મુખ્ય મંત્રીને ખુદના લોહીથી પત્ર લખનારી બહેનોને છ વર્ષે મળ્યો ન્યાય

ઇમેજ સ્રોત, SANJAY SHARMA
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
એક કિશોરીએ જીવતી સળગાવવામાં આવેલાં તેમનાં માતાને ન્યાય અપાવવા પોતાના લોહીથી પત્ર લખ્યાનાં છ વર્ષ બાદ હત્યારાને સજા મળી છે.
હાલમાં 21 વર્ષીય લતિકા બંસલ અને તેમની નાની બહેનની જુબાનીના આધારે કોર્ટે તેમના પિતા મનોજ બંસલને આજીવન કેદની સજા કરી છે.
આ બહેનોએ કોર્ટમાં કહ્યું હતું કે પિતા તેમનાં માતાને 'પુત્રને જન્મ ન આપવા' બદલ અવારનવાર મારતા રહેતા હતા.
બંસલે આરોપ ફગાવતાં કહ્યું હતું કે તેમની પત્નીએ આત્મહત્યા કરી હતી.
બુધવારે કોર્ટે જાહેર કરેલા આદેશમાં ઉત્તર પ્રદેશના બુલંદશહરની કોર્ટે આરોપી મનોજ બંસલને તેમની પત્નીની 'પુત્રને જન્મ ન આપવા બદલ' હત્યા કરવા બદલ દોષી ઠેરવ્યા હતા.

છ વખત ગર્ભપાત

ઇમેજ સ્રોત, SANJAY SHARMA
ભારતીયોની પુત્રો માટેની વ્યાપકપણે પ્રચલિત માન્યતા એવી છે કે એક પુત્ર કુટુંબના વારસાને આગળ વધારશે અને વૃદ્ધાવસ્થામાં માતાપિતાની સારસંભાળ રાખશે. જ્યારે પુત્રીઓ લગ્ન બાદ ઘર છોડી દેશે અને તેમનાં લગ્ન સમયે દહેજ પણ આપવું પડશે.
આ માન્યતાના લીધે પુત્રીઓની દયનીય સ્થિતિ અને લિંગપ્રમાણમાં વિષમતા જોવા મળે છે. આ ઉપરાંત ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરાવીને ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરી દેવામાં આવતી હોય છે.
સુનાવણી દરમિયાન બંસલ બહેનોએ કોર્ટમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ બાળપણથી પોતાના પિતા અને પરિવાર દ્વારા માતાને 'પુત્રને જન્મ ન આપવા બદલ' મહેણાં-ટોણાં મારતા જોતાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે મૃતક અનુનું અનેકવખત ગેરકાયેદસર ગર્ભપરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને છ વખત ગર્ભમાં બાળકી હોવાથી ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો હતો.

બહેનોએ કોર્ટમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બંને બહેનોએ કોર્ટને કહ્યું હતું કે 14 જૂન 2016ના દિવસે તેમનું જીવન બદલાઈ ગયું જ્યારે તેમના પિતા અને પરિવારજનોએ સાથે મળીને તેમની માતા પર કેરોસીન નાંખીને તેમને સળગાવી દીધાં હતાં. જેમના પર આરોપ લાગ્યા હતા, એ તમામે બધા જ આરોપ ફગાવી દીધા હતા.
તેમણે કહ્યું, "સવારે સાડા છ વાગ્યે અમે અમારી માતાના રડવાના અવાજથી જાગી ગયાં. અમે તેમની મદદ ન કરી શક્યાં કારણ કે અમારા રૂમનો દરવાજો બહારથી બંધ હતો. અમે તેમને સળગતાં જોયાં."
લતિકા કહે છે કે તેમણે સ્થાનિક પોલીસ અને ઍમ્બુલન્સને કરેલા તમામ ફોન અવગણવામાં આવ્યા હતા. બાદમાં તેમણે મામા અને નાનીને ફોન કર્યો હતો. તેઓ ઝડપથી ત્યાં પહોંચી ગયાં હતાં અને અનુને હૉસ્પિટલ લઈ ગયાં હતાં.
અનુની સારવાર કરનારા ડૉક્ટરોના જણાવ્યાનુસાર, અનુ બંસલનું શરીર 80 ટકા સળગી ગયું હતું. થોડા દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.

મામલો દબાવવાનો પ્રયત્ન

આ ઘટના ઘણા સમય સુધી દબાયેલી રહી હતી. જોકે, ઘટના પર પ્રકાશ ત્યારે પડ્યો જ્યારે તે સમયે 15 અને 11 વર્ષની ઉંમરનાં આ બહેનોએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી અખિલેશ યાદવને પોતાના લોહીથી એક પત્ર લખ્યો હતો.
લોહીથી લખાયેલા આ પત્રમાં એક સ્થાનિક પોલીસઅધિકારી પર હત્યાના આ કેસને આત્મહત્યામાં પરિવર્તિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ પત્રની નોંધ લઈને તત્કાલીન મુખ્ય મંત્રીએ વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓને આ કેસની તપાસ કરવા સૂચના આપી અને જે પોલીસઅધિકારી પર આરોપ લાગ્યા હતા તેમને યોગ્ય તપાસ ન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કોર્ટમાં બંસલ બહેનોનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ સંજય શર્માએ બીબીસીને કહ્યું, "આખરે ન્યાય મેળવવામાં અમને છ વર્ષ, એક મહિનો અને 13 દિવસનો સમય લાગ્યો."
તેમણે કહ્યું, "આ દીકરીઓ છેલ્લાં છ વર્ષમાં 100થી વધુ વખત કોર્ટમાં હાજર થઈ છે. તેઓ એક પણ તારીખ ચૂક્યાં નથી. દીકરીઓ પોતાના પિતા વિરુદ્ધ કેસ ચલાવે અને આખરે ન્યાય મેળવે એ એક દુર્લભ દાખલો છે."
સંજય શર્મા ઉમેરે છે કે તેમણે આ પરિવાર પાસેથી ફી લીધી ન હતી કારણ કે તેમનું માનવું છે કે તેઓ આર્થિક રીતે નબળાં હતાં અને તેઓ એક સામાજિક મુદ્દા પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરાવવા માગતાં હતાં.
"આ માત્ર એક મહિલાની હત્યા નથી. આ સમાજ વિરુદ્ધ થયેલો ગુનો છે. એક મહિલાના હાથમાં બાળકનું લિંગ નક્કી કરવાનું હોતું નથી. તો પછી શા માટે તેને યાતના અને સજા આપવામાં આવે? આ દુષ્ટ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













