શ્રીલંકા : 'કેરોસીનની કતારોમાં ઊભા રહેવા મજબૂર' લોકો જ્યારે રાષ્ટ્રપતિભવનમાં પહોંચ્યા

શ્રીલંકા આર્થિક સંકટ
    • લેેખક, અનબરાસન એથિરાજન
    • પદ, બીબીસી સંવાદદાતા, કોલંબોથી
લાઇન
  • શનિવારે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિભવનમાં ઘૂસી ગયા.
  • બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિભવનનો નજારો માણવા પહોંચ્યા છે.
  • કેટલાક લોકો સોફા-પલંગ પર કૂદતાં તો કેટલાક ફોટા પડાવતાં જોવા મળ્યા.
  • રાષ્ટ્રપતિભવનનો સ્વિમિંગ-પૂલ આ બધા વચ્ચે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
લાઇન

શ્રીલંકામાં રશ્મિ કવિંધ્યા કહે છે કે તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન ક્યારેય કોલંબોસ્થિત રાષ્ટ્રપતિભવનમાં પગ મૂકવાનું સપનું પણ નહોતું જોયું.

દેશની સૌથી સુરક્ષિત ઇમારતો પૈકીના આ પરિસરમાં ભારે ભીડ ઘૂસી ગઈ એના એક દિવસ બાદ કવિંધ્યા જેવા હજારો લોકો રાષ્ટ્રતિભવન જોવા માટે ઊમટી પડ્યા છે.

ઉપનિવેશકાળની વાસ્તુકળાથી સજ્જ આ ઇમારતમાં જરૂખા, બેઠકકક્ષ, રહેવાસી ઓરડા ઉપરાંત એક હોજ અને વિશાળ લોન પણ છે. શનિવારે ઘટેલી નાટકીય ઘટનાને પગલે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને અહીંથી ભાગવાની ફરજ પડી હતી.

પોતાનાં ચાર સંતાનો સાથે રાષ્ટ્રપતિભવન જોવા પહોંચેલાં કવિંધ્યા કહે છે, "આ જગ્યાની વિશાળતા અને ભવ્યતા જુઓ, જરા! અમે અમારા ગામમાં એક નાનાકડા ઘરમાં રહીએ છીએ. આ મહેલ લોકોનો છે અને લોકોના પૈસે બનાવાયો છે."

રાષ્ટ્રપતિભવનમાં રવિવારે હજારો પુરુષો, મહિલાઓ અને બાળકો પ્રવેશી રહ્યાં હતાં. વિરોધપ્રદર્શન કરી રહેલા કેટલાક લોકો ત્યાં પહોંચી રહેલી ભીડને નિયંત્રિત કરી રહ્યા હતા, જ્યારે પોલીસ અને વિશેષ દળના જવાનો માત્ર ચૂપચાપ ઊભા હતા અને બધુ જોઈ રહ્યા હતા.

line

રાષ્ટ્રપતિભવનમાં સૅલ્ફી માટેની હોડ

શ્રીલંકા આર્થિક સંકટ

લોકો અહીં એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરી રહ્યા હતા. અહીંનાં ફર્નિચર અને તસવીરો સામે, રહેવાસી ઓરડામાં ફરીને તેઓ સૅલ્ફી લઈ રહ્યા હતા. આ ક્ષણોને કૅમેરામાં કેદ કરી રહ્યા હતા.

બીજી તરફ આ મહેલના કેટલાય વિસ્તારોમાં તૂટેલી ખુરશીઓ, બારીના કાચ અને કૂંડાં ચોતરફ વિખરાયેલાં અને તૂટેલાં પડ્યાં હતાં. આ નજારો પરિસરમાં ઘૂસેલી ભીડ બાદ અહીં ફેલાયેલી અરાજકતા અને અફરાતફરીની સ્થિતિનું વર્ણન કરતો હતો.

આવી જ ભીડમાં સામેલ એએલ પ્રેમવર્ધને જણાવ્યું કે તેઓ ગુનેમુલ્લા શહેરમાં બાળકોના એક મનોરંજન પાર્કમાં કામ કરે છે. તેમણે કહ્યું, "આવા મહેલને નિહાળવો મારા માટે કોઈ સપનું સાકાર થવા સમાન છે. અમે કેરોસીન, તેલ, ગૅસ અને ભોજનની લાંબી કતારોમાં વાટ જોતા રહ્યા, જ્યારે રાજપક્ષે અલગ પ્રકારનું જ જીવન જીવતા રહ્યા."

દેશમાં વિરોધપ્રદર્શન કરી રહેલા નેતાઓ પહેલાં જ કહી ચૂક્યા છે કે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના સરકારી આવાસો ત્યાં સુધી નહીં છોડવામાં આવે જ્યાં સુધી તેઓ બન્ને પોતપોતાનાં પદ નહીં છોડે.

નાસભાગનું જોખમ હોવા છતાં પણ ભીડ જ્યારે આ ભવનને જોવા માટે પહોંચી રહી છે ત્યારે ભારે હથિયારોથી સજ્જ સૈનિકો અને વિશેષ પોલીસ અધિકારીઓ તેમને અટકાવવાને બદલે પાછળ ઊભા છે, બીજી તરફ આ આંદોલનના વૉલન્ટિયરો ત્યાંની ભીડને સંભાળી રહ્યા છે.

line

સ્વિમિંગ-પૂલમાં લોકોની નજરું અટકી

શ્રીલંકા આર્થિક સંકટ

રાષ્ટ્રપતિભવનમાં પહોંચેલી ભીડનું સૌથી વધુ ધ્યાન અહીંનો સ્વિમિંગ-પૂલ ખેંચી રહ્યો છે. લોકો ત્યાં ઊભા રહીને પાણીથી છલોછલ આ હોજને જોઈ રહ્યા છે.

શનિવારે સ્વિમિંગ-પૂલમાં નાહવા પડેલા પ્રદર્શનકારીઓના વીડિયો ચોતરફ વાઇરલ થયા હતા. આ દરમિયાન જ્યારે એક યુવકે આ પૂલમાં તરવા માટે કૂદકો માર્યો તો ત્યાં હાજર લોકોએ તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો હતો.

પોતાની બે સગીર પુત્રીઓ સાથે આ પરિસર જોવા પહોંચેલાં નિરોશા સુરદર્શની હંચિસન કહે છે, "હું દુખી છું કે પ્રજાસત્તાક રીતે રાષ્ટ્રપતિ ચૂંટાયેલી વ્યક્તિએ આવી શરમજનક રીતે પરિસર છોડવું પડ્યું. અમને શરમ આવી રહી છે કે અમે એમના જેવા લોકોને મત આપ્યા. હવે સૌ ઇચ્છે છે કે એ તમામ લોકો દેશનું ચોરેલું ધન દેશને પરત કરી દે. "

આ પરિસરમાં ચાર મોટાં બિસ્તરો પર યુવકોનું એક ટોળુંને આરામ કરતું જોવા મળ્યું. શ્રીલંકામાં સૌથી વધુ બોલાતી ત્રણ ભાષા -સિંહાલા, તામિલ અને અંગ્રેજીને અહીંની બાલ્કનીમાં ગુંજી રહી છે.

અહીં પહોંચનારા લોકોમાં ઉત્સાહ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.

રાષ્ટ્રપતિભવનમાં ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાયેલી લોનમાં બૌદ્ધ, હિંદુ અને ખ્રિસ્તી ધર્મના અનેક લોકો એકબીજાને મળી રહ્યા હતા.

અહીં પહોંચેલો એક પરિવાર લોનના ઘાસ પર બેપરવા થઈને ઉજાણી કરી રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે માત્ર 24 કલાક પહેલાં સુધી અહીં પ્રવેશવાની એને ક્યારેય પરવાનગી ના મળી હોત.

હવે લોકોને લાગી રહ્યું છે કે મહિનાઓથી ચાલી રહેલા આ વિરોધપ્રદર્શનને પગલે દેશના સત્તાધારીઓને આખરે તેમનાં પદો છોડવા મજબૂર થવું પડ્યું છે.

લોકોની નજરમાં આ નેતાઓ જ દેશના આર્થિક સંકટ માટે જવાબદાર છે. પોતાના નેતાઓની ભવ્ય જીવનશૈલી જોતાં એમનો આક્રોશ બેવડાઈ ગયો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન