ઇટાલિયન માફિયા 'ધ ગૉડફાધર'ની દુનિયા કેવી હોય છે?

માફિયા

ઇમેજ સ્રોત, CARABINIERI HANDOUT

ઇમેજ કૅપ્શન, કાયદાના સકંજામાં 'ધ ગૉડફાધર'
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે
BBC
  • જાન્યુઆરી મહિનાના મધ્યભાગમાં માફિયા માટે કુખ્યાત ઇટાલીના સિસલીમાંથી 'માફિયા બૉસોના પણ બૉસ' તરીકે ઓળખાતા માતેયો મેસિના દનારોની ધરપકડ કરવામાં આવી છે
  • ઇટાલિયનો માટે ધરપકડના સમાચાર જેટલા નાટકીય હતા, એટલા જ દીલધડક તેને પકડવા માટેના પ્રયાસ અને કાયદાના ચુંગાલમાં ફસાવાનો ઘટનાક્રમ હતા
  • છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇટાલીની સરકાર સમગ્ર તંત્ર ઉપર નાગચૂડ જમાવી ચૂકેલા માફિયાઓની સામે જંગ હાથ ધર્યો છે
  • ઇટાલિયન માફિયાઓ 'ઑમર્ટા'ના આચરણ માટે વિખ્યાત છે, જે તેમને અંડરવર્લ્ડની ગૅંગોથી અલગ પાડે છે
  • એટલે મેસિના દનારોની ધરપકડ પછી કોઈ નક્કર માહિતી મળશે કે કેમ તે અંગે ટીકાકારો સંશયિત છે
  • કોણ છે મેસિના દનારો? શું છે ઑમર્ટા?
  • શા માટે ઇટાલીના માફિયા દાયકાઓ સુધી 'અંડરગ્રાઉન્ડ' રહી શકે છે? તેમની મૉડસ ઑપરેન્ડી શું હોય છે?
બીબીસી ગુજરાતી

મારા પિતાએ ખાતરી આપી હતી કે "કાં તો કૉન્ટ્રાક્ટ પર તેની સહી હશે, નહીંતર તેનું ભેજું હશે."

50 વર્ષ પહેલાં રજૂ થયેલી હોલીવૂડની ફિલ્મ 'ધ ગૉડફાધર'માં (1972) ઇટાલિયન માફિયા વીટો કાર્લિયોનનો દીકરો માઇકલ પોતાની ગર્લફ્રૅન્ડને પોતાના પિતાની ધાકનો પરચો આપતા આ વાત કહે છે.

ઇટાલીમાં માફિયાઓ માટેની આ વાત કદાચ આજે પણ એટલી જ સાચી છે. પ્રૉપર્ટી મેળવવા કે ધંધા હસ્તગત કરવા માટે કુખ્યાત માફિયાઓએ ડ્રગ્સ, હથિયાર અને બીજા ધંધાઓમાં પણ ઝંપલાવ્યું છે અને આંતરરાષ્ટ્રીય કુખ્યાતી મેળવી છે.

જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગમાં માફિયા માટે કુખ્યાત ઇટાલીના સિસલીમાંથી 'માફિયા બૉસોના પણ બૉસ' તરીકે ઓળખાતા માતેયો મેસિના દનારોની ધરપકડ કરવામાં આવી છે.

ઇટાલિયનો માટે ધરપકડના સમાચાર જેટલા નાટકીય હતા, એટલા જ દીલધડક તેને પકડવા માટેના પ્રયાસ અને કાયદાના ચુંગાલમાં ફસાવાનો ઘટનાક્રમ હતા.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇટાલીની સરકાર સમગ્ર તંત્ર ઉપર નાગચૂડ જમાવી ચૂકેલા માફિયાઓની સામે જંગ હાથ ધર્યો છે. જનતાને આશા છે કે માફિયાઓના વડાની ધરપકડથી ભ્રષ્ટ અધિકારીઓ, રાજનેતા અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ખુલ્લા પડશે.

જોકે, ઇટાલિયન માફિયાઓ 'ઑમર્ટા'ના આચરણ માટે વિખ્યાત છે, જે તેમને અંડરવર્લ્ડની ગૅંગોથી અલગ પાડે છે. એટલે મેસિના દનારોની ધરપકડ પછી કોઈ નક્કર માહિતી મળશે કે કેમ તે અંગે ટીકાકારોને સંશય છે.

કોણ છે મેસિના દનારો? શું છે ઑમર્ટા? શા માટે ઇટાલીના માફિયા દાયકાઓ સુધી 'અંડરગ્રાઉન્ડ' રહી શકે છે? તેમની મૉડસ ઑપરેન્ડી શું હોય છે?

BBC

'તને ખબર છે હું કોણ છું?'

ફિલ્મ 'ધ ગૉડફાધર' દ્વારા ચર્ચિત કાર્લિયોનમાં માફિયાના વીલાનું હોટલમાં રૂપાંતરણ કરી દેવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ફિલ્મ 'ધ ગૉડફાધર' દ્વારા ચર્ચિત કાર્લિયોનમાં માફિયાના વીલાનું હોટલમાં રૂપાંતરણ કરી દેવામાં આવ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માફિયાઓ માટે કુખ્યાત ઇટાલીના સિસલીમાં ક્લિનિકની પાસે માફિયાઓને પકડવા માટેની વિશેષ ટુકડી કારાબિનિરીના 100 જેટલા કર્મચારીઓ તહેનાત હતા. તેમને એક શખ્સના આગમનની રાહ હતી.

સંદિગ્ધ કાફે તરફ આગળ વધ્યો. ત્યાં પોલીસને જોઈને તેણે પાછો વળવાનો પ્રયાસ કર્યો. વધુ કેટલીક પોલીસને જોઈને તે સતર્ક થઈ ગયો અને પરિસ્થિતિને પામી ગયો.

પોલીસે સંદિગ્ધને તેનું નામ પૂછ્યું. સામેવાળા શખ્સે ખોટું બોલવા કે નાસી છૂટવાનો પ્રયાસ કરવાના બદલે સામો જવાબ વાળ્યો, "તને ખબર છે કે હું કોણ છું? હું માતેયો મેસિના દનારો છું."

સંગઠિત માફિયાઓના 'ધ ગૉડફાધર' એટલે કે 'વડાઓનો વડો' હતો. લગભગ ત્રણ દાયકાથી કાયદાને થાપ આપનારો ડૉન તેમની સામે હતો. આ દરમિયાન કોઈની પાસે તેનો તાજેતરનો દેખાવ કે તસવીર ન હતા. માત્ર કમ્પ્યુટર આધારિત સંભવિત તસવીરો અને અવાજની અમુક રેકૉર્ડિંગ હતી.

ધંધા પડાવી લેવા, ગેરકાયદેસર રીતે કચરો ઠાલવવો, મની લૉન્ડ્રિંગ અને ડ્રગ્સ સહિતના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે. 2002માં તેની ગેરહાજરીમાં મેસિના દનારોને અનેક હત્યાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

કહેવાય છે કે કોર્લિયોન જૂથના વડા તોતો રિના પાસેથી ગુનાખોરીના પાઠ ભણ્યા હતા. લગભગ 23 વર્ષ સુધી ફરાર રહ્યા બાદ 1993માં તોતો રિનાની ધરપકડ કરવામાં આવી હતી.

એ જ વર્ષે મેસિના દનારો ફરાર થઈ ગયો અને 30 વર્ષ સુધી કાયદાને થાપ આપતો રહ્યો. એ અરસામાં નૅધરલૅન્ડ, વેનેઝ્યુએલા ઇટાલીમાં પલેરમો ખાતેના ઘરે તેણે દેખાં દીધા, છતાં કાયદાની ચુંગાલની બહાર રહેવા પામ્યો હતો.

અન્ય માફિયા બોસની જેમ જ સિસલી અને તેની બહારના ગાઢ અને શક્તિશાલી મળતિયાઓ તેનું સંરક્ષણ કરતા રહ્યા. આ અરસામાં મેસિના દનારોએએ પોતાની ગૅંગના વ્યાપ અને વિસ્તાર વધાર્યા.

ક્લિનિકમાં તેણે આંદ્રિયા બોનાફેડના નામે ઍપૉઇન્ટમૅન્ટ લીધી હતી, જે તેના માટે આફતરૂપ બનવાની હતી. કેટલાકનું માનવું છે કે બીમાર મેસિના દનારોની હવે કોઈ ઉપયોગિતા રહી ન હતી એટલે જ તેની બાતમી આપી દેવામાં આવી હતી.

BBC

ઇન્ટરનેટ, ઇલાજ અને આફત

માફિયા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સરકારી તંત્ર દ્વારા મેસિના દનારોના ફોનને ટેપ કરવામાં આવતા હતા. કદાચ તેઓ પણ આ વાત જાણતા હતા એટલે જ તેઓ 'કૅન્સરગ્રસ્ત વ્યક્તિ' અને 'કૅન્સરની સર્જરી' વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા.

મેસિના દનારો બીમાર છે અને તેને સારવારની જરૂર છે એવી અફવા લાંબા સમયથી ચાલી રહી હતી. આથી, જ્યારે તપાસકર્તાઓએ ફોન ઉપર આ વાતો સાંભળી ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે તેઓ મેસિના દનારો વિશે જ વાત કરી રહ્યા છે.

મેસિના દનારોની નજીકના લોકો ઇન્ટરનેટ ઉપર શું સર્ચ કરે છે, તેની ઉપર નજર રાખતા તેઓ આંતરડાના કૅન્સરની વિશે સર્ચ કરી રહ્યા હતા, જેના આધારે માફિયાઓના સરદારને સારવારની જરૂર હોવાનું બહાર આવ્યું.

પશ્ચિમ સિસલીમાં 1962માં જન્મ્યા હોય અને કૅન્સરપીડિત પુરુષો વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 10 અને પછી પાંચ પેશન્ટ ઉપર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું.

તપાસમાં આંદ્રિયા બોનાફેડેનું નામ ધ્યાન ખેંચનારું હતું. તેનો સંબંધ મૃત માફિયા ડૉન લિયોનાર્દો બોનાફેડે સાથે હતો. તેણે વર્ષ 2020 અને 2021માં બે વખત સર્જરી કરાવી હતી.

જોકે, ફોન-લૉકેશનની તપાસ કરતા એક સર્જરી સમયે તે સિસલીથી ખૂબ જ દૂર હતા. આથી જ જ્યારે કથિત આંદ્રિયા બોનાફાઇડે પોતાની કિમોથૅરાપી માટે ઍપૉન્ટમૅન્ટ લીધી, ત્યારે કારાબિનિરીને તેમાં તક દેખાઈ હતી.

માફિયા બૉસને તરત જ નજીકના ઍરપૉર્ટમાં લઈ જવામાં આવ્યો. જ્યાં સેનાના વિશેષ વિમાન મારફત તેને ઇટાલીની અતિ સુરક્ષિત લાક્વિલા જેલમાં લઈ જવામાં આવ્યો.

મેસિના દનારો જ્યાં રહેતો ત્યાં રેડ કરવામાં આવી. જેમાં પોલીસને હથિયાર તો ન મળ્યા, પરંતુ ડિઝાઇનર કપડાં, લક્ઝરી પર્ફ્યુમ તથા મોંઘું ફર્નિચર મળ્યું. મોંઘી અને વૈભવી વસ્તુઓના શોખિન મેસિના દનારોએ ધરપકડ સમયે કથિત રીતે 35 હજાર યુરોની ઘડિયાલ પહેરી હતી.

પાડોશીઓના કહેવા પ્રમાણે, તેઓ નિયમિત રીતે એ શખ્સને જોતા અને તેની સાથે દુઆ-સલામ થતા.

BBC

"કબ્રસ્તાન ભરાઈ જાય"

2016માં ઇટાલીનો એક માફિયા બંકરમાંથી પકડાયો તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, 2016માં ઇટાલીનો એક માફિયા બંકરમાંથી પકડાયો તે સમયની તસવીર

1990ના દાયકા સુધી હત્યાઓ સામાન્ય બાબત હતી અને લગભગ દરરોજ થતી.

એક વખત મેસિના દનારોએ કથિત રીતે કહ્યું હતું કે "મારા પીડિતોથી આખું કબ્રસ્તાન ભરાઈ જાય." તેણે અનેક હિંસક અને ક્રૂર ગુનાને અંજામ આપ્યો હતો.

2002માં તેની ગેરહાજરીમાં અનેક કેસમાં તેની વિરૂદ્ધ ખટલો ચલાવવામાં આવ્યો હતો. જેમાં 1992ની બે બહુચર્ચિત હત્યાઓ જોવાની ફાલકોને ને પાઓલો બોર્સેલિનો.

આ સિવાય તેણે હરીફ ગૅંગલીડરની સગર્ભા ગર્લફ્રૅન્ડની હત્યા કરાવી નાખી હતી. 1993માં મિલાન, ફ્લૉરેન્સ અને રોમમાં બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેમાં 10 લોકોનાં મૃત્યુ થયાં.

આ સિવાય ઑમરેટાના આચરણનો ભંગ કરનારા એક પૂર્વ માફિયાના 11 વર્ષના દીકરાની હત્યા કરાવી હતી. તેને બે વર્ષ સુધી ગોંધી રાખીને પ્રતાડિત કરવામાં આવ્યો હતો. પરિવારજનો અંતિમવિધિ ન કરી શકે તે માટે સગીરના મૃતદેહને ઍસિડમાં ઓગાળી નાખવામાં આવ્યો હતો.

તેને કૉમિક બુક સિરીઝ "યુ સિક્કુ" પરથી "દિયાબોલિક"નું ઉપનામ મળ્યું હતું. આ એવો ચોર છે કે જેને પકડી નથી શકાતો. વારંવાર પોલીસ તેની નજીક પહોંચી હતી, પરંતુ મેસિના દનારાઓ ગુપ્તસ્થળોએથી તેના સાગરિતોને આદેશો આપતો.

BBC

માફિયા: સિસલીમાં શરૂઆત

આમ તો સિસલીમાં માફિયાનો મતલબ 'પૌરુષત્વસભર' એવો થાય છે, પરંતુ હવે તેનો ઉપયોગ મોટાભાગે 'સંગઠિત ગુનાખોરો' માટે થાય છે.

મારિયો પુઝોની નવલકથા તથા તેના પર આધારિત હોલીવૂડની 'ધ ગૉડફાધર' ફિલ્મત્રયી સિસલી સાથે જ સંબંધ ધરાવે છે.

19મી સદી દરમિયાન ઇટાલીના સિસલી પ્રાંતમાં અનેક ગૅંગો અસ્તિત્વમાં આવી. તેમની પાસે સત્તા હતી અને તેઓ સમય સાથે તાલ મિલાવતા હતા.

તેણે અન્ય માફિયા માટે મૉડલ પૂરું પાડ્યું. માફિયાનું નેતૃત્વ કપોલા તરીકે ઓળખાય છે, જ્યારે મેસિના દનારો જેવા 'બૉસના પણ બૉસ'ને 'ધ ગૉડફાધર' તરીકે ઓળખવામાં આવે છે.

1920ના દાયકામાં અમેરિકામાં શરાબબંધી હતી ત્યારે નિર્વાસિત તરીકે આવેલા અનેક ઇટાલિયનોએ આ ધંધામાં ઝંપલાવ્યું હતું. તેમણે શિકાગો અને ન્યૂ યૉર્ક સહિત અનેક શહેરોમાં ગૅંગો ઊભી કરી હતી અને શરાબવેચાણ ઉપરાંત મારામારી અને ધંધા પચાવી પાડવા જેવા કામો પણ કરતા. અમેરિકામાં ઇટાલિયન મૂળના મુખ્યત્વે પાંચ પરિવાર આ ધંધા સાથે સંકળાયેલા હતા.

1980ના દાયકામાં મેસિના દનારોના બૉસ તોતો રિનાએ સિસલીમાં તેની હરીફ ગૅંગો ઉપર સતત ક્રૂર અને આક્રમક હુમલા કર્યા હતા, જેના કારણે સિસલીના અનેક માફિયા પરિવાર ઇટાલી છોડી અમેરિકા તથા અન્ય દેશોમાં જઈને વસ્યા હતા.

આજે પણ અમેરિકામાં ઇટાલિયન ગૅંગો અસ્તિત્વ ધરાવે છે,પરંતુ તેઓ મહદંશે અલગ-અલગ કામ કરે છે. હેરોઇનની હેરફેર એ તેમનો મુખ્ય વ્યવસાય છે.

સિસલીના માફિયા સરકારી પ્રોજેક્ટ પાસેથી પણ પૈસા પડાવે છે. યુરોપિયન દેશોમાં મોટા પાયે ઇમિગ્રન્ટ્સના આગમનથી તેમને હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે, વિશેષ કરીને વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં.

કેટલાક માફિયાવિરોધી જૂથો સંગઠિત ગુનેગારો પાસેથી જપ્ત થયેલી સંપત્તિ, રોકડ, હોટલ અને વ્યવસાય ચલાવે છે. પોલીસે પણ તેમના ઉપર ભીંસ વધારી છે. તેઓ ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય વેપારી નથી, પરંતુ સ્થાનિક વિતરક છે.

માફિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકાર, દયાવાન, આતંક હી આતંક અને વેલુ નાયકન જેવી ફિલ્મો ધ ગૉડફાધર પર આધારિત હોવાનો વિવેચકોનો મત છે

નેપલ્સ અને કાસરતાના પૉર્ટ ડ્રગ્સ માટે કુખ્યાત છે. અહીંની ગૅંગો કન્સ્ટ્રક્શન કંપનીઓ પાસેથી ખંડણી એટલે કે 'પિઝો' વસૂલે છે.

તેઓ ઝેરી કચરાના નિકાલ અને કપડાંના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ઇટાલીની ફૅશનેબલ પ્રૉડક્ટ્સની નકલ બનાવતા ઉદ્યોગો પાસેથી પણ વસૂલાત કરે છે.

આ જૂથ વધુ યુવાન, હિંસક અને શક્તિશાળી તથા સમૃદ્ધ છે, પરંતુ સિસલીના માફિયાની જેમ તેમની રાજકારણમાં ખાસ પહોંચ નથી.

એક અનુમાન પ્રમાણે, તેમની વાર્ષિક આવક 60 અબજ ડૉલર આસપાસ છે. નેપલ્સ અને તેની આસપાસના ગરીબ વિસ્તારોમાં મદદ કરીને તેઓ પોતાનો પ્રભાવ વિસ્તારે છે.

અહીંના માફિયા મૅક્સિકો અને કોલંબિયાની ક્રાઇમ ગૅંગો સાથે સીધા સંબંધ ધરાવે છે અને યુરોપના લગભગ 80 ટકા કોકેઈનના વેપાર પર તેમનો કબજો છે.

ઇટાલીના દક્ષિણ-પૂર્વમાં પુગલિયા માફિયા સિગારેટ, હથિયાર, ડ્રગ્સ અને માનવતસ્કરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બાલકન્સમાંથી દાણચોરી માટે પુગલિયા 'કુદરતી પ્રવેશદ્વાર' તેઓ પૂર્વ યુરોપની ગૅંગો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હોવાનું માનવામાં આવે છે.

એફબીઆઈના અનુમાન પ્રમાણે, ઇટાલીમાં મુખ્યત્વે ત્રણ માફિયા જૂથ સક્રિય છે, જેના ઇટાલીમાં કુલ 25 હજાર સભ્ય છે.

ચીન, રશિયા અને અલ્બેનિયા સહિતના દેશોની ગૅંગોની જેમ તે વૈશ્વિક પહોંચ ધરાવે છે અને તેમના વિશ્વભરમાં લગભગ અઢી લાખ જેટલા સહયોગીઓ છે જેઓ મળીને કામને અંજામ આપે છે.

BBC

મજબૂરીનું નામ માફિયા

માફિયા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, 1992માં માફિયાએ બૉમ્બ મૂકીને સરકારી વકીલ તેમનાં પત્ની અને ત્રણ અંગરક્ષકોને ઉડાવી દીધાં હતાં

માફિયા ગેરકાયદેસર ડ્રગ્સ, ખંડણી, હથિયારોની હેરફેર, ભાડૂતી હત્યા, રાજનેતાઓને લાંચ, કળાના નમૂનાઓનની ચોરી અને વેશ્યાવૃત્તિ સહિતના વ્યવસાયો સાથે સંકળાયેલા હોય છે.

કોવિડ દરમિયાન ઇટાલિયન માફિયા દ્વારા માસ્ક અને ગરીબોમાં ભોજનવિતરણ કરવામાં આવ્યું હતું. અનેક ઇટાલિયનો માટે આ વ્યવસ્થા નિર્વિકલ્પ જીવનરેખા સમાન હતી. એટલું જ નહીં, કેટલાક લોકોએ મદદ માટે માફિયા પાસે ટહેલ પણ નાખી હતી.

ગરીબોમાં ભોજનવિતરણ એ માફિયાઓની જૂની ટેકનિક છે. આ રીતે તેઓ લોકોની નજરમાં સન્માન અને સહાનુભૂતિ મેળવે છે.આથી, તેમનો જનાધાર પણ વધે છે.

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ઇટાલીની આર્થિકસ્થિતિ કથળી છે. બેરોજગારીનો ઊંચાદર અને ધીમા આર્થિક વિકાસે સ્થિતિને કફોળી બનાવી છે. લૉકડાઉનને કારણે અનેક લોકોની આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી.

આ સમયે માફિયાએ અનેક લોકોને મદદ માટે ઑફર કરી હતી. આ પ્રકારની 'સહાય' કે 'લોન' એ માફિયાના વિસ્તારનો આધાર છે.

તેમનો હેતુ વ્યાજ મેળવવા કરતાં બિઝનેસને પચાવી પાડવાનો હોય છે, જેથી તેઓ મની લૉન્ડ્રિંગ કરી શકે છે. ઇટાલીની માફિયાવિરોધી હૅલ્પલાઇન ઉપર કોરોનાકાળ દરમિયાન મદદ માગવાની ફરિયાદોમાં અનેકગણો વધારો થયો હતો.

વર્ષ 2021માં ઇટાલીના તપાસકર્તાઓ દ્વારા સિસલીના માફિયા જૂથ વિશેનું અભ્યાસપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જે મુજબ, વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો ચોરાયેલો સામાન, બાકી નીકળતી રકમ અને ધંધાકીય હરીફાઈમાં ટકી રહેવા માટે માફિયાઓની મદદ લે છે.

માફિયા

ઇમેજ સ્રોત, Jilla Dastmalchi

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

2019માં ઘરવપરાશની ચીજવસ્તુઓના વેચાણની સાત દુકાન ધરાવતા માલિકને ત્યાં બે વખત ચોરી થઈ હતી. તેણે માફિયા પરિવાર સાથે સંકળાયેલા શખ્સને ફોન કરીને પાંચ મિનિટ માટે દુકાને આવવા માટે વિનંતી કરી.

માફિયાનો મૅમ્બર દુકાને પહોંચ્યો ,ત્યારે વેપારીએ તેને સીસીટીવી ફૂટેજ દેખાડ્યું અને ચોરોને માટે જરૂરી બધી માહિતી આપી.

એક અઠવાડિયામાં માફિયાએ સંદિગ્ધોનું પગેરું દાબ્યું અને તેમને ટૉર્ચર કર્યા. જ્યારે તેમનું ટૉર્ચિંગ ચાલતું હતું, ત્યારે વેપારી પણ ત્યાં હાજર હતો. છેવટે તેને બધો સામાન પરત મળી ગયો.

આવી જ રીતે એક બારમાલિકનાં મહિલામિત્રની કાર ચોરાઈ ગઈ, તેણે માફિયાના વડાને ફોન કર્યો. પાંચ દિવસમાં તેની કાર પરત મળી ગઈ હતી.

જો કોઈ વેપારીને હરીફાઈની બીક લાગે અથવા તો જો કોઈ ભાડવાત તેના મકાનમાલિકને નિયમિત રીતે ભાડું ન ચૂકવે તો પણ માફિયાની મદદ લેવામાં આવે છે.

યુરોપમાં સૌથી ઢીલી વ્યવસ્થા ઇટાલીમાં છે, જ્યાં પ્રાથમિક ન્યાય મેળવતા લગભગ દોઢ વર્ષનો સમય લાગી જાય છે, એટલે લોકો માફિયાની મદદ લેવા માટે પ્રેરાય છે.

સરકાર દ્વારા જે સેવાઓ મળવી જોઈએ તે માફિયા દ્વારા આપવામાં આવેછે, એટલે જ ઉચ્ચ સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક સંપત્તિ ધરાવનારા વેપારીઓ કાયદેસર રીતે વેપાર કરવા છતાં માફિયાની મદદ લેતાં ખચકાતા નથી. અને તેનો અફસોસ પણ નથી હોતો.

જોકે, માફિયાનો 'ન્યાય' અને 'મદદ' બેધારી તલવાર છે. જો તેની મદદ લેવામાં આવે તો ભવિષ્યમાં તેઓ મદદ કરવા માટે પણ કહી શકે છે.

BBC

ઑમર્ટા, અંડરવર્લ્ડ અને અંડરગ્રાઉન્ડ

માફિયા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તોતો રિના

મેસિના દનારો 30 વર્ષથી, તોતો રિના 23 વર્ષથી, તોતોનો સમકાલીન બર્નાન્ડો પ્રોવેન્ઝાનો 46 વર્ષસુધી ફરાર રહ્યો હતો. આ સિવાય અનેક માફિયા દાયકાઓથી ઇટાલીમાં રહેવા છતાં કાયદાની પકડથી દૂર રહ્યા હતા.

આ માફિયાઓમાંથી મોટા ભાગે ભાગેડુ નથી હોતા અને જ્વલ્લેજ પોતાનો વિસ્તાર છોડે છે.

કારણ કે જો તેઓ તખ્ત ખાલી છોડે, તો તેના ઉપર બીજું કોઈ બેસી જાય તેની આશંકા રહે. આથી જ તેઓ ગુપ્ત રીતે 'અંડરગ્રાઉન્ડ' પોતાના જ વિસ્તારમાં રહે છે.

આ માટે તેઓ ઘર કે વીલામાં ટનલ કે બંકર બનાવીને રહે છે અને ત્યાંથી જ વહીવટ ચલાવે છે.

અઠવાડિયા કે મહિના સુધી તેઓ બંકરમાં રહી શકે છે. ટીવી અને સિક્યૉરિટી કૅમેરા દ્વારા તેઓ બહારની દુનિયા ઉપર નજર રાખે છે અને ગુપ્ત સંદેશાવ્યવહાર વ્યવસ્થા દ્વારા પોતાના સાગરિતોને આદેશ આપે છે.

આ બંકર ક્યાં આવેલા છે, તેના વિશે નજીકના અને બહુ થોડા લોકોને ખબર હોય છે. કેટલાક કિસ્સામાં પરિવારજનો પણ આના વિશે વાકેફ નથી હોતા.

માફિયાના પ્રભાવવાળા વિસ્તરમાં આવા અનેક બંકર અને ટનલ છે. મિસ્ત્રીકામ કરનારા કેટલાક કારીગરો આવા જ કામના નિષ્ણાત છે.

આવા અનેક બંકર, ગુપ્ત ભોંયરા અને છુપાવાના સ્થાન ઇટાલિયન પોલીસની રેડો દરમિયાન માફિયાઓનાંઘરોમાંથી મળી આવ્યા છે.

રોમની લુઇસ યુનિવર્સિટીમાં ક્રિમિનલ પ્રૉસિજરના પ્રાધ્યાપક મિતજા ગિયાલુઝના કહેવા પ્રમાણે, "માફિયા સામ્રાજ્યને અબાધિત રીતે સુપેરે ચલાવવા માટે તેઓ ટેક્નોલૉજીથી દૂર રહે છે અને સંદેશાવ્યવહાર માટે જૂની પદ્ધતિઓ અપનાવે છે. તેઓ મૌખિક વાતચીત ઉપર આધાર રાખે છે. આ સિવાય તેમણે સમાંતર અને ગુપ્ત કૉડવર્ડ્ પણ બનાવે છે. જેના દ્વારા સાથીઓને આદેશ આપે છે."

તોતો રિનાનો સમકાલીન બર્નાર્ડો પ્રૉવિન્ઝાનો જેલવાસ દરમિયાન બાઇબલમાં ચિહ્ન કરીને બહારના લોકોને આદેશ આપતો.

ઇટાલિયન માફિયા દ્વારા ઑમર્ટાનું કડકાઈપૂર્વકનું આચરણ કરવામાં આવે છે, જે તેમને અંડરવર્લ્ડની અન્ય ગૅંગો કરતાં અલગ પાડે છે. તેમાં 'સન્માન' અને 'મૌન'ને ભારે મહત્ત્વ આપવામાં આવે છે.

આથી, જ તેઓ સત્તાધીશો અને બહારના લોકોની સાથે કોઈ વાત નથી કરતા અને તપાસ દરમિયાન અધિકારીઓને સહકાર નથી આપતા.

તેઓ ઈરાદાપૂર્વક અન્ય માફિયાઓની પ્રવૃત્તિઓ વિશે મૌન સેવે છે અને આંખ આડા કાન કરે છે. તેઓ આવું કંઈ જુએ કે તેનો ભોગ બને તો પણ સરકારીતંત્રની મદદ નથી લેતા.

જો કોઈ માફિયા ઑમર્ટાનું પાલન કરવામાં ન આવે તો માત્ર તેણે જ નહીં, તેના પરિવારજનો અને પ્રિયજનોએ પણ તેની કિંમત ચૂકવવી પડી શકે છે. તેમને ટૉર્ચર કરવામાં આવે છે અને હત્યા પણ થઈ શકે છે.

પૈસા, તાકત, ડર, પ્રતિષ્ઠા હોવા છતાં ઘણી વખત માફિયાના વડાઓ આ બંકરોમાં ઉંદરની જેમ રહેવા મજબૂર બની જાય છે, જે જેલની કોટડી કરતાં કદાચ અને જરાક જ સારા હોય છે.

BBC

ગૉડફાધર: જનનાયક કે ખલનાયક?

માફિયા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, વિત્તોરિયો કાસામૉનિકા

જીવનકાળ દરમિયાન તો ખરું જ, પરંતુ મૃત્યુ પછી પણ 'ગૉડફાધર' જનમાનસ પર માફિયાઓનું પ્રભુત્વ જમાવવાનું કામ કરે છે. 2015માં રોમ ખાતે માફિયા બૉસ વિત્તોરિયો કાસામૉનિકાની ભવ્ય અંતિમયાત્રા નીકળી હતી.

છ કાળા ઘોડાવાળી બગ્ગીએ તેનો મૃતદેહ ખેંચ્યો હતો અને આકાશમાંથી પુષ્પવર્ષા થઈ હતી. તેની અંતિમવિધિમાં ઇટાલિયન માફિયા આધારિત ફિલ્મત્રયી 'ધ ગૉડફાધર'નું મધ્યવર્તી સંગીત વગાડવામાં આવ્યું હતું.

ચર્ચની બહાર 'રોમના સમ્રાટ' એવા હૉર્ડિંગ મારવામાં આવ્યા હતા. સેંકડોની સંખ્યામાં સંતાપગ્રસ્ત લોકો એકઠાં થયાં હતાં.

તંત્રની પહોંચથી બહાર હોવાનું આ એકપ્રકારે એલાન હતું, જેના કારણે સામાન્ય લોકો અને રાજનેતાઓમાં આક્રોશ ફેલાયો હતો.

BBC

ધ ગૉડફાધર

"ઇટાલિયનોમાં એક જોક છે, આ દુનિયા એટલી ભયાનક છે કે માણસને પોતાનું ધ્યાન રાખવા માટે બે પિતાની જરૂર પડે. એટલે જ ગૉડફાધર છે." ઇટાલિયન માફિયા આધારિત નવલકથા 'ધ ગૉડફાધર'ના લેખક માર્કો પુઝો આ વાત કહે છે. 

જોકે, ઇટાલીના માફિયાગ્રસ્ત સિસલીના આર્ક મિશેલ પેનેસીએ માફિયા માટે 'ગૉડફાધર' શબ્દના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

તેમના મતે આમ કરવાથી માફિયા આકાઓને 'ધાર્મિક સન્માન' મળે છે, વાસ્તવમાં તેમની વચ્ચે તુલના જ ન થઈ શકે.

જ્યારે કોઈ વ્યક્તિ બાળકની પાલનપોષણ અને ઉછેરની જવાબદારી ઉપાડે, ત્યારે ધાર્મિકવિધિ કરવામાં આવે છે અને જવાબદારી લેનારને 'ગૉડફાધર' એટલે કે 'પાલકપિતા'ની ઉપમા આપવામાં આવે છે.

આર્કબિશપે એક તબક્કે માફિયા પરિવારના વડાની અંતિમવિધિ કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે તેમને પોલીસરક્ષણ આપ્યું હતું.

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક વડા પોપ ફ્રાન્સિસે વર્ષ 2014માં માફિયાઓ વિરૂદ્ધ આદેશ આપ્યો હતો અને તેમને રૉમન કૅથલિક ચર્ચથી બહાર કરી દીધા હતા. માફિયાઓ ઇશ્વરનો નહીં, પરંતુ શયતાનના પગલે ચાલતા હોવાનું પણ પોપે ઠેરવ્યું હતું.

પોપનું સત્તાવાર નિવાસસ્થાન વૅટિકન સિટાલી ભૌગોલિક રીતે ઇટાલીના જ ભાગરૂપ છે, છતાં અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.

BBC

સમાપ્તિની શરૂઆત કે અંતમાં આરંભ?

માફિયા

ઇમેજ સ્રોત, AFP

છેલ્લા કેટલાક દાયકા દરમિયાન અનેક વખત માફિયાઓ સામે કેસ ચાલ્યા છે, પરંતુ ફરિયાદીઓ 'ગુમ' થઈ ગયા અથવા તો તેમને સજા ન થઈ.

આવા અનેક માફિયા ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. તેમની ઉપર હત્યા, ખંડણી ઉઘરાવવી અને ડ્રગ્સનો વેપાર જેવા આરોપ હોવા છતાં તેઓ આઝાદ હતા. જેના કારણે તેમની ગુનાહિત છાપ મોટી થઈ અને સરકારની પ્રતિષ્ઠાને બટ્ટો લાગ્યો હતો.

હાલમાં 'ધ અંકલ' કે 'ધ વૂલ્ફ' તરીકે ઓળખાતા નેપલ્સના માફિયા લ્યુગી મૅનકૂસો સામે ખટલો ચાલી રહ્યો છે, જે ઇટાલીમાં માફિયાઓ વિરૂદ્ધ તાજેતરના દાયકાઓનો સૌથી મોટો કેસ છે.

આ સંગઠન સાથે સંકળાયેલા 355 જેટલા કથિત ગૅંગસ્ટર અને ભ્રષ્ટ અધિકારીઓની સામે તોહમતનામું દાખલ કરવામાં આવ્યું છે. તેમાં ડ્રગ્સની તસ્કરી, હત્યા, મની લૉન્ડ્રિંગ અને ખંડણી જેવા આરોપ મૂકવામાં આવ્યા છે.

ખટલા દરમિયાન લગભગ 900 સાક્ષી પુરાવા રજૂ કરશે અને તે બે વર્ષ સુધી ચાલશે તેવું અનુમાન છે. ઇટાલીની સરકારનો માફિયા ઉપર આ વધુ એક પ્રહાર છે.

યુનિવર્સિટી ઑફ ઍસેક્સમાં ક્રિમિનૉલૉજીનાં પ્રાધ્યાપિકા આના સર્ગેઈન કહેવા પ્રમાણે, "માફિયાઓના દંતકથારૂપ બની ગયેલા બૉસ વગર કોઝા નોસ્ત્રા માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ હશે. કોણ પદભાર સભાળે છે અને સંભાળે પણ છે કે કેમ, તે જોવું રહ્યું."

ત્યારે તાજેતરની ધરપકડ એ ઇટાલીમાં માફિયારાજની સમાપ્તિની શરૂઆત છે કે તેમના આ અંતમાં નવો આરંભ છે, તે સમય જ કહેશે.

BBC
BBC