'મારા પુત્રને પેટમાં ગોળી મારી, પછી તેના પર કૂદીકૂદીને મારી નાખ્યો' : આસામથી ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, દિલીપકુમાર શર્મા
    • પદ, બીબીસી હિન્દી માટે, આસામના 3 નંબર ધૌલપુર ગામથી

આસામના દરંગ જિલ્લાના 3 નંબર ધૌલપુર ગામમાં બ્રહ્મપુત્ર નદીને મળતી નાની નદી સુતાના કિનારે કામચલાઉ ઊભાં આવાસોમાંથી થોડી-થોડી વારે બાળકો અને સ્ત્રીઓના રડવાનો અવાજ આવે છે.

થોડા દિવસ પહેલાં સુધી આ ગામના લોકો રાબેતા મુજબની જિંદગી જીવી રહ્યા હતા, પરંતુ 23 સપ્ટેમ્બરે આસામ સરકારે આપેલા આદેશ પ્રમાણે 'ગેરકાયદે દબાણ' સામે પોલીસે કાર્યવાહી કરી. ગ્રામજનો સાથે પોલીસની હિંસક અથડામણ થઈ અને આખું ગામ ઉજ્જડ થઈ ગયું.

મોઇનુલનાં માતા મોઇમોના બેગમ

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, મોઇનુલનાં માતા મોઇમોના બેગમ

દરંગ જિલ્લાતંત્રના જણાવ્યા અનુસાર ગુરુવારે થયેલી હિંસક અથડામણમાં બે લોકોનાં મોત થયાં હતાં. નવ પોલીસ અને સાત ગામવાસીઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા ગામવાસીઓને ગુવાહાટી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

જોકે ત્રણ નંબર ધૌલપુર ગામમાં પ્રવેશીએ ત્યારે તંત્રે કરેલા દાવા કરતાં વધારે નુકસાન થયેલું દેખાઈ આવે છે.

સિપાઝાર શહેરથી લગભગ 14 કિલોમીટરના અંતરે 'નો' નદીનો ખાર ઘાટ આવે છે. આ ઘાટ પરથી નદી પાર કરવા માટે માત્ર દેશી હોડીઓ જ મળે છે.

નદીના સામા કિનારે 3 નંબર ધૌલપુર ગામ છે. ગામની અંદર જઈએ, ત્યારે સમગ્ર ગામમાં તોડી પડાયેલાં અને સળગાવી દેવાયેલાં ઘરો દેખાય છે. છેક ચાર કિલોમીટર દૂર સુતા નદી સુધી આવાં દૃશ્યો જોવા મળે છે.

કોઈક જગ્યાએ સળગી ગયેલી બાઇક અને સાઇકલો પણ પડેલી છે. મકાનોના કાટમાળ વચ્ચે વાસણો અને ફર્નિચર વિખેરાયેલાં પડ્યાં છે. તૂડી ગયેલાં મકાનોની બહાર કેટલીક મહિલાઓ ઘરવખરી એકઠી કરવા કોશિશ કરી રહી છે.

line

મૃતકના પરિવારજનોનું દુખ

મોઇનુલનો પરિવાર

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, મોઇનુલનો પરિવાર

સુતા નદીના કિનારે ગામના કેટલાક લોકોએ કામચલાઉ પતરાં નાખીને આશરો બનાવ્યો છે. આવા જ એક ઘરમાંથી રડવાનો અવાજ આવી રહ્યો છે. આ મોઇનુલ હકનો પરિવાર છે, જેમનું ગુરુવારે પોલીસ ગોળીબારમાં મોત થયું.

28 વર્ષના મોઇનુલ હકને ગોળી મારવામાં આવી અને તે પછી પોલીસ સાથે રહેલા એક ફોટોગ્રાફરે તેના શરીર પર કૂદકા માર્યા, તેનો એક વીડિયો વાઇરલ થયો હતો.

જિલ્લા પોલીસે આ ફોટોગ્રાફરને કામે રાખ્યો હતો અને હવે તેમની ધરપકડ કરવામાં આવી છે.

મોઇનુલનાં વૃદ્ધ માતા મોઇમોના બેગમ રડી-રડીને બેહાલ થઈ ગયાં છે. મળવા આવનારા સામે તે 'મારા દીકરાને પાછો લાવી આપો, પાછો લાવી આપો'નું રટણ કરી રહ્યાં છે.

રડતાં-રડતાં મોઇમોના બેગમ કહે છે, "મારે મારો દીકરો જોઈએ છે. એ લોકોએ મારા દીકરાને પેટમાં ગોળી મારી અને પછી તેને લાતો મારી."

"લોકો તેની પર કૂદકા મારતા હતા. એક મા પોતાના દીકરાના આવા હાલ કેવી રીતે જોઈ શકે. મેં તો એ વીડિયો નથી જોયો, પણ ગામ લોકો આવી વાતો કરે છે. તે મરી ગયો પછી એ લોકો તેને ઢસડીને લઈ ગયા હતા."

મોઇનુલનો પરિવાર

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, 28 વર્ષના મોઇનુલ હકને ગોળી મારવામાં આવી અને તે પછી પોલીસ સાથે રહેલા એક ફોટોગ્રાફરે તેના શરીર પર કૂદકા માર્યા, તેનો એક વીડિયો વાઇરલ થયો હતો.

મોઇનુલનાં ત્રણ નાનાં સંતાનોને બતાવીને મોઇમોના કહે છે, "મોઇનુલ રોજમદારી કરીને અમારા બધાનું પેટ ભરતો હતો. તેનાં ત્રણ નાનાં બાળકો છે, તેને હવે કોણ સાચવશે? અમારો પરિવાર કેવી રીતે જીવતો રહેશે?"

"મોઇનુલ ગયો પછી કોઈએ ખાધું પણ નથી. એ લોકોએ અમારું ઘર તોડી નાખ્યું અને મારા દીકરાને પણ મારી નાખ્યો. અમે આ દેશના જ નાગરિક છીએ. આ અમારી જમીન હતી અને ઘર હતું."

"બીજે ક્યાંય મારું ઘર નથી. જે કંઈ હતું તે આ જ હતું. મારો જન્મ આ દેશમાં જ થયો છે. અમારાં બધાંનાં નામ એનઆરસીમાં આવ્યાં છે. તો પછી અમારી સાથે આવું કેમ કરવામાં આવી રહ્યું છે?"

મોઇનુલનાં પત્ની મમતા બેગમ થોડી-થોડી વારે બેહોશ થઈ જાય છે. તેમણે પણ પેલો વીડિયો જોયો નથી.

તેઓ માંડ-માંડ બોલે છે અને કહે છે, "અમારું ઘર તોડી નાખ્યું હતું. તે પછી મોઇનુલ ખેતરની સંભાળ લેવા ગયો હતો. તે પછી આ બનાવ બન્યો હતો."

"મારા પતિને બહુ નિર્દયતાથી મારવામાં આવ્યો. તેની મોતનો નજારો લોકો મોબાઇલમાં જોઈ રહ્યા છે. અમારાં ત્રણ નાનાં બાળકો છે. હવે અમે શું કરીશું? ઘર પણ તોડી નાખ્યું છે. અમે બાળકોને લઈને ક્યાં જઈશું?"

મોઇનુલનો વાઇરલ વીડિયો જોયા પછી ગામના લોકો ફફડી રહ્યા છે. આ ગામના 18 વર્ષના કુર્બાનઅલી 12મા ધોરણમાં છે.

આ વાઇરલ વીડિયો જોઈને કહે છે, "વીડિયો જોયો, ત્યારથી હું બહુ ઉદાસ અને પરેશાન છું. મરેલા માણસ પર આ રીતે કોઈ કઈ રીતે કૂદકા મારી શકે? આ તો ક્રૂરતા છે."

line

હિંસા પછી એક દિવસ માટે દબાણ હઠાવો ઝુંબેશ અટકી

હનીફ મોહમ્મદ

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, ગામના કેટલાક લોકોનો આરોપ છે કે જિલ્લા તંત્રે દબાણ હઠાવો ઝુંબેશ વખતે ત્રણ મસ્જિદ અને એક મદરેસાને પણ તોડી નાખ્યાં હતાં.

ગુરુવારે હિંસા પછી તંત્રે શુક્રવારે એક દિવસ માટે દબાણ હઠાવો ઝુંબેશ અટકાવી હતી. તેના કારણે ઘણા લોકો બચેલો સામાન લઈને સુતા નદીને સામે પાર જઈ રહ્યા હતા.

ગામના કેટલાક લોકોનું કહેવું છે કે સુતા નદીના સામા કિનારાની જમીન સરકાર હમણાં ખાલી નથી કરાવવાની.

સુતા નદીની પેલે પારનો વિસ્તાર બ્રહ્મપુત્રા નદીની બહુ નજીક છે. ત્યાં દર વર્ષે પૂર આવે છે. કુર્બાનઅલીનો પરિવાર પણ મકાનો તોડી પડાયાં તે પછી સુતા નદીના સામે કિનારે રહેવા જતો રહ્યો છે. જોકે ત્યાં પણ થોડા મહિના જ રહી શકાશે, કેમ કે પૂર આવશે એટલે ત્યાંથી હટી જવું પડશે.

line

વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ

તોડફોળ

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, ગામના કેટલાક લોકોનું કહેવું છે કે સુતા નદીના સામા કિનારાની જમીન સરકાર હમણાં ખાલી નથી કરાવવાની.

ત્રીજી નંબર ધૌલપુર ગામમાં દબાણ હઠાવો ઝુંબેશ પછી જે લોકોના ઘર તોડી પાડવામાં આવ્યાં, તેમના માટે જિલ્લા તંત્રે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી.

ગામમાં ત્રણ-ચાર પીવાના પાણી માટે ટ્યુબવેલ છે, પરંતુ બાળકો અને વૃદ્ધોનાં ભોજન માટે કોઈ વ્યવસ્થા નથી. બીજી જરૂરી સુવિધા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી.

ગામના કેટલાક લોકોનો આરોપ છે કે જિલ્લા તંત્રે દબાણ હઠાવો ઝુંબેશ વખતે ત્રણ મસ્જિદ અને એક મદરેસાને પણ તોડી નાખ્યાં હતાં. તેના કારણે ઘણાએ જુમ્માની નમાજ બહાર જ કરવી પડી હતી.

બે નંબર ધૌલપુર ગામમાં રહેતા અમરઅલી પોતાના તોડી પડાયેલા ઘરની બરાબર સામે પડેલો કાટમાળ દેખાડીને કહે છે, "આ સુન્ની મસ્જિદ છે. ગામના લોકો અહીં જ નમાજ કરતા હતા, પણ તેને તોડી પાડવામાં આવી."

"આગળ એક પ્રાથમિક શાળા પાસે આવેલી મસ્જિદ પણ તોડી પાડવામાં આવી છે, પરંતુ શાળાને હાથ પણ લગાડવામાં આવ્યો નથી. ગામમાં ત્રણ મસ્જિદ અને એક મદરેસાને તોડી પાડવામાં આવ્યાં છે. મારા પિતા આ જ મસ્જિદમાં પાંચ વારની નમાજ પઢતા હતા. હવે તો ઘર પણ તૂટી ગયું અને મસ્જિદ પણ. એટલે અમારે બહાર જ જુમ્માની નમાજ કરવી પડી હતી."

line

ભાજપનો દ્વિતિય કાર્યકાળ

આસામ

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, ગામમાં ત્રણ-ચાર પીવાના પાણી માટે ટ્યુબવેલ છે, પરંતુ બાળકો અને વૃદ્ધોનાં ભોજન માટે કોઈ વ્યવસ્થા નથી.

આસામમાં બીજી મુદત માટે ભાજપ સરકાર બની છે અને તેના મુખ્ય મંત્રી તરીકે ચાર મહિના પહેલાં જ હિમંતા બિસ્વા સરમા આવ્યા છે, પરંતુ જે રીતે 'ગેરકાયદેસર દબાણ' સામે ઝુંબેશ ચાલુ થઈ છે, તેનાથી સેંકડોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

છેલ્લા ચાર મહિનામાં આસામ સરકારે 'ગેરકાયદે દબાણ'ના નામે હજારો લોકો સામે કાર્યવાહી કરી છે, તે બધા જ બંગાળી મૂળના મુસ્લિમો છે.

છેલ્લે 20 સપ્ટેમ્બરે દરંગ જિલ્લાના સિપાઝાર પોલીસસ્ટેશન હેઠળનાં 1 અને 2 નંબર ધૌલપુર ગામમાં ઝુંબેશ ચાલી હતી અને લગભગ 4,500 વીઘા જમીન ખુલ્લી કરાઈ હતી.

તેના કારણે 800 જેટલા મુસ્લિમો બેઘર થઈ ગયા છે, પરંતુ 23 સપ્ટેમ્બરે ઝુંબેશ વખતે સ્થાનિક લોકો સાથે તંત્રની અથડામણ થઈ તે પછી રાજ્ય સરકાર સામે ઘણા આક્ષેપો થઈ રહ્યા છે.

વિરોધ પક્ષો અને માનવાધિકાર માટે કામ કરનારી સંસ્થાઓએ સરકારની આ કાર્યવાહીની ટીકા કરતાં કહ્યું કે ગુવાહાટી હાઈકોર્ટના આદેશનું સરકાર ઉલ્લંઘન કરી રહી છે.

line

કૉંગ્રેસે પોલીસ ફાયરિંગને બર્બરતા ગણાવી

મહિલા

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, બીજી જરૂરી સુવિધા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી.

આસામ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ ભૂપેન બોરાએ પોલીસ ફાયરિંગને બર્બરતાભરી કાર્યવાહી ગણાવી હતી.

શુક્રવારે 3 નંબર ધૌલપુર ગામમાં કૉંગ્રેસના સાંસદ અને ધારાસભ્યોના દળ સાથે બોરાએ મુલાકાત લીધી હતી.

તેમણે સ્થાનિક લોકોને જણાવ્યું કે, "આસામના નિર્દોષ લોકોની હત્યા કરવાનું લાઇસન્સ આપણે આ સરકારને ના આપી શકીએ. આસામના મુખ્ય મંત્રીએ વારંવાર પોલીસને ઉશ્કેરી અને ભય તથા ડરનો માહોલ ઊભો કર્યો છે. અમે તેનો સતત વિરોધ કરીશું.''

બોરાએ વધુમાં કહ્યું, ''અમારી માગ છે કે સરકાર ગુવાહાટી હાઈકોર્ટના સિટિંગ જજ પાસે આ ઘટનાની તપાસ કરાવે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર આ ઘટના બદલ દરંગ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાને તાત્કાલિક સસ્પેન્ડ કરે."

"સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સરકારી જમીનમાંથી હઠાવાયેલા લોકોને અન્યત્ર વસાવવામાં આવે. સરકાર બીજી કોઈ વ્યવસ્થા ન કરી લે, ત્યાં સુધી આ ઝુંબેશ અમે ચાલવા દઈશું નહીં."

line

મુખ્યમંત્રીએ કહ્યું - ઝુંબેશ ચાલુ રહેશે

મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા

આ ઝુંબેશની વિપક્ષોએ આકરી ટીકા કરી તેના પ્રતિસાદમાં મુખ્ય મંત્રીએ સ્થાનિક મીડિયા સમક્ષ જણાવ્યું કે, "સરકારી જમીન પર કબજાની બાબતમાં અમે ઢીલ મૂકી શકીએ નહીં. શિવમંદિરની જગ્યા પર કોઈ કેવી રીતે કબજો કરી શકે? કાલે કોઈ કામાખ્યામંદિર પર કબજો કરી લેશે, તો હું કંઈ ના કરું એવું કેમ બને?"

મુખ્ય મંત્રીએ કહ્યું, "સરકારી જમીન પર અમે કોઈને કબજો કરવા દઈશું નહીં. ગરીબ હોય અને રહેવા માટે જમીનની જરૂર હોય તો તેમને સરકારની ભૂમિનીતિ હેઠળ છ વીઘા જમીન અપાશે. હું આ વાત છેલ્લા બે મહિનાથી કહી રહ્યો છું. એસપી અને ડીસીને સસ્પેન્ડ કરવાનો કોઈ સવાલ નથી. મારા કહેવાથી તે લોકો ઝુંબેશ ચલાવી રહ્યા છે."

મુખ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, "દસ હજાર લોકોએ લાકડી અને ભાલા સાથે પોલીસદળ પર હુમલો કર્યો હતો. કૅમેરામૅને જે કર્યું, તેની હું નિંદા કરું છું. પણ માત્ર ત્રણ મિનિટનો વીડિયો દેખાડવાથી કામ ચાલશે નહીં."

"આગળ અને પાછળના વીડિયો પણ દેખાડવા પડશે. સરકારના દબાણ હટાવ ઝુંબેશને રોકવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી."

line

લોકોનો દાવો : પોલીસ રહેવાની જગ્યા નથી આપતી

આસામના લોકો

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, છેલ્લે 20 સપ્ટેમ્બરે દરંગ જિલ્લાના સિપાઝાર પોલીસસ્ટેશન હેઠળનાં 1 અને 2 નંબર ધૌલપુર ગામમાં ઝુંબેશ ચાલી હતી અને લગભગ 4,500 વીઘા જમીન ખુલ્લી કરાઈ હતી.

પોલીસ સાથે અથડામણ થઈ તે દિવસે ત્યાં હાજર એક નંબર ગામના મોહમ્મદ તાયેતઅલી કહે છે, "ગુરુવારે ગામના લોકો શાંતિપૂર્વક પોતાનું આંદોલન કરી રહ્યા હતા. પોલીસે ઘર તોડવાનું શરૂ કર્યું, ત્યારે લોકોએ કહ્યું કે અમને બીજે રહેવાની જગ્યા બતાવી દો પછી ઘર તોડો. તેમાંથી બોલાચાલી થઈ હતી."

"અચાનક શું થયું તે કહી શકાય નહી, પણ મેં ગોળીબારનો અવાજ સાંભળ્યો. હું એ તરફ ગયો તો જોયું કે એક ઘાયલ જમીન પર પડેલો હતો."

તાયેતઅલી વધુમાં કહે છે, "આ સરકારની જ જમીન છે, પણ લોકો અહીં 60-70 વર્ષથી રહે છે. આટલાં વર્ષો સુધી સરકારે કેમ કશું ના કર્યું. સરકારને આ જમીનની જરૂર છે, તો અમે આપી દઈશું. અમે આસામના જ રહેવાસીઓ છીએ. અમે ભારતની બહારના નાગરિકો હોઈએ તો સરકાર તપાસ કરાવી લે.''

તેઓ વધુમાં કહે છે, "અમારા નાગરિકતાના દસ્તાવેજોમાં કોઈ ખામી હોય તો અમને અહીંથી બહાર કાઢી મૂકો ને અમે અહીંના જ રહેવાસી છીએ તો અમને રહેવા માટે એક જમીન આપો."

"અમે ઇન્સાન છીએ. અમારા પર આવા અત્યાચાર કેમ કરવામાં આવે છે? અમે લોકોએ લોકશાહીઢબે આંદોલન કર્યું હતું, પરંતુ અમારા પર ગોળીઓ ચલાવવામાં આવી."

ઑલ આસામ માઇનૉરિટી સ્ટુડન્ટ્સ યુનિયનના સલાહકાર આઇનુદ્દીન અહમદ કહે છે, "સરકારની ઝુંબેશમાં અમારા લોકો સહકાર આપી રહ્યા હતા. જિલ્લાતંત્રે આશ્વાસન આપ્યું હતું કે જેમનાં મકાનો તોડી પડાશે તેમને રહેવા માટે બીજે જમીન અપાશે. ગુરુવારે તંત્ર જેસીબી લઈને આવ્યું, ત્યારે લોકોએ એટલું જ કહ્યું હતું કે પેલા બીજી કોઈ જમીન તો બતાવી દો, અમે ત્યાં જતા રહીશું."

તેઓ કહે છે, "એ વખતે ગામના લગભગ ચાર-પાંચ હજાર લોકો તંત્રની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે ગામના લોકોનું કશું સાંભળ્યું નહીં. તે વખતે જ આ ઘટના બની હતી."

મોઇનુલનો પરિવાર

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, ગુરુવારે થયેલી હિંસામાં મોઇનુલ ઉપરાંત 13 વર્ષના શેખ ફરીદનું પણ મોત થયું હતું.

ગુરુવારે થયેલી હિંસામાં મોઇનુલ ઉપરાંત 13 વર્ષના શેખ ફરીદનું પણ મોત થયું હતું. સાતમા ધોરણમાં ભણતો ફરીદ બપોરે આધારકાર્ડ બનાવવા માટે પોસ્ટઑફિસે ગયો હતો. તેના થોડા વખત પછી ઘરના લોકોને જાણ થઈ કે તેમનો પુત્ર માર્યો ગયો છે.

ફરીદના પિતા ખલીકઅલી કહે છે, "ફરીદ આધા કાર્ડ બનાવવા ગયો હતો. તે પછી શું થયું, તેની અમને પૂરી માહિતી નથી. ગામના એક જણે મને લોહીમાં લથબથ ફરીદની તસવીર દેખાડી હતી."

દરંગ જિલ્લા તંત્રે આ બે વ્યક્તિનાં હિંસામાં મૃત્યુ થયાનું જણાવ્યું હતું, પરંતુ તે વિશે વધુ કોઈ વિગતો આપી નહોતી.

line

તંત્રનો દાવોઃ 4,500 વીઘા જમીન ખાલી થઈ

દરાંગનાં ઉપાયુક્ત પ્રભાતી થાઉસેન

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, દરાંગનાં ઉપાયુક્ત પ્રભાતી થાઉસેન

દરંગ જિલ્લાના કલેક્ટર પ્રભાતી થાઉસેને બીબીસીને જણાવ્યું કે, "20 સપ્ટેમ્બરે અમે ઝુંબેશ ચલાવીને 4,500 વીઘા સરકારી જમીન ખાલી કરાવી હતી. તે વખતે ગામના લોકોએ પણ સહકાર આપ્યો હતો. તે વખતે અમે ગામમાં ટ્યુબવેલ સાથે શૌચાલયની પણ વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત ત્યાં મેડિકલ કૅમ્પ લગાવ્યો હતો. દેખીતી રીતે જ તે ઝુંબેશમાં કોઈ મુશ્કેલી આવી નહોતી."

તેઓ વધુમાં જણાવે છે, " ગુરુવારે દબાણ હઠાવો ઝુંબેશ વખતે હજારો લોકો એકઠા થઈને વિરોધ કરવા લાગ્યા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. તે પછી આ બનાવ બન્યો હતો. હાલમાં ગૃહવિભાગે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાનું સત્ય જાણવા માટે અમે તપાસ બેસાડી છે."

તેમણે કહ્યું કે સરકારની 'દબાણ હઠાવો ઝુંબેશ' આગળ પણ ચાલતી રહેશે. આસામમાં મે મહિનામાં ફરી એક વાર ભાજપની સરકાર સત્તામાં આવી.

તે પહેલાં ભાજપે વાયદો કર્યો હતો કે તેમની સરકાર આવશે તો સરકારી જમીન પરથી 'દબાણકારો'ને હઠાવવામાં આવશે. ખાલી થયેલી જમીનને રાજ્યના ભૂમિવિહોણા લોકોમાં વહેંચી દેવાનો વાયદો પણ કરવામાં આવ્યો હતો.

line

ખાલી થયેલી જમીન પર 'પ્રોજેક્ટ ગોરુખુટી'

અહમદ અલી

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, અહમદ અલી

મુખ્ય મંત્રીએ ખાસ કરીને નદીના તટ પરના વિસ્તારોમાં આવેલી સરકારી જમીન પર 'પ્રોજેક્ટ ગોરુખુટી' શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો ઇરાદો રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવકોને ખેતીના કામમાં લગાવવાનો છે.

દરંગ જિલ્લામાં જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ છે, ત્યાં આ પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે.

દરંગ જિલ્લા તંત્રનો દાવો છે કે જિલ્લાની લગભગ 77 હજાર વીઘા જમીન પર ગેરકાયદે કબજો થયેલો છે. જોકે આ જમીન બે નદીઓની વચ્ચે હોવાથી પૂરના પાણી પ્રમાણે ઓછીવધુ થતી રહેતી હોય છે.

વીડિયો કૅપ્શન, CAAનું NRC સાથે શું છે કનેક્શન?
line

પીડિતોના દાવો: અમે ભારતીય નાગરિકો છીએ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, NurPhoto

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અસરગ્રસ્ત ગામોની મુલાકાત અમે લીધી, ત્યાંના લોકોએ દાવો કર્યો કે અમે બધા ભારતીય નાગરિકો છીએ અને એનઆરસીમાં તેમને ભારતીય નાગરિકો જ ગણવામાં આવ્યા છે.

દરંગ જિલ્લાના ધૌલપુર ગામમાં રહેતા 63 વર્ષના અહમદઅલી કહે છે, "અમારો પરિવાર પહેલાં સિપાઝારના કિરાકારા ગામમાં રહેતો હતો. પરંતુ પૂરના કારણે અમારી જમીન કપાઈ ગઈ."

"અમે ધૌલપુરમાં તીન કટ્ટા જમીન ખરીદી હતી અને ઘર બનાવ્યું હતું, વર્ષોથી અહીં જ રહીએ છીએ. 1983થી અહીં હું મતદાન કરું છું. મારી પાસે બધાં કાગળો છે અને એનઆરસીમાં અમને બધાને ભારતીય નાગરિક ગણવામાં આવ્યા છે."

દરંગ જિલ્લાના કલેક્ટરને આ વિસ્તારના લોકોની નાગરિકતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે આ મામલો સરકારી જમીન પર 'ગેરકાયદે દબાણ' દૂર કરવાનો છે.

આ દરમિયાન શુક્રવારે જિલ્લાના તંત્રે સાંજે મોઇનુલનો મૃતદેહ તેના કુટુંબને સોંપી દીધો હતો. રાત્રે લગભગ 1 વાગ્યે તેની નમાજે જનાના કરવામાં આવી હતી. જોકે મોઇનુલના પરિવારને હજી ચિંતા છે કે હવે આગળ શું કરીશું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો