મૂળ ગુજરાતી મહિલા વિદેશી નાગરિક હોઈ કિડનીના ઑપરેશન માટે નોંધણી ન થઈ, હાઇકોર્ટે કેવી રીતે અપાવી રાહત?

ઇમેજ સ્રોત, Laxmi Patel/Ajmera Family
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- મૂળ ગુજરાતી કૅનેડિયન મહિલાનું ડૉમિસાઇલ સર્ટિફિકેટ ન હોવાના કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેનું રજિસ્ટ્રેશન અટકાવી દેવાયું
- ઘણી રજૂઆતો છતાં આરોગ્ય કે પોલીસવિભાગ ન જાગ્યું
- અંતે હાઇકોર્ટની શરણે જતાં રજિસ્ટ્રેશનનો આદેશ થયો અને જાગી જીવ બચવાની આશા

"ભારતીય બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે અને કોઈપણ નિયમ તેનાથી ઉપર નથી."
આ ટિપ્પણી સાથે ગુજરાત હાઇકોર્ટે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવા મથામણ કરી રહેલાં કૅનેડાનાં નાગરિક એવાં ગુજરાતી મહિલાની મુશ્કેલી દૂર કરવામાં મદદ કરી હતી.
કોર્ટના હસ્તક્ષેપ બાદ હવે આ મહિલાનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. પરંતુ આ માટે તેમણે સાડા ચાર માસની રાહ જોવી પડી હોવાની તેમની ફરિયાદ છે.
મહિલાના આરોપ મુજબ ઑથૉરિટી દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેના રજિસ્ટ્રેશનના અસ્વીકાર માટે ભારતના ડૉમિસાઇલના અભાવનું કારણ અપાયું હતું.
આ સિવાય પોલીસવિભાગ દ્વારા પણ ડૉમિસાઇલ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો.
ગુજરાત હાઇકોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ડૉમિસાઇલનો નિયમ એ જીવન જીવવાના બંધારણીય અધિકારથી ઉપર નથી.
સમગ્ર મામલા અંગે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ મહિલા અને અન્ય પક્ષકારો સાથે વાતચીત કરી હતી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંગળવારે મહિલા દર્દીનું નામ કિડની દાનમાં મેળવવા માટેની લિસ્ટમાં દાખલ કરવા એટલે કે, રજિસ્ટ્રેશન કરવા આદેશ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું હતો મામલો?

ઇમેજ સ્રોત, Laxmi Patel/Ajmera Family
કૅનેડાનાં નાગરિક હેમાલી અજમેરાએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી અને ડૉમિસાઇલ સર્ટિફિકેટના નિયમના કારણે તેઓનું રજિસ્ટ્રેશન થતું નથી એટલે તેઓનું કિડની મેળવવાના વેઇટિંગ લિસ્ટમાં રજિસ્ટ્રેશન થાય તે માટે ઑથૉરિટીને નિર્દેશ આપવા દાદ માંગી હતી.
આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપેહિયાએ સુનાવણી દરમિયાન ઑથૉરિટીને રજિસ્ટ્રેશનનો આદેશ આપ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે, "શું વેઇટિંગ લિસ્ટના રજિસ્ટ્રેશન માટે ડૉમિસાઇલ સર્ટિફિકેટનો નિયમ બંધારણના અનુચ્છેદ 21થી મળેલા રાઇટ ટુ લાઇફથી ઉપર છે?"
કૅનેડાનાં નાગરિક અને મૂળ અમદાવાદનાં વતની 53 વર્ષીય મહિલા દર્દી હેમાલી અજમેરાએ જણાવ્યું હતું કે, "મને ગત જૂન 2019થી ક્રોનિક કિડનીની બીમારી છે. અમે પરિવાર સાથે 15 વર્ષ સુધી કૅનેડા રહ્યાં હતાં અને કૅનેડિયન નાગરિક છીએ પરંતુ વર્ષ 2009માં મારા સસરાની તબિયત ખરાબ થતાં અમે અમારાં ત્રણ સંતાનો સાથે અમદાવાદ રહેવા આવી ગયાં હતાં. ત્રણ સંતાનો ધોરણ 12 સુધી અમદાવાદમાં ભણ્યાં છે ત્યાર બાદ તેઓ કૅનેડામાં સેટલ થયાં છે. ગત જૂન 2019માં મારી કિડની ડૅમેજ થઈ હોવાનું નિદાન થયું હતું."
તેઓ આગળ જણાવે છે કે, "મારી દવાઓ ચાલતી હતી. ગત જાન્યુઆરી 2022માં મને ડૉક્ટરે કહ્યું કે, કિડની વધારે ખરાબ થઈ રહી છે જેથી તમારે હવે ડાયાલિસિસ કરાવવું પડશે અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. કિડની ડૉનર માટે અમે અમારા લોહીનાં સગાંમાં જ વાત કરી હતી પરંતુ તે શક્ય બન્યું ન હતું. બીજી તરફ, એપ્રિલ 2022માં મારી હાલત ક્રિટિકલ થઈ ગઈ હતી. મારી કિડનીનું ફંક્શન સંપૂર્ણ બંધ થઈ ગયું હતું. જેને કારણે મારું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. તેમજ મારા શરીર પર સોજા ચડી ગયા હતા. જેથી ગત એપ્રિલ મહિનાથી મારું ડાયાલિસિસ શરૂ કરવું પડ્યું હતું. "

આખરે હાઇકોર્ટની શરણે જવું પડ્યું

ઇમેજ સ્રોત, Laxmi Patel/Ajmera Family
હેમાલી અજમેરા વધુમાં જણાવે છે કે, " કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે જો તમારા લોહીનાં સગાંમાંથી કિડની ન મળતી હોય તો તમારે બ્રેનડેડ વ્યક્તિઓના દાનમાં મળેલી કિડની લેવાની હોય છે. જે માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જેથી અમે કિડની માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી. પરંતુ કિડની હૉસ્પિટલમાંથી કહેવામાં આવ્યું હતું કે હું કૅનેડિયન નાગરિક હોવાથી મારું નામ રજિસ્ટર કરાવવા માટે ડૉમિસાઇલ સર્ટિફિકેટ આપવું પડશે. ડૉમિસાઇલ સર્ટિફિકેટ લેવા માટે અમે નવરંગપુરા પોલીસ સ્ટેશન ગયાં પણ અમારું ફોર્મ જોયા બાદ પોલીસે કૅનેડિયન નાગરિક હોવાથી સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી. પોલીસ કમિશનરને મળ્યાં પરંતુ તેમણે પણ ના પાડી હતી ત્યાર બાદ અમે પોલીસવિભાગને પત્ર લખ્યો હતો અને કયા નિયમ હેઠળ ડૉમિસાઇલ સર્ટિફિકેટ ન મળે તે અંગે લેખિતમાં જાણ કરવી પરંતુ તે અંગે પણ અમને કોઈ જવાબ મળેલ નથી. અમે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીમંડળના આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાને પણ પત્ર લખ્યો હતો પરંતુ અમને આજ સુધી કોઈ જવાબ મળેલ નથી."
હેમાલી અજમેરા પોતાની માંદગીની સારવાર માટે કરવા પડેલા સંઘર્ષની વાત વિશે આગળ જણાવતાં કહે છે કે, "અમે ન્યાય માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી કર્યું. ગુજરાત હાઇકોર્ટના ઑર્ડર બાદ 28 જુલાઈએ મારું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાઇકોર્ટના ઑર્ડરથી આજે રજિસ્ટ્રેશન કર્યું પરંતુ તે માટે મારે સાડા ચાર મહિના રાહ જોવી પડી હતી. શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડયો છે. અમે કિડની માટે કોઈ પ્રાથમિકતા માંગતાં નથી. અમે કાયદા મુજબ રાહ જોવા માટે તૈયાર છીએ ચાર મહિના પહેલાં મારું રજિસ્ટ્રેશન ન કરવામાં આવ્યું જેથી મારી આગળ કેટલાક લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું."
અમદાવાદની ખાનગી હૉસ્પિટલના નેફ્રોલૉજિસ્ટ ડૉ. હર્ષિત પટેલ જણાવે છે કે, " હેમાલી અજમેરા હાલ ડાયાલિસિસ પર છે. તેઓ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જરૂરી છે. ડાયાલિસિસ પર રહેતા દર્દીઓ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ હંમેશાં ખૂબ જ સારો વિકલ્પ છે તેમજ દર્દીની ઉંમર પણ નાની છે. ડાયાલિસિસની સરખામણીએ ટ્રાન્સપ્લાન્ટથી દર્દીનું અપેક્ષિત આયુષ્ય વધી શકે છે."
દર્દીના પતિ પ્રશાંત અજમેરાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું કે, "મારી પત્નીની કિડની છેલ્લાં ત્રણ વર્ષથી ફંકશન કરતી નથી જેથી તેને દર અઠવાડિયે બે વાર ડાયાલિસિસ માટે લઈ જવી પડે છે. અમે કૅનેડિયન સિટીઝન છીએ પરંતુ વર્ષ 2009 એટલે કે છેલ્લાં 12 વર્ષથી ગુજરાતમાં રહીએ છીએ અમારાં ત્રણ બાળકોને અમે બારમા ધોરણ સુધી ગુજરાતમાં જ ભણાવ્યાં છે. હું મારી પત્ની અને મારાં મમ્મી સી. જી. રોડ પર રહીએ છીએ અને ટૅક્સ પણ ભરીએ છીએ."
"અમે અમદાવાદમાં જ રહેવા લાગ્યા હતા. જેથી અમે અમારું કૅનેડાનું ડૉમિસાઈલ જતું કર્યું હતું તેમજ અમારું ત્યાંનું ઘર વેચી દીધું હતું. મારી પત્નીના કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે છેલ્લાં 102 દિવસથી અલગ અલગ જગ્યા ઉપર ધક્કા ખાધા છે. હું કૅનેડામાં રહેતો હોત તો મારી પાસે હેલ્થ કાર્ડ હોત જેથી ત્યાં મારી પત્નીની કિડનીની સારવાર થઈ શકી હોત. હવે કૅનેડાનું ડૉમીસાઇલ સર્ટિફિકેટ મેળવવું હોય તો મારે ત્યાં ઘર ખરીદવું પડે તેમ જ છ મહિના ત્યાં રહેવું પડે આ સંપૂર્ણ પ્રક્રિયામાં મારે એક વર્ષ લાગી જાય અને મારી પત્નીની તબિયત વધારે ખરાબ હોવાથી હું રિસ્ક લઈ શકું તેમ નહોતું."
તેઓ આગળ કહે છે કે, "હું વ્યવસાયે વકીલ છું, પાછલા ત્રણ માસથી દરેક રાજ્યના કાયદા અને અલગ અલગ ચુકાદાનો અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ જે લોકો ભણેલા નથી તેઓ આવું ન કરી શકે, એ ચિંતાની વાત છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












