ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આમ આદમી પાર્ટીને કારણે ભાજપ-કૉંગ્રેસ વચ્ચેનો ચૂંટણીજંગ કેટલો બદલાશે?

ઇમેજ સ્રોત, @PatilOffice
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા

- ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં હવે ભાજપ, કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.
- આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2017માં આવી હતી અને 40 સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
- નિષ્ણાતોના મતે હાલની પરિસ્થિતિમાં એવું લાગે છે કે આપ ગુજરાતમાં સારી રીતે કામ કરી રહી છે, જે કૉંગ્રેસ માટે સારા સમાચાર નથી.
- છેલ્લાં 20 વર્ષનું કૉંગ્રેસનું સૌથી સારું પર્ફોર્મન્સ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હતું. જેમાં તેણે 77 સીટ મેળવી હતી.

ગુજરાતની રાજનીતિમાં એક તરફ છે છેલ્લા અઢી દાયકાથી સત્તા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ માત્ર વિપક્ષ બની ગયેલી કૉંગ્રેસ પાર્ટી છે.
સત્તાપક્ષ અને વિપક્ષ તરીકે આ બન્ને પાર્ટીઓની આસપાસ જ રાજ્યનું રાજકારણ ચાલે છે પણ હવે આમ આદમી પાર્ટી આ બેઉની વચ્ચે પોતાની જગ્યા બનાવવાની ફિરાકમાં છે.
સત્તાવિરોધી જુવાળ છે અને જનતા અનેક સવાલોથી પરેશાન છે છતાં ભાજપનો દાવો તમામ 182 બેઠકો જીતી જવાનો છે અને તેની સામે આમ આદમી પાર્ટી પણ અને કૉંગ્રેસ પણ ભાજપને હરાવી સરકાર બનાવશે એવું કહી રહી છે.
જોકે, અનેક રાજકીય નિષ્ણાતો 2022ની ચૂંટણી વિપક્ષ કોણ બનશે એ રીતે મહત્ત્વની બની રહેશે એમ માને છે. યાને મામલો, નંબર એકનો જ નહીં નંબર બેનો પણ અઘરો થઈ રહ્યો છે.
અનેક નિષ્ણાતોનું કહેવું છે કે હાલ રાજ્યમાં 2017ની વિધાનસભાની ચૂંટણીથી વિપરીત સ્થિતિ સર્જાઈ છે. 2017માં જ્યાં એક તરફ ભાજપને સત્તા ટકાવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી, ત્યાં આ વર્ષે પ્રાથમિક તબક્કે ભાજપ ફરીથી સત્તા જાળવી રાખવામાં સફળ રહેશે એવું આકલન કરવામાં આવી રહ્યું છે.
કોવિડની વાત હોય કે મોઘવારીની, બેરોજગારીની વાત હોય કે આર્થિક મંદીની- આ તમામ મુદ્દાઓ રાજ્યની ચૂંટણીમાં નહીં ચાલે તેવું અનેક લોકો માને છે. જો ખરેખર એવું છે તો પછી ગુજરાતની ચૂંટણીમાં ખરેખર લડાઈ કયા મુદ્દે છે અને ભાજપ-કૉંગ્રેસ અને 'આપ'નું સ્થાન તેમાં ક્યાં છે?

નંબર-2ની લડાઈ પણ ખૂબ મોટી

ઇમેજ સ્રોત, @AAPGujarat
તો શું આ વખતની ચૂંટણી નંબર ટુ યાને કે વિપક્ષની જગ્યા કોણ લેશે તે માટે છે?
રાજકીય વિશ્લેષક મનીષી જાની કહે છે કે, "એકંદરે આવું કહેવું ખોટું નહીં હોય, કારણ કે એક તરફ તૂટેલી, નીરસ અને થાકેલી કૉંગ્રેસ છે, જ્યારે બીજી તરફ ફ્રેશનેસ સાથે આવેલી આમ આદમી પાર્ટી છે. માટે જે લોકોને ભાજપને વોટ નથી આપતા તેમની માટે હવે બે વિકલ્પ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનીષી જાની માને છે કે આમ આદમી પાર્ટીને કંઈ ગુમાવવાનું નથી અને માટે તે જે કરે તે તેના ફાયદા માટે જ છે.
છેલ્લાં 20 વર્ષનું કૉંગ્રેસનું સૌથી સારું પર્ફોર્મન્સ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હતું. જેમાં તેણે 77 સીટ મેળવી હતી. બીજી બાજુ ભાજપ જે 150 બેઠકો જીતવાનો દાવો કરતો હતો તેને 99 સીટ મળી હતી.
2017ની ચૂંટણી સમયે એક તરફ હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલને વેગ પકડ્યો હતો, તો બીજી તરફ અલ્પેશ ઠાકોરની પણ લહેર હતી, જ્યારે જિજ્ઞેશ મેવાણી પણ દલિત આંદોલન થકી ચર્ચામાં હતા. આને કારણે આ ભાજપ વિરુદ્ધના મત ઉપરાંત દલિત, પાટીદાર, આદિવાસી અને ઓ.બી.સી.ના પણ મતો કૉંગ્રેસ તરફ ગયા હતા એવું કહેવાય છે.
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "જો આ વખતની ચૂંટણીમાં પણ કૉંગ્રેસ 2017 પ્રકારનો કોઇ ચમત્કાર થવાની ધારણા કરીને બેઠી હોય તો તે ભૂલ કરી રહી છે, કારણ કે આ વખતે ભાજપથી નારાજ હોય તેવા લોકો માટે 'આપ' છે, માટે આ વખતે ચૂંટણીમાં આપ વિરુદ્ધ કૉંગ્રેસની લડાઈ વધારે રસપ્રદ બનવાની છે."

કૉંગ્રેસ પાસે સંગઠન પણ ગ્રાઉન્ડ વર્કનો મુદ્દો

ઇમેજ સ્રોત, @INCGujarat
ઘનશ્યામ શાહ કહે છે કે, "આપ કરતાં કૉંગ્રેસ પાસે મોટું સંગઠન છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેની પાસે એવા લોકો નથી જે ગ્રાઉન્ડ પર જઈને કામ કરી શકે, જ્યારે બીજી બાજુ આપમાં હાલમાં એવા લોકો આવ્યા છે, જેમને ગ્રાઉન્ડ પર જઈને કામ કરવું છે, લોકોની વચ્ચે રહેવું છે, ભલે તે ભાજપમાં હતા કે કૉંગ્રેસમાં, તેમને જે ત્યાં કરવાનું ન મળ્યું તે હવે તેમને અહીં કરવાનું મળી રહ્યું છે."
મનીષી જાની કહે છે કે, "જો છેલ્લા ચાર મહિનાની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સ્તરે જે કૉંગ્રેસ મોંઘવારીને લઈને ઉગ્ર આંદોલનો કરી રહી છે, તે ગુજરાતમાં લઠ્ઠાકાંડ જેવી મોટી ઘટના બાદ પણ સરકાર સામે ન આવી શકી."
"મરનારા પરિવારની મુલાકાતો અને મીડિયામાં સ્ટેટમેન્ટ પૂરતી લઠ્ઠાકાંડમાં કૉંગ્રેસની વિપક્ષ તરીકેની ભૂમિકા હતી. જોકે, સરકારની સામે તે માટે જે આંદોલન થવું જોઈએ તે કરવા માટે મુખ્ય વિપક્ષ તરીકે કૉંગ્રેસ નિષ્ફળ ગઈ છે."
રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા કહે છે કે, "હાલની પરિસ્થિતિમાં ભાજપે જે રીતે પોતાની તૈયારીઓ શરૂ કરી છે, તે જોઈને લાગે છે કે તેમને સરકારી ફરીથી બનાવવા માટે કોઈ તકલીફ નહીં પડે. બીજી તરફ કૉંગ્રેસ પાર્ટીના નેતાઓ જે રીતે પક્ષ છોડીને જઈ રહ્યા છે, તેને લઈને તેમના કાર્યકરો નિરાશ થતા હોય છે."
વિશ્લેષક વિષ્ણુ પંડ્યા કહે છે કે, "કૉંગ્રેસ સામે મોટો પડકાર છે, કારણ કે તેમની પાસે કાર્યકર્તાઓની કમી જોવા મળી રહી છે, બીજી તરફ આપ પાસે કાર્યકર્તાઓની સંખ્યા વધી રહી છે."

"આમ આદમી પાર્ટી કૉંગ્રેસનો વિકલ્પ ન બની શકે"

ઇમેજ સ્રોત, ANI
ઘનશ્યામભાઇ શાહ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે હાલની પરિસ્થિતિમાં એવું લાગે છે કે આપ ગુજરાતમાં સારી રીતે કામ કરી રહી છે, જે કૉંગ્રેસ માટે સારા સમાચાર નથી.
"સામાન્ય માણસો જે મિડલ ક્લાસના હોય તે અને ઓછી આવકવાળા લોકો પણ ગુજરાતમાં વિકલ્પ શોધી રહ્યા છે અને કૉંગ્રેસ તે વિકલ્પ આપવામાં નિષ્ફળ ગઈ છે, તેને બહુ તકો મળી પરંતુ કૉંગ્રેસ તેનો ફાયદો નથી લઈ શકી."
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "આપનું કામ હાલમાં ચૂંટણીલક્ષી છે, ખરેખર તે કામ ચૂંટણીમાં વોટ લાવવામાં કેટલું ફાયદાકારક નીવડે તે જોવાનું રહેશે, પરંતુ આપ કૉંગ્રેસનો પર્યાય નહીં બની શકે."
"તે ચોક્કસપણે અમુક બેઠકો લઈ જશે, પરંતુ કૉંગેસનું સંગઠન જિલ્લા અને ગામડાંના સ્તર સુધી હોવાને કારણે કૉંગ્રેસ પણ સહેલાઈથી તેના મત આપ પાસે નહીં જવા દે."

ઇમેજ સ્રોત, @jigneshmevani80
તેઓ વધુમાં કહે છે કે, "આપ હજી સુધી ગામડાંમાં મજબૂત નથી, તેનું સંગઠન નાનાં શહેરોમાં મજબૂત થઈ રહ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટી નાનાં ગામોમાં હજી સુધી પાયાનું સંગઠન નથી બનાવી શકી."
વિદ્યુત જોશી કહે છે કે, "આપ પાસે કોઈ વિચારધારા ન હોવાને કારણે પણ ઘણા લોકો તેની સાથે જોડાઈ નથી શકતા, તેને માત્ર એક સર્વિસ પ્રોવાઇડિંગ પાર્ટી તરીકે જોવામાં આવે છે, પણ કૉંગ્રેસ સાથે એવું નથી, કારણ કે તેની પાસે એક વિચારધારા છે."

ગુજરાત પંજાબથી અલગ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/FBHARDIKPATEL
આમ આદમી પાર્ટી દિલ્હીમાં પ્રથમ વખતમાં જીત નહોતી મેળવી શકી અને બીજી વખતમાં સરકાર બનાવી હતી. એવી જ રીતે પંજાબમાં પણ પ્રથમ વખત તે ખૂબ જ ખરાબ રીતે હારી હતી, પરંતુ બીજી વખત તે ખૂબ જ સહેલાઈથી જીતી ગઈ હતી.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2017માં આવી હતી અને 40 સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
જોકે, આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર ડિપૉઝિટ પણ બચાવી શક્યો ન હતો.
વિદ્યુત જોષી કહે છે કે તાજેતરમાં પંજાબમાં કિસાન આંદોલનનો ફાયદો આપને થયો હતો, પણ ગુજરાતમાં એવી કોઈ લહેર હાલમાં ભાજપની સામે નથી માટે આપે અહીં પગ જમાવવા માટે ઘણી મહેનત કરવી પડશે.

ઇમેજ સ્રોત, Ani/twitter

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













