ઑપરેશન થંડરબૉલ્ટ : નેતન્યાહુના ભાઈએ દુશ્મન દેશમાંથી ઇઝરાયલીઓને કેવી રીતે છોડાવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અગિયાર દિવસના સંઘર્ષ પછી ગાઝાસ્થિત પેલેસ્ટાઇની ચરમપંથી અને ઇઝરાયલે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
આ અગિયાર દિવસની હિંસામાં 240 લોકો માર્યા ગયા. ગાઝાતરફે 100 મહિલાઓ-બાળકો સમેત 232 લોકો મૃત્યુ પામ્યા.
ઇઝરાયલની વાયુસેનાએ ગાઝામાં ચરમપંથી નેતાઓને નિશાન બનાવી અનેક હુમલાઓ કર્યા. જોકે, યુદ્ધવિરામની જાહેરાત સાથે હમાસ અને ઇઝરાયલ બેઉએ જીતનો દાવો કર્યો.
મે મહિનાના બીજા અઠવાડિયાંમાં પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસે ઇઝરાયલ પર એક પછી એક એમ સેંકડોની સંખ્યામાં રૉકેટ છોડ્યાં, જોકે 'આયર્ન ડૉમ'ને કારણે ઇઝરાયલ મોટી ખુંવારીને નાથી શક્યું હતું.
આ સાથે જ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હુંકાર કર્યો કે 'હમાસે ઇઝરાયલ પર હુમલાની કિંમત ચૂકવવી પડશે.'
ગણતરીના કલાકોમાં ઇઝરાયલના વાયુદળના વિમાનો હમાસના પ્રભુત્વવાળા વિસ્તાર ગાઝાપટ્ટી તરફ ધસી ગયા અને એક પછી એક ઇમારતો અને હમાસના સંભવિત મથકોને ટાર્ગેટ કર્યાં.
ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ ઇઝરાયલની સેનાના પૂર્વ કમાન્ડો છે, તેમના ભાઈ યોનાથન નેતન્યાહુ પણ કમાન્ડો હતા. તેમણે ચાર હજાર કિલોમિટર દૂર દુશ્મન દેશમાં મિશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો અને ઇઝરાયલીઓના જીવ બચાવ્યા હતા.
ઇઝરાયલ દ્વારા તેને 'ઑપરેશન થંડરબૉલ્ટ' એવું ઔપચારિક નામ આપવામાં આવ્યું હતું, પરંતુ દુનિયાના સૈન્ય અને જાસૂસી વર્તુળોમાં તે 'મિશન ઍન્તેબે' તરીકે ઓળખાય છે. સાહસ અને યોજના વડે દુશ્મન દેશમાં ઘૂસીને કેવી રીતે મિશનને અંજામ આપી શકાય તે માટે તેનું ઉદાહરણ આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઍર ફ્રાન્સની ફ્લાઇટમાં અચાનક...

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના તેલ અવીવથી 1976ની 27 જૂને પેરિસ જઈ રહેલી ઍર ફ્રાન્સની ફ્લાઇટ ક્રમાંક 139 એથન્સમાં રોકાણ બાદ ફરી ટેક-ઑફ કરી રહી હતી, ત્યારે પ્લેનમાંના ચાર પ્રવાસી તેમની સીટમાંથી અચાનક ઊઠ્યા. તેમના હાથમાં પિસ્તોલ અને ગ્રૅનેડ્ઝ હતાં.
અપહરણકર્તાઓએ ફ્લાઇટને લિબિયાના શહેર બેનગાઝી લઈ જવાનો આદેશ ફ્રાન્સના પાઇલટ માઇકલ બાકોસને આપ્યો. ચાર અપહરણકર્તાઓ પૈકીના બે પેલેસ્ટાઇનના અને બે જર્મનીના હતા. ચારમાં એક મહિલા પણ હતાં.
જિયાન હારતુવ એ પ્લેનમાં પ્રવાસ કરતા હતા. એ ઘટનાને સંભારતાં જિયાન હારતુવે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓ પૈકીનાં મહિલા બ્રિજેત કુલમાને હૅન્ડગ્રૅનેડમાંથી પિન કાઢી નાખી હતી.
પછી પ્રવાસીઓને ધમકી આપતાં બ્રિજેત કુલમાને જણાવેલું કે કોઈ વિરોધ કરશે તો એ પ્લેનમાં વિસ્ફોટ કરી નાખશે.
બેનગાઝીમાં સાત કલાક રોકાઈને પ્લેનમાં ઇંધણ ભરાવ્યા બાદ અપહરણકર્તાઓએ પાઇલટને પ્લેન યુગાન્ડાના એન્તેબે ઍરપૉર્ટ પર લઈ જવાનો આદેશ આપ્યો.

ઈદી અમીનના દેશમાં

ઇમેજ સ્રોત, Getty Images
એ વખતે યુગાન્ડામાં તાનાશાહ ઈદી અમીનનું શાસન હતું. તેમની સંપૂર્ણ સહાનુભૂતિ અપહરણકર્તાઓની સાથે હતી.
પ્લેન એન્તેબે ઍરપૉર્ટ પર પહોંચ્યું, ત્યારે ચાર અપહરણકર્તાઓ સાથે તેમના અન્ય સાથીઓ પણ ભળ્યા.
અપહરણકર્તાઓએ યહૂદી બંધકોને અલગ કરી નાખ્યા હતા અને દુનિયાના અલગ-અલગ દેશોની જેલોમાં કેદ કરવામાં આવેલા પેલેસ્ટાઇનના 54 કેદીઓને મુક્ત કરવાની માગણી કરી.
અપહરણકર્તાઓએ ધમકી આપી કે પેલેસ્ટાઇનના કેદીઓને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ પ્લેનમાં પ્રવાસીઓની વારાફરતી હત્યા કરી નાખશે.
ઍન્તેબે ઇઝરાયલથી અંદાજે 4,000 કિલોમિટર દૂર હતું એટલે કોઈ બચાવ મિશન કામગીરી બાબતે વિચારી શકાય તેમ પણ ન હતું. પ્લેનમાંના પ્રવાસીઓના સગાંસંબંધીઓએ ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં પ્રદર્શન શરૂ કરી દીધું.
બાન પકડવામાં આવેલા પ્રવાસીઓ પૈકીના કેટલાક ઇઝરાયલના વડા પ્રધાન રબીનનાં સગાં હતાં. બંધકોને કોઈ પણ હાલતમાં છોડાવવાનું દબાણ રબીન પર વધી રહ્યું હતું.

મેદાનમાં મોસાદ

ઇમેજ સ્રોત, Getty Images
બંધકોમાં એક સારા ડેવિડસન હતાં. તેમણે કહ્યું હતું, "અપહરણકર્તાઓએ બંધકોને બે જૂથમાં વહેંચી નાખ્યાં હતાં. તેમણે અમુક લોકોનાં નામ બોલીને તેમને બીજા ઓરડામાં જવા કહ્યું હતું."
"થોડી વાર પછી ખબર પડી હતી કે અપહરણકર્તાઓ માત્ર જ્યૂ (યહૂદી) લોકોનાં નામ જ બોલી રહ્યા છે."
એ દરમિયાન અપહરણકર્તાઓએ જ્યૂ ન હોય તેવા 47 પ્રવાસીઓને મુક્ત કરી દીધાં હતાં. એ લોકોને એક ખાસ વિમાનમાં ફ્રાન્સની રાજધાની પેરિસ લઈ જવામાં આવ્યા.
પેરિસમાં ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદના જાસૂસોએ 47 પ્રવાસીઓ સાથે વાત કરીને ઍન્તેબેની ઝીણવટભરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. મોસાદના એક એજન્ટે કેન્યામાંથી એક પ્લેન ભાડા પર લઈને ઍન્તેબે ઉપર ઉડાન ભરી અને તેના ઘણા ફોટોગ્રાફ્સ લીધા.
રસપ્રદ વાત એ હતી કે એન્તેબે ઍરપૉર્ટના જે ટર્મિનલમાં બંધકોને રાખવામાં આવ્યા હતા તેનું નિર્માણ ઇઝરાયલની એક કંપનીએ કર્યું હતું. નિર્માતા કંપનીએ તે ટર્મિનલનો નકશો ઇઝરાયલની સરકારને આપ્યો.
ઇઝરાયલમાં રાતોરાત એવું જ નકલી ટર્મિનલ બનાવવામાં આવ્યું, જેથી ઇઝરાયલી કમાન્ડો તેના પર હુમલાનો અભ્યાસ કરી શકે.

મિશન માટે સર્વશ્રેષ્ઠ સૈનિકો

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના સૈન્યના 200 સર્વશ્રેષ્ઠ સૈનિકોને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા.
આ કમાન્ડો મિશનમાં સૌથી મોટી ચિંતા એ હતી કે ઍન્તેબે ઍરપૉર્ટના રનવેની લાઇટ્સ રાત્રે બંધ કરી દેવામાં આવે તો શું કરવું?
ઈદી અમીનના સૈનિકો ઇઝરાયલી વિમાનને ઊતરતું રોકવા માટે રનવે પર ટ્રક ગોઠવી દે તો શું કરવું?
એ દરમિયાન ઇઝરાયલે સંકેત આપ્યો હતો કે તે અપહરણકર્તાઓ સાથે વાતચીત કરવા તૈયાર છે, જેથી કરીને કમાન્ડોઝને તૈયારી માટે વધુ સમય મળે.
ઈદી અમીન સાથે વાત કરવાનું કામ તેમના દોસ્ત ગણાતા પૂર્વ લશ્કરી અધિકારી બાર લેવને સોંપવામાં આવ્યું હતું. બાર લેવે ઈદી અમીન સાથે ફોન પર અનેક વખત વાત કરી હતી, પણ બંધકોને મુક્ત કરાવવામાં તેઓ અસફળ રહ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એ દરમિયાન આફ્રિકન એકતા સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે ઈદી અમીન મૉરિશિયસની રાજધાની પૉર્ટ લૂઈ ચાલ્યા ગયા હતા. તેથી ઇઝરાયલને વધુ સમય મળ્યો હતો.
આ મિશનની જવાબદારી બ્રિગેડિયર જનરલ ડેમ શોમરોનને સોંપવામાં આવી હતી. જ્યારે પારકા મલકમાં જઈને મિશનને અંજામ આપવાની જવાબદારી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિનના મોટાભાઈ લેફ્ટનન્ટ કર્નલ યોનાથન નેતન્યાહુને સોંપવામાં આવી.
તેમને 'ઑપરેશન થંડરબૉલ્ટ'ના ફિલ્ડ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. યોનાથન નામનો તમલબ 'દેવનો (યહૂદીઓના દેવ યાહવેહના સંદર્ભમાં) દીધેલ' એવો થાય, પરંતુ મિત્રો તેને "યૉની"ના હુલામણા નામથી બોલાવતા. આ નામનો 'જોનાથન' ઉચ્ચાર પણ કરવામાં આવે છે.

ઊડતા વિમાનમાં ઈંધણ ભર્યું

ઇમેજ સ્રોત, Reuters
ઇઝરાયલ પાસે ત્રણ વિકલ્પ હતા. એક, હુમલા માટે પ્લેનનો સહારો લેવામાં આવે. બે, નૌકાઓ વડે ત્યાં પહોંચવામાં આવે. ત્રણ, સડક માર્ગે કેન્યાથી યુગાન્ડામાં ઘૂસવામાં આવે.
આખરે એવું નક્કી થયું હતું કે એન્તેબે પહોંચવા માટે પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે અને યુગાન્ડાના સૈનિકોને એવો આભાસ કરાવવામાં આવશે કે એ વિમાનોમાં રાષ્ટ્રપતિ ઈદી અમીન વિદેશયાત્રાથી પરત આવી રહ્યા છે.
ઇઝરાયલના સાઇનાઈ બેઝ પરથી ચોથી જુલાઈએ ચાર હર્ક્યુલિસ વિમાનોએ ઉડાન ભરી હતી. માત્ર 30 મીટરની ઊંચાઈ પર ઊડીને તેમણે રાતો સમુદ્ર પાર કર્યો; જેથી ગ્રીસ, સુદાન તથા સાઉદી અરેબિયાના રડાર તેમની હિલચાલને પકડી ન શકે.
ભારતીય સેનાના નિવૃત્ત મેજર જનરલ અશોક મહેતા એ સમયે ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલ હતા અને અમેરિકાના પૉર્ટ લૅવનવર્થની કમાન્ડ ઍન્ડ જનરલ સ્ટાફ કૉલેજમાં તાલીમ લઈ રહ્યા હતા.
જનરલ અશોક મહેતાએ જણાવ્યું હતું કે આ મિશન માટે 4,000 કિલોમિટર દૂર ગયા પછી 4,000 કિલોમિટર પરત પણ આવવાનું હતું અને એ સૌથી મોટી મુશ્કેલી હતી.
મિશન માટે એક-એક મિનિટ કિંમતી હતી, તેથી મિશનનું પ્લેન હવામાં ઊડી રહ્યું હતું, ત્યારે બીજા ઊડતા વિમાનમાંથી તેમાં ઈંધણ ભરવામાં આવ્યું હતું.
પ્રવાસ દરમિયાન ઇઝરાયલના સૈનિકોએ યુગાન્ડાના સૈનિકોનો યુનિફૉર્મ પહેરી લીધો હતો, એક સૈનિકે ઈદી અમીનનો તથા અન્યોએ તેમના અંગરક્ષકોનો સ્વાંગ લીધો.

મિશનની શરૂઆત

ઇમેજ સ્રોત, MICHA BAR AM
ઇઝરાયલનાં વિમાનો રવાના થયાં પછી વડા પ્રધાન રાબીને આ મિશનની માહિતી પ્રધાનમંડળને આપી હતી. 1948માં ઇઝરાયલ આઝાદ થયું ત્યારે તેમણે હાલમાં ચર્ચામાં આવેલા પેલેસ્ટાઇન ખાતેની લડાઈને કમાન્ડ કરી હતી.
1967માં વિખ્યાત 'છ દિવસનું યુદ્ધ' થયું, ત્યારે તેઓ સૈન્યબળોના વડા હતા. તેમના નેતૃત્વમાં ઇઝરાયલે તેના પાડોશી દેશો ઇજિપ્ત, સીરિયા અને જૉર્ડનના સંયુક્તદળોને પરાજય આપ્યો હતો.
જોકે, આ વખતે તેમની કસોટી સૈન્ય વડા તરીકે નહીં, પરંતુ રાજનેતા તરીકે હતી.
સતત સાત કલાક ઉડ્ડયન કર્યા બાદ પહેલું હર્ક્યુલિસ પ્લેન ઍન્તેબે ઉપર પહોંચ્યું હતું. પ્લેનનું ઉતરાણ કરીને અપહરણકર્તાઓને અંકુશમાં લેવા માટે માત્ર છ મિનિટનો સમય હતો.
ઉતરાણ વખતે રનવેની લાઇટ્સ ચાલુ હતી. ઉતરાણની આઠ મિનિટ પહેલાં હર્ક્યુલિસની રૅમ્પ (વિમાનમાં માલસામાન અને વાહનોને ચઢાવવા-ઉતરાવવા માટે ખોલી બંધ કરી શકાય તેવો દરવાજો) ખોલી નાખવામાં આવી હતી, જેથી સમય ઓછામાં ઓછો લાગે.
ઉતરાણ કરતી વખતે પાઇલટે પ્લેનને રનવેની વચ્ચોવચ રોકી દીધું હતું, જેથી પેરાટ્રુપર્સની એક ટુકડીને નીચે ઉતારી શકાય અને એ ટુકડી પાછળ આવતાં વિમાનો માટે પ્લેન પર ઇમર્જન્સી લાઇટ્સ લગાવી શકે.
પ્લેનમાંથી એક કાળી મર્સિડીઝ કાર ઉતારવામાં આવી હતી. એ મર્સિડીઝ ઈદી અમીન ઉપયોગ કરતા હતા, એ કાર જેવી જ હતી.
તેની પાછળ કમાન્ડો ભરેલી બે લૅન્ડ રોવર કાર પણ ઉતારવામાં આવી, એ વાહનોએ ઝડપભેર ટર્મિનલ ભણી આગળ વધવાનું શરૂ કર્યું હતું.
ટર્મિનલ સુધી પહોંચ્યા પછી જ ગોળીબારનો આદેશ કમાન્ડોઝને આપવામાં આવ્યો હતો.
ઇઝરાયલને એવી આશા હતી કે કાળી મર્સિડીઝ જોઈને યુગાન્ડાના સૈનિકો એવું સમજશે કે ઈદી અમીન બંધકોને મળવા આવી રહ્યા છે.
જોકે, ઇઝરાયલીઓને એ ખબર ન હતી કે ઈદી અમીને થોડા દિવસ પહેલાં જ તેમની કાર બદલાવી નાખી હતી અને તેઓ સફેદ મર્સિડીઝનો ઉપયોગ કરતા હતા.

નેતન્યાહુની નેતાગીરીની કસોટી

એ કારણે ટર્મિનલની બહાર ઊભેલા યુગાન્ડાના સૈનિકોએ તેમની રાઇફલોથી નિશાન તાક્યું હતું, પણ ઇઝરાયલના કમાન્ડોઝે તેમની સાઇલન્સરવાળી બંદૂકોથી એમને શાંત કરી દીધા. હવે તેમનું રહસ્ય ઉઘાડું પડી ગયું હતું.
આ બધું અપેક્ષિત ન હતું. ગોળીબાર થતાંની સાથે જ કમાન્ડર નેતન્યાહુએ તેમના કમાન્ડોઝને વાહનોમાંથી ઊતરીને પગપાળા ટર્મિનલ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ ધસી ગયા.
ટર્મિનલમાં રાખવામાં આવેલા બંધકોને કમાન્ડોઝે બુલ હૉર્ન મારફત અંગ્રેજી અને હિબ્રૂમાં જણાવ્યું હતું કે તેઓ ઇઝરાયલી સૈનિકો છે અને તેમને બચાવવા આવ્યા છે.
કમાન્ડોઝે બંધકોને જમીન પર સૂઈ જવા જણાવ્યું હતું અને હિબ્રૂ ભાષામાં પૂછ્યું હતું કે 'અપહરણકર્તાઓ ક્યાં છે?'
બંધકોએ મુખ્ય હોલમાં ખૂલતા દરવાજા ભણી ઇશારો કર્યો હતો. કમાન્ડોઝ હૅન્ડગ્રૅનેડ ફેંકીને હોલમાં ઘૂસ્યા હતા.
ઇઝરાયલી કમાન્ડોઝને જોતાંની સાથે જ અપહરણકર્તાઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. વિમાનના પાઇલટ માઇકલે બાદમાં જણાવ્યું કે હુમલો શરૂ થતાંની સાથે જ એક ઇઝરાયલી મહિલાને ઠાર મારવામાં આવ્યાં હતાં.

....અને નેતન્યાહુ ઢળી પડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ બંધકને નુકસાન પહોંચ્યું ન હતું. બાદમાં બહાર આવ્યું કે સામસામા ગોળીબારમાં તમામ અપહરણકર્તાઓ મૃત્યુ પામ્યા હતા, સાથે જ ત્રણ બંધકો પણ ગોળીબારની ઝપેટમાં આવી ગયા હતા.
આ અથડામણ દરમિયાન ઇઝરાયલનાં બે વધુ વિમાન ઍરપૉર્ટ પર ઊતર્યાં હતાં. તેમાં પણ ઇઝરાયલી સૈનિકો હતા. ચોથું વિમાન ખાલી હતું, જેથી બચાવી લેવાયેલા પ્રવાસીઓને તેમાં લઈ જઈ શકાય.
ઍન્તેબે ઍરપૉર્ટ પર ઊતરવાની 20 જ મિનિટમાં બંધકોને લૅન્ડ રોવર્સમાં ભરીને ખાલી વિમાનમાં પહોંચાડવાનું કામ શરૂ કરી દેવાયું હતું. એ દરમિયાન યુગાન્ડાના સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો હતો અને ઍરપૉર્ટની તમામ લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
મિશન પૂરું કરીને જતી વખતે ઇઝરાયલના સૈનિકોની ગણતરી કરવામાં આવી હતી.
આ સમગ્ર મિશનમાં ઇઝરાયલનો એક સૈનિક શહીદ થયો હતો. કન્ટ્રૉલ ટાવર પરથી કરવામાં આવેલા ગોળીબારમાં એક ગોળી લેફટનન્ટ કર્નલ નેતન્યાહુની છાતી પર વાગી હતી અને તેઓ ત્યાં જ પટકાયા હતા.
સૈનિકો ઘાયલ નેતન્યાહુને વિમાનમાં લાવ્યા હતા અને ઍન્તબેમાં ઉતરાણ કર્યાની 58 મિનિટમાં બચાવી લેવાયેલા પ્રવાસીઓને લઈને તેમના વિમાને ઉડાન ભરી હતી.
એ પહેલાં તેમણે ઍન્તબે ઍરપૉર્ટ પર ઊભેલાં 11 મિગ વિમાનોને નષ્ટ કરી નાખ્યાં હતાં, જેથી કોઈ તેમનો પીછો ન કરી શકે. આ મિશનમાં સાત અપહરણકર્તાઓ અને યુગાન્ડાના 20 સૈનિકો મૃત્યુ પામ્યા હતા.

ઇઝરાયલમાં આગમન

ઇઝરાયલ પરત ફરવાના પ્રવાસ દરમિયાન લેફટનન્ટ કર્નલ નેતન્યાહુનું મૃત્યુ થયું હતું.
બચાવી લેવામાં આવેલા 105 બંધકો અને ઇઝરાયલના કમાન્ડોઝ ચોથી જુલાઈની સવારે નૈરોબી થઈને તેલ અવીવ પહોંચ્યા હતા.
આ મિશનને ઇઝરાયલના ઇતિહાસનું સૌથી વધુ સાહસિક મિશન ગણવામાં આવે છે.
કમાન્ડો ટુકડીના સભ્ય લેફ્ટનન્ટ કર્નલ મોરેએ ઘટનાને યાદ કરતાં કહ્યું હતું, "અમે બેન ગુરિયો ઍરપૉર્ટ પર ઉતરાણ કર્યું, ત્યારે ઇઝરાયલવાસીઓ મોટી સંખ્યામાં તેમના સન્માનમાં ઊભા હતા."
"ખુદ વડા પ્રધાન રાબીન અને તેમના પ્રધાનમંડળના તમામ સભ્યો તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જનરલ (રિટાયર્ડ) અશોક મહેતાના જણાવ્યા મુજબ, વડા પ્રધાન રાબીને વિરોધ પક્ષના નેતા મેનાખિમ બેગિનને વધામણી તથા ખુશખબર આપવા માટે બોલાવ્યા હતા.
એ વખતે બેગિને કહ્યું હતું, "હું શરાબ પીતો નથી એટલે ચા પીને ઊજવણી કરીશ."
રાબીને તેમને સિંગલ મોલ્ટ શરાબ સર્વ કરી હતી અને કહ્યું હતું કે 'આને રંગીન ચા સમજીને પી જાઓ.'
જેના જવાબમાં બેગિને કહ્યું હતું, 'આજના દિવસે હું કંઈ પણ પી શકું છું.'

અ ઑપરેશન પછી...

ઇમેજ સ્રોત, Reuters
બંધક બનાવવામાં આવેલાં એક ડોરા બ્લૉકને પરત લાવી શકાયા ન હતાં, કારણ કે હુમલા વખતે તેઓ કમ્પાલાની મુલાગો હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતાં.
એ પછી યુગાન્ડાના ઍટર્ની જનરલે ત્યાંના માનવાધિકાર પંચને જણાવ્યું હતું કે આ મિશન બાદ ઈદી અમીનના આદેશથી બે સૈનિકોએ ડોરા બ્લૉકની પલંગ પરથી ખેંચીને હત્યા કરી હતી.
એ સમયે તેમના નાનાભાઈ બેન્જામિન કમાન્ડો યુનિટમાં કૅપ્ટન પણ બન્યા. એક સૈન્યઅભિયાન દરમિયાન બેન્જામિનને ખભામાં ગોળી પણ વાગી હતી.
સૈન્ય કારકિર્દીને અલવિદા કરીને તેમણે અમેરિકાની બહુપ્રતિષ્ઠિત મેસાચ્યુસેટ્સ તથા કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને આગળ જતાં ઇઝરાયલના નાણામંત્રી અને પછી વડા પ્રધાન બન્યા. તેઓ ઇઝરાયલનું સૌથી વધુ સમય માટે નેતૃત્વ કરવાનો રેકર્ડ ધરાવે છે.
ઍન્તેબે ઑપરેશનની 40મી વરસીએ બાદ બેન્જામિને યુગાન્ડા, રવાન્ડા તથા ઇથિયોપિયાની મુલાકાત લીધી. ભાઈએ જે જગ્યાએ ઑપરેશન હાથ ધર્યું હતું, તે સ્થળની મુલાકાત લીધી અને આફ્રિકન દેશો સમક્ષ સંબંધોને સુદ્રઢ કરવાની મંશા વ્યક્ત કરી.
તેમણે કહ્યું, "બરાબર 40 વર્ષ પહેલાં ઇઝરાયલી સૈનિકો અંધારામાં આવ્યા હતા અને ઍન્તેબેમાં ઐતિહાસિક મિશનને અંજામ આપ્યો હતો. એ સમયે દેશ પર સરમુખત્યારનું શાસન હતું, જેના દ્વારા આતંકવાદીઓને આશરો આપવામાં આવતો હતો."
"આજે અમે ધોળે દિવસે આવ્યા છીએ અને આતંકવાદ સામે લડતા રાષ્ટ્રપતિએ અમારું સ્વાગત કર્યું છે."
ઑપરેશન બાદ આગળ જતા બ્રિગેડિયર જનરલ શોમરોનને ઇઝરાયલના સશસ્ત્ર દળોના વડા બનાવવામાં આવ્યા.
એ ઇઝરાયલના સૈન્ય ઇતિહાસનો સૌથી મોટો દિવસ હતો. એ પ્રકારનું સાહસભર્યું અભિયાન અગાઉ ક્યારેય સફળ થયું ન હતું અને કદાચ ભવિષ્યમાં ક્યારેય સફળ પણ નહીં થાય.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














