ખેડૂત આંદોલન : ગુજરાતમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હરિતા કંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
બનાસકાંઠાના ખેડૂત ફૂલચંદ કચ્છાવા કહે છે કે 'કંપની સાથે કરાર હેઠળ બટાકાની ખેતીમાં ખેડૂતોને 40-50 ટકાનો નફો પણ મળી રહે છે.'
બનાસકાંઠા બટાકાની ખેતીને લઈને છેલ્લા કેટલાક સમયથી જાણીતું બન્યું છે.
અહીં અનેક ખેડૂતો મોટી-મોટી કંપનીઓ સાથે કરાર કરી બટાકાની ખેતી કરી રહ્યા છે.
આજકાલ ત્રણ નવા કૃષિકાયદા ખેડૂતોના આંદોલનને કારણે દેશમાં ચર્ચાનો સૌથી મોટો વિષય છે. આમાંથી કૃષિકાયદામાં કૉન્ટ્રેક્ટ ખેતીને લઈને જોગવાઈઓ કરવામાં આવી છે.
ગુજરાતમાં કૉન્ટ્રેક્ટ ખેતીની વાત આવે તો બનાસકાંઠા, ડીસા, અરવલ્લી, પાટણ અને સાબરકાંઠાનો ઉલ્લેખ થાય છે.
બટાકાની ખેતી કરતા ફૂલચંદ કચ્છાવા એ ખેડૂતોમાં સામેલ છે જેમના પર અમેરિકન મલ્ટીનેશનલ કંપની પૅપ્સિકોએ 2019માં કેસ કર્યો હતો.
એ કેસની વાત કરીએ એ પહેલાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગના ફૂલચંદ કચ્છાવાના અનુભવની વાત કરીએ.
તેઓ કહે છે કે 250 એકર જમીન પર તેઓ વર્ષોથી કૉન્ટ્રેક્ટ પર ખેતી કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના ખેતરમાં તેઓ બટાકા વાવે છે અને જે કંપનીઓ સાથે તેમનો કરાર હોય તે કંપનીઓને પૂર્વનિર્ધારિત ભાવ પર બટાકા વેચી દે છે.
તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે હાલ તેમણે 'બાલાજી' અને 'હાઇફન' જેવી કંપનીઓ સાથે કરાર કરેલા છે.
ફૂલચંદ કચ્છાવા મુજબ 2007-08માં કૉન્ટ્રેક્ટ ખેતીએ જોર પકડ્યું ત્યારથી તેઓ પોતાની જમીન પર કંપનીઓને વેચવા માટે બટાકાનું વાવેતર કરી રહ્યા છે અને હવે તેમના વિસ્તારમાં 2500-3000 ખેડૂતો વિવિધ કંપનીઓ સાથે બટાકાની કૉન્ટ્રેક્ટ ખેતી કરે છે.
હવે નવા કૃષિકાયદા તરફ તેઓ આશા ભરી નજરે જોઈ રહ્યા છે.
તેમનું કહેવું છે કે કૉન્ટ્રેક્ટ ખેતી આમ તો ખેડૂતો માટે લાભદાયક છે, કંપનીઓ સારી કિંમત પણ આપે છે, ખેડૂતને એક સુરક્ષા મળે છે અને મંદી નથી નડતી.
'આ કંપનીઓની માગ જ એટલી મોટી છે કે જો તે ખેડૂતો સાથે છેતરપિંડી કરે તો તેમને કાચો માલ ક્યાંથી મળે?'

કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
2003માં અટલ બિહારી વાજપેયીની સરકારે કૉન્ટ્રેક્ટ ખેતીના વિવાદિત મુદ્દાને આગળ લઈ જવા માટે એક કેન્દ્રીય કાયદો લાવવાની જગ્યાએ, મૉડલ એગ્રિકલ્ચરલ પ્રૉડ્યૂસ માર્કેટિંગ (રૅગ્યુલેશન) ઍક્ટને રાજ્યો સામે મૂક્યો હતો.
મૉડલ-ઍક્ટ 2003ના સુધારાના પગલે ગુજરાતમાં ખેડૂતોનાં કૃષિઉત્પાદનો સીધા ઉદ્યોગો ખરીદી શકે તે માટે રાજ્ય સરકારે 2005માં કૉન્ટ્રેક્ટ ફાર્મિગ સ્કીમ અપનાવી લીધી હતી.
ગુજરાત સરકારનો દાવો છે કે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ અપનાવીને બે લક્ષ્ય સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને કૃષિ ટેકનૉલૉજી, ગુણવત્તા અને ખેતપેદાશની માત્રામાં વધારા ઉપરાંત કિંમતોને લઈને સુરક્ષા તથા અન્ય પ્રકારના પાક લેવાનો લાભ મળે છે.
બીજું લક્ષ્ય કંપનીઓને બજારમાં માગના આધારે અલગઅલગ પ્રકારની ખેતપેદાશો ઉપલબ્ધ કરાવવાનું છે.
કૉન્ટ્રેક્ટ ખેતી એક રીતે ખેડૂતો અને ખરીદદાર વચ્ચે લેખિત કરાર હોય છે જેમાં ખેતપેદાશની કિંમત, ગુણવત્તા, ગ્રૅડ અને વિવિધતા અંગેની વાવેતર અને વેચાણની શરતો નક્કી કરેલી હોય છે.
ગુજરાત સરકાર પ્રમાણે ગુજરાતમાં કૉન્ટ્રેક્ટ ખેતીમાં ત્રણ પ્રકારના કરાર કરવામાં આવે છે. એપીએમસીએ સુવિધા આપવાનું કામ કરવાનું હોય છે જેમાં તેની ભૂમિકા ખેડૂતોને કૉન્ટ્રેક્ટ ખેતી વિશે અને કરાર અંગે સમજાવવાની હોય છે.
કરારનો સમય મોસમ પર આધારિત હોય છે જે એક વર્ષથી પાંચ વર્ષ સુધીનો હોય છે. લાંબા-ગાળાના પાકમાં ખેડૂતો અને ખરીદદાર કંપનીઓની સમજણ પર કરારનો સમય વધારે લાંબો હોઈ શકે છે.
ગુજરાત સરકાર મુજબ ખેડૂતોને સ્પૉન્સર તરફથી ટેકનિકલ સહાય મળી શકે છે તથા બિયારણ, ખાતર અને કાપણીલણણીની તકનીક મળી શકે છે.
કોઈ વિવાદથી બચવા માટે કરારમાં પાકનો પ્રકાર, માત્રા, પાકવીમો, અને ચુકવણીની શરતોનો ઉલ્લેખ હોય છે.
વિવાદના ઉકેલ માટે ગુજરાત સ્ટેટ ઍગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડના મૅનેજિંગ ડિરેક્ટર આર્બિટ્રેટર તરીકે સમાધાનમાં ભૂમિકા ભજવવાની હોય એવું ગુજરાત સ્ટેટ ઍગ્રિક્ચરલ માર્કેટિંગ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે.
એ સિવાય જમીનધારક મજૂરોને ભાગ આપે, જેમાં બિયારણ, જમીન, દવા જમીનધારકનાં હોય, જે પાક થાય તેમાંથી 25 ટકા મજૂરી આપી દેવામાં આવે, આ એક પ્રકારનો કૉન્ટ્રેક્ટ છે.
જમીનને ભાડે આપી દેવામાં આવે તેમાં પાક થાય કે ન થાય ભાડું પાક્કું જ હોય છે.

કૉન્ટ્રેક્ટ ખેતી અને વિવાદ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ગુજરાતમાં એપ્રિલ 2019માં ખેડૂતો અને અમેરિકન કંપની પૅપ્સિકો વચ્ચે વિવાદ સામે આવ્યો હતો.
મલ્ટીનેશનલ કંપની પૅપ્સિકોએ ફૂલચંદ કચ્છાવા અને તેમના જેવા કેટલાક ખેડૂતો પર કેસ કર્યો હતો. બિયારણ પર કૉપીરાઇટના વિષયમાં કંપનીએ ખેડૂતો પર કરોડોનો દાવો માંડ્યો હતો.
પૅપ્સિકો કંપની તરફથી ખેડૂતો સામે કરોડોના દાવાના કેસનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે બિયારણના પૅટન્ટના કારણે ખેડૂતો એ પ્રકારના બટાકા બીજી કોઈ કંપની કે પછી કોઈ અન્ય બજારમાં ન વેચી શકે એવું કંપનીનું કહેવું હતું.
ફૂલચંદ કચ્છાવા જણાવે છે, "કંપનીઓ પોતાના પૂર્વનિર્ધારિત માપદંડ પર ખરા ન ઊતરતા પાક લેવાનો ઇન્કાર કરી શકે છે. પૅપ્સિકોએ જે બટાકા રિજેક્ટ કર્યા હતા ખેડૂતોએ એ બટાકા બીજે વેચ્યા તો કંપનીએ વાંધો ઉઠાવ્યો અને ખેડૂતો પર કરોડોનો દાવો માંડ્યો હતો. જોકે ઘણા વિરોધ અને દબાણ હેઠળ કંપનીએ આ કેસ પાછા લીધા હતા."
તેમનું કહેવું છે કે ખેડૂતોને આ રિજેક્ટ થયેલો માલ બિયારણ બનાવીને માર્કેટમાં વેચવાની આઝાદી હોવી જોઈએ.
બીજી તરફ બનાસકાંઠાના રતી પટેલના પુત્રને કૉન્ટ્રેક્ટ ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
પટેલ ભારતીય કિસાન સંઘ બનાસકાંઠાના પૂર્વ પ્રમુખ છે. તેમનું કહેવું છે કે મહેસાણામાં પ્રૉસેસિંગ પ્લાન્ટ ધરાવતી એક કંપની સાથે કરાર કરનાર 30થી વધુ ખેડૂતોની સાથે છેતરપિંડી થવાનો મામલો સામે આવ્યો છે.
તેમનું કહેવું છે કે "ગામમાં અનેક ખેડૂતો સાથે કંપનીએ કરાર કર્યા પરંતુ તેમાંથી બે-ત્રણ ખેડૂતોને ખરાબ બિયારણ આપવામાં આવ્યું. પાક બરાબર ન આવતા આ ખેડૂતોને નુકસાન થયું કારણ કે કંપનીએ આ પાક લીધો નહીં."
આ કથિત છેતરપિંડી વિશે કલેક્ટર, મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સુધી રજૂઆત કરી અને ખેડૂતોને તપાસની બાંહેધરી આપવામાં આવી પરંતુ ત્રણ મહિના થયા પણ હજી ખેડૂતને તેનું વળતર મળ્યું નથી.
રતી પટેલનું કહેવું છે કે કંપનીના અમુક કર્મચારીઓએ કરેલી છેતરપિંડી સામે તેઓ લડી શકે પણ મોટી-મોટી કંપનીઓ સામે ખેડૂતો ક્યાં લડવા જાય?
તેઓ દાવો કરે છે કે "અત્યારે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગના નામે અમુક કંપનીના કર્મચારીઓ ખેડૂતોને છેતરે છે. બટાકામાં ખોટખાપણ કાઢીને પૈસા ન આપવાની ફરિયાદો પણ મળે છે. ક્યારેક તો ખેડૂત પાસેથી બટાકા લઈ લીધા પછી તેની ગુણવત્તા ખરાબ ઠેરવીને પૈસા નથી ચૂકવાતા અને બટાકા પણ પાછા નથી આપતા."
જોકે તેઓ જણાવે છે કે બધી કંપનીઓના કરાર અલગઅલગ હોય છે. આમ વ્યાપક રીતે જોઈએ તો બટાકાના ખેડૂતોને કૉન્ટ્રેક્ટ ખેતીનો ફાયદો થયો છે.

નવા કૃષિકાયદામાં શું કહેવાયું છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ખેડૂતનેતા સાગર રબારી કહે છે કે કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને 'કૃષિસેવા પર કરાર કાયદો, 2020' હેઠળ કૉન્ટ્રેક્ટ ફાર્મિંગને વધારે માળખાગત સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર ખેતી વિષયક જે ત્રણ કાયદાઓ લાવી છે તેમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગને લગતા કાયદાની ખાસ વાતો આ પ્રમાણે છે.
- આ કાયદામાં કૃષિકરારો (કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ)નો ઉલ્લેખ કરાયો છે. તેમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાની જોગવાઈ કરાઈ છે.
- આ કાયદા અંતર્ગત ખેડૂતો કૃષિવેપાર કરનાર ફર્મ, પૉસેસર્સ, જથ્થાબંધ વેપારી, નિકાસકારો કે મોટા વિક્રેતાઓ સાથે કૉન્ટ્રેક્ટ કરીને પહેલાંથી નક્કી કરેલ કિંમત પર ભવિષ્યમાં પોતાના પાકનું વેચાણ કરી શકે છે.
- પાંચ હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કૉન્ટ્રેક્ટથી લાભ મેળવી શકશે.
- બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના સ્થાને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવનારા આયોજક પર નાખવામાં આવ્યો છે.
- અનુબંધિત ખેડૂતોને ગુણવત્તાવાળાં બીજનો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવું, ટેકનિકલ સહાયતા અને પાકના સ્વાસ્થ્ય પર નજર, ઋણની સુવિધા અને પાકવીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
- આ અંતર્ગત ખેડૂતો મધ્યસ્થીને હઠાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે છે.
- કોઈ વિવાદની સ્થિતિમાં એક નિશ્ચિત સમયમાં એક તંત્રને સ્થાપિત કરવાની વાત પણ કરાઈ છે.

આનાથી શું બદલાશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુજરાતમાં કૃષિકાયદાન લઈને વ્યાપક વિરોધ જોવા મળ્યો નથી.
ફૂલચંદ કચ્છાવા અને રતી પટેલ બંને કૃષિકાયદાની નવી જોગવાઈનું સ્વાગત કરે છે.
રતી પટેલ કહે છે કે નવા કાયદા હેઠળ ખેડૂતો કંપની સાથે જે કિંમત પર કરાર કર્યો છે, જો ભાવ તેના કરતાં વધે તો પોતાની ખેતપેદાશ બહાર બજારમાં વેચી શકશે. તથા એક નિશ્ચિત સમય ગાળામાં ખેડૂતો અને કંપની વચ્ચે થયેલ વિવાદના નિકાલ માટે તંત્ર સ્થાપિત કરવાની વાત પણ આ કાયદામાં કરવામાં આવી છે.
હાલમાં જ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું, "કૉન્ટ્રેક્ટ ફાર્મિંગને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેનાથી ખેડૂતોની જમીન જશે એવો ભય રાખવાની જરૂર નથી. સૌરાષ્ટ્રમાં હાલના સમયમાં 90 ટકા વધુ ખેતી કૉન્ટ્રેક્ટથી થાય છે."
આ બાબતે વાત કરતા ખેડૂત નેતા પાલ અંબાલિયા કહે છે કે "સૌરાષ્ટ્રમાં જે કૉન્ટ્રેક્ટ ખેતીની વાત થઈ રહી છે તેમાં દાહોદ અને ગોધરાથી આવેલા મજૂરો અને સૌરાષ્ટ્રના ખેડૂતો વચ્ચેના કરારની વાત છે. "
"ખેડૂતો જ્યારે કોઈ પાસે કામ કરાવે તો પોતાના ઉત્પાદનમાં ત્રીજો કે ચોથો ભાગ આપી દેતા હોય છે, તેમાં પોતાની લાગતની ગણતરી નથી કરતા. શું કપંનીઓ આ રીતના કરાર કરે છે? કંપનીઓ પોતાનો નફો રળવા આવે છે એ ખેડૂતોનાં હિત માટે આવતી નથી.
સાગર રબારીનું કહેવું છે, "નવા કાયદાથી બહુ મોટું પરિવર્તન નહીં આવે પરંતુ આ ક્ષેત્રે રૅગ્યુલરાઇઝેશન થશે. કંપનીઓ અને ખેડૂતો વચ્ચે લેખિત કૉન્ટ્રેક્ટ હશે અને વિવાદ થાય તો તેના સમાધાન માટે એક માળખું હશે. પહેલાં માત્ર મ્યુચ્યુઅલ કૉન્ટ્રેક્ટ હતા."
જોકે, ખેડૂત આગેવાનોનો એક મત એવો પણ છે કે નાના ખેડૂતો હોય ત્યાં કૉન્ટ્રેક્ટ ખેતી નથી થઈ શકતી કારણ કે કંપનીઓને મોટી માત્રામાં ખેતઉત્પાદ જોતાં હોય છે જે વધારે જમીન ધરાવતા ખેડૂતો આપી શકે છે.
જોકે સાગર રબારીનું કહેવું છે કે સૌરષ્ટ્રમાં ખેડૂતો કંપનીઓ સાથે કરાર હેઠળ ડુંગળી વાવતા થયા હતા પરંતુ હવે ડુંગળીનું વાવેતર જ એટલું થઈ રહ્યું છે કે કંપનીઓને કરાર વગર પૂરતી ડુંગળી મળી રહે છે.
ગુજરાત ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાંસલર ડૉ. એચ. એમ. મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે કૉન્ટ્રેક્ટ ખેતીનો સૌથી ઉત્તમ દાખલો અમૂલ છે જ્યાં ખેડૂતને સુરક્ષા, કિંમતની બાંહેધરી અને નફો મળે છે. આ મૉડલ દેશ માટે એક આદર્શ મૉડલ છે.
તેઓ જણાવે છે, "આખા દેશમાં જેટલું ઉત્પાદન થાય છે કે તેની સરખામણીમાં તેનું પ્રૉસેસિંગ ખૂબ ઓછું થાય છે. કાયદો સારો હોય તો પણ જો ખેડૂતોને સમજાવીને સારી રીતે લાગુ કરાય તો તેનો લાભ લઈ શકાય."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












