અમદાવાદની 145મી રથયાત્રા : ...જ્યારે પહેલી વખત રથયાત્રામાં ફાટી નીકળી હિંસા

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ જગન્નાથની રથયાત્રા નીકળે છે. જૂના શહેરમાં આ રથયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે.
જોકે, દર વર્ષે રથયાત્રા પહેલાં સુરક્ષાને લઈને તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા સતર્કતા વર્તવામાં આવે છે.
મહિના પહેલાં જ રથયાત્રાની સુરક્ષા માટે તૈયારીઓ શરૂ થઈ જાય છે, કોઈ અનિચ્છનિય ઘટના ના ઘટે તે માટે તકેદારી રખાય છે.
દર વર્ષે નીકળતી રથયાત્રામાં કોમી એકતા જોવા મળે છે, પરંતુ આ રમખાણોમાં લોકોના જીવ બચાવવા અને કોમી એકતા જાળવવા માટે જીવ આપનાર વસંત અને રજબને ભાગ્યે જ કોઈ યાદ કરે છે.
1946માં પ્રથમ વખત રથયાત્રામાં હિંસા શરૂ થઈ, ત્યારે કોમી એખલાસ જાળવી આ બંને મિત્રોએ પ્રાણોની આહુતિ આપી હતી.

...અને રથયાત્રામાં શરૂ થઈ કોમી હિંસા

અમદાવાદમાં 100 કરતાં વધુ વર્ષોથી નીકળતી રથયાત્રા એક વર્ષને બાદ કરતા ક્યારેય કોમી રમખાણોનું નિમિત્ત બની નથી.
આ એક વર્ષ એટલે 1946નું વર્ષ. આ વર્ષમાં રથયાત્રા બાદ અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર જયદેવ પટેલ કહે છે કે એ વાતને યાદ કરતાં આજે પણ રૂવાંટા ઊભા થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પટેલ કહે છે, "1946 પહેલાં ક્યારેય રથયાત્રામાં કોમી હિંસા થઈ ન હતી. એ વર્ષે પણ રથયાત્રા રાબેતા મુજબ જઈ રહી હતી."
"કાલુપુરની એ સમયની રાજમહેલ હોટલ પાસે જ્યારે રથયાત્રા પહોંચી ત્યારે અખાડાના પહેલવાનો અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું."
"આ ઘર્ષણે પછી કોમી હિંસાનું રૂપ ધારણ કર્યું અને શહેરમાં અનેક વિસ્તારોમાં હિંસા અને આગના બનાવો શરૂ થયા."
"અમદાવાદમાં રતપોળ અને માણેકચોકમાં સોના-ચાંદીની દુકાનો લૂંટાઈ. રાયખડ અને જમાલપુરમાં આ રમખાણોની સૌથી વધારે અસર થઈ."
જયદેવ પટેલ કહે છે આ જ સમયે વસંતરાવ હેગિષ્ટે અને રજબ લાખાણીની જોડી હિંસાને બંધ કરવા આગળ આવી.

વસંત-રજબની ટોળાએ હત્યા કરી

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
જયદેવ પટેલ કહે છે બંનેએ પોતપોતાની કોમના લોકોને સજાવવાના પ્રયત્નો શરૂ કર્યા.
તેઓ ઘટનાનું વર્ણન કરતા કહે છે, "બંને મિત્રો હિંસાગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા અને લોકોને સમજાવવાના શરૂ કર્યા."
"બંને ખાંડની શેરી અને મહાજનવાડામાં ફાટી નીકળેલી હિંસા રોકવા માટે પ્રયત્ન કરતા હતા, ત્યારે ટોળાએ તેમની હત્યા કરી નાખી."
વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી પર થયેલા આ હુમલા બાદ તેમની લાશ એક દિવસ બાદ મળી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા એચ. કે. કૉલેજના પ્રિન્સિપાલ અને ઇતિહાસકાર સુભાષ બ્રહ્મભટ્ટ કહે છે કે હિંસક ટોળાને રોકવા જતા બંનેએ જીવ દીધા હતા.
તેઓ કહે છે, "વસંતના દૂધેશ્વરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, જ્યારે રજબ અલીને ગોમતીપુરમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા."
સુભાષ બ્રહ્મભટ્ટના જણાવ્યા પ્રમાણે આજે કોઈને ખબર નથી કે રજબ અલીની કબર ક્યાં છે. હાલ રથયાત્રામાં ભાગ્યે જ કોઈ આ બંનેને યાદ કરે છે.

કોણ છે વસંત-રજબ?

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
લોકોને હિંસાથી રોકનારા વસંતરાવ હેગિષ્ટે અને રજબ અલી લાખાણી કોણ છે?
સુભાષ બ્રહ્મભટ્ટ કહે છે કે વસંત હેગિષ્ટેનો જન્મ મહારાષ્ટ્રના મરાઠી પરિવારમાં થયો હતો.
તેઓ કહે છે, "વસંત પર ગાંધી વિચારોનો પ્રભાવ હતો અને 15 વર્ષની ઉંમરે જ ભણવાનું છોડી દીધું હતું. તેઓ ગાંધીજી સાથે ચળવળમાં જોડાયા હતા."
"અસલાલી સુધી ગાંધીજી સાથે દાંડીકૂચમાં તેમણે ભાગ લીધો હતો. 1932, 1940 અને 1942માં તેઓ જેલમાં પણ ગયા હતા."
સુભાષ બ્રહ્મભટ્ટ રજબ અંગે માહિતી આપતા કહે છે, "રજબ અલી લાખાણીનો જન્મ 1919માં કરાંચીમાં થયો હતો. 1935માં તેમનો પરિવાર વતન લીંબડી પરત આવીને વસ્યો હતો."
"રજબ અલી પણ ગાંધીજીના વિચારોથી પ્રેરિત હતા અને તેમણે અંગ્રેજોની નોકરી ના કરવાનો નિર્ણય કર્યો હતો."
"તેઓ પણ ગાંધીજી સાથે જોડાયા હતા અને 1938 અને 1942ની લડતમાં સક્રિય ભાગ લીધો હતો."
બંનેની શહાદતને યાદ કરતા 2015માં અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પાસે તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે. જેને 'બંધુત્વ સ્મારક' તરીકે ઓળખવામાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















