4.7 કરોડ વર્ષ જૂનો 'વાસુકિ' સાપ મળી આવ્યો કચ્છમાં, શું છે આ 'મહાનાગ'ની કહાણી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ કલેક્ટિવ ન્યૂઝરૂમ
- પદ, બીબીસી માટે
કચ્છના પાનધ્રો નજીક લિગ્નાઇટની ખાણમાંથી જીવાશ્મવિજ્ઞાનીઓને એવા અવશેષો મળ્યા છે કે જે અત્યાર સુધીમાં વિશ્વના સૌથી મોટા સાપના અશ્મિઓ હોવાનું સૂચિત કરે છે.
આ અશ્મિઓ પરથી સાપની અંદાજિત લંબાઈ 10થી 15 મીટર હોવાનું અનુમાન લગાવાયું છે અને આ અવશેષો અંદાજે 4.7 કરોડ વર્ષ પુરાણા એટલે કે પ્રાગઐતિહાસિક કાળના હોવાનો દાવો કરાયો છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે આ શોધ આઈઆઈટી રૂરકીના પ્રોફેસરો અને સંશોધકો સુનિલ વાજપેયી અને દેબજિત દત્તાએ કરી છે. તેમનું આ સંશોધન નેચર જર્નલના સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયું છે.
સાપની આ મળી આવેલી પ્રજાતિનું નામ ‘વાસુકિ ઇન્ડિક્સ’ રાખવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ સાથે સંકળાયેલા સર્પના નામ પરથી ‘વાસુકી ઇન્ડિકસ’નું નામ રાખવામાં આવેલું છે. આ પ્રજાતિ હવે લુપ્ત થઈ ગયેલા મૅડ્સસોઇડે સર્પકુળની હતી.
સંશોધનમાં બીજું શું જાણવા મળ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રૉયલ સોસાયટી ઑફ ઑપન સાયન્સમાં 2018માં પ્રકાશિત થયેલા એક અહેવાલ પ્રમાણે, મૅડ્સસોઇડે એ પૃથ્વી પર જોવા મળતા ગોંડવાનાન સાપ છે જેમનું અપર ક્રેટિશિયસ કાળ (અંદાજે 6.6થી 10.5 કરોડ વર્ષ પહેલાંનો સમય) અને લેટ પ્લેસ્ટૉસીન કાળ (0.12 કરોડ વર્ષ પહેલાંનો સમય) વચ્ચે અસ્તિત્ત્વ હતું. આ સર્પકુળને સાપના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિને સમજવા માટે મૂળભૂત સમૂહ માનવામાં આવે છે.
જે સાપના અવશેષો મળી આવ્યા છે એ આ જ મૅડ્સસોઇડે કુળનો છે અને સૌથી મોટો છે. ભારતમાં અંદાજે 4.7 કરોડ વર્ષ પહેલાં તે જોવા મળતા હતા.
સંશોધકોએ તેમના પ્રકાશિત અહેવાલમાં નોંધ્યું છે કે, “મધ્યયુગ દરમિયાન ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં અતિશય ઉંચા તાપમાનને કારણે તેમના આટલા મોટા શરીરની શક્યતાઓ રહેલી છે.”
મળી આવેલા અલગ-અલગ 27 અશ્મિ અવશેષોનું સંશોધન સૂચવે છે કે આ અતિશય મહાકાય સાપ હતો. તેમની કરોડરજ્જુની પહોળાઈ 6.24 સેમીથી 11.4 સેમી જેટલી છે અને તેનું લાંબુ નળાકાર શરીર હોવાનું સામે આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાપની અંદાજિત લંબાઈ 10.9 મીટરથી 15.2 મીટર જેટલી છે. હાલમાં પૃથ્વી પરના સૌથી મોટા સાપ ગણાતા દક્ષિણપૂર્વ એશિયા- ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના રૅટિક્યુલેટેડ પાયથન કરતાં પણ આ સાપની લંબાઈ મોટી છે. રૅટિક્યુલેટેડ પાયથનની લંબાઈ 6.25 મીટર જેટલી છે.
‘ગિનેસ વર્લ્ડ રેકર્ડ્સ’ દ્વારા 1912માં નોંધાયેલા એક અન્ય સાપની લંબાઈ 10 મીટર હતી. ગ્રીન ઍનાકોન્ડાને પણ મોટામાં મોટી સાપની પ્રજાતિ માનવામાં આવે છે. માદા ગ્રીન ઍનાકોન્ડાની લંબાઈ સાત મીટર કરતાં પણ વધુ હોય છે.
આ સાપ મોટા ભાગે ગરમ હવામાનમાં રહ્યા છે. જે-તે સમયે પૃથ્વી પર તેઓ સરેરાશ 28 ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં રહેતા હતા. તેનું અંદાજિત વજન 1000 કિલોગ્રામ આંકવામાં આવ્યું છે.
કઈ રીતે અવશેષો મળી આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
આ ‘વાસુકિ ઇન્ડિક્સ’ સાપના અવશેષો સૌપ્રથમ આઈઆઈટી રૂરકીના પ્રોફેસર સુનિલ વાજપેયીને વર્ષ 2005માં મળી આવ્યા હતા. કચ્છના પાનધ્રોમાં આવેલી કોલસાની ખાણમાં તેમને આ અવશેષો મળ્યા હતા.
એ સમયે તેમને એવું લાગ્યું હતું કે આ પ્રાગઐતિહાસિક કાળના જ એક પ્રચલિત મગરના અવશેષો છે. પછી આ અશ્મિઓ તેમની પ્રયોગશાળામાં વર્ષ 2022 સુધી પડ્યા રહ્યા હતા. જ્યારે દેબજિત દત્તાએ તેમની પ્રયોગશાળામાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે આ અશ્મિઓ પર સંશોધન શરૂ કર્યું.
ત્યારબાદ બંને લોકોને ખ્યાલ આવ્યો કે આ મગરના અશ્મિઓ નથી પરંતુ કંઈક બીજું જ છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં સુનિલ વાજપેયી જણાવે છે કે, “અશ્મિઓ વર્ષ 2005માં જ મળી આવ્યા હતા પરંતુ હું અન્ય અશ્મિઓ પર સંશોધન કરી રહ્યો હોવાથી આ કામ બાજુ પર મૂકી દીધું હતું. વર્ષ 2022માં અમે ફરીથી સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેના કદને કારણે મને એ મગરના અવશેષો છે તેવું લાગ્યું હતું. પરંતુ પછી અમને ખ્યાલ આવ્યો કે આ અવશેષો સાપના છે. વધુ સંશોધન કરતા એ સર્પકુળનો સૌથી મોટો સાપ સાબિત થયો.”

ઇમેજ સ્રોત, Nature/Scientific Reports
વૈજ્ઞાનિક અનુમાનો પ્રમાણે, વાસુકિનું આટલું મોટું કદ એ દર્શાવે છે કે તે અતિ પ્રચંડ શિકારી હોઈ શકે છે. સંભવતઃ તેના શિકારને દબોચવા માટે તે આધુનિક અજગર અને ઍનાકોન્ડા જેવી જ સંકોચન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય તેવું બની શકે છે.
જોકે, સંશોધકોએ આ વાતની સામે પોતાનો એક અલગ અભિપ્રાય પણ રજૂ કર્યો છે. આ સંશોધનના મુખ્ય લેખક દેબજિત દત્તા પ્રમાણે એ વાતની પણ શક્યતા રહેલી છે કે એ ખૂંખાર ન પણ હોય. તેમનું કહેવું છે કે તે સમયનું ઊંચુ તાપમાન તેની મોટી શરીરરચના માટે જવાબદાર હોઈ શકે છે.
અત્યાર સુધીના પ્રકાશિત થયેલા સંશોધનો અનુસાર આ સૌથી મોટું કદ ધરાવતો સાપ સાબિત થયો છે અને હજુ વધુ સંશોધન શરૂ છે.












