તૌકતે વાવાઝોડામાં ગુજરાતમાં ઓક્સિજનનો પુરવઠો કઈ રીતે જાળવવામાં આવ્યો?

ઓક્સિજનની અછત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી?
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

ગુજરાતના દરિયાકાંઠના વિસ્તારોથી લઈને મોટાં શહેરોને તૌકતે વાવાઝોડાએ ઝપટે લીધાં હતાં.

વાવાઝોડાને પગલે ગુજરાતમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓ મુશ્કેલીમાં મુકાશે કે કેમ તે અંગે ભયનું વાતાવરણ સર્જાયું હતું.

તેમાં પણ હૉસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો જાળવવો એ ચિંતાનો વિષય બનશે એવું મનાઈ રહ્યું હતું.

આ અંગે બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી કે વાવાઝોડાના કારણે કોવિડના દર્દીઓને ઓક્સિજન મેળવવામાં મુશ્કેલી પડી હતી કે કેમ?

17 મેના રોજ ભારતના પશ્ચિમ કાઠે આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટક્યું.

અને ત્યાર બાદ સૌરાષ્ટ્રને ધમરોળીને અમદાવાદ થઈ રાજસ્થાનમાં પ્રવેશ્યું.

જ્યાં તેનું જોર નબળું પડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ વાવાઝોડાની તીવ્રતા અને ગંભીરતાનો ખ્યાલ એ વાત પરથી આવી જાય છે કે આ વાવાઝોડાના કારણે થયેલા વાતાવરણપલટાના કારણે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડ્યો હતો, ઝાડ-મકાન તૂટી પડ્યાંના અને જાનહાનિના અહેવાલો સામે આવી રહ્યા હતા.

આમ વાવાઝોડાએ સામાન્ય જનજીવન તો બે દિવસ સુધી અસરગ્રસ્ત બનાવ્યું જ હતું.

પરંતુ શું તેના કારણે પહેલાંથી કોવિડની મહામુશ્કેલીનો સામનો કરી રહેલા ગુજરાતના આરોગ્યતંત્ર સામે કોઈ નોંધપાત્ર પડકાર ઊભો કર્યો હતો કે કેમ?

line

વાવાઝોડામાં હૉસ્પિટલો માટે મુશ્કેલી સર્જાઈ હતી?

તૌકતે વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના પગલે હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી?

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 18 મેના રોજ સાંજે પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે, "સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની વધુ અસર થઈ છે. 425 કોવિડ હૉસ્પિટલો પૈકી 122 વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી છે."

"તેમાંની 83 હૉસ્પિટલોમાં વીજ પુરવઠો જનરેટરમાંથી હઠાવીને હવે રાબેતા મુજબ કરી દેવાયો છે. 39 હૉસ્પિટલો જે હજુ જનરેટર સંચાલિત છે તેમને પણ 19 મે સુધી રાબેતા મુજબ વીજ પુરવઠાથી સંચાલિત થઈ જશે."

બીજા દિવસે એટલે કે અઢાર તારીખે સવારે વિજય રૂપાણીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે, "મોટી ચિન્તા કોરોનાના દરદીઓની હતી. રાહતની વાત એ છે કે એમાં ક્યાંય અવરોધ નથી આવ્યો. ગુજરાતમાં જે ઓક્સિજન તૈયાર થાય છે તે અન્ય રાજ્યો જેમકે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા વગેરેમાં મોકલવામાં આવે છે. એ સપ્લાયમાં કોઈ અડચણ આવી નથી."

તેમણે રાજ્યની પરિસ્થિતિ વિશે આગળ વાત કરતાં કહ્યું હતું કે, "ભાવનગરમાં એક ઓક્સિજન ઉત્પાદકને ત્યાં વીજળીને કારણે થોડી તકલીફ સર્જાઈ હતી. તેમની પાસે પણ ઓક્સિજનનો પૂરતો બફર સ્ટૉક હતો તેથી સપ્લાયમાં ક્યાંય સમસ્યા થઈ નથી."

"વાવઝોડાને પગલે રાજ્યમાં જે 1400 કોવિડ હૉસ્પિટલો છે એમાં 16 હૉસ્પિટલોમાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 12માં વીજળી કાર્યરત્ થઈ ચૂકી છે. 4 હૉસ્પિટલમાં જનરેટર પર કામ ચલાવવામાં આવ્યું હતું."

આમ, સરકારની વાત માનીએ તો રાજ્યમાં વાવાઝોડાના પગલે કોરોનાની સારવાર આપતી કોઈ હૉસ્પિટલમાં મોટી સમસ્યા કે મુશ્કેલી સર્જાઈ હોવાની ઘટના નહોતી બની.

line

ઓક્સિજન ઉત્પાદકોએ શું કહ્યું?

ઓક્સિજનની અછત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં ઘણી હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ હોવાની ફરિયાદ ઊઠી હતી

સમગ્ર ગુજરાતમાં ઓક્સિજન સપ્લાય બાબતે જામનગર આગળ પડતું શહેર છે.

વાવાઝેડાને લીધે ઓક્સિજન ઉત્પાદકોને સપ્લાયમાં કોઈ સમસ્યા નડી કે કેમ?

એ વિશે જ્યારે ઓક્સિજન ઉત્પાદક ઈન્દુલાલ એન્ડ કંપનીના સંચાલક જયેશ કંસારાને પુછ્યું તો તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "17 અને 18 મે એમ બે દિવસ વાવાઝોડાનો વરતારો હતો. આ બંને દિવસે અમે ઓક્સિજન પ્લાન્ટ બંધ રાખ્યો ન હતો."

"અમે જામનગરમાં નાનીમોટી 38 હૉસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડીએ છીએ. આ સિવાય

22થી 25 જેટલાં ઘરે સારવાર લેતા કોરોના દરદીઓને ઓક્સિજન પૂરો પાડીએ છીએ. અમને ઓક્સિજન સીલિન્ડર ડીલિવરીમાં પણ ખાસ કોઈ અગવડ પડી નહોતી."

તેઓ ઓક્સિજનના વપરાશ અંગે વધુ વાત કરતાં જણાવે છે કે, "હૉસ્પિટલો ઉપરાંત ઍરફોર્સ તેમજ એસ્સાર જેવી કંપની પોતાના બાટલા લઈને આવે છે તેમને ઓક્સિજન ભરી આપીએ છીએ."

"ઍરફોર્સે અમારી પાસેથી પાંચ ઓક્સિજનનાં બાટલા એડવાન્સ માગ્યા હતા જે અમે તેમને પહોંચાડયા હતા. અમારો પ્લાન્ટ વાવાઝોડું આવ્યું તે દિવસે પણ કાર્યરત્ હતો કારણકે, ઓક્સિજનની જરૂર દરદીને ગમે ત્યારે પડી શકે. જામનગરના 30 કિલોમિટરના વિસ્તારમાં અમે મેડિકલ ઓક્સિજન પૂરો પાડીએ છીએ."

જામનગરનાં કલેક્ટર રવિ શંકરે કહ્યું હતું કે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અમે બે દિવસનો ઓક્સિજનનો જથ્થો સાચવી રાખ્યો છે.

જામનગરમાં વાવાઝોડા દરમિયાન ઓક્સિજનના પરિવહનમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા પોલીસ દ્વારા હાઇવેને ગ્રીન કોરિડોર જાહેર કરવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની આગેવાની હેઠળ જામનગર જિલ્લાની રાજકોટ ગ્રામીણની હદથી લઈ દેવભૂમી દ્વારકા જિલ્લાની હદ સુધીના રોડને ગ્રીન કોરિડોર જાહેર કરાયો હતો.

જે માટે સમગ્ર હાઇવે પર પોલીસ બંદોબસ્ત, પેટ્રોલિંગ તથા ક્રેઇન અંગેની વ્યવસ્થા ગોઠવાઈ હતી.

અમદાવાદના એવરેસ્ટ ગૅસના સંચાલક જય શાહ સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેઓ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગર વગેરે ઠેકાણે મેડિકલ ઓક્સિજન પૂરો પાડે છે.

તેમણે જણાવ્યું કે, "વિવિધ શહેરોમાં અંદાજે ત્રણસો જેટલી હૉસ્પિટલોમાં અમે ઓક્સિજન પૂરો પાડીએ છીએ. વાવાઝોડાની દહેશતને પગલે અમે આગોતરી તૈયારી કરી રાખી હતી."

"વાવાઝોડા અને વરસાદને પગલે ઓક્સિજનનો પ્લાન્ટ બંધ ન પડે તે માટે અમે જનરેટર મગાવી રાખ્યાં હતાં. અમે હૉસ્પિટલોને પણ કહી રાખ્યું હતું કે જરૂરિયાત ઉપરાંત વધારાનો થોડો જથ્થો સંગ્રહ કરીને રાખજો."

જય શાહ આગળ જણાવે છે કે, "અમે એના માટે પણ સગવડ પૂરી પાડી હતી. હજી આગામી ત્રણ દિવસ સુધીનો સરપ્લસ ઓક્સિજન સપ્લાય સ્ટૉક અમારી પાસે છે."

line

શું કહે છે હૉસ્પિટલ સંચાલકો?

ઓક્સિજનની અછત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તૌકતેને કારણે હૉસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો ખૂટી પડ્યો હતો?

એપ્રિલ મહિનામાં તેમજ મે મહિનાના શરૂઆતના દિવસોમાં જ્યારે કોરોનાની મુશ્કેલી વધુ વિકટ બની હતી ત્યારે અમદાવાદની કેટલીક હૉસ્પિટલોને ઓક્સિજન મેળવવામાં તકલીફ પડી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

વાવાઝોડા દરમ્યાન ઓક્સિજન મેળવવામાં કોઈ અગવડ પડી ખરી?

આ સવાલ અમદાવાદની શીફા હૉસ્પિટલના સંચાલક અફઝલભાઈને પુછ્યો તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, "ના. વાવાઝોડા અને વરસાદ વચ્ચે પણ અમને ઓક્સિજનનો પુરવઠો પૂરતો મળી રહ્યો છે."

line

તૌકતે વાવાઝોડું અને રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ

ઓક્સિજન એક્સપ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાંથી અન્ય રાજ્યો સુધી ઓક્સિજનની સપ્લાય પર અસર પડી હતી?

ગુજરાતમાંથી રેલવે મારફતે અન્ય રાજ્યોમાં ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવામાં આવે છે.

17 મેએ પશ્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવાયું હતું કે, પશ્ચિમ રેલવેએ ગુજરાતના હાપા, મુંદ્રા અને વડોદરાના ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોમાં તેના ટર્મિનલમાંથી કોઈ વિક્ષેપ વિના ઓક્સિજન સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું છે.

પશ્ચિમ રેલવેએ 16 મેના રોજ ગુજરાતમાંથી 214 ટન અને 17 મેના રોજ 151 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દેશના વિવિધ ભાગોમાં પહોંચાડ્યો હતો.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જણાવ્યું છે કે, "16 મેએ પશ્ચિમ રેલવેએ ગુજરાતના હાપાથી ત્રણ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવી હતી. તેમાંથી બે દિલ્હી કેન્ટ સુધી જ્યારે ત્રીજી ટ્રેન ઉત્તર પ્રદેશના કંકાપુરા સુધી ચલાવવામાં હતી. 17 મેએ પશ્ચિમ રેલવેએ વડોદરાથી દિલ્હી કેન્ટ સુધી ઓક્સિજન એક્સપ્રેસ દોડાવી હતી. તે જ દિવસે હાપાથી દિલ્હી કેન્ટ સુધી બીજી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી હતી."

અહીં એ પણ નોંધવું રહ્યું કે પોરબંદરની સદર હૉસ્પિટલમાંથી આઈસીયુમાંથી 70 જેટલા આઈસીયુ દરદીને અન્ય ચિકિત્સાકેન્દ્રમાં ફેરબદલ કરાયા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોરોનાના દરદીની ઓકસિજન જરૂરિયાત સચવાય તે માટે તથા ઓકસિજનનું સરળતાથી વહન થાય તે માટે રાજ્યમાં 35 ગ્રીન કોરિડોર બનાવાયા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો