કલમ 370 : મોદી સરકારનો નિર્ણય કોર્ટમાં જશે તો શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લોકસભાની ચૂંટણી દરમિયાન આપેલા વચન પ્રમાણે, કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હેઠળ રાજ્યને મળતા વિશેષાધિકારને નાબૂદ કરી દીધો છે.
અનુચ્છેદ 370 થકી ભારત પ્રશાસિત કાશ્મીરને ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો અને તેને પોતાના કાયદા બનાવવાની છૂટ હતી. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાગુ હતું.
હવે સરકારની યોજના છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એ બન્ને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.
રાજ્યનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યાં છે.
શું આ બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે? આ અંગે કાયદાકીય નિષ્ણાતો વિરોધાભાસી અભિપ્રાય ધરાવે છે.

સુપ્રીમમાં પડકારી શકાશે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીનાં પ્રતિનિધિ સુચિત્રા મોહંતી સાથે પૂર્વ ઍડિશનલ સોલિસિટર જનરલ તથા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિકાસ સિંહનું માનવું છે કે કેન્દ્ર સરકારના આ પગલાંને સર્વોચ્ચ અદાલતમાં પડકારી નહીં શકાય.
સિંહના કહેવા પ્રમાણે, "અનુચ્છેદ 370 હેઠળ મળેલા વિશેષાધિકારને પાછા ખેંચવા તથા 35-Aની નાબૂદી એ સંપૂર્ણપણે કાર્યપાલિકાના અધિકારક્ષેત્ર હેઠળની બાબત છે."
"મને નથી લાગતું કે તેને સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાશે અને તેને પડકારવામાં આવશે તો તે ટકશે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિંહના કહેવા પ્રમાણે, આ એક હંગામી જોગવાઈ હતી અને સરકારે તેને દૂર કરી છે. હવે જમ્મુ અને કાશ્મીરની જનતાને ભારતીય બંધારણ હેઠળ મળેલા મૂળભૂત અધિકારો તથા લાભો મળશે.
જોકે, અન્ય એક પૂર્વ ઍડિશનલ સોલિસિટર જનરલ તથા સર્વોચ્ચ અદાલતના વકીલ કે. સી. કૌશિક અલગ અભિપ્રાય ધરાવે છે, તેમનું માનવું છે કે કેન્દ્ર સરકારના આ પગલાને સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાશે.
કૌશિકે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "જે કોઈને પક્ષ નારાજ થયો હોય, તે આ પગલાને કાયદાકીય રીતે પડકારી શકે છે."
"કયો પક્ષ કે સંગઠન તેને પડકારશે, તે અંગે હું અત્યારે કશું કહી શકું તેમ નથી, પરંતુ પડકારશે."

ઇમેજ સ્રોત, Getty Images
કૌશિકના કહેવા પ્રમાણે, બંધારણમાં સ્પષ્ટપણે નિર્દેશ છે કે જો કોઈ નાગરિક, પક્ષ કે સંગઠનને સરકારના કોઈ ચુકાદા કે આદેશ સામે અસંતોષ હોય તો તે સંબંધિત અદાલતમાં તેને પડકારીને રાહત માગી શકે છે.
કૌશિકે કેન્દ્રની મોદી સરકારના આ પગલાને આવકાર્યું હતું, પરંતુ તેને કેવી રીતે લાગુ કરાશે તે અંગે કાળજીપૂર્વક બારીક નજર રાખવાની જરૂર છે.
ડૉ. સુરતસિંહે સરકારના આ પગલાને કાયદાકીય રીતે પડકારવા અંગે કોઈ અભિપ્રાય આપવાનો ઇન્કાર કર્યો હતો, જોકે તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર સકારાત્મક પાસા અંગે જ વાત કરશે.
1950થી જે નથી થયું, તે હવે થયું છે. "દેશના એકીકરણ માટે આ પગલું લાંબા સમય પહેલાં લેવાઈ જવું જોઈતું હતું. તેના માટે માત્ર રાજકીય ઇચ્છાશક્તિની જરૂર હતી, જે હવે પ્રદર્શિત થઈ છે. આ અંગે કોઈ બંધારણીય વાંધો નથી."
ડૉ. સુરતસિંહ આંતરરાષ્ટ્રીય વકીલ છે અને તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા વકીલાત કરતા હતા ત્યારે તેમના સહાયક તરીકે કામ કરતા હતા.

તણાવ, 370 અને અવઢવ

ઇમેજ સ્રોત, BBC MONITORING
જોકે, હજુ પણ કલમની નાબૂદીનો મામલો ગૂંચવાયેલો છે. કેટલીક મીડિયા સંસ્થાઓનું કહેવું છે કે આ પગલું હજુ સુધી પ્રસ્તાવના સ્તર પર છે તો એનડીટીવી જેવી ચેનલનું કહેવું છે કે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કલમ 370 નાબૂદ થઈ ગઈ છે.
છેલ્લા થોડા દિવસથી કાશ્મીરમાં તણાવનો માહોલ ઊભો થયો હતો, જેના પગલે આ ઘટનાક્રમને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
હજારો લોકો કાશ્મીર છોડી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં હુમલાના ખતરાના એંધાણને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ પ્રવાસીઓ અને અમરનાથયાત્રામાં જોડાયેલા યાત્રીઓને જેમ બને તેમ જલદી કાશ્મીર છોડવાના આદેશ આપ્યા હતા.
મોટા-મોટા મંત્રીઓને નજરકેદ કરીને રાખવામાં આવ્યા અને રિપોર્ટ પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મોબાઇલ, ઇન્ટરનેટ અને ફોન લાઇન બંધ કરી દેવામાં આવી હતી.
આ પગલું ભાજપે સ્થાનિક પાર્ટી પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી સાથે ગઠબંધન તોડ્યા બાદ ભર્યું છે.

અત્યાર સુધી શું બન્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દેશના ગૃહમંત્રી અમિત શાહે 5 ઑગસ્ટના રોજ સંસદમાં કલમ 370ને નાબૂદ કરવાની ઘોષણા કરી હતી.
તેમણે સંસદમાં કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મામલે આદેશ પર હસ્તાક્ષર પણ કરી દીધા છે.
આ નિર્ણય સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે યોજાયેલી કૅબિનેટ મિટિંગ બાદ લેવામાં આવ્યો હતો.
આ પગલા અંગે છેલ્લા એક અઠવાડિયાથી જ લોકોમાં ધારણાઓ બંધાવા લાગી હતી, સરકારે રાજ્યમાં 10 હજાર વધારે સૈન્યબળની તહેનાતી કરી.
સરકારે સ્થાનિક પોલીસને પણ ઇમર્જન્સી ઑર્ડર આપ્યા હતા અને મસ્જિદોને દેખરેખ હેઠળ રાખવાના આદેશ આપ્યા હતા.
2 ઑગસ્ટના રોજ સરકારે અમરનાથયાત્રા રદ કરવાની વાત કરી, જેથી અનિશ્ચિતતાની સ્થિતિ વકરી.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કદાચ અમરનાથયાત્રાના રૂટ પર ઉગ્રવાદી હુમલો થઈ શકે છે.
2 ઑગસ્ટના રોજ મીડિયા રિપોર્ટ્સ દ્વારા માહિતી આપવામાં આવી કે વિસ્તારમાં વધારે 25000 સૈન્યબળની તહેનાતી કરવામાં આવી છે.
આવી આશંકા કાશ્મીરમાં વારંવાર વ્યક્ત કરવામાં આવે છે, એટલે અધિકારીઓએ વારંવાર લોકોને સલાહ આપી કે તેઓ ભયભીત ન થાય.
પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહને 4 ઑગસ્ટની રાતથી નજરકેદ રાખવામાં આવ્યા હતા.
સોમવારે સાંજે મહેબૂબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી અને તેમને ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યાં હતાં.
એનડીટીવીના અહેવાલ મુજબ, પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહની પણ ધરપકડ કરવામાં આવી છે.
સરકારે સાવચેતીના ભાગરૂપે લોકોને મોટી સંખ્યામાં એક સ્થળે એકત્રિત થવાની અને જાહેર સ્થળે મિટિંગ કરવાની ઉપર નિયંત્રણ લાદ્યાં હતાં.
4 ઑગસ્ટના રોજ સ્થાનિક પાર્ટીઓના નેતાઓએ એક મિટિંગનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તેમણે સરકારને જમ્મુ- કાશ્મીર પાસેથી વિશેષાધિકાર લઈ લેવાના પરિણામો અંગે ચેતવણી આપી હતી.

આ બધું શા માટે થયું?

ઇમેજ સ્રોત, Getty Images
સત્તાધારી પક્ષ ભાજપે લાંબા સમયથી ભારતના બંધારણમાંથી કલમ 370ને નાબૂદ કરવાનું નક્કી કર્યું હતું. આ કલમ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી હતી.
સરકારની દલીલ હતી કે આ પ્રકારના કાયદાથી વિસ્તારના વિકાસમાં અડચણો ઊભી થઈ રહી હતી.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણીપ્રચારમાં પણ ભાજપે કલમ 370ને નાબૂદ કરવાની વાત કરી હતી.
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવ્યું હતું, "કલમ 370ને નાબૂદ કરવા માટે અમે જન સંઘના સમયથી પ્રયાસ કરી રહ્યા છીએ."
ભાજપે કલમ 35Aને પણ નાબૂદ કરવાની વાત કરી હતી, જે અન્ય રાજ્યોને જમ્મુ-કાશ્મીરમાં પ્રૉપર્ટી ખરીદવાથી અથવા તો ત્યાં સરકારી નોકરી મેળવતા અટકાવતી હતી.
કલમ 35Aને સુપ્રીમ કોર્ટમાં પણ ઘણાં સંગઠનો અને ભાજપના નેતાઓએ પડકારી હતી.
પૂર્વ મુખ્ય મંત્રીઓ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહ બન્ને કલમ નાબૂદ કરવાની વિરુદ્ધ રહ્યાં છે અને આ મામલે તેમણે ઘણી વખત સરકારને ચેતવણી પણ આપી છે.
ઘણા લોકોને ડર છે કે જો દેશના અન્ય ભાગમાંથી લોકોને અહીં સંપત્તિ ખરીદવાનો હક મળી જશે અને લોકો અહીં આવીને વસવા લાગશે, તો મુસ્લિમ વસતી ધરાવતા આ વિસ્તારનું નાગરિકત્વ બદલાઈ જશે.

શું છે નેતાઓની પ્રતિક્રિયા?

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ નિર્ણયની નિંદા કરી. તેમણે ટ્વીટ કર્યું, "ભારતના લોકતંત્રનો આ સૌથી કાળો દિવસ છે."
કૉંગ્રેસ નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ગુલામ નબી આઝાદે પણ ભાજપ સરકારના નિર્ણયની નિંદા કરી છે.
ઇન્ડિયા ટૂડે વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે ગુલામ નબી આઝાદે કહ્યું:
"ભાજપ બંધારણનો મજાક ઉડાવી રહ્યો છે. અમે ભારતના બંધારણને માન આપીએ છીએ."
"અમે ભારતના બંધારણને અમારો જીવ આપી તેની સુરક્ષા કરીશું, પરંતુ આજે ભાજપે બંધારણની હત્યા કરી નાખી છે."
જોકે, આ તરફ ભાજપની સાથે બીજી ઘણી મોટી પાર્ટીઓએ સરકાર દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કર્યું છે.
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે સરકારનું આ પગલું દેશની એકતા અને અખંડતા માટે ઐતિહાસિક છે.
ધ હિંદુમાં છપાયેલા લેખ અનુસાર અરુણ જેટલીએ કહ્યું કે "આ નિર્ણયથી સૌથી વધારે મદદ જમ્મુ-કાશ્મીરના લોકોને મળશે."
આ જ રીતે પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપ નેતા સુષમા સ્વરાજે આ નિર્ણયને 'સાહસિક અને ઐતિહાસિક' નિર્ણય ગણાવ્યો.

હવે આગળ શું?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા કાશ્મીરીઓનું માનવું છે કે આ કલમ નાબૂદ કરવાથી તણાવ વધશે.
આ તણાવે ત્યારે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા ખાતે ભારતીય સેના પર હુમલો થયો હતો અને તેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.
હવે સરકારે જે નિર્ણય લીધો છે તેનાથી કાશ્મીર ખીણમાં વિરોધ પ્રદર્શન વધવાની આશંકા છે.
એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે LoC પર તણાવ વધી શકે છે.
3 ઑગસ્ટના રોજ પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો હતો કે તેણે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ કરી નાગરિકો પર નિશાન સાધ્યું હતું, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં.
જોકે, ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે ભારતીય સૈનિકો માત્ર પાકિસ્તાનના ઘૂસણખોરોના પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












