જ્યારે પ્રેમનો પુરાવો આપવા રાજકુંવરીએ આગમાં કૂદી જીવ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મૂમલ જન્મી લોદરવે, રાણો અમરકોટ.

અરે લીખ્યા વિધાતા લેખડા....

હાલે તો લે જાવા મરુધર દેશ માય...

વર્ષો પહેલાં એક રાજસ્થાની રિસૉર્ટમાં લોકકલાકારે ઉપસ્થિત મહેમાનોને ખુશ કરવા માટે મૂમલ અને રાણા મહેન્દ્ર સોઢાની પ્રેમકહાણીની શરૂઆત કંઈક આવી રીતે કરી હતી.

14મી સદીના મધ્યભાગમાં બની ગયેલી આ બિનામાં પ્રેમ, ગેરસમજણ, વિરહ, વેદના, શંકા જેવા તત્વો ધરાવતી પ્રેમકહાણીની સમાપ્તી સાંભળનારને જકડી રાખે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કદાચ એટલે જ સદીઓના વહાણાં વીતી જવા છતાં આજે પણ તે સિંધી, હિંદી અને રાજસ્થાની સાહિત્યસર્જનમાં સ્થાન ધરાવે છે. તેને ભારત જ નહીં, પાકિસ્તાનમાં પણ રસપૂર્વક સંભળાવવામાં આવે છે. આ 'વીરઝારા' સ્ટાઇલની સ્ટોરીમાં 'વીર' પાકિસ્તાનના હતા, જ્યારે 'ઝારા' હાલના જેલમેરનાં.

આજે પણ જેસલમેરના લોકોના માનસમાં 'મૂમલ-મહેન્દ્ર'ની પ્રેમકહાણી તાજી છે, એટલે જ ત્યાં દરવર્ષે 'મિસ મૂમલ'ની સ્પર્ધા યોજાય છે, જેમાં યુવતીઓ ઉત્સાહભેર ભાગ લે છે.

લાઇન
  • મૂમલ લોદરવાનાં (હાલનું જેસલમેર) રાજકુંવરી હતાં. તેમના રૂપનાં વખાણ રાજસ્થાન સિવાય ગુજરાત અને સિંધ સહિત દેશદેશાવરમાં હતાં.
  • મહેન્દ્રે માયાજાળને પોતાની સૂજબૂજથી ખૂબ જ સરળતાથી પાર કરી ગયા અને મૂમલ સુધી પહોંચ્યા અને શરત મુજબ તેમની સાથે લગ્ન કર્યું
  • લગ્નના અમુક સમય પછી મહેન્દ્રને સૌંદર્યવાન મૂમલ દ્વારા બેવફાઈ કરવામાં આવતી હોવાની શંકા ગઈ એટલે તેનો ત્યાગ કર્યો
  • મૂમલે અનેક પ્રયત્ન કર્યાં, જેથી પતિના ભ્રમને દૂર કરી શકાય, પરંતુ તેમને સફળતા ન મળી
  • નિરાશ થઈને મૂમલે આગમાં કૂદીને પ્રાણ ત્યજીને પોતાના ખરા પ્રેમનો પુરાવો આપ્યા બાદ મહેન્દ્રને પછતાવો થયો... વાંચો આ કહાણી...
લાઇન
line

સ્વરૂપવાનની માયાજાળ

પ્રેમ

ઇમેજ સ્રોત, Getty Images

મૂમલ લોદરવાનાં (હાલનું જેસલમેર) રાજકુંવરી હતાં. તેઓ પોતાનાં બહેનો સાથે કાક નદીના કિનારે આવેલા મહેલમાં મેડી પર રહેતાં. મૂમલના રૂપના વખાણ સિંધ, રાજસ્થાન અને ગુજરાત સહિત દેશદેશાવરમાં હતાં. લોકકવિઓએ મૂમલનાં સ્વરૂપની સરખામણી નાળિયેર અને વાળની સરખામણી નાગણ સાથે કરી છે.

'ભારતીય સાહિત્ય કોષ'માં (સંપાદન ડૉ. નગેન્દ્ર, પેજનંબર 1003-1004) પ્રેમકહાણીનું વિવરણ કરતા લખે છે, મૂમલ તેમનાં બહેન સૂમલ સાથે રહેતાં હતાં. મૂમલના રૂપનાં વખાણ ચારેકોર હતાં, તો સૂમલની બુદ્ધિમતાનાં વખાણ થતાં. અનેક દાસીઓ બહેનોની ચાકરી માટે તહેનાત રહેતી.

કાક નદીનાં (હાલ લુપ્ત થઈ ગયેલી) કિનારે તેમનો મહેલ હતો, જેમાં મૂમલ મેડી (ઉપરના માળે) રહેતાં. મૂમલે વીર ઉપરાંત બુદ્ધિમાન હોય એવા છોગાળા યુવકને તન-મન સોંપવાં ઇચ્છતાં હતાં.

બહેનોએ તેમના મહેલમાં એક માયાજાળની રચના કરાવી હતી, જેમાં પ્રવેશનારને ભ્રાંતિ થાય તેવા દરવાજા અને દાદર, ભૂલભૂલામણી અને વિઘ્ન હતા. મૂમલને પામવાના મોહમાં અનેક રાજકુમાર ત્યાં આવતા, પરંતુ તેઓ કોઠા ભેદી ન શકતા અને નિરાશ થઈને પરત ફરવું પડતું.

સિંધના સુમરા વંશના (ઈ.સ.1050થી ઈ.સ. 1350) હમીર સુમરા તેમના રસાલા સાથે શિકાર ખેલવા માટે નીકળ્યા હતા અને તેમની સાથે રાણા મહેન્દ્ર સોઢા પણ હતા. તેઓ કાક નદીના કિનારે પહોંચ્યા. મેડી પરથી મૂમલે આ પરદેશી માણીગરને જોયા અને તેના પ્રત્યે આકર્ષિત થયાં

હવે, મહેન્દ્રે આ માયાજાળને પાર કરવાની હતી. પોતાની સૂજબૂજથી મહેન્દ્ર ખૂબ જ સરળતાથી તેને પાર કરી ગયા અને મૂમલ સુધી પહોંચ્યા અને શરત મુજબ તેમની સાથે લગ્ન કર્યું.

લગ્નના અમુક સમય પછી મહેન્દ્રને સૌંદર્યવાન મૂમલ દ્વારા બેવફાઈ કરવામાં આવતી હોવાની શંકા ગઈ એટલે તેમનો ત્યાગ કર્યો. મૂમલે અનેક પ્રયત્ન કર્યા, જેથી પતિના ભ્રમને દૂર કરી શકાય, પરંતુ તેમને સફળતા ન મળી.

છેવટે નિરાશ થઈને મૂમલે આગમાં કૂદીને પ્રાણ ત્યજીને પોતાના ખરા પ્રેમનો પુરાવો આપ્યો. આ જોઈને મહેન્દ્રને પણ ખૂબ જ પશ્ચાતાપ થયો અને તેમણે પણ અગનસ્નાન કરીને પોતાના પ્રાણ ત્યજી દીધા.

પ્રેમકહાણીની આ 'આવૃત્તિ'માં શેક્સપિયરન સ્ટાઇલ 'ટ્રૅજડી' તો છે, પરંતુ તેમાં રોમાન્સ અને શા માટે બેવફાઈની શંકા ગઈ, તેનું વિવરણ નથી.

line

100 કોસ દૂર કંથ

પ્રેમ

ઇમેજ સ્રોત, Getty Images

જેસલમેર અંગેના રાજસ્થાનના ડિસ્ટ્રિક્ટ ગૅઝૅટિયરના વિવરણ પ્રમાણે, (પેજનંબર 350-351) લોદરવા જેસલમેરથી 15 કિલોમીટર દૂર છે અને દેવરાજ ભાટી તેના સ્થાપક મૂળપુરુષ હતા, તેમણે લોદરા રાજપૂતોને હઠાવીને આ વિસ્તાર પર કબજો કર્યો હતો અને લોદરવાને પોતાની રાજધાની બનાવી હતી, જ્યાં એક કિલ્લો હતો.

બીજી બાજુ, અમરકોટએ હાલ પાકિસ્તાનમાં આવેલું ઉમરકોટ. એક સમયે ત્યાં સોઢા રાજપૂતોની આણ વર્તાતી હતી. હુમાયુ અને હમીદા જ્યારે શેરશાહ સૂરીથી નાસતા ફરતા હતા, ત્યારે સોઢાઓએ તેમને આશરો આપ્યો હતો અને અકબરનો જન્મ પણ આ જ કિલ્લામાં થયો હતો.

11મી સદીમાં જ્યારે મહમંદ ગઝનવી સોમનાથને ખંડિત કરવાના ઇરાદે નીકળ્યા ત્યારે તેણે લોદરવાને ભાંગ્યું હતું. ભાટીઓ વીરતાપૂર્વક લડ્યા, પરંતુ તેમની હાર થઈ. સોમનાથના અભિયાન દરમિયાન પાછળથી હુમલો ન થાય તે માટે ગઝનવીએ તેના મિત્ર સામંત જેસલ રાવળને લોદરવા સોંપ્યું. સત્તાના સૂત્ર સંભાળ્યા બાદ જેસલે પોતાના નામ પરથી 'જેસલમેર'ની સ્થાપના કરી અને તેને સત્તાનું કેન્દ્ર બનાવ્યું. લોદરવામાં આજે પણ મૂમલના ખંડિત મહેલના અવશેષ ઊભા છે.

વૅલેન્ટાઇન ડે

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેમકહાણીના 'સરકારી વૃત્તાંત'માં મૂમલ અને મહેન્દ્રની પ્રેમકહાણીના રોમાન્સનું તત્ત્વ જોવા મળે છે. જે મુજબ, દરરોજ રાત્રે મૂમલને મળવા માટે મહેન્દ્ર ત્યાં પહોંચતા.

કહેવાય છે કે મહેન્દ્ર પાસે 'ચિત્તલ' નામની ઊંટડી હતી, જે દરરોજ અંધકારમાં તેમને 100 કોસની મુસાફરી કરાવતી અને પ્રભાત થતાં ફરી અમરકોટ પહોંચાડી દેતી.

ગૅઝૅટિયરના વિવરણ પ્રમાણે, મહેન્દ્રને ગેરસમજણ થઈ અને તેમણે મળવા આવવાનું બંધ કરી દીધું. આવું શા માટે થયું, તેના વિશે મૂમલને કોઈ જાણ ન હતી. મનના માણીગરને મળવાં અમરકોટ પહોંચ્યાં.

અમરકોટમાં મૂમલને ખોટું જણાવવામાં આવ્યું કે મહેન્દ્ર મૃત્યુ પામ્યા છે. આ સાંભળીને મૂમલને ભારે આઘાત લાગ્યો, તેઓ વિયોગનો વિચાર ઝીરવી ન શક્યાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું.

તો મૂમલ વિશે મહેન્દ્રને શું ગેરસમજણ થઈ હતી? શું ખરેખર મૂમલે બેવફાઈ કરી હતી? તો પછી તેમનાં શયનખંડમાં મહેન્દ્રે કોને જોયા હતા?

line

શયનખંડમાં શંકાનો સળવળાટ

મૂમલ-મહેન્દ્રને યાદ કરતી રાજસ્થાની યુવતીઓ

ઇમેજ સ્રોત, Facebook

ઇમેજ કૅપ્શન, મૂમલ-મહેન્દ્રને યાદ કરતી રાજસ્થાની યુવતીઓ

મીડિયામાં વ્યાપક રીતે રિપોર્ટ થયેલા અને બહુચર્ચિત લોકકથા અનુસાર, મૂમલના પ્રેમમાં મહેન્દ્ર શાનભાન ભૂલી ગયા હતા અને તેમનાં જ વિચારોમાં મગ્ન રહેતા. કહેવાય છે કે 'પ્રેમ અને પાયલ ક્યારેય છૂપાય નહીં.' કંઈક આવું જ મહેન્દ્ર સાથે થયું હતું. તેમના પરિવારજનોને ચિત્તલ ઉપર દરરોજ રાત્રે લોદરવાની મુલાકાતે જાય છે.

આથી, વિઘ્નસંતોષીઓએ ચિત્તલના પગ તોડાવી નાખ્યાં. પ્રિયતમાને મળવા નહીં જઈ શકાય એવા વિચારથી મહેન્દ્રનું માનસ ખિન્ન થઈ ગયું. તેમને નિરાશ જોઈને મિત્રોએ મહેન્દ્રને માટે બીજા 'રણના જહાજ'ની વ્યવસ્થા કરી આપી.

મહેન્દ્ર તેની ઉપર સવાર થઈને જેસલમેર જવા નીકળી ગયા, પરંતુ રાતના અંધકારમાં તેમને જાણ ન રહી અને તેઓ બાડમેર સુધી નીકળી ગયા. જ્યારે આના વિશે જાણ થઈ તો તેઓ જેસલમેર તરફ વળી ગયા.

આ બાજુ, મોડેક સુધી મહેન્દ્ર ન આવતા વિરહનાં વાદળ મામૂલને ઘેરી વળ્યાં અને તેઓ ઉદાસ થઈ ગયાં. મામૂલને ખુશ કરવા માટે સૂમલે પુરુષવેશ ધારણ કર્યો અને તેને રિઝવવા માટે પ્રયાસ કરવા લાગ્યા. રમત-રમતમાં રાત થઈ ગઈ અને શયનખંડમાં સૂમલ અને મામૂલ સૂઈ ગયાં.

આ તરફ વળતી મુસાફરી કરીને મહેન્દ્ર પ્રભાતે જેસલમેરમાં મામૂલનાં શયનખંડ સુધી પહોંચ્યાં. ત્યાં તેમણે જોયું તો તેમને લાગ્યું કે મામૂલ કોઈ પરપુરુષ સાથે છે. તેઓ ત્યાંથી નીકળી ગયા, પરંતુ ખિન્નતાને કારણે તેમનું ચાબુક ત્યાં જ છૂટી ગયું.

સવારે ઊઠીને મામૂલે એ ચાબુક જોયું, તેમને અંદાજ આવી ગયો કે શું થયું હશે. તેમણે મહેન્દ્રને મનાવવા અને સમજાવવા અને સંદેશ મોકલ્યા અને પોતાની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો.

પરંતુ, મહેન્દ્ર ટસના મસ ન થયા અને તેઓ રૂપના આશક્ત અને વિલાસી નહીં હોવાનું અને મરતા સુધી મામૂલનું મુખ નહીં જોવાનું જણાવ્યું.

છેવટે નિરાશ થઈને તેમણે અગનપછેડી ઓઢી લીધી. જ્યારે આ અંગે મહેન્દ્રને જાણ થઈ તો તેમણે પણ આગમાં ઝંપલાવી દીધું.

આજે પણ મામૂલ-સૂમલની એ ઘટનાની યાદમાં જેસલમેરની યુવતીઓ રણમહોત્સવ દરમિયાન પુરુષનો વેશ ધારણ કરે છે, જ્યારે 'મિસ મામૂલ' સ્પર્ધા યોજાય છે.

line

વધુ એક અંત અને વિકલ્પો

હોળીના ઉલ્લાસ અને આનંદના સમયે આવી નિરાશાત્મક વાતો સાંભળનારને ન ગમે, એટલે તેના અંતમાં તેજકવિએ મહેન્દ્રની મર્યાદાને સમજતા મામૂલ વિયોગ સ્વીકારી લે છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હોળીના ઉલ્લાસ અને આનંદના સમયે આવી નિરાશાત્મક વાતો સાંભળનારને ન ગમે, એટલે તેના અંતમાં તેજકવિએ મહેન્દ્રની મર્યાદાને સમજતા મામૂલ વિયોગ સ્વીકારી લે છે

લોકકથાની એક ખાસિયત હોય છે કે તેમાં ક્યારેય સમાનતા ન હોય અને સદીઓ અગાઉ બનેલી કોઈ ઘટનાના એક કરતાં વધુ વૃત્તાંત હોય શકે, કંઈક આવું જ મહેન્દ્ર અને મામૂલની કહાણી સાથે પણ બન્યું છે.

આ કહાણીનો બીજો પણ એક અંત પણ વર્ણવવામાં આવ્યો છે. કોઈ સંદેશ કે પત્રનો જવાબ નહીં મળતા મામૂલ તેમના માણીગરને મળવા માટે નીકળી ગયા. મહેન્દ્રનો જ્યાં પડાવ હતો ત્યાં જઈને તેમની સાથે મુલાકાત કરાવવા કહ્યું, પરંતુ મામૂલને જાણ થઈ કે સર્પદંશથી મહેન્દ્રનું અવસાન થયું છે. આ આઘાત ઝીરવી ન શકતા તેમણે દેહ ત્યજી દીધો.

કેટલીક કહાણીઓ મુજબ, કાક મહેલમાં માત્ર મામૂલ અને સૂમલ નહોતાં રહેતાં, પરંતુ તેઓ કુલ સાત (અમુકમાં નવ) બહેનો હતી. મહેન્દ્ર સોઢાને અગાઉથી જ સાત પત્નીઓ હતી અને મામૂલ પ્રત્યેના તેમના આકર્ષણની ઇર્ષ્યા જ ઊંટડી ચિત્તલ પર ગુસ્સા સ્વરૂપે નીકળી હતી.

રાજસ્થાનમાં હોળીના તહેવાર દરમિયાન 'રમ્મત' ભજવાય છે, જેને ભજવનાર સાદા અને પરંપરાગત વસ્ત્ર પહેરે છે અને ઢોલ તથા નગારાની થાપ પર કહાણી કહે છે. આને માટે કોઈ મંચસજ્જા નથી હોતી.

હોળીના ઉલ્લાસ અને આનંદના સમયે આવી નિરાશાત્મક વાતો સાંભળનારને ન ગમે, એટલે તેના અંતમાં તેજકવિએ મહેન્દ્રની મર્યાદાને સમજતા મામૂલ વિયોગ સ્વીકારી લે છે, પરંતુ હંમેશા તેમની વીરતા અને બુદ્ધિમતાની પ્રશંસા કરતાં રહે છે.

વર્ષો કે દાયકાઓ પછી મામૂલ-મહેન્દ્રનો આવો જ કોઈ સકારાત્મક અંત લોકકથામાં પ્રચલિત બની શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન