અમદાવાદ : 1,414 કરોડ રૂપિયાનું કથિત ક્રિકેટ સટ્ટા કૌભાંડ કેવી રીતે એક નાનકડી ભૂલથી પકડાયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'સાહેબ મને તો કરોડ રૂપિયામાં કેટલા મીંડા હોય એની ખબર નથી , હું તો લૉન લેવા બૅન્કમાં લાઇન લગાવી ને ઊભો હતો , મને મારા દોસ્તે સસ્તા વ્યાજની લૉન આવવા દસ્તાવેજો લીધા હતા . કોને મારું બૅન્કમાં એકાઉન્ટ ખોલ્યું અને કરોડો રૂપિયાની લેવડદેવડ કરી એની મને ખબર નથી' .....પોલીસ અનુસાર અમદાવાદના નરોડામાં રહેતા આકાશ ઓઝાને જયારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે બોલાવ્યા એને લગભગ રડતા રડતા તેમણે આ નિવેદન આપ્યું.
અમદાવાદના નરોડામાં રહેતા અને નાનો એવો ધંધો કરતા આકાશ ઓઝા હજુ પણ આઘાતમાં છે.
ક્રિકેટના સટ્ટાબાજોની ચુંગાલમાં કથિત રૂપથી ફસાયેલા આકાશ ઓઝાનો સંપર્ક સાધવાનો પ્રયત્નો કર્યા બાદ પણ તેઓ વાત કરવા તૈયાર નહોતા થયા.
નરોડામાં રહેતા એક સામાજિક કાર્યકરની મદદથી આકાશે પોતે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આપેલા નિવેદનની લેખિત કૉપી વંચાવવા તૈયાર થયા. જે પ્રમાણે તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પોતાના નવા ધંધા માટે બૅન્કમાંથી લૉન લેવા માટે મથામણ કરતા હતા. નરોડામાં ફૂડ જૉઇન્ટ પર આકાશ બેસતા હતા, ત્યાં વૈભવી કારમાં કર્મેશ પટેલ અને આશિક પટેલ આવતા હતા.
આકાશનો બંને સાથે પરિચય થયો અને વાતચીતમાં આકાશે જણાવી દીધું કે તેમને લૉનની જરૂર છે. તેમણે કહ્યું કે એમને બૅન્કમાં ઓળખાણ છે તેથી તેઓ લૉન માટે કોઈપણ પ્રોસેસિંગ ફી અને જામીન વગર બીજી બૅન્કની સરખામણીમાં ઓછા વ્યાજે પાસ કરાવી આપશે. અને આકાશ ઓઝાએ આ બંને સાથે એક વર્ષની દોસ્તી હોવાથી ભરોસામાં આવી પોતાના ડૉક્યુમૅન્ટ આપી દીધાં હતાં.
આ ડૉક્યુમેન્ટના આધારે અમદાવાદના ઓઢવની એક ખાનગી બૅન્કમાં એપ્રિલ 2022માં ઓપનિંગ ઍકાઉન્ટમાં ખોટું ખાતું ખૂલ્યું અને 66 લાખ રૂપિયા જમા થયા. ત્રણ મહિનામાં આ બૅન્કમાં 170 કરોડ 70 લાખ 43 હાજરનાં ટ્રાન્ઝૅક્શન થયાં હતાં. આ બૅન્ક ઍકાઉન્ટ અને આખા બૅન્ક ટ્રાન્ઝૅક્શનથી આકાશ ઓઝા અજાણ હતા.'સાહેબ મને તો કરોડ રૂપિયામાં કેટલા મીંડા હોય એની ખબર નથી, હું તો લૉન લેવા બૅન્કમાં લાઇન લગાવી ને ઊભો હતો, મને મારા દોસ્તે સસ્તા વ્યાજની લૉન આવવા દસ્તાવેજો લીધા હતા. કોણે મારું બૅન્કમાં એકાઉન્ટ ખોલ્યું અને કરોડો રૂપિયાની લેવડદેવડ કરી એની મને ખબર નથી ... પોલીસ અધિકારીઓ અનુસાર અમદાવાદના નરોડામાં રહેતા આકાશ ઓઝાને જયારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે બોલાવ્યા ત્યારે તેમણે લગભગ રડતા રડતા આ નિવેદન આપ્યું હતું.

- મેહુલ પૂજારા ટેકનૉલૉજીથી ઑનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો
- વૉલ્ફ 777 ડૉટ કૉમ નામની ઍપથી અને ટેલિગ્રામ પર આ ઍપથી ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો
- ઑનલાઇન સટ્ટો રમાડતો હોવાથી પૈસા બૅન્કમાં જમા થતા હતાં
- ત્રણ બનાવટી ખાનગી કંપની બનાવી હતી અને આ સટ્ટામાંથી આવતા પૈસા આ કંપનીઓનાં ઍકાઉન્ટમાં જમા કરાવતો હતો
- ત્રણ મહિનામાં આઠ કંપનીમાં કુલ 1414 કરોડ 41 લાખ રૂપિયાથી વધુ રકમના ટ્રાન્ઝેક્શન થયાં હતાં
- ક્રિકેટ સટ્ટો રમવા માટે વૉલ્ફ 777 ડૉટ કૉમના આઈડી અને પાસવર્ડ આપેલા હતા
- કુલ 11 કંપનીના કરંટ ઍકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન થતું હતું
- હરિકેશ દુબઈમાં બેઠેલા રાકેશ રાજદેવ અને ખન્ના નામની વ્યક્તિઓની સૂચનાના આધારે કામ કરતો હતો
- રાકેશ રાજદેવ વિદેશમાં છે અને પોલીસ તેમની સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી રહી છે


એક ભૂલથી પકડાયો 1400 કરોડોના સટ્ટાનો ખેલ

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારી પાસે ડિસેમ્બર મહિનામાં ઑનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતા બુકી મેહુલ પૂજારાની ધરપકડ થઈ હતી. મેહુલ પૂજારા ટેકનૉલૉજીથી ઑનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો. વૉલ્ફ 777 ડૉટ કૉમ નામની ઍપથી અને ટેલિગ્રામ પર આ ઍપથી ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો.
તેઓ આગળ કહે છે કે, "મેહુલ પૂજારા મોટાપાયે સટ્ટો રમાડતો હતો પણ ઑનલાઇન સટ્ટો રમાડતો હોવાથી પૈસા બૅન્કમાં જમા થતા હતા. અમે મેહુલ પૂજારાના ફોન અને બૅન્કમાં પૈસાનાં ટ્રાન્ઝૅક્શન જોયાં. બહુ સિફતથી થતાં બૅન્ક ટ્રાન્ઝૅક્શનને જો ધ્યાનથી જોવામાં ના આવે તો તે ભલભલાને ચક્કર ખવડાવી દે તેવાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે કે, પણ મેહુલ પૂજારાએ એક બૅન્ક ટ્રાન્ઝૅક્શનમાં કરેલી ભૂલથી અમે 1,414 કરોડ 41 લાખના ક્રિકેટ સટ્ટાના કૌભાંડને પકડ્યું છે. મેહુલ પૂજારાએ પરદેશનાં લાગે એવાં બે વૉટ્સઍપ ઍકાઉન્ટ લીધાં હતાં.
આ બંને વૉટ્સઍપ ઍકાઉન્ટ નંબર પરથી વૉલ્ફ 777 ડૉટ કૉમની ઍપ અને ટેલિગ્રામ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો. ત્રણ બનાવટી ખાનગી કંપની બનાવી હતી અને આ સટ્ટામાંથી આવતા પૈસા આ કંપનીઓનાં ઍકાઉન્ટમાં જમા થતા હતા.
મેહુલ પૂજારાના વૉટ્સઍપ નંબરમાં ક્રિકેટ સટ્ટાના જે પૈસા આવતા હતા તેની વિગતો આ વૉટ્સઍપ નંબરમાં હતી. આ વૉટ્સઍપ નંબરની તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ ઉત્તર ગુજરાતના ભાભરના રહેવાસી નયન ઠક્કરની પાસેથી તેમણે 70 હજાર રૂપિયા ભાભરની એક ખાનગી બૅન્કની શાખામાંથી સુખસાગર હૉલિડેઝ કંપનીમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.

ક્રિકેટ સટ્ટો રમવા માટે ખાસ આઈડી અને પાસવર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
નયન ઠક્કરને ક્રિકેટ સટ્ટો રમવા માટે વૉલ્ફ 777 ડૉટ કૉમના આઈડી અને પાસવર્ડ આપેલા હતા. સુખસાગર હૉલિડેઝ કંપનીની તપાસ કરી તો એમાં માત્ર ત્રણ મહિના માં 170 કરોડથી વધુ રૂપિયાના ટ્રાન્ઝૅક્શન થયાં હતાં.
સુખસાગર હૉલિડેઝ કંપનીમાંથી શક્તિ ઍન્ટરપ્રાઇઝ અને નોવા ઍન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન થયાં હતાં. આ કંપનીઓનાં ઍકાઉન્ટ મેહુલ પૂજારાના વૉટ્સઍપ નંબર સાથે જોડાયેલાં હતાં.
આ ત્રણ કંપનીમાંથી ત્રણ મહિનામાં બીજી આવી આઠ કંપનીમાં કુલ 1414 કરોડ 41 લાખ રૂપિયાથી વધુ રકમનાં ટ્રાન્ઝેક્શન થયાં હતાં. માત્ર ત્રણ મહિનામાં થયેલાં 1414 કરોડથી વધુ રૂપિયાની લેવડદેવડની તારીખો જોઈ તો દેશ વિદેશમાં અલગઅલગ જગ્યાએ રમાયેલી ક્રિકેટ મૅચની તારીખો હતી.
આ પૈસા ઑનલાઇન સટ્ટા માટે જમા કરાવાયેલા હતા. છેલ્લું ટ્રાન્ઝૅક્શન સુખસાગર હૉલિડેઝ કંપનીમાં હતું અને એમાં રોકડામાં ટ્રાન્ઝૅક્શન થયાં પછી ક્રિકેટના સટ્ટાની ઍપ અને ટેલિગ્રામ ઍપના આઈડી અને પાસવર્ડ અપાયેલા હતા.
અમદાવાદના ઓઢવની ખાનગી બૅન્કમાં આ કંપની જેના નામે હતી એની તપાસ કરી તો ખબર પડી કે નરોડામાં રહેતી અને નાનો ધંધો કરનાર એક વ્યક્તિના નામે ઍકાઉન્ટ હતું. તેમને લૉન લેવા માટે પોતાના નરોડાના આશિક પટેલ અને કર્મેશ પટેલને પોતાનું આધાર કાર્ડ અને પાનકાર્ડ આપ્યું હતું.
કર્મેશ પટેલ અને આશિક પટેલે લૉન લેવા માગતા આકાશ ઓઝાની ખોટી સહીઓ કરીને આ ઍકાઉન્ટ ખોલાવ્યું હતું.

સટ્ટાના પૈસા પરદેશ મોકલ્યા

ઇમેજ સ્રોત, Getty Images
કર્મેશ અને આશિક પટેલ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા અને હરિકેશ પટેલ તમામ ખાતાઓની અંદર પૈસા ટ્રાન્સફર કરતા. કુલ 11 કંપનીના કરંટ ઍકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન થતું હતું. હરિકેશ દુબઈમાં બેઠેલા રાકેશ રાજદેવ અને ખન્ના નામની વ્યક્તિઓની સૂચનાના આધારે કામ કરતો હતો.
માંડલિક કહે છે કે, રાકેશ રાજદેવ વિદેશમાં છે અને તેમની સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી રહ્યા છીએ. અમને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો બૅન્કમાંથી લૉન લેવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ બનાવી તેમના ડૉક્યુમૅન્ટના આધારે બનાવટી કંપની ખોલી કરંટ ઍકાઉન્ટ ખોલી ત્રણ ચાર મહિના સુધી એ ઍકાઉન્ટમાં પૈસાની હેરફેર કરતા અને પછી ઍકાઉન્ટ બંધ કરાવી દેતા હતા. જેથી ઇન્કમટૅક્સ કે બીજી નાણાકીય વ્યવસ્થા જોતી એજન્સીની નજરમાં ઝડપથી આવી ના જવાય.
તેઓ ઉમેરે છે, "અત્યારે અમને 11 બનાવટી બૅન્ક ઍકાઉન્ટ્સની વિગતો મળી છે. આવાં નકલી ઍકાઉન્ટ્સ બંધ કરીને ક્રિકેટના સટ્ટાના પૈસા પરદેશ મોકલ્યા હોય એવું જણાય છે. એટલે અમે આની વધુ તપાસ માટે એમના બૅન્ક ઍકાઉન્ટનાં ટ્રાન્ઝૅક્શન ભૂતકાળમાં ક્યાં થયાં છે અને પરદેશમાં થયાં છે કે નહીં, તે જાણવા માટે ગુજરાત ફૉરેન્સિક લૅબોરેટરીમાં ફૉરેન્સિક એકાઉન્ટ ઑડિટ કરાવી રહ્યા છીએ. જેનો રિપોર્ટ આવતા 1414 કરોડ રૂપિયાથી વધુના ક્રિકેટના સટ્ટાની વિગતો બહાર આવશે."
ગુજરાત ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધતા એમને આ કેસની તપાસ ચાલુ હોવાથી કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
ફૉરેન્સિક ઑડિટ ઍક્સપર્ટ એન.કે.મિસ્ત્રીએ કહ્યું કે ફૉરેન્સિક ઑડિટથી મુખ્યત્વે કંપનીઓના નામે થતા આર્થિક કૌભાંડો, ગેરકાયદે બૅન્ક ટ્રાન્ઝૅક્શન તથા આર્થિક ગુનાના કોર્ટમાં સબળ પુરાવા રજૂ કરી શકાય છે.
તેઓ કહે છે કે, હવે ઈ-બૅન્કિંગમાં ક્યાં આઈ.પી.ઍડ્રેસથી કઈ બૅન્કમાં કોને પૈસા ટ્રાન્સફર કર્યાં છે એના ઝીણવટભર્યા પુરાવા રજૂ કરી શકાય છે જેથી ભારતથી વિદેશ અથવા વિદેશથી ભારત મોકલાવેલા તમામ પૈસાની જાણકારી મેળવી શકાય છે.
તેમનું કહેવું છે કે, આ પુરાવાના આધારે કોર્ટમાં સબળ પુરાવા રજૂ કરી શકાય છે. જેમાં ક્રિમિનલ પ્રોસિજરની કલમની જોગવાઈ જુદી છે પણ ફૉરેન્સિક ઑડિટમાં આર્થિક ગુનામાં મનીલૉન્ડરિંગ ઍક્ટ 2002, કલમ 405, 417, 463, 471 લગાવી શકાય છે, જે ક્રિમિનલ બ્રીચ ઑફ ટ્રસ્ટ, ફોર્જરી અને ફ્રૉડ અંડર કંપની ઍક્ટ જેવા ગુનામાં વધુ સજા થઈ શકે છે. એટલે હવે મોટી કૉરપોરેટ કંપનીઓ પણ ફૉરેન્સિક ઑડિટ કરાવે છે.
આ વાત સાથે ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. ચૈતન્ય માંડલિક પણ સહમત થાય છે. તેમણે કહ્યું કે, અમે 406, 465, 467, 471 જેવી સખ્ત સજા થાય એવી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે પણ ફૉરેન્સિક ઑડિટ થયા પછી અમે સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ લગાડી આ કેસને વધુ મજબૂત કરીશું જેથી ક્રિકેટના સટ્ટા જેવી બદી દૂર થાય.

રાકેશ રાજદેવ મુખ્ય સુત્રધાર?

ઇમેજ સ્રોત, Getty Images
એક અહેવાલ પ્રમાણે રાકેશ રાજદેવ આ સમગ્ર સ્ટ્ટાકાંડનો મુખ્ય સુત્રાધાર છે, જે હાલમાં દુબઈ શિફ્ટ થઈ ગયો હોવાનું માનવામાં આવે છે.
રાજકોટના દૈનિક ફૂલછાબમાં ક્રાઇમ રિપોર્ટિંગ કરતા જાણીતા પત્રકાર દીપક ત્રિવેદી અનુસાર, રાજકોટના કરણપરા અને પૅલેસ રોડ વિસ્તારમાં પહેલાં કથિત રીતે વરલી મટકાનો જુગાર રમાડતા રાકેશ રાજદેવ રાજકોટમાં આર.આર. તરીકે ઓળખાય છે. રાજકોટમાં રાકેશ રાજદેવ પહેલાં એમના મોટા ભાઈ રાજુ રાજદેવ કથિત રીતે રાજકોટમાં વરલી મટકાનો જુગાર રમાડતા હતા.
તેઓ આગળ કહે છે કે, મોટા ભાઈની આંગળી પકડીને કથિત રીતે રાકેશ રાજદેવ વરલી મટકાના જુગારના ધંધામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. બંને ભાઈઓ પૈસા કમાયા પછી એમના પિતા પ્રતાપ રાજદેવના નામથી રાજકોટના ગુંદાવળી વિસ્તારમાં એક ચૅરિટેબલ ટ્રસ્ટ પણ ચાલવતા રાકેશ રાજદેવ ધોરાજીના ઉર્સના મેળામાં ખૂબ શ્રદ્ધા રાખતા હતા.
પૈસા કમાયા પછી એમના મોટા ભાઈ રાજુ રાજદેવ પૂણે જતા રહ્યા હતા. આગળ તેમણે જણાવ્યું કે, ત્યાં એમણે બિલ્ડિંગ કંસ્ટ્રક્શનનું કામ શરૂ કર્યું હતું જ્યાં કોઈની સાથે અદાવત થતાં એમને માર મારવામાં આવ્યો હતો જેના થોડા સમયમાં એમનું અવસાન થઈ ગયું.
તેઓ કહે છે કે, મોટા ભાઈ પૂણે ગયા પછી રાકેશ રાજદેવે આજથી દસ વર્ષ પહેલાં એમને રાજકોટના કેટલાક લોકો સાથે અદાવત થઈ હતી. જેને પગલે તેઓ રાજકોટ છોડીને કેટલાક સમય માટે બહાર ચાલ્યા ગયા હતા.
ક્રિકેટ સટ્ટામાં અમદાવાદના બુકી દિનેશ કલગીનો ગુજરાતમાં સિતારો ઓછો થતો ગયો એમ ક્રિકેટના સટ્ટામાં બે નામ ઊભર્યાં, જીતુ થરાદ અને દિનેશ ખંભાત.
હોટલની સાથે સાથે ક્રિકેટસટ્ટાના ધંધામાં ઘૂસેલા રાકેશ રાજદેવે ટેકનૉલૉજીનો સહારો લીધો.
આગળ તેઓ કહે છે કે, કથિત રીતે પોતાની સટ્ટાની ઍપ બનાવી ખુદ સટ્ટો રમાડતા અને પોતાના માણસો રાખીને ક્રિકેટનો સટ્ટો રમાડતા. આર્થિક અને કાનૂનના જાણકારની ટીમ રાખીને તેઓ પોતાનો વહીવટ કરતા. રાજકોટ લગભગ એમણે છોડી દીધું છે. ગોવામાં પોતાની હોટલ ચલાવતા રાકેશ રાજદેવ દુબઈ ગયા, એમનાં પત્ની દુબઈમાં સ્થાઈ થયાં છે અને રાકેશ રાજદેવ ગોવા અને દુબઈ અને નેધરલૅન્ડમાં વધુ રહે છે.
તેઓ કહે છે ગરીબોને મદદ કરતા અને કોરોના સમયે રાકેશ રાજદેવે પરપ્રાંતીય મજૂરોને વતન જવા માટે મદદ કરી હતી. કોરોના અને લૉકડાઉનમાં મજૂરોને અનાજથી માંડી એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપી હોવાનું કહેવામાં આવે છે.
આવાં કામો થકી તેઓ રૉબિનહૂડની છબી ઊભી કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. પરપ્રાંતીય મજૂરો અને ગરીબ લોકો માટે એમના પિતાનું ટ્રસ્ટ આજે પણ કામ કરે છે.

કેવી રીતે થાય છે ફ્રૉડ?

જાણીતા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ તરંગ કોઠારીએ કહ્યું, કોઈપણ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખોલવી હોય તો આરઓસી જોઈએ, મૅમોરેન્ડમ ઑફ ઍસોસિયેશન અને આર્ટિકલ ઑફ ઍસોશિયેશન અને ડિરેક્ટર તથા પાર્ટનરની ડીટેલ જોઈએ.
આવી રીતે આર્થિક ગુના કરનાર લોકો લૉન અથવા બીજા કારણસર કોઈના દસ્તાવેજ લઈ કાગળ પર ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ લઈ કરંટ ઍકાઉન્ટ ખોલાવીને આવા નાણાકીય વહેવાર કરે અને બૅન્ક એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ફેરવે પછી ત્રણ મહિનામાં કંપનીનું ઍકાઉન્ટ બંધ કરાવે તો ઝડપથી ઇન્ક્મટૅક્સ અને બીજી એજન્સીની નજરમાં નથી આવતા.
જયારે આવા મામલા પકડાય છે ત્યારે પોતાના પૅનકાર્ડ અને આધાર કાર્ડ આપનાર માણસની આવક જ એવી નથી હોતી કે એ કરોડો રૂપિયાનો વહેવાર કરી શકે એટલે આવા ફ્રૉડથી બચવા માટે કોઈ પણ વ્યક્તિને પોતાનાં આધારકાર્ડ અને પૅનકાર્ડ જેવા પુરાવા ના આપવા જોઈએ. આ ઉપરાંત લૉન કે અન્ય કાગળના ફૉર્મમાં સહી કરતા પહેલાં એને પૂરું ભરવું જોઈએ જેથી આવા ફ્રૉડથી બચી શકાય.
દેશની બે જાણીતી ખાનગી બૅન્કમાં પ્રિવિલેજ ઍકાઉન્ટના કસ્ટમર કૅરના હેડ તરીકે કામ કરી ચૂકેલા મહેક ગાંધીએ કહ્યું કે, સામાન્ય રીતે આધાર કાર્ડ, પૅનકાર્ડ અને ગુમાસ્તાધારાના સર્ટિફિકેટ પર બૅન્કમાં કંપનીના નામે ઍકાઉન્ટ ખોલાવવું સહેલું છે કારણ કે બૅન્ક આટલા જ પુરાવા માગે છે.
એમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઍકાઉન્ટ જેટલા પુરાવા માગતી નથી. કારણ કે એવી કોઈ જોગવાઈ નથી જેના કારણે નાના માણસોના નામે પણ બનાવટી કંપની બનાવી કરંટ ઍકાઉન્ટ બનાવી શકાય છે, પણ આ પ્રકારે આર્થિક ગુનો આર્થિક બાબતોના જાણકાર જ કરી શકે છે.
આવા આર્થિક ગુના એ જ લોકો કરી શકે જે આવી બાબતોના નિષ્ણાત કરી શકતા હોય. પણ આશ્ચર્યની વાત એ છે કે આ 1414 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાકાંડનો માસ્ટર માઇન્ડ રાકેશ રાજદેવ રાજકોટના સામાન્ય વરલી મટકાનું સ્ટૅન્ડ ચાલવતા ચાલવતા ક્રિકેટનો મોટો બુકી બની ગયો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














