ટ્રિપલ તલાક : 'જ્યારે હિંદુઓમાં દ્વિપત્ની, દહેજ કે ઘરેલૂ હિંસામાં સજા થઈ શકે છે તો આમાં કેમ નહીં?'

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, ઝાકિયા સોમન
- પદ, બીબીસી ગુજરાતી માટે
ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું છે. ભારતના લોકતંત્રમાં એ ક્ષણ ઐતિહાસિક ક્ષણ તરીકે નોંધાઈ ગઈ જ્યારે આ બિલ પાસ થયું. જોકે, સારું થાત જો આ બિલ લોકસભા અને રાજ્યસભાએ મળીને દાયકાઓ પહેલાં પાસ કરી દીધું હોત.
1950 અને 60ના દાયકા દરમિયાન હિંદુ કોડ બિલને પાસ કરવામાં આવ્યું હતું. બીજા કેટલાક કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેનાથી ખ્રિસ્તી મહિલાઓને તલાકનો હક મળી શકે પરંતુ મુસ્લિમ મહિલાઓને આ કાયદાથી કોઈ ફાયદો ન થયો.
ટ્રિપલ તલાક બિલ મામલે દેશમાં તેના સમર્થન અને વિરોધમાં ઘણી દલીલ રજૂ કરવામાં આવી.
જોકે, આ મુદ્દે વાત કરતા પહેલાં હું તમને ઇતિહાસમાં લઈ જવા માગીશ અને દેશમાં મુસ્લિમ પર્સનલ લૉ અંગે થોડો સંદર્ભ રજૂ કરવા માગીશ.
સ્વતંત્રતા બાદ 1950માં ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું. એ બંધારણમાં દેશના તમામ પુરુષોની સાથે સાથે મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યા હતા.
હિંદુ મૅરેજ ઍક્ટ અને બીજા કેટલાક કાયદા પાસ કરવામાં આવ્યા.
એ વખતે પણ ધાર્મિક આગેવાનો અને રૂઢિચુસ્ત સંગઠનોએ આ કાયદાઓ મામલે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ દરેક અવરોધોને પાર કરતા આ કાયદાઓને પાસ કરવામાં આવ્યા હતા.
દુર્ભાગ્યપણે રાજકીય પરિસ્થિતિ અને ધર્મનિરપેક્ષ રાજકીય પાર્ટીઓ તેમજ રૂઢિચુસ્ત મુસ્લિમ ધર્મગુરૂઓ વચ્ચેની બેડીઓએ મુસ્લિમ મહિલાઓને કાયદાનો ફાયદો મેળવવાથી દૂર રાખી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'ધર્મ પર ખતરો'

ઇમેજ સ્રોત, Getty Images
કુરાનમાં દરેક જાતિ સાથે ન્યાય હોવાનો સિદ્ધાંત રજૂ થયેલો છે અને બંધારણમાં પણ હકોના રક્ષણનો ઉલ્લેખ છે, તે છતાં ટ્રિપલ તલાક, હલાલા, બહુવિવાહ જેવી પ્રથા ચાલતી રહી છે.
દરેકને યાદ છે કે કેવી રીતે 65 વર્ષીય મહિલા શાહબાનો કે જેમણે પોતાના પતિ પાસેથી છૂટાછેડાં લીધા હતા, તેમને માસિક 125 રૂપિયાનું વળતર આપવાની ના પાડી દેવામાં આવી હતી. એ માસિક 125 રૂપિયાના વળતરને કોર્ટ પાસેથી માન્યતા મળી હતી.
આપણા સમાજમાં પુરુષવાદી માનસિકતા ગળાની ફાંસ સમાન છે કે જેના પર સરકાર, ધાર્મિક આગેવાનો, નેતાઓ આંખ આડા કાન કરે છે.
તેઓ એમ કહીને મહિલાઓને ન્યાય આપવાથી બચતા રહ્યા કે 'ધર્મ પર ખતરો છે.'

10-12 વર્ષ પહેલાં મહિલાએ ઉઠાવ્યો અવાજ

ઇમેજ સ્રોત, Getty Images
આજે ટ્રિપલ તલાક બિલ પાસ થયું છે તો તેનો શ્રેય મુસ્લિમ મહિલાઓને જ જાય છે કે જેમણે છેલ્લા 10-12 વર્ષમાં પોતાની સાથે થતા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.
મુસ્લિમ મહિલાઓએ ઘણી જગ્યાઓએ વિરોધ પ્રદર્શન કર્યાં. અમદાવાદ, મુંબઈ, જયપુર, દિલ્હી, ભોપાલ, કોલકાતા તેમજ અન્ય સ્થળોએ બેઠકોનું આયોજન કર્યું.
જ્યારે હું કેટલીક રમખાણ પીડિત મહિલાઓને અમદાવાદના જુહાપુરામાં વર્ષ 2006માં મળી હતી ત્યારે પહેલી વખત મને જાણ થઈ કે આ સમસ્યા કેટલી મોટી છે. કેટલીક યુવતીઓએ ટ્રિપલ તલાકના મુદ્દે સવાલ ઊભા કર્યા હતા.
શબીના (બદલવામાં આવેલું નામ)ને ટ્રિપલ તલાક મળ્યાં હતાં. તેમનાં પતિએ તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને સાસરીપક્ષની દરેક વ્યક્તિ આની સામે ચૂપ રહી.
તેઓ પછી એક કાઝીને મળ્યા. એ કાઝીએ તેમને કહ્યું કે શબીનાનાં પતિએ તેમને ત્રણ વખત તલાક કહી દીધું છે એટલે હવે કંઈ થઈ શકે તેમ નથી.
આ દુઃખદ ઘટના મામલે હું અને તે મહિલા વાતચીત કરી રહ્યા હતા ત્યારે ખબર પડી કે દેશના ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં મહિલાઓએ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ તેનું સમાધાન શોધી રહી છે.
ત્યાંથી અમને નેશનલ પ્લેટફૉર્મ મળ્યું અને ટ્રિપલ તલાકને નાબૂદ કરવા અભિયાન શરૂ થયું.

ભાજપને તક મળી ગઈ

ઇમેજ સ્રોત, PRASHANT DAYAL
મહિલાઓ સુપ્રીમ કોર્ટ પહોંચી, સંસદને કામે લગાડી, સરકાર પાસેથી કાયદાકીય રક્ષણની માગ કરી અને આખા સમાજ પાસેથી સમર્થનની માગણી કરી.
આજે મહિલાઓ હવે તેમની સફળતાની ઊજવણી કરી રહી છે.
પરંતુ મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ, કૉંગ્રેસ અને અન્ય કથિત ધર્મનિરપેક્ષ પાર્ટી જેવા કન્ઝર્વેટીવ વર્ગો આ બિલથી નાખુશ હોય તેવું લાગી રહ્યું છે.
તેમનું માનવું છે કે ભાજપ સરકાર શ્રેય લઈ જઈ રહી છે.
પરંતુ જ્યારે આખા દેશની મહિલાઓ ટ્રિપલ તલાકને નાબૂદ કરવાની વાત કરી રહી હોય, અને કૉંગ્રેસ ચૂપ રહે તો આ તો થવાનું જ હતું.
ભાજપે આ મુદ્દાને તક તરીકે જોયો છે જેમાં અન્ય પાર્ટીઓ નિષ્ફળ રહી છે.
પરંતુ આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે? એમાં કોઈ શંકા નથી કે તેની પાછળ ધાર્મિક આગેવાનો અને કૉંગ્રેસ જવાબદાર છે.
અલ્લાહે પુરુષ અને મહિલાને એક સમાન બનાવ્યા છે.
જે હક અલ્લાહે આપ્યા છે, તેની આડે ધાર્મિક આગેવાનો આવી રહ્યા છે.
હવે એક નજર કરીએ કાયદા અને તેની સામે રજૂ થતા વાંધા પર.
મુખ્ય વાંધામાંથી એક વાંધો એ છે કે નવો કાયદો ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકને ગુનો ગણાવે છે.
હું કાયદાનું સ્વાગત કરું છું. અને હું કહી દઉં કે આ કાયદાનો મતલબ પુરુષને સજા આપવાનો નથી, પણ પીડિત મહિલાને ન્યાય આપવાનો છે.
જોકે, કોઈ કાયદામાં અવ્યવસ્થા હોય તો તેનો કોઈ મતલબ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવ્યો હતો, તે છતાં ટ્રિપલ તલાકના મામલા સામે આવી રહ્યા હતા.
આ પરિસ્થિતિમાં એક મહિલા શું કરી શકે છે? તેમની પાસે ખૂબ ઓછા વિકલ્પ હોય છે.
જોકે, કાયદો બે વ્યક્તિને સમાધાન કરવાની તક આપે છે. આ ગુનામાં જામીન મળી શકે છે અને તે માંડવાળપાત્ર છે.
જે ડર ફેલાવવામા આવી રહ્યો છે એ આધારવિહોણો છે. કેમ કે FIR એ પત્ની અથવા તો કોઈ પરિવારજન દ્વારા જ દાખલ કરી શકાય છે અને તે વ્યક્તિઓ મુસ્લિમ હશે.
મહિલા પતિને જેલ મોકલવા માટે કાયદાનો ઉપયોગ કરશે તે વિચાર હાસ્યાસ્પદ અને સ્પષ્ટપણે પિતૃસત્તાક છે.
આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશમાં દ્રિપત્ની, દહેજ, ઘરેલૂ હિંસા અને બાળ શોષણ જેવા કેસમાં સજાનો દર કેવો છે.
જેમને મહિલાઓની સ્થિતિ અંગે કોઈ જાણ નથી તેવા પર્સનલ લૉ બૉર્ડ, નેતાઓ અને કેટલાક કાયદાકીય સલાહકારો આંખ બંધ કરીને કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
તેઓ સામાન્ય મુસ્લિમના મનમાં ભાજપનો ઇરાદો બતાવી ડર ઊભો કરી રહ્યા છે.

જે પુરુષે તલાક આપી, તે કેવી રીતે કરશે મહિલાની દેખરેખ?

ઇમેજ સ્રોત, Getty Images
હું સરકારની કેટલીક નીતિઓ સાથે સહમત નથી. પણ આ મુદ્દે સરકાર 100% યોગ્ય કરી રહી છે.
કાયદાકીય સલાહકારોએ એ સમજવાની જરૂર છે કે જ્યારે હિંદુઓમાં દ્વિપત્ની કે પછી દહેજ અથવા ઘરેલૂ હિંસામાં કોઈને સજા થઈ શકે છે, તો પછી ટ્રિપલ તલાકમાં કેમ નહીં?
ખરેખર તો જે લોકો ટ્રિપલ તલાકનો વિરોધ કરી રહ્યા છે, તેઓ ક્યારેય મુસ્લિમ મહિલાઓના ન્યાય માટે આગળ આવ્યા જ નથી.
તેઓ અચાનક જ હવે એ મામલે ચિંતિત થઈ ગયા છે કે આ કાયદો મુસ્લિમ મહિલાઓ માટે હાનિકારક સાબિત થશે.
મને એ દલીલ પર હસવું આવે છે કે : "જ્યારે તે મહિલાનાં પતિ ત્રણ વર્ષ સુધી જેલમાં હશે તો તેમની દેખરેખ કોણ કરશે?"
હવે તે વાત કોઈ સમજાવશે કે જે પુરુષે તેની પત્નીને ટ્રિપલ તલાક આપે છે તે પતિ તે મહિલાની દેખરેખ શા માટે કરે?
ઘણાં એવા કેસ સામે આવ્યા છે કે જેમાં મહિલાઓએ કહ્યું છે કે તેમને તેમના પતિ પાસેથી એક રૂપિયો પણ મળ્યો નથી.
એટલું જ નહીં, કેટલાક કેસમાં તો પતિ પોતાની પત્નીની વસ્તુઓ પણ જપ્ત કરી લે છે કે જે તે પોતાનાં લગ્ન સમયે પોતાની સાથે લાવી હોય છે.

મુસ્લિમ સમાજમાં પરિવર્તનની માગ

ઇમેજ સ્રોત, Getty Images
આ કાયદો ઐતિહાસિક છે કેમ કે મુસ્લિમ સમાજની અંદરથી જ પરિવર્તનની માગ ઊઠી છે.
એ યાદ રાખવું હંમેશાં જરૂરી છે કે દરેક પીડિત મહિલા કોઈની બહેન છે, દીકરી છે, માતા છે.
લોકોમાં હવે કુરાન મામલે પણ જ્ઞાન વધી રહ્યું છે કે જેમાં જાતિ અંગે સમાનતાની વાત કહેવામાં આવી છે.
આજે મુસ્લિમોને ખબર છે કે ટ્રિપલ તલાકને કુરાને મંજૂરી આપી નથી.
આ એક મહત્ત્વનું પાસું છે કે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને સફળતા ન મળી અને શરિયતના કાયદામાં દખલગીરી કરવાનો ભય તે લોકોમાં ઊભું ન કરી શક્યું.
જોકે, ધર્મનિરપેક્ષ પાર્ટીઓ આ મામલે અનિશ્ચિત રહી છે અને તેમણે મુસ્લિમ મહિલાઓને ખુલ્લેઆમ સમર્થન આપ્યું નથી.
આ ઢોંગના કારણે ભાજપને એક તક મળી ગઈ. જોકે, હાલ ભાજપની ચાલ કે એવું કંઈક જોવાનો કોઈ મતલબ નથી.
પણ એ વાતનો ઉલ્લેખ થવો જોઈએ કે મહિલાને કાયદાકીય સંરક્ષણ આપવાનો આદેશ બંધારણે આપ્યો છે.
ટ્રિપલ તલાક પર કાયદો લાવવાને વાસ્તવિકતા બનવામાં સાત દાયકા લાગી ગયા.
હું નથી માનતી કે ટ્રિપલ તલાક પર કાયદો લાગુ થયા બાદ તુરંત જ મુસ્લિમ મહિલાના જીવનમાં મોટું પરિવર્તન આવી જશે.
સમાજમાં સુધારો લાવવા માટે કાયદાકીય સુધારો વધારે જરૂરી છે.
દેશની મોટાભાગની મુસ્લિમ વસતી ગરીબ, અશિક્ષિત અને આર્થિક રીતે પછાત છે.
તેઓ હંમેશા કોમી રમખાણ અને ભેદભાવના ડરમાં જીવે છે.
ટ્રિપલ તલાક લૉને લાગુ કરવા માટે જાગરૂકતા, શિક્ષણ અને પુરુષો તેમજ મહિલાનાં સશક્તિકરણની જરૂર છે.
આ કાયદો એ લોકોની મહેનતને માન આપશે કે જેઓ સમાજને ન્યાય અપાવવા, તેને સશક્ત કરવા અને લોકતંત્ર જાળવી રાખવા માટે કામ કરી રહ્યા છે.
હું આશા રાખું છું કે આ ફાયદો મુસ્લિમ સમાજની મહિલાઓને મદદ કરશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












