લૂંટારુ ગૅંગે મ્યુઝિયમમાંથી એક હજાર કરોડનાં હીરા-ઘરેણાં કેવી રીતે લૂંટી લીધાં

નવેમ્બર 2019માં થયેલી આ ચોરીમાં મોટું હીરાજડિત બ્રેસ્ટ બો પણ ચોરાયું હતું

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, નવેમ્બર 2019માં થયેલી આ ચોરીમાં મોટું હીરાજડિત બ્રેસ્ટ બો પણ ચોરાયું હતું
    • લેેખક, જેની હિલ
    • પદ, બીબીસી ન્યૂઝ, ડ્રેસડેન

જર્મનીના ડ્રેસ્ડેન શહેરમાં કિંમતી ઘરેણાંની ધાડને અંજામ આપનાર પાંચને ગુનેગાર જાહેર કરાયા છે.

આ લૂંટારાએ વર્ષ 2019માં શહેરના સ્ટેટ મ્યુઝિયમમાંથી એક હજાર કરોડ રૂપિયા કરતાં વધુ મૂલ્ય ધરાવતાં ઘરેણાં અને હીરાની ચોરી કરી હતી.

પોલીસને હીરાજડિત તલવાર સહિત ઘણાં ઘરેણાં રિકવર કરવામાં સફળતા મળી, પરંતુ બાકીનો ખજાનો ક્યાં છે તેની ક્યારેય ખબર નહીં પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

એક ગુનાખોર પારિવારિક નેટવર્કના આ સભ્યોને ચારથી છ વર્ષની સજા થઈ શકે છે.

આ એક ખૂબ જ કાળજીપૂર્વક આયોજિત લૂંટ હતી. બર્લિનની આ ગૅંગે ઘટનાસ્થળની અનેક વખત મુલાકાત લીધી હતી અને મ્યુઝિયમમાં ઘૂસવા માટે આગોતરું આયોજન કર્યું હતું. આ માટેના તેમના આયોજનમાં તેમણે હાઇડ્રૉલિક કટિંગ મશીન થકી પ્રૉટેક્ટિવ બારીના સળિયા કાપ્યા હતા, પછી તેને ફરીથી ગોઠવવાની કાળજી રાખી હતી.

25 નવેમ્બર 2019ના રોજ વહેલી સવારે ચોરોએ મ્યુઝિયમની નિકટ આવેલી સર્કિટ બ્રેકર પૅનલને આગ ચાંપી દીધી, જેના કારણે આસપાસની શેરીઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી, અને અંધારાનો લાભ લઈ ગૅંગ અંદર પ્રવેશવામાં સફળ રહી હતી.

સીસીટીવી ફૂટેજમાં હાથમાં કુહાડી સાથે માસ્ક પહેરેલા ચોરો ગ્રુએને ગ્યુએલ્બે – કે ગ્રીન વૉલ્ટ મ્યુઝિયમમાં પ્રવેશતાં દેખાય છે. પ્રવેશ્યા બાદ આ ગૅંગ કાચના ડિસ્પ્લેમાં રહેલા ખજાના સુધી પહોંચવા ડિસ્પ્લે તોડતાં પણ દેખાઈ આવે છે.

ચોરોએ તે બાદ પોતાનાં નિશાન છુપાવવા માટે ફોમવાળું અગ્નિશમન સાધન લઈને આખા રૂમમાં તેનો છંટકાવ કર્યો. તે બાદ તેઓ એક ઓડી કારમાં બેસીને નજીકની કાર પાર્કિંગમાં ગયા, જ્યાં તેમણે કારને આગ ચાંપી દીધી અને પોતે બર્લિન પહોંચી ગયા.

ડ્રેસ્ડેનના સ્ટેટ આર્ટ કલેક્શનનાં જનરલ ડાયરેક્ટર મેરિઓન એકરમૅને કહ્યું કે, “કેટલાક લોકો કલાને માટેના તેમના જુસ્સાને કારણે કળાના નમૂનાની ચોરી કરે છે, પરંતુ આ સાવ વિપરીત હતું.”

“તેમને તેઓ શું લઈ જઈ રહ્યા છે તે વિશે કાંઈ ખબર નહોતી.”

મની હાઇસ્ટ મની હેસ્ટ દાગીના ચોરી ઘરેણા ચોર જ્વેલર્સ સોની ચોરી બીબીસી ગુજરાતી

ગુનેગારો પકડાયા, પણ કેટલીક વસ્તુઓ ક્યારેય પાછી નહીં આવે

ચોરીના આરોપીઓએ ટ્રાયલ દરમિયાન પોતાના ચહેરા પુસ્તકો અને ફોલ્ડરો વડે છુપાવ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોરીના આરોપીઓએ ટ્રાયલ દરમિયાન પોતાના ચહેરા પુસ્તકો અને ફોલ્ડરો વડે છુપાવ્યા હતા

પહેલાં એવો ભય અનુભવાઈ રહ્યો હતો કે ગોલ્ડન કોઇનની માફક આ ખજાનો પણ સદાય માટે ગુમ થઈ ગયો છે.

પરંતુ ત્રણ વર્ષ બાદ જ્યારે આ ગૅંગના ત્રણ લોકોએ પોતાનો ગુનો કબૂલ કર્યો અને ઓછી સજાના બદલે ચોરીનો માલ ક્યાં છુપાયેલો છે એ જણાવવાની તૈયારી બતાવી ત્યારે કેટલીક વસ્તુઓ મ્યુઝિયમમાં પરત આવી શકી.

આ સફળતા છતાં કેટલીક વસ્તુઓ હજુ સુધી ગુમ છે, જેમાં વ્હાઇટ સ્ટોન ઑફ સક્સોની નામનો એક દુર્લભ હીરો પણ સામેલ છે.

આ વસ્તુઓ 18મી સદીમાં સક્સોનીના ઇલેક્ટર ઑગસ્ટસ ધ સ્ટ્રૉંગ દ્વારા કલેક્ટ કરાયેલા ખજાનાનો ભાગ હતી. તેમણે માત્ર આ કિંમતી વસ્તુઓ કલેક્ટ કરી એટલું જ નહીં પરંતુ તેમને પ્રદર્શિત કરવા માટે ગ્રીન વૉલ્ટની ડિઝાઇન પણ જાતે જ તૈયાર કરી.

પ્રોફેસર એકરમૅન કલેક્શનને થયેલા નુકસાનને ખૂબ જ દુ:ખદ ગણાવે છે. તેઓ આ ભાવના પાછળનો તર્ક સમજાવતાં કહે છે કે જ્યારે ઑગસ્ટસે આ પહેલ કરી ત્યારે અને આજે પણ સંગ્રહના ડિસ્પ્લેનો કૉન્સેપ્ટ એ હતો કે મુલાકાતી આ સંગ્રહને એક સાથે જોઈએ શકે અને રત્નો અને તેના રંગોનું આકર્ષણ અનુભવી શકે.

સુરક્ષામાં છીંડા સિક્યુરિટી નબળી ચોરી બીબીસી ગુજરાતી સમાચાર

ચોરી રોકવા માટેની સિસ્ટમ જ નબળી સાબિત થઈ

 ખૂબ જ કિંમતી વસ્તુઓથી શણગારાયેલ આ ગ્રીન વૉલ્ટ ઑગસ્ટસ ધ સ્ટ્રૉંગે ડિઝાઇન કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખૂબ જ કિંમતી વસ્તુઓથી શણગારાયેલ આ ગ્રીન વૉલ્ટ ઑગસ્ટસ ધ સ્ટ્રૉંગે ડિઝાઇન કર્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ લૂંટના દુ:સાહસે સમગ્ર કળાજગતને હચમચાવી નાખ્યું હતું. પરંતુ લૂંટ માટે જે રીતે ગૅંગ મ્યુઝિયમમાં પ્રવેશી શકી તેને કારણે મ્યુઝિયમના સુરક્ષા માપદંડોને લઈને પણ પ્રશ્નો ઊભા થયા.

નોંધનીય છે કે ટ્રાયલ દરમિયાન ચોરો પૈકી એકે એ વાતને લઈને આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું કે તેઓ બારીના સળિયા કાપવાનાં સાધનોના ઊંચા અવાજ છતાં સળિયા કાપતી વખતે પકડાયા નહોતા.

પ્રોફેસર એકરમૅને આ અંગે વાત કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે મ્યુઝિયમની સુરક્ષાની જવાબદારી ડ્રેસ્ડેનના સ્ટેટ આર્ટ કલેક્શન અને અન્ય એક પ્રાદેશિક સંસ્થા પર સંયુક્તપણે હતી. ઉપરાંત તેમણે એ વાત પર પણ જોર આપ્યું હતું કે મ્યુઝિયમની સિક્યૉરિટી સિસ્ટમ જર્મનીમાં સૌથી શ્રેષ્ઠ હતી.

પરંતુ તેમણે ઉમેર્યું કે, “સિક્યૉરિટી સિસ્ટમમાં ઘણી બાબતો સામેલ હોય છે. જેમાં બિલ્ડિંગ, સંસ્થા અને ટેકનિકલ બાબતો પણ હોય છે. અને એક સાંકળની માફક બધી કડીઓ કામ કરતી હોવી જોઈએ, આ કેસમાં ઘણી વસ્તુઓ કામ ન કરી શકી.”

તેમણે કહ્યું કે મ્યુઝિમની બહારની દીવાલોને સ્કૅન કરવા માટે બનાવાયેલી સિસ્ટમ કામ ન કરી શકી, અને સિક્યૉરિટી સેન્ટ્રલ રૂમમાં બેસીને પોતાનાં મૉનિટરો પર આ ઘટના બનતી જોઈ રહેલા સુરક્ષાકર્મીઓએ પોલીસને જાણ કરવામાં મોડું કર્યું.

પોલીસને લૂંટના માલમાંથી હીરાજડિત તલવાર મળી આવી હતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પોલીસને લૂંટના માલમાંથી હીરાજડિત તલવાર પરત મળી આવી હતી

પોલીસે ઘટના બાદ મ્યુઝિયમના ચાર સુરક્ષાકર્મીઓની પણ તપાસ કરી. કારણ કે તેમને શંકા હતી કે તેમણે ચોરોને મદદગારી કરી હતી અને લૂંટ સમયે પ્રતિક્રિયા આપવામાં ખૂબ જ મોડું કર્યું હતું. પરંતુ અંતે પોલીસે ગત વર્ષે આ તપાસ બંધ કરી હતી.

હાલ સિક્યૉરિટી સિસ્ટમની ખામીઓ દૂર કરીને તેને બદલી નખાઈ છે અને મ્યુઝિમના સ્ટાફે ઘરેણાંના રિસ્ટોરેશનની પ્રક્રિયા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે.

નિષ્ણાતોને આશા છે કે ઑગસ્ટસનો આ ખજાનાની કીર્તિ ફરી એક વાર કાયમ કરી શકાશે અને તે બાદ તેને જાહેર જનતા માટે મુકાશે.

પરંતુ ખજાનામાં થયેલા નુકસાનને બાબતે ક્યુરેટરો નિરાશ છે, અને તેઓ એ વાતનો સ્વીકાર પણ કરે છે કે હવે ભવિષ્યમાં ક્યારેય આ કલેક્શન પૂરું થશે એ બાબતની સંભાવના બિલકુલ નથી.

રેડ લાઇન
રેડ લાઇન