કિશન ભરવાડની હત્યા બાદ ધંધૂકામાં કેવો માહોલ છે અને ગામના હિંદુ-મુસ્લિમો શું કહી રહ્યા છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
સોશિયલ મીડિયા પર કથિતપણે સાંપ્રદાયિક લાગણી દુભાય એવી પોસ્ટ વાઇરલ થયા બાદ ધંધૂકામાં એક યુવાનની હત્યા થઈ. એના પગલે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ બનાવ પછી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની પોલીસ સોશિયલ મીડિયા પર કોમી લાગણી ઉશ્કેરતી પોસ્ટ મૂકનાર સામે કડક પગલાં ભરવાની વાત કરી રહી છે, બીજી તરફ ધંધૂકામાં શાંતિનું વાતાવરણ છે.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મીડિયામાં સતત ચર્ચાતા આ બનાવની સ્થળતપાસ માટે બીબીસીની ટીમ ધંધૂકા પહોંચી ત્યારે ચાની એક દુકાન પાસે કેટલાક લોકો જોવા મળ્યા.
બીબીસીની ટીમે ચા પીવાના બહાને એ લોકો સાથે વાત કરી.
ત્યાં બેઠેલા એક ભાઈ, કાળુભાઈ ગમારા સાથે વાતચીત શરૂ કરવા પૂછ્યું, 'પોલીસ સ્ટેશન ક્યાં છે?, 'આગળ જવાય એવું છે કે નહીં?' તો એમણે કહ્યું કે, "સાહેબ, અહીં કંઈ નથી ગામમાં. જ્યાં ફરવું હોય ત્યાં ફરો. કોઈ અશાંતિ નથી."
કાળુભાઈ ગમારાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હું બાજુના વનાળા ગામથી રોજ દૂધ વેચવા આવું છું અને અહીં ચા-બીડી પીને પછી ઘરે જાઉં છું."
"અહીંની ઘણી મુસ્લિમ હોટલમાં હું દૂધ આપું છું. અહીં કોઈ ટંટોફિસાદ નથી. આ તો ઉશ્કેરાટમાં છમકલું થયું પણ આમ શાંતિ છે."
તેમણે જણાવ્યું, "આ દુકાનમાં બેઠા છે એ ભાઈ ભરવાડ છે અને જગ્યાનો માલિક મુસ્લિમ છે. તમે જ જુઓ, અહીં મુસ્લિમ ભાઈઓ પણ આવે છે અને હિંદુ ભાઈઓ પણ આવે છે. તમતમારે નિરાંતે જાવ." એમ કહી અમને પોલીસ સ્ટેશન જવાનો રસ્તો સમજાવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'દ્વારકેશ' નામની એ દુકાનના માલિકે પોતાની દુકાનનો ફોટો પાડવાની ના પાડતાં કહ્યું કે, "આ મામલે અમારે કંઈ કહેવું નથી. પણ અહીં કોમવાદ જેવું કંઈ નથી. ખબર નહીં મામલો કઈ રીતે બગડ્યો. ધંધૂકામાં પહેલી વાર હિંદુ-મુસ્લિમના નામે છમકલાં થયાં."

'જો પોલીસે પહેલાં અમારી સાંભળી હોત તો...'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસીની ટીમ ધંધૂકાના બજારમાં ફરી તો ક્યાંય તણાવ જોવા મળતો નહોતો અને સ્થાનિક લોકો ગામમાં બનેલા બનાવ અંગે જાહેરમાં કંઈ પણ બોલવા તૈયાર નહોતા.
ધંધૂકા આજુબાજુનાં 50 ગામના વેપારનું કેન્દ્ર છે. ગામ બંધ રહે તો ધંધામાં નુકસાન થાય એમ છે. કોમી તંગદિલીમાં કોઈને રસ નથી.
'કિશન શેફર્ડ'ના હુલામણા નામે ઓળખાતા 27 વર્ષીય કિશન ભરવાડનું ઘર ધંધૂકાથી 18 કિલોમીટર દૂર ચચાણા ગામમાં છે. કિશનના પિતા ખેડૂત છે.
માત્ર દસ ધોરણ સુધી ભણેલા કિશનની ધંધૂકામાં ઝેરોક્ષની દુકાન હતી. કિશનનાં પત્નીનું નામ ભાવના છે અને એમને જીયા નામની એક દીકરી છે.
બીબીસીની ટીમ ત્યાં પહોંચી ત્યારે એમના ઘરે બેસણું હતું.
બીબીસીની ટીમે ભાવનાબહેન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ પતિ ગુમાવ્યાના દુઃખમાં તેઓ વાત કરવાની સ્થિતિમાં નહોતાં.
કિશનના પિતા શિવાભાઈ ભરવાડે વાતચીતમાં કહ્યું કે, "મારા દીકરાએ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકી હશે એવી મને ખબર નથી. એ પોસ્ટથી ધંધૂકામાં એક સમાજની લાગણીઓ દુભાઈ હશે એટલે એમણે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું. એ સમયે પોલીસે મારા દીકરાને બોલાવ્યો અને એની સામે ગુનો પણ નોંધ્યો. માફીપત્ર પણ લખાવ્યું. માફી માગતો વીડિયો બનાવીને પણ મારા દીકરાએ મૂક્યો."
શિવાભાઈએ ઉમેયું, "પણ એટલેથી મામલો શાંત ના પડ્યો. મારા દીકરાને એ પછી પણ ધમકીના ફોન આવતા હતા અને અમે પોલીસને જાણ પણ કરી હતી. પોલીસે કોઈ પગલાં ના લીધાં, એમાં મારે મારો દીકરો ગુમાવવો પડ્યો."
એમણે ઉમેર્યું કે, "હા, પછી પોલીસે કડક પગલાં લીધાં. અમારી વાત નહીં સાંભળનાર પોલીસની બદલી કરી દીધી છે અને ગુનેગારોને પકડ્યા છે. પણ જો પોલીસે પહેલાં પગલાં લીધાં હોત તો મારો દીકરો બચી જાત."

દરગાહ પાસેથી મળ્યાં હથિયાર અને બાઇક?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ત્યાંથી અમે ધંધૂકામાંથી પકડાયેલા આરોપીના પરિવારના લોકોને મળવા માણોદ્રા વિસ્તારમાં આવેલા એમના ઘરે પહોંચ્યા.
ત્યાં અમને જાણવા મળ્યું કે શબ્બીરનો પરિવાર ઘર છોડીને અજાણી જગ્યાએ જતો રહ્યો છે. મહોલ્લા બહાર બંદોબસ્તમાં ઊભેલા પોલીસકર્મીએ એના ઘરની તસવીર લેવાની મનાઈ ફરમાવી.
બનાવ વિશે લેટેસ્ટ માહિતી મેળવવા અમે ધંધૂકા ડી.વાય.એસ.પી. રીના રાઠવાનો સંપર્ક કરતાં એમણે કહ્યું કે, "સમગ્ર કેસની તપાસ હવે ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉર્ડ કરે છે." એટલે તેઓ વિશેષ કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી.
હાલ તેઓ ધંધૂકામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને એનું ધ્યાન રાખી રહ્યાં છે.
ત્યાર બાદ બીબીસીની ટીમ ધંધૂકાના મુસ્લિમ વિસ્તાર સુંદરચોક અને મોઢવાડમાં ફરી. આ વિસ્તારની સાંકડી ગલીઓ સૂમસામ હતી. ગલીમાં કેટલાક વૃદ્ધો બેઠા હતા.
એમાંના જુમાભાઈએ કહ્યું કે, "એક ભરવાડના દીકરાની હત્યા થઈ એ અમને ખબર છે પણ ધંધૂકાના લોકોનો પાકિસ્તાન સાથે સંબંધ હોય એ વાત સાથે અમે સંમત નથી."
જ્યાંથી હત્યામાં વપરાયેલું હથિયાર મળી આવ્યું એ જગ્યા દરગાહથી ખાસ્સી દૂર છે. સ્થાનિક મીડિયામાં દરગાહ પાસેથી હથિયાર પકડાયાંના અહેવાલ પ્રસિદ્ધ થયા પછી અહીંના મુજાવર અને સ્થાનિક મુસ્લિમો ખાસ્સા નારાજ છે.
સરમુબારક દરગાહના મુજાવર ટીનાબાપુએ ધંધૂકામાં થયેલી હત્યા અંગે કંઈ પણ કહેવાનો કે દરગાહ કે પોતાની તસવીર લેવાનો ઇન્કાર કર્યો હતો.
જોકે, વાતચીતમાં તેમણે કહ્યું કે, "સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલોથી અમારી છાપ ખરડાઈ છે. અમે આ હત્યાના બનાવ અંગે ખુદ પત્રકારપરિષદ યોજીને ખુલાસો કરવાના હતા પણ હાલ જ્યાં સુધી આ મામલો ગરમ છે ત્યાં સુધી સમગ્ર મુસ્લિમ સમાજે કંઈ પણ નિવેદન ન કરવાનું નક્કી કર્યું છે."
મુજાવર ટીનાબાપુનું કહેવું છે કે ધંધૂકામાં હિંદુ-મુસ્લિમ જેવો કોઈ ભેદભાવ નથી. તેઓ કહે છે, "અમારી દરગાહ પર ફૂલ વેચવા ઘણી હિંદુ બહેનો આવે છે. દરગાહ ગામથી દૂર હોવા છતાં અહીં આવતી બહેનો સલામત છે."

'હિંદુ-મુસ્લિમ સાથે કરે છે વેપાર, કોઈ ખટરાગ નથી'

ઇમેજ સ્રોત, Sachin Pithava
ધંધૂકામાં નૉનવેજની બે હોટલ ચલાવનાર સાહિલભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાતભરમાં કોમી હિંસા થાય તો પણ અહીં હિંસા નથી થતી. જો એવો માહોલ હોત તો મારી નૉનવેજની હોટલ ચાલુ ના હોત. ધંધૂકામાં મારી ઘણી જમીન છે. એમાંની ઘણી મેં ભરવાડ અને હિંદુ લોકોને ભાડે આપી છે. અમારા વચ્ચે કોઈ કોમી વૈમનસ્ય નથી."
તો ખેતી અને કન્સ્ટ્રક્શનનો વ્યસાય કરતા ઈરફાનભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારી પાસે ઘણાં ઢોર છે. એમની જાળવણી ધંધૂકા અને એની પાસેના ગામના ભરવાડો કરે છે. તેઓ સવાર-સાંજ અમારાં પશુ દોહવા આવે છે અને ઘણા હિંદુ એવા છે કે જેઓ મારા દૂધના ઉત્પાદનના વ્યવસાયના કારણે ડેરીનો ધંધો કરે છે."
ધંધૂકામાં કોઈ મોટો ઉદ્યોગ નથી. અહીંના લોકો ખેતી અને ટ્રેડિંગના વ્યવસાય પર નભે છે, એમ કહેનારા ધંધૂકા વેપારી ઍસોસિયેશનના મહામંત્રી શરદ ભાવસારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોરોનાકાળમાં હિંદુ-મુસ્લિમ વેપારીઓએ ભેગા મળીને નક્કી કર્યું હતું કે દરેક વેપારીએ એકબીજાને સામાન આપવો, એટલું જ નહીં, જીવનજરૂરી સામગ્રીની અછત થાય તો ભાવવધારો ન કરવો. અહીંની પ્રજા વેપારમાં માને છે, જાતિવાદ અને બીજા મામલામાં માનતી નથી."
બિયારણ અને ખેતી માટેની અન્ય સામગ્રી વેચનારા વેપારી હરીશભાઈએ જણાવ્યું કે, "અહીંના લોકોને આવા ટંટાફિસાદમાં કોઈ રસ નથી. અમે વેપાર કરવામાં માનીએ છીએ. હિંદુ હોય કે મુસ્લિમ, અહીંના લોકોને પોતાના વેપાર અને સમૃદ્ધિમાં રસ છે, નહીંતર ત્રણ દિવસ અફરાતફરીમાં રહેલું ધંધૂકા આજે આટલું શાંત ના હોત."
કિશન ભરવાડની હત્યા પછી ધંધૂકા શાંત છે પણ એના પડઘા આજુબાજુના વિસ્તારમાં પડી રહ્યા છે.
સુરેન્દ્રનગર, ધોળકા, લીંબડી, રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ઘણાં સ્થળે બંધ પાળવામાં આવ્યો છે. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં તથા બનાસકાંઠાનાં વાવ, થરાદ જેવાં ગામોમાં પણ એનો પડઘો પડ્યો છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા મૅસેજ ગુજરાત પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યા છે. ધંધૂકાની ઘટનાને લગતી ઉશ્કેરણીજનક કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકવા સાબરકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર સહિત છ જિલ્લાની પોલીસે અપીલ કરવી પડી છે.

કિશનની હત્યા બાદ અથડામણના બનાવો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
30 જાન્યુઆરી, 2022ના રોજ ગુજરાત ATSના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ઇમ્તિયાઝ શેખે પત્રકારો સાથેની વાતચીતમાં ATS અને ગુજરાત પોલીસે કિશન ભરવાડની હત્યા મામલે પકડાયેલ આરોપીઓ અને તેમની આ હત્યામાં ભૂમિકા વિશે ખુલાસો કર્યો હતો.
કિશનની હત્યા મામલે અત્યાર સુધી સાત વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે.
ગુજરાત ATS વીજળીવેગે આ કેસ ઉકેલવા કામ કરી રહી હોવાનો દાવો કરાઈ રહ્યો હોવા છતાં ઘણા હિંદુવાદી સંગઠનો આરોપીઓને 'શેરીન્યાય' આપવા માટે રસ્તા અને સોશિયલ મીડિયા પર સક્રિય થયાં છે.
આવી માગોને લગતી પોસ્ટો પાછલા ઘણા દિવસથી સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.
તો બીજી બાજુ કિશન માટે 'ન્યાયની માગણી' લઈને રસ્તે ઊતરેલા યુવાનોનાં ટોળાં પોલીસ અને અન્ય જૂથો સાથે ઘર્ષણમાં ઊતરી રહ્યાં હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આવા જ એક બનાવમાં સોમવારે અઢી કલાક સુધી સમગ્ર રાજકોટ શહેરમાં તંગદિલીભર્યો માહોલ હતો.
કલેક્ટરને આવેદન આપવા નીકળેલા એક સમૂહે કથિતપણે હિંસાત્મક કૃત્યો કરતાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજકોટમાં કથિતપણે કિશન ભરવાડની હત્યાનું વેર મનમાં રાખી કેટલાક લોકોએ મોરબી રોડ પર ઈંડાંની લારી ચલાવતા કેટલાક લઘુમતિ સમાજના લોકો પર હુમલો કર્યો હોવાના અહેવાલ પણ મળ્યા છે.
આ સિવાય અન્ય એક ઘટનામાં રાજકોટમાં જ કથિતપણે મુસ્લિમ ધર્મ અંગે અણછાજતી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મૂકવા બદલ લઘુમતી અને બહુમતી સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જોકે, સ્થાનિક સમાચારપત્રોના અહેવાલો અનુસાર રાજ્યના પોલીસવડાએ ઉશ્કેરણી કરનાર તત્ત્વો પર નજર રાખી, આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













