કલમ 370 : હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવી કેટલી સરળ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માનસી દાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

જમ્મુ-કાશ્મીરને કલમ 370 અંતર્ગત મળતો વિશેષાધિકાર પરત લેવાની કેન્દ્ર સરકારે ઘોષણા કરી દીધી છે.

માનવામાં આવી રહ્યું છે કે હવે દેશનાં બીજાં રાજ્યોના લોકોને પણ અહીં જમીન ખરીદવાની તક મળી શકશે.

અત્યાર સુધી કાયદાની રીતે જમ્મુ-કાશ્મીરમાં માત્ર કાયમી નાગરિકતા ધરાવતા એટેલે કે રાજ્યમાં સ્થાયી રીતે રહેનારા લોકો જ જમીન ખરીદી શકતા હતા.

જોકે, હવે કલમ 370માં રહેલો આર્ટિકલ 35A ખતમ થઈ ગયો છે, જેમાં અન્ય રાજ્યોનાં લોકો પર કાશ્મીરમાં જમીન ખરીદવા પર રોક હતી.

line

જમીન ખરીદવી હવે કેટલી સરળ થઈ જશે?

જમીન

ઇમેજ સ્રોત, Getty Images

જમ્મુ ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ રાકેશ ગુપ્તા કહે છે, "હવે રોકાણકારો માટે અહીં જમીન ખરીદવી ખૂબ સરળ થઈ જશે."

"જેવી રીતે ભારતના અન્ય હિસ્સાઓમાં કોઈ વ્યક્તિ ઘર માટે કે બિઝનેસ માટે જમીન ખરીદે છે, બસ એવી જ રીતે અહીં જમીન ખરીદી શકાશે."

તેઓ કહે છે, "અહીં ના તો મોટી કંપનીઓ આવે છે, ના તો મોટી હોટલો, ના મોટી હૉસ્પિટલો, ના ડૉક્ટરો આવે છે."

"એ લોકો જેમણે અહીં વર્ષો સુધી નોકરીઓ કરી છે અથવા જે લોકો અહીં આવીને વસી ગયા છે, તે લોકો અહીં રહેવા માગે તો તેમને રહેવા માટે પોતાનું ઘર પણ મળતું નથી."

રાકેશ ગુપ્તા એ વાત તરફ ઇશારો કરે છે કે 35A અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરીઓમાં માત્ર અહીં સ્થાયી નિવાસીને જગ્યાઓ મળતી હતી. હવે બીજા લોકો પણ નોકરી માટે અરજીઓ કરી શકે છે.

જોકે, રાકેશ ગુપ્તા કહે છે કે જે રીતે કાયદાઓ મેદાની પ્રદેશોમાં હોય છે એવી જ રીતે કાયદાઓ પહાડી વિસ્તારોમાં હોતા નથી.

તેમને આશા છે કે સરકાર પર્યાવરણને ધ્યાનમાં રાખશે તો તે રાજ્યના હિતમાં હશે.

બંધારણના નિષ્ણાત કુમાર મિહિરે બીબીસી સંવાદદાતા વિનીત ખરેને જણાવ્યું, "એ કંપનીઓ અને રોકાણકારો માટે મોટી સમસ્યા હતી જેઓ ત્યાં નાણાં રોકવા માગતા હતા."

"એ સ્થિતિમાં એવી મજબૂરી હતી કે મોટા રોકાણ સાથે વ્યવસાય કરવો હોય તો ત્યાંના નાગરિકના નામે જમીન ખરીદવી પડતી. હવે આ સ્થિતિમાં ફેરફાર થશે."

તેઓ કહે છે, "ભારતમાં કેટલાક આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારો અને કેટલાંક રાજ્યો (ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો)માં આ પ્રકારની જોગવાઈઓ કે જેમાં અન્ય રાજ્યની વ્યક્તિઓ સીમિત માત્રામાં જમીન ખરીદી શકે છે."

"જોકે, જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ જમીન ખરીદી શકશે. તેમને પર્મેનન્ટ રેસિડેન્ટ ન હોવાને કારણે તેનાથી વંચિત રહેવું નહીં પડે."

line

જમીન ખરીદવા અંગે અન્ય રાજ્યોમાં શું છે કાયદા?

કાશ્મીરની શેરી

ઇમેજ સ્રોત, EPA

જમ્મુ-કાશ્મીર સિવાય કેટલાંક અન્ય રાજ્યોમાં પણ એવી જોગવાઈ છે કે રેસિડેન્ટ ન હોય તેને જમીન હસ્તાંતરિત કરી શકાતી નથી.

બીજા પ્રદેશોમાં લોકો માટે ઉત્તરાખંડમાં જમીન ખરીદવી સરળ નથી. એ વ્યક્તિ જે રાજ્યની પર્મેનન્ટ રેસિડેન્ટ નથી. તે માત્ર 1800 વર્ગફૂટ સુધીની જમીન ખરીદી શકે છે.

હિમાચલ પ્રદેશમાં એક વિશેષ જોગવાઈ અનુસાર ખેડૂતો ના હોય તેવા લોકોને જમીન હસ્તાંતરિત કરવા પર રોક છે.

એનો અર્થ એવો થયો કે અન્ય રાજ્યોની સાથે સાથે જે ખેડૂત ના હોય તેવા હિમાચલવાસીઓ પણ સીધી રીતે જમીન ખરીદી શકતા નથી.

હિમાચલી ડોમિસાઇલ પ્રમાણપત્ર રાખનારા પણ સરકારની મંજૂરીથી જ શહેરી વિસ્તારોમાં ઘર બનાવવા કે વ્યવસાય માટે સીમિત પ્રમાણમાં જમીન ખરીદી શકે છે.

જ્યારે 5મી અનુસૂચિ અને વનાધિકાર કાયદા અનુસાર, આદિવાસીઓની જમીન બિન-આદિવાસીઓને આપી શકાતી નથી.

line

જમ્મુ-કાશ્મીરની મહિલાઓના ખાતામાં શું આવશે?

મહિલાઓ

ઇમેજ સ્રોત, Reuters

જો જમ્મુ-કાશ્મીરની પર્મેનન્ટ મહિલા રેસિડેન્ટ બીજા રાજ્યના પુરુષો જોડે લગ્ન કરે તો 35A અંતર્ગત તેમનો અને તેમનાં સંતાનોનો પર્મેનન્ટ રેસિડેન્ટનો દરજ્જો છીનવી લેવામાં આવતો.

જોકે, આ નિયમ પર્મેનન્ટ પુરુષ રેસિડેન્ટ પર લાગુ પડતો ન હતો.

તેન મતલબ એ છે કે આવી મહિલાઓ અને તેમનાં સંતાનોનો મહિલાનાં માતાપિતા કે પૂર્વજોની સંપત્તિ પર કોઈ અધિકાર રહેતો નથી.

આ મુદ્દાને લઈને કેટલીક મહિલાઓએ વર્ષ 2002માં જમ્મુ-કાશ્મીરની હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

તેમની દલીલ હતી કે પર્મેનન્ટ રેસિડેન્ટના દરજ્જાને લઈને મહિલાઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે, જે બંધારણની કલમ 14 (જેના અનુસાર કાયદાની સામે તમામને સમાન અધિકારી છે)નું ઉલ્લંઘન છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

કોર્ટે પોતાના ચુકાદામાં મહિલાઓના અધિકારો તો સુરક્ષિત કરી દીધા પરંતુ તેમનાં બાળકોના અધિકારો સુરક્ષિત કર્યા નહીં.

સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ ચારુ વલી ખન્ના સવાલ કરે છે, "એક પરિવાર એક એકમ નથી શું? જો હું મરી જાઉં તો મારી સંપત્તિ મારા પતિ અને બાળકોને ન મળે અને શું સરકારને મળશે?"

આ મુદ્દાને લઈને આગળ વધનારાં ચારુ વલી ખન્નાએ આર્ટિકલ 35Aને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

તેઓ કહે છે, "આ કારણે તમને ભારત સરકારની સ્કૉલરશિપ યોજનાનો ફાયદો મળતો નથી, તમને અભ્યાસ માટે મેડિકલ કૉલેજમાં ઍડમિશન મળતું નથી."

"સરકારી નોકરીઓ મળતી નથી. તમે સંસદ માટે મતદાન કરી શકો છો પરંતુ જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે મતદાન કરી શકતા નથી."

તેઓ કહે છે કે આ કાયદોએ જમ્મુ-કાશ્મીરની મહિલાઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી દીધી હતી. કાશ્મીરની હોવા છતાં તે અન્ય રાજ્યની વ્યક્તિ જોડે લગ્ન કરે તો તે પોતાના બધા હક ગુમાવી દે છે.

370 ખતમ થઈ જવા પર ચારુ વલી ખન્ના ખુશ છે. તેઓ કહે છે, "મને લાગે છે મારી લડાઈ સફળ થઈ ગઈ કારણ કે અમારે મતલબ વિના લડવું પડ્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો