31 વર્ષ પહેલાં ગુમ થયેલા રાજુની કહાણીમાં નવો વળાંક, ગાઝિયાબાદ પહેલાં દેહરાદૂનમાં શોધી લીધો હતો પરિવાર, ખરેખર કોનો પુત્ર છે?

- લેેખક, સુશીલા સિંહ અને રાજેશ ડોબરિયાલ
- પદ, બીબીસી, ગાઝિયાબાદ અને દેહરાદૂનથી
છેલ્લા કેટલાક દિવસોથી એક બનાવ બહુ ચર્ચામાં છે. 'ગાઝિયાબાદમાં 31 વર્ષ પહેલાં ખોવાયેલો છોકરો ભીમ સિંહ ઉર્ફે રાજુ તેના પરિવારને મળી ગયો છે.'
જોકે, હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.
ગાઝિયાબાદમાં ટ્રાન્સ હિંડનના ડીસીપી નિમિષ પાટીલે બીબીસીને જણાવ્યું છે કે રાજુ નામનો આ શખસ દેહરાદૂનમાં પણ આવી જ કહાણી સંભળાવીને એક પરિવારનો સભ્ય બન્યો હતો અને ત્યાં લગભગ પાંચ મહિના સુધી રહ્યો હતો.
દેહરાદૂન પોલીસ મુજબ વર્ષ 2008માં કપિલ દેવ શર્મા અને આશા શર્માનો 16 વર્ષો પુત્ર મોનુ શર્મા ગુમ થઈ ગયો હતો અને તેમણે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.
કપિલ દેવ શર્મા મુજબ તેમના દીકરા મોનુ શર્માની ઉંમર પાંચથી સાત વર્ષ હતી ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. ત્યારથી તેનું માનસિક સંતુલન થોડું બગડી ગયું હતું. ત્યાર પછી 2008માં તે જ્યારે 16 વર્ષનો હતો ત્યારે તે ગુમ થઈ ગયો હતો. આ વર્ષે જુલાઈમાં તેમને રાજુ મળી આવ્યા અને પોતાને ગુમ થયેલા મોનુ શર્મા તરીકે ઓળખાવ્યા હતા.
ત્યાર પછી નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગાઝિયાબાદમાં '31 વર્ષ પછી ગુમ થયેલ વ્યક્તિનું પરિવાર સાથે મિલન'ના સમાચાર ચમક્યા.
આ સમાચારની પુષ્ટિ માટે 29 નવેમ્બરે જ્યારે બીબીસીની ટીમ ગાઝિયાબાદના શહીદ નગરમાં રહેતાં લીલાવતીનાં ઘરે પહોંચી, ત્યારે પરિવારે રાજુને તેમના ગુમ થયેલા પુત્ર ગણાવ્યા હતા.
તે સમયે રાજુએ પણ બીબીસીના સંવાદદાતાને પોતાના કથિત અપહરણ અને રાજસ્થાનથી કોઈ રીતે દિલ્હી પહોંચવાની કહાણી સંભળાવી હતી. લીલાવતીએ પણ નિશાનના આધારે પોતાના 'પુત્ર'ની ઓળખની પુષ્ટિ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ બે દિવસ પછી પોલીસને ખબર પડી કે રાજુએ દેહરાદૂનમાં પણ એક પરિવાર સાથે આવો જ દાવો કર્યો હતો. તેથી પોલીસને તેના પર શંકા ગઈ.
દેહરાદૂનમાં પણ આવી જ કહાણી જાણવા મળી હતી

ઇમેજ સ્રોત, RAJESH DOBRIAL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દેહરાદૂનમાં રહેતા કપિલ દેવ શર્માએ જણાવ્યું કે 2008 પછી આ વર્ષે જુલાઈ મહિનામાં તેમને અખબારો દ્વારા જાણવા મળ્યું કે એક યુવક મળી આવ્યો છે, જે તેમનો પુત્ર જે સમયે અને જે સંજોગોમાં ગુમ થયો હતો, તેવી જ રીતે ગુમ થયેલો હતો.
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર પહેલી જુલાઈએ એક યુવક દેહરાદૂન પોલીસ પાસે આવ્યો અને કહ્યું કે 16 વર્ષ પહેલાં કોઈએ તેનું અપહરણ કર્યું હતું. આ યુવકે પોતાનું નામ રાજુ જણાવ્યું હતું.
તેણે પોલીસને કહ્યું હતું કે અપહરણકર્તાઓએ તેને રાજસ્થાનમાં વેચી દીધો હતો અને ત્યાં બકરીઓ ચરાવવાના કામે લગાડી દીધો હતો. ત્યાં તેને સારી રીતે ભોજન પણ આપવામાં આવ્યું ન હતું. કોઈક રીતે તે ત્યાંથી ભાગીને દહેરાદૂન પહોંચી ગયો હતો.
દેહરાદૂનમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ શાખાના ઈનચાર્જ પ્રદીપ પંતે બીબીસીને જણાવ્યું, "આ યુવકને મદદ કરવાના ઇરાદાથી અમે તેની વાર્તા કેટલાક પત્રકારોને સંભળાવી. ત્યાર પછી બીજી જુલાઈએ સ્થાનિક અખબારોમાં આ યુવકના સમાચાર પ્રકાશિત થયા."
આશા શર્માને પડોશીઓ પાસેથી આ સમાચાર વિશે જાણવા મળ્યું.
અખબારોમાં છપાયેલા સમાચાર વિશે જાણ્યા બાદ આશા શર્મા પોતાનાં ખોવાયેલાં પુત્રને શોધવાં પોલીસ સ્ટેશને પહોંચ્યાં. રાજુ નામના યુવકે આશા શર્માને જોતા જ તેમને પોતાનાં માતા કહ્યાં અને તેમને પણ લાગ્યું કે આ તેમના ખોવાયેલા પુત્ર મોનુ છે. આશા શર્મા તેને પોતાના ઘરે લઈ ગયાં.
નમકિન પેકિંગના નાનકડા કારખાનામાં કામ કરતા કપિલ શર્મા કહે છે કે આ યુવાન તેમનો પુત્ર છે તે વાત પર તેમને તે વખતે પણ સંપૂર્ણ વિશ્વાસ બેઠો ન હતો. પરંતુ તેમણે વાંધો પણ નહોતો લીધો.
'દીકરીને ઘરમાંથી બહાર કાઢવાની કોશિશ કરી'

ઇમેજ સ્રોત, Rajesh Dobariyal
કપિલ દેવ શર્મા કહે છે, "રાજુ ઉર્ફે મોનુ શર્મા ઘરમાં દીકરાની જેમ રહેવા લાગ્યો. બે દિવસ સુધી બરાબર હતું. પણ પછી ઝઘડા કરવા લાગ્યો."
તે કપિલ અને આશાની સાથે રહેતાં તેમનાં દીકરીનાં બાળકોને પણ આ મારું ઘર છે તેમ કહીને ઘર છોડી જવા કહેવા લાગ્યો.
કપિલ શર્મા કહે છે કે તે તેમની સાથે પણ લડતો હતો અને ઘણી વખત બંને (કપિલ અને આશા) પર હાથ ઉપાડવાની કોશિશ પણ કરી હતી.
આશા શર્મા કહે છે, "રાજુ નાની નાની વાતમાં બેગમાં કપડાં લઈને જતો રહેતો અને કહેતો હતો કે તે ફરી પાછો નહીં આવે. તેઓ તેને સમજાવતાં હતાં. પણ રાજુ જતો રહેતો. જોકે, સાંજે તે ફરી પાછો ફરતો હતો."
ઝઘડા જ્યારે વધી ગયા અને રાજુએ કપિલ અને આશા સાથે રહેતાં તેમનાં દોહિત્ર-દોહિત્રીને ઘરમાંથી કાઢી મૂક્યાં, ત્યારે તેમનાં દીકરી શિલ્પી દેહરાદૂનના પટેલ નગર પોલીસ સ્ટેશનમાં ગયાં અને ફરિયાદ કરી.
તેમણે બીબીસીને જણાવ્યા મુજબ, પોલીસે તેમને સમજાવ્યું કે તેમણે પોતાનાં બાળકોને પોતાની સાથે રાખવા જોઈએ અને રાજુ ઉર્ફે મોનુને તેનાં માતા-પિતા સાથે રહેવા દેવા જોઈએ.
શિલ્પીએ જણાવ્યું કે 21 નવેમ્બર 2024ના રોજ રાજુ અથવા મોનુ શર્મા એવું કહીને ઘરમાંથી જતો રહ્યો કે તેઓ દિલ્હી જઈને કંઈક કામ કરશે અને કામ મળશે ત્યારે ઘરે જાણકારી આપશે.
પરંતુ તેણે કોઈ ફોન પણ ન કર્યો અને તેના વિશે કોઈ માહિતી પણ નથી મળી.
ગાઝિયાબાદ પોલીસ શું કહે છે?

ત્યાર પછી દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં છપાયેલા અખબારોમાં એક યુવકની મુલાકાત વિશે એક વાર્તા છપાઈ હતી.
ગાઝિયાબાદના ખોડા પોલીસ સ્ટેશને પહોંચેલા રાજુએ પણ આવી જ એક વાર્તા કહી અને એક પેમ્ફલેટ બતાવ્યું હતું.
રાજુએ જણાવ્યું કે શાળાએથી પરત ફરતી વખતે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમને સીધા રાજસ્થાન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓ ઘેટાં-બકરાં ચરાવતા હતા.
એક સરદાર ટ્રક ચાલકની મદદથી તેઓ ભાગવામાં સફળ રહ્યા અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ વિશે ગાઝિયાબાદના એસપી રજનીશ ઉપાધ્યાયે બીબીસીને જણાવ્યું કે તેમણે સોશિયલ અને સ્થાનિક મીડિયામાં આ યુવક વિશે સમાચાર પ્રકાશિત કર્યા હતા, જેના પછી ઘણા પરિવારો પોલીસ સ્ટેશને આવ્યા હતા.
તેમણે કહ્યું કે, "રાજુએ લીલાવતીને ગળે લગાવ્યા અને રડવા લાગ્યા. ત્યાર પછી લીલાવતીએ રાજુના શરીર પર બાળપણના ત્રણ નિશાન તપાસ્યા અને ફોટો બતાવીને બધા વિશે પૂછ્યું. જેમાં રાજુએ તેની બહેનોનાં સાચાં નામ આપ્યાં હતાં."
તેમના કહેવા પ્રમાણે, "રાજુએ પોતાના બાળપણની વાર્તા કહી, તેણે કહ્યું કે તે શાળાએથી આવતો હતો ત્યારે તેની બહેન સાથે છત્રી મામલે ઝઘડો થયો હતો અને પછી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેના પરિવારે પણ આ જ વાર્તા કહી ત્યારે તેની સરખામણી કરીને અમે તેને પરિવારનો સોંપી દીધો."
રાજુએ જેને પોતાનાં માતા ગણાવ્યાં હતાં, તે લીલાવતીએ બીબીસીને જણાવ્યું કે, "તેમના પતિ તુલારામ, દીકરીઓએ બધાં નિશાન જોઈને તેમની ઓળખની પુષ્ટિ કરી હતી."
તેમણે કહ્યું, "ત્યાર પછી જ અમે તેમનો સ્વીકાર કર્યો હતો."
પોલીસને અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું?

ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે માહિતી મળ્યા પછી રાજુને 30 નવેમ્બરે અટકાયતમાં લેવામાં આવ્યા અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મીડિયામાં જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે બીબીસીએ ગાઝિયાબાદ સ્થિત પરિવારનો સંપર્ક કર્યો. પરિવારની સૌથી નાની દીકરી હેમાએ જણાવ્યું કે તેમના ઘરે બે વખત પોલીસવાળા આવ્યા હતા.
હેમા કહે છે, "મેં રાજુને પૂછ્યું કે શું તમે ચાર બહેનો છે એવું લખાવ્યું છે? જવાબમાં તેણે કહ્યું કે મેં ચાર ભાઈ-બહેન છે એવું કહ્યું હતું, જેમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે. પરંતુ અખબારે ચાર લખ્યું છે. અમને કે પોલીસને વિશ્વાસ નથી આવતો."
"આઠ વર્ષની ઉંમરે ગુમ થયેલી વ્યક્તિ 30 વર્ષ પછી મળી આવે તો શું તમે તેને ઓળખી શકશો? પોલીસ કહે છે કે તમે તમારા દીકરાને રાખી શકો છો, પરંતુ અમે પૂછપરછ કરીશું કે શું થયું હતું, ક્યાંથી આવ્યા છે?"
ગાઝિયાબાદમાં ટ્રાન્સ હિંડનના ડીસીપી નિમિષ પાટીલે બીબીસીને પુષ્ટિ કરી કે 'તેમને રાજુ અથવા ભીમ સિંહ નામે જે યુવક મળ્યો હતો, તે એ જ વ્યક્તિ છે જે દેહરાદૂનમાં મોનુ શર્મા તરીકે રહેતો હતો.'
તેમણે કહ્યું કે, "હવે તે (રાજુ) કહે છે કે આ (લીલાવતીનો પરિવાર) જ તેનો અસલી પરિવાર છે અને દેહરાદૂનમાં રહીને તેને સમજાઈ ગયું છે કે તે (શર્મા પરિવાર) તેનો અસલી પરિવાર નથી."
જોકે, ડીસીપી પાટીલ કહે છે કે હજુ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ પછી જ કંઈક કહી શકાશે.
દેહરાદૂનમાં તો શર્મા પરિવારે રાજુને પોતાના પરિવારના સભ્ય તરીકે નકારી કાઢ્યા છે. રાજુ જતા રહ્યા અને પોલીસે પકડી લીધા તેનાથી રાજુ શર્માને રાહત થઈ છે. પરંતુ ડીસીપી પાટીલ કહે છે કે સાહિબાબાદવાળો પરિવાર હજુ અસમંજસમાં છે.
લીલાવતીનાં પુત્રી રાજોએ બીબીસીને કહ્યું હતું કે તેઓ ડીએનએ ટેસ્ટ કરાવશે. પરંતુ જ્યારે લીલાવતીના પતિ તુલારામને આ જ વાત પૂછવામાં આવી, તો તેમણે કહ્યું, "જ્યારે અમને ખબર છે કે અમારો છે, તો પછી શા માટે (ટેસ્ટ) કરાવીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












