રાહુલ ગાંધી કન્ફ્યુઝ્ છે કે ધરમૂળથી બદલવા માગે છે કૉંગ્રેસનો ચહેરો?
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
"જેમને બીક લાગતી હોય તે પાર્ટી છોડીને જઈ શકે છે. અનેક લોકો નીડર છે અને કૉંગ્રેસમાં નથી, તેમને લાવવા જોઈએ. અને ભાજપથી ડરેલા કૉંગ્રેસીઓને બહારનો રસ્તો દેખાડી દેવો જોઈએ. જેમને આરએસએસની વિચારધારામાં વિશ્વાસ હોય, એવા લોકોની અમને જરૂર નથી. અમને નીડર લોકોની જરૂર છે, એ અમારી વિચારસરણી છે."
તા. 16મી જુલાઈના કૉંગ્રેસના સોશિયલ મીડિયા સ્વયંસેવકોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ આ વાત કહી હતી.

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP/GETTYIMAGES
ત્યારથી લઈને અત્યારસુધીમાં કૉંગ્રેસમાં અનેક ફેરફાર જોવા મળ્યા છે, જેમકે:
- કૅપ્ટન અમરિંદરસિંહનું પંજાબના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું
- ચરણજિતસિંહ ચન્ની પંજાબના મુખ્ય મંત્રી બન્યા
- કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના પૂર્વ સભ્ય કનૈયાકુમાર કૉંગ્રેસમાં સામેલ થયા
- ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો કૉંગ્રેસને ટેકો જાહેર
- રાજસ્થાનમાં સત્તાના હસ્તાંતરણ મુદ્દે મૌન
- છત્તીસગઢ કૉંગ્રેસમાં આંતરિક વિખવાદ
- કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની નેતૃત્વ પ્રત્યે નારાજગી
એક તરફ કૉગ્રેસમાં આવેલા આ પરિવર્તનો રાહુલ ગાંધીના નિર્ણયોનું પરિણામ માનવામાં આવે છે તો બીજી તરફ રાહુલ ગાંધી ખેડૂત આંદોલનોથી લઈને અનેક સાંપ્રત બનાવો પર સતત આક્રમક અભિગમ દાખવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં ખેડૂત આંદોલનમાં થયેલી હિંસા મામલે પણ તેમનો અભિગમ આક્રમક છે અને તેમણે લખીમપુરની મુલાકાત અગાઉ કહ્યું કે સરકારેને ખેડૂતોની તાકાતનો અંદાજ નથી.
આ સિવાય તેમણે વિપક્ષની ભૂમિકાની પણ મીડિયા આગળ ચોખવટ કરી અને કહ્યું કે વિપક્ષનું કામ પ્રેશર ઊભું કરવાનું છે અને સરકાર તેને આ કામથી દૂર રાખવા માગે છે.
રાહુલ ગાંધીએ મીડિયાને પણ નિશાને લીધું અને કહ્યું કે પ્રેશર ઊભું કરવાનું કામ મીડિયાનું હોવું જોઈએ પણ મીડિયા એનું કામ નથી રહ્યું.
રાહુલ ગાંધીએ કહ્યું, અમને મારી નાંખો, દાટી દો કે અમારી સાથે ખરાબ વર્તન કરો પણ અમને ફરક નહીં પડે, અમારી તાલીમ જ એવી છે, મુદ્દો ખેડૂતોનો છે તો એની વાત કરીશું જ.
ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીમાં ખેડૂતો સહિત 8 લોકોનાં મૃત્યુ બાદ સરકાર અને વિપક્ષ સામસામે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'નેતૃત્વહીન' કૉંગ્રેસમાં રાહુલ નિર્ણાયક

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/GETTYIMAGES
હાલમાં રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ નથી તથા સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ છે. આમ છતાં પાર્ટીમાં દરેક પરિવર્તન, ઘમસાણ મુદ્દે દરેક જૂથ કે પક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યા પછી જ અંતિમ નિર્ણય લઈ રહ્યા છે.
થોડા દિવસ પહેલાં પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આ મુદ્દે પોતાની વ્યથા ઠાલવી હતી, તેમણે કહ્યું હતું, "હવે કૉંગ્રેસમાં કોઈ ચૂંટાયેલ અધ્યક્ષ નથી, અમને ખબર નથી કે કોણ નિર્ણય લઈ રહ્યું છે."
સિબ્બલે સ્પષ્ટપણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તાજેતરના નિવેદનથી સ્પષ્ટ છે કે પાર્ટીમાં આંતરિક રીતે કોણ નિર્ણય લઈ રહ્યું છે, તેના તરફ તેમનો અંગુલિનિર્દેશ હતો.
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તથા કનૈયાકુમાર પાર્ટીમાં સામેલ થયા ત્યારે રાહુલ ગાંધી ત્યાં હાજર હતા. પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું હતું કે તેઓ હંમેશાં રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રાની પડખે રહેશે.
રાજસ્થાન કૉંગ્રેસના દિગ્ગજ નેતા સચીન પાઇલટે ગયા મહિને 10 દિવસમાં ત્રણ વખત રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
આ સિવાય ગત 24 ઑગસ્ટે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ રાજ્યના આરોગ્યમંત્રી ટીએસ સિંહ દેવ સાથેનો પોતાનો વિવાદ ઉકેલવા માટે રાહુલ ગાંધીને મળ્યા હતા.
એ વાત સરળતાથી સમજી શકાય છે કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ નથી, છતાં પણ એ જ 'ભૂમિકા' ભજવી રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું રાહુલ ગાંધી કૉંગ્રેસની સુરત બદલવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

પરિવર્તનનો પ્રવાહ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસના રાજકારણને નજીકથી સમજનારા વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ માને છે કે રાહુલ ગાંધી કૉંગ્રેસમાં પરિવર્તન માટે પ્રયાસરત છે, તે વાત ચોક્કસ છે. તેઓ કહે છે :
"પાર્ટીમાં પરિવર્તનની વાત રાહુલ ગાંધીએ જાન્યુઆરી-2014માં જયપુરમાં કહી હતી. તે સમયે તેઓ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ બન્યા હતા. એ અરસામાં પોતાના એક ભાષણમાં તેમણે કહ્યું હતું કે તેઓ કૉંગ્રેસનું મૂલ્યાંકન કરવા માગે છે."
કિદવઈ ઉમેરે છે, "કૉંગ્રેસમાં મોટાભાગના નેતા બે પ્રકારના છે. એક છે વફાદારીની વાત કરે છે અને ચૂંટણીલક્ષી રાજકારણમાં ખાસ સફળ નથી. કૉંગ્રેસની વર્કિંગ કમિટી ઉપર નજર નાખશો તો માલૂમ પડશે કે મોટાભાગના નેતા લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાયેલા સભ્ય નથી. જેનો પુરાવો વર્ષ 2014 તથા 2019 (લોકસભા ચૂંટણી)માં મળી ગયો. આ સંજોગોમાં રાહુલ ગાંધીએ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તેઓ પહેલાંથી જ બહારના લોકોને વધુ મહત્ત્વ આપતા રહ્યા છે."
કૉંગ્રેસ પાર્ટીનો યુવા ચહેરો તથા પક્ષનાં પ્રવક્તા શમા મોહમ્મદ માને છે કે રાહુલ ગાંધી પાર્ટીમાં પરિર્તન માટે પ્રયાસ કરી રહ્યા છે. નવા ચહેરાં વિશેષ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. જેમની રાજકીય પૃષ્ઠભૂમિ નથી, તેવા લોકોને પણ તક આપી રહ્યા છે. વરિષ્ઠ નેતાઓની નારાજગી વિશે તેઓ કહે છે :
"દરેક પાર્ટીમાં પરિવર્તન થાય એટલે થોડી ઊથલપાથલ તો થાય જ. ભાજપમાં પણ ઊથલપાથલ થઈ રહી છે. કોઈ પણ પક્ષમાં આ એક સામાન્ય બાબત છે. અમારો પક્ષ લોકશાહી ઢબનો પક્ષ છે, જેથી લોકો નારાજગી વ્યક્ત કરી શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર સ્મિતા ગુપ્તા માને છે કે રાહુલ ગાંધી પાર્ટીમાં પરિવર્તન કરવા ચાહે છે. નવી પેઢીને તક આપીને તેઓ આમ કરવા માગે છે. તેઓ કહે છે :
"રાહુલ ગાંધી સ્પષ્ટપણે જૂની પેઢીને દૂર કરીને નવી પેઢીને આગળ લાવવા માગે છે. કારણ કે અમરિંદરસિંહને હઠાવવાનો કોઈ અર્થ સરતો ન હતો. તેઓ પાર્ટીના સફળ નેતા હતા. રાહુલ ગાંધી મુદ્દે એક વાત સ્પષ્ટ છે કે તેઓ જનરેશનલ ચેંજ લાવવા ચાહે છે."
સ્મિતા ઉમેરે છે કે રાહુલ ગાંધી પાર્ટીમાં નવું લોહી લાવવા માગે છે, ત્યારે એ વાત ન ભૂલવી જોઈએ કે તાજેતરમાં અનેક યુવા ચહેરા પાર્ટી છોડી ગયા છે. તેમને લાગે છે કે આ મુદ્દે રાહુલ અમુક અંશે કન્ફ્યૂઝ જણાય છે. સ્મિતા કહે છે :
"રાહુલ ગાંધી દ્વારા હાથ ધરવામાં આવેલા પરિવર્તનને કેટલાક લોકો ઇંદિરા ગાંધીના સમયમાં લેવાયેલા પરિવર્તન સાથે સરખાવે છે, આ સાથે એ વાત સમજવી જોઈએ કે એ સમયે ઇંદિરા સત્તામાં હતાં. તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુદ્દે જે નિર્ણય લીધા હતા, તે વૈચારિક આધાર ઉપર હતા."
"હાલમાં રાહુલ ગાંધીના સંદર્ભમાં કોઈ ખાસ મતભેદ નજરે નથી પડતા. તમે રાહુલ ગાંધીને 'આદર્શવાદી' કહી શકો, પરંતુ આદર્શની બાબતમાં તેઓ કેટલા સ્પષ્ટ છે, તેના વિશે ચોક્કસપણે કહી ન શકાય."

જી-23ની ફિકર નથી?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTYIMAGES
કૉંગ્રેસનો એક વર્ગ તાજેતરના ઘટનાક્રમથી હતપ્રભ થઈ ગયો છે, તેમણે પત્ર લખીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. કિદવઈ કહે છે જી-23 (સોનિયા ગાંધીને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરનારા કૉંગ્રેસના 23 નેતા)ના ખાવાના દાંત અલગ છે અને દેખાડવાના અલગ.
કિદવઈ કહે છે :"જ્યારે કૉંગ્રેસના મંચ ઉપર કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે તો તેઓ સર્વસંમતિથી કહે છે કે સોનિયા ગાંધીને યોગ્ય લાગે તે નિર્ણય લે, પરંતુ બહાર આવીને તેઓ બીજી વાત જ કહે છે."
જી-23 નેતાઓના પત્ર વિશે તેઓ કહે છે કે કૉંગ્રેસના બંધારણ હેઠળ તેઓ કૉંગ્રેસના નેતૃત્વને પડકારી શકે છે, પરંતુ તેમણે આ અધિકારનો ઉપયોગ નથી કર્યો. આ નેતાઓ મોટા તથા મહત્ત્વપૂર્ણ પદો પર છે, તેઓ 'નિર્ણયપ્રક્રિયા'માં રહેવા માગે છે, પરંતુ એમ નથી થઈ રહ્યું. આ બાબત તેમને પસંદ નથી આવતી તથા રાહુલ ગાંધીને પણ આ મુદ્દા ઉપર જ ખીજ છે.
"રાહુલ ગાંધી એ વાતથી ગિન્નાયેલા રહે છે કે કોઈ કહે છે કે તેણે દાદી (ઇંદિરા ગાંધી) સાથે કામ કર્યું છે, કોઈ કહે છે કે પિતા (રાજીવ ગાંધી) સાથે કામ કર્યું છે. કોઈ કહે છે કે માતા (સોનિયા ગાંધી) સાથે કામ કર્યું છે. તેઓ કાકા-મામાઓથી ઘેરાયેલા છે અને પોતાની રીતે રાજકારણ નથી કરી શકતા."

રાહુલના પ્રયાસ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTYIMAGES
રશિદ કિદવાઈના મતે રાહુલ ગાંધી કૉંગ્રેસમાં કદના આધારે નહીં, પરંતુ લોકશાહી ઢબે આગળ વધવાના પક્ષધર રહ્યા છે.
કિદવઈ કહે છે: "રાહુલ ગાંધી અગાઉ પણ લોકશાહી ઢબે મુખ્ય મંત્રીઓને પસંદ કરવા માગતા હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી. મધ્ય પ્રદેશમાં તેમણે લોકશાહી ઢબે કમલનાથને મુખ્ય મંત્રી બનાવ્યા, તો સિંધિયા નારાજ થઈ ગયા અને પાર્ટીને છોડી ગયા, સરકારનું પતન થયું. રાજસ્થાન તથા પંજાબમાં પણ આવી જ સ્થિતિ ઊભી થઈ."
સ્મિતાના મતે તાજેતરમાં કૉંગ્રેસમાં જે કોઈ નિર્ણય લેવામાં આવ્યા, તે લોકશાહી ઢબે લેવાયા ન હતા.

ભૂમિકા અસ્પષ્ટ

ઇમેજ સ્રોત, RAVEENDRAN/GETTYIMAGES
સ્મિતા ગુપ્તા કહે છે કે હાલમાં રાહુલ ગાંધી જે કંઈ કરી રહ્યા છે, તે લોકશાહી ઢબનું નથી.
તેઓ કહે છે, "સ્પષ્ટપણે નહીં તો કૉંગ્રેસના લોકો પણ માને છે કે કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી જ હશે. રાહુલ ગાંધીને કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે જાતે જ આ પદ છોડી દીધું હતું. તેમના નેતૃત્વમાં પાર્ટીને લોકસભાની બે ચૂંટણીમાં પરાજય મળ્યો, છતાં તેમને અધ્યક્ષ બનાવવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે."
"તેઓ ન તો પોતે અધ્યક્ષ બની રહ્યા છે કે ન તો અન્ય કોઈને બનાવી રહ્યા છે, છતાં બધા નિર્ણય તેઓ જ લઈ રહ્યા છે. જો તમે અધ્યક્ષ નથી, તો બધા નિર્ણ કેમ લઈ રહ્યા છો?"
કિદવઈના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધી જે કંઈ કરી રહ્યા છે, તે કૉંગ્રેસના હિત ખાતર કરી રહ્યા છે, પરંતુ સૌથી મોટી બાબત એ છે કે તેમણે ખુદની ભૂમિકા સ્પષ્ટ કરવી રહી.
તેઓ ઉમેરે છે: "રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ નથી, ત્યારે તેઓ શા માટે નિર્ણય લઈ રહ્યા છે. આ વાતમાં વજન છે. જો કૉંગ્રેસ પાર્ટી ગાંધી પરિવારની ધરોહર હોય તો તેઓ અધ્યક્ષપદ માટે આનાકાની કેમ કરી રહ્યા છે. તે નથી સમજાતું. જો તેઓ અધ્યક્ષ બનીને નિર્ણય લેશે, તો તેની સાર્થકતા વધુ હશે."
રાહુલની ભૂમિકા અંગે કૉંગ્રેસનાં પ્રવક્તા શમા કહે છે, "જેપી નડ્ડા કઈ પાર્ટીના અધ્યક્ષ છે? છતાં તેમાં નિર્ણય કોણ લઈ રહ્યું છે, અમિત શાહ."
શમાનો આરોપ છે કે આ બધી અસમંજસ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી છે. તાજેતરના ઘટનાક્રમથી સોનિયા ગાંધી વાકેફ છે તથા તથા તેમની મદદ માટે રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઉપલબ્ધ છે.

સંજયની સ્ટાઇલમાં રાહુલ

ઇમેજ સ્રોત, KEYSTONE/GETTYIMAGES
સંજય ગાંધીએ પોતાના કાર્યકાળ દરમિયાન કૉંગ્રેસમાં ઊથલપાથલ કરી નાખી હતી અને અત્યારે રાહુલ ગાંધી પણ એવું જ કંઇક કરી રહ્યા હોય તેમ લાગે છે.
કિદવઈ કહે છે કે કાકાએ ફેરફાર કર્યા હતા, પરંતુ તે સમય અને હાલના સમયમાં તફાવત છે. તે સમયે કૉંગ્રેસ પાર્ટી સત્તા ઉપર હતી અને અત્યારે નથી.
કિદવઈ કહે છે, "જ્યારે કોઈ વ્યક્તિ યુવરાજ તરીકે સત્તા ઉપર આવે, ત્યારે પાર્ટી સત્તા ઉપર હોય તે ઇચ્છનીય છે. જ્યારે ઇંદિરા ગાંધીએ તેમના પુત્ર સંજય ગાંધીને કમાન સોંપી હતી, ત્યારે પાર્ટી સત્તા ઉપર હતી. રાજીવ ગાંધીના સમયે પણ તેઓ સત્તા ઉપર હતાં. જોકે, રાહુલ ગાંધીના સમયમાં પરિસ્થિતિઓ ખૂબ જ અલગ છે અને એટલે જ રાહુલ ગાંધીની સામે અનેક પડકાર છે."
ગુપ્તા માને છે કે રાહુલ ગાંધીએ તાજેતરના સમયમાં જે કોઈ નિર્ણય લીધા છે, તે વ્યૂહાત્મક દૃષ્ટિએ બિલકુલ યોગ્ય છે, પરંતુ તેના પરિણામ તત્કાળ જોવા નહીં મળે. તેઓ કહે છે કે કનૈયાકુમાર તથા જિજ્ઞેશમેવાણીને પાર્ટીમાં સામેલ કરવાથી પાર્ટીને લાભ તઈ શકે છે, પરંતુ તેમને ઍક્સપોઝર મળે તે જરૂરી છે અને તેમને તક મળે.
ગુપ્તા કહે છે, "પંજાબમાં ચરણજિતસિંહ ચન્નીને મુખ્ય મંત્રી બનાવીને કૉંગ્રેસે પંજાબમાં પ્રથમ વખત કોઈ દલિતને મુખ્યમંત્રીનું પદ આપ્યું છે. ચન્ની રાજ્યમાં મોટું નામ નથી અને આગામી અમુક મહિનામાં જ ચૂંટણી યોજાવાની છે. આ સંજોગોમાં ચન્ની પાસે બહુ થોડો સમય છે, તથા જો કૉંગ્રેસે દલિતોને સાધવા હોય તો સત્તા ઉપર રહેવું જરૂરી છે."
"એ વાતને કોઈ નકારી ન શકે કે તમે સત્તા ઉપર રહીને જ કોઈ વર્ગવિશેષ માટે કામ કરી શકો. ચન્ની માટે અમુક મહિનાનો સમય છે જ. આ સંજોગોમાં તેમને મુખ્ય મંત્રી બનાવવાનો નિર્ણય કેટલી હદે યોગ્ય હતો, તે ચૂંટણીપરિણામ જ માલૂમ થશે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












