૂપેન્દ્રસિંહે પહેલાં બીએસસીની ડિગ્રી મેળવી અને પછી મગફળીની ખેતી શરૂ કરી હતી.
અચાનક તેમણે ખેતી બંધ કરીને સગાંસંબંધીઓના પૈસાને અલગ-અલગ જગ્યાએ રોકાણ કરાવવાનું શરૂ કર્યું અને જોતજોતામાં કરોડપતિ થઈ ગયા.
સ્થાનિક સ્તરે તેમણે ડાયરાનું આયોજન કર્યું અને ધીમેધીમે એવી છાપ ઊભી કરી કે તેઓ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા પણ તૈયાર થઈ ગયા.
પરંતુ ખેતી કરતાં ભૂપેન્દ્રસિંહે ટૂંકા ગાળામાં એવું તો શું કર્યું કે લોકો તેમની પાસે રોકાણ કરાવવા હેતુસર આવવા લાગ્યા અને કઈ રીતે તેમણે લોકોને વધુને વધુ રોકાણ કરવા માટે મનાવ્યા?
સેવાથી શરૂઆત કરી પૈસા વ્યાજે ફેરવ્યા

ઇમેજ સ્રોત, Bhargav Parikh
સાયન્સમાં ગ્રૅજ્યુએશન કરીને ખેતી શરૂ કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે 2021 સુધી કોઈ મોટી સંપત્તિ ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સજાપુર ગામના તલાટી નીલેશ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે સજાપુરમાં ખેતીની બે વીઘા જમીન છે. 2021માં તેમના ખેતરમાં છેલ્લે મગફળીની ખેતી થઈ હતી. કોરોનાકાળમાં પગપાળા રાજસ્થાન જતા મજૂરોની સેવા કરીને ભૂપેન્દ્રસિંહ જાણીતા થયા હતા. ભાજપના સાબરકાંઠાના એક નેતાના પુત્ર કરણસિંહ પરમાર સાથે મળીને તેમણે મૈત્રી ટ્રસ્ટ નામની સેવાભાવી સંસ્થા પણ બનાવી છે.”
તેઓ કહે છે કે, “આ વિસ્તારમાં મોટા ભાગે શિક્ષક, સરકારી નોકરી કરનારા અને ખેડૂતો વધુ રહે છે. આથી તેમને આ યુવાન સેવાભાવી લાગ્યો.”
હિંમતનગર પાસેના અરપોદરા ગામના શિક્ષક જયેશ પટેલે કહ્યું કે, “તેમણે ફાઇનાન્સના ઘણા સેમિનાર ઍટેન્ડ કર્યા હતા. કોરોનામાં લોકોની આવક ઘટી ત્યારે શરૂઆતમાં એ પોતાના સગાંસંબંધીઓના પૈસાનું રોકાણ કરાવતા અને લોકો તેમાંથી કમાતા પણ હતા. ધીમેધીમે આ વિસ્તારમાં નાણાકીય રોકાણ માટે લોકો તેમની સલાહ લેવા લાગ્યા. પછી તેમણે સાબરકાંઠા અને અરવલ્લીમાં ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટના સેમિનાર કરી પોતાની ફાઇનાન્સ કંપની ચાલુ કરી હતી. તેઓ લીગલ કૉન્ટ્રેકટ કરીને મહિને સાત ટકા વ્યાજ આપતા હતા.”
રૂપિયા રોકવા માટે લોકોને કઈ રીતે આકર્ષ્યા?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
BZ ગ્રૂપ બનાવ્યા પછી ભૂપેન્દ્રસિંહે શરૂઆતમાં અરવલ્લીમાં જ પોતાનો ધંધો શરૂ કર્યો હતો. તેમાં તેઓ લોકોને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સાત ટકા વ્યાજે BZ ગ્રૂપની કંપની પાસે પૈસા ઉધાર લીધા હોવાનું લખાણ કરાવતા હતા.
ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ કરનારા સુરેશ વણકરે જણાવ્યું કે, “હું પ્રાંતિજમાં ટ્યુશન ક્લાસ ચલાવું છું અને ભાડાના મકાનમાં રહું છું. મારે ત્રણ બાળકો છે. મને ગામમાંથી ખબર પડી કે BZ ફાઇનાન્સમાં રોકાણ કરનારને સારા પૈસા મળે છે. તેથી મેં સૌથી પહેલાં સ્થાનિક એજન્ટ નિકેશભાઈ પાસે 50 હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. મને તેનું નિયમિત વ્યાજ મળ્યું, તેથી મેં મારાં પત્ની અને ભાઈના નામે પણ રોકાણ કરાવ્યું.”
તેઓ કહે છે, “નિકેશ પટેલે મને કહ્યું હતું કે જો હું બીજા લોકો પાસે દસ લાખનું રોકાણ કરાવું, તો મને માલદીવ અથવા ગોવાની કપલ ટુર કે મોંઘો મોબાઇલ ફોન મળશે. જો હું મારા હાથ નીચે દસ લોકોને રોકાણ કરાવું તો મને તેમના દ્વારા રોકાયેલા રૂપિયા પર એક ટકા કમિશન મળશે અને આ દસ લોકોના હાથ નીચે બીજા રોકાણકારો મળે તો તેમાં મને ૦.25 ટકા કમિશન મળશે.”
સુરેશ વણકર કહે છે કે, “ત્યાર પછી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોડાસામાં એક સેમિનાર કર્યો હતો. સેમિનાર પછી તેમણે મને કહ્યું હતું કે જો હું એક ચેઇન બનાવીને રોકાણ લાવું તો સરવાળે મને 18 ટકા જેટલું સારું વ્યાજ મળશે. મેં એમની વાતમાં આવીને મારા પરિવારના લોકોનું 4.50 લાખનું રોકાણ કરાવ્યું હતું. મને મૌખિક ખાતરી મુજબ વ્યાજ નહીં આપવામાં આવતા મેં વ્યાજની માગણી કરી હતી. પાછળથી મને ખ્યાલ આવ્યો કે મારા રૂપિયા ડૂબી રહ્યા છે. મારી જેમ બીજા લોકોના રૂપિયા ડૂબે નહીં અને પરત મળે એટલે મેં ફરિયાદ નોંધાવી છે.”
રાજસ્થાનમાં પણ વિસ્તાર્યો કારોબાર

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ માત્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજસ્થાનમાં પણ પોતાની બ્રાન્ચ ખોલીને રોકાણ મેળવ્યું હતું.
ત્રીજી ડિસેમ્બરે જ રાજસ્થાનના ડુંગરપુરમાં કેટલાક ઉશ્કેરાયેલા રોકાણકારોએ BZ ફાઇનાન્સની ઑફિસમાં તોડફોડ કરી હતી.
બિછીવારા-ડુંગરપુર રોડ પર આવેલી BZ ફાઇનાન્સની ઑફિસ મે, 2024માં ખોલવામાં આવી હતી.
આ ઑફિસની બાજુમાં એક દવાની દુકાનના માલિક જય મોનીએ કહ્યું હતું કે, “અહીં કેટલાક સમય પહેલાં ફાઇનાન્સની ઑફિસ ખૂલી હતી. અહીં એક જ માણસ બેસતો હતો. પરંતુ છેલ્લા 15 દિવસથી આ ઑફિસ બંધ હતી. ગુજરાતની પોલીસ અહીં આવીને તપાસ કરી ગઈ હતી.”
ભૂપેન્દ્રસિંહનું રાજકીય કદ કેવી રીતે વધ્યું?

ઇમેજ સ્રોત, C R Paatil/fb
ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે આર્થિક સદ્ધરતા આવી તો રાજકારણીઓ પણ માનપાન આપવા લાગ્યા. તેઓ સ્થાનિક સ્તરે સમૂહલગ્નો કરાવતાં, એક ટ્રસ્ટ બનાવી સેવાકીય પ્રવૃત્તિ કરતા અને એક સ્કૂલ પણ ચલાવતા હતા.
આ બધી પ્રવૃત્તિઓને કારણે તેમનો રાજકારણીઓ સાથે ઘરોબો થયો. ડાયરાના એક કાર્યક્રમમાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ સાથે પણ તેઓ જોવા મળ્યા છે, જેમાં લોકકલાકારો પર રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા.
29 વર્ષીય ભૂપેન્દ્રસિંહ અપરિણીત છે. 2024ની લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલન થયું ત્યારે તેમણે ભાજપમાંથી ટિકિટ પણ માગી હતી. એ સમયે ભાજપના જાહેર કરેલા ઉમેદવાર સામે લોકોને વાંધો હતો એટલે ઉમેદવાર બદલવા પડ્યા હતા.
તે વખતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શક્તિપ્રદર્શન કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરિણામે ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે સાબરકાંઠામાં એક જાહેરસભામાં ખુલ્લા મંચ પરથી કહ્યું હતું કે, “ભૂપેન્દ્રસિંહ ઝાલાને ફોન કરીને ભાજપને નુકસાન ન થાય તેના માટે ફૉર્મ પાછું ખેંચવાનું કહ્યું છે. તેમણે પ્રદેશપ્રમુખ તરીકે મારું માન રાખી અપક્ષ ઉમેદવાર તરીકે ભરેલું ફોર્મ પાછું ખેંચ્યું છે.”
જોકે, સાબરકાંઠા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ કહે છે કે, “તેઓ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી. એમની સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી અને આવનારા સમયમાં એમની સામે પોલીસ પગલાં લેશે.”
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Ankit Chauhan
બીબીસી ગુજરાતીએ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સીએ ઋષિત મહેતા સાથે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું કે, “ભૂપેન્દ્રસિંહ ઝાલા મારા ક્લાયન્ટ છે અને હું તેમની બે કંપનીના ઑડિટ કરું છું. તેઓ ઇલેક્ટ્રૉનિક્સ ઍસેમ્બલિંગનું કામ કરાવે છે અને ચીનથી મંગાવેલા સામાનનું દિલ્હીમાં ઍસેમ્બલિંગ કરવામાં આવતું હતું. મારી પાસે જે કોઈ દસ્તાવેજી પુરાવા હતા, એ બધું સીઆઇડીના ઑફિસરને સોંપી દીધું છે. તેઓ મારા ક્લાયન્ટ હતા તેથી તેમના ધંધાની આંટીઘૂંટી વિશે જણાવી ન શકું, પરંતુ પોલીસને તપાસમાં પૂરો સાથ સહકાર આપું છું.”
ગુજરાત સીઆઇડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયને બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, “અમે તેમનાં બે ખાતાંના ટ્રાન્ઝેક્શન જોયા છે. અમને દરોડામાં ઘણા દસ્તાવેજો મળ્યા છે, તેમાં સહી કરેલા ચેક છે, રબર સ્ટૅમ્પ પણ મળ્યા છે. અત્યારે અમે ધ બૅનિંગ ઑફ ધી રેગ્યુલેટેડ ડિપૉઝિટ સ્કૅમ 2019ની કલમ 21 અને 23 પ્રમાણે અને ગુજરાત પ્રોટેક્શન ઑફ ડિપૉઝિટર્સ ઇન્ટરેસ્ટ ઍક્ટની કલમ 3 ઉપરાંત બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.”
તેમણે જણાવ્યું હતું કે, “હાલમાં અમે ગુજરાતનાં બીજાં શહેરોમાં જ્યાં તેમના એજન્ટ હતા તેની પણ તપાસ કરી રહ્યા છીએ. રાજસ્થાન સાથેના તેમના છેડા છે અને રાજસ્થાનના સંપર્કો, એજન્ટો વગેરેની તપાસ પણ અમે રાજસ્થાન પોલીસના સહકારથી કરી રહ્યા છીએ.
આ કેસની તપાસ ચાલુ હોવાથી તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












