કોરોના લૉકડાઉન : ‘મારી બહેનને મારી આંખ સામે જ ભૂખ ભરખી ગઈ’ - શ્રમિક ટ્રેનમાં સ્વજન ગુમાવનારની આપવીતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
"આઠ મહિના બાદ આખરે ઘરે જઈ શકીશું. એ જાણી અમે ખુશ હતાં. પરંતુ કોઈને ખબર નહોતી કે આ સફરમાં જ અમારું કોઈ સ્વજન કાળનું કોળિયો બની જશે."
"અમદાવાદના એક ખોબલા જેવા રૂમમાં પાછલા એક મહિનાથી અમે અર્ધભૂખી અવસ્થામાં જ સૂઈ જવા મજબૂર હતાં. હવે આ ત્રાસદાયક પરિસ્થિતિથી વતન જઈને છૂટકારો મળશે એ વાતનો મનમાં ક્યાંક ઊંડ હાશકારો અનુભવી રહ્યાં હતાં. પરંતુ આ હાશકારો જલદી જ હાયકારામાં પરિવર્તિત થવાનો હતો, એ વાતથી અમે બધાં અજાણ હતાં."
બિહારના કટિહાર જિલ્લાના શ્રીખોલ ગામના રહેવાસી મોહમ્મદ વજીરને ગત વર્ષે શ્રમિક ટ્રેનમાં સફર દરમિયાન તેમને ભોગવવી પડેલી વેદના તેમના આ શબ્દો પરથી અનુભવી શકાય છે.
તેઓ શ્રમિક ટ્રેનમાં પોતાનાં પરિવાર અને બાળકોને વેઠવી પડેલી યાતનાઓ વિશે વાત કરતાં કરતાં વારંવાર અટકી જતા હતા.
વાતચીતમાં વચ્ચે સર્જાઈ રહેલ મૌન જાણે દુ:ખને અભિવ્યક્ત કરવા માટે બોલાયેલા હજારો શબ્દો કરતાં વધુ અસરકારક હતું.
મોહમ્મદ વજીર પોતાની આપવીતી સંભળાવતાં આગળ કહે છે કે :
"ભૂખની બીકથી અમે અમદાવાદથી જેમ બને એમ જલદી પોતાના ગામ જવા માગતા હતા. પરંતુ આ ભૂખ જાણે કાળ બનીને અમારો પીછો કરી હતી. આખરે આ જ ભૂખ મારી આંખ સામે મારી સાળી અરવીનાને શ્રમિક સ્પેશિયલ ટ્રેનના સફર દરમિયાન ભરખી ગઈ."
"અમદાવાદ હતાં ત્યારે અમે જેમ તેમ એક ટંક ચોખા બાફીને તો ખાતાં. પરંતુ આ સફરમાં તો અમને એ પણ નસીબ ન થયું. ચાર દિવસ સુધી સળંગ ભૂખ્યાં ટળવળતાં રહ્યાં. કોઈ અમારી ખબર પૂછવાવાળું નહોતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ જણાવે છે કે, "માત્ર અરવીના જ નહીં. આખા ડબ્બામાં લોકોની કંઈક આવી જ હાલત હતી. મારી પત્ની કોહિનૂરની હાલત પણ ભૂખ અને તરસને કારણે ખૂબ બગડી ગઈ હતી."
મોહમ્મદ વજીર આગળ જણાવે છે કે, "વતન પરત ફરવાની ખુશી થોડા કલાકોમાં જ જઠરાગ્નિ જાગતાં ઓસરી ગઈ. લૉકડાઉનના સમય દરમિયાન અમે બધાં અર્ધભૂખી અવસ્થામાં જ સમય ગાળતા હોઈ પહેલાંથી અમારાં શરીર ખૂબ નબળાં પડી ગયાં હતાં. ટ્રેનમાં પણ સતત ચાર દિવસની ભૂખ વેઠવી પડશે એ અમે સપનામાંય નહોતું વિચાર્યું."
અમદાવાદથી ઊપડેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી 23 વર્ષીય અરવીના ખાતૂન માટે અંતિમ સફર બની ગઈ હતી. થોડા દિવસ બાદ તેમનો મૃતદેહ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર પડ્યો હતો. જેના પર પડેલી ચાદર હઠાવીને તેમનો દોઢ વર્ષનો ભૂલકો રહેમત પોતાનાં મૃત માતાને મૃત્યુની ચીર નિંદ્રામાંથી જગાડવાના વ્યર્થ પ્રયાસ કરી રહ્યો હતો.
એ ભૂલકાને કોણ સમજાવે કે ચાર દિવસથી શ્રમિક ટ્રેનની કથિતપણે 'ભયાનક' મુસાફરીમાં ઢાળ બનીને તેનું રક્ષણ કરનાર તેની માનું શરીર હવે અચેતન બની ગયું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ ચિત્ર હજુ લોકસ્મૃતિમાંથી સંપૂર્ણપણે ભૂંસાયું નથી. આ ઘટનાને લગભગ એક વર્ષ થઈ ગયું છે. તેમ છતાં અરવીના અને તેમના જેવા શ્રમિક ટ્રેનોમાં જીવનની બાજી હારી જનાર ઘણા લોકોના પરિવારો હજુ સુધી સરકારી મદદ માટે મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે.

ચાર માસમાં 97 શ્રમિકોનાં મૃત્યુ
જોકે, કેન્દ્ર સરકાર લોકસભામાં ચર્ચા દરમિયાન અને માધ્યમો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતી વખતે અનેક વખત જણાવી ચૂકી છે કે, શ્રમિક ટ્રેનોમાં કોઈ પણ શ્રમિકનું ભૂખથી કે સારવારના અભાવ જેવી અમાનવીય પરિસ્થિતિઓને કારણે મૃત્યુ થયું નથી.
જે લોકો શ્રમિક ટ્રેનોમાં મૃત્યુને ભેટ્યા તેઓ બધા અગાઉ કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા.
ગત સપ્ટેમ્બર અને માર્ચ મહિનામાં લોકસભામાં રેલવેમંત્રી પિયુષ ગોયલને પુછાયેલા અતારાંકિત પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, 11 સપ્ટેમ્બર, 2019ની સ્થિતિ મુજબ શ્રમિક ટ્રેનોમાં કુલ 97 લોકોનાં મોત થયાં હતાં.
જે પૈકી 87 કેસોમાં રેલવે પોલીસ દ્વારા મૃતકના શરીરના પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયેલ. આ તમામ કિસ્સાઓમાં મૃત્યુ હૃદયરોગ, બ્રૅઇન હેમરજ, ફેફસાં સંબંધી ગંભીર બીમારી, લીવર સંબંધી ગંભીર બીમારી અને અન્ય ગંભીર બીમારીઓનાં કારણે થયાં હોવાનું સામે આવ્યું હોવાનું લોકસભામાં કહેવાયું હતું.
નોંધનીય છે કે મૃતકોની આ યાદીમાં અરવીના ખાતૂન જેવા કેટલાંક લોકો પણ હતાં. જેમનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ વગર જ પરિવારને સોંપી દેવાયો હતો. અને લાંબાગાળાની બીમારીના કારણે મૃત્યુ થયું હોવાનું કારણ આગળ ધરી દેવાયું હતું.
પરંતુ અરવીના ખાતૂનના પરિવારજનો એ વાતથી ઇન્કાર કરે છે કે તેઓ પહેલેથી જ બીમારીથી પીડાઈ રહ્યાં હતાં
તેઓ કહે છે કે, "અરવીનાને અગાઉ કોઈ બીમારી નહોતી. તેમનું મૃત્યુ ભૂખના કારણે અને સમયસર ડૉક્ટરી સારવાર ન મળવાના કારણે થયું હતું."

'કેન્દ્ર સરકાર કે રેલવે તરફથી નથી મળી કોઈ સહાય'

ઇમેજ સ્રોત, Ravish chand Yadav
પોતાને સંવેદનશીલ ગણાવતી મોદી સરકારના મંત્રીએ લોકસભામાં કબૂલ્યું છે કે, શ્રમિક ટ્રેનોમાં થયેલાં મૃત્યુના કિસ્સામાં રેલવે ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ દ્વારા કોઈ પણ ચૂકવણી કરવામાં આવી નથી.
રેલવે ટ્રિબ્યુનલ દ્વારા માત્ર અકસ્માત કે કોઈ અનુચિત ઘટનાને કારણે થયેલ મૃત્યુ કે ઈજા માટે નાણાં અપાય છે.
રેલવે ટ્રિબ્યુનલને શ્રમિક ટ્રેનોમાં થયેલાં મૃત્યુ બાબતે કોઈ ક્લેઇમ મળ્યો નથી, તેથી તે અંગે કોઈ ચૂકવણી કરાઈ નથી.
અરવીના ખાતૂનની જેમ જ મુંબઈના લોકમાન્ય ટિળક રેલવે ટર્મિનસથી ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના મછલીશહેરમાં આવેલા પોતાના ઘર માટે શ્રમિક ટ્રેનમાં સવાર થનાર અન્ય એક મુસાફર 45 વર્ષીય જોખન યાદવનું પણ ટ્રેનમાં મુસાફરી દરમિયાન જ મૃત્યુ થઈ ગયું હતું.
તેમની સાથે મુસાફરી કરી રહેલા તેમના ભત્રીજા રવીશ યાદવ જણાવે છે કે, "અમને મુસાફરી દરમિયાન બિલકુલ ભોજન કે પાણી પૂરું પાડવામાં આવ્યું નહોતું. મેં રેલવે મંત્રાલય અને IRCTCને વારંવાર ટ્વીટ કરીને જણાવ્યું કે અમે ભુખ્યા છીએ. અમે પૈસા આપવા તૈયાર છીએ. અમને ભોજન મોકલાવો. પણ માત્ર જવાબ આવ્યા. ભોજન નહીં."
રવીશ યાદવ કહે છે કે તેમના કાકાનું મૃત્યુ થયું તેના અમુક કલાક પહેલાં જ તેમણે ટ્રે્નમાં ડૉક્ટરની મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને મદદ મળી નહોતી. તેમનો દાવો છે કે સારવાર અને ભોજનના અભાવના કારણે તેમના કાકાનું મૃત્યુ થયું હતું.
રવીશ યાદવ શ્રમિક ટ્રેનમાં પોતાને થયેલ અનુભવ યાદ કરતાં જણાવે છે કે, "મારા કાકા હૃદયરોગના દર્દી હતા. તેમને ભારે પાવરની ગોળીઓ ગળવાની હોઈ મેં ટ્રેનમાં અમને ભોજન મળે એ માટે પ્રયત્ન કર્યા. પરંતુ ભોજનની વ્યવસ્થા ન થઈ શકી. અંતે તેમની તબિયત વધુ ખરાબ થઈ અને તેમનું વારાણસીમાં જ મૃત્યુ નીપજ્યું."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને રેલવે પ્રશાસન, રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ નાણાકીય મદદ કરવામાં આવી છે કે કેમ?
તો તેના જવાબમાં રવીશે જણાવ્યું કે તેમને સરકાર તરફથી કોઈ મદદ કરવામાં નથી આવી. ઊલટાનું પૉસ્ટમૉર્ટમ અને ઍમ્બુલન્સના પૈસા પણ તેમની પાસેથી વસૂલવામાં આવ્યા છે.
આ વાત પરથી સરકારની નિર્દયતા અને નિષ્ઠુરતા રજૂ થતી હોવાનું તેઓ જણાવે છે.
તેઓ કહે છે કે, "મારા કાકાની તબિચત સવાર થતી વખતે એકદમ સારી હતી. પરંતુ ટ્રેન મોડી પડવાના કારણે અને ભોજન માટેની વ્યવસ્થા ન હોવાના કારણે તેમણે જીવ ગુમાવવો પડ્યો."
રવીશે આગળ જણાવ્યું કે, "રેલવે ટિકિટ પર પોતાના માટે ભોજનની વ્યવસ્થા જાતે કરી આવવાની કોઈ નોંધ લખાયેલી નહોતી. અને અમે પૈસા આપવા તૈયાર હોવા છતાં રેલવે દ્વારા ભોજન પૂરું પાડવામાં નહોતું આવ્યું. તેમજ પ્લૅટફૉર્મ પર પણ બધી દુકાનો બંધ હતી. તો પછી અમે ભોજન કેવી રીતે મેળવી શકવાના હતા."
તેઓ પોતાના કાકાના અકાળ મૃત્યુ માટે રેલવેની નિષ્કાળજી અને સરકારની અવ્યવસ્થાને જ જવાબદાર માને છે.
તેમના કાકાના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ સ્પષ્ટપણે વાંચી શકાય એવી રીતે નથી લખાયું.
તેમને માત્ર એટલું જણાવી દેવાયું હતું કે તેમનું મૃત્યુ હૃદયરોગના કારણે થયું હતું.
જોકે, આ વાત સાથે રવીશ અસંમત છે. તેઓ કહે છે કે તેમનું મૃત્યુ સતત ભૂખ વેઠવાના કારણે અને સમયસર ડૉક્ટરી મદદ ન મળવાના કારણે થયું હતું.

ઇમેજ સ્રોત, Mohammad Vajeer
મૃતક અરવીના ખાતૂનના સંબંધી મોહમ્મદ વજીર પણ ટ્રેનમાં તબીબી મદદ મેળવવા માટે પોતે કરેલા અસફળ પ્રયાસ અંગે વાત કરતાં કહે છે :
"જ્યારે અમે અમારા ડબ્બામાં તહેનાત રેલવે પોલીસકર્મીને અરવીના અને મારાં પત્નીની હાલત ખરાબ થઈ રહી છે એવું જણાવ્યું તો તેમણે અમને ધમકાવીને એક બાજુ બેસી જવા માટે કહ્યું. પરંતુ અરવીનાની હાલત ખરાબ લાગતાં મેં પોલીસની મદદ મેળવવા માટે 100 નંબર પર ફોન કર્યો પરંતુ તેમણે પણ ફોન પર અમારી કોઈ મદદ ન કરી અને અરવીનાનો જીવ અમારી આંખ સામે જ છૂટી ગયો. તેને છેલ્લે સુધી તબીબી મદદ ન મળી શકી."
અરવીના ખાતૂનનાં નાનાં બહેન કોહિનૂર જેઓ તેમની સાથે ટ્રેનમાં સફર કરી રહ્યાં હતાં, તેઓ અરવીનાને છેલ્લી ઘડીએ તરફડતી જોવાના અનુભવને પોતાના જીવનનો સૌથી ભયાનક અનુભવ ગણાવે છે.
તેઓ કહે છે કે, "પૈસાના અભાવે અમે ઘણા દિવસથી અધૂરું જ જમતાં હતાં. એ કારણે અરવીના અને હું ખૂબ જ દુબળાં પડી ગયાં હતાં. હવે ચાર દિવસ સુધી સળંગ ભોજન કે પાણીની વ્યવસ્થા ન થવાના કારણે મારી આંખ સામે જ અરવીનાએ દમ તોડ્યો. છેલ્લી ઘડીએ પણ તેઓ ભોજન-પાણી, ભોજન-પાણી એવું જ બબડી રહ્યાં હતાં. ધીરે ધીરે બબડાટ ધીમો પડ્યો અને પછી થંભી ગયો. અને અમે સમજી ગયાં કે ભૂખ મારી બહેનને ભરખી ગઈ."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું તેમની સાથે નાનાં બાળકો હતાં. તેમની સારસંભાળ તેઓ કઈ રીત કરી શક્યાં?
આ પ્રશ્નના જવાબમાં તેઓ કોહિનૂર કહે છે કે, "બાળકો માતાના દૂધ પર નિર્ભર હતાં. એક સમય પછી તેઓ પણ ભૂખથી ટળવળી રહ્યાં હતાં."
વજીર આ અંગે જણાવે છે કે, "અમારી પાસે સામાનની પેટીમાં રહેલ થોડું જે સૂકો નાસ્તો હતો તે બાળકોને મોળો કરીને અમે આપી રહ્યાં હતાં. જેથી તેઓ આ કપરા સમયમાં બચી ગયાં. બાળકોને નાસ્તો ન ખૂટે તે માટે અરવીનાએ, કોહિનૂરે કે મેં નાસ્તો મોઢામાં નહોતો નાખ્યો."
અંતે તેઓ નિસાસો નાખતાં કહે છે કે બાળકો તો હેમખેમ રહ્યાં પરંતુ મોટાઓની હાલત ભૂખના કારણે બગડી ગઈ.

ટ્રેનમાં ભોજન અને સારવાર કોની જવાબદારી?

ઇમેજ સ્રોત, Getty Images
રેલવે ઍક્ટ, 1989 અનુસાર જો કોઈ વ્યક્તિ સમગ્ર ભારતમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ અકસ્માતનો ભોગ બને કે તેમની સાથે ટ્રેન પર કોઈ અનુચિત ઘટના ઘટે તો તેવા કિસ્સામાં તે વ્યક્તિ કે તેમનાં સગાંને ઈજા કે મૃત્યુ માટે ઓછામાં ઓછા 64,000 અને વધુમાં વધુ આઠ લાખ રૂપિયા રેલવે ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ દ્વારા આપવાની જોગવાઈ છે.
આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે અમે રેલવે ટ્રિબ્યુનલની પ્રિન્સિપાલ બેન્ચ, દિલ્હીના ભૂતપૂર્વ ચૅરમૅન જસ્ટિસ કે. કાનન સાથે વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, "ભારતીય રેલવેની ટ્રેન પર મુસાફર સાથે બનેલી દુર્ઘટનાના કારણે થયેલ ઈજા કે મૃત્યુના કિસ્સામાં જે-તે વ્યક્તિને આઠ લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે."
"માત્ર આવી ઈજા કે મૃત્યુ મુસાફર દ્વારા જાણીજોઈને કરવામાં ન આવી હોવી જોઈએ."
શ્રમિક ટ્રેનોમાં થયેલ મૃત્યુના કિસ્સામાં તેમના સંબંધીઓને વળતરસંબંધી બાબતે વધુ સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે, "જો મુસાફરનું મૃત્યુ ટ્રેનમાં ભૂખના કારણે થયું હોય તો તે સંબંધે રેલવે મુસાફરને ભોજનસંબંધી વ્યવસ્થા કરવા માટે બંધાયેલ નથી."
"મુસાફર પોતાના ભોજનની વ્યવસ્થા પોતે જ કરવાની રહે છે. આવા કિસ્સામાં મુસાફરના સંબંધીને વળતર ન પણ મળી શકે."
જોકે, તેઓ આગળ જણાવે છે કે રેલવેમાં મુસાફરી દરમિયાન જો કોઈ વ્યક્તિનું મૃત્યુ ડૉક્ટરી સુવિધા ન મળવાના કારણે થયું હોય તો તેવી પરિસ્થિતિમાં મૃત્યુ પામનારનાં સગાં કે ઈજા થનાર વ્યક્તિને વળતર મળી શકે છે.
કારણ કે ડૉક્ટરી સારવાર આપવાની જવાબદારી રેલવે પ્રશાસનની બને છે. પરંતુ આવી રીતે બીમાર પડેલી વ્યક્તિને એવો રોગ લાગુ પડેલ હોવો જોઈએ જેની સારવાર ઉપલબ્ધ હોય.
તેઓ જણાવે છે કે, "સારવાર ઉપલબ્ધ હોય તેવી પરિસ્થિતિમાં જો બીમાર પડનાર વ્યક્તિ દ્વારા રેલવે પ્રશાસનને જાણ કરવામાં આવે પરંતુ તેઓ આવી વ્યક્તિને યોગ્ય સમયે સારવાર ન આપી શકે. તો આવી પરિસ્થિતિમાં રેલવે જવાબદાર બને છે. અહીં એ વાત નોંધનીય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિ કે ઈજા ભોગવનાર વ્યક્તિની અંતિમ પરિસ્થિતિનું કારણ જે તે બીમારી કે ઈજા નહીં. પરંતુ તબીબી સારવારનો અભાવ હોય છે."
બીજી તરફ નિષ્ણાતો માને છે કે શ્રમિક ટ્રેનમાં ભોજન પૂરું પાડવાની જવાબદારી પણ રેલવેની હતી.
શ્રમિકોને પોતાના ભોજનની વ્યવસ્થા જાતે જ કરવાની જરૂર હતી. આ વાત સાથે નૅશનલ લૉ યુનિવર્સિટીનાં મદદનીશ પ્રાધ્યાપક નંદિતા બત્રા સંમત નથી થતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેઓ કહે છે કે, "પહેલી વાત તો એ કે આ ટ્રેન શ્રમિક સ્પેશિયલ ટ્રેન હતી. તેથી આને રેલવે ઍક્ટ, 1989 લાગુ ન પડી શકે. આ ઍક્ટમાં સામાન્ય ટ્રેનને લગતી જોગવાઈઓ છે. ના કે સ્પેશિયલ ટ્રેનને લગતી."
"તેમજ જ્યાં સુધી જાતે ભોજનની વ્યવસ્થા કરવાની વાત છે. ત્યાં આપણે એ સમજવાની જરૂર છે કે શ્રમિક ટ્રેનોની શરૂઆત 1 મે, 2020થી થઈ હતી. એટલે લૉકડાઉન લાગુ થયાના એક મહિના કરતાં પણ વધુ સમય બાદ. આટલા સમય સુધી આ શ્રમિકોએ કામકાજ અને રોજની મળતી મજૂરીના વળતરના અભાવમાં પસાર કર્યા હતા. તેમની પાસે નાણાંની તંગી હતી. તો આવી પરિસ્થિતિમાં તેઓ કઈ રીતે ભોજન જાતે ખરીદી શકે."
તેઓ શ્રમિકોએ જાતે ભોજન ખરીદવાની વાત સાથે અસંમતિ વ્યક્ત કરતાં કહે છે કે, "આ દરમ્યાન લાંબી મુસાફરીમાં પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે શ્રમિકો પાસે કોઈ રસ્તો નહોતો. કારણ કે તે દરમિયાન પ્લૅટફૉર્મ પર પણ તમામ દુકાનો બંધ હતી. તો પછી તેઓ કઈ રીતે પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે એ સમજની બહારની બાબત છે."
પ્રોફેસર નંદિતા બત્રા જણાવે છે કે શ્રમિકોને અપાયેલી ટિકિટ પર પણ ક્યાંય ઉલ્લેખ નહોતો કે તેમણે પોતાના ભોજનની વ્યવસ્થા જાતે કરવાની છે.
આ બાબતે રેલવેનું ભેદી મૌન શ્રમિક ટ્રેનોમાં જીવ ગુમાવનાર લોકોના સંબંધીઓને વળતર માટે લાયક ઠેરવે છે.

ટ્રેનોમાં મુસાફરો માટે પૂરતી સુવિધાઓ હતી?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
29 મે, 2020ના રોજ રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને અનુરોધ કર્યો હતો કે ગંભીર માંદગીથી પીડાતા લોકો, ગર્ભવતી મહિલાઓ તેમજ 65 વર્ષી વધુના અને દસ વર્ષથી ઓછી વયના લોકોએ શ્રમિક ટ્રેનમાં જરૂર હોય તો જ મુસાફરી કરવી.
આ વાતન ટાંકતાં પ્રો. બત્રા કહે છે કે, "શું હાલની પરિસ્થિતિમાં ચાલતી ટ્રેનો માટે આવો અનુરોધ કરવામાં આવે છે?"
"શું અત્યારે આવા લોકોને ટ્રેનોમાં તમામ સુવિધાઓ નથી મળી રહેતી?"
તેઓ કહે છે કે, આ વાત જ એટલું સાબિત કરવા માટે પૂરતી છે કે કેન્દ્ર સરકાર પાસે શ્રમિકોને પોતાના ઘરે પહોંચાડવા માટે પ્લાનિંગનો અભાવ હતો.
પ્રો. બત્રા કહે છે કે, "અત્યારે લોકોને જેમ ટ્રેનના મુસાફરોને ભોજન, પાણી અને આરોગ્યને લગતી સુવિધાઓ મળી જાય છે. તેવું જ એ સમયે પણ થવું જોઈતું હતું. ઉપરથી હાલ કરતાં વધુ ધ્યાન રાખવાની એ સમયે જરૂર હતી. કારણ કે શ્રમિકો પહેલાંથી ઘણા સંકટોનો સામનો કરી ચુક્યા હતા."
પ્રો. બત્રા કહે છે કે જ્યારે શ્રમિક ટ્રેનોમાં સારવાર અને ભોજનના અભાવથી શ્રમિકોનાં મૃત્યુની ઘટનાઓ સામે આવવા લાગી ત્યારે આ અંગે સુપ્રીમ કોર્ટે સ્વસંજ્ઞાન લીધું હતું. અને રાજ્યો અને રેલવેને શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરવા અને તેમને તેમના વતન સુધી મફત પહોંચાડવા માટે નિર્દેશ જારી કર્યાં હતાં.
તેઓ કહે છે આટલું જ નહીં મીડિયામાં સતત છપાઈ રહેલા શ્રમિક ટ્રેનો પરનાં મૃત્યુની ઘટનાઓ અંગે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશને પણ સ્વસંજ્ઞાન લીધું હતું. આ વાત પરિસ્થિતિની ગંભીરતા અને રેલવે અને સરકારની બેજવાબદારીનું ઉદાહરણ પૂરું પાડે છે.
ધ હિંદુ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે 28 મેના રોજ નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ શ્રમિક ટ્રેનોમાં ભૂખને કારણે થઈ રહેલાં મૃત્યુ બાબતે રેલવે ઑથૉરિટી, બિહાર અને ગુજરાત રાજ્યને ચાર અઠવાડિયાંમાં જવાબ આપવા માટેની નોટિસ ફટકારી હતી.
અહેવાલ પ્રમાણે કમિશને નોંધ્યું હતું કે અમુક ટ્રેનોને નિશ્ચિત સ્ટેશન સુધી પહોંચવા માટે નવ-નવ દિવસનો સમય લાગી રહ્યો છે.
જે બિલકુલ અસ્વીકાર્ય બાબત છે. શ્રમિકો પ્રત્યે રેલવેનું વર્તન બર્બરતાની સીમા સુધી પહોંચી ગયું છે. શ્રમિકોની ટિકિટના પૈસા સરકારે ભોગવ્યા છે અને તેઓ ગરીબ છે માત્ર તે કારણે તેમને આવી અમાનવીય પરિસ્થિતિઓનો સામનો કરવો પડે એ બિલકુલ ચલાવી ન શકાય.
17 માર્ચ , 2021ના રોજ લોકસભા સત્ર દરમિયાન પૂછાયેલા અતારાંકિત પ્રશ્નમાં રેલવે મંત્રી પિયુષ ગોયલ આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે 1 મે, 2020થી 31 ઑગસ્ટ, 2020 સુધી સમગ્ર દેશમાં કુલ 4,621 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવાઈ હતી.
જેમાં કુલ 63.19 લાખ શ્રમિકોને પોતપોતાનાં ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ જવાબમાં આગળ નોંધવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન શ્રમિકોની સુવિધા માટે 1.96 કરોડ ભાણાં અને 2.19 કરોડ પૅકેજ્ડ પાણીની બોટલો આપવામાં આવી હતી.
તેમજ એવો પણ દાવો કરાયો હતો કે એક પણ ટ્રેન પોતાના રૂટથી ભટકી હોય તેવી કોઈ ઘટના સામે આવી નહોતી.
આ વાત અંગે પ્રોફેસર બત્રા કહે છે કે, "સરકારે ભોજન અને પાણી આપવાની શરૂઆત ટ્રેનો શરૂ થયાના 28 દિવસ બાદ કરી હતી. કારણ કે ત્યારે સુપ્રીમ કોર્ટે તેમને આવું કરવાના આદેશ આપ્યા હતા."
તેઓ સરકાર દ્વારા કરાયેલી આ વ્યવસ્થાને હજુ પણ અપૂરતી ગણાવતાં કહે છે કે જો આટલા શ્રમિકોને સરકારે રજૂ કર્યા છે તે આંકડા પ્રમાણે ભોજન અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હોય તો પણ તે ઓછું છે.
કારણ કે તેમણે દરરોજ ત્રણ વખત ભોજન પૂરું પાડવાનું હતું. એ હિસાબે લાંબી યાત્રામાં એક યાત્રીને નવ વખત ભોજન આપવું પડે. પરંતુ આ આંકડાને જોતાં ખબર પડે છે કે તેમણે શ્રમિકો મુશ્કેલીથી એક દિવસ ચાલી શકે તેટલા ભોજનની સુવિધા કરી હતી.
આની સામે રેલવે મંત્રી પિયુષ ગોયલે માધ્યમો સમક્ષ દાવો કર્યો હતો કે શ્રમિક ટ્રેનોમાં થયેલાં તમામ મૃત્યુ અગાઉની ગંભીર માંદગીના કારણે થયાં હતાં.
રેલવે અને સરકાર દ્વારા શ્રમિકોની સુવિધા માટે તમામ પ્રયાસો કરાયા હતા. જેમાં તેમને ભોજન અને પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
તેમના નિવેદન પ્રમાણે માત્ર અમુક જ ટ્રેનોને પોતાના રૂટથી ડાઇવર્ટ કરવાની જરૂર પડી હતી. જે સુચારુ સંચાલન માટે જરૂરી હતું.
લોકસભામાં આપેલા જવાબમાં કરાયેલ સ્પષ્ટતા પૈકી સરકારી ચોપડે શ્રમિક ટ્રેનોમાં 97 મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં.
જે પૈકી એક પણ કેસમાં રેલવે ટ્રિબ્યુનલમાં વળતર માટે ક્લેઇમ કરાયેલ નથી. તેથી કોઈ પણ વ્યક્તિના પરિવારજનને વળતર અપાયેલ નથી.
આ અંગે વધુ સ્પષ્ટતા માટે જસ્ટિસ કે. કાનનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રેલવે પાસેથી મદદ મેળવવા માટે પીડિત પરિવારે આવા વળતર માટે અરજી કરવું ફરજિયાત છે?
તો તેમણે કહ્યું કે આવું કરવું ઇચ્છિત છે.
"પરંતુ અમુક કિસ્સામાં રેલવે ટ્રિબ્યુનલના ચૅરમૅન કોઈ પણ પ્રકારના ક્લેઇમની અરજી વગર પર પીડિત પરિવારને સહાય આપવાનો હુકમ કરી શકે છે. મેં આવું મારા કાર્યકાળ દરમિયાન એક કેસમાં કર્યું છે. ટ્રિબ્યુનલ પાસે આવા કિસ્સાઓમાં સ્વસંજ્ઞાન લેવાની સત્તા હોય છે."
શ્રમિકોના હિત માટે કામ કરતાં નિર્માણ NGOના ડિરેક્ટર સુભાષ ભટનાગર માને છે કે શ્રમિક ટ્રેનો પર થયેલાં મૃત્યુનો સરકારી આંકડો ખૂબ ઓછો હોઈ શકે છે. વાસ્તવિક આંકડો આના કરતાં વધુ હોય તેવી શક્યતા પ્રબળ છે.
તેમજ તેઓ પોસ્ટમૉર્ટમ વગર જે શ્રમિકોનાં શબ તેમના પરિવારોને સોંપી દેવાયાં છે તેની સામે પણ પ્રશ્ન ઉઠાવે છે. રેલવે પોલીસના અધિકારીઓ આવું કઈ રીતે કરી શકે. ટ્રેન પર મૃત્યુ પામેલી કોઈ પણ વ્યક્તિનું પોસ્ટમૉર્ટમ તો થવું જ જોઈએ. જો આવું નથી કરાયું તેનો અર્થ છે કે તેઓ કશુંક છુપાવવા માગતા હતા.

શું મૃતક શ્રમિકોના પરિવારજનોને વળતર મળી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે રેલવે ક્લેઇમ્સ ટ્રિબ્યુનલના પ્રિન્સિપાલ બેન્ચ, દિલ્હીના ભૂતપૂર્વ ચૅરમૅન જસ્ટિસ કે. કાનન જણાવે છે કે, "શ્રમિક ટ્રેનો પર થયેલાં મોત અંગે કેસ ટુ કેસ બેસિસ પર નક્કી કરીને ટ્રિબ્યુનલ દ્વારા વળતર ચૂકવી શકાય."
"જો જે-તે વ્યક્તિનું મૃત્યુ તેમને મળવાપાત્ર સેવાના અભાવમાં ટ્રેનમાં થયું હોય તો તેમને કે તેમના કુટુંબને વળતર મળી શકે છે."
તેઓ કહે છે કે, "કાયદાના એગશેલ ડોક્ટ્રાઇન અંતર્ગત શ્રમિક ટ્રેનો પર થયેલાં કેટલાંક લોકોનાં મૃત્યુ બદલ તેમને આર્થિક વળતર આપી શકાય. જે-તે વ્યક્તિની અગાઉની પરિસ્થિતિને ધ્યાને ન લઈ, તેના મૃત્યુના પ્રાથમિક કારણ અંગે યોગ્ય તપાસ કરી. જે તે વ્યક્તિના સંબંધીઓને વળતર ચૂકવી શકાય."
જસ્ટિસ કાનન કહે છે કે ભૂતકાળમાં તેમના કાર્યકાળ દરમિયાન ટ્રેનમાં સારવારના અભાવે મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને તેમણે વળતર અપાવ્યું છે.
આવું જ કંઈક દરેક કેસ પ્રમાણે શ્રમિક ટ્રેનમાં થયેલાં મૃત્યુના કિસ્સામાં પણ થઈ શકે.
આ અંગે પ્રોફેસર બત્રા પણ માને છે કે શ્રમિક ટ્રેનોમાં મૃત્યુ પામનારા તમામ લોકોને કેન્દ્ર સરકાર તરફથી મદદ મળવી જોઈતી હતી. રેલવે અને કેન્દ્ર સરકાર બંનેએ આ મામલામાં વળતર ચૂકવવું જોઈએ. આ તેમની જ જવાબદારી બને છે.
આ સિવાય NGO નિર્માણના ડિરેક્ટર સુભાષ ભટનાગર પણ માને છે કે શ્રમિક ટ્રેનોમાં સુવિધાઓનો અભાવ હતો. જે કારણે રેલવે અને કેન્દ્ર સરકારે આ તમામ મૃતકોના પરિવારજનોને સહાય કરવી જોઈએ.

શું ટ્રેનો પોતાના નિર્ધારિત સમયાનુસર ચાલી રહી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
શ્રમિક ટ્રેનો મોટા ભાગે ઉત્તર ભારત અને પૂર્વોત્તરનાં રાજ્યો તરફ ચાલી રહી હોવાના કારણે આ રૂટો પર વધુ પડતો ટ્રાફિક હતો એ વાત સ્વાભાવિક છે.
પરંતુ કેટલાક અહેવાલોમાં આ ટ્રેનોમાં મુસાફરી કરનાર શ્રમિકોના હવાલાથી લખાયું છે કે ઘણી ટ્રેનોને પોતાના ડેસ્ટિનેશન સ્ટેશન સુધી પહોંચવામાં સામાન્ય કરતાં બમણો સમય લાગી રહ્યો હતો.
આ અંગે વાત કરતાં રવીશ યાદવ જણાવે છે કે, "સામાન્ય પરિસ્થિતિમાં મુંબઈથી અમે અમારા ઘર સુધી 24 કલાકની મુસાફરીમાં જ પહોંચી જતા. પરંતુ આ વખત તો માત્ર વારાણસી સ્ટેશન સુધી પહોંચવમાં જ ટ્રેનને 36 કલાકનો સમય લાગ્યો હતો. અને ત્યાંથી અમારે કાકાના શબ સાથે જૌનપુર જવું પડ્યું હતું."
તેમજ મૃતક અરવીના ખાતૂનના સંબંધી મોહમ્મદ વઝીર પણ ટ્રેનો નિર્ધારિત સમય કરતાં ખૂબ ધીમી ચાલી રહી હતી એ બાબત સાથે સંમત થાય છે.
તેઓ કહે છે કે, "અમને અમારા ગામ સુધી પહોંચતાં અઢી દિવસનો સમય લાગતો હતો. પરંતુ આ વખત ટ્રેનમાં લગભગ સાડા-ત્રણ ચાર દિવસનો સમય લાગ્યો હતો. આ સમગ્ર સમયગાળા દરમિયાન અમને કોઈ ભોજન કે પાણી નહોતું અપાયું."
જોકે, રેલવેમંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પર પોતાનું એક નિવેદન જારી કરી કહ્યું હતું કે, દેશમાં કોઈ પણ ટ્રેનને પોતાના ડેસ્ટિનૅશન સુધી પહોંચવામાં સાતથી નવ દિવસ નથી લાગ્યા. કે ના કોઈ મુસાફરનું ભૂખ કે તરસના કારણે મૃત્યુ થયું છે.
તેમનું કહેવું હતું કે, કુલ ટ્રેનો પૈકી માત્ર 1.75 ટકા ટ્રેનો જ ડાઇવર્ટ કરાઈ હતી.
આ સિવાય મુસાફરોની ફરિયાદ હતી કે આ સમગ્ર સમયગાળા દરમિયાન ટ્રેનો પ્લૅટફૉર્મોના સ્થાને નિર્જન વિસ્તારોમાં રોકાઈ રહી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જે ટ્રેનો પ્લૅટફૉર્મ પર રોકાઈ રહી હતી ત્યાં પણ કોઈ દુકાનો ખૂલી નહોતી. ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પરથી આ હકીકત સ્પષ્ટ થાય છે કે તે સમય દરમિયાન પ્લૅટફૉર્મો પર દુકાનો ચલાવનારા વેપારીઓ પણ દુકાનો ખોલવા માટે રાજી નહોતા.
તો તેવી પરિસ્થિતિમાં લાંબી યાત્રામાં ગરીબ શ્રમિકો કેવી રીતે પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શક્યા હોત. એ પ્રશ્નનો હજુ કોઈ જવાબ મળી નથી શક્યો.
આ અંગે સુભાષ ભટનાગર કહે છે કે, "મુસાફરો માટે એ સમય દરમિયાન ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આપણી રેલવે અને સરકાર સક્ષમ હતા. પરંતુ તેમનામાં ઇચ્છાશક્તિની અછત હતી. તેમણે ધાર્યું હોત તો તેઓ દરેક ટ્રેનમાં શ્રમિકોની સુવિધા માટે પૅન્ટ્રી કાર્ટ લગાવી શક્યા હોત. અને ઘણા બધા લોકોના જીવ બચાવી શકાયા હોત."

ભૂલકાંની મદદ ફરી શરૂ કરાઈ

ઇમેજ સ્રોત, Mohammad Vajeer
અમદાવાદથી કટિહાર માટે શ્રમિક ટ્રેનમાં સવાર થનારાં અરવીના ખાતૂન ચાર દિવસ બાદ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર મૃત હાલતમાં પડ્યાં હતાં.
તેમનો દોઢ વર્ષનો દીકરો રહેમત તેની માતાના મૃત શરીર પર પડેલી ચાદર દૂર કરી તેમને જગાડવાના નિર્દોષ પ્રયત્નો કરતો દેખાતો હોય તેવો વીડિયો સમગ્ર દેશમાં ગરીબ પ્રવાસી મજૂરોને લૉકડાઉનના કારણ વેઠવી પડેલી મુશ્કેલીનું પ્રતીક બની ગયો હતો.
આ ઘટના વધુ ચર્ચામાં આવતાં કટિહાર જિલ્લા પ્રશાસને અરવીના ખાતૂનનાં બંને બાળકો માટે 20 હજાર રૂપિયાની મદદ કરી હતી. તેમજ બાળકોનાં નાના-નાનીને મુખ્ય મંત્રી આવાસ યોજના અંતર્ગત જમીન ફાળવી અને તેના પર મકાન બનાવવા માટે સહાય કરવાનો વાયદો કર્યો હતો.
ઉપરાંત બંને બાળકોના નિભાવખર્ચ માટે પ્રશાસન તરફથી તેમના ખાતામાં સીધેસીધા બબ્બે હજાર રૂપિયા નાખવાની જાહેરાત કરાઈ હતી.
પરંતુ જ્યારે બીબીસી ગુજરાતીએ કટિહાર જિલ્લા પ્રશાસનનો આ બાબત અંગે વધુ સ્પષ્ટતા મેળવવા પ્રયાસ કરાયો ત્યારે જાણવા મળ્યું કે બાળકોને પ્રતિ માસ કરાઈ રહેલી બબ્બે હજાર રૂપિયાની મદદ હવે બંધ કરી દેવાઈ હતી.
આ વિશે જ્યારે કટિહાર જિલ્લા પ્રશાસનનો અમે સંપર્ક કર્યો ત્યારે જિલ્લા પ્રશાસનના પબ્લિક રિલૅશન ઑફિસર અનિકેત કુમારે જણાવ્યું કે, "આ રકમ બાળકોના વિકાસ માટે જ ખર્ચ થાય છે કે કેમ તેની તપાસ કરવા માટે પ્રશાસન દ્વારા આ રકમ માર્ચ, 2021થી અટકાવી દીધી હતી. જોકે, હવે મે મહિનાના અંતથી ફરીથી આ રકમ બાળકોનાં ખાતાંમાં જમા થવા લાગશે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પ્રશાસન દ્વારા કેન્દ્ર સરકાર કે રેલવેને આ અરવીના ખાતૂનના પરિવારને વળતર ચૂકવવા માટે કોઈ ભલામણ કરવામાં આવી છે કે કેમ?
તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ વિશે તેમની પાસે કોઈ માહિતી નથી.
અરવીના ખાતૂનના પરિવારજનોનો દાવો છે કે તેમને હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી મળી.
તેમજ મૃતક જોખન યાદવના પરિવારને પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે રેલવે તરફથી કોઈ વળતર હજુ સુધી ચૂકવવામાં નથી આવ્યું.
આ સમગ્ર બાબત અંગે રેલવે અને કેન્દ્ર સરકારનો પક્ષ જાણવા માટે અમે રેલવેમંત્રી પિયુષ ગોયલ અને રેલવે ટ્રિબ્યુનલના પ્રિન્સિપાલ, બેન્ચના જસ્ટિસ કે. એસ. આહ્લુવાલિયાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના તરફથી આ અંગે કોઈ નિવેદન મેળવી શકાયું નહોતું.
જોકે, સરકારે લોકસભામાં રજૂ કરેલા જવાબ અનુસાર આ બંને પરિવારોની જેમ શ્રમિક ટ્રેનમાં કથિતપણે તંત્રની બેદરકારીના કારણે મૃત્યુ પામેલા કોઈ પણ વ્યક્તિને રેલવે કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ વળતર ચૂકવાયું નથી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














