ઇમરાન ખાન: મોદી સરકારના આ પગલાથી પુલવામા જેવા હુમલા થશે

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ત્યાંની સંસદમાં કહ્યું, "આ હવે ગંભીર મુદ્દો બની ગયો છે. તેઓ કાશ્મીરની સ્વતંત્રતાને દબાવવા માટે વધુ પ્રયાસ કરશે. તેઓ કાશ્મીરીઓને સમાન નથી ગણતા."
"તેઓ કાશ્મીરીઓને દબાવવા પ્રયાસ કરશે. એટલે પુલવામા જેવી ઘટનાઓ ઘટશે. આની વિરુદ્ધ અમે લોહીના અંતિમ બુંદ સુધી લડાઈ લડીશું."
"અમે ન્યુક્લિયર બ્લૅકમેલ નથી કરી રહ્યા. હું સામાન્ય બુદ્ધિ વાપરવા કહું છું. 'સારાની આશા રાખીએ અને ખરાબની તૈયારી રાખવી' જોઈએ."
"હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરું છું કે જો તેઓ અત્યારે કશું નહીં કરે તો તેના ગંભીર પરિણામ આવશે."
ઇમરાન ખાને કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિંદુઓને મુસલમાનો કરતાં ઉચ્ચ માને છે. ઇમરાને સરકારની સરખામણી જર્મનીના નાઝીઓની સાથે કરી હતી અને કહ્યું હતું કે ભારતમાં વિપક્ષને દબાવી દેવામાં આવ્યો છે.
ઇમરાને ઉમેર્યું કે આ વિચારધારાએ ગાંધીની હત્યા કરી હતી. જો વિકસિત રાષ્ટ્ર પોતાના કાયદાનો અમલ નહીં કરાવે તો અમે જવાબદાર નહીં હોઈએ.
ઇમરાન ખાને ભારતના પગલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવાની તથા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઉઠાવવાની વાત કહી હતી. સમગ્ર વિશ્વના મુસ્લિમો કાશ્મીરની સાથે છે.
પાકિસ્તાનના અખબારોએ 370 અને કાશ્મીરના અહેવાલ છાપ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પાકિસ્તાની અખબારોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, tribune.com.pk
ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 હટાવી દેવાની વાત ભારતની જેમ પાકિસ્તાનના મીડિયામાં પણ છવાયેલી છે.
પાકિસ્તાને ભારતના આ પગલાંની નિંદા કરી છે અને કહ્યું છે આ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન છે.
કલમ 370 નાબૂદ કરવાના અને જમ્મુ-કાશ્મીરના સમાચારો પાકિસ્તાનના અખબારોમાં છવાયેલા છે.
ભારત સરકારના નિર્ણય અને પાકિસ્તાનની ટીકા તથા યુએનના પ્રસ્તાવની વાતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
પાકિસ્તાનનું અખબાર ટ્રિબ્યૂને પ્રથમ પાને કાશ્મીરના સમાચાર છાપતાં લખ્યું છે કે ભારતે કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત ખેંચી લીધો છે.
સંપત્તિ ખરીદવા પર લાગેલી રોકને હટાવી દીધી છે અને કાશ્મીરમાં સંચારબંધી લાગુ કરી દીધી છે.
અખબારે પાકિસ્તાને આપેલી પ્રતિક્રિયાને પ્રથમ પાને છાપતાં લખ્યું છે કે પાકિસ્તાન ભારતના આ ગેરકાયદે પગલાને નકારે છે.
ઉપરાંત ભારતના ન્યાય વ્યવસ્થાની ખરી પરીક્ષા તથા ભારતના પત્રકારો, કાયદા નિષ્ણાતો અને રાજકારણીઓએ આ પગલા સામે કરેલા વિરોધને પણ તેણે પ્રથમ પાને જગ્યા આપી છે.

ઇમેજ સ્રોત, pakistantoday
પાકિસ્તાન ટૂડે નામના અખબારે પ્રથમ પાને નરેન્દ્ર મોદીની તસવીર સાથે કાશ્મીર અંગેના સમાચાર પ્રગટ કર્યા છે.
આ સાથે જ અખબારે મહેબૂબા મુફ્તીની ધરપકડના સમાચારને પણ પ્રથમ પાને જગ્યા આપી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું નિવેદન, ભારતનું કાશ્મીર અંગેનું આ પગલું ક્ષેત્રની શાંતિને ડહોળશે, પણ અખબારે પ્રથમ પાને છાપ્યું છે.
આ ઉપરાંત અખબારે કુલ ચાર પાનાં ભરીને કાશ્મીર અંગેના સમાચારો છાપ્યા છે.

ઇમેજ સ્રોત, dawn
પાકિસ્તાનના પ્રતિષ્ઠિત અખબાર ડોન ન્યૂઝે પણ કાશ્મીરના સમાચારને પ્રથમ પાને હેડલાઇન સાથે છાપ્યા છે.
અખબારે પાકિસ્તાનની નેશનલ સિક્યૉરિટી કમિટીનું નિવેદન છાપતાં લખ્યું છે કે ભારતનું બુદ્ધિહીન પગલું ક્ષેત્રમાં અશાંતિ પેદા કરશે.
આ સાથે જ તેણે લખ્યું છે કે પાકિસ્તાન ભારતના આ પગલાનો મક્કમતાથી જવાબ આપશે.
સાથે જ તેણે કાશ્મીરમાં સુરક્ષાદળોની ભારે હાજરીના સમાચારોને સ્થાન આપતા લખ્યું છે કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભારતનાં સુરક્ષાદળોએ સ્ટીલ બેરિયર અને રેઝર વાયરને રોડ પર રાખી દીધા છે.
ભારતે લગાડેલી 144ની કલમનો ઉલ્લેખ કરતાં અખબાર લખે છે કે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવી છે.

ઇમેજ સ્રોત, pakobserver
'પાકિસ્તાન ઑબ્ઝર્વર' નામના અખબારે કાશ્મીરના વિશેષધિકારને પરત લઈ લેવાના સમાચારોને પ્રથમ પાને પ્રમુખતાથી પ્રકાશિત કર્યા છે.
અખબાર લખે છે કે ભારતીય આર્મી અને ઍરફોર્સને હાઇએલર્ટ પર રખાયાં છે, કાશ્મીર ખીણમાં વધારે સુરક્ષાદળો મોકલાઈ રહ્યાં છે, મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.
ઉપરાંત જાહેર મિટીંગો અને રેલીઓ પરના પ્રતિબંધનો પણ અખબારે ઉલ્લેખ કર્યો છે.
ભારતની કૉંગ્રેસના નેતા ગુલામનબી આઝાદના નિવેદનને પણ અખબારે પ્રથમ પાને જગ્યા આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે ભાજપે આજે બંધારણની હત્યા કરી છે.
પાકિસ્તાન દ્વારા ભારતના આ પગલાંને નકારવાની વાતને પણ અખબારે પ્રથમ પાના પર જગ્યા આપી છે.
ઉપરાંત અખબારે કાશ્મીરીઓ માટે પ્રાર્થના કરાવાની એક અપીલ પણ પ્રથમ પાને છાપી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












