સમલૈંગિક વકીલ સૌરભ કિરપાલને કૉલેજિયમની ભલામણ છતાં સરકાર જજ કેમ નથી બનાવતી?

ઇમેજ સ્રોત, TWITTER/ SAURABH KIRPAL
- લેેખક, સુચિત્ર મોહંતી
- પદ, બીબીસી ગુજરાતી માટે

- 11 નવેમ્બર, 2021ના રોજ, મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાના નેતૃત્વ હેઠળના કૉલેજિયમે દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે સૌરભ કિરપાલના નામની ભલામણ કરી હતી
- સરકારે સૌરભ કૃપાલના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો
- આ પછી કૉલેજિયમે ફરી એકવાર સૌરભ કિરપાલના નામની ભલામણ કરી છે
- તેઓ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ LGBTQ કેસમાં વકીલોની ટીમમાં હતા

સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક સંદર્ભે ફરી એકવાર વકીલ સૌરભ કિરપાલનું નામ આગળ ધપાવ્યું છે. હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ ભારતના પહેલા ગે જજ બની શકે છે. વકીલોએ કૉલેજિયમના આ નિર્ણયને આવકાર્યો છે.
બીબીસી દ્વારા પ્રાપ્ત દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે તેના ભલામણ પત્રમાં વરિષ્ઠ વકીલ સૌરભ કિરપાલની દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરી છે.
કૉલેજિયમે લખ્યું છે કે LGBTQI (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિયર અને ઈન્ટરસેક્સ) લોકોના અધિકારો વિશે વાત કરવાના મામલે વકીલ તરીકે તેમણે જે કર્યું છે તે એક "માઈલસ્ટોન" છે. સૌરભ કિરપાલે પોતાની સમલૈંગિક તરીકેની ઓળખ છુપાવી નથી.
સૌરભ કિરપાલના નામની ભલામણના નિર્ણયને કાયદાકીય નિષ્ણાતોએ ફરી આવકાર્યો છે.
કૉલેજિયમ દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડૉ. ધનંજય યશવંત ચંદ્રચુડના નેતૃત્વમાં એક સમિતિ છે. જસ્ટિસ ચંદ્રચુડે ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટના જજના પદ માટે સૌરભ કિરપાલના નામના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી છે.
બીબીસીએ આ અંગે વકીલ સૌરભ કિરપાલની પ્રતિક્રિયા જાણવા માંગી હતી પરંતુ તેમણે આ મામલે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

સરકાર તરફથી શું કહેવાયું?

ઇમેજ સ્રોત, TWITTER/ SAURABH KIRPAL
સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ ભારતમાં ન્યાયાધીશોની નિમણૂક માટે નામોની ભલામણ કરે છે. કૉલેજિયમ સરકારને તમામ નામ મોકલે છે અને તે તેના પર અંતિમ મહોર લગાવે છે.
માનવામાં આવી રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સૌરભ કિરપાલના નામને આગળ ધરીને તેમના પક્ષમાં સૌથી મોટું પગલું ભર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોતાના પત્રમાં કૉલેજિયમે લખ્યું છે કે સરકારે સૌરભ કિરપાલના નામ સામે અગાઉ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેમના પાર્ટનર સ્વિટ્ઝરલૅન્ડના નાગરિક છે.
કૉલેજિયમનું કહેવું હતું કે કે સરકારને એ વાતની ચિંતા છે કે દેશમાં સમલૈંગિક લગ્નોને હજુ સુધી માન્યતા નથી મળી અને સૌરભ કિરપાલ "સમલૈંગિક અધિકારોના મુદ્દા સાથે જોડાયેલા છે".
સૌરભ કિરપાલના મામલામાં કૉલેજિયમનું કહેવું છે કે સરકાર એવું માનીને નથી ચાલી શકતી કે તેમના પાર્ટનર ભારત વિરોધી છે. સ્વિત્ઝરલેન્ડ પણ મિત્ર દેશ છે અને આ પહેલા પણ બંધારણીય પદ પર બેઠેલા ઘણા લોકોનાં પાર્ટનર અન્ય દેશોનાં નાગરિક રહી ચૂક્યાં છે.
કૉલેજિયમે ફરી એકવાર સરકારને યાદ અપાવ્યું છે કે દરેક ભારતીયને સેક્સને લઈને પોતાના વલણ પ્રમાણે સન્માન સાથે જીવવાનો અધિકાર છે.
કૉલેજિયમે કહ્યું, "સૌરભ કિરપાલ સેક્સ પ્રત્યેના તેમના અભિગમ વિશે ખુલ્લેઆમ વાત કરે છે, આ તેમનો નેક ઈરાદો છે અને તે બેન્ચ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે."
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં સમલૈંગિક સંબંધોને નોન-ક્રિમિનલ જાહેર કર્યા હતા. આ નિર્ણયને LGBTQI સમુદાય દ્વારા એક મોટી જીત ગણવામાં આવી હતી. કૃપાલ સિંહ આ કેસમાં બંને અરજદારોના વકીલ હતા.

કાનૂનના જાણકારો શું કહે છે

ઇમેજ સ્રોત, ANI
સૌરભ કિરપાલના નામની ભલામણ કરવાના કૉલેજિયમના નિર્ણયને કાયદાકીય નિષ્ણાતોએ આવકાર્યો છે.
ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કેસી કૌશિક સૌરભ કિરપાલને ઘણા વર્ષોથી ઓળખે છે. તેમણે બીબીસીને કહ્યું કે સૌરભ એક સારા વકીલ છે અને તેમને "આશા છે કે તેઓ એક ઉત્તમ જજ સાબિત થશે".
તેઓ કહે છે, "આ દેશ સમયની સાથે વિકસિત થતો ગયો છે. તેઓ જોરદાર વકીલ છે જેમને કાયદાની સારી સમજ છે."
વરિષ્ઠ વકીલ ગીતા લુથરાએ જણાવ્યું હતું કે, "સૌરભ એક સારા, સમજદાર, અસાધારણ અને મહેનતુ વકીલ છે જે આ પદને સંપૂર્ણપણે લાયક છે."
તેમણે બીબીસીને કહ્યું, "તેમના પાર્ટનરની પસંદગી એ સૌરભનો અંગત નિર્ણય છે અને હાઈકોર્ટના જજના પદ માટે તેમના નામની ભલામણ કરવામાં તેની કોઈ ભૂમિકા હોવી જોઈએ નહીં. આપણે તેમને તેમની યોગ્યતા અને ક્ષમતાના આધાર પર જોવા જોઈએ."
"સેક્સ પ્રત્યેના તેમના અભિગમના આધારે ન્યાયાધીશોની નિમણૂકમાં તેમની સાથે ભેદભાવ ન થવો જોઈએ. જેઓ આવા હોદ્દા માટે લાયક છે તેઓ કૉલેજિયમની આ ભલામણને આશાના કિરણ તરીકે જોશે."
જાણીતા અને દેશના ટોચના ક્રિમિનલ લૉયર કામિની જયસ્વાલ કહે છે કે સૌરભ જજના પદ માટે યોગ્ય ઉમેદવાર છે.
તેમણે બીબીસીને કહ્યું, "કેન્દ્ર સરકાર પાસે કોઈ વિકલ્પ નથી, સરકારે તેમને હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા પડશે. દેશનો કાયદો એમ કહે છે. તેઓ આ પદ માટે લાયક છે, સારા અને ઈમાનદાર વ્યક્તિ છે. હું તેમને નજીકથી જાણું છું."
તેઓ કહે છે, "આ નિર્ણય સાથે આના જેવા ઘણા વધુ લાયકાત ધરાવતા લોકો માટે દરવાજા ખોલવા બરાબર છે. પરંતુ ભલામણનો આધાર હંમેશાં આવો હોવો જોઈએ, જે વ્યક્તિ જજ બને છે તે એક સારા અને સમજદાર વકીલ અને ઈમાનદાર વ્યક્તિ હોવા જોઈએ."

કોણ છે સૌરભ કૃપાલ

ઇમેજ સ્રોત, AFP
સૌરભ કૃપાલે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ કાયદાની ડિગ્રી માટે સ્કોલરશિપ પર ઑક્સફૉર્ડ ગયા. તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.
1990ના દાયકામાં ભારત પરત ફરતા પહેલાં તેમણે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં થોડા સમય માટે કામ કર્યું હતું. ભારત આવ્યા બાદથી તેઓ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.
પાછલા વર્ષોમાં, તેમણે બંધારણીય, વ્યાપારી, નાગરિક અને ફોજદારી કાયદા સંબંધિત ઘણા કેસોમાં વકીલાત કરી છે.
સૌરભ કૃપાલ પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગીના સહાયક તરીકે પણ કામ કરી ચૂક્યા છે. કેસી કૌશિક કહે છે કે આ અનુભવે તેમની ક્ષમતામાં વધુ નિખાર લાવ્યો છે અને કાયદાની તેમની સમજમાં સુધારો કર્યો છે.
સૌરભ કૃપાલના પિતા ભૂપિન્દર નાથ કૃપાલ દેશના 31મા મુખ્ય ન્યાયાધીશ હતા. તેઓ 6 મે, 2002થી 7 નવેમ્બર, 2002 સુધી આ પદ પર હતા.

કૉલેજિયમે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે તેમની ભલામણમાં લખ્યું છે, "કિરપાલ સક્ષમ, ઈમાનદાર અને સમજદાર છે. તેમની નિમણૂક દિલ્હી હાઈકોર્ટની બેન્ચમાં મૂલ્યોનું સંવર્ધન કરશે અને કોર્ટને વધુ સમાવેશી અને વિવિધતાને સ્થાન આપતી બનાવશે. તેમનો વ્યવહાર હંમેશાં સંતોષકારક રહ્યો છે."
કૉલેજિયમે તેમના ત્રણ પાનાના ભલામણપત્રમાં લખ્યું છે કે સૌરભ કિરપાલના પાર્ટનર અન્ય દેશના નાગરિક છે, પરંતુ પહેલાં એવું માનવા માટે કોઈ કારણ નથી કે તેમના મનમાં આ દેશ માટે વૈમનસ્યનો ભાવ હશે, કારણ કે તેઓ જે દેશના છે તે તેમની સાથે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો છે."
કૉલેજિયમે લખ્યું છે કે, "વર્તમાન સમયમાં અને આજથી પહેલાં પણ, બંધારણીય કચેરીઓમાં વિવિધ હોદ્દા પર જેમના પાર્ટનરો અન્ય દેશોના હોય એવા લોકો રહ્યા છે. તેથી, આ સિદ્ધાંતનો મામલો છે અને તેના આધારે સૌરભ કિરપાલની ઉમેદવારી સામે સવાલ ન ઊભા થવા જોઈએ."














