જ્યારે યુગાન્ડામાંથી હજારો ભારતીયોને કાઢી મૂકવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વુસતુલ્લાહ ખાન
- પદ, પાકિસ્તાનથી, બીબીસી ગુજરાતી માટે
આજથી 47 વર્ષ પહેલાં સાત ઑગસ્ટ, 1972ના રોજ યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીને આદેશ આપેલો કે 'દેશમાં પેઢીઓથી વસેલા લગભગ 80 હજાર જેટલા એશિયાઈ લોકો 90 દિવસમાં દેશ છોડી દે, નહીંતર તેમની જમીન અને મિલકત જપ્ત કરી લેવામાં આવશે.'
'જે એશિયાઈ લોકો દેશમાં રહેવા માગતા હોય, તેમણે ફરી વખત નાગરિકતા મેળવવા માટે અરજી કરવી પડશે. તપાસ બાદ મૅરિટના આધારે અરજીઓ પર નિર્ણય કરવામાં આવશે.'
આમાંથી મોટા ભાગના લોકોની યુગાન્ડામાં બીજી કે ત્રીજી પેઢી હતી. તેમને કલ્પના પણ નહોતી કે તેમને આ રીતે હાંકી કાઢવામાં આવશે.
બ્રિટિશ કાળથી યુગાન્ડામાં વસેલા એશિયનો પૈકી ગુજરાતી વેપારીઓની મોટી સંખ્યા હતી.
તેમને અચાનક કાન પકડીને બહાર કાઢવાનું કારણ એવું આપવામાં આવ્યું કે એશિયન યુગાન્ડાને વફાદાર નથી અને તેઓ સ્થાનિક આફ્રિકન લોકો સાથે બહુ ભળવા પણ ઇચ્છતા નથી.
તેમનું એક જ ધ્યેય છે, વેપારના બહાને આફ્રિકાના લોકોનાં ખિસ્સાં ખાલી કરવા અને પોતાની તિજોરીઓ ભરવી.

ઇમેજ સ્રોત, PA Media
એશિયાના આ લોકોને કાઢવાનો યુગાન્ડાનો હેતુ અસલ મૂળ નિવાસીઓનું પ્રભુત્વ સ્થાપવાનો છે.
વડા પ્રધાન ઇંદિરા ગાંધીની સરકારે ઈદી અમીનના આ નિર્ણયને માનવ અધિકારો અને નાગરિકતાના આંતરરાષ્ટ્રીય મૂલ્યોનું ઉલ્લંઘન ગણાવીને ભારતીય રાજદૂતને કંપાલાથી પરત બોલાવી લીધા અને યુગાન્ડાના રાજદૂતને દિલ્હીમાંથી કાઢી મૂક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈદી અમીને ભારત અને બ્રિટન સહિત પશ્ચિમી દુનિયાના વિરોધને ગણ્યો પણ નહીં અને કહ્યું કે યુગાન્ડા માટે શું સારું અને શું ખરાબ તેનો નિર્ણય યુગાન્ડા જ કરશે. તેમણે કહ્યું કે અમે કોઈના બ્લૅકમેલિંગમાં આવીશું નહીં.
80 હજારમાંથી 23 હજાર એશિયન લોકોના દસ્તાવેજોની તપાસ બાદ યુગાન્ડામાં રહેવાની મંજૂરી આપવામાં આવી. પરંતુ 60 હજાર એશિયન લોકોને બિસ્તરા બાંધવા પડ્યા.
આજથી 47 વર્ષ પહેલાંની દુનિયા આટલી કઠોર નહોતી. એશિયાના જે લોકોને હાંકી કઢાયા તેમાંથી મોટા ભાગના લોકો જમીન અને મિલકત ધરાવતા હતા.
તેથી ઘણાને બ્રિટને પોતાને ત્યાં બોલાવી લીધા. કેટલાક કેન્યા ચાલ્યા ગયા અને ત્યાં પોતાનું કામ શરૂ કરી દીધું.

ઈદી તો ગયા પણ તેમનું ભૂત રહી ગયું

ઇમેજ સ્રોત, Getty Images
ત્રણથી ચાર હજાર લોકો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વસ્યા. ઈદી અમીન તો વર્ષો પહેલાં ચાલ્યા ગયા પણ તેમનું ભૂત રહી ગયું.
બર્માના 10 લાખ રોહિંગ્યા અને આસામમાં રહેતા વીસ લાખ જેટલા લોકો ગેરકાયદેસર, અપ્રવાસી તે ઘૂસણખોર બની ગયા છે. તેમને ધરતી પરનો બોજ કે ઉધઈ ગણવામાં આવે છે.
આજે બ્રિટન અને ઉત્તર અમેરિકામાં કુલ 60 લાખ જેટલા ભારતીયો, પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ રહે છે.
જો આજે વડા પ્રધાન બોરિસ જ્હોનસન કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કે પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવી જાહેરાત કરે કે જે પણ લોકો 1971 પછી અમેરિકા, કૅનેડા કે બ્રિટનમાં વસ્યા તેમને ફરી નાગરિકતા માટે અરજી કરવી પડશે, નહીં તો તેમને નીકળવું પડશે.
જો આવી નીતિની જાહેરાત થાય તો ભારતીય ગૃહમંત્રી અમિત શાહ આ અંગે શું પ્રતિસાદ આપશે. આવકારશે, ટીકા કરશે કે પછી મૌન રહેશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












