હાથરસ બળાત્કાર કેસઃ એક વર્ષ બાદ પણ પીડિતાનો પરિવાર પોતાના જ ઘરમાં કેદ

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, હાથરસ

ઉત્તર પ્રદેશના હાથરસમાં બરાબર એક વર્ષ પહેલાં 19 વર્ષની એક યુવતીનું, તેની પર ઉચ્ચજ્ઞાતિના પાડોશીઓએ કરેલા સામૂહિક બળાત્કાર અને નિર્દય હુમલાને કારણે મૃત્યુ થયું હતું.

સત્તાવાળાઓએ પરિવારજનોની સંમતિ વિના રાતના અંધારામાં પીડિતાના દેહને અગ્નિદાહ આપી દીધો પછી આ ઘટનાની સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી હતી.

હાથરસ દુષ્કર્મ પીડિતાનો પરિવાર

ઇમેજ સ્રોત, Abhishek Mathur

ઇમેજ કૅપ્શન, પીડિતાનો પરિવાર ગામથી અલગ જીવન પસાર કરી રહ્યો છે

ચારે તરફથી ઘેરાયેલી સરકારે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા યોગ્ય તપાસ તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની ખાતરી આપી હતી.

તેના એક વર્ષ પછી પણ ચાર આરોપીઓ સામેનો બળાત્કાર અને હત્યાનો કેસ મંથર ગતિએ આગળ વધી રહ્યો છે.

પીડિતાના પરિવારજનોએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ તેમના પોતાના ઘરમાં કેદીની જેમ દિવસો પસાર કરી રહ્યા છે અને તેમનું જીવન થંભી ગયું છે.

line

સલામતી અને ઘરમાં કેદ

પીડિતાનાં ભાભી કહે છે, “ઘરના દરેક ખુણામાં અનેક સ્મૃતિ સંઘરાયેલી છે.”

ઇમેજ સ્રોત, Abhishek Mathur

ઇમેજ કૅપ્શન, પીડિતાનાં ભાભી કહે છે, “ઘરના દરેક ખુણામાં અનેક સ્મૃતિ સંઘરાયેલી છે.”

પીડિતાનું મૃત્યુ થયાંના થોડા દિવસોમાં જ હું પહેલીવાર હાથરસમાંના ભુલગઢી ગામમાં પહોંચી હતી.

સામૂહિક બળાત્કારની એ ઘટના વૈશ્વિક સ્તરે સમાચાર બની હતી અને રિપોર્ટર્સ તથા કેટલાક કૅમેરા ક્રૂ પીડિતાના ઘરે ટોળે વળ્યા હતા.

વિરોધપક્ષના રાજકારણીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે ન્યાય માટેની લડતમાં પીડિતાના પરિવારને ટેકાના ખાતરી આપી હતી.

પીડિતાનાં માતાએ મને જણાવ્યું હતું કે 'તેમને તેમની દીકરી 14 સપ્ટેમ્બરે બાજરીના ખેતરમાં લગભગ બેભાન અવસ્થામાં મળી આવી હતી.

તેના શરીર પર ઉઝરડા પડેલા હતા અને કમરની નીચેના ભાગમાં તે નિર્વસ્ત્ર હતી. તેની કરોડરજ્જૂ તૂટી ગઈ હતી. તે લોહીલુહાણ હતી અને લોહીની ઊલટી કરતી હતી.

એક પખવાડિયા સુધી જીવન માટે મૃત્યુ સામે લડ્યા બાદ 29 સપ્ટેમ્બરે તેણે હૉસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો.'

હું તાજેતરમાં ભુલગઢી ગઈ ત્યારે પીડિતાનો પરિવાર, ગામથી અલગ પોતાના ઘરમાં જ કેદ જોવા મળ્યો હતો.

અર્ધ-લશ્કરીદળના મશીનગનધારી જવાનો તેમનું રક્ષણ કરે છે.

આવતી-જતી દરેક વ્યક્તિ પર નજર રાખવા માટે મહત્ત્વનાં સ્થળોએ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. (પીડિતાનો પરિવાર ઉચ્ચજ્ઞાતિના લોકોના રોષનું નિશાન બની શકે છે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવ્યાને પગલે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેમની સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે.)

પીડિતાના મોટાભાઈ કહે છે, “એક વર્ષ નકામું ગયું. અર્ધલશ્કરીદળને કારણે અમે ઘરમાં સલામત છીએ, પરંતુ અમે કામ કરવા બહાર જઈ શકતા નથી. વળતર પેટે મળેલાં નાણાં તથા સરકારી રૅશન વડે અમારું ગુજરાન ચાલે છે.”

પરિવારજનોને જણાવ્યા મુજબ, છેલ્લાં એક વર્ષમાં તેમના ઘરમાં માત્ર પવિત્ર તુલસી જ પાંગર્યાં છે. એ છોડ પીડિતાએ વાવ્યો હતો.

ઇમેજ સ્રોત, ABHISHEK MATHUR

ઇમેજ કૅપ્શન, પરિવારજનોને જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં તેમના ઘરમાં માત્ર પવિત્ર તુલસી જ પાંગરી છે. એ છોડ પીડિતાએ વાવ્યો હતો.

હત્યા અને બળાત્કાર સહિતના ગુનાઓના પીડિતોના પરિવારજનોને નાણાકીય વળતર આપવાના કાયદા હેઠળ પીડિતાના પરિવારજનોને રાજ્ય સરકારે 25 લાખ રૂપિયા આપ્યા છે.

પીડિતાનો નાનોભાઈ ઉમેરે છે, “અમે કેદમાં હોઈએ એવું પણ લાગે છે. કરિયાણું ખરીદવા કે ડૉક્ટર પાસે જવું હોય તો પણ અર્ધલશ્કરી દળના જવાનોની સાથે જવું પડે છે.”

દુર્ઘટના બની એ પહેલાં પીડિતાનો પરિવાર નાના ખેતરમાં ખેતી કરતો હતો અને બીજાં નાના-મોટાં કામ કરીને ગુજરાન ચલાવતો હતો, પરંતુ એવું કરવું હવે શક્ય નથી.

તેમની માલિકીની કુલ સાત ભેંસો પૈકીની છ વેચી નાખવી પડી છે, કારણ કે તેઓ ભેંસ માટે ઘાસચારો લેવા ઘરની બહાર જઈ શકતા નથી.

તેમને નવું ઘર આપવાનું અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન સત્તાવાળાઓએ હજુ સુધી પૂરું કર્યું નથી.

પીડિતા અને તેનો પરિવાર દલિત છે. અગાઉ ‘અસ્પૃશ્ય’ તરીકે ઓળખાતા આ લોકોનું સ્થાન ભારતીય વર્ણ વ્યવસ્થામાં તળીયે હતું.

પીડિતાએ ઉચ્ચ ઠાકુર જ્ઞાતિના ચાર પુરુષોનાં નામ હુમલાખોરો તરીકે આપ્યાં હતાં.

તપાસકર્તાઓએ એ ચાર પુરુષો પર હત્યા, સામૂહિક બળાત્કાર અને દલિત પર અત્યાચાર કરવાના આરોપ મૂક્યા છે. તેમની સામેની અદાલતી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં બળાત્કાર સામે એક થઈ રહી છે દલિત મહિલાઓ
line

ગામલોકો આરોપીને ટેકો આપવા કોર્ટમાં આવ્યા

ઠાકુર કોમના બલબીર સિંહ કહે છે, “જે થવાનું હતું એ થઈ ગયું.”

ઇમેજ સ્રોત, ABHISHEK MATHUR

ઇમેજ કૅપ્શન, ઠાકુર કોમના બલબીરસિંહ કહે છે, “જે થવાનું હતું એ થઈ ગયું.”

જોકે, આરોપીઓના સગાંઓનો આક્ષેપ છે કે પીડિતાને ચાર પૈકીના એક ઠાકુર સાથે સંબંધ હતો, પણ તેના પરિવારજનોને આ સંબંધ સ્વીકાર્ય ન હતો.

તેથી ‘પરિવારની આબરુ જાળવવા’ પરિવારજનોએ જ પીડિતાની હત્યા કરી હતી.

વગદાર ઠાકુર રાજકારણીઓએ આરોપીઓના ટેકામાં વિશાળ જનસભાઓ યોજી હતી.

આરોપીઓ અને પીડિતાના પરિવારજનોના ઘર વચ્ચે એક નાનકડી શેરી જ છે, પરંતુ તે અંતર સદીઓથી યથાવત્ રહ્યું છે.

વળી ઘટના બની એ પછી તે ખાઈ વધારે ઉંડી અને પહોળી થઈ છે.

પીડિતાના મોટાભાઈ કહે છે, "અમારા પૂર્વજો સાથે તેમના પૂર્વજોએ ગેરવ્યવહાર કર્યો હતો અને અમારી સાથે આજે પણ ભેદભાવ કરવામાં આવે છે."

"અમારી બહેન પર હુમલો કરવામાં આવ્યો કે તે હૉસ્પિટલમાં જીવનનો જંગ લડી રહી હતી ત્યારે કે પછી તેનું મૃત્યુ થયું ત્યાર બાદ પણ ગામની કોઈ વ્યક્તિ અમારી પાસે આવી નથી, પરંતુ આરોપીઓને ટેકો આપવા માટે આખું ગામ કોર્ટમાં આવ્યું હતું."

પોતાનું નિવેદન નોંધાવવા અને ઊલટતપાસ માટે તેઓ તાજેતરમાં અનેક વખત હાથરસની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા હતા. ગુરુવારે સાક્ષી તરીકે ઉપસ્થિત થવાનો વારો તેમનાં માતાનો હતો.

પીડિતાના પરિવારજનોના જણાવ્યા મુજબ, કોર્ટમાં હાજરી આપવાનું દરેક વખતે તણાવભર્યું હોય છે.

પીડિતાના પરિવારના વકીલ સીમા કુશવાહા ધાકધમકી અપાતી હોવાની ફરિયાદ કરે છે, પરંતુ બચાવ પક્ષના વકીલ મુન્નાસિંહ પુંઢિર એ દાવાને ફગાવે છે.

line

વકીલની સતામણી?

પીડિતાના મૃતદેહને જે સ્થળે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો ત્યાં હવે ઘાસ ઉગી નીકળ્યું છે.

ઇમેજ સ્રોત, ABHISHEK MATHUR

ઇમેજ કૅપ્શન, પીડિતાના મૃતદેહને જે સ્થળે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો ત્યાં હવે ઘાસ ઊગી નીકળ્યું છે.

સીમા કુશવાહાના જણાવ્યા મુજબ, તેઓ કોર્ટમાં આવે ત્યારે પુરુષો સાથેનું એક વાહન તેમની કારનો પીછો કરે છે. કોર્ટમાં પુરુષ વકીલોએ તેમને એવું કહ્યું હતું કે “દિલ્હીનાં વકીલ હાથરસના કેસમાં દલીલો કરી શકે નહીં.”

સીમા કુશવાહા કહે છે, “તેમણે મને નીચાજોણું કરાવવાનો પ્રયાસ કર્યો હતો અને મને મર્યાદામાં રહેવાનું પણ કહ્યું હતું.”

સીમા કુશવાહાના જણાવ્યા મુજબ, "માર્ચમાં પરિસ્થિતિ અંકુશ બહાર ગઈ ત્યારે કોર્ટની કાર્યવાહી બે વખત મોકૂફ રાખવી પડી હતી. મોટા ભાગના દિવસોએ તેમની કારને પોલીસે જિલ્લાની હદ સુધી રક્ષણ આપવું પડે છે."

તેમ છતાં આ કેસને જિલ્લા બહાર ટ્રાન્સફર કરવાની તેમની વિનંતીને હાઈકોર્ટે તાજેતરમાં ફગાવી દીધી હતી.

સીમા કુશવાહા ઉમેરે છે કે અત્યાર સુધીમાં ડૉક્ટરો, પોલીસ અધિકારીઓ, પરિવારજનો અને સ્થાનિક પત્રકારો સહિતના કુલ 104 સાક્ષીઓમાંથી માત્ર 16 સાક્ષીઓની જુબાની જ લઈ શકાઈ છે. સુનાવણી આગામી બેથી ત્રણ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

સીમા કુશવાહાએ બીબીસીને કહે છે, "અમે આરોપીઓને મૃત્યુદંડની મહત્તમ સજા આપવાની માગણી કરી છે."

line

ગામમાં માહોલ તંગ અને શત્રુતાભર્યો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજ્યની રાજધાની લખનૌમાં ચાલતા એક અન્ય કેસમાં પણ સીમા કુશવાહા પીડિતાના પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.

એ કેસમાં હાઈકોર્ટ એ ચકાસી રહી છે કે સત્તાવાળાઓને પીડિતાના મૃતદેહને અગ્નિદાહ દેવાની પરવાનગી પરિવારજનોએ આપી હતી કે કેમ અને પરવાનગી ન આપી હોય તો તે કૃત્યમાં સંડોવાયેલા અધિકારીઓને કેટલી સજા કરવી જોઈએ.

પરિવારજનોને વળતર આપવાની શક્યતાની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

સીમા કુશવાહા કહે છે, “પરિવારજનો અન્યત્ર સ્થાયી થવા ઇચ્છે છે અને મને લાગે છે કે તેમના માટે અન્યત્ર વ્યવસ્થા કરવી જ જોઈએ. અર્ધલશ્કરી દળો તો શારીરિક સલામતી આપી શકે, પણ માનસિક અને ભાવનાત્મક સલામતીનું શું?"

"સરકારે પીડિતાના પરિવારજનો માટે હાથરસથી દૂર રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી તેઓ નવેસરથી જીવન શરૂ કરી શકે."

બીજી તરફ ગામમાં બન્ને જ્ઞાતિના લોકોમાં ભય તથા રોષ પ્રવર્તી રહ્યો છે. વાતાવરણ તંગ અને શત્રુતાભર્યું છે. આરોપીઓના પરિવારજનો ક્રોધિત છે અને રિપોર્ટરો તેમને નિશાન બનાવતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

એક આરોપીના વડીલ મહિલાએ મારા પર બરાડતાં સવાલ કર્યો હતો કે “તમે અહીં શા માટે આવ્યા છો? મારા પુત્રો નિર્દોષ છે. મીડિયાએ અમને ખલનાયક બનાવ્યા હોવાથી તેઓ જેલમાં છે.”

line

પુત્રીને ગુમાવવાનું દુ:સ્વપ્ન

પીડિતાનું ઘર
ઇમેજ કૅપ્શન, પીડિતાનું ઘર

ગામમાંના મોટાભાગના ઠાકુર પરિવારો કશું બોલવાનો ઇનકાર કરતાં જણાવે છે કે કેસ કોર્ટમાં વિચારાણા હેઠળ છે અને તેઓ કશું જાણતા નથી.

એક પુરુષ કહે છે, “અમે ગરીબી તથા મોંઘવારી સામે લડી રહ્યા છીએ. બે છેડા ભેગા કરવાના પ્રયાસ કરીએ છીએ.”

76 વર્ષની વયના બલબીરસિંહ સવાલ કરે છે, “લોકો તો ઘણી વાતો કરે છે, પણ ખરેખર શું બન્યું હતું એ કોણ કહી શકે તેમ છે? એ તો પીડિતા અને ભગવાન જ જાણે છે.”

ગામમાં થોડી તંગદિલી હોવા બાબતે સહમત થવાની સાથે તેઓ એમ પણ કહે છે, “જે થવાનું હતું એ થઈ ગયું. તેમણે પણ અહીં રહેવાનું છે અને અમારે પણ.”

અલબત, પીડિતાનો પરિવાર જણાવે છે કે તેમનું જીવન અધ્ધરતાલ છે.

પીડિતાનાં માતા તેમની “લાંબા, કાળા વાળવાળી સુંદર દીકરી”ને યાદ કરે છે ત્યારે દરેક વખત તેમની આંખ ભીની થઈ જાય છે.

સાડીના પાલવ વડે આંસુ લૂંછતાં તેઓ કહે છે, "આવી ઘટના બની હોવાનું અમે માની શકતા જ નથી. કોઈ માતા તેના સંતાનને ક્યારેય ભૂલી શકે?"

"હું જમવા બેસું ત્યારે દીકરી યાદ આવે છે, હું ઊંઘવા જાઉં ત્યારે દીકરી યાદ આવે છે. મારી દીકરીને અત્યંત ઘાતકી રીતે ગુમાવવાના દુઃસ્વપ્નની કલ્પના સુદ્ધાં હું કરી શકતી નથી."

તેઓ ઉમેરે છે, “મારી દીકરી બહુ હિંમતવાળી હતી. પોતાના પર બળાત્કાર થયાનું એ સતત કહેતી રહી હતી."

"એ ગામના લોકોને ગમતું નથી. ગામલોકો કહે છે કે તેનાથી અમારી ગામની પ્રતિષ્ઠા ખરડાઈ છે. અમારે એ વાતને દબાવી દેવી જોઈતી હતી."

પીડિતાનાં ભાભીના કહેવા મુજબ, "ઘરમાં અગાઉની માફક જીવવું શક્ય જ નથી, કારણ કે “અહીં દરેક ખૂણામાં અનેક સ્મૃતિ સંઘરાયેલી છે.”

તેઓ કહે છે, "અમે કાયમ સાથે જ રહેતાં હતાં. હું ગર્ભવતી હતી ત્યારે તે મને રાંધવા કે ઘરના બીજાં કામ કરવા દેતી નહોતી."

"મોતના દિવસે પણ એણે શાક રાંધ્યું હતું અને લોટ બાંધ્યો હતો. તેણે કહેલું કે ઘાસચારો લઈને પાછી આવ્યા પછી રોટલી બનાવીશ.”

“પણ તે ક્યારેય પાછી આવી જ નહીં,” એવું કહેતાં પીડિતાનાં ભાભી ભાંગી પડે છે.

પીડિતાના નાનાભાઈ કહે છે, "છેલ્લા એક વર્ષમાં માત્ર તુલસીનો છોડ જ ખીલ્યો છે. મારી બહેને તેનો છોડ વાવ્યો હતો. જુઓ, એ કેટલો મોટો થઈ ગયો છે.”

line

ન્યાયની માગ

પીડિતાના અંતિરસંસ્કાર પછી બચેલી રાખ
ઇમેજ કૅપ્શન, પીડિતાના અંતિરસંસ્કાર પછી બચેલી રાખ

પીડિતાને તેના ઘરથી એકાદ કિલોમિટર દૂર આવેલા ખેતરમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અમે તે સ્થળની મુલાકાત લીધી હતી.

ગયા વર્ષે હું એ સ્થળે ગઈ ત્યારે ત્યાં રાખનો ઢગલો પડ્યો હતો. અત્યારે ત્યાં ઘાસ ઊગી નીકળ્યું છે.

નજીકમાં ડાળીઓનો ઢગલો પડ્યો છે. ગયા વર્ષે 29 સપ્ટેમ્બરની રાતે જે ઘટના બની હતી તેના તમામ અંશ ભૂંસાઈ ગયા છે.

પીડિતાનાં અસ્થિ બાબતે પૂછું છું ત્યારે તેમનો ભાઈ કહે છે, “ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અસ્થિવિસર્જન કરવાના નથી.”

પીડિતાનાં ભાભી કહે છે, “ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવશે ત્યારે જ અમને ન્યાય મળશે. અમે જે પીડા સાથે છેલ્લા એક વર્ષથી જીવી રહ્યા છીએ તેની અનુભૂતિ આરોપીઓના પરિવારોને પણ થવી જોઈએ.”

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો