ગુજરાત સહિત ભારતમાં આટલાં બધાં પેપર કેમ લીક થાય છે?

પેપર લીક
    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ડિસેમ્બરની ઠંડીની સવારે રાજસ્થાન પોલીસે ઉદયપુર શહેર તરફ જતી બસને જોઈ અને તેનો પીછો કર્યો.

આગલી રાતે પોલીસને બાતમી મળી હતી કે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા તેના થોડા કલાકો પહેલાં વહેલી સવારે લીક થવાનું છે. 24 ડિસેમ્બરની એ પરીક્ષા માટે લગભગ 1,193 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા.

ભારતમાં સરકારી નોકરીને ઘણી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે અને એટલે મહત્ત્વાકાંક્ષી ઉમેદવારો ચોરીના રસ્તા અપનાવતા હોવાના કિસ્સાઓ પણ સામાન્ય છે. ઘણા નોકરીવાંછુઓ પાસ થવા માટેની એક રીત પરીક્ષાનું પેપર ફોડવાની, પ્રશ્નપત્રો ખરીદવા અથવા તેમના વતી કોઈને પૈસા આપીને પરીક્ષા આપવા બેસાડવા... વગેરેનો સમાવેશ થાય છે.

ઉદયપુરમાં બસ એક પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહી હતી અને પોલીસને શંકા હતી કે પેપર લીક કરનારા લોકો તેમાં સવાર હતા.

શરૂઆતમાં પોલીસે થોડું અંતર જાળવીને રાહ જોઈ અને બસ બિલ્ડિંગ ફરતે ગોળગોળ ફરતી રહી એટલે બસ આંતરી.

એક પોલીસ અધિકારીએ નામ ગુપ્ત રાખવાની શરતે બીબીસીને જણાવ્યું "અંદર, અમને ચાર સરકારી શાળાના શિક્ષકો મળ્યા જેઓ ઓછામાં ઓછા 20 ઉમેદવારોના પ્રશ્નપત્રો લખી રહ્યા હતા."

ઉમેદવારોએ કેન્દ્રમાં તપાસની ફરજ પર મુકાયેલા શિક્ષકોને પેપર લખવા માટે કથિત રીતે નાણા ચૂકવ્યા હતા. પોલીસે કેટલા રૂપિયામાં પેપર લખવાનો સોદો થયો હતો તેનો ઉલ્લેખ કર્યો નથી.

આશરે 20 "ડમી" ઉમેદવારો અસલ ઉમેદવારો સાથે બસમાંથી ઝડપાયા હતા. પોલીસે તેમના પર નકલી ઓળખપત્રો ધરાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

તે સવારે કૌભાંડના સંબંધમાં કુલ 48 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે અધિકારીઓએ પરીક્ષા પ્રક્રિયા રદ કરી હતી.

લાઇન
  • ગુજરાતમાં પેપર લીકને કારણે 2014થી શાળાના શિક્ષકો અને જુનિયર ક્લાર્કની ભરતીના ઓછામાં ઓછા નવ પ્રયાસો રદ કરવામાં આવ્યા છે
  • મધ્યપ્રદેશ 2009માં એક વ્યાપક ભરતી કૌભાંડથી હચમચી ઉઠ્યું હતું, જેમાં તબીબી પરીક્ષા આપતા ઉમેદવારોએ તેમના પેપર લખવા માટે પડોશી રાજ્યોના વિદ્યાર્થીઓને ભાડે રાખ્યા હતા
  • બિહારમાં વિદ્યાર્થીઓને છેતરપિંડીથી રોકવા માટે કેટલીકવાર પરીક્ષા કેન્દ્રો પર ચંપલ અને મોજા શુધ્ધા પહેરવાની મંજૂરી આપવામાં આવતી નથી
  • પેપર લીકની સમસ્યાનો સામનો કરવા માટે કોઈ સ્પષ્ટ કાયદા નથી
  • મોટાભાગના કેસો ચોરી અને છેતરપિંડી જેવા જામીનપાત્ર ગુના તરીકે નોંધવામાં આવે છે
  • ઉત્તરાખંડ જેવા કેટલાક રાજ્યોએ ગુનેગારોને આજીવન કેદની સજા આપવા માટે કાયદો પસાર કર્યો છે
લાઇન

આરોપીઓ માથે 1 લાખનું ઈનામ

સરકારી પરીક્ષામાં ચોરી કરવા શિક્ષકો અને ઉમેદવારોને લઈ જતી બસ
ઇમેજ કૅપ્શન, સરકારી પરીક્ષામાં ચોરી કરવા શિક્ષકો અને ઉમેદવારોને લઈ જતી બસ

બે મુખ્ય આરોપીઓ હજુ પકડથી દૂર છે - સત્તાવાળાઓએ તેમના માથે 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે એમ ઉદયપુર પોલીસ વડા વિકાસ શર્માએ બીબીસીને જણાવ્યું હતું.

આ ઘટના પેપર ફોડવાના કૌભાંડોની તાજેતરની કડી હતી. 2018 પછીથી રાજસ્થાનમાં પેપર લીક થવાને પગલે પરીક્ષાના ગણતરીના દિવસો કે કલાકો પહેલા ઓછામાં ઓછી 12 ભરતી પ્રક્રિયાઓ રદ કરવામાં આવી છે.

મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ વિલંબથી હતાશ છે અને ભરતી પ્રક્રિયામાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે.

30 વર્ષીય અને એક બાળકની માતા સંતોષ કુમાવત કહે છે, "મને નથી લાગતું કે હું ફરીથી પરીક્ષા આપવા માટે આવીશ." સંતોષ કુમાવત રાજસ્થાનમાં પરીક્ષા આપવા માટે બે વખત આવી રીતે ધરમ ધક્કો ખાઈ ચૂક્યા છે.

સંતોષ કહે છે, "પહેલી વખત પરીક્ષા રદ કરાઈ હતી. બીજી વખત પેપર લીક થવાથી અમારા હાથમાંથી ઉત્તરવહીઓ લઈ લેવાઈ."

આ સમસ્યા એકલા રાજસ્થાનની નથી. જ્યાં લાખો બેરોજગાર છે અને સુરક્ષિત નોકરીની શોધમાં છે એ સમગ્ર ભારત પેપર લીક માટે કુખ્યાત છે.

પોલિટિકલ સાયન્ટિસ્ટ પંકજ કુમાર નાગરિક સેવાઓ માટે ભરતી કરતા ઉત્તર પ્રદેશ રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનના વડા છે. તેઓ કહે છે, "સરકારી નોકરીની ઘેલછા લોકોને પાગલ બનાવે છે".

ભારતમાં સરકારી નોકરીઓ આજીવન માટે હોય છે અને પંકજ કુમાર કહે છે કે લાખો લોકો ઘણીવાર નોકરી મેળવવા માટે વર્ષો સુધી રાહ જુએ છે અને "છેતરપિંડી આચરવા માટે પૈસા ખર્ચવા એ કેટલાક ઉમેદવારોનું સૂત્ર બની જાય છે".

line

2014થી ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 વાર રદ કરાઈ

ભૂતકાળમાં પેપર લીક મામલે પ્રદર્શનો થયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂતકાળમાં પેપર લીક મામલે પ્રદર્શનો થયા હતા

ગુજરાતમાં પેપર લીકને કારણે 2014થી શાળાના શિક્ષકો અને જુનિયર ક્લાર્કની ભરતીના ઓછામાં ઓછા નવ પ્રયાસો રદ કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પરીક્ષાના કલાકો પહેલા શિક્ષકોની ભરતી માટેના પ્રશ્નપત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી સરકારે ગયા વર્ષે તપાસ નિમવી પડી હતી.

મધ્યપ્રદેશમાં પણ કહાણી અલગ નથી. મધ્યપ્રદેશ 2009માં એક વ્યાપક ભરતી કૌભાંડથી હચમચી ઉઠ્યું હતું, જેમાં તબીબી પરીક્ષા આપતા ઉમેદવારોએ તેમના પેપર લખવા માટે પાડોશી રાજ્યોના વિદ્યાર્થીઓને ભાડે રાખ્યા હતા. પેપર પણ લીક થઈ ગયા હતા અને ઉમેદવારોને ઊંચા ભાવે વેચવામાં આવ્યા હતા. સરકારે હજારોની ધરપકડ કરી હતી.

બિહાર અને ઉત્તર પ્રદેશ પણ પેપર લીક મામલે એટલા જ કુખ્યાત છે.

બિહારમાં વિદ્યાર્થીઓને છેતરપિંડીથી રોકવા માટે કેટલીકવાર પરીક્ષા કેન્દ્રો પર ચંપલ અને મોજા સુધ્ધા પહેરવાની મંજૂરી આપવામાં આવતી નથી. ભૂતકાળમાં સરકારે બાળકોને ચોરીમાં કથિત રીતે મદદ કરવા બદલ દંડ, જેલની સજા અને માતાપિતાની અટકાયત પણ કરી છે.

ઉત્તર પ્રદેશમાં પરીક્ષાઓ ઘણીવાર સીસીટીવી દેખરેખ હેઠળ લેવામાં આવે છે.

પોલીસનું કહેવું છે કે પરીક્ષા કેન્દ્રોમાં પ્રશ્નપત્રો લઈ જવામાં આવે ત્યારે સામાન્ય રીતે ભૂલો થઈ જાય છે. ઉદયપુરની જેમ વિદ્યાર્થીઓ તેમની નકલી ઓળખને એટલી બધી મજબૂત બનાવે છે કે અધિકારીઓ માટે તેમને પકડવાનું લગભગ અશક્ય બની જાય છે.

પેપર લીકની સમસ્યાનો સામનો કરવા માટે કોઈ સ્પષ્ટ કાયદા નથી. કારણ કે મોટાભાગના કેસો ચોરી અને છેતરપિંડી જેવા જામીનપાત્ર ગુના તરીકે નોંધવામાં આવે છે.

ઉત્તરાખંડ જેવા કેટલાક રાજ્યોએ ગુનેગારોને આજીવન કેદની સજા આપવા માટે કાયદો પસાર કર્યો છે, પરંતુ ટીકાકારો કહે છે કે આનાથી પરિસ્થિતિમાં સુધારો થયો નથી.

રાજસ્થાનમાં પેપર લીકની તપાસ કરતા વરિષ્ઠ અધિકારી અશોક રાઠોડ કહે છે કે સરકારે સમસ્યાનો સામનો કરવા માટે દેખરેખની નવી રીતો અમલમાં મુકવાની જરૂર છે.

તેઓ કહે છે, "અમે સરકારને પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રને સામેલ કરવા કહ્યું છે. જેથી જેમ મત ગણતરી ન થાય ત્યાં સુધી બૅલેટ બૉક્સ સુરક્ષિત રાખવામાં આવે છે તેવી રીતે પ્રશ્નપત્રો ચોરી કરનારાઓની પહોંચની બહાર રહે."

પરંતુ નિષ્ણાતો કહે છે કે આ સમસ્યા ભારતમાં નોકરીથી વંચિત લાખો લોકોની બેરોજગારીની કટોકટીને પણ ઉજાગર કરે છે.

line

10 લાખ નોકરીઓ ભરતીના વાંકે ખાલી

સંતોષ કુમાવત કહે છે કે તેઓ વારંવાર પરીક્ષાઓ રદ થવાથી કંટાળી ગયા છે
ઇમેજ કૅપ્શન, સંતોષ કુમાવત કહે છે કે તેઓ વારંવાર પરીક્ષાઓ રદ થવાથી કંટાળી ગયા છે

સ્વતંત્ર થિંક ટેન્ક સેન્ટર ફૉર મોનિટરિંગ ઈન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ) અનુસાર, ડિસેમ્બર 2022માં ભારતનો બેરોજગારી દર લગભગ 8% સુધી વધ્યો હતો. જે 2021માં 7% કરતા ઓછો હતો.

ભારતમાં લગભગ 2 કરોડ લોકો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં નોકરી કરે છે અને અધિકારીઓના અંદાજ અનુસાર, આ તકે ઓછામાં ઓછી 10 લાખ નોકરીઓ ભરતીના વાંકે ખાલી પડી છે.

લેખક અને રાજકીય વિવેચક ગુરચરણ દાસ કહે છે, "ઉદારીકરણના 30 વર્ષ પછી પણ ભારતમાં તેની 1.4 અબજની વસ્તી માટે પૂરતી નોકરીઓ નથી."

તેઓ ઉમેરે છે કે આ દેશમાં સરકારી નોકરીઓ એટલા માટે વધુ મનાય છે કારણ કે અહીં ત્રણ-ચતુર્થાંશ કર્મચારીઓ સ્વ-રોજગાર ધરાવે છે, જેમાં કોઈ સામાજિક સુરક્ષા લાભો નથી અથવા તો સાવ ઓછા છે.

તેઓ કહે છે, "સરકારી નોકરીઓથી વિપરીત ખાનગી નોકરીમાં સુરક્ષા અને પેન્શનની આજીવન ગૅરંટી નથી."

નોકરીવાંછુઓ કહે છે કે પેપર લીક અને પરીક્ષાઓ વારંવાર રદ થવાને કારણે તેમનું ભવિષ્ય અંધકારમય લાગે છે. તેઓને આ પદો માટે અરજી કરવા માટે ટૂંક સમયમાં વય મર્યાદા વટાવી જવાનો પણ ડર લાગે છે.

રાજસ્થાનના બિકાનેર શહેરના 30 વર્ષીય યુવક દેવેન્દ્ર શર્મા ઓછામાં ઓછું કૌશલ્ય ધરાવતી સરકારી નોકરી માટે એક દાયકાથી અરજી કરી રહ્યા છે.

દેવેન્દ્ર શર્માએ કહ્યું, "સરકારી નોકરી માટે લાયક બનવા માટે હું વર્ષો સુધી કોચિંગ ક્લાસમાં ગયો, પરંતુ મારી મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ ગઈ."

તેઓ ઉમેરે છે, "મારા માતા-પિતા નિષ્ફળ જવા માટે મને દોષ આપે છે, પણ ખરેખર દોષ તો સિસ્ટમનો છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન