નરેશ કનોડિયા : સ્નેહલતા, અરુણા ઈરાની, પિન્કી પરીખ અને સ્નેહાનાં સંભારણાં

ઇમેજ સ્રોત, Ultra Gujarati youtube
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયાનું કોરોના વાઇરસના ચેપ બાદ સારવાર દરમિયાન નિધન થયું છે.
તો એમના નિધનના અગાઉ 25 ઑક્ટોબરે તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાનું પણ લાંબી બીમાર બાદ અવસાન થયું.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેશ-નરેશની જોડીએ અનેક હિટ ફિલ્મો આપી હતી.
તેમના નિધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મહેશ-નરેશ જ્યારે પણ મીડિયાને ઇન્ટરવ્યૂ આપતાં ત્યારે એકબીજાના પૂરક હોય એ રીતે વાતો કરતા.
એક જમાનો હતો જ્યારે નરેશ કનોડિયા અનેક ચાહકોનાં દિલમાં રાજ કરતા હતા, લોકો તેમની સ્ટાઇલ અપનાવતા હતા.

ઇમેજ સ્રોત, Hitu Kanodia facebook
આજે પણ લોકો નરેશ કનોડિયા સાથેનાં તેમનાં સંસ્મરણો સોશિયલ મીડિયા થકી શૅર કરી રહ્યા છે, જે તેમની લોકપ્રિયતાનો અંદાજ અપાવે છે.
રાજકારણમાં આવ્યા પછી જ્યારે પણ નરેશ કનોડિયા પ્રચારમાં જતા ત્યારે લોકો તેમને જોવા માટે ટોળે વળતાં અને તેમની પાસેથી ફિલ્મોના ડાયલૉગ સાંભળતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહેસાણા જિલ્લાના નાનકડા એવા કનોડા ગામથી આવેલા નરેશ કનોડિયાનો પરિવાર અમદાવાદમાં મહેસાણિયા વાસમાં રહેતો હતો. બાદમાં તેઓ મુંબઈમાં સ્થાયી થયા હતા.
નરેશ કનોડિયાએ તેમની ફિલ્મી કારકિર્દીમાં અનેક હિરોઇનો સાથે કામ કર્યું હતું.
સ્નેહલતા, જયશ્રી પરીખ, સ્નેહા, રોમા માણેક, અરુણા ઈરાની, રીટા ભાદુરી, પિન્કી પરીખ, મીનાક્ષી સહિત અનેક નામો લઈ શકાય.

નરેશ કનોડિયા-સ્નેહલતાની જોડી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સૌથી વધુ નરેશ કનોડિયા અને અભિનેત્રી સ્નેહલતાની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. બંનેનાં ગીતો અને ડાન્સ આજે પણ લોકોને યાદ છે.
નરેશ કનોડિયા અને સ્નેહલતાએ 'ઢોલામારુ', 'મેરુમાલણ', 'પારસ પદમણી', 'ઉજળી મેરામણ' સહિત અનેક ફિલ્મો કરી હતી.
નરેશ કનોડિયા સાથે અનેક ફિલ્મોમાં હિરોઇન તરીકે કામ કરનારાં સ્નેહલતા મીડિયામાં ભાગ્યે જ દેખાય છે. એમણે બીબીસી ગુજરાતી સાથે નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કરતા કહે છે કે મારી અને નરેશ કનોડિયાની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી.
સ્નેહલતા કહે છે, "નરેશ કનોડિયા બધાને બહુ આદર આપતા, ઘણા મહેનતુ હતા. એ બહુ ઉમદા માણસ હતા. તેઓ હંમેશાં કામમાં મશગૂલ રહેતા."
"આમ તો તેમનો સ્વભાવ બહુ હસમુખો હતો, બધાને બહુ હસાવતા, સ્ટેજ પર સહજ રહેતા પણ કામ કરવાનું આવે બહુ મહેનત કરતા."
સ્નેહલતા કહે છે કે નરેશ કનોડિયાના આવવાથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ આવી ગયો હતો.
"મારા અને નરેશ કનોડિયાના ડાન્સિંગને કારણે ગુજરાતી ફિલ્મમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો. લોકોને પણ ડાન્સ પસંદ પડ્યો."
બહુ ઓછા લોકોને જાણ હશે કે ગુજરાતીઓના માનસમાં હીરોઇન તરીકે લાંબો સમય રાજ કરનારાં સ્નેહલતા મૂળ ગુજરાતીભાષી નથી.
આજે પણ ગુજરાતીભાષાના મૂળ અંગે સવાલ કરીએ તો એ દુખી થઈ જાય છે અને પોતાને ગુજરાતી ગણાવતાં કહે છે, "હું મારી જાતને ગુજરાતી માનું છું, ગુજરાત મારું છે, ગુજરાત મારી કર્મભૂમિ છે, ગુજરાતના લોકોએ મને ચાહી છે. ગુજરાતે મને જે પ્રેમ આપ્યો છે એને હું ક્યારેય ભૂલી નહીં શકું."
ગુજરાતી કેવી રીતે શીખ્યા એ અંગે સ્નેહલતા કહે છે, "રાજા ભર્તુહરિ મારી પહેલી ફિલ્મ હતી. પંદર દિવસ સુધી માત્ર ગીત અને ડાન્સનું શૂટિંગ હતું."
"મને એક ટેપ રેકૉર્ડર આપ્યું હતું. સવારથી સાંજ સુધી હું ગીતો સાંભળતી હતી. ગીતના શબ્દો પણ લખીને આપ્યા હતા. ગુજરાતી ભાષાનો લહેકો ધીમેધીમે મારી જીભ પર આવતો ગયો અને પછી મને ક્યારેય ગુજરાતી બોલવામાં કોઈ તકલીફ ન પડી."
સ્નેહલતા કહે છે કે "નરેશ કનોડિયા પાસેથી એ શીખવું જોઈએ કે તેઓ છેક સુધી કામ કરતા રહ્યા. તેમની પાસે જે કળા હતી એને તેઓએ છેલ્લે સુધી જીવંત રાખવાની કોશિશ કરી હતી."

'નરેશ કનોડિયાનું સ્થાન કોઈ ન લઈ શકે'

ઇમેજ સ્રોત, Hitu Kanodia facebook
નરેશ કનોડિયાએ નાની ઉંમરથી તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાની 'મહેશકુમાર ઍન્ડ પાર્ટી'માં કામ કરવાનું શરૂ કર્યું હતું.
તેઓ મહેશકુમાર ઍન્ડ પાર્ટીમાં અલગઅલગ અભિનેતાઓની મિમિક્રી કરતા અને ગીતો ગાતાં હતા.
તેમજ સ્ટેજ પર આગવી છટાથી ડાન્સ કરીને લોકોનું મનોરંજન પૂરું પાડતા હતા.
તેમની સાથે કામ કરનારા કલાકારોનું માનવું છે કે નાની ઉંમરથી સ્ટેજ પર પર્ફોર્મ કરવાને કારણે તેમનો અનુભવ ગુજરાતી ફિલ્મોને મળ્યો.
ગુજરાતી ફિલ્મના એ સમયનાં હિરોઇન સ્નેહાએ નરેશ કનોડિયા સાથે પહેલી ફિલ્મ 'લાડી લાખની સાયબો સવા લાખનો' કરી હતી.

ઇમેજ સ્રોત, SNeha
તેઓએ ટહુકે સાંજણ સાંભરે, લાડી લાખની, સાયબો સવા લાખનો, નર્મદાને કાંઠે સહિત આઠેક ફિલ્મો કરી હતી.
બીબીસી સાથે વાત કરતાં સ્નેહા કહે છે કે જેમ અમિતાભ બચ્ચનનું સ્થાન કોઈ ન લઈ શકે તેમ નરેશ કનોડિયાનું સ્થાન કોઈ ન લઈ શકે, ભલે ગમે તેટલા નવા હીરો આવે.
"હું જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે બહુ નાની હતી, નરેશભાઈ મારાથી મોટા હતા. મારો એમની (નરેશ કનોડિયા) સાથે પારિવારિક સંબંધ હતો."
"મેં ફરી વાર તેમના કહેવાથી ઇન્ડસ્ટ્રી જોઈન કરી હતી, એ અનુભવ એવો હતો કે લાગ્યું જ નહીં કે હું ઇન્ડસ્ટ્રીમાં નહોતી. હું નરેશભાઈને ક્યારેય નહીં ભૂલી શકું."
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્નેહાએ રણજિતરાજ અને નરેશ કનોડિયા સાથે કામ કર્યું હતું.
બોલીવૂડનાં જાણીતાં અભિનેત્રી અરુણા ઈરાનીએ નરેશ કનોડિયા સાથે કામ કર્યું હતું.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે નરેશભાઈ બહુ સારા માણસ હતા, આખો દિવસ હંમેશાં મજાકમસ્તીમાં કામ કરતા અને ખબર જ ન પડે કે સમય ક્યાં ગયો.
"ગુજરાતી ફિલ્મના ચાહકો નરેશ કનોડિયાને બહુ પસંદ કરતા, નરેશભાઈનો સ્વભાવ એવો હતો કે તેઓ લાઇટમૅનને પણ સામેથી હેલ્લો કરતા હતા."

નરેશ કનોડિયા સાથે માતાપુત્રીનો અભિનય
1969થી નરેશ કનોડિયાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ હતી, તેમની પહેલી ફિલ્મ હતી 'વેલીને આવ્યા ફૂલ.'
વેલીને આવ્યા ફૂલ ફિલ્મમાં એ જમાનાનાં જાણીતાં અભિનેત્રી જયશ્રી પરીખે પણ કામ કર્યું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે ફિલ્મના શૂટિંગ સમયે પણ નરેશભાઈ હંમેશાં નાના માણસનું ધ્યાન રાખતા હતા.
"શૂટિંગ સમયે જે માણસ લાઇટ ફિટિંગ કરતો હોય એને પણ તેઓ પૂછતા કે ચા પીધી કે નહીં. તેઓ હંમેશાં નાના માણસો સાથે પણ પ્રેમથી વર્તતા હતા. નાના માણસને આદર આપતા."
તો જયશ્રી પરીખનાં પુત્રી પિન્કી પરીખે પણ નરેશ કનોડિયા સાથે કામ કર્યું હતું. તેઓએ નરેશ કનોડિયાની ફિલ્મ 'રાજરાજવણ'માં તેમનાં હિરોઇનના રૂપમાં કામ કર્યું હતું.
તેઓ કહે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નરેશ કનોડિયા એક મોટું નામ છે, તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. નરેશભાઈનો એક જમાનો હતો.
ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયા વડોદરાની કરજણ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા અને ભાજપના ઈડરના ધારાસભ્ય છે.
તો નરેશ કનોડિયાનાં પુત્રવધૂ મોના થીબા પણ ફિલ્મ સાથે સંકળાયેલાં છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













