નરેન્દ્ર મોદી સરકારનાં આઠ વર્ષઃ નોટબંધીથી માંડીને લૉકડાઉન સુધી, એ આઠ નિર્ણયની લોકો પર શું અસર થઈ?
- લેેખક, સિદ્ધનાથ ગાનૂ
- પદ, બીબીસી મરાઠી પ્રતિનિધિ
નરેન્દ્ર મોદીએ 2014ની 26 મેના રોજ વડાપ્રધાન તરીકે સૌપ્રથમવાર સોગંદ લીધા હતા. દેશમાં પહેલીવાર કૉંગ્રેસ સિવાયના કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી અને કૉંગ્રેસનો સૌપ્રથમ વખત જ કારમો પરાજય થયો હતો. કૉંગ્રેસના માત્ર 44 ઉમેદવારો ચૂંટાઈ શક્યા હતા.

ઇમેજ સ્રોત, Reuters
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે સ્થિરતા તથા સ્વાતંત્ર્ય મળ્યું છે તે અગાઉ જૂજ નેતાઓને મળ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે તેના શાસનકાળનાં આઠ વર્ષમાં લીધેલાં આઠ મહત્વના નિર્ણય તથા તેના પરિણામનું આકલન આ લેખમાં કરવામાં આવ્યું છે.

1. મેક ઇન ઇન્ડિયા - સ્વચ્છ ભારત અભિયાન

ઇમેજ સ્રોત, AFP
સત્તાનાં સુત્રો સંભાળ્યાના પહેલા જ વર્ષમાં નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા તથા સ્વચ્છ ભારત અભિયાન નામે બે મોટી યોજના શરૂ કરી હતી. મેક ઇન ઇન્ડિયા યોજના ઉદ્યોગો તથા રોકાણને પ્રોત્સાહિત કરવા માટેની હતી, જ્યારે બીજી યોજનાનો હેતુ સ્વચ્છતા પરત્વે જાગૃતિ લાવવાનો હતો.
મેક ઇન ઇન્ડિયાનો હેતુ સરકારી વ્યવસ્થાકીય અડચણો દૂર કરીને પરદેશી ઉદ્યોગોને ભારતમાં રોકાણ માટે આકર્ષવાનો અને દેશમાંના વિપુલ માનવબળને રોજગાર ઉપલબ્ધ કરાવવાનો પણ હતો. તે સંદર્ભે આગળ જતાં સરકારે વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણનાં દ્વાર પણ ખોલ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રચાર અભિયાનમાં સ્વચ્છતા તથા મહિલાઓ માટે શૌચાલયને મુખ્ય મુદ્દા બનાવ્યા હતા.
તેમણે એવું પણ કહ્યું હતું કે "શૌચાલય વિશે વાત કરતાં વડાપ્રધાનને સાંભળીને વિશ્વને આશ્ચર્ય થશે."
2014માં ગાંધીજયંતીના દિવસે તેમણે સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાનથી માંડીને સ્થાનિક નેતાઓ સુધીના અનેક લોકોએ હાથમાં ઝાડુ લીધાં હતાં. આ અભિયાનના અનુસંધાને સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવી હતી અને દેશનાં અનેક શહેરો તથા ગામડાંઓમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકીય નેતાઓ ફોટો પડાવવા પૂરતો જ સ્વચ્છતાપ્રેમ દર્શાવતા હોવાની ટીકા પણ થઈ હતી, પરંતુ આ અભિયાનને કારણે મૂળભૂત મુદ્દા પરત્વે લોકોનું ધ્યાન દોરાયું હતું એ હકીકતને નકારી શકાય તેમ નથી.

2. નોટબંધી અને જીએસટી

ઇમેજ સ્રોત, NURPHOTO
2016ની આઠમી નવેમ્બરે મધરાતથી, માત્ર ચાર કલાકનો સમય આપીને, નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ્દ કરવાની જાહેરાત કરી હતી.
દેશમાં મોટા પ્રમાણમાં ફરી રહેલા કાળા નાણાં અને હવાલાના માધ્યમથી થતા નાણાકીય વ્યવહારો પર લગામ તાણવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું.
એ પછીના કેટલાક મહિનાઓમાં દેશભરની બૅન્કો તથા પોસ્ટ ઑફિસોની બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. રદ્દ થયેલી ચલણી નોટો બદલવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. કેટલાકનું લાઇનમાં જ મૃત્યુ થયું હતું.
નોટબંધી પછી બજારમાં આવેલી 2000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો વડે વ્યવહાર કરવાનું સરળ ન હતું. મોદી સરકારની ઓળખ બની ગયેલા નોટબંધીના નિર્ણયને લીધે કાળા નાણાં પર કેટલું નિયંત્રણ મેળવી શકાયું છે તેનો નક્કર જવાબ આજે પણ આપી શકાય તેમ નથી.
આર્થિક વિશ્લેષક વિવેક કૌલે બીબીસી માટે લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે "ભારતીય રિઝર્વ બૅન્કની માહિતી અનુસાર, નોટબંધી એક ઐતિહાસિક નિષ્ફળતા છે એવું કહી શકાય. મોદી સરકાર તેની ભૂલ સ્વીકારે એવી શક્યતા ઓછી છે, પરંતુ એ નોટબંધીના નિર્ણયના હકારાત્મક પાસાંની વાતો કરતી જ રહેશે."
નોટબંધીને કારણે દેશમાં ડિજિટલ નાણાકીય વ્યવહારને વેગ આપ્યો છે તે હકીકત છે. શાકભાજીવાળા તથા રિક્ષાવાળાથી માંડીને છેક મોલ્સ સુધી બધે યુપીઆઈ પેમેન્ટનું ચલણ વધ્યું છે. ડૅબિટ તથા ક્રૅડિટ કાર્ડ વડે થતાં વ્યવહારોનું પ્રમાણ વધ્યું છે. આગળ જતાં આ ડિજિટલ ક્રાંતિને વધાવવામાં આવી, પણ શું નોટબંધીનો નિર્ણય વધારે સુસંગતતાથી લઈ ન શકાયો હોત, એવો સવાલ આજે પણ પૂછવામાં આવે છે.
મોદી સરકારે દેશમાંની કર વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે ગૂડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)ને અમલી બનાવ્યો હતો. તેના મૂળમાં અલગ-અલગ પ્રકારના કરને બદલે એકમાત્ર જીએસટી વસૂલવાનો વિચાર હતો.
રાજ્યો અને કેન્દ્ર વચ્ચે આ મુદ્દે ભારે ખેંચતાણ થઈ હતી. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેને 'ગબ્બર સિંહ ટૅક્સ' ગણાવીને તેની ટીકા કરી હતી. આખરે જીએસટીના વિવિધ દર નક્કી કરવામાં આવ્યા હતા અને રાજ્યો તથા કેન્દ્રની હિસ્સેદારી નક્કી થઈ હતી.
જોકે, મહારાષ્ટ્ર જેવાં અનેક રાજ્યો આજે પણ એવો દાવો કરે છે કે દેશના અર્થતંત્રમાં તેઓ જે યોગદાન આપે છે તેના પ્રમાણમાં તેમને અપૂરતું વળતર મળે છે. કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટીનો બાકીનો હિસ્સો ચૂકવતી નથી. તેથી રાજ્યોનો આર્થિક નુકસાન થાય છે.
'એક દેશ, એક ટૅક્સ'ના સૂત્ર સાથે જીએસટી લાદવામાં આવ્યો હતો અને કેટલાક કિસ્સામાં તે ઉપયોગી પણ સાબિત થયો છે, પરંતુ તેના અનેક સ્લેબ અને વેલ્યૂ એડેડ ટૅક્સ આજે પણ અસ્તિત્વમાં હોવાથી જીએસટીના મૂળ વિચાર સામે જ પ્રશ્નાર્થચિન્હ લાગ્યું છે.
આ બાબતે વિવેક કૌલે જણાવ્યું હતું કે "જીએસટી કાઉન્સિલ દર મહિને બેઠક યોજીને દરમાં ફેરફાર કરતી રહેશે તો વેપારી સમુદાયને એવું સમજશે કે પોતાના નેતાઓ મારફત લોબિંગ કરાવીને જીએસટીના દરમાં પોતાની અનુકૂળતા મુજબના ફેરફાર કરાવી શકાય છે. દેશના જીએસટી માળખામાં સુધારો કરવો જરૂરી છે. તેમાં સતત છેડછાડ કરવી તે યોગ્ય નથી."

3. ટ્રિપલ તલાક

ઇમેજ સ્રોત, Twitter
મુસ્લિમ પુરુષ ત્રણ વખત 'તલાક, તલાક, તલાક' બોલીને તેમની પત્નીને છૂટાછેડા આપી શકતા હતા. અદાલતે તે પ્રથાને ગેરકાયદે ઠરાવી હતી, પરંતુ મોદી સરકારે ટ્રિપલ તલાકને ગુનાનું સ્વરૂપ આપતો ખરડો લઈ આવી. લોકસભામાં સહજતાથી અને રાજ્યસભામાં થોડી અડચણો સાથે ખરડો પસાર કરાવી સરકારે સફળતાપૂર્વક કાયદો બનાવ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આવો કાયદો હોય એ પણ દેશ માટે ઐતિહાસિક ઘટના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની નિષ્ઠાને કારણે મુસ્લિમ મહિલાઓને આ પછાત પરંપરામાંથી મુક્તિ મળી છે.
તૃણમૂલ કૉંગ્રેસ જેવા વિરોધ પક્ષોએ એવી દલીલ કરી હતી કે કોર્ટે જે બાબતને ગેરકાયદે ઠરાવી છે તેના માટે આવા કાયદાની જરૂર જ નથી. ટ્રિપલ તલાકના કાયદાનો જોરદાર વિરોધ કરતી રહેલી એઆઈએમઆઈએમ પાર્ટીએ જણાવ્યું હતું કે, આ કાયદાથી મુસ્લિમ મહિલાનું ભલું નહીં થાય, પણ ગળું ઘોંટાશે.
વકીલ તેમજ નારી અધિકાર કાર્યકર્તા ફ્લાવિયા અગ્નેસે ટ્રિપલ તલાક કાયદાની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે "આ કાયદાથી મુસ્લિમ મહિલાની હાલત ખરેખર તો ખરાબ થશે, કારણ કે તેનો પતિ જેલમાં જશે પછી એ મહિલા તથા તેનાં સંતાનોનાં પેટગુજારા માટે પૈસા અને અન્ય સંસાધનો કોણ પૂરાં પાડશે? સૌથી વધારે ખરાબ વાત એ છે કે મહિલાનાં લગ્ન ટકશે નહીં. તેથી આ પ્રકારના વિવાદગ્રસ્ત લગ્નમાં મુસ્લિમ મહિલાનું અંતિમ લક્ષ્ય શું હશે-પોતાના પતિને જેલમાં મોકલવાનું કે આર્થિક અધિકાર પાછા મેળવવાનું?"
એ પછી મુસ્લિમ સમાજને નિશાન બનાવવા બદલ ભાજપની ટીકા કરવામાં આવી હતી, પરંતુ તુષ્ટિકરણના રાજકારણને લીધે કૉંગ્રેસ જે કરી શકી એ મોદીએ કરી દેખાડ્યું એટલે તેના મોટા પાયે વખાણ પણ થયાં હતાં.

4. કલમ 370 રદ્દ અને સીએએ, એનઆરસી

ઇમેજ સ્રોત, Reuters
કાશ્મીરને સ્વતંત્ર દરજ્જો આપતી બંધારણની કલમક્રમાંક 370 અને 35-એ રદ્દ કરવાનો મુદ્દો પણ ભાજપના એજન્ડા પર લાંબા સમયથી હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 2019ની પાંચમી ઑગસ્ટે કલમ ક્રમાંક 370 રદ કરવાની સાથેસાથે જમ્મુ-કાશ્મીરનું બે સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરવાની જાહેરાત પણ કરી હતી.
તેના મહત્વનાં બે પરિણામ જોવા મળ્યાં હતાં. કલમ 370 અને 35-એ રદ્દ કર્યા પછી સલામતી દળોએ હાથ ધરેલી કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોની યાદીમાં પરદેશી નહીં, પણ સ્થાનિક લોકોના નામ બહાર આવ્યાં હતાં. તેનો અર્થ, કેન્દ્ર સરકારના નિર્ણયથી અસંતુષ્ટ લોકોએ કટ્ટરતાવાદના માર્ગે આગળ વધ્યા એવો કરવામાં આવ્યો હતો, પરંતુ સીમા પર યુદ્ધબંધી હોવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપવામાં મોદી સરકાર સફળ થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
મોદી સરકારે રજૂ કરેલા નાગરિકતા સંશોધન ખરડા (સીએએ) સામે ઈશાન ભારતમાં આકરો પ્રતિભાવ જોવા મળ્યો હતો. આસામમાં હિંસા થઈ હતી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એમ ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક હિંસા તથા ડરને કારણે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના જે લોકો 2014ની 31 ડિસેમ્બર સુધીમાં પૂર્વ ભારતમાં આવ્યા છે તેમને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ તે ખરડામાં કરવામાં આવી છે. આ ખરડામાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા હોવાથી તેને ધાર્મિક ભેદભાવયુક્ત ગણાવીને તેની ટીકા કરવામાં આવી હતી.
સીએએની સાથે જોડાયેલો બીજો મુદ્દો નેશનલ રજિસ્ટ્રી ઓફ સિટિઝન્સ (એનઆરસી)નો હતો. ભારતના સત્તાવાર નાગરિકોની યાદી એટલે નેશનલ રજિસ્ટ્રી ઓફ સિટિઝન્સ. 1951માં વસતીગણતરી કરવામાં આવી એ પછી લગભગ 70 વર્ષ સુધી એનઆરસી પરત્વે દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું.
એનઆરસીનો અમલ માત્ર આસામમાં જ થતો હતો, પણ અમિત શાહે તેને સમગ્ર દેશમાં અમલી બનાવવાનું શરૂઆતમાં કહ્યું હતું અને પછી આ મુદ્દે યુ-ટર્ન લીધો હતો. આસામ વિધાનસભાની ચૂંટણી પહેલાં માત્ર રાજકીય ફાયદા માટે આ પગલું લેવા બદલ મોદી સરકારની વ્યાપક ટીકા કરવામાં આવી હતી.
બીબીસી ગુજરાતીના પત્રકાર અર્જુન પરમારે કરેલી માહિતી અધિકારની અરજીમાં સામે આવ્યું હતું કે કોરોનાકાળમાં નરેન્દ્ર મોદી સરકારે સીએએ અને એનપીઆરનો પ્રચાર કરવામાં અઢળક ખર્ચ કર્યો હતો જે જાહેર આરોગ્યની મહત્ત્વની આયુષ્યમાન ભારત યોજના માટે કરવામાં આવેલા ખર્ચથી અનેકગણો વધારે હતો. આ અહેવાલ તમે અહીં ક્લિક કરીને વાંચી શકો છો.

5. કોવિડ લૉકડાઉન અને રસીકરણ

ઇમેજ સ્રોત, PIB
કોરોના વાઇરસે 2020ના વર્ષમાં સમગ્ર વિશ્વને પોતાની લપેટમાં લઈ લીધું હતું. તેને માત કરવાનો કોઈ ઉપચાર શરૂઆતમાં ન હતો. તેથી તેનો ચેપ ફેલાતો રોકવાનો એકમાત્ર વિકલ્પ લૉકડાઉન કરવાનો હતો.
માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉન લાદવામાં આવ્યું હતું, પણ વહીવટીતંત્ર એ માટે તૈયાર હતું?
બીબીસીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે દેશની મહત્ત્વની સંસ્થાઓ અને સરકાર તથા વહીવટી તંત્રમાંના લોકોને લૉકડાઉનના નિર્ણયની કલ્પના સુદ્ધાં ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનનો નિર્ણય કોની સાથે મસલત કરીને લીધો હતો એ વિશે બીબીસી ગુજરાતીના અર્જુન પરમાર અને સંવાદદાતા જુગલ પુરોહિતે ખાસ અહેવાલ પ્રકાશઇત કર્યો હતો જે તમે અહીં ક્લિક કરીને વાંચી શકો છો.
ઉલ્લેખીય છે કે ભારતમાં અચાનક લાદવામાં આવેલા આ લૉકડાઉને અનેક સ્થળાંતરિત મજૂરોની જિંદગીનો ભોગ લીધો અને મોદી સરકારની તેને લઈને વ્યાપક ટીકા થઈ હતી.
કોરોનાવિરોધી રસી માટે વિશ્વમાં અનેક ઠેકાણે સંશોધન ચાલી રહ્યું હતું. ભારતીય રસી ઉત્પાદકોએ અનેક રસીના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સીરમ અને ભારત બાયોટેક જેવી કંપનીઓને રસીના ઉત્પાદન માટે જરૂરી સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવી આપવામાં, પરદેશથી આયાત કરાવી આપવામાં સરકારે અનેક વખત મદદ કરી હોવાનું આ કંપનીઓ જાહેરમાં સ્વીકાર્યું હતું. કોવિડના સમયગાળામાં ભારતને 'વિશ્વની ઔષધશાળા' બનાવ્યું હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવાર ગર્વભેર જણાવ્યું હતું.
આ સમય દરમિયાન જ કોવિડ રસીના પ્રમાણપત્ર પર નરેન્દ્ર મોદીની તસવીરને છાપવાને લઈને વિવાદ થયો હતો. સરકારે રસીકરણ બદલ મોદીનો આભાર માનતી જાહેરાતો પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. અનેક વિવચકોએ એને નરેન્દ્ર મોદીના ગુણગાન માટેની જાહેરાતો ગણાવી હતી.
કોવિડના સમયગાળામાં ભારતમાં થયેલાં મૃત્યુ વિશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદ વિશેનો અહેવાલ પણ અમે પ્રકાશિત કર્યો હતો.

6. નીતિ આયોગ અને સેન્ટ્રલ વિસ્ટા

ઇમેજ સ્રોત, NURPHOTO VIA GETTY IMAGES
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળમાં ઘણી નવી યોજનાઓ શરૂ કરી છે, જૂની યોજનાઓ બંધ કરી છે અને કેટલીક જૂની યોજનાઓને નવા સ્વરૂપે રજૂ કરી છે. તેઓ સત્તામાં આવ્યા ત્યારથી આ કાર્યક્રમ શરૂ થયો છે. તેનાં બે ઉદાહરણ સૌથી વધુ નોંધપાત્ર છે.
તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 1950માં શરૂ કરેલું આયોજન પંચ દેશમાં આર્થિક બાબતોના નિર્ણય લેવાની પ્રક્રિયાનું કેન્દ્રસ્થાન બની ગયું હતું. નરેન્દ્ર મોદીએ 2015ની પહેલી જાન્યુઆરીથી આયોજન પંચની જગ્યાએ નેશનલ ઈન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (એનઆઈટીઆઈ) એટલે કે નીતિ આયોગની રચના કરી હતી.
વિશ્વની હકારાત્મક બાબતોને અપનાવવાની સાથે ભારત પર કોઈ એક મોડેલ ઠોકી નહીં બેસાડીને વિકાસ માટે ભારતીય અભિગમ વિકસાવવાની જવાબદારી આ સંસ્થાને સોંપવામાં આવી છે. નીતિ આયોગને કેન્દ્ર સરકારનું સર્વોચ્ચ વિચારક મંડળ ગણવામાં આવે છે. આર્થિક મોરચે આ સંગઠનની સર્વોચ્ચ સલાહકારની ભૂમિકા છે.
નરેન્દ્ર મોદીનો અત્યંત મહત્ત્વાકાંક્ષી અને એટલો જ વિવાદાસ્પદ તેમજ 20,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એટલે સેન્ટ્રલ વિસ્ટા. વર્તમાન સંસદ ભવન, રાજપથ અને તેની આસપાસના સ્થાપત્યનું નિર્માણ બ્રિટિશરોએ કર્યું હતું. તેના સ્થાને નવા સંસદ ભવન, નવા સચિવાલય અને અન્ય નવી ઇમારતોના નિર્માણની સરકારની યોજના છે.
આ પ્રોજેક્ટ માટે પર્યાવરણના અનેક નિયમોમાં બાંધછોડ અને તેમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ પ્રોજેક્ટના પ્રસ્તાવિત ખર્ચમાં વધારો થયાનો અને કોવિડના સમયગાળામાં પણ આ પ્રકલ્પનું કામ રોકવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
દેશમાં અનેક હોસ્પિટલો તથા અન્ય માળખાકીય વ્યવસ્થાનું નિર્માણ જરૂરી છે ત્યારે મોદી સરકારે આ પ્રકલ્પ શા માટે હાથ ધર્યો છે એવો સવાલ પણ વિરોધીઓ સતત કરતા રહ્યા છે, પરંતુ નવા ભારતનું પ્રતીક બનનારી નવી સંસદ તથા નવી સેન્ટ્રલ વિસ્ટા આધુનિક સમયની જરૂરિયાત હોવાનું સરકારે જણાવ્યું છે.

7. કૃષિકાયદાની જાહેરાત અને પીછેહઠ

ઇમેજ સ્રોત, Getty Images
વડાપ્રધાન તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળના આઠ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં નાના-મોટાં અનેક આંદોલનો થયાં છે, પણ એ પૈકીના માત્ર એક આંદોલને સરકારને તેનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પાડી છે. ધામધૂમથી બનાવેલા ત્રણ કૃષિ કાયદા સરકારે પાછા ખેંચવા પડ્યા હતા.
કૃષિ ક્ષેત્રે સુધારા કરવા અને ખેડૂતોને બજાર સાથે સીધા જોડવા માટે મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા બનાવ્યા હતા. કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણની માગણી વર્ષોથી કરી રહેલા લોકોએ આ કાયદાઓનું સ્વાગત કર્યું હતું. ઘણા વિશ્લેષકો માનતા હતા કે માર્કેટિંગ યાર્ડ પ્રત્યેના અસંતોષને લીધે આ કાયદાઓ ખેડૂતો માટે ઉપકારક સાબિત થશે.
જોકે, ઉત્તર ભારતના અને ખાસ કરીને પંજાબના ખેડૂતોએ આ કાયદાઓનો જોરદાર વિરોધ કર્યો હતો. દિલ્હીની ત્રણેય સીમા પર ખેડૂતોએ વર્ષેક સુધી ધરણાં કર્યાં હતાં.
સરકારે ખેડૂતોના મહત્ત્વના વાંધાઓના નિરાકરણની ખાતરી આપી હતી, પરંતુ વાટાઘાટના 15 રાઉન્ડ પછી પણ કોઈ નિરાકરણ થયું ન હતું. ખેડૂતો કાયદા રદ્દ કરાવવા ઇચ્છતા હતા અને સરકાર તેનો અમલ કરાવવા ઇચ્છતી હતી.
આખરે પંજાબ અને અન્ય ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી વખતે ખુદ નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ કાયદાથી થનારા લાભની વાત ખેડૂતોને ગળે ઉતારવામાં પોતે નિષ્ફળ રહ્યાનો ખેદ તેમણે વ્યક્ત કર્યો હતો. ચૂંટણી સમીકરણના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનો મત રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કર્યો હતો.
આંદોલનકર્તા સંગઠનોએ સરકારના નિર્ણયને પોતાનો વિજય ગણ્યો હતો, જ્યારે કાયદાના સમર્થકોએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણની તક ભારતે ગૂમાવી છે.

8. ઉજ્જવલા, જનધન અને આયુષ્માન ભારત યોજના

ઇમેજ સ્રોત, PMJDY.GOV.IN
કેન્દ્રમાં સત્તાના આઠમા વર્ષમાં પ્રવેશતાં સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ શરૂ કરી છે. તેમાં મહિલાઓ, નાનાં બાળકો અને ઉપેક્ષિત જૂથો જેવા અનેકો માટેની યોજનાનો સમાવેશ થાય છે. ગૃહિણીઓને ચૂલા તથા લાકડાનાં ધૂમાડામાંથી મુક્ત કરીને ત્રણ વર્ષમાં પાંચ કરોડ ગૅસ જોડાણના વચન સાથેની ઉજ્જવલા યોજના મોદી સરકારે 2016ની પહેલી મેએ શરૂ કરી હતી.
2021ના કેન્દ્રીય બજેટમાં વધારાના એક કરોડ કનેક્શનની સાથે ગૅસના ચૂલા તથા પહેલું સિલિન્ડર મફત આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
દેશના તમામ નાગરિકોને બૅન્કિંગ વ્યવસ્થામાં સામેલ કરવા માટે સરકારે જનધન યોજના શરૂ કરી હતી. સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સબસિડી તેમજ ઇતર લાભો અને એક લાખ રૂપિયાના મફત વીમા જેવી સુવિધા સરકારે આ યોજના મારફત આપી છે. આ યોજના હેઠળ ખુલેલા 45 કરોડથી વધુ ખાતાંઓમાં 1 લાખ, 67 હજાર કરોડ રૂપિયાથી વધુ નાણાં જમા થયાં હોવાનું સરકારે જણાવ્યું છે.
વીમો લેવાનું પોસાતું ન હોય એવા ગરીબ લોકો માટે સરકારે વડાપ્રધાન આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. સરકારે જણાવ્યું હતું કે આ યોજનાના કાર્ડધારકોનો ઉપચાર વિવિધ હૉસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવશે. કોવિડના સમયગાળામાં આ યોજના બહુ ઉપયોગી સાબિત થઈ હતી, પરંતુ ટેકનિકલ અને બીજાં અનેક કારણોસર આ યોજના હેઠળ પોતાની સારવાર ન કરવામાં આવી હોવાની ફરિયાદ અનેક લોકોએ કરી હતી. બીબીસી ગુજરાતીના અહેવાલમાં બહાર આવ્યું હતું કે મોદી સરકારે આ યોજનાનો પ્રચાર કરવાનો ખાસ કંઈ પ્રયાસ કર્યો નથી.
સરકારની આ યોજનાની જરાય ટીકા થઈ નથી એવું નથી, પરંતુ આ યોજનાનો સમાવેશ મોદી સરકારની યશસ્વી યોજનાઓમાં થાય છે. રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ, આ યોજનાઓ મહિલાઓ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકોના મત મેળવી આપવામાં નરેન્દ્ર મોદી તથા તેમના નેતૃત્વ હેઠળના ભાજપ માટે બહુ મદદગાર સાબિત થઈ છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












