વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પંજાબના ફિરોઝપુરમાં કાફલો ફસાયો હતો ત્યાં પ્રત્યક્ષદર્શીઓએ શું-શું જોયું? ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, સુરિન્દર માન
- પદ, બીબીસી પંજાબી
પંજાબના ફિરોઝપુર જિલ્લાના પ્યારેઆના ગામમાં માહોલ બદલાયેલો છે.
હું ગુરુવારે ગામમાં પહોંચ્યો ત્યારે ગામના લોકો ગુસપુસ કરી રહ્યા હતા, પરંતુ કોઈ ખૂલીને વાત કરવા માટે તૈયાર નહોતું.
ગામની બહાર જ અમને એક વ્યક્તિ મળ્યો હતો. તેને અમે પૂછેલું કે વડા પ્રધાનના કાફલાનું શું થયેલું ત્યારે તેણે કહ્યું કે પોતે જાણે છે કે પણ વાત કરવા તૈયાર નથી.

ઇમેજ સ્રોત, MHA
પાંચમી જાન્યુઆરીએ આ ગામની બાજુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પહોંચ્યો હતો અને ત્યાંથી તેઓ પાછા વળીને દિલ્હી જતા રહ્યા તેના કારણે આ ગામની ચર્ચા છે.
ફિરોઝપુરમાં પીજીઆઈ સૅટેલાઇટ સેન્ટરના ખાતમુહૂર્ત માટે વડા પ્રધાન ફિરોઝપુર જઈ રહ્યા હતા, પરંતુ લુધિયાણા-ફિરોઝપુર હાઈવે પરના આ ગામ પ્યારેઆના પાસે કેટલાક ખેડૂતોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
પ્યારેઆના ગામનો ફ્લાયઓવર ફિરોઝપુરના તલવંદી ભાઈચોકથી 13 કિમી દૂર છે. ભાજપની સભા જ્યાં યોજવાના હતી ત્યાંથી આ સ્થળ આઠ કિમી દૂર છે.

સિંગ વેચનારો ફેરિયોઃ 'હું ગભરાઈ ગયો હતો'

ઇમેજ સ્રોત, SURINDER MAAN / BBC
ગામના લોકો કહે છે કે પત્રકારો ઉપરાંત પંજાબની પોલીસ તથા કેન્દ્ર સરકારની એજન્સીના અધિકારીઓ પણ તેમને આવીને વડા પ્રધાનની સલામતીની બાબતમાં પૂછી રહ્યા છે.
આ સ્થળની નજીક સિંગ વેચવાનું કામ કરનારા એક ફેરિયાએ વડા પ્રધાનના કાફલાને પરત થતા જોયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિહારથી 10 વર્ષ પહેલાં અહીં કામ કરવા આવેલા અબ્દુલ હાનન સિંગ વેચે છે. તેઓ કહે છે કે અચાનક તેમણે જોયું કે પોલીસનાં વાહન અને બીજાં વાહનો બ્રિજ પરથી પાછાં વળવાં લાગ્યાં હતાં.
"હું આ જોઈને ચોંકી ગયો હતો, પણ મને એ ખબર નહોતી કે કાફલામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગાડી પણ છે."
"હું ફિરોઝપુર વડા પ્રધાનને સાંભળવા માટે જવાની તૈયારીમાં હતો, કેમ કે આમ પણ પોલીસે નેશનલ હાઇવે પરની બધા ફેરિયાને દુકાન બંધ કરી દેવા કહ્યું હતું. હું સિંગ વેચી શક્યો નહોતો, પણ મને હતું કે વડા પ્રધાન જતા રહેશે તે પછી દુકાન ખોલી શકાશે અને કમાણી થઈ શકશે."
પહેલાં તો બધું બરાબર લાગતું હતું, પણ કૅમેરામૅન અને પોલીસના અધિકારીઓ આવ્યા ત્યારે હું ગભરાઈ ગયો હતો. મને કહેવામાં આવ્યું કે વાહનો પાછાં ફર્યાં તેમાં વડા પ્રધાનની પણ મોટી ગાડી હતી."

આંદોલન કરનારા ખેડૂત બલદેવસિંહ જિરાઃ અમને ખબર નહોતી કે મોદીના કાફલો અહીંથી નીકળશે

ઇમેજ સ્રોત, SURINDER MAAN/BBC
આ પછી હું પ્યારેઆના ગામના ફ્લાયઓવર પાસે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા ગામમાં ગયો.
હું આવી રીતે વિરોધપ્રદર્શન કરી રહેલા એક ખેડૂત બલદેવસિંહ જિરાને મળ્યો.
બલદેવસિંહને ડર હતો કે પોલીસ તેમની ધરપકડ કરશે એટલે તેઓ પોતાની વાત જણાવવા માગતા હતા.
બલદેવસિંહે અમને જણાવ્યું તે જગ્યાએ હું કૅમેરામૅન સાથે પહોંચ્યો. વરસાદ પડી રહ્યો હતો એટલે અમે તેમની કારની અંદર તેમની સાથે વાતચીત કરી.
બલદેવસિંહે કહ્યું, "મારી આગેવાનીમાં દોઢસો જેટલા ખેડૂતો ફિરોઝપુર જઈ રહ્યા હતા. અમે ત્યાં જઈને નાયબ કમિશનરની ઑફિસ સામે દેખાવો કરવાના હતા. અમારી સંસ્થાએ નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે અમે વડા પ્રધાનની નીતિનો વિરોધ કરવાના હતા."
"અમે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કંઈક બનાવ બન્યો, પણ શું થયું તે અમને ખ્યાલ આવ્યો નહીં."
"અમે બધા પ્યારેઆના ગામ પાસે પહોંચ્યા ત્યારે પોલીસે અને નેશનલ હાઇવે પર રોકી દીધા. હું કસમ ખાઈને કહું છું અમને ખબર જ નહોતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ રસ્તા પરથી પસાર થવાના છે."
બલદેવસિંહે વધુમાં જણાવ્યું કે "અમને પોલીસે જણાવ્યું કે ભાજપના કાર્યકરોને અહીંથી જવા દો, કેમ કે તેમને રેલીમાં જવાનું હતું. એટલે અમે તેમની બસોને ત્યાંથી પસાર થવા દેવાની હા પાડી હતી."
"પરંતુ ભાજપના કાર્યકરોએ ધમાલ કરી એટલે ખેડૂતોએ કહ્યું કે આ રીતે અમે રસ્તો ખોલીશું નહીં."
"અમને ખબર નથી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે પ્યારેઆના બ્રિજની પાછળથી પાછા ફરી ગયા."
"સાચી વાત એ છે કે વડા પ્રધાનના કાફલો જ્યારે મિસરીવાલા ગામના ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે આ રોડ પર ખેડૂતો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે."

મહિલા ખેડૂત અગ્રણીઃ આવું અણધાર્યું બની ગયું

ઇમેજ સ્રોત, SANJEEV KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
મહિલા ખેડૂત અગ્રણી સુખવિંદર કૌરે જણાવ્યું કે, "જિલ્લામથકે વિરોધપ્રદર્શન કરવાની જાહેરાત ખેડૂતોએ પહેલાંથી જ કરેલી હતી."
તેઓ કહે છે, "આ અણધારો બનાવ બન્યો હતો અને તેમાં કોઈ રાજકારણ કરવા જેવું નથી."
તેમણે કહ્યું કે, "લખીમપુરી ખીરીમાં બે ખેડૂતોની ધરપકડ થઈ હતી તેનું અને સરકારે દિલ્હીમાં કિસાન આંદોલન ખતમ કરતી વખતે આપેલાં વચનોનું પાલન નથી થયું તેના વિરોધમાં દેખાવો કરવાના હતા."
સુખવિંદર ક1રના જણાવ્યા અનુસાર બરનાલામાં ખેડૂત સંસ્થાઓની બેઠક થઈ ત્યારે દેખાવો કરવાનો નિર્ણય લેવાયો હતો. લોકો ફિરોઝપુર વિરોધ કરવા માટે આવી રહ્યા હતા, જ્યારે પોલીસને લાગતું હતું કે તે લોકો સભામાં જઈ રહ્યા છે.
"પોલીસ અમારી પાસે આવી હતી અને રસ્તો ખુલ્લો કરી દેવા કહ્યું હતું."
એવું જાણવા મળ્યું છે કે ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારીના કાર્યકરોએ પ્યારેઆના ફ્લાયઓવર પર ધરણાનો કાર્યક્રમ કર્યો હતો.
આ બાબતમાં જાણકારી માટે સંગઠનના પ્રદેશ પ્રમુખ સૂરજિતસિંહ ફૂલનો ફોન પર સંપર્ક કર્યો હતો.
તેમણે જણાવ્યું કે તેમની સંસ્થાના કાર્યકરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું. આ વાત સાંભળ્યા પછી અમે રૂબરૂ તેમને મળવા માટે પહોંચ્યા હતા.
તેમણે મુલાકાત દરમિયાન સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમની સંસ્થાને એ ખ્યાલ નહોતો કે તેમની સંસ્થા જ્યાં વિરોધપ્રદર્શન કરી રહી હતી ત્યાંથી વડા પ્રધાનનો કાફલો પસાર થવાનો છે.
'પોલીસે માહિતી આપી'

ઇમેજ સ્રોત, SURINDER MAAN/BBC
"હા, એ વાત સાચી કે વડા પ્રધાનનો કાફલો પરત ફર્યો તેની થોડી મિનિટો પહેલાં જ પોલીસ નેશનલ હાઇવે પર દેખાવો કરી રહેલા કાર્યકરો પાસે આવી હતી."
"તે લોકો ધરણાના સ્થળે આવ્યા હતા અને કહ્યું હતું કે તમે અહીંથી ખસી જાવ, વડા પ્રધાને અહીંથી પસાર થવાનું છે.'
"અમારા કાર્યકરોએ આ વાતને ગંભીરતાથી ના લીધી, કેમ કે તેમને લાગ્યું કે વીઆઈપી પસાર થવાના હોય ત્યારે કલાક પહેલાં રસ્તાને ક્લિયર કરી દેવામાં આવે છે. પણ અમને ના સમજાયું કે વડા પ્રધાનના કિસ્સામાં કેમ અગાઉથી જ રસ્તો ખાલી ના કરાવી દેવાયો."
અહીં એ નોંધવું રહ્યું કે ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ કરનારા પંજાબના ખેડૂત સંગઠનોએ વડા પ્રધાનની પંજાબની મુલાકાત વખતે પણ વિરોધપ્રદર્શન માટે એલાન આપ્યું હતું.
એ પણ નોંધવું જરૂરી છે કે સંયુક્ત કિસાન મોરચા સાથે સંકળાયેલા 32 ખેડૂત સંગઠનો આ નિર્ણયમાં જોડાયા નહોતા.
ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહાં, ભારતીય કિસાન યુનિયન સિધુપુર, ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારી, કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ, ભારતીય કિસાન યુનિયન એકતા ડાકોન્ડા અને કીર્તિ કિસાન યુનિયને ભેગા મળીને નિર્ણય કર્યો હતો કે વડા પ્રધાન વિરુદ્ધ પ્રદર્શનો કરવાં.
આ સંસ્થાના નેતાઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેઓ ફિરોઝપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વિરોધપ્રદર્શન કરશે.

સૂરજિતસિંહ ફૂલઃ અમે વડા પ્રધાન સામે વિરોધપ્રદર્શન કર્યાં નહોતાં

ઇમેજ સ્રોત, SURINDER SINGH MAAN/BBC
ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારીના પ્રમુખ સૂરજિતસિંહ ફૂલ કહે છે કે કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારના દાવો કે ખેડૂતના વિરોધપ્રદર્શનને કારણે નરેન્દ્ર મોદીના કાફલાએ પાછું ફરવું પડ્યું તે દાવો ખોટો છે.
"અમારી દૃષ્ટિએ વડા પ્રધાનની સુરક્ષાની બાબતમાં કશું બન્યું નહોતું કે તેમણે સલામતીના કારણસર પાછા ફરી જવું પડે."
"અમે વડા પ્રધાન સામે કોઈ દેખાવો કર્યા નહોતા અને અમે કોઈ હુમલા નથી કર્યા, એટલે સ્પષ્ટ છે કે જે કંઈ થયું તે અચાનક જ થયું હતું."
સૂરજિતસિંહ ફૂલ કહે છે, "ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારીના કાર્યકરોએ કોઈ વિરોધ કર્યો નહોતો, એટલું જ નહીં યોગાનુયોગ અચાનક જ વડા પ્રધાનના કાફલો તે જગ્યાએ પહોંચી ગયો જ્યાં ધરણા થઈ રહ્યા હતા. બીજાં સંગઠનોના કાર્યકરો જુદી જુદી જગ્યાએ દેખાવો કરી રહ્યા હતા."

ઇમેજ સ્રોત, SANJEEV KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
"એ વાત જુદી છે કે વડા પ્રધાને ત્રણ કૃષિકાયદા પાછા ખેંચી લીધા છે, પણ 700થી વધુ ખેડૂતો કાયદા સામે લડતાં મૃત્યુ પામ્યાં છે."
તેઓ કહે છે, 'કેન્દ્રના ગૃહ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી અજય મિશ્રા ટેની, જે લખીમપુર ખીરીમાં જે બન્યું તે માટે જવાબદાર છે તે હજીય મોદી સરકારમાં છે. તે બાબતમાં ખેડૂતોનો ગુસ્સો વાજબી છે."
પોલીસવર્તુળોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન મોદી ફિરોઝપુરથી ફરિદકોટ જવાના હતા અને તે માટે બરસાતા તલવંડી ભાઈ થઈને જવાના હતા. પરંતુ તેઓ તલવંડી ભાઈ ચોક જવાના બદલે મિસરીવાલા ગામ પાસે પહોંચી ગયા હતા અને ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે રસ્તો બંધ છે.
મેં આ બાબતમાં ઘણા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી પણ કોઈ આ બાબતમાં બોલવા માગતા નથી.

'વડા પ્રધાનની સભાને નિષ્ફળ બનાવવા બધા પ્રયાસો થયા હતા'

ઇમેજ સ્રોત, SURINDER MAAN/BBC
દરમિયાન પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્ની અને કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું કે," સભામાં બહુ ઓછા લોકો આવ્યા છે તેની માહિતી વડા પ્રધાનને આપવામાં આવી હતી. તેના કારણે તેમણે સભામાં જવાનું માંડી વાળ્યું હતું."
ભાજપના પંજાબના પ્રદેશ પ્રમુખ અશ્વની શર્માએ ફિરોઝપુરમાં પત્રકારોને જણાવ્યું કે, "પંજાબ સરકાર વડા પ્રધાનને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે."
અશ્વની શર્માએ કહ્યું કે "જે સરકાર સરહદી રાજ્યમાં વડા પ્રધાનને સુરક્ષા પૂરી ના પાડી શકે તેને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી."
"જુદાં જુદાં સ્થળે અમારા કાર્યકરોને લઈ આવતી બસોને રોકવામાં આવી હતી અને તેમને કહેવાયું હતું કે કોઈને સભામાં જવા નહીં દેવામાં આવે. આ બધું વડા પ્રધાનની સભાને નિષ્ફળ કરવા માટે હતું."
ભાજપે જણાવ્યું કે 3443 બસોને રોકવામાં આવી હતી. અમૃતસર - તરણતારન બાયપાસ, કાથુ નાંગલ, હરિકે પટ્ટન, શ્રીમુક્તરસર સાહિબ, મખુ વગેરે જગ્યાએ બસો રોકવામાં આવી હતી.
જોકે રેલીના સ્થળે હાજર એક પત્રકારે પોતાનું નામ ના આપવાની શરતે કહ્યું કે હવામાન ખરાબ હતું અને વરસાદ આવ્યો હતો એટલે બહુ ઓછી હાજરી હતી.
પ્યારેઆના ગામે ધરણા કરનારા ખેડૂત બલદેવસિંહ કહે છે કે ભાજપની બસો રોકવામાં આવી એ કારણ નહોતું, પણ લોકો જાતે જ સભામાં ગયા નહોતા.

કાફલો પાછો ફર્યો તે ગામના સરપંચ શું કહે છે?

ઇમેજ સ્રોત, SURINDER MAAN/BBC
આ પછી હું આસપાસનાં ગામોમાં ફર્યો અને રાતખેરા ગામે પહોંચ્યો, જે વડા પ્રધાનનો કાફલો પાછો ફર્યો તેની નજીકમાં જ છે.
ગામના સરપંચ રાજદીપસિંહે કહ્યું કે ભારત જેવા લોકશાહી દેશના વડા પ્રધાને વિરોધને કારણે પાછા ફરવું પડ્યું તે બહુ મોટી વાત છે.
"અમારા વિસ્તાર માટે વડા પ્રધાન કોઈ મોટી જાહેરાત કરશે એવી અમને આશા હતી."
'સાથે જ અમારા મનમાં એ પણ ચાલી રહ્યું હતું કે ખેડૂતોના એક વર્ષના આંદોલન દરમિયાન પંજાબીઓને શું મળ્યું અને તેમણે શું ગુમાવ્યું."
"એ વાત સાચી કે આવું ના થવું જોઈએ, પણ આ વિસ્તારમાં એવું માનીને આ થયું છે કે લોકશાહી મોટી છે કે વડા પ્રધાન."

'માત્ર ટેકનિકલ ખામી'

ઇમેજ સ્રોત, SURINDER MAAN/BBC
મહિલા ખેડૂત અગ્રણી સુખવિંદર કૌર પણ આ જ સવાલ પૂછી રહ્યા છે, 'વડા પ્રધાન આવવાના હતા ત્યારે તેઓ કયા રસ્તેથી પસાર થવાના છે તે કેમ નક્કી નહોતું થયેલું.''
'મારો આ સવાલ આજે પણ છે અને કાલે પણ રહેવાનો છે, પણ હું એ કહી દેવા માગું છું કે વડા પ્રધાનની સુરક્ષાનો પ્રશ્ન છે એવું કહેવું ખોટું છે. આ માત્ર ટેકનિકલ ખામી હતી."
"પંજાબમાં શાંતિપૂર્ણ આ થઈ રહ્યું છે તે વાત વડા પ્રધાને સમજવી જોઈએ."

ઇમેજ સ્રોત, SURINDER MAAN/BBC
"એ વાત સાચી કે આ સરહદ વિસ્તાર છે, પણ આ કિસ્સામાં દેશની સુરક્ષાના મામલાને જોડવો જોઈએ નહીં."
"પંજાબમાં શાંતિ અને સંવાદિતા છે અને અમે સૌ સાથે મળીને અમારા અધિકારની લડાઈ લડી રહ્યાં છીએ. આવી સ્થિતિમાં સુરક્ષાની વાતો માત્ર ભાજપના લોકો જ બોલતા હોય, આ દેશના લોકો એવું કહેવાના નથી."
આ મુદ્દે મેં ઘણા પોલીસ અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરીને જવાબો મેળવવા કોશિશ કરી હતી, પણ તેઓએ માત્ર એટલું જ કહ્યું કે બધું બરાબર છે, તપાસ ચાલી રહી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












